Thursday, May 19, 2011

૧૯/૦૫/૧૧ કર્ણાટકમાં રાજ્યપાલના છબરડાનો મુખ્યપ્રધાનને લાભ મળશે



મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને ખુરશી ઊથલાવવા જતાં રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજની ખુરશી ભયમાં આવી પડી છે
કોઈ પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરીને તેને સ્થાને રાષ્ટ્રપતિનું શાસન સ્થાપવાનું કામ લોઢાના ચણા ચાવવા કરતાં પણ વધુ કઠિન છે. તેમાં પણ જે સરકાર વિધાનસભામાં બહુમતી ધરાવતી હોય તો તેને બરતરફ કરવાનું પગલું બુમરેંગ સાબિત થઈ શકે છે. કર્ણાટકની ભાજપ સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી છે એવું સાબિત કર્યા વિના રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની સ્થાપના કરવાની ભલામણ કરીને રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે પોતાના જ પગ ઉપર કુહાડો મારવાનું કામ કર્યું છે. એક બાજુ કેન્દ્ર સરકારે રાજ્યપાલની આ બીજી વખતની ભલામણ પણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે તો બીજી બાજુ ભાજપે રાજ્યપાલનાં રાજીનામાની માગણી વધુ ઉગ્ર બનાવી દીધી છે. આ મુદ્દે જો હંસરાજ ભારદ્વાજે રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડશે તો તેમની ગોળા સાથે ગોફણ પણ જશે.
કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા બિલાડીની જેમ નવ જિંદગી ધરાવે છે. જેટલી પણ વખત દેવે ગોવડા અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ મળીને યેદિયુરપ્પાને ઉથલાવવાની કોશિષ કરે છે તેમ તેઓ વધુ મજબૂત બનીને બહાર આવે છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં ભાજપના ૧૧ અને અપક્ષ છ વિધાનસભ્યોએ યેદિયુરપ્પા સરકારને ટેકો પાછો ખેંચીને ભાજપની સરકારને લઘુમતીમાં મૂકી દીધી હતી. રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે યેદિયુરપ્પાને ૧૨મી ઓક્ટોબરે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવા જણાવ્યું હતું તેના બે દિવસ અગાઉ જ વિધાનસભાના સ્પીકરે ૧૬ બળવાખોર વિધાનસભ્યોને ગૃહમાંથી બરતરફ કરીને વિશ્વાસના મતનું પલ્લું યેદિયુરપ્પાની તરફેણમાં નમાવી દીધું હતું. ૧૬ બળવાખોર વિધાનસભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી યેદિયુરપ્પા આસાનીથી વિશ્વાસનો મત જીતી ગયા હતા.
વિધાનસભાના સ્પીકરે જે ૧૬ વિધાનસભ્યોને ગૃહમાંથી બરતરફ કર્યા તે નિર્ણયના વિરોધમાં તેમણે સુપ્રિમ કોર્ટમાં રીટ અરજી કરી હતી. આ અરજીનો જો ત્વરિત ચુકાદો આવી ગયો હોત તો કદાચ આ બળવાખોર સભ્યને ગૃહમાં મતદાન કરવાની પરવાનગી મળી ગઈ હોત અને યેદિયુરપ્પા મુશ્કેલીમાં મૂકાઈ ગયા હોત. જે કેસનો ચુકાદો છ દિવસમાં આવવો જોઈએ એ ચુકાદો છ મહિને આવ્યો છે. આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, ૧૬ બળવાખોર વિધાનસભ્યોને શૉ કોઝ નોટીસ આપ્યા વિના અને તેમનો પક્ષ સાંભળ્યા વિના ઉતાવળે તેમને બરતરફ કરવાનું પગલું ગેરબંધારણીય અને અનુચિત છે. આ કારણે સુપ્રીમ કોર્ટે ૧૬ વિધાનસભ્યોની બરતરફી રદ્દ કરીને યેદિયુરપ્પાની સરકારને સણસણતો તમાચો માર્યો છે, પણ તેનોલાભ વિપક્ષો ઉઠાવી શકે તેમ નથી.
રાજકારણના અઠંગ ખેલાડી યેદિયુરપ્પાએ વિધાનસભ્યોની બરતરફી અને સુપ્રિમ કોર્ટના ચુકાદા વચ્ચેના કાળમાં ૧૬ બળવાખોર વિધાનસભ્યોને પાછા પોતાના વશમાં કરી લીધા છે. આ વિધાનસભ્યોને સરકારની વિરુદ્ધમાં બહાર આવવાની ઉશ્કેરણી કરાવવાની બાબતમાં વિપક્ષોના કાવાદાવા નિષ્ફળ ગયા છે. આપણા વિધાનસભ્યોને અંતરાત્મા નામની કોઈ ચીજ નથી. જે વિધાનસભ્યોની બરતરફીના મુદ્દે આટલું મોટું મહાભારત ખેલાઈ ગયું અને મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો તેમને યેદિયુરપ્પાએ ફરીથી ખરીદી લીધા છે. જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે આ ૧૬ વિધાનસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને જણાવી દીધું કે તેઓ આજની તારીખમાં યેદિયુરપ્પા સરકારને જ ટેકો આપે છે. આ કારણે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અપ્રસ્તુત બની ગયો છે.
બરતરફ કરવામાં આવેલા ૧૬ વિધાનસભ્યો બાબતમાં જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને લાગ્યું કે યેદિયુરપ્પા સરકારને બરતરફ કરવાની વધુ એક તક તેમના હાથમાં આવી છે. યેદિયુરપ્પા સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે એવી ખોટી પૂર્વધારણા સાથે તેમણે ઉતાવળે બંધારણની ૩૫૬ (૧)મી કલમ મુજબ કર્ણાટકમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાપવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી હતી. હંસરાજ ભારદ્વાજે આ મામલામાં કાચું કાપ્યું હતું. તેમના આ ઉતાવળિયા પગલાંથી ભાજપના બધા નેતાઓ રાજ્યપાલ ઉપર તૂટી પડયા છે અને તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
ભારતની લોકશાહીમાં વિધાનસભ્યોની કિંમત બજારમાં વેચાતા પ્રાણીઓ જેટલી જ રહી ગઈ છે. આ વાતનો ખ્યાલ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી કર્ણાટકના ૧૨૧ વિધાનસભ્યોની પરેડ ઉપરથી આવતો હતો. કર્ણાટકનાં ૨૨૫ સભ્યોના ગૃહમાં ૧૨૧ સભ્યો વર્તમાન યેદિયુરપ્પા સરકારને ટેકો આપી રહ્યા છે તેવું સાબિત કરવાનો બીજો કોઈ લોકશાહી માર્ગ ન મળ્યો એટલે ભાજપના નેતાઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ૧૨૧ કહ્યાગરા વિધાનસભ્યોને ઠાંસીને દિલ્હી લઈ આવ્યા હતા અને તેમની રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી સહિત ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓએ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલને મળીને રાજ્યપાલ ભારદ્વાજને બરતરફ કરવાની માગણી કરી હતી.
કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ અગાઉ કેન્દ્રમાં કાયદા પ્રધાન હતા અને તેઓ બંધારણના નિષ્ણાત ગણાય છે તો પણ સુપ્રિમ કોર્ટના ચુકાદાને પગલે રાજ્યના રાજકારણમાં પેદા થયેલી પરિસ્થિતિનો ક્યાસ કાઢવામાં અને કેન્દ્રીય નેતાગીરીને વિશ્વાસમાં લઈને કામ કરવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને પગલે ભારદ્વાજે માની લીધું હતું કે ૧૬ બળવાખોર વિધાનસભ્યો હજી પણ યેદિયુરપ્પાના વિરોધમાં જ હશે અને તેને કારણે યેદિયુરપ્પા સરકાર ફરીથી લઘુમતીમાં મુકાઈ જશે. ભાજપના નેતાઓએ જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ ૧૨૧ વિધાનસભ્યોની પરેડ કરી બતાવી ત્યારે રાજ્યપાલની આ ગણતરી ખોટી સાબિત થઈ હતી. તો પણ પોતાની તંગડી ઉંચી રાખતા રાજ્યપાલ તરફથી એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાથી રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરવામાં આવે છે. આ થિયરી સ્વીકારવાનો ખુદ કેન્દ્ર સરકારે પણ ઇનકાર કરી દીધો છે.
કર્ણાટકની સરકારને બરતરફ કરવા બાબતનો હેવાલ હંસરાજ ભારદ્વાજે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો તે પછી કેન્દ્રના ગૃહખાતાં દ્વારા આ હેવાલને ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો છે ગૃહપ્રધાન ચિદંબરમને હજી આ હેવાલ વાંચવાની પણ ફુરસદ મળી નથી. તેમણે ગૃહખાતાના અધિકારીઓને આ હેવાલ વાંચવા માટે મોકલી આપ્યો છે. ગૃહ ખાતાના અધિકારીઓએ આ હેવાલ ઉપર પોતાની ટિપ્પણી કરે તે પછી તેને કેબિનેટ સમક્ષ વિચારણા માટે મોકલવામાં આવશે. જો કેન્દ્ર સરકાર ખરેખર કર્ણાટકની સરકારને બંધારણની ૧૫૬ (૧)મી કલમ હેઠળ બરતરફ કરવા માગતી હોય તો તાત્કાલિક કેન્દ્રની કેબિનેટની મિટીંગ બોલાવવામાં આવે અને નિર્ણય કરવામાં આવે. કેન્દ્ર સરકારમાં આવી કોઈ ઉતાવળ જણાતી નથી તેના ઉપરથી ખ્યાલ આવે છે કે કેન્દ્ર સરકાર આ તબક્કે યેદિયુરપ્પાની સરકારને બરતરફ કરીને તેમને શહિદ બનાવવા માગતી નથી. હકીકતમા હંસરાજ ભારદ્વાજે જે હેવાલ મોકલ્યો તે પણ કેન્દ્રને વિશ્વાસમાં લીધા વગર જ મોકલ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ હેવાલને કારણે કેન્દ્ર સરકારે પણ વિમાસણમાં મૂકાઈ જવું પડયું છે.
કર્ણાટકની સરકારને બરતરફ કરવાના મામલામાં હંસરાજ ભારદ્વાજે જે કાચું કાપ્યું તેને કારણે મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને જીવતદાન મળી ગયું છે એટલું જ નહિ પણ તેઓ આ કટોકટીમાંથી વધુ મજબૂત બનીને બહાર આવ્યા છે. હકીકતમાં મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ રાજ્યપાલનો આભાર માનતા કટાક્ષમાં કહ્યું છે કે, તેમને કારણે ભાજપની એકતા મજબૂત બની છે. આ ઉપકાર બદલ આભાર માનતા હોય તેમ યેદિયુરપ્પાએ રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને તેમના જન્મદિન નિમિત્તે પુષ્પગુચ્છ પણ મોકલી આપ્યો છે. આ કટોકટી અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ પણ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું મંતવ્ય ધરાવતા હતા. તેના બદલે તેઓ મંગળવારે યેદિયુરપ્પાને બચાવવા માટે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલી પરેડમાં જોડાઈ ગયા હતા. અગાઉ કર્ણાટકના રેડ્ડી બંધુઓ યેદિયુરપ્પા સામે કાવાદાવાઓ કરતા હતા. હવે તેઓ પણ યેદિયુરપ્પાના ટેકામાં આવી ગયા છે.
કર્ણાટકની તાજેતરની કટોકટીમાં જો કોઈને સૌથી વધુ નુકસાન થયું હોય તો તે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ છે. તેમને કારણે કર્ણાટકમાં અને દેશના રાજકારણમાં કોંગ્રેસની છાપ ખરડાઈ છેતેની ચિંતા કોંગ્રેસની નેતાગીરીને સતાવી રહી છે. આ વાતની ગંધ ભાજપના નેતાઓને પણ આવી જતાં તેમણે હંસરાજ ભારદ્વાજને બરતરફ કરવાની માગણી ઉગ્ર બનાવી છે. હંસરાજ ભારદ્વાજના ટેકેદારોને પણ લાગ્યું છે કે આ વખતે તેમણે પોતાના કદ કરતા વધુ સાહસ કરી નાંખ્યું છે.
હંસરાજ ભારદ્વાજ હવે આક્રમક ભૂમિકામાંથી સંરક્ષણાત્મક ભૂમિકામાં આવી ગયા છે. યેદિયુરપ્પાને ખુરશી ઉપરથી ઉથલાવવા જતા તેમની પોતાની ખુરશી ભયમાં આવી પડી છે. કેન્દ્ર સરકાર રાજ્યપાલને પાછા બોલાવતા અગાઉ તેમને બીજો કોઈ હોદ્દો આપશે કે ફરજિયાત નિવૃત્તિ લેવાની ફરજ પાડશે તેની ચર્ચા ચાલી રહી છે. આ કટોકટીમાં યેદિયુરપ્પા થર્ડ ટાઇમ લકી પુરવાર થયા છે.

No comments:

Post a Comment