Saturday, May 14, 2011

૨૮/૦૪/૧૧ બ્રિટનના રાજવી પરિવારના વિવાહમાં ઓબામાને કેમ આમંત્રણ નથી ?


અમેરિકાના પ્રમુખની સલામતીનો ખર્ચો શાહી પરિવારને પરવડે તેમ ન હોવાથી ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું નથી એમ કહેવાય છે
લંડનના વેસ્ટમિનસ્ટર એબેમાં એકવીસમી સદીના સૌથી વધુ ભપકાદાર લગ્નની તૈયારીઓ થઈ રહી છે. બ્રિટનની રાજગાદીના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાનો દીકરો પ્રિન્સ વિલિયમ પોતાની કેથરિન મિડલ્ટના નામની પ્રેમિકા સાથે ૨૯મી જુલાઈએ શાનદાર સમારંભમાં લગ્નના બંધનથી જોડાવાનો છે. આ યાદગાર લગ્નમાં ભાગ લેવા માટે દુનિયાભરના નેતાઓ ઇંગ્લેન્ડ આવી રહ્યા છે, પણ આમંત્રિત મહેમાનોની યાદીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા અને ભારતના વડા પ્રધાન મનમોહન સિંહનાં નામો નથી. લંડનની રાણી એલિઝાબેથે પોતાના પૌત્રના વિવાહમાં દુનિયાના ૪૦ દેશોના વડાઓને આમંત્રણ આપ્યું છે. તેમાં આફ્રિકા ખંડના નાના દેશોના રાજાઓનો પણ સમાવેશ થાય છે. આ મહેમાનોની યાદીમાંથી બરાક ઓબામાને અને તેમની પત્ની મિશેલને શા માટે બાકાત રાખવામાં આવ્યા છે એ બાબતમાં જાતજાતના તર્કો લડાવવામાં આવી રહ્યા છે.
પ્રિન્સ વિલિયમ અને કેથરિન એકબીજાને આશરે નવ વર્ષથી ઓળખે છે. કેટના હુલામણા નામે ઓળખાતી કેથરિન એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. પ્રિન્સ વિલિયમ ઈ.સ. ૨૦૦૨ની સાલમાં જયારે કોલેજમાં ભણતા હતા ત્યારે તેઓ કેથરિનના પ્રેમમાં પડયા હતા. પ્રિન્સ અને કેથરિન એક જ હોસ્ટેલમાં સાથે રહેતા હતા. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં પ્રિન્સ વિલિયમ લશ્કરમાં જોડાઈ ગયા અને પોતાની પ્રેમિકાને લગભગ ભૂલી ગયા હતા. તો પણ ભારતની પરિવ્રતા નારીની જેમ કેથરિને રાહ જોયા કરી હતી કે પ્રિન્સ વિલિયમ ફરીથી તેની જિંદગીમાં આવશે અને તેને ઘોડા ઉપર બેસાડીને પરણવા લઈ જશે. કેટની આ તપશ્ચર્યા ફળી ઈ.સ. ૨૦૦૭ની સાલમાં પ્રિન્સ વિલિયમે તેની સાથે રજાઓ વિતાવી ત્યારે તેને પ્રતીતિ થઈ હતી કે તેમની જોડી ભગવાને જ બનાવી છે. કેટ અને વિલિયમની સગાઈ ગયાં વર્ષે ધામધૂમથી થઈ તે પછી તેમના લગ્નની તારીખ નક્કી થઈ અને ધામધૂમથી તૈયારીઓ શરૃ થઈ ગઈ હતી.
બ્રિટનની ગાદીના ભવિષ્યના વારસદાર પ્રિન્સ વિલિયમના લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે ખાસ પસંદગીના મહાનુભાવોને જ આમંત્રણો પાઠવવામાં આવ્યાં છે. રોયલ વેડીંગ માટે ખોલવામાં આવેલી સત્તાવાર વેબ્સાઈટ ઉપર મૂકવામાં આવેલી માહિતી મુજબ દુનિયાભરના કુલ ૧,૯૦૦ મહેમાનોને જ આ લગ્નમાં મહાલવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ૫૦ તો બ્રિટનના શાહી પરિવારના સભ્યો છે, જ્યારે ૪૦ દુનિયાના અન્ય દેશોના રાજાઓ છે. બ્રિટને એક બાજુ દુનિયાના દેશો માટે લોકશાહીનું મોડેલ ઊભું કર્યું છે તો બીજી બાજુ પોતાના ઘરઆંગણે રાજાશાહીને ટકાવી રાખી છે. બ્રિટનની રાણી આજે પણ કોમનવેલ્થના દેશોની અધ્યક્ષ ગણાય છે. તાજેતરમાં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમો યોજાઈ ગઈ તેનું ઉદ્ધાટન ભારતમાં રાષ્ટ્રપતિએ નહીં પણ બ્રિટનની રાણીના પ્રતિનિધિ તરીકે પ્રિન્સ ચાર્લ્સે કર્યું હતું. બ્રિટનની રાજાશાહી હજી જીવંત છે તેવું પ્રતિપાદિત કરવાની સુવર્ણ તક તેમને આ લગ્ન સમારંભ દ્વારા મળી છે.
પ્રિન્સ વિલિયમના લગ્ન માટે એમ કહેવામાં આવે છે કે આ બ્રિટનની સરકારનો સત્તાવાર સમારંભ નથી પણ રાણીનો અંગત કાર્યક્રમ છે, કારણ કે પ્રિન્સ વિલિયમ અત્યારે કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા નથી. આ કારણે પ્રિન્સ વિલિયમના લગ્નમાં દુનિયાના તમામ દેશોના વડાઓને બોલાવવાનું જરૃરી માનવામાં આવ્યું નથી. તેમ છતાં સ્વાઝીલેન્ડ અને બહેરીન જેવા નાનકડા દેશોના રાજાઓને ખાસ આમંત્રણ આપીને આ સમારંભમાં બોલાવવામાં આવ્યા છે. બરાક ઓબામા અને મનમોહન સિંહ કોઈ દેશના રાજાઓ નથી એટલે કદાચ તેમને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા નથી. જોકે આ સમારંભમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ જેવી દેશોના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે. તેમના માટે કહી શકાય કે તેઓ બ્રિટીશ કોમનવેલ્થના સભ્યો હોવાથી તેમને બોલાવવામાં આવ્યા છે. તો પછી બ્રિટીશ કોમનવેલ્થના સભ્ય એવા ભારતના વડા પ્રધાનને શા માટે બોલાવવામાં આવ્યા નથી ? કદાચ તેઓ વડાપ્રધાનને સરકારના બંધારણીય વડા ન ગણતા હોય તો રાષ્ટ્રપતિને બોલાવી શકે છે. છેવટે તેઓ શ્રીમતી સોનિયા ગાંધીને આમંત્રણ આપીને બોલાવી શક્યા હોત. એમ તો ફ્રાન્સના પ્રમુખ નિકોલસ સાર્કોઝીને પણ આ લગ્ન સમારંભમાં પધારવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું નથી.
બરાક ઓબામાને પ્રિન્સ વિલિયમના લગ્નમાં આમંત્રણ ન આપવા માટે એવું કારણ આગળ ધરવામાં આવે છે કે તેમને જો આમંત્રણ આપવામાં આવે તો તેમની સલામતી પાછળ સરકારી તિજોરીમાંથી ભારે ખર્ચ કરવો પડે છે. રાણીના પરિવારમાં યોજાઈ રહેલાં એક ખાનગી લગ્ન સમારંભ માટે બ્રિટનની સરકાર આટલો ભારે ખર્ચ કરવા તૈયાર નથી. જો બ્રિટનની સરકાર ઓબામાની સુરક્ષાનું બીલ શાહી પરિવારના હાથમાં પકડાવી દે તો તે બીલ ભરવાની બ્રિટનની રાણીની તૈયારી નથી.
લંડનના ટેબ્લોઈડ અખબારોમાં ઓબામાં દંપતિને શાહી લગ્નમાં ન આમંત્રવા બાબતમાં જાતજાતની અટકળો ચગાવવામાં આવી રહી છે. એક થિયરી મુજબ પ્રિન્સ વિલિયમને ડર છે કે જો બરાક ઓબામાને લગ્નમાં આમંત્રણ આપવામાં આવશે તો તેઓ મિશેલને સાથે લઈને આવશે અને લોકો વિલિયમની પત્ની કેટને જોવાને બદલે મિશેલને જ જોવા લાગશે. બીજી થિયરી એવી છે કે મિશેલ ઓબામાએ એક વખત પ્રિન્સ વિલિયમની મમ્મી ડાયેનાને ''વધુ પડતાં સેક્સી વસ્ત્રો પહેરતી ઘોડી'' તરીકે વર્ણવી હતી. મિશેલે એમ પણ કહ્યું હતું કે ડાયેના તેના જમાનામાં જેટલી લોકપ્રિય હતી તેના કરતાં હું આજે વધુ લોકપ્રિય છું. આવાં વિધાનોથી સંતપ્ત થયેલા રાજકુમારે ગાંઠ વાળી હતી કે પ્રમુખ ઓબામાને અને તેમની પત્ની મિશેલને કોઈ સંયોગોમાં લગ્નમાં બોલાવવા નહીં.
ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથને પણ બરાક ઓબામા અને મિશેલ બાબતમાં એક પ્રકારની સુગ હોવાનું કહેવાય છે. તેનું એક કારણ એ છે કે તેઓ કાળા છે અને બીજું કારણ એ છે કે તેમની નસોમાં રાજવી લોહી વહેતું નથી. બ્રિટનની રાણીએ અનેક કાળાઓને શાહી વિવાહમાં બોલાવ્યા છે, પણ તેઓ રાજવી પરિવારના સભ્યો છે. ઈ.સ. ૨૦૦૯ના એપ્રિલ મહિનામાં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથ પોતાના મહેલમાં બરાક અને મિશેલ ઓબામાને મળી હતી. કહેવાય છે કે ત્યાર બાદ તેણે પોતાના સેવકોને સૂચના આપી હતી કે આ સ્ત્રી સાથે મને એક રૃમમાં કયારેય મૂકતા નહીં. આ મુલાકાત સમયે બરાક ઓબામાએ રાણીને ભેટ તરીકે એક આઇ-પોડ આપ્યું હતું કે જેમાં રાણીની અમેરિકાની મુલાકાત વખતની વિડીયો ફિલ્મ હતી. કહેવાય છે કે રાણીને આ આઇ-પોડ બહુ ગમ્યું નહોતું. આ કારણે રાણીની માન્યતા એવી બંધાઇ ગઈ હતી કે ઓબામા દંપતિનો ટેસ્ટ બહુ ઊંચો નથી. આ કારણે તેમને લગ્નનું આમંત્રણ મળ્યું નથી.
લંડનમાં એક અફવા એવી ચાલી રહી છે કે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા જયારે રાણી એલિઝાબેથની મમ્મીને મળ્યા ત્યારે તેમણે તેમને નમન કરવાનો વિનય દાખવ્યો નહોતો, જેને કારણે રાણીને માઠું લાગી ગયું હતું. જોકે આ વાતમાં કોઇ દમ જણાતો નથી, કારણ કે રાણીની મમ્મીનું ઈ.સ. ૨૦૦૨ની સાલમાં અવસાન થયું ત્યારે બરાક ઓબામાને બ્રિટનમાં કોઈ ઓળખતું નહોતું. એવું કહેવાય છે કે બ્રિટનની રાણીના સ્ટાફે મહેમાનોની યાદીમાં બરાક અને મિશેલ ઓબામાનાં નામો લખ્યાં હતાં પણ પ્રિન્સ વિલિયમે પોતાના હાથે આ નામો છેકી નાંખતાં કહ્યું હતું કે, ''મિશેલ ઓબામા કદાચ બરાક ઓબામાને કે અમેરિકાને ચલાવતા હશે, પણ તેઓ બ્રિટનને ચલાવતા નથી.'' બ્રિટનની રાણી એલિઝાબેથ કદી પોતાનાં હાથમોજાં સહિત હસ્તધૂનન કરવાથી આગળ વધતી નથી. મિશેલ ઓબામાએ આ રાણીના ખભા ઉપર હાથ મૂકીને તેમની સાથે વધુ આત્મીયતા દેખાડવાની કોશિષ કરી તેને કારણે પણ પ્રિન્સ વિલિયમ નારાજ થઈ ગયા હતાં.
બ્રિટનના રાજકુમારના લગ્નમાં ભારતના વડા પ્રધાનને કે રાષ્ટ્રપતિને આણંત્રણ નથી પણ ભારતના ડાન્સર સંદીપ સોપારકરને અને તેની પત્ની જેસ્સી રંઘવાને પ્રિન્સ વિલિયમના રિસેપ્શનમાં નાચવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલને આજથી ત્રણ મહિના અગાઉ શાહી પરિવાર તરફથી કલાકાર તરીકે પર્ફોર્મન્સ આપવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ડાન્સ માટે તેમણે જે વસ્ત્રો તૈયાર કરાવ્યાં છે તેની ડિઝાઈન મનીષ મલહોત્રાએ બનાવી છે. આ યુગલ બે મહિનાથી રાજમહેલમાં નૃત્ય કરવાનું રિહર્સલ કરી રહ્યું છે. બ્રિટનમાં રહેતું એક ગુજરાતી યુગલ પણ આ શાહી લગ્નમાં મહેમાન બનીને મહાલવાનું છે. મૂળ ગુજરાતના ચાંદ શિંઘાડિયા અને તેમની પત્ની હશ બકલબરી નામના પરગણાંમાં કરિયાણાની દુકાન ધરાવે છે. આ દુકાનમાં કરિયાણું ખરીદવા કેથરિન આવતી હતી. કેથરિનનો પરિવાર છેલ્લાં ૧૩ વર્ષથી આ ગુજરાતી યુગલને ઓળખે છે. આ સંબંધોની કદર કરીને તેમણે ચાંદ અને હશને લગ્નનું નિમંત્રણ આપ્યું છે.
બરાક ઓબામાને અને મિશેલ ઓબામાને શાહી લગ્નનું આમંત્રણ નથી મળ્યું તેમાં તેમણે નારાજ થવાની બિલકુલ જરૃર નથી. બ્રિટનની રાણી પોતાની જાતને દુનિયાની સર્વોચ્ચ સત્તાધીશ માનતી હોય અને મહાસત્તા તરીકે અમેરિકાની આણ સ્વીકારવા તૈયાર ન હોય તે સ્વાભાવિક છે. બરાક ઓબામા જો લગ્નમાં આવે અને રાણીને નમન ન કરે તો રાણીનું અપમાન થાય તેવું પણ બની શકે છે. તેના કરતાં બરાક અને મિશેલ ઓબામા વ્હાઈટ હાઉસમાં બેસીને ટીવી ઉપર આ લગ્નની મજા માણે તેમાં જ વધુ ઔશાણપણ છે.

No comments:

Post a Comment