Thursday, April 7, 2011

08/04/2011 સ્વસ્થ રહેવું હોય તો સેલફોનને સ્વિચ ઓફ કરી દો


આપણે કોઇને આપણો મોબાઇલ નંબર આપીએ ત્યારે તેઓ એવું માની લે છે કે તેમને આપણી પ્રાઇવસીમાં ગમે ત્યારે ભંગ પાડવાનો અધિકાર મળી ગયો છે
મોબાઇલ ફોનને એક સમયે મોભાનું પ્રતિક માનવામાં આવતું હતું. આજે તેેને ઉપાધિનું પોટલું માનવામાં આવે છે. શેઠ પોતાના ડ્રાઇવરને મોબાઇલ ફોન આપી રાખે છે. પછી આ મોબાઇલ ફોનની ઘંટડી વગાડીને તેને ઉંઘમાંથી ઉઠાડીને પણ કામે લગાડે છે. મોટી કંપનીના માલિકો પોતાના એક્ઝિક્યુટિવ્સનાં મોબાઇલ ફોનનાં બીલ ચૂકવે છે. પછી સ્ટાફ વેકેશનની મજા માણતો હોય ત્યારે પણ તેમને બોલાવીને કામ સોંપવામાં આવે છે. પત્નીઓ માટે આ મોબાઇલ ફોન શોક્ય જેવો થઇ ગયો છે. પતિ-પત્નિ માંડ સાથે સમય ગાળી રહ્યા હોય ત્યાં મોબાઇલની ઘંટડી વાગે છે અને પત્નિએ પતિનો વિરહ વેઠવો પડે છે. મોબાઇલના વિનાશક રેડિયેશનને કારણે મગજનું કેન્સર થઇ જાય છે એ વાત હવે સાબિત થતી જાય છે,પણ મોબાઇલને કારણે સંબંધોને કેન્સર લાગી જાય છે એ તો પ્રત્યક્ષ દેખાય છે. આ કારણે જ કેટલાક સમજદાર મહાનુભાવો દિવસના ઘણા કલાકો સુધી પોતાના મોબાઇલ ફોનને સ્વિચ ઓફ્ફ જ રાખવા લાગ્યા છે.
આજથી દસ વર્ષ પહેલા કોઇને આપણો કોન્ટેક્ટ કરવો હોય તો તેઓ પહેલા લેન્ડલાઇન નંબર ટ્રાય કરતા હતા અને જો લેન્ડલાઇન નંબર 'નો રિપ્લાય' આવે તો પછી સેલફોન લગાવતા હતા. આજે હવે લેન્ડલાઇનના નંબરો લગભગ ભૂલાઇ ગયા છે. લેન્ડલાઇન ઉપર ફોન કરીએ અને સામેથી રિસ્પોન્સ ન મળે તો કોઇને ખોટું ન લાગતું. સેલફોન ઉપર ફોન આવે અન જો આપણે રિસ્પોન્સ ન આપીએ તો ફોન કરનાર મિત્રને કે સ્વજનને ખોટું લાગી જાય છે. બોસનો ફોન હોય અને કર્મચારી જો ફોન એટેન્ડ ન કરે તોતે ગુનો ગણાય છે. મોબાઇલ ફોન દ્વારા એક બાજુએ આપણા મિત્રો અને સ્વજનો સાથે ૨૪ કલાક સંકળાયેલા રહેવાની સુવિધા મળે છે, પણ બીજી બાજુ આપણે ૨૪ કલાક લોકો માટે 'અવેઇલેબલ' બની જઇએ છીએ. જેની પાસે આપણો ૧૦ આંકડાનો નંબર હોય તે દિવસની કે રાતની કોઇ પણ ઘડીએ આપણને ફોન કરીને 'ડિસ્ટર્બ' કરી શકે છે. મોબાઇલ ફોનને કારણે આપણું એકાંત પણ ઝૂંટવાઇ ગયું છે.
મોબાઇલ ફોનની સંખ્યા હવે ભારતની કુલ વસતિના અડધા ભાગ સુધી પહોંચી ગઇ છે. આપણા સર્કલમાં કોઇ જ એવી વ્યક્તિ હશે કે જેની પાસે પોતાનો મોબાઇલ ફોન ન હોય. તેમ છતાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જેમની પાસે મોબાઇલ ફોન હોય તો પણ તેઓ દિવસનો મોટો ભાગ તેની સ્વિચ ઓફ્ફ રાખતા હોય છે. પુણેની એક ફાઇવ સ્ટાર હોટેલના મેનેજર જસવિંદર નારંગ પાસે મોબાઇલ ફોન છે, પણ તે ૯૫ ટકા સમય સ્વિચ ઓફફ જ મળે છે. નારંગ ઘરે હોય ત્યારે તેમના મિત્રો તેમને ઘરના લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરે છે અને હોટેલ ઉપર હોય ત્યારે હોટેલના રિસેપ્શનિસ્ટ પાસે ગળાઇને તેમના ફોન તેમના સુધી પહોંચી છે. જસવિંદરની ગેરહાજરીમાં તેમને કોઇ ફોન કરીને સંદેશો આપે તો તેઓ રિટર્ન ફોન કરવાનું ચૂકતા નથી. સેલફોન વગર પણ તેઓ પોતાનો બિઝનેસ બરાબર સંભાળે છે.
એક સમયે મોબાઇલ ફોન રાખવો એ સ્ટેટસનું સિમ્બોલ ગણાતુ હતુ. હવે મોબાઇલ ફોન ન વાપરવો એ મોભાનું પ્રતિક બની રહ્યું છે. પંજાબ અને હરિયાણાના ભૂતપૂર્વ ચીફ આર્કિટેક્ટ એમ. એન. શર્મા આજે પણ સેલફોન વિના મહત્વની જવાબદારીઓ સંભાળે છે. લેન્ડલાઇનનો ઉપયોગ પણ તેઓ અમુક ચોક્કસ કલાકો દરમિયાન જ કરે છે. તેઓ માને છે કે તેમની પાસે સેલફોન ન હોવાથી તેમને કોઇ ગમે ત્યારે હેરાન કરી શકતું નથી. જો તમારી પાસે સેલફોન હોય તો લોકો એવું માની લે છે કે તમને કોઇપણ સમયે ફોન કરી શકાય છે. ચેન્નાઇમાં એક સેવાભાવી સંસ્થા ચલાવતા શેખર રાઘવન જ્યારે અમેરિકા પોતાના પુત્રને મળવા જાય ત્યારે જ પોતાની પાસે સેલફોન રાખે છે. ચેન્નાઇમાં તેમના ઘરે અને ઓફિસે લેન્ડલાઇન ફોન છે અને તેમાં કોલર આઇડી પણ છે. તેમને આ બંને ફોન ઉપર તેમની ગેરહાજરીમાં પરિચિત વ્યક્તિના ફોન આવે તો તેઓ રિટર્ન ફોન કરવાનું ચૂકતા નથી. રાઘવનની સંસ્થા વર્ષા જળના સંગ્રહનું કાર્ય કરે છે. તામિલનાડુની સરકારે પણ તેમને અનેક પ્રોજેક્ટો સોંપ્યા છે. ઘણી વખત સરકારી અમલદારો જ્યારે કામ હોય ત્યારે રાઘવનનો સંપર્ક ન સાધી શકાય ત્યારે અકળાઇ જાય છે. તેમણે રાઘવનને પોતાના ખર્ચે સેલફોન અપાવવાની દરખાસ્ત કરી પણ રાઘવન એ માટે તૈયાર નથી. રાઘવન માને છે કે આજના કાળમાં પણ લેન્ડલાઇન ફોન વડે તમામ કાર્યોનું સંચાલન સરળતાથી કરી શકાય છે.
સેલફોનથી કાર્યક્ષમતા વધે છે એ વાત પણ ભૂલભરેલી છે. જેમની પાસે સેલફોન આવી જાય છે તેઓ પોતાની પાસેનો મોટા ભાગનો સમય મિત્રો સાથે નકામી વાતો કરવામાં જ ગાળતા હોય છે, જેને કારણે હકીકતમાં સમયની બરબાદી વધે છે. ઘણાને ડર લાગે છે કે તેઓ જો સેલફોન નહીં ઉપાડે તો મિત્રો અને સંબંધીઓ નારાજ થઇ જશે. આ કારણે કાર ડ્રાઇવ કરતી વખતે પણ તેઓ સેલફોન ઉપાડે છે. અમારા એક મિત્ર કાર ડ્રાઇવ કરતાં હોય ત્યારે પોતાનો ફોન બાજુની સીટ ઉપર બેઠેલી પત્નીને જ આપી રાખે છે. ફોનની રીંગ વાગે તો પત્ની જ ફોન ઉપાડીને જવાબ આપી દે છે કે હમણાં તેઓ ફોન ઉપર વાત કરી શકશે નહીં. આ મિત્રે પોતાના બધા સંબંધીઓને કહી રાખ્યું છે કે તેમને જો કોઇ અર્જન્ટ અને મહત્વનું કામ હોય અને સેલફોન 'નો રિપ્લાય' આવતો હોય તો ટેક્સ્ટ મેસેજ મોકલી દેવો. જો કામ ખરેખર મહત્વનું હોય તો આ મિત્ર ઘરે પહોંચીને પોતાની લેન્ડલાઇન ઉપરથી ફોન કરીને વાત કરી લે છે.
આપણામાંના જેટલા પાસે સેલફોન છે, તેમણે પોતાની જાતને પૂછવું જોઇએ કે તેમણે ખરેખરી જરૃરિયાતને કારણે સેલફોન રાખ્યો છે કે માત્ર સ્પર્ધામાં પાછળ રહી જવાશે એવા ડરથી સેલફોન ખરીદ્યો છે? આ સ્પર્ધામાં પાછળ ન રહી જવાય એવા ડરથી દર છ મહિને સેલફોનનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ બદલતાં રહેવું પડે છે. આજે બજારમાં સેલફોનની અઢળક એપ્લીકેશન્સ ધરાવતા ઇન્સ્ટ્રુમેન્ટ બજારમં આવવા લાગ્યા છે. આ કારણે છ મહિના પહેલાં ખરીદેલું આપણું ઇન્સ્ટ્રુમેન્ટ ભંગારમાં કાઢવા લાયક બની જાય છે. જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીએ તો મિત્રોની મજાકનો ભોગ બનવું પડે છે. જેઓ ફાયર બ્રિગેડમાં કામ કરતાં હોય તેમને માટે કદાચ સેલફોન અનિવાર્ય હશે. બાકીના બધા લોકો આજે પણ લેન્ડલાઇન ફોનથી પોતાનું કામ ચલાવી શકે તેમ છે. જેમ જેમ સેલફોનના રેડિએશનથી આરોગ્યને થતાં નુકસાન બાબતમાં લોકોમાં જાગૃતિ આવી રહી છે તેમ તેમ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ વધી રહ્યો છે.
ઘણા લોકો હવે સેલફોનને ગુલામીની ધૂંસરી માનવા લાગ્યા છે. માલિકો કૂતરાના ગળામાં જેમ પટ્ટો બાંધી રાખે છે તેમ સેલફોન પણ માણસના ગળામાં બાંધવામાં આવેલો પટ્ટો છે. ઘણા લોકો તો સેલફોનને ગળામાં લટકાવીને જ ફરે છે. બેંગ્લોરમાં એક આલિશાન રેસ્ટોરાંના મેનેજર સતીશ એચ.એસ. આજની તારીખમાં પણ પોતાની પાસે સેલફોન રાખતા નથી. પોતાનો બધો વહેવાર તેઓ સેલફોન વગર આસાનીથી ચલાવે છે. તેઓ મહિનામાં લેન્ડલાઇનથી પણ વધુમાં વધુ ૧૦૦ ફોન કરે છે. ફોન ઉપર વાતો કરવાને બદલે તેઓ લોકોને રૃબરૃ મળવાનું વધુ પસંદ કરે છે. સેલફોનના બદલે તેઓ પોતાની સાથે ટેલિફોન ડાયરી રાખે છે. મુસાફરી દરમિયાન કોઇની સાથે વાત કરવાની અચાનક જરૃર ઉભી થાય તો તેઓ પબ્લિક ફોન શોધી કાઢે છે અને તેના ઉપરથી વાત કરી લે છે. તેમને લાગે છે કે સેલફોન તેમની પ્રાઇવસીની મજા બગાડી નાંખે છે. જો તમારી પાસે સેલફોન હોય અને તમે તેનો નંબર કોઇને આપવાનો ઇનકાર કરો તો તેમને ખોટું લાગી જાય છે. જો તમારી પાસે સેલફોન હોય અને તમે લોકોના કોલનો જવાબ ન આપો તો પણ તેમને ખોટું લાગી જાય છે. હકીકતમાં કોઇપણ વ્યક્તિને સેલફોન ઉપર કોલ કરનારે તેની પ્રાઇવસીનો આદર કરવો જોઇએ અને ફોન ન ઉપાડે તો માઠું ન લગાવવું જોઇએ.
હવે ઇન્ટરનેટ અને ફેસબુકનો ઉપયોગ વધી ગયો છે એટલે પણ ઘણા લોકો સેલફોનનો વપરાશ ઘટાડવા લાગ્યા છે. અમેરિકામાં રહેતા અનિલ પોલાટ સેલફોનના બદલે આઇપોડ ટચનો વાઇ-ફાઇ ડિવાઇસ તરીકે ઉપયોગ કરીને લોકોના સંપર્કમાં રહે છે. તેઓ ૨૪ કલાક ઓનલાઇન જ રહેતા હોય છે. તેમના મિત્રો ઇ-મેઇલ દ્વારા કોઇ સંદેશો મોકલે તો તેમને તરત જ રિસ્પોન્સ મળે છે. બેંગલોરમાં રહેતો ભૂતપૂર્વ રેડિયો જોકી રવી પોતાની સાથે સેલફોન નથી રાખતો પણ તેના ફેસબુક ઉપર ૧,૨૭૦ મિત્રો છે. તેમના કોઇ પણ મિત્ર ઇ-મેઇલ કરે તો તેનો અચૂક જવાબ મળે છે. ઇ-મેઇલ દ્વારા સંપર્ક રાખવામાં એક પ્રકારની સ્વતંત્રતા છે. તમે તમારી ફુરસદે જવાબ આપી શકો છો અને તમારી પ્રાઇવસીમાં કોઇ ઘૂસણખોરી પણ કરી શકતું નથી. ઇન્ટરનેટની ટેકનોલોજીના કારણે પણ સેલફોન બિનજરૃરી બની રહ્યા છે.
માણસ લાખો વર્ષોથી એકબીજાના સંપર્કમાં રહેવા માટે સંદેશવ્યવહારનાં સાધનો વાપરતો આવ્યો છે. પથ્થર યુગનો માણસ સંદેશાઓની આપલે કરવા માટે કબૂતરોનો ઉપયોગ કરતો હતો. રાજામહારાજાઓ પોતાના પત્રો મોકલવા માટે ખેપિયાઓ રાખતા હતા. આધુનિક કાળમાં સંદેશવ્યવહાર માટે તારની અને ટેલિફોનની શોધ થઇ છે. હવે ઇન્ટરનેટનો અને સેલફોનનો જમાનો છે. વિધિની વિચિત્રતા એ છે કે સંદેશવ્યવહારનાં સાધનો વધી રહ્યાં છે પણ લોકોની એકબીજા સાથે પ્રત્યાયન કરવાની ક્ષમતા ઘટી રહી છે. આ કારણે જ ફેસબુક ઉપર હજારો મિત્રો ધરાવનારાઓને એકલતા કોરી ખાતી હોય છે. મોબાઇલ ફોન આપણને દૂર રહેલા અજાણ્યા લોકોની નજીક લાવતો હોય છે પણ આપણા ઘરમાં રહેતા સ્વજનો સાથે ગાળવાનો સમય છીનવી લેતો હોય તો ચેતવા જેવું છે.

No comments:

Post a Comment