Thursday, May 12, 2011

૯/૦૪/૧૧ અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન ઇન્ટરનેટ ઉપર ફેલાઈ રહ્યું છે


બોલિવૂડના અનેક સિતારાઓ પણ અન્ના હજારેના સમર્થનમાં ઉપવાસ કરવા થનગની રહ્યા છે
ગાંધીજી જ્યારે જીવતા હતા ત્યારે તેમણે ઈન્ટરનેટ નામના માધ્યમની કલ્પના પણ નહીં કરી હોય. ૭૨ વર્ષના પ્રખર ગાંધીવાદી અન્ના હજારેએ પોતાની જિંદગીનાં પહેલાં ૫૦ વર્ષ સુધી ઈન્ટરનેટ જેવાં માધ્યમનું નામ પણ સાંભળ્યું નહીં હોય. ફેસબુક કોને કહેવાય તેની અન્ના હજારેને હજી થોડા મહિનાઓ પહેલા ખબર નહોતી. આ અન્ના હજારેનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન હવે ઇન્ટરનેટ ઉપર જંગલી દાવાનળની જેમ ફેલાઈ રહ્યું છે. તાજેતરમાં આરબ દેશોમાં જે ક્રાંતિ જોવા મળી રહી છે તેમાં ઈન્ટરનેટ અને ફેસબુકની મહત્ત્વની ભૂમિકા છે. આ કારણે આરબ દેશોની ક્રાંતિને જાસ્મિન રિવોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતમાં પણ ભ્રષ્ટાચારવિરોધી આંદોલન જાસ્મિન રિવોલ્યુશનનું સ્વરૃપ ધારણ કરી રહ્યું છે. અન્ના હજારેના આંદોલનમાં મોટી સંખ્યામાં તેમના કરતાં ચોથી ઉંમરના યુવકુયુવતીઓ જોડાઈ રહ્યા છે તેમાં ફેસબુક અને ટ્વીટર જેવી વેબ્સાઈટોનો ફાળો ખૂબ મોટો છે. દિલ્હીમાં અને ભારતનાં અન્ય શહેરોમાં અન્નાના ટેકામાં જે કેન્ડલ લાઈટ માર્ચો નીકળી રહી છે તેની જાહેરાત ફેસબુક અને ટ્વીટર ઉપર કરવામાં આવે છે. આજની યુવાપેઢી સુધી પહોંચવાનું સૌથી સક્ષમ સાધન ઈન્ટરનેટ છે અને અન્ના હજારેના સમર્થકો તેનો ખૂબીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. અન્ના હજારે નખશીખ ગાંધીવાદી છે. તેમ છતાં તેઓ ભારતના યુવાનોની નાડ પારખીને યુવાનોની ભાષામાં વાત કરી શકે છે. વળી ભારતનું યંગ જનરેશન અખબારોમાં રોજે રોજ રાજકારણીઓનાં કૌભાંડની વાતો જાણીને અંદરથી ઉકળી રહ્યું છે. તેમને પોતાનો રોષ વ્યક્ત કરવાનું સચોટ સાધન અન્ના હજારેના અહિંસક આંદોલનના સ્વરૃપમાં મળી ગયું છે. અન્ના હજારેનો મિજાજ પણ યુવાનોને સ્પર્શે તેવો છે. કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારે લોકપાલના ખરડા માટેની સમિતિના અધ્યક્ષપદેતી રાજીનામું આપી દીધું ત્યારે અન્નાએ ટકોર કરી હતી કે ''શરદ પવારે કેન્દ્રના પ્રધાન તરીકે પણ રાજીનામું આપી દેવું જોઈએ.'' આ મિજાજ યુવાનોને ખૂબ પ્રભાવિત કરે તેવો છે. આ કારણે ગૂગલ ઉપર સૌથી વધુ સર્ચ કરાતી વ્યક્તિઓમાં અન્નાએ સ્થાન હાંસલ કરી લીધું છે. ફેસબુક ઉપર અન્ના હજારેના યુવાન સમર્થકો દ્વારા તેમના અહિંસક આંદોલન બાબતમાં એક હોમપેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ હોમપેજની મુલાકાત લાખો લોકો લઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં આ હોમપેજને ૭૦,૦૦૦ 'લાઈક્સ' મળ્યા છે અને તેની સંખ્યા વધી રહી છે. અન્ના હજારેના આંદોલન બાબતમાં માહિતી આપવા માટે ‘indiaagainstcorruption.org' નામનું ખાસ હોમપેજ બનાવવામાં આવ્યું છે. આ હોમપેજના ફોલોઅર્સની સંખ્યા ૫,૭૦,૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. ટ્વીટર ઉપર આ બાબતના લાખો સંદેશાઓ આવી રહ્યા છે.
ફેસબુક ઉપર ‘India against Corruption' નામનું જે પેજ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં આંદોલનની રજે રજની વિગતો મૂકવામાં આવે છે. આ પેજ ઉપર છેલ્લામાં છેલ્લા સમાચાર એ મૂકવામાં આવ્યા છે કે અન્ના હજારેના સમર્થકો જન લોકપાલ બીલના ટેકામાં ૧૨મી એપ્રિલથી 'જેલ ભરો' આંદોલનની તૈયારીઓ કરી રહ્યા છે. કપિલ સિબ્બલ સાથેની મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. આ મુલાકાતથી એવી છાપ ઊભી થઈ છે કે સરકાર હજી સુધી અન્ના હજારેના સમર્થકોની કોઈ માગણી સ્વીકારવા તૈયાર નથી. ફેસબુક ઉપર અન્ના હજારેનો ટૂંકો સંદેશો મૂકવામાં આવ્યો છે કે ''જેલ જાના દૂષણ નહીં હૈ, ભૂષણ હૈ.''
૧૨ એપ્રિલથી શરૃ થનારા 'જેલ ભરો' આંદોલનની સરખામણી ગાંધીજીના 'કરેંગે યા મરેંગે' આંદોલન સાથે કરવામાં આવી રહી છે. આ માટે ફેસબુક ઉપર આહ્વાન કરરવામાં આવ્યું છે કે ''એ ખાકનશીનો, ઉઠ બેઠો! યહ વક્ત કરીબ આ પહુંચા હૈ, જબ તક્ત ગિરાયે જાયેંગે, જબ તાજ ઉછાલે જાયેંગે, જબ તૂટ પડેલી જંજીરે, જબ જિંદાનો કી ખૈર નહીં. ૧૨ એપ્રિલ, મંગલવાર, કરેંગે યા મરેંગે'' ફેસબુક ઉપર અન્ય એક સંદેશામાં લખવામાં આવ્યું છે કે 'અપની આઝાદી કો હમ હરગિઝ મિટા શકતે નહીં, શર કટા શકતે હૈ લેકિન શર ઝૂકા શકતે નહીં. ૧૨ એપ્રિલ સે જેલ ભરો.' ગાંધીજીની આગેવાની હેઠળ જે રીતે આઝાદીનો જંગ છેડવામાં આવ્યો હતો તેમ અન્ના હજારેના સમર્થકો આ જંગને બીજા આઝાદી જંગ તરીકે પણ ઓળખાવી રહ્યા છે. આપણા દેશમાં જો કોઈપણ બિનરાજકીય તાકાત હોય તો તે વિદ્યાર્થીઓની તાકાત છે. આ તાકાતને સંગઠિત કરવાનું કાર્ય અન્ના હજારે કરી રહ્યા છે. ટ્વીટર ઉપર અન્ના હજારેના સમર્થનમાં હજારો વિદ્યાર્થીઓના અને યુવાનોના સંદેશાઓ આપી રહ્યા છે. આમિર ખાને ટ્વીટર ઉપર લખ્યું હતું કે, ''ભારતની ક્રિકેટ ટીમને જેટલો ટેકો મળ્યો તેના કરતાં વધુ ટેકો અન્ના હજારેને મળવો જોઈએ. ટ્વીટર ઉપર અન્ના હજારેને ટેકો આપવા માટે આમિખ ખાન ઉપરાંત અન્ય ફિલ્મસ્ટારો પણ આગળ આવી રહ્યા છે. અનુપમ ખેરે લખ્યું છે કે ''મિત્રો, અન્ના હજારેની ઝુંબેશને ટેકો આપો. આપણા માટે આ એકમાત્ર આશા છે. જંતરમંતરમાં અદ્ભૂત થનગનાટ જોવા મળી રહ્યો છે.'' અનુપમ ખેર અન્ના હજારેના આંદોલનને ટેકો આપવા માટે પુણેથી ખાસ મુસાફરી કરીને દિલ્હી આવ્યો હતો. ટ્વીટર ઉપર અનુપમ ખેરનો આ સંદેશો વાંચીને સંજીત ખૈતાન નામના વાચકે પ્રશ્ન પૂછ્યો હતો કે, ''શાહરૃખ, અમિતાભ, તમે ક્યાં છો?'' સેલિના જેટલીએ લખ્યું છે કે ''આપણે માત્ર ટ્વીટર ઉપર જ લખ્યા કરીશું કે તેમના આંદોલનમાં પણ જોડાઈશું?''
આપણી સરકારે જો અન્ના હજારેની જન લોકપાલની માગણી સ્વીકારી લીધી હોત તો અન્ના હજારેને ઉપવાસ ઉપર બેસવું ન પડયું હોત અને યુવાનોમાં ભ્રષ્ટાચાર બાબતમાં આટલી જાગૃતિ આવી ન હોત. અન્ના હજારેની માગણીનો સ્વીકાર કરવામાં સરકાર જેટલો વિલંબ કરી રહી છે તેટલો ભ્રષ્ટાચારવિરોધી આંદોનનો જુવાળ દેશભરમાં દૂરના ભાગોમાં પણ ફેલાઈ રહ્યો છે. મુંબઈના આઝાદ મેદાનમાં અન્ના હજારેના સમર્થનમાં ઉપવાસ આંદોલન ચાલી જ રહ્યું છે. ગુરુવારે સવારે આંદોલનકારીઓએ ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપર મોરચો લઈને જવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહામહેનતે તેમને રોક્યા હતા. શુક્રવારે સાંજે મુંબઈનાં પરાંઓમાં પણ કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. અન્ના હજારેના ગામ રાલેગાંવ સિંધીમાં ૫૦૦ બાળકોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. આ ગામમાં મહારાષ્ટ્રના આપઘાત કરનારા ૩૦૦ કિસાનોની વિધવાઓ દ્વારા કેન્ડલ લાઈટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર જેમ જેમ લોકપાલ બીલની માગણી સ્વીકારવામાં વિલંબ કરી રહી છે તેમ તેમ વધુ ને વધુ લોકો આંદોલનમાં જોડાઈ રહ્યા છે.
ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના પ્રણેતાઓ ઇન્ટરનેટની જેમ મોબાઈલ ફોનની ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ માટે ૦૨૨-૬૧૫૫૦૭૮૯ નંબર આપવામાં આવ્યો છે. આ નંબર ઉપર મિસ્ડ કોલ કરીને કોઈપણ વ્યક્તિ અન્નાના આંદોલનને પોતાનો ટેકો જાહેર કરી શકે છે. આ નંબર ઉપર ફોન કરનારને 'કોલ રિજેક્ટ'નો સંદેશો મળે છે તેને આંદોલનમાં જોડાવાની પ્રેરણા કરતો એસએમએસ મળે છે. આ નંબર ઉપર અત્યાર સુધીમાં ૨૫ લાખ લોકો 'મિસ્ડ કોલ' કરી ચૂક્યા છે. આ નંબર પરથી જે એસએમએસ મળે તેને લોકો પોતાના મોબાઈલમાં જેટલા પણ નંબર હોય તેને ફોરવર્ડ કરે છે. આ રીતે મોબાઈલ ઉપર પણ આંદોલન પ્રસરી રહ્યું છે. ચેન્નાઈની કોલેજના એક પ્રોફેસર કરે છે કે અત્યાર સુધી તેમને આશરે એક હજાર કોલ આંદોલનને ટેકો આપવા માટે આવી ચૂક્યા છે.
મુંબઈના એક અંગ્રેજી સાંધ્ય દૈનિકે બોલિવૂડના ખ્યાતનામ સિતારાઓનો સંપર્ક સાધીને તેઓ અન્ના હજારેના સમર્થનમાં ઉપવાસ કરવા તૈયાર છે કે નહીં? એવો સવાલ પૂછ્યો હતો. આ સવાલનો હકારમાં જવાબ રણબીર કપૂર, રામગોપાલ વર્મા, ફરાહ ખાન, અનિલ કપૂર, મિનિશા લાંબા, અનુરાગ કશ્યપ, સુનિલ શેટ્ટીએ અને અભય દેઉલે આપ્યો હતો. અભય દેઉલે તો કહ્યું હતું કે ''હું એક નહીં પણ બે દિવસના ઉપવાસ કરવા તૈયાર છું.'' રાખી સાવંતે અને કરણ જોહરે આ સવાલનો કોઈ જવાબ આપ્યો નહોતો. શિલ્પા શેટ્ટીએ પેટછૂટી કબૂલાત કરતા કહ્યું હતું કે ''હું તો કડવા ચોથનો ઉપવાસ પણ કરી શકતી નથી. મારો અન્ના હજારેને પૂરો ટેકો છે.''
આપણા દેશમાં ભ્રષ્ટાચારના વિરોધમાં અગાઉ પણ આંદોલનો થઈ ચૂક્યા છે. ઈ.સ. ૧૯૭૦ના દાયકામાં લોકનાયક જયપ્રકાશ નારાયણની આગેવાનીમાં ઈન્દિરા ગાંધીના ભ્રષ્ટ શાસન સામે વિરાટ જન આંદોલન પેદા થયું હતું. આ આંદોલનને કચડી નાંખવા માટે જ ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી જાહેર કરી હતી અને જયપ્રકાશ સહિતના નેતાઓને જેલમાં પૂર્યા હતા. ઈ.સ. ૧૯૭૭માં ઈન્દિરા ગાંધીએ કટોકટી ઉઠાવી લીધી ત્યાર પછીની ચૂંટણીઓ પણ ભ્રષ્ટાચારના મુદ્દે લડાઈ હતી, જેમાં કોંગ્રેસનો પરાભવ થયો હતો. ઈ.સ. ૧૯૫૮માં રાજીવ ગાંધી જંગી બહુમતીથી લોકસભાની ચૂંટણીઓ જીતીને વડાપ્રધાન બન્યા હતા. બોફોર્સ કૌભાંડમાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને કારણે રાજીવ ગાંધીની છાપ એવી ખરડાઈ હતી કે ઈ.સ. ૧૯૮૯માં વી.પી. સિંહ સામે તેઓ ચૂંટણીઓ હારી ગયા હતા. આ બધાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનો નિષ્ફળ ગયાં હતાં, કારણ કે તેમાં વ્યક્તિઓ બદલાઈ હતી પણ સિસ્ટમ તેની તે જ રહી હતી. હવે અન્ના હજારેનું આંદોલન જો સિસ્ટમને બદલવામાં સફળ થશે તો જ ભારત ભ્રષ્ટાચારથી મુક્ત બની શકશે.

No comments:

Post a Comment