Thursday, May 12, 2011

૨૦/૦૪/૧૧ જૈતાપુરમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ધરતીકંપના ૯૨ આંચકાઓ આવ્યા છે


મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં બંધાઈ રહેલા એટમિક પાવર પ્લાન્ટને કારણે દેશની તિજોરીને આશરે બે લાખ કરોડ રૃપિયાનું નુકસાન થશે
જાપાનમાં ધરતીકંપ અને સુનામીના પગલે કુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં જે કટોકટી પેદા થઈ છે તેને કારણે ભારતમાં નવાં અણુ ઉર્જા મથકો સામેનો વિરોધ અત્યંત ઉગ્ર બની ગયો છે. મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં આવેલા જૈતાપુરમાં ૧૬૫૦ મેગાવોટનો એક એવા છ અણુ ઉર્જા મથકો ૧.૯૩ લાખ કરોડ રૃપિયાના ખર્ચે બનવાના છે. આ ઉર્જા મથક માટે ફ્રાન્સની 'અરેવા' કંપની સાથે કોન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે. રત્નાગિરિના માછીમારો અને ખેડૂતો આ પ્રોજેક્ટનો પોતાની તમામ તાકાતથી વિરોધ કરી રહ્યા છે.
આ વિરોધને કચડીને મહારાષ્ટ્રની સરકાર ગરીબ કિસાનોની જમીન ખાલી કરાવવા પાશવી તાકાતનો ઉપયોગ કરી રહી છે. રવિવારે પોલીસે આ ઉર્જા મથકની જમીન ફરતે દિવાલ બાંધવાનો વિરોધ કરી રહેલા ખેડૂતો ઉપર ગોળીબાર કરીને એકની લાશ ઢાળી દીધી હતી અને આઠને ઘાયલ કર્યા હતા. મહારાષ્ટ્ર સરકાર જો આ ખેડૂતોના આંદોલનને કચડી નાંખવા બળનો પ્રયોગ કરશે તો જૈતાપુર મહારાષ્ટ્રનું નંદિગ્રામ બની જશે.
જૈતાપુર અણુ ઉર્જા મથકનો વિરોધ કરી રહેલા પર્યાવરણના નિષ્ણાતો કહે છે કે આ પ્લાન્ટ જે સ્થળે બંધાવાનો છે તે સ્થળ ત્રણ નંબરના ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં આવેલું છે. જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડાઓ કહે છે કે આ સ્થળ ઉપર ઈ.સ. ૧૯૮૫ અને ૨૦૦૫ વચ્ચે ધરતીકંપના ૯૨ આંચકાઓ આવેલા છે. તેમાં મોટામાં મોટો આંચકો ઈ.સ. ૧૯૯૩માં આવ્યો હતો, જેની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર ૬.૨ની હતી. જાપાનમાંં આવેલા સુનામીના પગલે જૈતાપુર પાવર પ્લાન્ટની ડિઝાઈનમાં ફેરફાર કરીને તેને ઊંચા પ્લેટફોર્મ ઉપર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૈતાપુર અણુ ઉર્જા મથક સામે આંદોલન ચલાવી રહેલા પર્યાવરણવિદો કહે છે કે જૈતાપુર અણુ ઉર્જા મથકને ભૂકંપથી કોઈ નુકસાન નહીં થાય એવા દાવાઓ વિશ્વાસ કરવા યોગ્ય નથી. જૈતાપુરમાં જો નવીન તીવ્રતાનો ભૂકંપ આવે તો અણુ ઉર્જા મથક ખેદાનમેદાન થઈ જાય અને તેનું રેડિયેશન છેક મુંબઈને તારાજ કરી શકે તેમ છે.
મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં જે અણુ ઉર્જા મથક તૈયાર થઈ રહ્યું છે તે ભારતનું નહીં પણ દુનિયાનું સૌથી મોટું એટમિક પાવર સ્ટેશન હશે. તેની કુલ ક્ષમતા ૯,૯૦૦ મેગાવોટ વીજળી પેદા કરવાની હશે. મહારાષ્ટ્રમાં અશોક ચવાણના સ્થાને પૃથ્વીરાજ ચવાણને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે તેમને મુખ્ય કાર્ય આ એટમિક પાવર પ્લાન્ટ સામેના પ્રજાના વિરોધને કચડી નાંખવાનું સોંપવામાં આવ્યું હતું. આ માટે પોલીસને ગ્રામજનો ઉપર ગોળીબાર કરીને એમની કતલ કરી નાંખવાના આદેશો આપવામાં આવ્યા હતા. આ પાવર પ્લાન્ટ માટે કિસાનોની જમીનો બળજબરીથી આંચકી લેવામાં આવી હતી. પછી આ જમીન ફરતે ફેન્સીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ગ્રામજનો તેને અટકાવવા ટોળે મળ્યા હતા. ૭૦૦ ગ્રામજનોના ટોળાંને ડરાવવા માટે પોલીસે તેમની ઉપર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ કારણે ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પોલીસ સ્ટેશનને જ આગ ચાંપી હતી. ૯૦ વર્ષ અગાઉ ચૌરી-ચોરામાં આવી જ ઘટના બની હતી. ત્યારે બ્રિટિશ સરકાર હતી તો આજે ભારત સરકાર છે, પણ પ્રજાની જમીન બળજબરીથી આંચકી લેવાની પદ્ધતિમાં કોઈ બદલાવ આવ્યો નથી.
જ્યારે જાપાનમાં સુનામી આવ્યું અને કુકુશિમા પાવર પ્લાન્ટમાં કટોકટી પેદા થઈ ત્યારે કેન્દ્રના પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે નિવેદન આપ્યું હતું કે જૈતાપુર પાવર પ્લાન્ટને આપવામાં આવેલી પર્યાવરણીય મંજૂરીની ફેરવિચારણા કરવામાં આવશે. જયરામ રમેશ ઉપર કેન્દ્ર સરકારનું દબાણ આવ્યું એટલે તેમણે એક અઠવાડિયામાં ફેરવી તોળ્યું કે આ પ્લાન્ટની સલામતીની ચિંતા પર્યાવરણ મંત્રાલયે નથી કરવાની પણ ન્યુકિલયર પાવર કોર્પોરેશને કરવાની છે. ન્યુકિલયર પાવર કોર્પોરેશનના અધ્યક્ષ શ્રેયાંસકુમાર જૈને એક નિવેદન બહાર પાડીને કહી દીધું હતું કે આ એટમિક પાવર પ્લાન્ટ ધરતીકંપ અને સુનામી સામે પણ ટકી શકે તેમ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જૈતાપુરમાં બંધાઈ રહ્લું એટમિક પાવર સ્ટેશન નવની તીવ્રતાના ધરતીકંપ સામે ટકી શકે ખરું ? ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો કે ભારતમાં નવીન તીવ્રતાનો ભૂકંપ આવવાનો જ નથી. રત્નાગિરિના કિસાનો અને માછીમારો જૈતાપુર એટમિક પાવર પ્લાન્ટ બાબતમાં કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી કોઈ બાંયધારીઓ ઉપર વિશ્વાસ રાખતા નથી.
જગતમાં અત્યારે ત્રણ પ્રકારનાં અણુ ઉર્જા મથકો બને છે. જપાનનું કુકુશિમા રિએકટર લાઈટ વોટરની ટેકનોલોજી ઉપર આધારીત છે. તેમાં અણુ બળતણને ઠંડું પાડવા માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં કાકરાપાર, તારાપુર વગેરે સ્થળે જે એટમિક રિએકટરો બાંધવામાં આવ્યાં છે તે હેવી વોટરની ટેકનોલોજી ઉપર આધારીત છે.
તેમાં જે પાણી વાપરવામાં આવે છે તેમાં રહેલો ઓક્સિજનનો પરમાણુ સામાન્ય પરમાણુ કરતાં થોડો વધુ ભારે હોય છે. જૈતાપુરમાં જે એટમિક પાવર પ્લાન્ટ બાંધવામાં આવી રહ્યા છે તે પ્રેશરાઇઝડ વોટરની ટેકનોલોજી ઉપર આધારીત છે. આ ટેકનોલોજી તદ્દન નવી છે અને હજી તેની સલામતીની કસોટી થવાની બાકી છે. આજની તારીખમાં દુનિયામાં આ ટેકનોલોજી આધારીત એક પણ અણુ રિએકટર કામ કરી રહ્યું નથી. ફ્રાન્સની 'અરેવા' કંપની આ નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં અખતરાના ધોરણે કરવા માગે છે.
વિશ્વમાં અત્યારે ફ્રેન્ચ કંપનીની નવી ટેકનોલોજીના આધારે ચાર નવાં રિએકટરો બંધાઈ રહ્યાં છે. આ પૈકી પ્રથમ પ્રેશરાઈઝડ વોટર રિએકટરના યુરોપના ફિનલેન્ડમાં બાંધવાનો પ્રારંભ 'અરેવા' કંપનીએ ઈ.સ. ૨૦૦૫ની સાલમાં કર્યો હતો. આ રિએકટર ઈ.સ. ૨૦૧૦ની સાલમાં તૈયાર થઈ જવાનું હતું. તેની ડિઝાઈનમાં અનેક ખામીઓ જાણવા મળી હતી. આ ખામીઓને કારણે પ્લાન્ટની સલામતી જોખમમાં મૂકાઈ જાય તેમ હતી. આ કારણે અડધે રસ્તે ડિઝાઇનમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. આ ફેરફારોને કારણે પ્લાન્ટની કિંમતમાં ૫૦ ટકા જેટલો વધારો થયો હતો અને ટાઇમ ટેબલમાં ૩.૫ વર્ષનો વધારો થયો હતો. ઈ.સ. ૨૦૧૦માં તૈયાર થનારું આ રિએક્ટર હવે ૨૦૧૩ની સાલમાં માંડ શરૃ થઈ શકશે. ફિનલેન્ડની જેમ ફ્રાન્સમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક રિએકટર બંધાઈ રહ્યું છે. તેના ખર્ચમાં પણ ૫૦ ટકા જેટલો વધારો થયો છે. આ રિએકટર હવે ઈ.સ. ૨૦૧૪ની સાલમાં શરૃ થવાનું છે. ફ્રાન્સની 'અરેવા' કંપની પાસેથી ચીનની સરકારે પણ બે પ્રેશરાઈઝડ વોટર રિએકટર ખરીદવાનો કોન્ટ્રેક્ટ કર્યો છે, પણ હજી કામની શરૃઆત જ નથી કરી.
'અરેવા' કંપનીની બનાવટના એટમિક રિએકટરની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે ફ્રાન્સની સરકારે એક તપાસ સમિતિની નિમણુંક પણ કરી હતી. આ તપાસ સમિતિએ ગયા વર્ષના જુલાઈ મહિનામાં આપેલા પોતાના હેવાલમાં જણાવ્યું હતું કે આ પ્લાન્ટના ફેબ્રીકેશનમાં ખામીઓ રહી ગઈ છે અને તેના સિમેન્ટ પ્લેટફોર્મમાં તિરાડો દેખાઈ રહી છે. આ કારણે રિએકટરની સલામતી જોખમાઈ શકે છે. આ કમિટીએ પોતાના હેવાલમાં જણાવ્યું છે કે આ પદ્ધતિના રિએકટરમાં જે અણુ કચરો બહાર કાઢવામાં આવે છે તેમાં સામાન્ય રિએકટરની સરખામણીએ ચાર ગણું રેડિયેશન હોય છે. આ કચરાનો જયાં નિકાલ કરવામાં આવશે ત્યાંની પ્રજા ઉપર રેડિયેશનનું જોખમ વધી જશે. વળી આ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ પણ રેડિયેશનના ભારે ડોઝનો ભોગ બનશે.
જૈતાપુરમાં જે એટમિક રિએકટરો બંધાવાના છે તેના ખર્ચ બાબતમાં સરકારે હજી સુધી કોઈ સત્તાવાર આંકડો બહાર પાડયો નથી. ફિનલેન્ડમાં જે ૧,૬૫૦ મેગાવોટની ક્ષમતાનું રિએકટર બનવાનું છે તેનો ખર્ચ ૫.૭ અબજ યુરોનો આંકવામાં આવ્યો છે. ચીન જે રિએકટર ખરીદવાનું છે તેનો ખર્ચ ૫ અબજ યુરો આંકવામાં આવ્યો છે. આપણે આ બંનેની સરાસરી લઈએ તો ૧,૬૫૦ મેગાવોટના એક રિએકટરનો ખર્ચ ૫.૩ અબજ યુરો થાય છે. જૈતાપુરમાં આવાં છ રિએકટરો બંધાવાના છે, માટે તેનો ખર્ચ ૩૧.૮ અબજ યુરો થશે. આજના એક્સચેન્જ રેટ મુજબ આ છ રિએકટરનો ખર્ચ ૧.૯૩ લાખ કરોડ રૃપિયા જેટલો થાય છે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં દેશની તિજોરીને ૧.૭૬ લાખ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. જૈતાપુર પ્લાન્ટમાં તેના કરતાં પણ વધુ મોટું કૌભાંડ દેખાઈ રહ્યું છે.
ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ સાર્કોઝી ગયાં વર્ષે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આપણા વડા પ્રધાને તેમની હાજરીમાં જૈતાપુર એટમિક પાવર સ્ટેશનમાં બાંધકામ માટે 'અરેવા' કંપની સાથે કરાર કર્યા હતા. આ કરારની કોઈ વિગતો હજી સુધી ભારતની પ્રજા સમક્ષ જાહેર કરવામાં આવી નથી. આ પ્લાન્ટનાં ભયસ્થાનો બાબતની કોઈ વિગતોની જાણકારી સ્થાનિક જનતાને આપવામાં આવતી નથી. આ પ્લાન્ટનો કુલ ખર્ચ કેટલો હશે તેનો આંકડો પણ હજી જાહેર કરવામાં આવતો નથી. આપણી સરકાર કિકબેક અને કટકી સિવાય કોઈ કામ કરતી નથી. આશરે બે લાખ કરોડના સોદામાં કેટલી કટકી હોઈ શકે તેની કલ્પના થઈ શકે તેમ છે. આ પ્લાન્ટ બંધાઇ રહેશે તેનો સૌથી વધુ લાભ મલ્ટીનેશનલ 'અરેવા' કંપનીને થશે અને તેનું સૌથી વધુ નુકસાન રત્નાગિરિની પ્રજાને થશે. આ પ્રજા ઉપર ગોળીબાર કરીને મહારાષ્ટ્ર સરકારે સાબિત કરી આયું છે કે તેને ગરીબ જનતાના હિતોની નહીં પણ મલ્ટીનેશનલ કંપનીના ધંધાની વધુ ચિંતા છે. અન્ના હજારેએ હવે જૈતાપુરના પ્રોજેક્ટને રદ્દ કરાવવા માટે ઉપવાસ કરવા પડે એ દિવસો દૂર ન

No comments:

Post a Comment