Saturday, May 14, 2011

૨૬/૦૪/૧૧ સુરેશ કલમાડીની અત્યાર સુધી કેમ ધરપકડ નહોતી કરવામાં આવી ?


 
૮૦,૦૦૦ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓને બચાવવા માટે કલમાડીને હોળીનું નાળિયેર બનાવાઈ રહ્યા છે
કોમનવેલ્થ ગેમ્સના મહાકૌભાંડના સૂત્રધાર સુરેશ કલમાડીની સીબીઆઇએ છેવટે ધરપકડ કરી છે. દેશની તિજોરીને ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનો ફટકો મારનારા કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં સૌથી પ્રમુખ ભૂમિકા સુરેશ કલમાડીએ ભજવી છે. એવી ગયા વર્ષના ઓક્ટોબર મહિનાથી બધાને ખબર હોવા છતાં સીબીઆઇએ તેમની ધરપકડ કરવામાં શા માટે આટલો વિલંબ કર્યો તે મોટું રહસ્ય છે. સીબીઆઇએ કોમનવેલ્થ ગેમ્સના ગોટાળામાં અત્યાર સુધી ત્રણ વખત કલમાડીની પૂછપરછ કરી હતી, પણ તેમની ધરપકડ કરી નહોતી. સોમવારે પણ સીબીઆઇની ઓફિસમાં કલમાડીને બોલાવવામાં આવ્યા ત્યારથી જ ચોતરફ વાત ફેલાઈ હતી કે તેમની ધરપકડ કરવામાં આવી છે તેમ છતાં સીબીઆઇએ ધરપકડની સત્તાવાર જાહેરાત છેક સાંજે કરી હતી. આ બધા ઉપરથી એક જ વાત પુરવાર થાય છે કે સીબીઆઇને ડર છે કે કલમાડી પાસે એવા પુરાવાઓ છે કે જેના કારણે કોમનવેલ્થ કૌભાંડમાં મોટા માથાંઓની સંડોવણી પુરવાર થઈ શકે તેમ છે.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની તપાસ કરવા માટે કેન્દ્ર સરકારે રચેલી શુંગલુ કમિટીના હેવાલમાં સુરેશ કલમાડી ઉપરાંત દિલ્હીનાં મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની સંડોવણી પણ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યારના ખેલકૂદ ખાતાના પ્રધાન કે.પી.એસ. ગિલ અને શહેરી વિકાસ ખાતાંના પ્રધાન જયપાલ રેડ્ડીને પણ આ કૌભાંડ માટે જવાબદાર ગણવામાં આવે છે. સુરેશ કલમાડીની ધરપકડ સાથે આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ મોટા માથાઓને જેલભેગા કરવાની માગણી વિપક્ષો કરી રહ્યા છે.
ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં કોમનવેલ્થ ગેમ્સ શરુ થઈ તે પહેલાંથી વાતો વહેતી થઈ ગઈ હતી કે આ ગેમ્સ માટે વિવિધ કોન્ટ્રેક્ટો આપવામાં અબજો રૃપિયાની ગોલમાલ કરવામાં આવી છે, જેના માટે કોમનવેલ્થ ગેમ્સ ઓર્ગેનાઇઝીંગ કમિટિના ત્યારના અધ્યક્ષ સુરેશ કલમાડી જવાબદાર હતા. તેમ છતાં કલમાડીની ધરપકડ કરવાને બદલે તેમને ઓર્ગેનાઇઝીંગ કમિટીના અધ્યક્ષપદે ચાલુ રાખવામાં આવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સ પૂરી થઈ અને તેના કૌભાંડની તપાસ માટે સમિતિ નિમવામાં આવી તો પણ સુરેશ કલમાડી ઓર્ગેનાઇઝીંગ કમિટિના અધ્યક્ષપદે ચાલુ રહ્યા હતા. છેવટે કેન્દ્ર સરકાર ઉપર દબાણ વધ્યું ત્યારે સુરેશ કલમાડીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જોકે સુરેશ કલમાડી આજની તારીખમાં પણ ઈન્ડિયન ઓલિમ્પિકસ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે ચાલુ છે. સુરેશ કલમાડીની નજીકના સાથીદારો લલિત ભાણોત અને વર્માની ધરપકડ કરવામાં આવી તેમણે પણ કલમાડીની વિરુદ્ધમાં અનેક નિવેદનો આપ્યાં હતાં તો પણ કલમાડીની ધરપકડ કરવામાં આવી નહોતી. સીબીઆઈએ ત્રણ-ત્રણ વખત સુરેશ કલમાડીની પૂછપરછ કરી ત્યારે પણ તેમની ધરપકડ કરવાને બદલે તેમને છોડી દેવામાં આવ્યા હતા. હવે સીબીઆઈ પાસે એવા કયા નવા પુરાવાઓ આવ્યા છે, અથવા તો રાજકીય પરિસ્થિતિમાં એવું કયું પરિવર્તન થયું છે કે જેને કારણે કલમાડીની ધરપકડ કરવામાં આવી છે ?
કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમિયાન લંડનમાં બ્રિટનની રાણી એલિઝાબેથની હાજરીમાં 'ક્વિન્સ બેટોન રિલે' નામના ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના વિવિધ કોન્ટ્રેક્ટ આપવામાં કલમાડી એન્ડ કંપનીએ ગોબાચારી આચરી હતી. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્કોર બોર્ડ વગેરે યંત્રો પૂરા પાડવાનો કોન્ટ્રેક્ટ સ્વીસ ટાઈમીંગ નામની કંપનીને અત્યંત ઊંચી કિંમતે આપવામાં આવ્યો હતો. આ કૌભાંડની તપાસ કરવા લંડન ગયેલી સીબીઆઈની ટીમને કેટલાક નિર્ણયાત્મક પુરાવાઓ મળ્યા છે, જેના આધારે કલમાડીની ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવાય છે. આ પુરાવાઓમાં દિલ્હીમાં યોજાયેલી ઓર્ગેનાઈઝીંગ કમિટીની બેઠકનું એક વિડીયો રેકોર્ડીંગ છે, જેમાં સુરેશ કલમાડી સ્કોર બોર્ડ વગેરે યંત્રોનો કોન્ટ્રેક્ટ સ્વીસ ટાઈમીંગ કંપનીને આપવાની જાહેરાત કરતા જોવામાં આવે છે. સીબીઆઈને શંકા છે કે સ્વીસ ટાઇમીંગ કંપનીના ભારતના એક પ્રતિનિધિએ આ સોદામાં સુરેશ કલમાડીને લાંચ આપવામાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. આ પ્રતિનિધિને સોમવારની પૂછપરછ દરમિયાન કલમાડીની સામે ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં કલમાડી પાસે લાંચ લીધી હોવાની કબૂલાત કરવા સિવાય કોઈ ઉપાય બચ્યો નહોતો.
સીબીઆઈએ તાજેતરમાં સુરેશ કલમાડીની ધરપકડ કરી છે તે ક્વિન્સ બેટોન રિલેના આયોજનમાં થયેલા ભ્રષ્ટાચાર માટે કરવામાં આવી છે. ક્વિન્સ બેટોન રિલેના ભપકાદાર કાર્યક્રમનું ઓયોજન ગયાં વર્ષના સપ્ટેમ્બર મહિનામાં લંડન ખાતે કરવામાં આવ્યું હતું. આ રિલેમાં ટેકસીઓ, ફોલ્ડીંગ ટોઈલેટો અને પબ્લિક ટીવી સ્ક્રીનો પૂરા પાડવાનો કોન્ટ્રેક્ટ લંડનની એ.એમ. ફિલ્મ્સ નામની કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપનીનો માલિક આશિષ પટેલ નામનો ગુજરાતી હતો. આ કંપની સાથે કોઇ પણ જાતનો લેખિત કોન્ટ્રેક્ટ કર્યા વિના જ ઓર્ગેનાઈઝીંગ કમિટી તરફથી તેને કરોડો રૃપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. એ.એમ. ફિલ્મ્સ કંપનીએ આ સેવાઓ માટે બહુ ઊંચી કિંમત વસૂલ કરી હતી. તેનો અગાઉનો રેકોર્ડ પણ ખરાબ હતો. પાછળથી એવા ઇ-મેઈલ સીબીઆઈના હાથમાં આવ્યા હતા, જેમાં સુરેશ કલમાડીના સાથીદારો દ્વારા આશિષ પટેલને કેટલા ચાર્જ વસૂલ કરવા તેની સૂચનાઓ આપવામાં આવી હતી.
કલમાડીના સાથીદારો દ્વારા પહેલા એવી રજૂઆત કરવામાં આવી હતી કે એ.એમ. ફિલ્મ્સ કંપની માટે લંડન ખાતેના ભારતના હાઈ કમિશનર તરફથી ભલામણ કરવામાં આવી છે. આવું સૂચવતો ઈ-મેઈલ બનાવટી પુરવાર થયો હતો. ત્યાર બાદ ઓર્ગેનાઈઝીંગ કમિટી તરફથી ક્વિન્સ બેટોન રેલીના કોન્ટ્રેક્ટ માટે બ્રિટનની ત્રણ અન્ય કંપનીઓના ટેન્ડરો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ટેન્ડરો બનાવટી હતાં. આ બનાવટી ટેન્ડરોના માધ્યમથી એવું પુરવાર કરવાની કોશિષ કરવામાં આવી હતી કે એ.એમ. ફિલ્મ્સને કોન્ટ્રેક્ટ આપતા અગાઉ યોગ્ય વિધિ કરવામાં આવી છે. સીબીઆઈના અધિકારીઓ લંડન જઈને આશિષ પટેલને મળી આવ્યા છે અને આ કેસમાં તેમને સાક્ષી બનવા સમજાવી આવ્યા છે. આશિષ પટેલ પાસેથી પણ સીબીઆઈને કલમાડીની વિરુદ્ધમાં મહત્ત્વના પુરાવાઓ મળ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે સ્કોર, ટાઇમીંગ અને રિઝલ્ટનાં સાધનો પૂરાં પાડવાનો ૧૦૭ કરોડ રૃપિયાનો કોન્ટ્રાક્ટ સ્વીસ કંપનીને ગેરરીતિઓ આચરીને આપવામાં આવ્યો હતો. આ જ કામ માટે સ્પેનની એક કંપનીએ ૪૮ કરોડ રૃપિયાનું ટેન્ડર ભર્યું હતું. સ્પેનની કંપનીનું ટેન્ડર રિજેક્ટ કરવામાં આવ્યું હતું અને સ્વીસ કંપનીને ૧૦૭ કરોડ રૃપિયામાં કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડ બાબતમાં જ સુરેશ કલમાડીની નજીકના સાથીદારો લલિત ભાણોતની અને વી.કે. વર્માની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. લલિત ભાણોતે અને વી.કે. વર્માએ સીબીઆઈની પૂછપરછમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે સુરેશ કલમાડીના કહેવાથી જ સ્વીસ કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે. આ કબૂલાત પછી પણ સીબીઆઈને સુરેશ કલમાડીની ધરપકડ કરવામાં વિલંબ કરવામાં આવ્યો હતો.
સ્વીસ કંપનીને ૧૦૭ કરોડ રૃપિયાનો કોન્ટ્રેક્ટ આપવા માટે સુરેશ કલમાડીએ અને તેમના સાથીદારોએ ભારે હાથચાલાકી આચરી હતી. આ માટે ટેન્ડરની જાહેરાત ઈ.સ. ૨૦૦૯ની પહેલી ઓક્ટોબરે કરવામાં આવી હતી. તેની શરતો એવી હતી કે સ્વીસ કંપની સિવાયની ભાગ્યે જ કોઈ કંપની આ ટેન્ડર ભરી શકે. ત્યાર બાદ ચોથી ઓક્ટોબરે આ શરતોમાં સુધારાઓ કરીને એવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી હતી કે બીજી કોઈ કંપની તેમાં ફીટ બેસે નહીં. તેમ છતાં સ્પેનની કંપનીએ આ કામ માટે ૪૮ કરોડ રૃપિયાનું ટેન્ડર ભર્યું હતું. આ કંપની ટેન્ડરની શરતો પૂરી કરી શકે તેમ નથી એવું કારણ આપીને તેનું ટેન્ડર રદ્દ કરવામાં આવ્યું હતું. આ રીતે સ્પેનની કંપની જે કાર્ય ૪૮ કરોડ રૃપિયામાં કરવા માંગતી હતી તેનો કોન્ટ્રેક્ટ સ્વીસ કંપનીને ૧૦૭ કરોડ રૃપિયામાં આપવામાં આવ્યો હતો.
કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં દેશની તિજોરીમાંથી જે ૮૦,૦૦૦ કરોડ રૃપિયા ઉડાવવામાં આવ્યા હતા તે બધા રૃપિયા નિરર્થક જ ખર્ચવામાં આવ્યા હતા. આ કૌભાંડમાં સુરેશ કલમાડી એકલા નહોતા. કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઈઝીંગ કમિટીને જેટલું બજેટ આપવામાં આવ્યું હતું તેના કરતાં ક્યાંય વધુ બજેટ દિલ્હી સરકારને, કેન્દ્રના રમતગમત ખાતાંને અને શહેરી વિકાસ ખાતાંઓને આપવામાં આવ્યું હતું. આ બધાં ખાતાંઓ દ્વારા પ્રજાના અબજો રૃપિયાની રીતસર ઉજાણી કરવામાં આવી હતી.
આ બધી વાતો કોમનવેલ્થ ગેમ્સના પ્રારંભ પહેલાં જ બહાર આવી હતી તો પણ કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન મનમોહન સિંહ દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવી હતી અને કૌભાંડો આચરનારાઓને છૂટો દોર આપવામાં આવ્યો હતો. રમતોત્સવ પૂરો થયો તે પછી કોણ પૈસા ખાઈ ગયું તેની તપાસ શરૃ કરવામાં આવી હતી.
આ બાબતમાં સમગ્ર તપાસ સુરેશ કલમાડીને કેન્દ્રમાં રાખીને જ કરવામાં આવી રહી છે. આ કૌભાંડ માટે જવાબદાર મોટાં માથાંઓને આજ સુધીમાં સીબીઆઈ દ્વારા સ્પર્શ પણ કરવામાં આવ્યો નથી. સીબીઆઈ જો આ કૌભાંડમાં કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તપાસ કરશે તો છેવટે તપાસનો રેલો અને કૌભાંડની નૈતિક જવાબદારી વડા પ્રધાનના શિરે જ આવે તેમ છે. ભારતના વડા પ્રધાનને અને અન્ય મહાનુભાવોને બચાવવા માટે કલમાડીને હોળીનું નાળિયેર બનાવવામાં આવી રહ્યાં છે.

No comments:

Post a Comment