Saturday, May 14, 2011

૨૧/૦૪/૧૧ સત્ય સાંઈ બાબાના ૪૦,૦૦૦ કરોડ રૃપિયાના આર્થિક સામ્રાજ્યનું શું થશે?


સત્ય સાંઈ બાબાને ઈ.સ. ૧૯૬૩ની સાલમાં હૃદયરોગના ચાર પ્રચંડ હુમલાઓ આવ્યા હતા, જેમાંથી તેઓ ચમત્કારિક રીતે સાજા થયા હતા
પોતાની જાતને ભગવાન ગણાવતા સત્ય સાંઈ બાબા જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે. દુનિયાભરમાં ફેલાયેલા તેમના લાખો ભક્તો ચિંતાતુર છે. સત્ય સાંઈ બાબાનું વડું મથક ગણાતા પુટ્ટાપાર્થીના પ્રશાંતિ નિલયમમાં હજારો ભક્તો મૌન ધારણ કરીને બેઠા છે. તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ 'ભગવાન સત્ય સાંઈ બાબા'ને બચાવી લે. ૮૪ વર્ષના આધ્યાત્મિક ગુરુને 'શ્રી સત્ય સાંઈ ઇન્સ્ટિટયૂટ ઓફ હાયર મેડિકલ સાયન્સીસ' નામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાબાને ૨૮મી માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેઓ વેન્ટિલેટર પર છે. આ હોસ્પિટલની આજુબાજુ જબરદસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. બાબાની તબિયત બાબતમાં હોસ્પિટલ તરફથી દિવસમાં બે વખત બુલેટીન બહાર પાડવામાં આવે છે. છેલ્લામાં છેલ્લાં બુલેટીનમાં જણાવવામાં આવ્યું છે કે બાબાનાં લિવર, કિડની, ફેફસાં અને હૃદયની કામગીરી ખોરવાઈ ગઈ છે તો પણ તેઓ સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે. સત્ય સાંઈ બાબાએ એક વખત આગાહી કરી હતી કે તેઓ ૯૬ વર્ષ જીવવાના છે. આ કારણે તેમના ભક્તોને વિશ્વાસ છે કે બાબા કોઈ ચમત્કાર કરશે અને આ કટોકટીમાંથી બહાર આવશે. 'ભગવાન'ની જિંદગી અત્યારે તો તેમની સારવાર કરી રહેલા ડોક્ટરોના હાથમાં છે.
સત્ય સાંઈ બાબા એક વિવાદાસ્પદ ધર્મગુરુ છે. તેઓ પોતાની જાતને શિરડીના સાંઈબાબાના અવતાર ગણાવે છે. શિરડીના સાંઈ બાબા તો જિંદગીભર અકિંચન અવસ્થામાં જીવ્યા હતા અને ભિક્ષા માંગીને પોતાનો નિર્વાહ ચલાવતા હતા. તેમણે આધ્યાત્મિક ચમત્કાર સિવાય કોઈ ભૌતિક ચમત્કારનો ક્યારેય દાવો કર્યો નહોતો. તેથી વિરૃદ્ધ સત્ય સાંઈ બાબા ઘણી વખત હવામાંથી ભભૂતિ, ઘડિયાળ, સોનાની ચેઈન અને વિંટી કાઢવા જેવા 'ચમત્કારો' માટે વધુ પ્રસિદ્ધ છે. શિવરાત્રિને દિવસે તો તેઓ હવામાંથી ધાતુની શિવલિંગ પ્રગટ કરીને ભક્તોને ભેટ આપતા હતા. તેમની પ્રેરણાથી સ્થપાયેલા સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ પાસે અત્યારે ૪૦,૦૦૦ કરોડ રૃપિયાથી વધુની સ્થાવર તેમજ જંગમ સંપત્તિ હોવાનું માનવામાં આવે છે. કેટલાક લોકોના અંદાજ મુજબ આ સંપત્તિની કિંમત ૧.૫૦ લાખ કરોડ રૃપિયા જેટલી છે. સત્ય સાંઈ બાબાનો કોઈ આધ્યાત્મિક કે સંસારી વારસદાર નથી. આ સંયોગોમાં જો બાબા પોતાની લીલા સંકેલી લે તો આ સંપત્તિનો વહીવટ કોની પ્રેરણા મુજબ કરવામાં આવશે તે બાબતમાં મોટો વિવાદ થવાની સંભાવના છે.
સત્ય સાંઈ બાબા દ્વારા જે સંખ્યાબંધ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે તેનો વહીવટ સત્ય સાંઈ કોન્ટ્રાક્ટર ટ્રસ્ટ નામની સંસ્થા કરી રહી છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ દુનિયાના ૧૮૬ દેશોમાં આશરે ૧,૨૦૦ સંસ્થાઓ ચાલી રહી છે. આ સંસ્થાઓમાં ડિગ્રી કોલેજો, મેડિકલ કોલેજો, સ્કૂલો, મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થાઓ અને પ્રકાશન સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થા તરફથી પુટ્ટાપર્થી અને બેંગલોરમાં સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુનાં અનેક શહેરોની પાણીની યોજનાઓનું સંચાલન પણ સત્ય સાંઈ બાબાની સંસ્થાઓ કરી રહી છે. સત્ય સાંઈ બાબા જ્યાં રહે છે તે પુટ્ટાપર્થીમાં પણ એક વિશાળ સત્ય સાંઈ યુનિવર્સિટી કોમ્પ્લેક્ષ, પ્લાનેટોરિયમ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ, એક હોસ્પિટલ, મ્યુઝિક કોલેજ અને એર-પોર્ટ પણ આવેલાં છે. પુટ્ટાપર્થીમાં આવેલાં રાજમહેલ જેવા પ્રશાંતિ નિલયમમાં બાબા નિવાસ કરે છે.
સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટની હિસાબકિતાબની જે પદ્ધતિ છે તે અત્યંત ગુપ્ત છે. આ સંસ્થાને દર વર્ષે કેટલું ડોનેશન મળે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ બાબતમાં કોઈ આંકડાઓ જાહેર કરવામાં આવતા નથી. ગયાં વર્ષે એક બિનનિવાસી ભારતીય તરફથી આ સંસ્થાને હોસ્પિટલ બાંધવા માટે ૩૦૦ કરોડ રૃપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક વિદેશી ભક્તે સંસ્થાને ૨૦૦ કરોડ રૃપિયાનું દાન આપ્યું હોવાનું કહેવાય છે. પ્રશાંતિ નિલયમમાં ભોજન અને આવાસની સુવિધા ભક્તોને ફ્રી આપવામાં આવે છે. તો પણ અંદરના જાણકારો કહે છે કે સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી છેલ્લાં પાંચ વર્ષમાં ઓડિટેડ હિસાબો બહાર પાડવામાં આવ્યા નથી. આ સંયોગોમાં સત્ય સાંઈ બાબાના મૃત્યુ પછી તેમની અબજો રૃપિયાની સંપત્તિનો વહીવટ કેવી રીતે કરવામાં આવશે તેની ચિંતા રહે છે.
સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના અધ્યક્ષ સત્ય સાંઈ બાબા પોતે છે. તેમનું અસલ નામ આર. સત્યનારાયણ રાજુ છે. આ ટ્રસ્ટના કર્તાહર્તા કે. ચક્રવર્તી નિવૃત્ત આઈએએસ ઓફિસર છે. ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં તેઓ અનંતપુર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે સ્વામીજીની સેવાપ્રવૃત્તિઓથી આકર્ષાઈને તેઓ બાબાના સંપર્કમાં આવ્યા હતા અને તેમના ભક્ત બની ગયા હતા. મુંબઈમાં રહેતા ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્દુલાલ શાહ પણ સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. એન. ભગવતી અને કેન્દ્રના ભૂતપૂર્વ ચીફ વિજીલન્સ કમિશનર એમ.વી. ગિરિ પણ તેમાં ટ્રસ્ટી છે. આ સંસ્થામાં સત્ય સાંઈ બાબાના સગામાંથી એક જ ટ્રસ્ટી છે. તેમનું નામ આર.જે. રત્નાકર છે અને તેઓ સાંઈ બાબાના નાના ભાઈ સ્વ. જાનકીરામૈયાના પુત્ર છે. આ ટ્રસ્ટમાં ત્રણ વિદેશીઓ પણ ટ્રસ્ટી છે. તેમાંના એક ઈસાક ટિગ્રેટ બર્ટને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ માટે ૩૦૦ કરોડ રૃપિયાનું ડોનેશન આપ્યું હતું. આ ત્રણ વિદેશી ટ્રસ્ટીઓના કારણે ઓશો આશ્રમની જેમ સાંઈ બાબાની સંસ્થાઓનો અંકુશ પણ વિદેશીઓના હાથમાં ચાલ્યા જવાનો ભય રહે છે.
સત્ય સાંઈ બાબાના ભક્તોમાં અનેક વીઆઈપીઓનો સમાવેશ થાય છે. તેમાં તેમના ભક્તોની પબ્લિક રિલેશન્સની શક્તિની ભૂમિકા બહુ મહત્ત્વની છે. બેંગલોરમાં રહેતા જી. શ્રીનિવાસન નામના ટ્રસ્ટી બાબાના અંગત છે અને તેઓ વીવીઆઈપીઓની મુલાકાતો ગોઠવે છે. ગયાં વર્ષે સત્ય સાંઈ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હતો ત્યારે તેમાં ભાગ લેવા માટે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ અને વડા પ્રધાન મનમોહન સિંહ મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા. તામિલનાડુના મુખ્ય પ્રધાન કરૃણાનિધિની છાપ નાસ્તિક તરીકેની છે. તેઓ પણ બાબા માટે ભારે માન ધરાવે છે. સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ તરફથી તામિલનાડુનાં એક શહેરમાં પીવાના પાણીની યોજનાનું ખાતમૂહુર્ત કરતાં કરૃણાનિધિએ કહ્યું હતું કે ''જેઓ મનુષ્યની સેવા કરે છે, તેઓ મારા માટે ભગવાન છે.'' બાબાના ભક્તોમાં અટલબિહારી વાજપેયી, એ.પી.જે. અબ્દુલ કલામ, વિલાસરાવ દેશમુખ, સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણ, રજનીકાંત, મોહનલાલ, સુનિલ ગાવસ્કર અને ક્લાઈવ લોઇડ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ બધા વીવીઆઈપીઓ નિયમિત બાબાના આશ્રમની મુલાકાતે આવતા રહેતા હોવાથી ભક્તોમાં તેમનું માન બહુ વધી જાય છે.
સત્ય સાંઈ બાબાનો જન્મ ઈ.સ. ૧૯૨૬ની ૨૩મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના પુટ્ટાપર્થી ગામમાં થયો હતો. તેઓ ૧૪ વર્ષના હતા ત્યારે તેમને એક વિંછી કરડયો હતો. ત્યારથી તેમની વર્તણુક એકદમ બદલાઈ ગઈ હતી. તેઓ અચાનક હસવા અથવા રડવા લાગતા હતા અને ક્યારેક સંસ્કૃત ભાષામાં શ્લોકો પણ બોલવા લાગતા હતા. ઈ.સ. ૧૯૪૦ની ૨૩મી મેના રોજ તેમણે પોતાની જાતને શિરડીના સાંઈ બાબાના અવતાર તરીકે જાહેર કરી હતી અને હવામાંથી સુગર કેન્ડી કાઢીને 'ચમત્કાર' કરી બતાવ્યો હતો. હકીકતમાં સત્ય સાંઈ બાબાનો જન્મ થયો તેના આઠ વર્ષ અગાઉ શિરડીના સાંઈ બાબાનું અવસાન થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૬૩માં સત્ય સાંઈ બાબા ઉપર હૃદયરોગના ચાર પ્રચંડ હુમલાઓ આવ્યા હતા, જેમાંથી તેઓ ઉગરી ગયા હતા. તેમના ભક્તોનો દાવો છે કે બાબાએ હૃદયરોગના હુમલા વખતે જાતે જ પોતાની સારવાર કરી હતી અને ચમત્કારિક રીતે બચી ગયા હતા. હવે વેન્ટિલેટર ઉપર રહેલા સાંઈ બાબા ફરી વખત આવો ચમત્કાર કરી બતાવશે, એવી શ્રદ્ધા તેમના ભક્તો રાખી રહ્યા છે.
સત્ય સાંઈ બાબા દ્વારા જાહેરમાં કરવામાં આવતા ચમત્કારોને અનેક વખત પડકારવામાં આવ્યા છે અને સંશોધકોની ટીમ સમક્ષ આ ચમત્કારો કરવાનો પડકાર કરવામાં આવ્યો છે. સાંઈ બાબાએ આ પડકારોને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. તેમના ચમત્કારોના વિડીયો રેકોર્ડીંગમાં તેઓ પોતાના ઝભ્ભાની બાંયમાંથી આ ચીજો કાઢતા જોવા મળ્યા છે. જો કે તો પણ તેમના ભક્તોની શ્રદ્ધમાં કોઈ ઓટ નથી. સત્ય સાંઈ બાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમના નજીકના ભક્તો તેમની તબીબી હાલત બાબતમાં મૌન ધારણ કરીને બેઠા છે. સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ તરફથી હજી સુધી એક પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સાંઈ બાબાના ભત્રીજા આર.જે. રત્નાકરની માલિકીની 'સાંઈ દર્શન' નામની ટીવી ચેનલ પણ ચાલે છે. આ ચેનલ ઉપર સતત બાબાનો સંદેશો દેખાડવામાં આવે છે કે 'મારું શરીર કદાચ માંદું હશે, પણ મારો આત્મા તંદુરસ્ત છે. મારા ભક્તોની પ્રાર્થના જ મારી દવા છે.' સત્ય સાંઈબાબા જો ભક્તોની પ્રાર્થનાને જ દવા માનતા હોય તો તેમણે ડોક્ટરની દવા લેવાનું બંધ કરવું જોઈએ. જો સત્ય સાંઈ બાબામાં કોઈ જાદુઈ શક્તિ હોય તો તેમણે આ શક્તિનો ઉપયોગ કરીને પોતાના લાખો ભક્તોની પ્રાર્થના ખાતર પણ આ શક્તિનો ઉપયોગ કરીને સાજા થવું જોઈએ. જોકે તેમના ભક્તો એવી દલીલ જરૃર કરી શકે છે કે કોઈપણ ધર્મના ભગવાનને એક વખત મોત આવતું જ હોય છે.

No comments:

Post a Comment