Tuesday, March 29, 2011

29/3/11 હવાલાકિંગ હસનઅલીના માથે મોત ભમી રહ્યું છે ?


હસનઅલીના પણ 'બોસ' તરીકે કોલકાતાનો બિઝનેસમેન કાશીનાથ તાપુરિયા બહાર આવે છે ઃ તાપુરિયાએ હસનઅલીને ધમકી આપી છે
પુણેના ઘોડાના તબેલાના માલિક હસનઅલીનો કેસ દિવસે દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અગાઉ હસન અલીએ એવી કબૂલાત કરી હોવાના હેવાલો આપ્યા હતા કે ઇ.સ.૧૯૦૦થી ૨૦૦૦ દરમ્યાન મહારાષ્ટ્રની ગાદી ઉપર આવી ગયેલા ત્રણ મુખ્ય પ્રધાનોના બે નંબરના રૃપિયાને એક નંબરના કરવાનું તંત્ર તેઓ ચલાવતા હતા. હવે હસનઅલીએ એવો ધડાકો કર્યો છે કે આંધ્રપ્રદેશના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના અને દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટારોનાં કાળા નાણાંની ધુલાઈ કરવાનું કાર્ય પણ તેઓ કરતા હતા. હવે હસનઅલીના કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ખાતાની ટુકડીએ સુપ્રિમ કોર્ટમાં પોતાનો હેવાલ રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ આ કેસના મૂળ સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ હેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે હસનઅલીને અને તેમના કેસની તપાસ કરી રહેલી ટુકડીને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. આ હેવાલ ઉપરથી ખ્યાલ આવે છે કે માત્ર હસનઅલીના જ નહીં પણ તેમના કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓના માથે પણ મોત ભમી રહ્યું છે.
આપણા ટોચના રાજકારણીઓ અને કેન્દ્ર સરકારે ત્રણ- ત્રણ વર્ષ સુધી હસનઅલીના કેસ ઉપર જે રહસ્યનો પડદો નાંખી દીધો હતો તે હવે ઉઠવાની તૈયારીમાં છે. આ પડદો ઉઠશે ત્યારે દેશના અનેક નેતાઓની અને ઉદ્યોગપતિઓની અસલિયત છતી થઈ જશે. તાજેતરમાં હસનઅલીએ તપાસકર્તાઓને આપેલી માહિતી મુજબ રાજકારણીઓના કાળાં નાણાંને ધોળાં કરવાની પોતાની કારકિર્દીનો પ્રારંભ તેમણે પુણેમાં નહીં પણ પોતાના મૂળ વતન હૈદરાબાદમાં કર્યો હતો. તે વખતે આંધ્રપ્રદેશના જે મુખ્ય પ્રધાન હતા તેના કાળા નાણાં હવાલાની ચેનલ દ્વારા વિદેશ મોકલવામાં અને વિદેશી બેન્કમાં જમા કરાવવામાં હસનઅલીએ મદદ કરી હતી. આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને ચૂંટણીમાં ખર્ચવા માટે જ્યારે કાળા નાણાંની જરૃર પડે ત્યારે તેઓ હસનઅલીને યાદ કરતા હતા. હસનઅલી વિદેશથી હવાલાની ચેનલ દ્વારા આ નાણાં પાછા ભારતમાં મગાવી આપતા હતા. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે આંધ્રપ્રદેશમાં વિપક્ષના જે નેતા હતા તેનાં કાળાં નાણાંનો વહીવટ કરવાનું કામ પણ હસનઅલીને જ સોંપવામાં આવ્યું હતું. જે રાજકારણીઓ જાહેરમાં એકબીજાનો વિરોધ કરતા હોય છે તેઓ લૂંટના માલની વહેંચણીની બાબતમં કેવા સંપી જાય છે તેનો ખ્યાલ આ વાત ઉપરથી આવે છે.
હસનઅલીએ અગાઉ મહારાષ્ટ્રના ત્રણ મુખ્યપ્રધાનોના કાળા નાણાંનો વહીવટ કરતા હોવાની પણ કબૂલાત કરી હતી. ઇ.સ. ૧૯૯૦ અને ૨૦૦૦ વચ્ચે મહારાષ્ટ્રમાં શરદ પવાર, સુશીલકુમાર શિંદે, મનોહર જોશી, નારાયણ રાણે અને વિલાસરાવ દેશમુખ મુખ્યપ્રધાનની ગાદી પર આવ્યા હતા. આ પાંચમાંથી કયા ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો હસનઅલી સાથે સંબંધ ધરાવતા હતા તે અટકળનો વિષય છે. આ ત્રણ પૈકી એક મુખ્યપ્રધાનના જમાઈ માટે પણ હસનઅલીએ કામ કર્યું હતું. આ ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના નામો જ્યારે પણ જાહેર કરવામાં આવશે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ થશે.
ભારતના રાજકારણીઓ ઉપરાંત ફિલ્મસ્ટારો પણ પણ કાળા નાણાંને ધોળાં કરવાના કૌભાંડમાં સંડોવાયેલા છે, એવી કબૂલાત હસનઅલીએ પહેલી વખત કરી છે. હસનઅલી ખાસ કરીને દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટારોના આડતિયા તરીકે કામ કરે છે. હસનઅલીની કબૂલાત મુજબ તેલુગુ ફિલ્મના એક હીરોએ તો હવે રાજકારણમાં પણ ઝંપલાવી દીધું છે. હસનઅલીનો ઇશારો તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી તરફ હોવાનું જણાઈ રહ્યું છે. હસનઅલીએ માત્ર આંધ્રપ્રદેશના જ નહી પણ તમિલનાડુના અને કેરળના રાજકારણીઓને પણ પોતાની 'સેવા' આપી હતી. કેન્દ્રના અનેક પ્રધાનોએ પણ હસનઅલીની 'સેવા' લીધી હતી. ઇ.સ. ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન વિદેશની બેન્કોમાં મૂકેલા કાળાં નાણાં પાછા માઁગવાનું કામ પણ રાજકીય પક્ષોએ હસનઅલીને જ સોંપ્યું હતું. ઇ.સ. ૨૦૦૯ની ચૂંટણીઓ દરમિયાન તેમણે એક રાજકીય પક્ષના ૨૦૦ કરોડ રૃપિયા વિદેશથી મંગાવી આપ્યા હોવાની કબૂલાત પણ કરી છે. ભારતના રાજકારણની ખરી તાસીર આ કેસમાં બહાર આવી છે.
એન્ફોર્સમેન્ટ ખાતાંએ ગયા અઠવાડિયે હસનઅલીના ભાગીદાર હોવાનું મનાતા કોલકાતાના બિઝનેસમેન કાશીનાથ તાપુરિયાની ધરપકડ કરી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તાપુરિયા હસનઅલીનો સાગરીત છે, પણ હવે એવું જણાઈ રહ્યું છે કે તાપુરિયા હકીકતમાં હસનઅલીનો બોસ છે. જ્યારે હસનઅલીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસકર્તા અધિકારી ઉપર જેટલું દબાણ નહોતું લાદવામાં આવ્યું એટલું દબાણ તેઓ તાપુરિયાની ધરપકડ પછી અનુભવી રહ્યા છે. હસનઅલીની બીજી પત્ની રીમા પણ પતિના ધંધામાં પૂરેપૂરી સંડોવાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. રીમાના નામે પણ વિદેશી બેન્કોમાં અનેક ખાતાઓ છે, જેમાંથી કરોડો ડોલરની લેવડદેવડ થયાની માહિતી તપાસ કરનારા અધિકારીઓને મળી છે. રીમાની પણ ટૂંક સમયમાં ધરપકડ થવાની સંભાવના છે.
અગાઉ હસનઅલીએ મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના નામો આપ્યા હતા હવે તેણે મહારાષ્ટ્રના અનેક સરકારી અધિકારીઓ અને બિલ્ડરોના કાળા નાણાંને પણ ધોળાં કરી આપ્યા હોવાની કબૂલાત કરી છે. હસનઅલીના જણાવ્યા મુજબ રાજકારણીઓ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા બિલ્ડરો પણ કાળાં નાણાંને ધોળા કરવા માટે તેની 'સેવા'નો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ પણ હસનઅલીની 'સેવા' લીધી હતી. જે ભૂતપૂર્વ અને વર્તમાન સરકારી અમલદારોનું કાળું ધન હસનલઅલીએ ધોળું કરી આપ્યું તેમાંના અનેક તો 'આદર્શ' કૌભાંડમાં પણ સંડોવાયેલા છે. રાજકારણીઓ, સરકારી અમલદારો, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મળીને આપણા દેશને કેવી રીતે લૂંટી રહ્યા છે, તેના વટાણા હસનઅલી વેરી રહ્યો છે. દેશને લૂંટનારા આ વગદાર લોકોને સજા કરવામાં ભારતની સર્વોચ્ચ અદાલતની પણ આકરી કસોટી થવાની સંભાવના છે.
એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા જ્યારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો ત્યારે જજ સાહેબે વેધક સવાલ પૂછ્યો હતો કે, 'તમે અત્યાર સુધી હસનઅલી સામે શા માટે પગલાં ન લીધા ?' આ સવાલનો જો સાચો ઉત્તર એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ આપે તો આ કેસમાં કયા નેતાઓ આટલો બધો રસ લઈ રહ્યા છે અને હસનઅલીના કૌભાંડ ઉપર ઢાંકપિછોડો કરવાની કોશિષ કરી રહ્યા છે, તેનો પણ પ્રજાને ખ્યાલ આવી શકે. આ રીતે તપાસકર્તા એજન્સીના કામમાં હસ્તક્ષેપ કરવા બદલ ટોચના આ રાજકારણીઓ સામે પણ સર્વોચ્ચ અદાલતે ખટલો દાખલ કરવો જોઈએ.
હસનઅલી ખાને મુંબઈની કોર્ટ બહાર પત્રકોરોને ચોંકાવનારી વાત કરવામાં આવી છે કે કાશીનાથ તાપુરિયા દ્વારા તેને ફસાવવામાં આવ્યો છે. હસનઅલીએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, કોલકાતાના અગ્રણી ઉદ્યોગપતિ આર. પી. ગોયેન્કા અને કાશીનાથ તાપુરિયા તેમને ધમકીઓ આપી રહ્યા છે. આ પ્રકરણમાં પહેલીવાર ગોયેન્કાનું નામ આવ્યું છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા આ કૌભાંડનો સૂત્રધાર કાશીનાથ તાપુરિયા હોવાની જે વાત કરવામાં આવતી હતી તેની સાથે પણ આ વાતનો મેળ બેસે છે. શક્ય છે કે હસનઅલી કાશીનાથ તાપુરિયાના એજન્ટ તરીકે કામ કરતો હોય, તેને રાજકારણીઓ સાથે ડાયરેક્ટ સંબંધો ન હોય અને તાપુરિયા હસનઅલીનો ઉપયોગ ડમી તરીકે પણ કરતો હોય. ગમે તે હોય, આ કેસ દિવસે દિવસે વધુ ભેદી બની રહ્યો છે.
એન્ફોર્સમેન્ટ ખાતા દ્વારા સુપ્રિમ કોર્ટમાં જે હેવાલ સુપરત કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે કાશીનાથ તાપુરિયા ઉભરી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા તાપુરિયાની ધરપકડ કરવામાં આવી તે પહેલા સતત સાત દિવસ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. એન્ફોર્સમેન્ટ ખાતાએ જ્યારે પૂણેમાં હસનઅલીના ઘર ઉપર દરોડો પાડયો ત્યારે તેમના સેક્રેટરી તરીકે કામ કરતા ફિલિપ આનંદરાજની પણ પૂછપરછ કરી હતી. આનંદરાજ હસનઅલી અને તાપુરિયા વચ્ચેની કડી હોવાનું જાણમાં આવ્યું છે. આનંદરાજ સ્વીટઝર્લેન્ડમાં ચેઇન હોટલોના સીઇઓ તરીકે કામ કરી રહ્યો હતો. આનંદરાજ સાથે હસનઅલીની મુલાકાત ૨૦૦૧ની સાલમાં થઈ હતી. હસનઅલીએ સ્વિટ્ઝર્લેન્ડની હોટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રસ બતાવ્યો હતો. આનંદરાજે પોતાને હોટલના સીઇઓ બનાવવાની શરત રાખી હતી. હસનઅલી વતી સ્વીસ બેન્કના ખાતાઓનો વહીવટ આનંદરાજ કરતો હોવાનું જણાઈ રહ્યું છે. હસનઅલી, તાપુરિયા અને આનંદરાજ પાછળ ભારતના કયા ટોચના રાજકારણીઓ, સરકારી અમલદારો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ફિલ્મસ્ટારો છે તે જાણવા આખો દેશ આતુર છે. આ નામો પ્રજાને ક્યારેય જાણવા મળશે કે તેનું ભીનું સંકેલી લેવામાં આવશે, તેનો આધાર સુપ્રીમ કોર્ટની તાકાત ઉપર છે. આપણા દેશમાં ન્યાયતંત્ર વધુ પાવરફૂલ છે કે દેશને લૂંટી રહેલા રાજકારણીઓની તાકાત વધી જાય છે, તેના પારખા આગામી દિવસોમાં થવાના છે.

Monday, March 28, 2011

૨૮/૩/૧૧ અણુભઠ્ઠીમાંથી બહાર પડતા કિરણોત્સર્ગથી શું નુકસાન થાય ?


 
અણુભઠ્ઠીમાંથી બહાર પડતી કિરણોત્સર્ગી આયોડિન અને સેસિયમ ધાતુ જો શરીરમાં પ્રવેશે તો તેનાથી કેન્સર થાય છે અને મોત પણ થઈ શકે છે
જપાનના કુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં ધડાકાઓ થાય તેના પગલે ભારે માત્રામાં કિરણોત્સર્ગ બહાર ફેલાઈ રહ્યો છે. આ કિરણોત્સર્ગ હવા ઉપરાંત પીવાનાં પાણીમાં, દરિયાઈ પ્રાણીઓમાં, દૂધમાં, શાકભાજીમાં અને અનાજમાં પણ પ્રવેશ કરી રહ્યો છે. જપાનના સત્તાવાળાઓ કુકુશિમા પ્લાન્ટમાંથી હકીકતમાં કેટલો કિરણોત્સર્ગ બહાર પડી રહ્યો છે અને તેનાથી માનવશરીરને શું નુકસાન થાય એ બાબતમાં સાચી માહિતી લોકોને આપતા નથી. કદાચ તેમને ભય છે કે જો કિરણોત્સર્ગના પ્રમાણ બાબતમાં લોકોને સાચી માહિતી આપવામાં આવશે તો તેમનામાં ગભરાટ ફેલાશે અને તેઓ જપાન છોડીને નાસી જવાના વિચારો કરવા લાગશે. હકીકતમાં તેઓ કિરણોત્સર્ગના પ્રમાણ બાબતમાં સાચી માહિતી જાહેર નથી કરતાં તેને કારણે પ્રજામાં ગભરાત વધી રહ્યો છે.
જપાનના લોકોનો મુખ્ય ખોરાક સી ફૂડ છે. દરિયામાંથી પકડવામાં આવેલી કરોડો માછલીઓ અને બીજાં જળચરો જપાનીઓ ઓહિયા કરી જાય છે. જપાનના સી ફૂડની દુનિયાના અનેક દેશોમાં નિકાસ પણ કરવામાં આવે છે. કુકુશિમા પ્લાન્ટમાં ધડાકો થયો તેના પગલે તેની આજુબાજુના દરિયામાંથી માછલાંઓ પકડવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં દુનિયાના અનેક દેશોએ કિરણોત્સર્ગના ભયથી જપાનના સી ફૂડની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જપાનના વિજ્ઞાાનીઓ કહે છે કે સી ફૂડ કરતાં પણ શાકભાજીમાં કિરણોત્સર્ગનો ખતરો વધુ છે. ટોકિયોના વિજ્ઞાાનીઓ દ્વારા તેમની પ્રયોગશાળામાં ઉગાડવામાં આવતાં લીલાં શાકભાજીનું પરીક્ષણ કર્યું ત્યારે તેમાં કિરણોત્સર્ગી સેસિયમ ધાતુની માત્રા સામાન્ય કરતાં ૮૦ ટકા વધુ જોવા મળી હતી. આ કારણે જપાનની સરકારે બાળકોને પાંદડાંવાળાં શાકભાજી ન ખવડાવવાની સલાહ લોકોને આપી છે.
૧૧ માર્ચે જપાનમાં ભૂકંપ અને સુનામી આવ્યા તે પછી કુકુશિમાની દક્ષિણે ૧૪૫ માઈલના અંતરે આવેલા ટોકિયો શહેરના દૂધ, પાણી અને શાકભાજીમાં પણ કિરણોત્સર્ગની ભારે માત્રા જોવા મળી હતી. યુરોપના દેશોમાં જપાનમાંથી સી ફૂડની અને પશુ આહારની મોટા પાયે આયાત કરવામાં આવે છે. ભૂકંપ અને સુનામી પછી યુરોપિયન યુનિયનના સત્તાવાળાઓએ જપાનની સરકારને જણાવી દીધું છે કે જપાનથી જે આહારની નિકાસ કરવામાં આવે તે કિરણોત્સર્ગથી મુક્ત છે એવું પ્રમાણપત્ર પણ તેની સાથે મોકલવું પડશે. આ ખોરાક જ્યારે યુરોપ પહોંચશે ત્યારે પણ તેમાંના ૧૦ ટકાનું ચેકિંગ કરવામાં આવશે. જો એકાદ સેમ્પલમાં પણ કિરણોત્સર્ગ જોવા મળ્યો તો આખું કન્સાઈનમેન્ટ પાછું મોકલવામાં આવશે.
દુનિયાના અનેક દેશોએ જપાનથી આવતા ખાદ્ય પદાર્થોનું કડક ચેકિંગ શરૃ કરી દીધું છે. સિંગાપોરના સત્તાવાળાઓ દ્વારા જપાનથી આયાત કરવામાં આવેલાં શાકભાજીનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેમાં થોડા પ્રમાણમાં કિરણોત્સર્ગ મળી આવ્યો હતો. આ કારણે સિંગાપોરે કુકુશિમા અને તેની આજુબાજુના પ્રદેશોમાં બનાવવામાં આવતા અનાજ, શાકભાજી, દૂધ, ફળો અને માંસ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. સિંગાપોરમાં જપાનનું કૂડ પીરસતી હોટેલો અને રેસ્ટોરાંઓમાં મંદી વ્યાપી ગઈ છે. તેમાંની કેટલીક હોટેલોએ દક્ષિણ કોરિયા અને ઓસ્ટ્રેલિયાની વાનગીઓ પીરસવાની શરૃઆત કરી દીધી છે.
ટોકિયો શહેરમાં નળ દ્વારા જે પીવાનું પાણી આપવામાં આવે છે તેમાં કિરણોત્સર્ગી આયોડિનનું પ્રમાણ આરોગ્યને નુકસાન કરે એટલી હદે પહોંચી ગયું છે. ટોકિયોના સત્તાવાળાઓ દ્વારા માતાઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ભૂલેચૂકે પોતાનાં બાળકોને નળનું પાણી પિવડાવે નહીં. આ જાહેરાતને કારણે ટોકિયોના નાગરિકોએ દુકાનોમાં પેકેજડ ડ્રિન્કીંગ વોટરની બોટલો ખરીદવા ઘસારો કર્યો હતો. દુકાનોમાં રહેલી તમામ પાણીની બોટલો જોતજોતામાં વેચાઈ ગઈ હતી. હવે ટોકિયો મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ શહેરમાં ઘરે ઘરે ફરીને લોકોને પીવાના પાણીની બોટલો પહોંચાડી રહ્યા છે. આ બોટલો માત્ર ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે જ છે. જે ઘરમાં એક બાળક હોય તેને અડધા લિટરની ત્રણ બોટલો પ્રતિદિન આપવામાં આવે છે.
અણુભઠ્ઠીમાંથી જે કિરણોત્સર્ગ બહાર પડે છે તે આપણા શરીરમાં રહેલા કોષોના રાસાયણિક બંધનોને તોડી નાંખતું હોવાથી આરોગ્ય માટે તે બહુ જોખમી છે. આપણા શરીરમાં જેટલો વધુ કિરણોત્સર્ગ પ્રવેશ કરે છે એટલું જોખમ વધે છે. કોઈ પણ વ્યક્તિ કિરણોત્સર્ગના સંપર્કમાં આવે ત્યારે તેને તાત્કાલિક ઊલટી થવાની અને ચક્કર આવવાની તેમજ માથામાં દુઃખાવાની તકલીફ થવા લાગે છે. જો કિરણોત્સર્ગનું પ્રમાણ વધુ હોય તો માણસના વાળ ખરી પડે છે, તેને ઝાડા થવા લાગે છે, તે બેભાન થઈ જાય છે અને મોત પણ થાય છે. કિરણોત્સર્ગને કારણે જો મોત ન થાય તો પણ લાંબા ગાળે કેન્સર થવાની સંભાવના તો ઊભી જ રહે છે. કિરણોત્સર્ગની હાનિકારક અસરોનો તાત્કાલિક ખ્યાલ નથી આવતો પણ લાંબા ગાળે ખ્યાલ આવે છે. ચેર્નોબિલમાં ઈ.સ. ૧૯૮૬ની સાલમાં દુર્ઘટના થઈ હતી તેની આજે પણ અસર વર્તાઇ રહી છે. આજે પણ ચેર્નોબિલની આજુબાજુના પ્રદેશોમાં ખોડખાંપણ ધરાવતાં બાળકો જન્મે છે.
એટમિક પાવર પ્લાન્ટમાંથી જે પદાર્થો બહાર પડે છે તેમાં સેસિયમ નામની ધાતુ અને કિરણોત્સર્ગી આયોડિન-૧૩૧ હોય છે. આ આયોડિન આપણી થાયરોઇડ નામની ગ્રંથિમાં શોષાઇ જાય છે, જેને કારણે થાયરોઇડમાં સોજો આવે છે અને કેન્સરની ગાંઠ પણ થાય છે. જ્યારે હવામાં આવું કિરણોત્સર્ગી આયોડિન વધુ પ્રમાણમાં હોય ત્યારે સરકાર દ્વારા લોકોને આયોડિનની ટેબલેટ લેવાની સલાહ આપવામાં આવે છે, જે કિરણોત્સર્ગી આયોડિનને દૂર રાખે છે. જોકે આયોડિન પણ વધુ પ્રમાણમાં લેવાથી નુકસાન થાય છે.
કિરણોત્સર્ગી આયોડિન કરતાં પણ કિરણોત્સર્ગી સેસિયમ-૧૩૭ ધાતુ વધુ હાનિકારક છે. આ ધાતુ શરીરમાં ક્યાંય પણ શોષાઇ જાય છે અને કોઇ પણ અવયવમાં પહોંચી જાય છે. તેને કારણે જાતજાતની બીમારીઓ થાય છે. આ ધાતુની મુશ્કેલી એ છે કે તે ખોરાક, પાણી, જમીન વગેરેમાં પણ શોષાઈ જાય છે. જે જમીનમાં સેસિયમ-૧૩૭ ધાતુ ભળેલી હોય તે ખેતી માટે પણ નકામી થઈ જાય છે. આ જમીનમાં જે અનાજ વગેરે ઉગાડવામાં આવે તે પણ ઝેરી બની જાય છે.
કુકુશિમા દાઈચી પ્લાન્ટમાં જે ધડાકો થયો તેના કારણે ૪૦૦,૦૦૦ માઈક્રોસિવેર્ટ જેટલો કિરણોત્સર્ગ પેદા થયો હતો. જો આટલો કિરણોત્સર્ગ માત્ર એક કલાક માટે પણ સહન કરવામાં આવે તો તેને કારણે ચક્કર અને ઊલટીની તકલીફ શરૃ થઈ જાય છે. જો આ કિરણોત્સર્ગ બે કલાક માટે સહન કરવામાં આવે તો માણસ બેભાન બની જાય છે અને ત્રણ અઠવાડિયામાં તેનું મોત થઈ જાય છે. જોકે અણુભઠ્ઠીમાં કામ કરતા કર્મચારીઓ સંરક્ષક સાધનો પહેરતાં હોવાથી તેમની ઉપર કિરણોત્સર્ગની અસર ઓછી થાય છે.
જપાનના કુકુશિમા પ્લાન્ટમાંથી નીકળેલો કિરણોત્સર્ગ અત્યારે રશિયા અને કેલિફોર્નિયા સુધી પહોંચી ગયો છે. હજી તો મુખ્ય પ્લાન્ટમાં ધડાકો નથી થયો ત્યાં દુનિયાભરમાં આ કિરણોત્સર્ગ પ્રસરી ગયો છે. જો ચેર્નોબિલની જેમ મુખ્ય અણુભઠ્ઠીમાં ધડાકો થયો હોત તો આખું ટોકિયો શહેર તાત્કાલિક ખાલી કરાવવું પડત. જોકે આ જોખમ હજી પૂરેપૂરું ટળી નથી ગયું. કુકુશિમા પ્લાન્ટમાંથી તાજેતરમાં જે કાળા ધુમાડાઓ નીકળતા જોવા મળ્યા હતા તે સૂચવે છે કે હજી પણ પરિસ્થિતિ અંકુશ હેઠળ નથી આવી.
અણુભઠ્ઠીમાંથી બહાર પડતા કિરણોત્સર્ગને કારણે અનુવાંશિક ફેરફારો પણ જોવા મળે છે. આ ફેરફારોની અસર માનવ જાતની આવનારી પેઢીઓ ઉપર પડવાની સંભાવના છે. જપાનમાં આજથી ૫૦ વર્ષ પછી અમુક સ્ત્રીઓની કુખે ઠીંગુજી બાળકો જન્મવા લાગે તો તે કુકુશિમા પ્લાન્ટમાંથી નીકળતા કિરણોત્સર્ગની અસર હોઈ શકે છે. કિરણોત્સર્ગની અમુક હાનિકારક અસરોની આજની તારીખમાં વિજ્ઞાાનીઓને પણ જાણ નથી. કિરણોત્સર્ગ હજાર માથાળા રાક્ષસ જેવો ખતરનાક છે.
આજે દુનિયા નાની થઇ ગઈ છે. એક દેશના નાગરિકો હવાઈ જહાજોના માધ્યમથી સતત બીજા દેશોમાં મુસાફરી કરતા હોય છે. આ કારણે જેમ ચેપી રોગના વિષાણુઓ જલદી ફેલાવાનો ભય રહે છે તેમ કિરણોત્સર્ગ પણ ઝડપથી ફેલાઈ રહે છે. જપાનની દુર્ઘટનાને પગલે જપાનમાં વસવાટ કરતા અનેક દેશોના નાગરિોકએ પોતપોતાના દેશો તરફ દોટ મૂકી છે. આ નાગરિકોના શરીરમાં રહેલો કિરણોત્સર્ગ તેઓ બીજા લોકોના શરીરમાં પણ સંક્રમિત કરી શકે છે. આ કારણે એર-પોર્ટ ઉપર મેટલ ડિરેકટરની જેમ કિરણોત્સર્ગ ડિટેક્ટ કરે તેવાં યંત્રો પણ ગોઠવવા જરૃરી બની રહે છે.
ભારત જેવા દેશોમાં તો આવાં યંત્રની જરૃર પડશે તેવી કલ્પના પણ સત્તાવાળાઓએ કરી નહીં હોય. જે દેશો આપણને અણુભઠ્ઠી જેવા મોતના સામાનની સપ્લાય કરે છે તેમણે આ સાધનો પણ સપ્લાય કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. જપાનમાં જે બન્યું છે તેના પરથી બોધપાઠ લઈને આપણે અણુવીજળીના વિકલ્પો શોધી કાઢવા જોઈએ.

Saturday, March 26, 2011

૨૬/૩/૧૧ કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં શીલા દીક્ષિત સહિત અનેક નેતાઓ સંડોવાયેલા છે


કોમનવેલ્થ ગેમ્સ માટે દિલ્હી શહેરમાં બલ્બની ખરીદી પાછળ જ દિલ્હીની સરકાર દ્વારા ૬૦ કરોડ રૃપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો
સુરેશ કલમાડી માટે આનંદના સમાચાર છે. કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઇઝીંગ કમિટિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડી અત્યાર સુધી ફરિયાદ કરતા હતા કે આ કૌભાંડમાં તેમને એકલાને કેમ સંડોવવામાં આવી રહ્યા છે? સુરેશ કલમાડી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત એકબીજાના કટ્ટર દુશ્મન છે. કલમાડીએ અનેક વખત શીલા દીક્ષિતનું નામ આપીને ફરિયાદ કરી છે કે તેમની સામે કેમ પગલાં લેવામાં આવતાં નથી? કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડમાં દેશની તિજોરીને જો ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું નુકશાન થયું હોય તો તેના માટે સુરેશ કલમાડી સિવાયના રાજકારણીઓ પણ જવાબદાર છે. હવે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની તપાસ કરી રહેલી વી.કે. શુંગલુ સમિતિએ આયોજનના ખર્ચમાં થયેલા વધારા માટે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર તેજિન્દર ખન્ના અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જવાબદાર ગણાવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં જેમ ઓર્ગેનાઇઝીંગ કમિટિની મુખ્ય ભૂમિકા હતી તેમ આ રમતોત્સવ માટે ગેમ્સ વિલેજ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી દિલ્હીની સરકારને અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવી હતી. આ તમામમાં ગેરરીતિઓ થઈ હતી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ કૌભાંડની તપાસ કરવાનું કામ ભારતના ભૂતપૂર્વ ક્મપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી. કે. શુંગલુને સોંપવામાં આવ્યું હતું. વી. કે. શુંગલુએ તપાસ કરીને બે અલગ હેવાલ તૈયાર કર્યા હતા. એક હેવાલ ગેમ્સ વિલેજના બાંધકામને લગતો છે તો બીજો હેવાલ માળખાકીય સુવિધાઓ બાબતમાં છે. શુંગલુ કમિટિએ આ હેવાલ વડા પ્રધાનના કાર્યાલયને સુપરત કરી દીધો છે, પણ તેના અમુક અંશો પ્રસાર માધ્યમોમાં છપાઈ ગયા છે. આ હેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગેમ્સ વિલેજમાં બેદરકારી અને વિલંબને કારણે સરકારી તિજોરીને ૨૩૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. કોમનવેલ્થ ગેમ્સ માટે દિલ્હીમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી તેમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તારણ શુંગલુ સમિતિએ કાઢ્યું છે. આ વિલંબ અને ગેરવહીવટને કારણે દેશની તિજોરીને આશરે ૯૦૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ માટે જવાબદાર નેતાઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની ભલામણ પણ શુંગલુ સમિતિએ કરી છે.
શુંગલુ સમિતિના હેવાલને કારણે હવે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત પણ સુરેશ કલમાડીની હરોળમાં આવી ગયાં છે. ભારતના વડા પ્રધાન મનમોહન સિંહની જેમ શીલા દીક્ષિત પણ અંગત રીતે ક્લિન ઈમેજ ધરાવે છે, પણ તેમના હાથ નીચેના પ્રધાનોએ અને અધિકારીઓએ કોમનવેલ્થ ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઊભું કરવાના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેના માટે શીલા દીક્ષિત જ મુખ્ય જવાબદાર બને છે. શુંગલુ સમિતિનો હેવાલ કહે છે કે ઈ.સ. ૨૦૦૩ અને ૨૦૦૬ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ માટે કોન્ટ્રેક્ટ આપવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં પારદર્શકતાનો અભાવ હતો. બાંધકામના ટેન્ડર માટે બહુ ઓછી અરજીઓ આવી હતી. કોઈ ભેદી કારણોસર આ પ્રક્રિયામાંથી મોટા કોન્ટ્રેક્ટરોને દૂર રાખવામાં આવ્યા હતા અને નાના તથા નવાસવા કોન્ટ્રેક્ટરોને ૧,૦૦૦ કરોડ રૃપિયાનાં કામો સોંપવામાં આવ્યાં હતાં. આ પદ્ધતિમાં ભ્રષ્ટાચારને પૂરેપૂરો અવકાશ હતો.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં અત્યાર સુધી સીબીઆઈએ જેટલા કેસો ફાઈલ કર્યા છે તેના કેન્દ્રમાં ઓર્ગેનાઈઝીંગ કમિટિ અને સુરેશ કલમાડી જ છે. હવે શુંગલુ સમિતિએ બીજાં મોટાં માથાંઓને પણ સાણસામાં લીધા છે. તેમાંના એક દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તેજિન્દર ખન્ના છે. તેજિન્દર ખન્ના દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે. તેજિન્દર ખન્નાએ કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં ૩૩૩ ફ્લેટો ઊંચી કિંમતે ખરીદ્યા તેને કારણે સરકારી તિજોરીને ૨૨૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હોવાનો ઘટસ્ફોટ પણ શુંગલુ સમિતિના હેવાલમાં કરવામાં આવ્યો છે. તેજિન્દર ખન્નાના કહેવાથી ગેમ્સ વિલેજ બાંધનારી કંપની એમ્માર-એમજીએફને ૬૪ કરોડ રૃપિયાનું ગેરકાયદે પેમેન્ટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ન વેચાયેલા ફ્લેટો પેઠે વર્ષે ૩૫-૪૦ કરોડનું વર્ષાસન પણ બાંધી આપવામાં આવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સ વિલેજ બાંધવાનો કોન્ટ્રેક્ટ એમ્માર-એમજીએફ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપની સાથેની શરતો નક્કી કરવામાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. શરૃઆતમાં ગેમ્સ વિલેજના ૩૩૩ ફ્લેટો ૧૩૪ કરોડ રૃપિયામાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાછળથી આ કિંમત ભેદી રીતે વધારીને ૨૨૨ કરોડ રૃપિયા કરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં લિક્વિડેશન નુકસાનની ગણતરી ન કરવાને કારણે ૮૧.૫ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન કંપનીને ૬૪ કરોડ રૃપિયા એડ-હોક ધોરણે ચૂકવવામાં આવ્યા હતા, જેની કરારમાં કોઈ જોગવાઈ ન હતી. કોમનવેલ્થ ગેમ્સ પતી જાય તે પછી કન્સ્ટ્રક્શન કંપનીએ આ બધા ફ્લેટો વેચવાની જવાબદારી સંભાળી હતી. જો આ ફ્લેટો ન વેચાય તો તેને જાળવવાના ખર્ચ તરીકે વર્ષે ૩૫ થી ૪૦ કરોડ રૃપિયા આપવાનું ઠરાવી દેશની તિજોરી ઉપર લૂંટ ચલાવવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં થયેલા ભ્રષ્ટાચાર માટે તેજિન્દર ખન્ના ઉપરાંત દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને પણ જવાબદાર ઠરાવાયા છે.
કોમનવેલ્થ ગેમ્સ વિલેજના સમગ્ર આયોજનમાં અનેક પ્રકારની ગોબાચારીઓ આચરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેનો કોન્ટ્રેક્ટ એમ્માર કંપનીને આપવામાં આવ્યો હતો. એમ્માર કંપનીએ કુલ ૧,૧૬૮ ફ્લેટો બાંધવાના હતા. તે પૈકી તેઓ ૭૭૮ ફ્લેટો બજારભાવે વેચીને બાંધકામ માટેના રૃપિયા ઊભા કરવાના હતા. બાકીના ૩૯૦ ફ્લેટો તેઓ ઓર્ગેનાઇઝીંગ કમિટિને ભાડે આપવાના હતા. આર્થિક મંદીને કારણે એમ્માર કંપની ૭૭૮ પૈકી આશરે ૪૦૦ ફ્લેટો જ વેચી શકી હતી. આ કંપનીને ઉગારવા દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી તેની વહારે આવી હતી. તેણે ૩૩૩ ફ્લેટો ૭૦૦ કરોડ રૃપિયામાં ખરીદી લીધા હતા. અગાઉ આ ફ્લેટોનો ભાવ ચોરસ ફૂટના ૭,૮૨૯ રૃપિયા નક્કી કરવામાં આવ્યા હતા પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેના ૧૧,૦૦૦ રૃપિયા મુજબ રકમ ચૂકવી હતી. તેની સામે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ એમ્મારના તમામ ફ્લેટો પોતાના કબજામાં લીધા હતા. એમ્મારે આપેલી ૧૮૩ કરોડ રૃપિયાની બેન્ક ગેરન્ટી પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ જપ્ત કરી હતી.
હવે મુશ્કેલી એ પેદા થઈ છે કે કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં જે ૪૦૦ વ્યક્તિએ ફ્લેટો ખરીદ્યા હતા તેનો કબજો પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના હાથમાં આવી ગયો છે. આ ફ્લેટોની કિંમત ૯૫ ટકા એમ્માર કંપનીને મળી ગયા છે, પણ ફ્લેટના માલિકોના હાથમાં કબજો આવ્યો નથી. તેઓ એમ્માર કંપનીમાં તપાસ કરે છે તો જવાબ મળે છે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી અમને કબજો આપે તે પછી જ કાંઈ કરી શકાય. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી આ ફ્લેટોનો કબજો ગેમ્સની પૂર્ણાહૂતિના બે મહિનામાં બિલ્ડરને સોંપવાની હતી. હવે આર્થિક તકરારને કારણે પાંચ મહિના પછી પણ કબજો એમ્માર કંપનીના હાથમાં આવ્યો નથી અને ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. આ રીતે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે અને તેના એમ્માર બિલ્ડર સાથેના વિવાદને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ૪૦૦ ફ્લેટ ખરીદનારાઓના કરોડો રૃપિયા આ ઝઘડામાં સલવાઈ ગયા છે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમિયાન દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત મધર ઇન્ડિયાની જેમ ખાદીની સાડી પહેરીને બધે ફરતાં હતાં. તેઓ વારંવાર સુરેશ કલમાડી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા. હવે શુંગલુ કમિટિએ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલા અબજો રૃપિયાના ભ્રષ્ટાચાર માટે સ્પષ્ટ રીતે શીલા દીક્ષિત ભણી અંગુલિનિર્દેશ કર્યો છે. એક નાનકડું ઉદાહરણ જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હીના રસ્તાઓ ઉપર રોશની રેલાવવા માટે જે બલ્બની પસંદગી કરવામાં આવી હતી તેમાં ખોટી ડિઝાઈનના બલ્બ પસંદ કરવાને કારણે દિલ્હી રાજ્યની તિજોરીને ૬૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ બલ્બ માટે ટેન્ડરની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ ખામીભરેલી હતી. જો એક બલ્બમાં ૬૦ કરોડનો ભ્રષ્ટાચાર થઈ શકે તો બીજી વસ્તુઓની તો કલ્પના જ કરવી રહી.
કોમનવેલ્થ ગેમ્સ પૂરી થઈ તે પછી વડા પ્રધાને જાતે તેમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે શુંગલુ સમિતિની નિમણુક કરી હતી. શુંગલુ સમિતિનો પહેલો હેવાલ બ્રોડકાસ્ટ કૌભાંડ બાબતમાં હતો, જેમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે અને ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. શુંગલુ સમિતિના બીજા બે હેવાલ વડા પ્રધાનને સુપરત કરવામાં આવ્યા હોવા છતાં હજી સુધી આ હેવાલો જાહેર કરવામાં નથી આવ્યા કારણ કે તેમાં શીલા દીક્ષિત અને તેજિન્દર ખન્ના જેવા મોટાં માથાંઓ સંડોવાયેલાં છે. કદાચ આ મહાનુભાવોને સીબીઆઈની તપાસમાંથી કેવી રીતે બચાવવા તેની મથામણ વડા પ્રધાન કરી રહ્યા છે.

25/3/11 અનાજના વિક્રમી ઉત્પાદન છતાં ગરીબો ભૂખ્યા જ રહેશે


સરકાર પાસે ગોદામો નથી માટે અનાજ સડી જશે પણ લોકોને નહીં મળે ઃ હવે આપણી સરકાર અનાજની નિકાસ કરવાની યોજના ઘડી રહી છે
કૌભાંડો અને વિવાદોથી ઘેરાયેલી કેન્દ્ર સરકારને ગરીબોનાં પેટ ભરવાની બિલકુલ ચિંતા નથી. આ વર્ષે આપણા દેશમાં ઘઉંનો અને ચોખાનો બમ્પર પાક થયો છે. ગુજરાતમાં અને મધ્ય પ્રદેશમાં તો ગયાં વર્ષની સરખામણીએ લગભગ બમણું ઉત્પાદન થયું છે. મંડીઓમાં ઢગલાબંધ અનાજ ખડકાવા લાગ્યું છે. સામાન્ય રીતે દેશમાં જ્યારે અનાજનો વિપુલ પાક થાય ત્યારે બજારમાં અનાજના ભાવો ઘટે છે અને જે ગરીબો પહેલા એક ટંક ખાવાભેગા થતા હતા તેઓ બે ટંક પેટ ભરીને જમી શકે છે. પરંતુ આપણી સરકારની વિચિત્ર અન્નનીતિના પાપે આ વર્ષે બમ્પર પાક છતાં પણ ગરીબોના પેટમાં અનાજ જવાને બદલે સરકારી ગોદામોમાં સડી જશે.
કેન્દ્ર સરકારના કૃષિ ખાતાંએ ગયા એપ્રિલ મહિનામાં અંદાજ બાંધ્યો હતો કે ઈ.સ. ૨૦૧૦-૧૧ની સાલમાં અનાજનું કુલ ઉત્પાદન ૨,૩૨૧ લાખ ટન થશે. આ પૈકી ૯૪૦ લાખ ટન ચોખા અને ૮૨૦ લાખ ટન ઘઉં આ વર્ષે પાકશે. કૃષિ ખાતાંનાં સાધનો કહે છે કે અનાજના ઉત્પાદનના આંકડામાં હજી વૃદ્ધિ થશે, કારણ કે મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને ધાર્યા કરતાં ઓછું નુકસાન થયું છે. ગયાં વર્ષે ભારતમાં ૮૯૧ લાખ ટન ચોખાનું અને ૮૦૭ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ગયાં વર્ષે અનાજનું કુલ ઉત્પાદન ૨,૧૮૧ લાખ ટન થયું હતું. આ વર્ષે તેના કરતાં ૧૪૦ લાખ ટન જેટલું અનાજ વધુ પેદા થયું છે. ગુજરાતની અને સૌરાષ્ટ્રની મંડીઓમાં ઘઉંના ખડકલાઓ થઈ રહ્યા છે. રાજકોટથી આશરે ૭૫,૦૦૦ ગુણી ઘઉં ત્રણ સ્પેશિયલ ટ્રેનો દ્વારા દક્ષિણ ભારતમાં મોકલવામાં આવ્યા છે. તેમ છતાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદવાની સરકારની નીતિના કારણે ઘઉંના ભાવમાં થવો જોઈએ તેવો ઘટાડો નહીં થાય.
એકબાજુથી પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહી છે. ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર ૧૭ ટકા સુધી પહોંચી ગયો છે. મોંધવારીના કારણે લોકો અનાજ અને કઠોળ પણ ખરીદી શકતા નથી. ઘઉં અને ચોખાના ભાવોમાં પાંચ વર્ષમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. સરકાર કહે છે કે તેની પાસે મોંધવારીને કાબુમાં લેવાની કોઈ જાદુઈ છડી નથી. પરંતુ આ વર્ષે અનાજનું વિક્રમી ઉત્પાદન થવાને કારણે ઘઉં અને ચોખાના વધી ગયેલા ભાવો તેની મૂળ સપાટીએ આવે તેવી ઉજળી સંભાવનાઓ પેદા થઈ છે. આપણી સરકારને કદાચ મોંઘવારી ઘટે એ ગમતું નથી. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો ખુલ્લા બજારમાંથી સસ્તા ભાવે સારું અનાજ ખરીદીને પોતાનું પેટ ભરે એ સરકારને મંજૂર નથી. સરકાર ખેડૂતોને ટેકાના ભાવો આપીને અનાજ ખરીદે અને આ અનાજ ગરીબોને સસ્તા ભાવે વેચે તેની સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આપણી સરકાર તો કિસાનો પાસેથી સસ્તા ભાવે અનાજ ખરીદીને તેને ખુલ્લામાં રાખે છે અને સડાવી મારે છે. સરકાર પાસે ટેકાના ભાવે ખરીદેલું અનાજ સંઘરવા માટેની વ્યવસ્થા નથી છતાં તે અનાજ ખરીદવાનું ચાલુ જ રાખે છે. આ રીતે સડી ગયેલું અનાજ ખુલ્લામાં સંઘરવાને બદલે ગરીબોને મફતમાં આપી દેવાના સુપ્રિમ કોર્ટના આદેશને પણ આપણી સરકાર ઘોળીને પી ગઈ છે.
અનાજના ભાવોમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લાં પાંચ વર્ષથી ટેકાના ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ઈ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં ઘઉંના ટેકાના ખરીદભાવો ૬૪૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. આ ભાવો ઈ.સ. ૨૦૦૫-૦૬માં વધારીને ૭૦૦ રૃપિયા અને ૨૦૦૬-૦૭માં વધારીને સીધા ૮૫૦ રૃપિયા કરી નાંખવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૭-૦૮ની સાલમાં ટેકાના ભાવો ક્વિન્ટલદીઠ વધારીને ૮૫૦ રૃપિયા કરી નાંખવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૮-૦૯ની સાલમાં ભાવો ફરીથી વધારીને ૧,૦૮૦ રૃપિયા કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૯-૧૦ની સાલમાં આ ભાવો વધારીને ૧,૧૦૦ રૃપિયા અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભાવો વધારીને ૧,૧૨૦ રૃપિયા કરવામાં આવતા છે. આ રીતે ઈ.સ. ૨૦૦૫ની સાલમાં સરકાર જે ઘઉં કિસાનો પાસેથી ૬૪૦ રૃપિયાના ભાવે ખરીદતી હતી તેના આજે ૧,૧૨૦ રૃપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી ઘઉંની ખરીદીના ટેકાના ભાવો વધારી આપવામાં આવે તેની સીધી અસર ખુલ્લા બજારના ભાવો ઉપર પડે છે. પાંચ વર્ષ અગાઉ જે ઘઉં ખુલ્લા બજારમાં ૧૨ થી ૧૪ રૃપિયે કિલોગ્રામના ભાવે મળતા હતા તેના ભાવો આજે ૨૪ થી ૨૬ રૃપિયા પર પહોંચી ગયા તેના માટે સરકારની નીતિ જવાબદાર છે.
કેન્દ્ર સરકાર પાસે અનાજનો સંગ્રહ કરવા માટેના ગોદામોની ભારે અછત છે. સરકાર પાસે કુલ ૩૦૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરી શકાય એટલા જ ગોદામની ક્ષમતા છે. તેમાંથી ૭૫ ટકા કરતાં વધુ ગોદામો અત્યારે પણ અનાજથી ભરેલાં છે. આ વર્ષે સરકાર કુલ ૨૬૩ લાખ ટન અનાજની ખરીદી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અત્યારે કેન્દ્ર સરકાર પાસે ૨૧૫ લાખ ટન ઘઉં અને ૨૫૬ ટન ચોખાનો સ્ટોક છે. સરકારનો લક્ષ્યાંક બફર સ્ટોક તરીકે ૮૨ લાખ ટન ઘઉં અને ૧૧૮ લાખ ટન ચોખાનો જ છે. રેશનિંગની દુકાનોમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા માટે સરકારને આટલા જ ઘઉં-ચોખાની આવશ્યકતા છે. સરકાર પાસે જેટલા હોવા જોઈએ તેના કરતાં બમણા ચોખા અને લગભગ ત્રણ ગણા ઘઉં સ્ટોકમાં છે. તેમ છતાં આપણી સરકાર કિસાનોને ઊંચા ભાવો આપીને શા માટે અનાજ ખરીદી રહી છે, તેનું રહસ્ય સમજાતું નથી. જો સરકાર કિસાનો પાસેથી પોતાની સંઘરવાની ક્ષમતા જેટલું જ અનાજ ખરીદે તો બાકીનું અનાજ બજારમાં આવે અને અનાજના ભાવોમાં ઘટાડો થતાં પ્રજાને મોંઘવારીમાં રાહત થાય. પરંતુ આપણી સરકાર કોઈ પણ સંયોગોમાં અનાજના ભાવો ઘટે તેવું ઈચ્છતી નથી. પ્રજા સસ્તું અનાજ ન ખાય અને આ અનાજ સડી જાય તેવી તેની નીતિ છે.
કેન્દ્ર સરકાર પાસે અત્યારે જે ૩૦૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા છે તેમાંની આશરે ૫૦ ટકા જગ્યા તો ખાનગી ગોદામોના માલિકો પાસેથી ભાડે લેવામાં આવી છે. આ રીતે ગોદામો ભાડે રાખવામાં પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ખાનગી કંપનીઓ પાસેથી ગોદામો ભાડે લેવામાં કૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભ્રષ્ટ અફસરો તગડું કમિશન લઈ રહ્યા છે. ઈ.સ. ૨૦૦૭ અને ૨૦૧૦ વચ્ચે કૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પોતાની ગોદામક્ષમતામાં ૨૮,૦૦૦ ટનનો જ ઉમેરો કરવામાં આવ્યો છે. કુલ ક્ષમતાનો આ એક ટકા જેટલો પણ હિસ્સો નથી. બીજી બાજુ ખાનગી કંપનીઓને ૧૫૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરી શકે એટલાં ગોદામ જ બાંધવામાં આવ્યાં છે. આ સંયોગોમાં આ વર્ષે સરકાર દ્વારા જે ૨૬૩ લાખ ટન અનાજની ખરીદી કરવામાં આવશે તે ક્યાં રાખવામાં આવશે તે મોટી સમસ્યા છે.
ગયાં વર્ષના ઓગસ્ટ મહિનામાં સમાચારો ચમક્યા હતા કે પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં ખુલ્લામાં રાખવામાં આવેલા હજારો ટન ઘઉં અને ચોખા સડી રહ્યા છે. સરકારના જ આંકડાઓ કહે છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં આશરે ૧૦ લાખ ટન જેટલું અનાજ સરકારી ગોદામોમાં સડી ગયું છે. આ હકીકત સુપ્રિમ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવી ત્યારે સરકારે વિચિત્ર દલીલ કરી હતી કે આ સડી રહેલું અનાજ જો ગરીબોને મફતમાં આપવામાં આવશે તો તેઓ ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવાનું બંધ કરશે અને કિસાનોને યોગ્ય ભાવો ન મળતાં તેઓ અનાજ ઉગાડવાનું જ બંધ કરી દેશે. આપણી સરકારને ગરીબો ભૂખ્યા રહે તે મંજૂર છે, પણ કિસાનોને અનાજના ઓછા ભાવો મળે અને તેના પરિણામે બજારમાં અનાજના ભાવોમાં ઘટાડો થાય તે મંજૂર નથી.
સરકારની દલીલ સાંભળીને એવું લાગે કે આપણી સરકાર કિસાનોની હમદર્દ છે, માટે ગરીબ અને મધ્યમ વર્ગના ભોગે પણ તેઓ કિસાનોને ફાયદો કરાવવા માંગે છે, માટે અનાજના ભાવો ઘટવા દેવામાં આવતા નથી. આ વાત પણ ખોટી છે. આપણી સરકાર કિસાનોને અનાજના ઊંચા ભાવો અપાવવા માંગે છે તેમાં પણ ઉદ્યોગપતિઓનું હિત જોવામાં આવે છે. આજે મોટા ભાગના કિસાનો દેવું કરીને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણ ખરીદે છે. આ ચીજો મોટી કંપનીઓ જ બનાવતી હોય છે. જો કિસાનોને અનાજના ઊંચા દામ ન મળે તો તેઓ આ ચીજો ખરીદી શકે નહીં અને ઉદ્યોગોના નફામાં કાપ આવી જાય. આવું ન બને તે માટે કિસાનોને અનાજના ઊંચા ભાવો આપવામાં આવે છે. આ કારણે ફર્ટિલાઈઝર કંપનીઓનો નફો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
દેશમાં અનાજનું ઉત્પાદન વધી ગયું છે પણ ગરીબો હજી ભૂખે જ મરી રહ્યા છે. આ ગરીબો સુધી અનાજ પહોંચાડવાને બદલે કેન્દ્ર સરકાર અનાજની નિકાસ કરીને નફો રળવાની યોજનાઓ બનાવી રહી છે. ઈ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં કેન્દ્ર સરકારે આશરે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ૨૦૦૬-૦૭ની સાલમાં અનાજનું ઉત્પાદન ઓછું હતું તો પણ ૪૭,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૭માં તો સરકારને ૭૩ લાખ ટનની આયાત કરવાની ફરજ પડી હતી. ઈ.સ. ૨૦૦૭માં કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ આ વર્ષે ઉઠાવી લેવાની વિચારણા કેન્દ્રના પ્રધાનોનું એક જૂથ કરી રહ્યું છે. આ માટે એવી દલીલ આગળ કરવામાં આવી રહી છે કે, ''અનાજ ગોદામોમાં સડી જાય તે કરતાં તેની નિકાસ કરવામાં શું ખોટું છે ?'' આ બાબતમાં એવું કેમ કોઈ નથી વિચારતું કે ''અનાજ ગોદામોમાં સડી જાય તેના કરતાં લોકોના પેટમાં જાય તેવું આયોજન કરવું ન જોઈએ ?''
-સંજય વોરા 

Thursday, March 24, 2011

ભારતના વર્તમાન નેતાઓએ દેશને વેચી માર્યો છે



વિકિલિક્સના કેબલ અનુસાર અમેરિકાના ઈશારે મણિશંકર ઐયરને પાણીચું આપીને મુંબઈના સાંસદ મુરલી દેવરાને પેટ્રોલિયમ પ્રધાન બનાવાયા હતા
જૂના જમાનાના રાજાઓ ખેપિયા સાથે કે કબૂતરો સાથે સંદેશાઓ મોકલતા હતા તે જાહેર થઈ જવાની શક્યતા બહુ ઓછી હતી. આધુનિક યુગમાં ઝડપથી સંદેશાઓ મોકલવા માટે જે ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તે તદ્દન બિનસલામત છે.
વિકિલિક્સ તરફથી અમેરિકાના વિદેશ ખાતાંના ગુપ્ત સંદેશાઓ પ્રગટ કરવાનું જે તોફાન ચાલી રહ્યું છે તે ઇન્ટરનેટની કમાલ છે. વિકિલિક્સ તરફથી અમેરિકાના ભારતીય રાજદૂતો દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓનો જે જથ્થો લિક કરવામાં આવ્યો છે તેને કારણે ભારતના રાજકારણીઓ કેટલી હદે અમેરિકાના ગુલામ છે અને તેમણે અંગત સ્વાર્થમાં દેશને કેવો અમેરિકાને વેચી માર્યો છે તેનો ખ્યાલ આવે છે. આ કેબલોનું પૃથ્થકરણ કરતાં સમજાય છે કે ભારતના રાજકારણીઓ અમેરિકાની લાંચ ખાઈને ભારતની પ્રજાનો અને દેશનો પણ દ્રોહ કરી રહ્યા છે. આવા તમામ માટીપગા રાજકારણીઓને પ્રજાએ સત્તાત્યાગ કરવાની ફરજ પાડવી જોઈએ.
તાજેતરમાં આરબ વિશ્વમાં જે ઉથલપાથલો ચાલી રહી છે તેનું વિશ્લેષણ વાંચતા આપણને કહેવામાં આવે છે કે ઈજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ હોશ્ની મુબારક અને બહેરીનના વર્તમાન પ્રમુખ શેખ અલ ખલીફા અમેરિકાની કઠપૂતળી જેવા છે અને તેમણે અમેરિકાના ઈશારે પોતાના દેશને ગિરવે મૂકી દીધો છે. આ વાત ભારતના વર્તમાન રાજકારણીઓને પણ એટલી જ લાગુ પડે છે. ભારતની ટ્રેજેડી એ છે કે ભારતના શાસક પક્ષના નેતાઓની જેમ મુખ્ય વિરોધ પક્ષ ભાજપના નેતાઓ પણ અમેરિકાના ગુલામ છે. આ કારણે જ સંસદમાં જ્યારે અમેરિકા સાથેના અણુ કરારનો વિરોધ કરવાની નોબત આવી ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ અમેરિકાના રાજદૂત સમક્ષ એવા લાળા ચાવવા પડયા હતા કે ''અમે આ વિરોધ માત્ર રાજકીય કારણોસર કરી રહ્યા છીએ, હકીકતમાં ભાજપ અણુ કરારની તરફેણમાં જ છે.''
ભારતના બંધારણમાં લખવામાં આવ્યું છે કે ''ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છે'' ભારતના વેંતિયા રાજકારણીઓ જે રીતે અમેરિકાના ઈશારા ઉપર નાચી રહેલા છે તે જોઈને લાગ્યા વિના રહેતું નથી કે તેમણે ભારતના સાર્વભૌમત્વને વેચીને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓને ભારતની પ્રજાને લૂંટવાની છૂટ આપીને પોતાના વિદેશી બેન્કોનાં ખાતાંઓ તરબતર કર્યાં છે. ભારતના રાજકારણીઓ અમેરિકાની કઠપૂતળી છે એ વાત તો આપણને વિકિલિક્સ કહે છે. આ રાજકારણીઓ કયા અંગત સ્વાર્થ અથવા ભયના કારણે અમેરિકાની કઠપૂતળીની જેમ વર્તવા તૈયાર થયા છે તેનું સંશોધન હવે ભારતનાં પ્રસાર માધ્યમોએ કરવાનું રહે છે.
વિકિલિક્સે એવો ધડાકો કર્યો છે કે અણુ કરારને સમર્થન આપવાના મુદ્દે સંસદમાં વિશ્વાસનો મત મેળવવા માટે મનમોહન સિંહની સરકારે છ સાંસદોને ૧૦-૧૦ કરોડ રૃપિયા આપ્યા હતા. અહીં સુજ્ઞા વાચકોએ એ વિચારવાનું રહે છે કે સરકાર અણુ કરારને બચાવવા માટે જે ૬૦ કરોડ રૃપિયા વેરવા તૈયાર થઈ ગઈ હોય તે ૬૦ કરોડ રૃપિયા સતિષ શર્માના કે સોનિયા ગાંધીનાં ગજવામાંથી નહોતા આવ્યા. ભારત સાથે અણુ કરાર કરવા માટે મનમોહન સિંહની સરકારને અમેરિકાની અણુભઠ્ઠીઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ તરફથી ૬૦૦ કરોડ કે ૬,૦૦૦ કરોડ કે ૬૦,૦૦૦ કરોડ રૃપિયાની લાંચ મળી હશે તેમાંથી આ રૃપિયા ફાળવવામાં આવ્યા હશે.
અમેરિકા સાથે અણુ કરાર કરવા માટે મનમોહન સિંહ પોતાની સરકારને અને ઈજ્જતને પણ દાવ ઉપર લગાવી દીધી હતી. આ અણુ કરારને સમેતસૂતર પાર ઉતારવા જતાં યુપીએ-૧ સરકારનું પતન પણ થઈ જાય તેવો માહોલ પેદા થયો હતો. આ વાત આખી દુનિયા જાણે છે.
અહીં એ વાત વિચારવાની રહે છે કે અમેરિકા દ્વારા ભારતના રાજકારણીઓને એવી કઈ લાલચ આપવામાં આવી હતી કે જેના કારણે તેઓ સમગ્ર સરકારના અસ્તિત્વને દાવ ઉપર લગાવી દેવા તૈયાર થઈ ગયા હતા? કોઈ કહેશે કે ભારતની વિદેશ નીતિ અમેરિકા તરફ ઝૂકેલી છે, માટે તેણે આવું કર્યું હતું. રાજકારણમાં કોઈ લાલો સ્વાર્થ વગર લોટતો નથી. ભારતના નેતાઓ આ અણુ કરાર કરવા માટે પોતાની જાતને હોડમાં મૂકી દેવા તૈયાર થઈ ગયા હોય તો તેમને જરૃર અમેરિકા તરફથી કોઈ નક્કર ફાયદો થયો જ હશે. પોતાના તુચ્છ અંગત ફાયદા માટે આખા દેશને વેચી મારનારા રાજકારણીઓને પ્રજાએ સિંહાસન ઉપરથી ઉતારી મૂકવા જોઈએ અને આ કરારને રદ્દ કરવો જોઈએ.
ભારતના રાજકારણીઓએ આપણા દેશને એટલી હદે અમેરિકાને વેચી માર્યો છે કે ભારત સરકારના પ્રધાન મંડળમાં કોને રાખવા અને કોને કાઢવા તેનો નિર્ણય પણ ભારતના વડા પ્રધાન અમેરિકાના કહ્યાગરા કંથની જેમ કરતા હતા. યુપીએ-૧ના પ્રારંભમાં પેટ્રોલિયમ મંત્રાલય મણિશંકર ઐયરને સોંપવામાં આવ્યું હતું. મણિશંકરની છાપ ઈમાનદાર નેતાની હતી. તેઓ દેશના હિતોના ભોગે અમેરિકાની તરફેણ કરવા તૈયાર નહોતા. આ કારણે જ તેમણે ઈરાન સાથેની ગેસ પાઈપલાઈનની વાતને આગળ ચલાવી હતી. અમેરિકા ઈરાનનું દુશ્મન હોવાથી તેની ઇચ્છા ભારત-ઇરાન વચ્ચે ગેસની પાઈપલાઈન અટકાવવાની હતી. મણિશંકર ઐય્યર આ માટે તૈયાર નહોતા એટલે અમેરિકાએ વડાપ્રધાન મનમોહન સિંહને આદેશ આપ્યો હતો કે તેમને પડતા મૂકવામાં આવે. અમેરિકાના ગુલામ જેવા આપણા વડાપ્રધાને મણિશંકર ઐય્યરને બદલે મુંબઈના સંસદસભ્ય મુરલી દેવરાને પેટ્રોલિયમ પ્રધાન બનાવ્યા હતા, જેમની છાપ અમેરિકાના તરફદાર તરીકેની હતી. મુરલી દેવરા પેટ્રોલિયમ ખાતાના પ્રધાન બન્યા તે પછી ઈરાન સાથેની પાઈપલાઈનની વાત જમીનમાં ભંડારી દેવામાં આવી હતી.
આપણી સંસદ ઉપર હુમલો કરનારા ત્રાસવાદી અફઝલ ગુરુને હજી સુધી કેમ ફાંસી આપવામાં નથી આવતી તેનું રહસ્ય પણ વિકિલિક્સના કેબલમાંથી જાણવા મળે છે. જો અફઝલ ગુરુની દયાની અરજી તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ઉપર મોકલવામાં આવી હોત તો તેઓ તરત જ આ અરજીને નકારી કાઢીને અફઝલ ગુરુની ફાંસીને ઝડપી બનાવવાની તૈયારી કરી ચૂક્યા હતા. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં તેમણે દયાની અરજી રાષ્ટ્રપતિ સુધી પહોંચવા જ દીધી નહોતી, એટલું જ નહીં પણ અબ્દુલ કલામને બીજી મુદ્દત માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની વિચારણા પણ બંધ કરી દેવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૭માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ થવાની હતી. આ વખતે કેટલાક કોંગ્રેસ નેતાઓને ડર હતો કે જો અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવશે તો કોંગ્રેસને માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પણ દેશભરમાં મુસ્લિમ મતો ગુમાવવા પડશે. આ કારણે જ અફઝલ ગુરુને આજદિન સુધી ફાંસી આપવામાં આવી નથી. ભારતની સરકાર અબ્દુલ કલામ કરતાં અફઝલ ગુરુનું મહત્ત્વ વધુ આંકે છે. આ સરકાર ત્રાસવાદનો કેવી રીતે મુકાબલો કરી શકે?
પાકિસ્તાને મોકલેલા ત્રાસવાદીઓ દ્વારા મુંબઈમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતની પ્રજાની ભાવના પાકિસ્તાનને પાઠ ભણાવવાની હતી. એ વખતે ભારતના સંરક્ષણ સલાહકાર કેરળના એમ.કે. નારાયણન હતા. નારાયણન તેમના કટ્ટર પાકિસ્તાન વિરોધી વલણ માટે જાણીતા હતા. તેઓ સોનિયા ગાંધીની નજીક હોવાથી શક્તિશાળી પણ હતા. અમેરિકાની ઇચ્છા ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા કરાવવાની અને મૈત્રી કરવાની હતી. અમેરિકાએ વડા પ્રધાન મનમોહન સિંહ ઉપર દબાણ કરીને તેમને શર્મ-અલ-શેખમાં પાકિસ્તાનના વડા પ્રધાન ગિલાની સાથે મંત્રણા કરવાની ફરજ પાડી હતી. આ મંત્રણા પછી મનમોહન સિંહે એવું સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું કે ''આતંકવાદ સામેનાં પગલાંઓ અને મંત્રણાઓ અલગ રાખવા જોઈએ''. આ નિવેદનની ભારે ટીકા કરવામાં આવી હતી. આ વાતનો ઘટસ્ફોટ પણ વિકિલિક્સમાં કરવામાં આવ્યો છે. પાછળથી નારાયણને સંરક્ષણ સલાહકાર પદેથી દૂર કરવામાં આવ્યા હતા. ટૂંકમાં કહીએ તો અમેરિકાના ઈશારે ભારતના વડાપ્રધાન પાકિસ્તાનને માફી આપવા પણ તૈયાર થઈ ગયા હતા.
અમેરિકા ઈરાનને પાઠ ભણાવવા માંગતું હતું અને તે માટે યુનોની સલામતી સમિતિમાં ઈરાનની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરાવવા માંગતું હતું. ભારતની ઈચ્છા ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરવાની નહોતી, કારણ કે ભારત પરંપરાગત રીતે ઈરાનનું મિત્રરાષ્ટ્ર છે. તેમ છતાં અમેરિકાના આદેશને માથે ચડાવીને મનમોહન સિંહે યુનોના ભારતના પ્રતિનિધિને એક વખત નહીં પણ બે વખત ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. તે વખતે અમેરિકાએ ભારતને એવું ગાજર દેખાડયું હતું કે તેઓ જો ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરશે તો અમેરિકા અણુ કરારના અમલને ઝડપી બનાવશે. ભારતના રાજકારણીઓ અણુ કરારનો અમલ કરાવવા એટલા બધા ુઉતાવળા થઈ ગયા હતા કે અમેરિકાના ઈશારે તેઓ ઈરાનની પીઠમાં ખંજર ભોંકવા તૈયાર થઈ ગયા હતા.
વિકિલિક્સના કેબલોએ હવે નિઃશંકપણે સાબિત કરી આપ્યું છે કે આપણા નેતાઓ ભારતનાં હિતોની પરવા કર્યા વિના અમેરિકાને ફાયદો કરાવી આપવા માટે દેશનાં હિતોનો ભોગ લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. આજની તારીખમાં આપણો દેશ જો અમેરિકાની કોલોની જેવો બની ગયો હોય તો તેના માટે આપણા કરોડરજ્જુ વગરના નેતાઓ જવાબદાર છે. જે ભારત દેશને વિદેશી ધૂંસરીમાંથી છોડાવવા માટે ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા શહીદોએ પોતાના જાનની પણ બાજી લગાવી દીધી તે દેશને આપણા નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ માટે અમેરિકાનો ગુલામ બનાવી દીધો છે. હવે ભારતને વિદેશી ગુલામીમાંથી મુક્ત કરવા માટે સૌથી પહેલા તો પ્રજાએ દેશને આ સ્વાર્થી નેતાઓની નાગચૂડમાંથી મુક્ત કરવા માટે સ્વતંત્રતાનું નવું આંદોલન શરૃ કરવું પડશે.

હસન અલીની કબૂલાત અનેક નેતાઓની પોલ ખોલશે



હવાલા કિંગ હસન અલીની કબૂલાત મુજબ મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોનાં કાળાં નાણાંને ધોળાં કરવાનું કાર્ય તેઓ કરતા હતા
જપાનના દરિયામાં જેવું સુનામી આવ્યું તેવું સુમાની ભારતના રાજકારણમાં આવે એવી તમામ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. એક બાજુ સંસદમાં કેશ ફોર વોટની ધમાલ ચાલી રહી છે તો બીજી બાજુ એન્ફોર્સમેન્ટ ડીરેક્ટરોની કસ્ટડીમાં રહેલો ઘોડાના તબેલાનો માલિક હસન અલી ભારતના રાજકારણીઓનાં એક પછી એક રહસ્યો બહાર પાડી રહ્યો છે. વિકિલિક્સે કેશ ફોર વોટના પ્રકરણમાં જે સનસનાટીભરી હકીકતો બહાર પાડી તેનાથી ખ્યાલ આવે છે કે આપણા સંસદસભ્યો રૃપિયા ખાતર દેશને પણ વેચી દેવામાં સંકોચ અનુભવે તેવા નથી. ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ મિસ્ટર ક્લિન છે એવા દાવાઓનો પણ પર્દાફાશ આ દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે. આ બાજુ હસન અલીએ એવી સનસનાટીભરી કબૂલાત કરી છે કે મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના બેનંબરના નાણાંને સગેવગે કરવા માટે જ તેણે વિદેશી બેન્કોમાં ખાતાંઓ ખોલાવ્યાં હતાં. આ ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો કોણ હશે તે અટકળનો વિષય છે.
ભારતના રાજકારણીઓ દેશને લૂંટીને કેવી રીતે કાળું ધન એકઠું કરે છે અને હવાલાની ચેનલ દ્વારા તેને વિદેશી બેન્કોમાં જમા કરાવીને તેને ધોળું બનાવે છે તે આખી મોડસ ઓપરેન્ડી હસન અલીની કબૂલાતમાંથી બહાર આવી છે. ગયા શનિવારે હસન અલીએ પૂછપરછ દરમિયાન સ્પષ્ટ જણાવ્યું હતું કે ભારતના અનેક રાજકારણીઓ અને ઉચ્ચ સરકારી અમલદારોના કાળાં નાણાંને ધોળાં કરવાની ફેક્ટરી તે ચલાવતો હતો. આ પ્રક્રિયામાં તેણે વિદેશી બેન્કોમાં ૩૬,૦૦૦ કરોડ રૃપિયા જેટલું કાળું નાણું મોકલ્યું હતું. આ નાણાંને ધોળું કરવા માટે સ્ટોક એક્સચેન્જનો ઉપયોગ કરવામાં આવતો હતો. હસન અલીના શસ્ત્રોના સોદાગર અદનાન ખાશોગ્ગી સાથેના સંબંધો બહાર આવ્યા પછી મુંબઈની એક કોર્ટે વિચિત્ર સંયોગોમાં તેને જામીન ઉપર છોડી દીધો હતો. આ કિસ્સામાં સુપ્રિમ કોર્ટે દરમિયાનગીરી કરીને હસન અલીના જામીન રદ્દ કર્યા છે, જેને કારણે એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓ તેની પૂછપરછ કરી શક્યા છે.
ભારતના રાજકારણીઓ અને સરકારી બાબુઓ મળીને પ્રજા પાસેથી લૂંટેલા કાળાં નાણાંને ધોળાં કરવા માટેનું એક સમાંતર બેન્કિંગ નેટવર્ક દેશમાં ચલાવે છે. હસન અલીને જ્યારે ઈ.સ. ૨૦૦૭ની સાલમાં પહેલી વખત પકડવામાં આવ્યો ત્યારે અશોક દેશાભ્રતાર નામના એક ઈમાનદાર અફસરે તેની પાસેથી આ સમાંતર બેન્કિંગ બાબતમાં ઘણી વિગતો ઓકાવી હતી અને તેની છૂપી રીતે સીડી બનાવી લેવામાં આવી હતી. આપણા નેતાઓ જે વાત દબાવી દેવાની કોશિષ કરતા હતા તેને બહાર આણવાની કોશિષ આ અમલદારે કરી તેની સજા તરીકે તેમને આ કેસમાંથી ટ્રાન્સફર કરીને રેલવેમાં ધકેલી દેવામાં આવ્યા હતા. હવે મહારાષ્ટ્ર સરકારે તેમનું પ્રમોશન અટકાવવાની સજા કરી છે. અશોક દેશાભ્રતારે હસન અલીના કેસમાં ઈન્ટરવિનર તરીકે દાખલ થવાની પરવાનગી માંગી હતી પણ મહારાષ્ટ્ર સરકારે આ પરવાનગી આપવાનો પણ ઈનકાર કરી દીધો છે. એક લોકશાહી દેશમાં સત્યના ગળે ટૂંપો દેવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
હસન અલીએ એન્ફોર્સમન્ટ ખાતાંના અધિકારીઓને આપેલી માહિતી મુજબ ભારતના રાજકારણીઓ તેમની અબજો રૃપિયાની અનીતિની કમાણી હવાલાની ચેનલ દ્વારા વિદેશમાં લઈ જતા હતા અને વિદેશી બેન્કોમાં જમા કરાવતા હતા. તેમાં પણ શેરબજારમાં રોકવા માટેનાં નાણાં ખાસ કરીને મોરેશિયસની બેન્કોમાં જમા કરાવવામાં આવતા હતા. આ નાણાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી ભારતમાં લાવવામાં આવતા હતા અને અલગ અલગ કંપનીઓના નામે સ્ટોક માર્કેટમાં રોકવામાં આવતા હતા. થોડા સમય અગાઉ શેર બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી નાણાં રોકવા બાબતમાં ભારે ઉહાપોહ થયો હતો અને તેના ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી પણ 'સેબી' સમક્ષ કરવામાં આવી હતી. જોકે આ રીતે ભારતના ટોચના રાજકારણીઓનાં નાણાં જ શેર બજારમાં ઠલવાતા હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નહોતો. હસન અલીની વાત જો સાચી માનીએ તો તેણે વિદેશી બેન્કોમાં જે ૩૬,૦૦૦ કરોડ રૃપિયા જમા કરાવ્યા હતા તે ત્યાંથી પગ કરી ગયા છે અને ભારતના શેર બજારમાં રોકાઈ ગયા છે. ઘણી વખત આ નાણાં ભારતની કંપનીઓમાં સીધા વિદેશી રોકાણ તરીકે પણ રાજકારણીઓના મિત્રો મારફતે રોકવામાં આવતા હતા.
ઈ.સ. ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં મહારાષ્ટ્રના અનેક રાજકારણીઓ અને સરકારી અમલદારો હસન અલીના સંપર્કમાં આવ્યા હતા. મહારાષ્ટ્રના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના જમાઈએ એક કંપની ફ્લોટ કરી હતી. આ કંપનીમાં વિદેશી રોકાણના રૃપમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના જ કાળાં નાણાં રોકવામાં આવ્યા છે. એ દિવસોમાં શેર બજારમાં પાર્ટિસિપેટરી નોટ્સના માધ્યમથી અબજો રૃપિયા ઠાલવવામાં આવ્યા હતા, જેને કારણે શેર બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. કેન્દ્ર સરકારે આ પાર્ટિસિપેટરી નોટ્સ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત ફેલાવી તેને પગલે શેર બજારમાં કડાકો બોલી ગયો હતો. હસન અલીનો દાવો છે કે તે પોતે આ મોટી રમતમાં માત્ર નાની માછલી જ છે. તેને તો અબજો રૃપિયાની હેરાફેરી કરવામાં નાનકડું કમિશન જ મળે છે.
હસન અલી કયા રાજકારણીઓ અને સરકારી અમલદારો માટે કામ કરતો હતો તેમનાં નામો હજી એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ જાહેર કરવાની ઉતાવળમાં નથી. આ રાજકારણીઓ દ્વારા કઇ વિદેશી બેન્કોમાં કયા તબક્કે કેટલા રૃપિયા જમા કરાવ્યા હતા તેની ઝીણામાં ઝીણી વિગતો એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓ અત્યારે હસન અલી પાસેથી કઢાવી રહ્યા છે. આટલી માહિતી રાજકારણીઓનાં નામો જાહેર કરવા માટે પૂરતી નથી. હસન અલી પાસેથી માહિતીનો તાળો વિદેશી બેન્કોનાં ખાતાંઓની લેવડદેવડની વિગતો સાથે મેળ ખાતી હોવી જોઈએ. આ તાળો મેળવવા માટે એન્ફોર્સમેન્ટ ખાતાં દ્વારા વિદેશી બેન્કોના ભારત ખાતેના પ્રતિનિધિઓને બોલાવવામાં આવ્યા છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતાંઓની વિગતો ત્રણ વર્ષ અગાઉ બહાર આવી હતી તો પણ આ રાજકારણીઓની વગને કારણે હસન અલી સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. તાજેતરમાં હસન અલીની ધરપકડ કરવામાં આવી તે પણ સુપ્રિમ કોર્ટના સખત દબાણને કારણે જ કરવામાં આવી છે.
ભારતના મોટા ભાગના રાજકારણીઓ પોતાની બે નંબરની કમાણી હવાલાની ચેનલ દ્વારા વિદેશમાં મોકલતા આવ્યા છે. હસન અલીનો દાવો છે કે તે મોટા ભાગના રાજકારણીઓના સંપર્કમાં આ હવાલાના વેપારીઓના કારણે જ આવ્યો હતો.
હસન અલીએ આપેલી માહિતી મુજબ તેણે ઈ.સ. ૧૯૮૨ની સાલમાં યુબીએસ બેન્કની સિંગાપોર બ્રાન્ચમાં પાંચ કરોડ રૃપિયાની ડિપોઝીટ સાથે ખાતું ખોલાવ્યું હતું. ઈ.સ. ૧૯૯૯ની સાલમાં આ ખાતાંની બેલેન્સ વધીને એક અબજ ડોલર (આશરે ૪,૫૦૦ કરોડ રૃપિયા) થઈ ગઈ હતી. ઈ.સ. ૨૦૦૧ની સાલ પછી અલીનાં ખાતાંની બેલેન્સ બહુ ઝડપથી વધવા માંડી હતી. આ ખાતાંમાં દુબઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થોકબંધ ડોલર આવવા લાગ્યા હતા. ઈ.સ. ૨૦૦૧માં અમેરિકા ઉપર ત્રાસવાદી હુમલો થયો તે પછી મધ્ય પૂર્વની બેન્કોમાંથી હસન અલીનાં ખાતાંમાં ડોલરનો પ્રવાહ વધી ગયો તેનું કારણ એ હોઈ શકે કે આ કાળમાં આરબ દેશોની બેન્કોનાં ખાતાંઓ અમેરિકાના દબાણને કારણે બંધ કરવામાં આવ્યાં હોય તેવું બની શકે છે. આ ડોલર સ્વીસ બેન્કનાં ખાતાંમાં ઠાલવવામાં આવ્યા હતા.
કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના હેવાલ મુજબ ઈ.સ. ૨૦૦૨-૨૦૦૩ની સાલમાં હસન અલીનાં સ્વીસ બેન્કનાં ખાતાંમાં ૫,૪૦૪ કરોડ રૃપિયા જેટલી રકમ જમા હતી. આ રકમ ઇ.સ. ૨૦૦૬-૨૦૦૭ની સાલમાં વધીને ૫૪,૨૬૮ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ હતી. હસન અલીએ ઘોડાના તબેલામાંથી આટલી કમાણી કરી હોય તે શક્ય નથી. હસન અલી તો. ઈ.સ. ૧૯૮૨ની સાલમાં યુબીએસની સિંગાપોર બ્રાન્ચમાં જમા કરાવવામાં આવેલા પાંચ કરોડ રૃપિયા ક્યાંથી આવ્યા તેનો સાચો ખુલાસો પણ આપી શક્યો નથી. જોકે તાજેતરમાં કેન્દ્રના નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ પત્રકારોને માહિતી આપી હતી કે હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતાંમાં રહેલા આઠ અબજ ડોલર હવે પગ કરી ગયા છે. આ નાણાં ભારતના અર્થતંત્રમાં જ ઠલવાયા હોવાની શંકા રહે છે.
હસન અલીની આ કબૂલાત ઉપરથી એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે કેન્દ્ર સરકારમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ ઉપર પણ નિયંત્રણ ધરાવતા નેતાઓ તેને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
આ નેતાઓ ક્યાં તો શાસક પક્ષના હોઈ શકે અથવા તેના કોઈ સહયોગી પક્ષના હોઈ શકે. કેન્દ્રમાં એવા કયા શક્તિશાળી નેતા છે, જેઓ એક સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પણ હતા, તેમના નામની કલ્પના કરવી બહુ મુશ્કેલ નથી. હવે આ નેતા શી કરામત કરે છે તે જોવાનું રહે છે. હસન અલીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ ખરેખર સત્ય શોધવાની કવાયત કરી રહ્યું છે કે સુપ્રિમ કોર્ટના દબાણને કારણે સત્ય શોધવાનું નાટક કરી રહ્યું છે તેનો ખ્યાલ હજી આવતો નથી. સત્ય અને અસત્ય વચ્ચેના જંગમાં છેવટે સત્યનો જ વિજય થશે એવી આશા આપણે રાખી શકીએ ખરા?

Monday, March 21, 2011

19/3/2011 અણુ ઊર્જાનો સલામત વિકલ્પ શોધવાનો સમય પાકી ગયો છે


વીજળી વિના મોજથી જીવી શકતી પ્રજાને પછાત માનવામાં અને વીજળીના અભાવમાં લાચારી અનુભવતી પ્રજાને ગતિશીલ માનવામાં ભૂલ નથી થતી ?

અમેરિકા સાથેના અણુ કરારને સફળ બનાવવા માટે જો કેન્દ્રની યુપીએ-૧ સરકાર સંસદસભ્યોને આટલી મોટી લાંચ આપવા તૈયાર થઈ ગઈ હોય તો આ કરાર કરવા માટે અમેરિકાની અણુભઠ્ઠીઓ બનાવતી કંપનીઓ દ્વારા ભારતના રાજકારણીઓને કેટલી મોટી લાંચ આપવામાં આવી હશે તે સંશોધનનો વિષય છે. અમેરિકાએ છેલ્લા ૩૦ વર્ષથી નવી અણુભઠ્ઠીઓ બનાવવાનું બંધ કર્યું છે, પણ ભારતના ગળામાં જોખમી અણુભઠ્ઠીઓ પહેરાવી દેવા તે કેમ આટલું આતુર છે, તેનો વિચાર પણ આપણા સ્વાર્થી રાજકારણીઓ કરતા નથી. અમેરિકા સાથેના અણુકરારની બાબતમાં જે નાણાંની લેવડદેવડ થઈ હશે તેની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતા પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ભારતે અમેરિકા સાથે જે અણુકરારની બાબતમાં જે નાણાંની લેવડદેવડ થઈ હશે તેની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતાં પણ મોટું કૌભાંડ બહાર આવી શકે છે. ભારતે અમેરિકા સાથે જે અણુકરાર કર્યા તે ભારતને ૧૭૫ અબજ ડોલરની અણુભઠ્ઠીઓ વેચવા માંગતી મલ્ટીનેશનલ કંપનીઓના લાભાર્થે કર્યા હતા અને તેમાં પ્રજાની સલામતીની બિલકુલ ચિંતા કરવામાં આવી નહોતી.
જપાનમાં ભૂકંપ અને સુનામીના પગલે જગતભરમાં અણુ ઊર્જાની સલામતી બાબતમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતમાં પ્રજાની સલામતી માટે યોગ્ય અને ઝડપી પગલા લેવામાં જર્મનીએ આગેવાની લીધી છે. જર્મનીમાં ચાન્સેલર એન્જેલા માર્કેલે જાહેરાત કરી છે કે ઇ.સ. ૧૯૮૦ની સાલ પહેલાના સાત અણુ ઊર્જા મથકો તેઓ સલામતીની ચકાસણી માટે ત્રણ મહિના પહેલા બંધ કરી રહ્યા છે. જર્મનીમાં કુલ ૧૭ અણુ ઊર્જા મથકો છે. તે પૈકી સાત મથકો જૂના છે. ભુકંપ અને સુનામીની વર્તમાન સંભાવનાઓને જોતાં આ મથકો સલામત જણાશે તો જ તેમને ફરીથી ચાલુ કરવામાં આવશે. જર્મનીની પ્રજા જ અણુ ઊર્જાની વિરોધી બની ગઈ છે. જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં અણુધડાકાઓ થયા તેના પગલે જર્મનીમાં આશરે એક લાખ લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને તેમણે અણુકેન્દ્રો બંધ કરવા સરકાર ઉપર દબાણ કર્યું હતું. પ્રજાના દબાણને કારણે જર્મનીની સરકારે ઇ.સ. ૨૦૨૦ સુધીમાં તમામ અણુ ઊર્જા મથકો બંધ કરવાની જાહેરાત કરી છે.
સ્વિટઝર્લેન્ડમાં અત્યારે પાંચ અણુ ઊર્જા મથકો કામ કરી રહ્યાં છે. તેમાંના અમુક ઇ.સ. ૨૦૧૨ સુધીમાં જૂના થવાને કારણે બંધ કરવાની યોજના હતી. તેનું સ્થાન લેવા માટે ત્રણ નવા અણુ ઊર્જા મથકો બાંધવાની આપેલી પરવાનગી પાછી ખેંચી લીધી છે અને તેના માટે ચાલતી તમામ પ્રક્રિયાઓ અટકાવી દીધી છે. યુરોપિયન સંઘના એનર્જી કમિશને જાહેરાત કરી છે કે નજીકના ભવિષ્યમાં અણુ ઊર્જા સિવાય ચલાવી લેવાની બાબતમાં અમે વિચારી રહ્યા છીએ. સામ્યવાદી ચીને પણ તેમના દેશમાં ૨૭ નવા અણુ ઊર્જા મથકો સ્થાપવાની પ્રક્રિયા જપાનની દુર્ઘટનાને પગલે અટકાવી દીધી છે. ભારતમાં પણ અત્યારે પાંચ નવા અણુ ઊર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામકાજ અટકાવવાને બદલે ભારતના વડાપ્રધાને સંસદમાં જાહેરાત કરી છે કે ભારતના બધા અણુ ઊર્જામથકો સલામત છે. જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશો છે. તેમની સરકારને પ્રજાના હિતમાં કોઈ પણ નિર્ણય લેવો હોય તો તેમને અમેરિકા કે બીજી કોઈ મહાસત્તાની પરવાનગી લેવાની જરૃર પડતી નથી. ભારતની સરકાર અમેરિકાને પૂછ્યા વિના આવો કોઈ નિર્ણય લઈ શકે તેમ નથી. ભારતની પ્રજામાં પણ અણુખતરાની બાબતમાં એવી જાગૃતિ નથી કે સરકારને તેવો નિર્ણય લેવાની ફરજ પાડે.
ભારત અને ચીન વિકસતા દેશો છે. આપણું અર્થતંત્ર અત્યારે નવ ટકાના દરે વિકસી રહ્યું છે. પશ્ચિમી પદ્ધતિના વિકાસમાં એક સૂત્ર સ્થાપિત થઈ ગયું છે કે ઝડપી વિકાસ સાધવા માટે વધુ વીજળીની જરૃર પડે છે. વીજળી ઉત્પન્ન કરવા માટેના કોલસો, ગેસ વગેરે પરંપરાગત સાધનો મર્યાદિત છે અને ખૂટી જવાના છે. જળ ઊર્જા પેદા કરવા માટે વિરાટ બંધો બાંધવા પડે છે, કરોડો વૃક્ષોનો સંહાર કરવો પડે છે અને લાખો લોકોને બેઘર બનાવવા પડે છે. સૌર ઊર્જા અને પવનઊર્જા માટે અબજો ડોલરનું રોકાણ કરવું પડે છે. આ સંયોગોમાં અણુ ઊર્જાનો પ્રચાર સસ્તા તેમજ પર્યાવરણરક્ષક ઊર્જાના સાધન તરીકે કરવામાં આવતો હતો. જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં થયેલા અકસ્માતને કારણે સલામતીની બાબતમાં આવી અણુ ઊર્જા જોખમી સાબિત થઈ છે. જો અણુ ઊર્જા મથકમાં અકસ્માત થાય તો લાખો લોકો બેઘર બની જાય છે અને હજારોના જીવ જોખમમાં આવી જાય છે. માટે હવે અણુ ઊર્જાના વિકલ્પની શોધ ચાલી રહી છે. અમેરિકામાં ઇ.સ. ૧૯૭૯ની સાલમાં ્થ્રી માઇલ આઇલેન્ડના અણુ ઊર્જા મથકમાં ધડાકો થયો તે પછી નવા અણુ ઊર્જા મથકોના બાંધકામ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ૩૦ વર્ષ ચાલ્યા પછી અમેરિકાએ તાજેતરમાં બે નવાં અણુ ઊર્જા મથકો સ્થાપવાની બાબતમાં સૈદ્ધાંતિક સંમતિ આપી હતી. હવે જપાનની દુર્ઘટનાને પગલે અમેરિકામાં પણ નવા અણુ ઊર્જા મથકો બાબતમાં વિરોધ પ્રબળ બની રહ્યો છે. મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં જૈતાપુર અણુ ઊર્જા મથક સામે લડી રહેલા લોક આગેવાનોના હાથમાં જપાનની દુર્ઘટનાને કારણે નવું હથિયાર આવી ગયું છે. આ અણુભઠ્ઠીઓ બાંધનારી ફ્રાન્સની કંપની અરેવાના શેરોમાં ૧૦ ટકા જેટલું ગાબડું પડી ગયું છે. જર્મનીની જે બેન્કે આ પ્લાન્ટ માટે ૧૦ ટકા મુડીરોકાણ આપવાનું વચન આપ્યું હતું તેણે પણ ફેરવી તોળ્યું છે.
અત્યારે આખી દુનિયા અણુ ઊર્જાની બાબતમાં ઝડપથી આગેકૂચ કરી રહી છે. ભારતે અમેરિકા સાથે અણુ કરાર કર્યા તેના પગલે ભારતમાં નવા અણુ ઊર્જા મથકો સ્થાપવાનો માર્ગ મોકળો થયો હતો. ભારતની યોજના ઇ.સ. ૨૦૩૦ની સાલ સુધીમાં અત્યાર કરતા ૧૩ ગણી અણુ વીજળીનું ઉત્પાદન કરવાનો છે. ચીન અને ભારત ઉપરાંત ઇરાન અને સાઉદી અરેબિયા જેવા તેલસમૃદ્ધ દેશો પણ અણુ ઊર્જા મથકો બાંધવાનું વિચારી રહ્યા છે. ઇન્ડોનેશિયા, મલેશિયા અને વિયેટનામ જેવા વિકાસશીલ દેશોમાં પણ અનેક અણુ ઊર્જા મથકો આકાર ધારણ કરી રહ્યા છે. એક અંદાજ મુજબ માત્ર એશિયા ખંડમાં ૧૦૦ નવા અણુ ઊર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. ફુકુશિમાની દુર્ઘટનાને કારણે અણુ ઊર્જાની બાબતમાં સમગ્ર વિશ્વનું ચિત્ર બદલાઈ ગયું છે. જો ફુકુશિમાની દુર્ઘટના વધુ ગમખ્વાર સ્વરૃપ ધારણ કરશે તો દુનિયાના ઘણા દેશોની પ્રજાઓ અણુ ઊર્જા મથકોનો વિરોધ કરવા શેરીઓમાં ઉતરી આવશે.
જપાનની સરકાર અને પ્રજા માનતી હતી કે તેના તમામ અણુ ઊર્જા મથકોમાં સલામતી માટેની અદ્યતન સિસ્ટમ ગોઠવવામાં આવી હોવાથી તેઓ સંપૂર્ણ સલામત છે. જપાન માટે ભૂકંપ કોઈ નવાઈની વાત નથી. જપાનની પ્રજા ભૂકંપ અને સુનામી માટે તૈયાર જ હોય છે. પરંતુ જપાનના એટમિક પાવર પ્લાન્ટની ડિઝાઇન બનાવનારા ઇજનેરો પણ કદાચ ૯ની તીવ્રતાના ભૂકંપની અને તેને પગલે આવનારા સુનામીની કલ્પના નહી કરી હોય. ભારતમાં તારાપુર અને કલ્પક્કમ જેવા એટમિક પાવર પ્લાન્ટો દરિયાકિનારે આવેલા છે. તેનું બાંધકામ કરતા ઇજનેરોએ પણ ૯ની તીવ્રતાના ભૂકંપની કલ્પના નહી કરી હોય. આ સંયોગોમાં આપણા એટમિક પાવર પ્લાન્ટો ભૂકંપ અને સુનામી સામે સલામત છે એમ કહેવું એ નરી આત્મવંચના છે. ભારતના એક અણુ વિશેષજ્ઞો તો ત્યાં સુધી કહી દીધું હતું કે ભારતમાં નવની તીવ્રતાનો ભૂકંપ આવવાની કોઈ સંભાવના નથી. આ વિજ્ઞાાની શું પોતાની જાતને સર્વજ્ઞા માની રહ્યા છે ? અહીં સરકારે અને પ્રજાએ વિચારવાનો મુદ્દો એ છે કે શું ભારતના અણુ ઊર્જા મથકો નવની તીવ્રતા ધરાવતા ભૂકંપ સામે ટકી શકે તેમ છે ? આ સવાલનો જવાબ જો 'ના'માં હોય તો પ્રજા માટે ગમે ત્યારે ફાંસીના ફંદા બની રહેનારા આવા તમામ અણુ ઊર્જા મથકો તાત્કાલિક બંધ કરાવવા જોઈએ.
વીજળીના ઉત્પાદન માટે અણુ ઊર્જા મથકોનો વિરોધ કરવામાં આવે ત્યારે તાત્કાલીક એ સવાલ પૂછવામાં આવે છે કે તો પછી વિકસતા અર્થતંત્રની વીજળીની જરૃરિયાતો કેવી રીતે પૂરી પાડવી ? તેનો જવાબ એ છે કે જો યોગ્ય આયોજન કરવામાં આવે તો વીજળીનો વધુ વપરાશ કર્યા વિના પણ વિકાસ સાધી શકાય છે. ભારતમાં વિપુલ માત્રામાં સૌર ઊર્જા અને પવન ઊર્જા મળી શકે તેમ છે. આ ઉપરાંત ભારત પાસે પશુઓની ઊર્જા પણ છે, જેને કારણે પર્યાવરણ કે સલામતીના કોઈ સવાલો પેદા થતા નથી. જે કામ અણુ ઊર્જાથી કરી શકાય છે એ તમામ કામ પશુઓની ઊર્જાથી પણ કરી શકાય છે. પશુની ઊર્જાથી ઓઇલ મિલો ચાલી શકે છે, વાહનો ચાલી શકે છે, યંત્રો ચાલી શકે છે, પાણીના પમ્પો ચાલી શકે છે અને ઘરના ચૂલાઓ પણ ચાલી શકે છે. વળી આ ઊર્જા રિન્યુએબલ છે. તે વારંવાર ઉત્પન્ન કરી શકાય તેવી હોવાથી ક્યારેય ખૂટતી નથી. વળી તે વિકેન્દ્રિત હોવાથી ટ્રાન્સપોર્ટનો ખર્ચો પણ ઓછો આવે છે. આપણી સરકારને અર્થતંત્રના નિષ્ણાતોની જરૃર છે, જેઓ જોખમી અણુ ઊર્જાને બદલે સલામત પશુ ઊર્જાના ઉપયોગ બાબતમાં સલાહ આપે.
અત્યારે એવું માનવામાં આવે છે કે, જે દેશ વીજળીનો વધુ વપરાશ કરે તે વધુ વિકસીત ગણાય. આ કારણે આપણે આપણા જીવનની તમામ આવશ્યક પ્રવૃત્તિઓમાં વીજળીના વપરાશને એટલું મહત્ત્વ આપી દીધુ છે કે, વીજળી વિનાના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. આ કારણે જ્યારે પણ કોઈ કુદરતી આફત આવે અને વીજળી રીસાઈ જાય ત્યારે નાગરિકોને નર્કાગારનો અનુભવ થાય છે. વીજળીનો પુરવઠો ખોરવાઈ જતાં જ પાણીનો પુરવઠો ખોરવાઈ જાય છે, મકાનોની લિફ્ટો બંધ થઈ જાય છે, કોમ્પ્યુટરો બંધ થઈ જાય છે, ટ્રેનો બંધ થઈ જાય છે અને સંદેશા વ્યવહારની પદ્ધતિઓ પણ ખોરવાઈ જાય છે. જપાનના કરોડો લોકો અત્યારે વીજળી વગરની આ લાચાર જિંદગીનો અનુભવ કરી રહ્યા છે. આપણા શહેરોની રચના જ એવી રીતે કરવામાં આવી હોય છે કે વીજળી વિના શહેરો સ્મશાન બની જાય છે પરંતુ વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરવાની સિસ્ટમ એવી નથી હોતી કે તે કુદરતી આફતના સમયે અટકી ન જાય. આજથી ૧૫૦ વર્ષ અગાઉ જ્યારે વીજળી નહોતી ત્યારે પણ વિશ્વની અબજોની વસતિ પોતાની જિંદગીની તમામ પ્રવૃત્તિઓ મોજથી કરી શકતી હતી. ભારતના લાખો ગામડાના કરોડો લોકો આજે પણ વારંવાર રિસાઈ જતી વીજલી ઉપર મદાર રાખ્યા વિના મજેથી જીવે છે. જે પ્રજા વીજળીના ઉપયોગ વિના મોજથી જીવી શકે છે તેને પછાત કહેવી કે જે પ્રજા વીજળી ડૂલ થઈ જતા લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ જાય છે તેને પ્રગતિશીલ કહેવી તેનો વિચાર કરવા જેવો છે. જપાનના ભૂકંપે અને સુનામીએ તો યંત્રયુગની ઘણી બધી થિયરીઓ બાબતમાં ઘરમૂળથી ફેરવિચારણા કરવાની તક આપણને પૂરી પાડી છે.

લિબિયા સામેની લડાઈનો હેતુ તેલના કૂવાઓ ઉપર કબજો જમાવવાનો છે



લિબિયામાં મુઅમ્મર ગડાફી નામની કીડી ઉપર મિત્રદેશોનું કટક ધસી આવ્યું છે. યુનોની સલામતી સમિતિ યુરોપ અને અમેરિકાના સામ્રાજયવાદી દેશોની કઠપૂતળી છે તે સાબિત થઈ ગયું છે. બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓને અચાનક 'લિબિયાની બિચારી પ્રજા'ની દયા આવી ગઈ છે, એટલે ગડાફીના શાસનનો અંત આણવા તેમણે ટ્રિપોલી ઉપર હવાઈ હુમલાઓ શરૃ કર્યા છે. આ હુમલો માનવ અધિકારોના જતન માટે છે, એવી દલીલ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ હવાઈ હુમલામાં લિબિયાના જે નિર્દોષ નાગરિકોની કતલ થશે તેને કારણે લિબિયાની જનતાના માનવ અધિકારો જ જોખમમાં આવી જશે. આ હુમલાઓનો જાહેર હેતુ લિબિયામાં લોકશાહીની સ્થાપના કરવાનો છે, પણ અસલ હેતુ મુઅમ્મર ગડાફીના હાથમાંથી લિબિયાના શાસનનો કબજો ઝૂંટવીને પશ્ચિમી દેશોના ઇશારા ઉપર નાચે તેવી કઠપૂતળી સરકારની સ્થાપના કરવાનો અને તેલના કૂવાઓ ઉપર કબજો જમાવવાનો છે.
કોઈ પણ યુદ્ધનો હેતુ અહિંસાની સ્થાપના કરવાનો હોઈ શકે નહીં. અમેરિકા એવો દાવો કરે છે કે લિબિયાની પ્રજાને સરમુખત્યારી શાસનના પંજામાંથી છોડાવવા તેની ઉપર બોમ્બમારો કરવો જરૃરી હતો. શું લિબિયાની પ્રજાએ અમેરિકાને આમંત્રણ આપ્યું હતું કે અમારે ત્યાં પધારો અને અમારી જમીન ઉપર બોમ્બમારો કરો? અમેરિકાને જો સરમુખત્યારશાહીથી કચડાતી પ્રજા માટે આટલી બધી સહાનુભૂતિ હોય તો તેણે સૌથી પહેલા તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલાઓ કરવા જોઈએ અને ત્યાંના સરમુખત્યારોને સત્તા છોડવાની ફરજ પાડવી જોઈએ. તેને બદલે આ સરમુખત્યારોને અમેરિકા પોતાના જ દેશવાસીઓને કચડવા માટે અબજો ડોલરની લશ્કરી સહાય આપે છે. તેનું કારણ એ છે કે આ દેશોના સરમુખત્યારો અમેરિકાના ઈશારા ઉપર નાચવા તૈયાર છે. ગડાફીનો ગુનો એ છે કે એક તબક્કે તેમણે યુરોપ અને અમેરિકાના ઈશારા ઉપર નાચવાનું બંધ કરી દીધું હતું.
આજે લગભગ તમામ આરબ દેશોમાં સરમુખત્યારો સામે લોકઆંદોલનો ચાલી રહ્યા છે. આ બાબતમાં અલગ અલગ દેશોમાં યુરોપ અને અમેરિકાની ભૂમિકા અલગ અલગ છે. બહેરીનમાં પણ ત્યાંના રાજા શેખ અલ ખલીફાની વિરુદ્ધમાં જબરદસ્ત દેખાવો ચાલી રહ્યા છે. અહીં અમેરિકા શાંત ચિત્તે તમાશો જોઈ રહ્યું છે અને પડદા પાછળ રહીને શેખ અલ ખલીફાને પીઠબળ પણ આપી રહ્યું છે. બહેરીનના સરમુખત્યારે સાઉદી અરેબિયાના સૈન્યની મદદથી અનેક વિરોધીઓને શૂટ કરી નાંખ્યા છે. તેમ છતાં મિત્રદેશો તેમને સત્તા છોડવાનો આદેશ આપતા નથી. તેનું કારણ એ છે કે બહેરીને અમેરિકાના પાંચમા કાફલાને આશરો આપ્યો છે. ગાઝાપટ્ટીની પ્રજા ઈઝરાયલનું નહીં પણ પોતાનું શાસન ચાહે છે. ઈઝરાયલનું લશ્કર તેમના ઉપર અત્યાચારો ગુજારી રહ્યું છે. ત્યાં અમેરિકાને પ્રજાના માનવ અધિકારો નથી દેખાતા. યમનમાં પશ્ચિમી મહાસત્તાઓનો ટેકો ધરાવતા પ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહે શુક્રવારે જ વિરોધ કરી રહેલા ૫૦ પ્રજાજનોને ગોળીથી શૂટ કરાવી નાંખ્યા તેમની સામે કેમ અમેરિકા પગલાં ભરવાની તસદી નથી લેતું ?
લિબિયાના પ્રમુખ મુઅમ્મર ગડાફી એક સમયે અમેરિકાના પ્રખર વિરોધી તરીકે જાણીતા હતા. પછીથી યુરોપના દેશોની સરકારો દ્વારા ગડાફીને લલચાવીને તેમની સાથે તેલના કૂવાઓના સોદા યુરોપની તેલનો ધંધો કરતી કંપનીઓના લાભાર્થે કરી લેવામાં આવ્યા હતા. આજથી ચાર વર્ષ પહેલાં મુઅમ્મર ગડાફીએ ફ્રાન્સની મુલાકાત લીધી ત્યારે પ્રમુખ સાર્કોઝીએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું અને તેમની સાથે ખનિજ તેલના વેચાણ બાબતમાં અબજો ડોલરના સોદાઓ કરવામાં આવ્યા હતા. લિબિયામાં પ્રજાનો બળવો પ્રારંભ થયો ત્યારે પણ યુરોપના દેશોએ ગડાફીને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું અને તેમની સામે કડક પગલાં ભરવામાં બિલકુલ રસ દાખવ્યો નહોતો. પરંતુ જ્યારે કર્નલ ગડાફીનું સ્થાન લેવા જૂના પ્રધાનોની બનેલી વચગાળાની કાઉન્સિલ તૈયાર થઈ ગઈ અને તેણે પશ્ચિમી મહાસત્તાઓને તેલના કૂવાઓની માલિકી બાબતમાં 'સહકાર' આપવાનું વચન આપ્યું ત્યારે આ કાઉન્સિલના હાથમાં લિબિયાનું શાસન આવે તે માટે મિત્રદેશો લિબિયા સામે હવાઈ હુમલાઓ પણ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
આરબ દેશોમાં અળખામણા થઈ રહેલા સરમુખત્યારો સામે જે પ્રચંડ લોકઆંદોલનો ચાલી રહ્યા છે તેને કારણે આ વિસ્તારમાં યુરોપના અને અમેરિકાના વેપારી હિતો જોખમમાં આવી ગયા છે. આવતી કાલે આ દેશોમાં એવા કોઈ માથાફરેલા શાસકો આવી ચડે તો યુરોપ અને અમેરિકાની તમામ મલ્ટીનેશનલ કંપનીઓને આ દેશોમાંથી ઉચાળા ભરવા પડે એવી પ્રવાહી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં લિબિયાનું ભૌગોલિક સ્થાન મિત્રદેશો માટે બહુ મહત્ત્વનું બની રહે છે. લિબિયાની પૂર્વ દિશામાં ઈજિપ્ત છે અને પશ્ચિમે ટયૂનિશિયા છે. વળી લિબિયા ભૂમધ્ય સમુદ્રમાં યુરોપની બરાબર દક્ષિણે છે. આ જગ્યાએ જો મિત્રદેશોને લશ્કરી ઠાણું સ્થાપવાની તક મળી જાય તો મિત્રદેશો તેના જોર ઉપર આરબ દેશોની ગતિવિધિઓ ઉપર અંકુશ રાખી શકે છે અને ક્યાંય પણ જરૃર પડે લશ્કર મોકલી શકે છે.
લિબિયા સામે મિત્રદેશો દ્વારા યુદ્ધ જાહેર કરી દેવામાં આવ્યું છે. આવું જ યુદ્ધ અમેરિકાએ ૯/૧૧ના હુમલા પછી અલ-કાયદાને નેસ્તનાબુદ કરવાના ઉદ્દેશથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે પણ ઘોષિત કર્યું હતું. આજે પણ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું લશ્કર પોતાનો અડ્ડો જમાવીને બેઠું છે. ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન પાસે સમૂહસંહારના શસ્ત્રો છે તેવો હડહડતો જૂઠો આક્ષેપ કરીને અમેરિકાએ ઈરાક સામે યુદ્ધ છેડી દીધું હતું. સદ્દામ પાસે સમૂહસંહારના શસ્ત્રો ન મળ્યા તો પણ તેમને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા અને ઈરાકમાં લોકશાહીની સ્થાપના કરવાના બહાને અમેરિકાએ ત્યાં પોતાની પૂતળાં સરકાર બેસાડીને ઈરાકના તેલના કૂવાઓ ઉપર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો. હવે આ ઘટનાનું પુનરાવર્તન લિબિયામાં થઈ રહ્યું છે. આ સામ્રાજયવાદી આક્રમણને 'લોકશાહીની સ્થાપના કરવા માટેની ચળવળ' ગણાવીને અમેરિકા દુનિયાની આંખોમાં ધૂળ નાંખવા માંગે છે.
મિત્રદેશોએ લિબિયા ઉપર લશ્કરી હુમલાઓ કરીને કેટલાક આરબ દેશોને પણ આ બાબતમાં પોતાની પડખે લીધા છે. અમેરિકાના ઇશારા ઉપર નાચી રહેલા સાઉદી અરેબિયા અને બહેરીનના શાસકો દ્વારા લિબિયામાં 'લોકશાહીની સ્થાપના કરવાના' અમેરિકી પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. જે આરબ દેશો પોતાના ઘર આંગણે લોકશાહીની સ્થાપના માટેની ઝુંબેશને કચડી નાંખવા માટે હિંસા આચરતા અચકાતા નથી તેઓ લિબિયામાં 'લોકશાહીની સ્થાપના કરવાના' અમેરિકી પ્રયાસોને બિરદાવી રહ્યા છે. ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા લિબિયા સામે લાંબા ગાળાનું યુદ્ધ લડવાને કારણે સામા કાંઠે આવેલા યુરોપના દેશો ઉપર કેવા પ્રકારના રાજકીય પ્રત્યાઘાતો પડશે તેનો વિચાર પણ યુરોપના દેશોએ કર્યો હોય તેવું લાગતું નથી. તેઓ કદાચ એવી ધારણામાં છે કે ગડાફી શરણે આવશે એટલે આ યુદ્ધનો અંત આવશે. પરંતુ ગડાફી જો લાંબું ટકી ગયા અને યુદ્ધનો અંત ન આવ્યો તો શું થશે? આવતી કાલે લિબિયાના શરણાર્થીઓનો પ્રવાહ ભૂમધ્ય સમુદ્ર ઓળંગીને યુરોપના દેશોમાં પ્રવેશવા લાગશે ત્યારે શું થશે?
લિબિયાની લડાઈમાં અમેરિકાને સાથ આપવાના ફ્રાન્સ અને બ્રિટન પાસે પોતપોતાનાં કારણો છે. બ્રિટનમાં વડા પ્રધાન ડેવિડ કેમેરોને તાજેતરમાં જે ખર્ચાઓમાં કાપ મુકવા માટેનાં પગલાંઓ લીધાં છે તેને કારણે તેમની લોકપ્રિયતા ઓસરી ગઈ છે. ફ્રાન્સમાં એક વર્ષ પછી ચૂંટણીઓ યોજાવાની છે. પ્રમુખ સાર્કોઝીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ નીચે આવી રહ્યો છે. આ સંયોગોમાં લિબિયા સાથે યુદ્ધ કરીને આ બંને વડાઓ પોતાના દેશમાં પોતાની લોકપ્રિયતા વધારવા મથી રહ્યા છે. બ્રિટનનું લશ્કર તો ઈરાક અને અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં થાકેલું છે. લિબિયાનું યુદ્ધ એકલે હાથે લડવાની તેનામાં હામ નહોતી. આ કારણે કેમેરોને બરાક ઓબામાને સમજાવીને યુદ્ધમાં અમેરિકાનો પણ સાથ લીધો છે. અમેરિકાને તો આ યુદ્ધમાં દોડવું હતું ને ઢાળ મળ્યો છે.
મિત્રદેશોના લિબિયા ઉપરના આક્રમણને કારણે યુરોપિય સંઘની ફાટફૂટ પણ સપાટી ઉપર આવી ગઈ છે. લિબિયા ઉપર હવાઈ હુમલા કરવાના સલામતી સમિતિના ઠરાવનો જર્મનીએ બહિષ્કાર કર્યો હતો. જર્મનીનું વલણ પહેલેથી ગડાફીને પાઠ ભણાવવા માટે લિબિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાદવાનું હતું અને તે લશ્કરી પગલાંનો વિરોધ કરતું હતું. આ રીતે લિબિયા ઉપરના આક્રમણનો વિરોધ કરવાની બાબતમાં જર્મની રશિયા, ચીન, ભારત અને બ્રાઝિલ સાથે જોડાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત જર્મની યુદ્ધની બાબતમાં બ્રિટન અને ફ્રાન્સની સામે ગોઠવાઈ ગયું છે. એ ન ભૂલવું જોઈએ કે બ્રિટન અને જર્મની વચ્ચે જ્યારે પણ યુદ્ધો થયાં છે ત્યારે તેમાંના અનેક યુદ્ધો ઉત્તર આફ્રિકાની ભૂમિ ઉપર જ થયા છે. લિબિયા સામેના મિત્રદેશોના હુમલાઓ ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ છે, એમ માનવું કદાચ વધારે પડતું હોય તો પણ આ હુમલાઓની લાંબા ગાળાની અસરોનો ઈનકાર કરી શકાય તેમ નથી.

Sunday, March 20, 2011

મનુષ્ય ઉર્જા અને પશુ ઉર્જા સૌથી સ્વચ્છ અને સલામત છે


જે કાર્યો મનુષ્યનું શરીર અથવા પશુઓ કરી શકે છે તે માટે વીજળી અથવા પેટ્રોલ- ડિઝલથી ચાલતા યંત્રોનો ઉપયોગ કરીને આપણે વિનાશ નોંતરી રહ્યા છીએ

જાપાનના ફુકુશિમા અણુ ઊર્જા મથકમાં થયેલા ઘડાકાઓને કારણે વિશ્વભરમાં જ રેડિયેશન ફેલાઈ રહ્યું છે તેને કારણે સાબિત થઈ ગયું છે કે અણુનું વિભાજન કરીને તેમાંથી વીજળી મેળવવાની ટેકનોલોજી અત્યંત જોખમી છે અને તે સમગ્ર માનવ જાતના અસ્તિત્વને ભૂંસી નાખવાની ક્ષમતા ધરાવે છે. આધુનિક વ્યાખ્યા મુજબ ઝડપથી વિકાસ સાધવો હોય તો ઉર્જાનું ઉત્પાદન વધારવું અનિવાર્ય બની જાય છે.
ઉર્જાના સાધન તરીકે માનવ જાત પરંપરાગત રીતે કોલસો, ગેસ, ઓઇલ, જળ વગેરેનો ઉપયોગ કરતી આવી છે. પ્રાચીન ભારતમાં અને દુનિયાના અનેક દેશોમાં ઉર્જા મેળવવા માટે પશુઓનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. પશુઓમાંથી પ્રાપ્ત થતી ઉર્જા કદી ખૂટતી નથી. પશુને આપણે ઘાસ અને દાણા ખવડાવીએ છીએ તેમાંથી ઊર્જા પેદા થાય છે. આ ઉર્જાની આયાત કરવી નથી પડતી. તેના માટે વિદેશી કંપનીઓ ઉપર નિર્ભર નથી રહેવું પડતું. તેને કારણે પર્યાવરણ અને માનવના આરોગ્યને કોઈ ખતરો નથી. વળી આ ઉર્જા તદ્દન સસ્તી છે. આપણી સરકારે ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનવા માટે ભારતના વિશાળ પશુબળને કામે લગાડવું જોઈએ.
ઉર્જા આપણી રોજબરોજની જરૃરિયાત છે. જીવનના તમામ વ્યવહારો નિભાવવા માટે અને દેશનું ઉત્પાદન વધારવા માટે પણ ઉર્જાની જરૃર પડે છે. ઉર્જા વિના વ્યક્તિનો કે દેશનો પણ વિકાસ થતો નથી. આપણી સમક્ષ ઉર્જા મેળવવાના જે સંખ્યાબંધ વિકલ્પો છે તેમાંથી આપણે એવા વિકલ્પો પસંદ કરવા જોઈએ જે સસ્તા હોય, સલામત હોય, પર્યાવરણને હાનિ પહોંચાડે તેવા ન હોય, ખૂટી પડે તેવા ન હોય, જેનું ઘરઆંગણે ઉત્પાદન થતું હોય તેવા હોય અને સરળ હોય. આજે ઊર્જા મેળવવા માટે થર્મલ પાવર, ઓઇલ, ગેસ, કોલસો, પવન, સૂર્ય, અણુ, પશુ વગેરે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધા સાધનોને ઉપરની કસોટીઓમાંથી પસાર કરવામાં આવે ત્યારે પશુ ઉર્જા શ્રેષ્ઠ વિકલ્પના રૃપમાં ઉભરી આવે છે. વર્તમાન ભારતની ઉર્જાની જ કુલ જરૃરિયાત છે તે પૈકી ૩૦ ટકા જરૃરિયાત આજે પણ પશુઓ દ્વારા સંતોષવામાં આવે છે. આ ટકાવારી વધારીને ૮૦ ટકા સુધી લઈ જઈ શકાય તેમ છે.
ઉર્જાનું ઉત્પાદન વધારવાની વિચારણા કરતી વખતે સૌથી પ્રથમ આપણે ઉર્જાનો વ્યય અટકાવવાનો વિચાર પણ કરવો જોઈએ. મનુષ્યનું શરીર પણ એક પાવર પ્લાન્ટ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આ પાવર પ્લાન્ટનું બળતણ છે. આ ખોરાકમાંથી આપણા શરીરમાં શર્કરા પેદા થાય છે, જે ઉર્જાનો સ્રોત છે. આ ઉર્જા આપણા હાથ- પગ વડે ઉપયોગમાં લઈ શકાય છે. આપણા રોજીંદા જીવનમાં એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે આપણા શરીરની સ્નાયુ ઉર્જાની મદદથી કરી શકીએ તેમ છીએ. આ પ્રવૃત્તિઓ માટે પેટ્રોલ, ગેસ, વીજળી અથવા પશુનો ઉપયોગ કરવો તે પણ એક પ્રકારનો રાષ્ટ્રીય વ્યય છે. આ વ્યય પહેલા અટકાવવો જોઈએ.
ધારો કે આપણે એક માઇલનું અંતર કાપવું હોય તો આપણી પાસે ટ્રાન્સપોર્ટના અનેક વિકલ્પો છે. પહેલો વિકલ્પ આપણું શરીર છે. આપણું શરીર પણ એક વાહન છે. આપણા બે પગ તેના પૈડાં છે જો એક માઇલનું અંતર આપણે ચાલીને કાપીએ તો તેમાં આપણા શરીરની ઊર્જા વપરાય છે. તે માટે કોઈ બાહ્ય ઉર્જાની આવશ્યકતા રહેતી નથી. તેને બદલે જો આપણે એક માઇલનું અંતર ઘોડા પર બેસીને કાપીએ તો તેમાં પશુની ઉર્જા વપરાય છે.આ ઉર્જા પેદા કરવા માટે ઘોડો પાળવો પડે છે અને તેને ચારો ખવડાવવો પડે છે. એટલે ઘોડાની ઉર્જાની સરખામણીએ આપણા શરીરની ઉર્જા વધુ સરળ અને સસ્તી છે. તેના માટે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડતું નથી.
હવે જો આપણે એક માઇલ ચાલવા માટે આપણા પગ અથવા ઘોડાનો ઉપયોગ કરવાને બદલે પેટ્રોલ અથવા ડિઝલથી ચાલતા વાહનનો ઉપયોગ કરીએ તો તેને કારણે અનેક સમસ્યાઓ પેદા થાય છે. આ વાહનોનું ઉત્પાદન કરવા માટે ફેક્ટરીઓ નાખવી પડે છે. ફેક્ટરી નાખવા માટે વૃક્ષો કાપવા પડે છે. ફેક્ટરીમાં પ્રદૂષણ થાય છે. તેને કારણે હવામાં અને પાણીમા ઝેર ફેલાય છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોનું આરોગ્ય બગડે છે. પ્રદૂષણને કારણે સમાજમાં રોગચાળો ફેલાય છે.
વાહન ચલાવવાનું પેટ્રોલ અથવા ડિઝલ ક્રૂડ ઓઇલમાંથી બને છે ક્રૂડની આયાત કરવી પડે છે. તેને માટે અનાજની અને શાકભાજીની નિકાસ કરવી પડે છે. ક્રૂડને શુદ્ધ કરવા માટે રિફાઇનરીઓ નાંખવી પડે છે.
જો આપણે એક માઇલ ચાલવા માટે સ્કુટર, મોટર, બસ, રીક્ષા કે બાઇકનો ઉપયોગ કરવાને બદલે ઘોડાનો, બળદનો કે ઉંટનો ઉપયોગ કરીએ તો તેને કારણે કોઈ ફેક્ટરી નાખવી પડતી નથી અને પ્રદૂષણ પેદા નથી થતું. વળી પશુના આહારનું ઉત્પાદન દેશમાં ક્યાંય પણ ફાજલ જમીનમાં કરી શકાય છે. તેની આયાત નથી કરવી પડતી અને તેના માટે હુંડિયામણનો ખર્ચ નથી કરવો પડતો. વળી પશુઓનો જે ખોરાક છે તે ખૂટી જવાનો ભય નથી. જમીનના ટુકડા ઉપર તેને વારંવાર પેદા કરી શકાય તેમ છે. આ ખોરાકના બદલામાં પશુઓ આપણને કીંમતી છાણ આપે છે, જે પણ ઉર્જાનો અખૂટ સ્રોત બની શકે છે. રસોઈમાં ગેસ અને કોલસાને બદલે આ છાણ પણ વાપરી શકાય છે. પશુને બદલે આપણે બાઇસિકલનો ઉપયોગ કરીએ તો આપણી સ્પીડ વધી જાય છે અને પશુને પાળવાનો ખર્ચો પણ બચી જાય છે.
આપણી આધુનિક લાઇફ સ્ટાઇલમાં આપણે સૌથી પહેલા તો આપણા શરીરના પાવર પ્લાન્ટમાં પેદા થતી ઉર્જાનો ઉપયોગ ઘટાડતા જઈએ છીએ અને બાહ્ય ઉર્જાનો ઉપયોગ વધારતા જઈએ છીએ. એક નાનકડું ઉદાહરણ જોઈએ. હજી થોડાં વર્ષો પહેલા આપણા બધાના ઘરોમાં ચટણી વાટવા માટે કૂંડી-ધોકાનો ઉપયોગ કરવામાં આવતો હતો.
તેમાં આપણા શરીરની ઉર્જા જ વપરાતી હતી. હવે આપણે કૂંડી-ધોકાના બદલે ઇલેક્ટ્રિકથી ચાલતું મિક્સર વાપરીએ છીએ આ મિક્સર ચલાવવા માટે સરકારે વીજળી પેદા કરવી પડે છે. વીજળી પેદા કરવા માટે પાવર પ્લાન્ટો ચલાવવા પડે છે. પાવર પ્લાન્ટો ચલાવવા માટે નદીના પ્રવાહને રૃંધીને વિરાટ બંધો બાંધવા પડે છે. બંધો બાંધવા માટે જંગલો કાપવા પડે છે અને વનવાસીઓને બેઘર બનાવવા પડે છે. થર્મલ પાવર પ્લાન્ટ નાખવા માટે કોલસાની ખાણો ખોદવી પડે છે અને હવામાં પ્રદૂષણ ફેલાય છે. અણુ ઉર્જા મથકો સ્થાપવા માટે ખેતીની જમીનો બરબાદ કરવામાં આવે છે અને કિસાનો બેરોજગાર બને છે. વળી અણુ ઉર્જાના પ્લાન્ટમાં ધડાકો થાય તો રેડિયેશન ફેલાઈ જવાનો ડર રહે છે.
મિક્સર તો આપણી લાઇફ સ્ટાઇલનું એક ઉદાહરણ છે. જે કામો આપણા શરીરની ઉર્જા આસાનીથી લઈ શકે એવા અનેક કામો આજે આપણે યંત્રો પાસે કરાવીએ છીએ અને બાહ્ય ઉર્જાનો વપરાશ તદ્દન બિનજરૃરી રીતે વધારતા જઈએ છીએ. કપડા ધોવા માટે આપણે ધોકાને બદલે વોશિંગમશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે પણ ઉર્જાના વેડફાટના કારણરૃપ બનીએ છીએ. ઘરમાં ઝાડુ કાઢવા માટે આપણે ઝાડુ અને સુપડીના બદલે વેક્યૂમ ક્લિનરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે સરકારને વધુ એક થર્મલ પાવર પ્લાન્ટ કે અણુ ઉર્જા મથકની સ્થાપના કરવાનું નિમિત્ત પૂરું પાડીએ છીએ. પાણી ઠંડુ કરવા માટે આપણે માટલાને બદલે ફ્રીજનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે દેશની ઉર્જા સમસ્યાને વધારે ઘેરી બનાવીએ છીએ. ગરમી સહન કરવાને બદલે આપણે ઘરમાં કે ઓફિસમાં એસી નંખાવીએ છીએ ત્યારે આપણે દેશમાં એક નવો બંધ બાંધવા માટે સરકારને કારણ આપીએ છીએ.
આપણા શરીરમાં જે અખૂટ ઉર્જા છે તેનો ઉપયોગ કરવાને બદલે આપણે તેના માટે યંત્રો ઉપર આધાર રાખતા થઈ જઈએ છીએ. ત્યારે એકબાજુ દેશનું અર્થતંત્ર અને પર્યાવરણ બગડે છે અને બીજી બાજુ આપણું આરોગ્ય બગડે છે. આપણું શરીર પણ એક યંત્ર છે. કોઈ યંત્રમાં આપણે સતત બળતણ પૂર્યા કરીએ અને યંત્રને ચલાવીએ નહીં તો યંત્ર ખોટકાઈ ગયા વિના રહેતું નથી. આપણે આહારમાં પુષ્કળ કેલેરી લીધા કરીએ અને તેને બાળવા માટે શ્રમ ન કરીએ તેને કારણે ડાયાબીટીસ અને હૃદયરોગ જેવી બીમારીઓ થાય છે. જેઓ આ બીમારીઓથી બચવા માંગતા હોય છે તેઓ જિમ્નેશિયમમાં જઈને કેલોરીને બાળવાનો વ્યાયામ કરે છે. આ પણ ઉર્જાનો એક પ્રકારનો વ્યય છે. શરીરની ઉર્જાનો ઘરકામમાં ઉપયોગ કરવાને બદલે આપણે વીજળીથી ચાલતા યંત્રોનો ઉપયોગ કરીએ છીએ અને શરીરની વધારાની ઉર્જાને કાઢવા માટે કસરત કરીએ છીએ. આ લાઇફસ્ટાઇલમાં કયું ડહાપણ છે ?
આપણા દેશમાં ઉદ્યોગોના વિકાસ માટે પણ મનુષ્યના શરીરની ઉર્જાનો અને પશુઓની ઉર્જાનો ઉપયોગ કરીને સંભવિત અણુ કટોકટીમાંથી દેશને બચાવી શકાય તેમ છે. એક વણકર જો હાથસાળ ઉપર કાપડ વણે તો તેમાં માત્ર શરીરની ઉર્જા જ વપરાય છે. આ કામ પાવરલૂમથી વીજળીથી કરવામાં આવે તો વીજળી વપરાય છે. જે ઉદ્યોગમાં મનુષ્યના શરીરની ઉર્જા ઓછી પડે ત્યાં પશુઓની ઉર્જાનો ઉપયોગ કરી શકાય છે. આપણા દેશમાં અગાઉ બળદ ઘાણીઓ જ હતી. બળદ કૂવામાંથી પાણી ખેંચવાનું કામ પણ કરી શકતા હતા.
આજે તે માટે ડિઝલથી ચાલતા એન્જિનો કે વીજળીથી ચાલતી મોટરોનો ઉપયોગ કરવામાં આવે છે. મુંબઈમાં એક જમાનામાં ઘોડાઓથી ટ્રામો પણ ચાલતી હતી. આજે બેસ્ટની બસો ડિઝલ કે સીએનજી ઉપર ચાલે છે. દેશનો જો સાચો અને સલામત વિકાસ કરવો હોય તો સરકારે ઉર્જાનો સરળ, સલામત, સસ્તા અને સ્વદેશી સાધનોનો ઉપયોગ વધારવો જ પડશે. અન્યથા રશિયાના ચેર્નોબિલ કે જાપાનના ફુકુશિમા જેવી ભીષણ દુર્ઘટનાઓ માટે આપણે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવી પડશે.
-સંજય વોરા

Friday, March 18, 2011

૨-જી કૌભાંડમાં પહેલું કમોત ઃ સાદિક બાચ્ચા પછી હવે કોનો વારો છે ?


૨-જી કૌભાંડમાં લાંચનાં નાણાં હવાલાની ચેનલ દ્વારા વિદેશી બેન્કોમાં જમા કરાવવામાં આવ્યા હતા અને તે માટે માફિયાઓની મદદ પણ લેવામાં આવી હતી

૨-જી કૌભાંડનો પ્લોટ વધુ ને વધુ ભેદી બની રહ્યો છે. જ્યાં અબજો રૃપિયાની મોકાણ હોય ત્યાં હત્યા અને આત્મહત્યા જેવા ભેદભરમો પણ શરુ થઈ જાય છે. ૨-જી કૌભાંડમાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મળીને દેશના અબજો રૃપિયાના સંશાધનોની જે રીતે ઉજાણી કરી રહ્યા તેની તપાસ એક ડિટેક્ટીવ નવલકથાની ઢબે આગળ વધી રહી છે. આ નવલકથામાં લવ છે, સેક્સ છે, ધોખા છે અને મોત પણ છે. ૨-જી કૌભાંડમાં એ. રાજાને જે રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા તે રીતે કરુણાનિધિની પુત્રી કનીમોઝી ઉપર પણ હજી કોઈ આકરાં પગલાં લેવામાં નથી આવ્યા. લેવાશે ત્યારે એક ક્રિમિનલ લવસ્ટોરી પણ બહાર આવશે. આ કથામાં જેઓ વધુ જાણે છે તેમના માથે મોત મંડરાઈ રહ્યું છે. આ યાદીમાં પ્રથમ ભોગ એ. રાજાના વિશ્વાસુ સાથીદાર અને ભાગીદાર સાદિક બાચ્ચાનો લેવાઈ ગયો છે. હવે કોનો વારો આવશે તે તો અત્યારે માત્ર અટકળનો વિષય છે.
સાદિક બાચ્ચા ગ્રીનહાઉસ પ્રમોટર્સ નામની કંપનીનો મેનેજીંગ ડાયરેક્ટર હતો. આ કંપનીમાં એ રાજાની પત્ની એક સમયે ડાયરેક્ટર હતી અને તેમના ભાઈઓ આજે પણ ડાયરેક્ટર છે. ગ્રીનહાઉસ પ્રમોટર્સ કંપની એ. રાજા માટે ૨-જી કૌભાંડની મલાઈ ખાવાની બકનળી હતી. ઇ.સ. ૨૦૦૪માં આ કંપની ફોર્મ કરવામાં આવી ત્યારે તેની પાસે માત્ર એક લાખની મૂડી હતી. પાંચ વર્ષમાં તેની અસ્કયામતો વધીને ૬૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ હતી. સીબીઆઇને શંકા હતી કે એ. રાજાએ ૨-જી કૌભાંડમા જે અબજો રૃપિયાની લાંચ લીધી છે તેને સગેવગે કરવામાં તેમણે સાદિક બાચ્ચાની સેવાઓનો છૂટથી ઉપયોગ કર્યો હતો. સીબીઆઇએ બાચ્ચાની ઓફિસમાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં દરોડો પાડયો હતો અને ત્યાંથી વિદેશમાં મૂડીરોકાણના મહત્ત્વના દસ્તાવેજો મળ્યા હતા. સીબીઆઇને શંકા હતી કે ૨-જી કૌભાંડના નાણાં હવાલાની ચેનલથી વિદેશ મોકલવામાં આવ્યા હતા. સીબીઆઇ કદાચ બાચ્ચાને તાજનો સાક્ષી બનાવીને એ. રાજાના તમામ કૌભાંડોના પુરાવાઓ મેળવવા માંગતી હતી. હવે બાચ્ચા આ જગતમાં રહ્યો જ નથી.
શર્ટના સેલ્સમેનમાંથી અબજોપતિ બનેલા સાદિક બાચ્ચાની કથા બોલિવૂડની ફિલ્મના પ્લોટ જેવી છે. સાદિક બાચ્ચાએ એક સમયે તામિલનાડુના કરૃર જિલ્લાના પાલિપટ્ટી ગામે સાઇકલ ઉપર ફરીને ઘરે શર્ટ, પેન્ટ અને સાડીઓ વેચતો હતો તેમાંથી તેણે રૃપિયાને ડબલ કરી આપતો ચીટ ફંડનો ધંધો શરુ કર્યો પણ તેમાં તેને બહુ સફળતા ન મળી. ત્યારપછી તે જમીનની દલાલીના ધંધા તરફ વળ્યો. જમીનો ખરીદવા માટે તે બેન્કો અને શરાફો પાસેથી મોટી લોનો લેતો હતો. ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં તે ડીએમકેના નેતા એ. રાજાના સંપર્કમાં આવ્યો. એ. રાજા ત્યારે વકીલાત કરી રહ્યા હતા. એક સોદામાં બાચ્ચા ફસાઈ ગયો ત્યારે રાજાએ તેને મદદ કરી હતી. આ રીતે તેમની દોસ્તી વધુ ને વધુ ઘનિષ્ટ બનતી ગઈ.
ઇ.સ. ૨૦૦૪માં એ. રાજા જ્યારે કેન્દ્રમાં વન અને પર્યાવરણ ખાતાના પ્રધાન બન્યા ત્યારે બાચ્ચાના નસીબ ઉઘડી ગયા. મોટા મોટા બિલ્ડરો તેમના પ્રોજેક્ટને પર્યાવરણ ખાતાની મંજૂરી અપાવવા માટે બાચ્ચાના દરવાજા ઉપર ટકોરા મારવા લાગ્યા. એ. રાજાને લાંચ આપવા માટેની મુખ્ય ચેનલ બાચ્ચા બની ગયો. મુંબઈના ડી.બી. રિયાલ્ટીના મેનેજીંગ ડિરેક્ટર શાહિદ બાલવા ઇ.સ. ૨૦૦૬ની સાલથી બાચ્ચાના સંપર્કમાં હતા. સાદિક બાચ્ચાએ ઇ.સ. ૨૦૦૪ની સાલમાં પોતાની ગ્રીનહાઉસ પ્રમોટર્સ નામની કંપની લોન્ચ કરી. આ કંપનીમાં એ. રાજાની પત્ની પરમેશ્વરી પણ ભાગીદાર હતી. ૨-જી કૌભાંડ બહાર આવ્યું તે પછી પરમેશ્વરીએ રાજીનામું આપી દીધું છે પણ એ. રાજાનો મોટોભાઈ કાલિયાપેરુમલ, ભત્રીજો આર. રામગણેશ અને ભાણિયો પ્રમેશકુમાર આજે પણ ડાયરેક્ટર છે. સાદિક બાચ્ચાએ ગ્રીનહાઉસ પ્રમોટર્સ ઉપરાંત બીજી અનેક કંપનીઓ પણ સ્થાપી હતી. તેમણે ચેન્નાઈ ઉપરાંત તામિલનાડુના અન્ય શહેરોમાં અને ભારતના અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે જમીનો ખરીદવા અને વેચવા માંડી. ૨-જી કૌભાંડમાં સીબીઆઇના અધિકારીઓ દ્વારા બાચ્ચાની પૂછપરછ કરવામાં આવી તે પછી તેઓ તેના હવાલાના સોદાઓની તપાસ માટે દુબઈ પણ જવાના હતા.
સીબીઆઇની ટીમે ઇ.સ. ૨૦૧૦ના ડિસેમ્બરની આઠમી તારીખે સવારે આઠ કલાકે આવેલા સાદિક બાચ્ચાના નિવાસસ્થાને દરોડો પાડયો હતો, જે સાંજે ૫-૩૦ કલાક સુધી ચાલ્યો હતો. ૨-જી કૌભાંડમાં પાડવામાં આવેલો આ લાંબામાં લાંબો દરોડો પૂરા સાડા નવ કલાક ચાલ્યો હતો. તેની સરખામણીએ સીબીઆઇએ રાજાના ઘરે દરોડો પાડયો તે ત્રણ જ કલાક ચાલ્યો હતો. વચ્ચે થોડા સમય માટે સાદિક બાચ્ચા અને એ. રાજા વચ્ચે મતભેદો પડતા તેઓ જુદા પડી ગયા હતા પણ ૨-જી કૌભાંડમાં તપાસ શરુ થઈ તે પછી રાજાએ બાચ્ચા સાથે સમાધાન કરી લીધું હતું.
સાદિક બાચ્ચાની ચાર વખત પૂછપરછ કરનારા સીબીઆઇના અધિકારીઓ કહે છે કે તે અત્યંત ભયભીત હતો અને તેને મૃત્યુનો ડર લાગતો હતો. એ. રાજાએ જે વિદેશી કંપનીઓમાં ૨-જી કૌભાંડના નાણાનું રોકાણ કર્યું હતું તેની રજેરજની વિગતો બાચ્ચા જાણતો હતો અને તે સીબીઆઇની તપાસમાં પૂરો સહકાર પણ આપી રહ્યો હતો.
એકાએક બાચ્ચાનું અપમૃત્યુ થતા એ. રાજાના વિદેશી મૂડીરોકાણો બાબતમાં સીબીઆઇની તપાસમાં અવરોધ આવવાની સંભાવના છે.
અબજો રૃપિયાના ૨-જી કૌભાંડમાં ટેલિકોમ કંપનીઓએ હવાલાના રૃટ દ્વારા એ. રાજાને લાંચની ચુકવણી વિદેશી બેન્કોના ખાતાઓમાં કરી હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે આવી છે. તેમાં એક વ્યક્તિના મોરેશિયસના ખાતામાં ૧૦૦ કરોડ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હોવાની પણ માહિતી છે.
બીજી એક વ્યક્તિના ખાતામાં ૨.૫ કરોડ રૃપિયા રહસ્યમય રીતે જમા કરાવવામાં આવ્યા હતા. મહેશ અને બોબી જૈન નામના બંધુઓ પણ આ હવાલા કૌભાંડમાં સંકળાયેલા છે. સીબીઆઇએ સુપ્રિમ કોર્ટમાં જે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચાર્જશીટ ૩૧મી માર્ચ પહેલા દાખલ કરવામાં આવશે, જેમાં એ. રાજા ઉપરાંત બે ટેલિકોમ કંપનીઓના માલિકોને પણ આરોપી બનાવવામાં આવશે. આ કંપનીઓ તેના માલિકો કોણ હશે તે અટકળનો વિષય છે. આ પૈકી ઘણી સંવેદનશીલ માહિતી સીબીઆઇએ સાદિક બાચ્ચા પાસેથી મેળવી હોવાની સંભાવના છે.
સાદિક બાચ્ચાનું અપમૃત્યુ થતા તેની પત્નીએ એવો દાવો કર્યો છે કે સીબીઆઇની તપાસનું ટેન્શન સહન ન થવાથી તેણે આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણ્યો છે. સાદિક બાચ્ચાના મૃતદેહનું હજી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. તેણે આપઘાત કર્યો છે કે કોઈએ તેની હત્યા કરીને તેના મૃતદેહને લટકાવી દીધો હોય તેવી સંભાવના પણ રહે છે. સંભવ છે કે કોઈએ તેને ધમકી આપી હોય તેને પગલે તેણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોય. સુપ્રિમ કોર્ટમાં ૨-જી કૌભાંડમાં જાહેર હિતની અરજીમાં દલીલો કરી રહેલા વકીલ પ્રશાંત ભૂષણે સાદિક બાચ્ચાના અપમૃત્યુની તપાસ પણ સીબીઆઇ દ્વારા જ કરવાની માગણી કરી છે.
૨-જી કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં ૫૬ પાનાનો જે વચગાળાનો હેવાલ ફાઇલ કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ કૌભાંડમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા લાંચના રૃપમાં એ. રાજાને જે નાણાં ચુકવવામાં આવ્યા તે મોરેશિયસથી હવાલાના રૃટ દ્વારા ભારતમાં આણવામાં આવ્યા હતા અને પાંચ દેશોની બેન્કોમાં જમા કરાવવમાં આવ્યા હતા. આ દેશોમાં સિંગાપોર અને સાયપ્રસ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. સાદિક બાચ્ચાની ગ્રીન હાઉસ પ્રમોટર્સ કંપનીએ થોડા સમય અગાઉ સિંગાપોરમાં પણ પોતાની શાખા શરુ કરી હતી. આ શાખામાં ૨-જી કૌભાંડની લાંચના નાણાં જમા કરાવવામાં આવ્યા હોવાની સીબીઆઇને શંકા છે. આ પાંચેક દેશોની સરકારને સીબીઆઇ દ્વારા લેટર રોગેટરી મોકલી દેવામાં આવ્યા છે અને તેના જવાબની રાહ જોવાઈ રહી છે. ડિટેક્ટિવ નવલકથાઓમાં બને છ તેમ એક ખૂનને છાવરવા માટે રીઢો ગુનેગાર અનેક ખૂનો કરે છે અને પોલીસની જાળમાં વધુ ને વધુ ફસાતો જાય છે. ટેલિકોમ કૌભાંડમાં અબજો રૃપિયા હજમ કરી જનારા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓએ બે નંબરના નાણાંની હવાલા દ્વારા હેરાફેરી માટે અન્ડરવર્લ્ડના માફિયાઓ સાથે પણ સંબંધો બાંધ્યા હતા, કારણ કે હવાલાનો ધંધો તેમના જ હાથમા છે. આ ગુનેગાર તત્ત્વોની મદદ લઈને તેઓ કૌભાંડના મુખ્ય સાક્ષીઓને ધમકાવતા હોય તેવું પણ બની શકે છે. જો કોઈ સાક્ષી ધમકાવવાથી પણ નહીં માને તો તેના માટે સુપારી આપતા પણ આ નેતાઓ અચકાય તેવા નથી. જ્યાં અબજો રૃપિયાનો સવાલ હોય છે ત્યાં અપરાધી તત્ત્વોનું આલંબન પણ લેવું જ પડે છે.
ભારતના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની અસલિયત આ પ્રકરણમાં છતી થઈ રહી છે. ૨-જી કૌભાંડમાં સત્યને છાવરવા માટે હજી કેટલા લોકોનો ભોગ લેવામાં આવશે તેની ખબર પડતી નથી.
-સંજય  વોરા

Thursday, March 17, 2011

ફુકુશિમા બીજું ચેર્નોબિલ બને તેવી શક્યતા કેટલી છે ?



વધી રહેલી ગરમીને કારણે જો અણુ ભઠ્ઠીનો મધ્ય ભાગ અને તેમાં રહેલા ધાતુના પાઇપો પીગળી જાય તો બહુ મોટી દુર્ઘટના માટે તૈયાર રહેવું પડશે
જપાનના ફુકુશિમા રિએક્ટરમાં એક પછી એક ધડાકાઓ થઈ રહ્યા છે. તેને કારણે માત્ર જપાનના જ નહીં પણ દુનિયાના અનેક દેશોના નાગરિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ફુકુશિમાથી ૨૪૦ કિલોમીટરના અંતરે આવેલા ટોકિયોમાં રેડિયેશનનો ગભરાટ એટલો બધો વ્યાપી ગયો છે કે અનેક લોકો જપાન છોડવાનું વિચારી રહ્યા છે. ફુકુશિમા પ્લાન્ટની કુલિંગ સિસ્ટમમાં અને બહારના મકાનમાં થયેલા ધડાકાના કારણે જે રેડિયેશન બહાર આવ્યું તે રશિયાના બ્લડીવોસ્ટોક સુધી પહોંચી ગયું છે. ચીન, રશિયા, યુરોપ અને અમેરિકાના દેશો પણ રેડિયેશનની ચિંતા કરી રહ્યા છે. ઇ.સ. ૧૯૮૬ની સાલમાં રશિયાના ઉક્રેન પ્રાંતમાં ચેર્નોબિલની દુર્ઘટના થઈ તેમાં તો મુખ્ય રિએક્ટરમાં જ ધડાકો થયો હતો અને કિરણોત્સર્ગી વાદળ બહાર આવી ગયું હતું. જપાનની સરકાર જો સાચું બોલતી હોય તો ફુકુશિમાના મુખ્ય રીએક્ટરમાં હજી ધડાકો નથી થયો. આ કારણે હાલના તબક્કે ફુકુશિમાની સરખામણીએ ચેર્નોબિલ સાથે કરી શકાય નહીં પરંતુ ફુકુશિમામાં હજી ખતરો ટળી નથી ગયો, માટે આવતીકાલે શું બનશે તે કોઈ કહી શકે તેમ નથી.
જપાનના ફુકુશિમા દાઇચી રિએક્ટરમાં જે બની રહ્યું છે તે માનવ જાત માટે કેટલું જોખમી પુરવાર થઈ શકે છે તે સમજવા માટે પહેલા આપણે અણુ ઊર્જા મથકો કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે. અણુ ઉર્જા મથક પણ અન્ય સામાન્ય પાવર પ્લાન્ટના સિદ્ધાંત મુજબ જ કાર્ય કરે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો કે ગેસ બાળીને ગરમી પેદા કરવામાં આવે છે. આ ગરમીથી પાણી ઉકળે છે અને તેની વરાળ પેદા થાય છે. આ વરાળથી ટર્બાઇન ચાલે છે અને વીજળી પેદા કરવામાં આવે છે. આ રીતે થર્મલ પાવર પ્લાન્ટ અને એટમિક પાવર પ્લાન્ટ વચ્ચે જે તફાવત છે તે ગરમી પેદા કરવાની પદ્ધતિ બાબતમાં જ છે.
અણુ ઊર્જા મથકમાં પદાર્થના અણુઓ પત્તાના મહેલની જેમ ગોઠવાયેલા હોય છે. એક પતું ખેંચી કાઢતા જ આખો મહેલ તૂટી પડે છે. અણુભઠ્ઠીમાં જે બળતણ વાપરવામાં આવે છે તેના અણુઓ એકદમ અસ્થાયી હોય છે તેમાં એક અસ્થિર અણુનું વિભાજન થાય છે ત્યારે તેના પરમાણુઓ આજુબાજુના અણુઓ સાથે અફળાય છે અને તેને પણ તોડી નાખે છે. આ અણુઓના ટુકડાઓ બીજા લાખો અણુ પરમાણુઓનું વિભાજન કરે છે. આ પ્રક્રિયા શૃંખલાબદ્ધ રીતે ચાલ્યા કરે છે, જેના કારણે અબજો અણુઓનું વિભાજન થાય છે દરેક અણુનું વિભાજન થાય ત્યારે તેમાંથી થોડીક ગરમી બહાર પડે છે. આ રીતે અબજો અણુઓનું વિભાજન થાય ત્યારે ચિક્કાર ગરમી પેદા થાય છે. ફુકુશિમા પાવર પ્લાન્ટ ઉકળતાં પાણીના આધારે થયેલી છે. તેમાં સાદા પાણીને અણુભઠ્ઠીના મધ્ય ભાગમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં અસંખ્ય અણુઓના વિભાજનની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આ પાણી ગરમ થતા તેની વરાળ બહાર આવે છે, જેના વડે ટર્બાઇન ચલાવવામાં આવે છે અને વીજળી પેદા કરવામાં આવે છે.
અણુ બોમ્બમાં જે રિએક્શન થાય છે તે જ અણુભઠ્ઠીમાં થાય છે, પણ તેનો વેગ બહુ ઓછો હોય છે. અણુ બોમ્બમાં ક્ષણભરમાં અબજો અણુઓનું વિભાજન થવાથી અમર્યાદિત ગરમી પેદા થાય છે અને ભીષણ ધડાકો થાય છે. અણુ ભઠ્ઠીઓમાં બળતણ તરીકે યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ધાતુઓ વાપરવામાં આવે છે. અણુ ભઠ્ઠીમાંના અણુના વિભાજનની પ્રક્રિયાને અંકુશિત કરવામાં આવે છે.
આ પ્રક્રિયાને ધીમી પાડવા માટે બળતણને ધાતુના પાઇપો વચ્ચે મૂકવામાં આવે છે. આ પાઇપો સ્પીડબ્રેકરનું કામ કરે છે. ધાતુના પાઇપોને જૂથમાં ગોઠવીને તેમને ચોરસ ફ્રેમમાં મૂકવામાં આવે છે. આ પાઇપો અને તેમાંથી બનાવવામાં આવેલી ફ્રેમોને અણુભઠ્ઠીની અંદરના ભાગમાં ગોઠવવામાં આવે છે. આ મધ્ય ભાગમાંથી વીજળીથી ચાલતા પમ્પો વડે પાણી પસાર કરવામાં આવે છે. આ પાણી બળતણના સંપર્કમાં આવતું નથી પણ જે પાઇપોમાં બળતણ રાખવામાં આવ્યું હોય તેના સંપર્કમાં આવે છે અને તેની પાસેથી ગરમી ગ્રહણ કરે છે. આ પાણીના કારણે પાઇપોનું ઉષ્ણાતામાન કાબૂમાં રહે છે અને તેઓ વધુ પડતા ગરમ થઈને ફાટી જતા નથી.
અણુ ભઠ્ઠી કેવી રીતે કામ કરે છે તે સમજ્યા પછી હવે આપણે કુકુશિમા પ્લાન્ટમાં શું બન્યું તે સમજવાની કોશિષ કરીએ. જપાનમાં ભૂકંપ આવ્યો તે અગાઉ ફુકુશિમાની ક્રમાંક ૪, ૫ અને ૬ની ભઠ્ઠીઓ બંધ જ હતી. ભૂકંપની ચેતવણી મળતાં જ ૧, ૨, અને ૩ નંબરની ભઠ્ઠીઓ તેમાં બેસાડવામાં આવેલી સલામતી યંત્રણાને કારણે કામ કરતી બંધ થઈ ગઈ હતી. જો કે લાઇટની સ્વીચ ઓન અને ઓફ્ફ કરીએ એટલી સહેલાઈથી અણુ ભઠ્ઠી બંધ કરી શકાતી નથી. તેમાં વીજળીનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ અણુઓમાં ચાલી રહેલી વિભાજનની પ્રક્રિયા એકદમ અટકી જતી નથી. મૂળ પ્રક્રિયાના આશરે ૬ ટકા જેટલી પ્રક્રિયા તો દિવસો સુધી ચાલુ જ રહે છે, જેને કારણે ગરમીનું ઉત્પાદન પણ ચાલુ રહે છે. આ ગરમીને રોકવા માટે પ્લાન્ટમાં પાણીનું પમ્પિંગ ચાલુ જ રાખવું પડે છે.
ફુકુશિમા ભૂકંપ પછી સુનામી આવ્યું તેને પગલે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો અને પાણીના પમ્પો બંધથઈ ગયા. આ પ્લાન્ટમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ડિઝલથી ચાલતા પમ્પો રાખવામાં આવ્યા હતા. વળી પ્લાન્ટમાંથી દરિયાનું પાણી ન પ્રવેશે તે માટે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી હતી. સુનામીના મોજાઓ આ દિવાલને વટાવીને પ્લાન્ટમાં પ્રવેશી ગયા તેને કારણે ડિઝલના પમ્પો પણ કામ કરતા બંધ થઈ ગયા.
આ કારણે અણુભઠ્ઠીના મધ્ય ભાગમાં ઉષ્ણાતમાન એકદમ વધી ગયું પ્લાન્ટમાં ઉષ્ણતમાન વધી જાય ત્યારે પાઇપની ઝાર્કોનિયમ ધાતુ પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઝાર્કોનિયમ ઓક્સાઇડ અને હાયડ્રોજન વાયુ પેદા કરે છે. ફુકુશિમા પ્લાન્ટમાં ઉષ્ણતામાન વધી ગયું તેને કારણે આ અણુભઠ્ઠી પીગળી ન જાય તે માટે તેનું ઢાંકણું ખોલીને કેટલીક વરાળને બહાર નીકળવા દેવામાં આવી આ વરાળ સાથે પેલો હાયડ્રોજન વાયુ પણ બહાર આવી ગયો. હાયડ્રોજન વાયુ હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવતા જ ધડાકાઓ થયા, આ ધડાકાઓને કારણે કેટલોક રેડિયોએક્ટિવ પદાર્થ હવામાં ભળી ગયો.
ફુકુશિમાની અણુભઠ્ઠીઓમાં અત્યાર સુધી જે ધડાકાઓ થયા છે તે મુખ્ય કેન્દ્રની બહારના ભાગમાં જ થયા છે, જેને કારણે બળતણ તરીકે વાપરવામાં આવતો રેડિયોએક્ટિવ પદાર્થ હજી બહાર આવ્યો નથી, જેવું ચેર્નોબિલમાં બન્યું હતું. ફુકુશિમાના એટમિક પાવર પ્લાન્ટમાં મુખ્ય અણુભઠ્ઠીની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુખ્ય અણુભઠ્ઠી છે તેને સંરક્ષણ આપવા માટે તેની આજુબાજુ સિમેન્ટ કોંક્રીટનું એક મકાન ચણી લેવામાં આવ્યું છે. આ મકાનની દિવાલો ત્રણથી છ ફૂટ જેટલી જાડી છે. તેની સાથે વિમાન ટકરાય તો પણ તેને વાંધો ન આવે એટલી મજબૂત આ દિવાલ બનાવવામાં આવે છે. આ મકાનની આજુબાજુ પણ ધાતુના કવચ એવો એક શેડ ઉભો કરવામાં આવે છે. ફુકુશિમાની ત્રણ અણુભઠ્ઠીઓમાં જે ધડાકાઓ થયા તેને કારણે આ મકાનો હજી હેમખેમ રહ્યા છે પણ તેની આજુબાજુ રચવામાં આવેલા ધાતુના શેડોના ફૂરચા ઉડી ગયા છે.
આ દરમિયાન અણુભઠ્ઠીના અંદરના ભાગમાં પાણીનું સર્કયુલેશન બિલકુલ બંધ હોવાથી ગરમી સતત વધી રહી છે. એકથી ત્રણ નંબરના રીએક્ટરોની અંદર શું ચાલી રહ્યું છે તેની કોઈને ય ખબર નથી. સંભવ છે કે અંદર વધી રહેલ ગરમીના કારણે જેમાં બળતણ રાખવામાં આવે છે તે ધાતુના પાઇપો ખરેખર પીગળી ગયા હોય તો અણુભઠ્ઠીઓનું બળતણ એકઠું થઈ જાય અને ગમે તે ક્ષણે અણુધડાકા જેવો ધડાકો થઈ શકે છે. આ ધડાકા સામે સિમેન્ટ કોંક્રીટનું મકાન ટકી ન શકે અને તેના પણ ફૂરચા ઉડી જાય ત્યારે રેડિયેશન સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જવાનો ખતરો રહે છે. જેટલો વિનાશ અણુબોમ્બ વેરી શકે એટલો જ વિનાશ આ રેડિયેશન પણ વેરી શકે છે.
આપણે અત્યારે તો એવી આશા રાખીએ કે ફુકુશિમા પ્લાન્ટમાં ધાતુના પાઇપો પીગળી જાય તે પહેલાં જ તેમાં ચાલી રહેલી આણ્વિક પ્રક્રિયા થંભી જાય અને પરિસ્થિતિ કાબૂમાં આવી જાય.
ફુકુશિમામાં જો ધાતુના પાઇપો અને ફ્રેમ પીગળી જાય તો ચેર્નોબિલમાં થઈ હતી તેવી ભીષણ દુર્ઘટનાને કોઈ અટકાવી શકશે નહીં. આ દુર્ઘટનામાં હજારો લોકોના મોત થઈ શકે છે અને લાખો અપંગ થઈ શકે છે.
પોતાની ૩૫ ટકા ઊર્જા અણુભઠ્ઠીઓમાંથી મેળવનારા જપાને પણ આવી દુર્ઘટનામાં હજારો લોકોના મોત થઈ શકે છે અને લાખો અપંગ થઈ શકે છે. પોતાની ૩૫ ટકા ઊર્જા અણુભઠ્ઠીઓમાંથી મેળવનારા જપાને પણ આવી દુર્ઘટનાની કલ્પના નહીં કરી હોય. એક વખત વિશ્વ આ કટોકટીમાંથી પસાર થઈ જાય તે પછી વિશ્વના વિજ્ઞાાનીઓ અને રાજકારણીઓ સાથે બેસીને સમગ્ર માનવજાતનો ખાતમો બોલાવવાની ક્ષમતા ધરાવતી અણુ ઊર્જાની ટેકનોલોજીના ભવિષ્ય બાબતમાં શાંત ચિત્તે ફેરવિચારણા કરવી જ પડશે.
-સંજય વોરા

૧૬/૩/૧૧ કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો


મનમોહન સિંહ જો બધા ભ્રષ્ટાચારી પ્રધાનોનાં રાજીનામાં લઇ લેશે તો તેઓ પ્રધાન મંડળમાં એકલા જ રહી જશે
આપણા રાજકારણીઓ અને પ્રધાનો બંને હાથે જેટલું ઉસેડી લેવાય એટલું ઉસેડી લેવામાં જ વ્યસ્ત છે. દેશમાં ૨-જી, કોમનવેલ્થ ગેમ્સ અને આદર્શ સોસાયટી જેવા કૌભાંડો ઓછા હતા તો હવે 'ચંડીગઢ શોપ કૌભાંડ' સંસદમાં ગાજી રહ્યું છે. સત્તાસ્થાને રહેલા નેતાઓ પોતપોતાની ક્ષમતા અને હેસિયત મુજબનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ચંડીગઢના સંસદસભ્ય અને કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલનું નામ આ કૌભાંડમાં ખરડાયું છે. વિપક્ષો હવે તેમનાં રાજીનામાંની માંગણી કરી રહ્યા છે.
પવનકુમાર બંસલ ઉપર જે ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે તે ચંડીગઢમાં દુકાનોની ફાળવણીના કૌભાંડમાં થયો છે. ચંડીગઢ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે અને તેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા નિમવામાં આવેલા એડમિનિસ્ટ્રેટર દ્વારા થાય છે. ચંડીગઢ પંજાબ અને હરિયાણા બંને રાજ્યોની રાજધાની હોવાથી ત્યાં રિયલ એસ્ટેટના ભાવો આસમાનને અડી રહ્યા છે. ઈ.સ. ૧૯૮૯ની સાલમાં ચંડીગઢના સેકટર ૨૨-ડીમાં આવેલી એક માર્કેટ આગમાં બળીને ખાક થઇ ગઇ હતી. આગમાં જેમની દુકાનો બળી ગઇ હતી તે માલિકોને સેકટર-૪૧માં નવી દુકાન ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. નવી માર્કેટમાં ૧૮૦ દુકાનોની ફાળવણી કરવામાં આવીતેમાં જબરદસ્ત ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આગમાં જેમની દુકાનો બળીને ખાક થઇ ગઇ તેને બદલે ભળતા જ લોકોએ સરકારી તંત્રમાં લાંચ આપીને દુકાનો મેળવી લીધી હતી. આ કૌભાંડમાં ચંડીગઢના મેયર પ્રદીપ છાબરા અને સંસદસભ્ય પવનકુમાર બંસલે કરોડ રૃપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો.
ચંડીગઢના સેકટર-૨૨-ડીના જે દુકાનદારોને નવી માર્કેટમાં દુકાન ન મળી તેમણે ચંડીગઢના વહીવટદાર શિવરાજ પાટિલ સમક્ષ ફરિયાદ કરી હતી. શિવરાજ પાટિલે આ કૌભાંડની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને તેના માટ પી.એસ. શેરગીલ નામના એડિશનલ ડેપ્યુટી કમિશનરને જવાબદારી સોંપી હતી. શેરગીલે પોતાના હેવાલમાં આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સ્વીકારી હતી. આ ભ્રષ્ટાચાર તેમણે ચંડીગઢ પોલીસના છ અધિકારીઓ અને કેન્દ્રશાશિત પ્રદેશના આઠ અધિકારીઓ ઉપરાંત ચંડીગઢના મેયર પ્રદીપ છાબરાને અને સંસદસભ્ય પવનકુમાર બંસલને પણ જવાબદાર ઠેરવ્યા હતા અને તેમની સામે સીબીઆઇ તપાસની ભલામણ કરી હતી. આ હેવાલમાં પવનકુમાર બંસલના નામનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે શોપ માફિયાઓને તેમનો ટેકો છે. આ હેવાલના પગલે વિપક્ષો કેન્દ્રના સંસદીય બાબતોના પ્રધાન પવનકુમાર બંસલનું રાજીનામું માંગી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન મનમોહન સિંહની હાલત અત્યારે ૪૦ ચોરોના સરદાર અલી બાબા જેવી છે. મનમોહન સિંહના ટેેેકેદારો એવો દાવો કરી રહ્યા છે કે તેઓ મિસ્ટર ક્લિન છે અને પોતે ભ્રષ્ટાચાર આચરતા નથી. મનમોહન સિંહ ભલે પોતે ભ્રષ્ટાચાર આચરતા ન હોય પણ તેમના હાથ નીચેના પ્રધાનો જો ભ્રષ્ટાચાર આચરતા હોય અને મનમોહન સિંહ આ ભ્રષ્ટાચારને ચલાવી લેતા હોય તો તેઓ પણ દેશમાં વધી રહેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર બને છે. મનમોહન સિંહ એવો બચાવ કરે છે કે ગઠબંધન સરકાર ચલાવવામાં મજબૂરીને કારણે તેમણે ભ્રષ્ટાચાર સહન કરી લેવો પડે છે. જો તેઓ ભ્રષ્ટાચારીઓને કાઢી મૂકે તો સરકાર ભાંગી પડે તેમ છે. સરકારને બચાવવા માટે ભ્રષ્ટાચારીઓને છૂટો દોર આપવો તે પણ એક જાતનો ભ્રષ્ટાચાર છે, જે આપણા વડાપ્રધાન જાણી જોઇને આચરી રહ્યા છે.
ચંડીગઢમાં દુકાનોના કૌભાંડ બાબતમાં શેરગીલે જે હેવાલ તૈયાર કર્યો તે ૭૦૦ પાનાંનો વિસ્તૃત હેવાલ છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઈ.સ. ૧૯૮૯ની આગમાં જેમની દુકાનો સ્વાહા થઇ ગઇ હતી તેમના બદલે ભળતા માણસોએ કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટી તંત્રને ફોડીને ફેરિયાના લાઇસન્સ બનાવી લીદા હતા. જેમની દુકાનો બળીને ખાક થઇ ગઇ હતી તેમણે ફરિયાદ કરી ત્યારે આ બનાવટી દુકાનદારોએ કોર્ટમાં ખોટી એફિડેવિટો કરી હતી. આવા બનાવટી દુકાનદારોએ નવી માર્કેટમાં દુકાનોની ફાળવણી કરવામાં આવે તેના માટે સંસદસભ્ય પવનકુમાર બંસલે અનેક પત્રો પણ લખી આપ્યા હતા. શેરગીલના હેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે પવનકુમાર બંસલના સંરણથી અનેક બોગસ દુકાનદારોને નવી માર્કેટમાં દુકાનો ફાળવવામાં આવી હતી.
૨-જી કૌભાંડના મામલે જેપીસીની રચના કરવામાં આવી એટલે સંસદમાં ભાજપના હાથમાંથી લડવા માટેનો એક મુદ્દો ઓછો થઇ ગયો છે. આ સંયોગોમાં ભાજપ કોઇ નવા મુદ્દાની તલાશમાં હતો. ત્યાં જ તેને ચંડીગઢના દુકાન કૌભાંડનો મુદ્દો મળી ગયો છે. કેન્દ્રમાં અગાઉ પૃથ્વીરાજ ચૌહાણ સંસદીય બાબતોનું ખાતું સંભાળતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા તેને પગલે આ ખાતું પવનકુમાર બંસલને ફાળવવામાં આવ્યું હતું. કેન્દ્રના લગભગ બધા પ્રધાનો કોઇ ને કોઇ કૌભાંડમાં તો સંડોવાયેલા જ હોય છે. કૌભાંડ આચર્યા વિના તો કોઇ રાજકારણમાં આગળ વધી શકતું નથી. મનમોહન સિંહ જો કૌભાંડમાં સંડોવાયેલા તમામ પ્રધાનોનાં રાજીનામાં માંગી લે તો બધા પ્રધાનોને ઘરે બેસવાનો વારો આવે અને પ્રધાનમંડળમાં મનમોહન સિંહ એકલા જ રહી જાય તેવી પરિસ્થિતિ છે.
આપણા દેશમાં તમામ સરકારી ખાતાંઓમાં કૌભાંડ ચાલી રહ્યા હોવાથી પ્રજા અનેક વિટંબણાઓનો ભોગ બની રહી છે. ચંડીગઢમાં ઈ.સ. ૧૯૮૯ની સાલમાં આગ લાગી તેમાં આશરે ૨૦૦ દુકાનો ખાક થઇ ગઇ હતી. આ ગરીબ દુકાનદારોના લાભાર્થે સરકાર દ્વારા સેકટર-૪૧માં નવી માર્કેટ બનાવવાની યોજના જાહેર કરવામાં આવી હતી. આ માર્કેટમાં કુલ ૧૮૦ દુકાનો બાંધવામાં આવી હતી. આગમાં જેમની દુકાનો બળી ગઇ હતી તેમને શોધી કાઢવાનું અને તેમને દુકાનોની ફાળવણી કરવાનું કામ કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી અમલદારોને સોંપવામાં આવ્યું હતું. આ દુકાનોની બજારભાવ મુજબ કિંમત આશરે ૯૦ લાખ રૃપિયા થતી હતી. સરકારી ઓફિસરોએ દુકાનદીઠ ૧૦ લાખ રૃપિયા અથવા વધુની લાંચ લઇને બોગસ માણસોને દુકાનો ફાળવી દીધી હતી. આ કારણે જેમના લાભાર્થે નવી માર્કેટ બાંધવામાં આવી તેઓ રખડી પડયા હતા. જે બોગસ દુકાનદારો હતા તેમણે રાજકીય પક્ષોના નેતાઓને સાધી લીધા હતા. આમ આદમીને લાભ અપાવવા માટેની તમામ સરકારી યોજનાઓનો લાભ ભ્રષ્ટાચાર આચરીને બોગસ લોકો જ લઇ જતા હોય છે.
મહારાષ્ટ્રમાં ઘરવિહોણાઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ અને સમાજસેવકોને સસ્તામાં ફ્લેટ મળી રહે તે માટે મુખ્યપ્રધાનને ફ્લેટ ફાળવવાની સત્તા આપવામાં આવી છે. દરેક સરકારી આવાસ યોજનામાં ૧૦ ટકા ફ્લેટો મુક્યપ્રધાનના ક્વોટા માટે અનામત રાખવામાં આવે છે. આ ક્વોટામાંથી ખરેખરી પાત્રતા ધરાવતા લોકોને ફ્લેટો નથી મળતાં પણ લાગવગ ધરાવતા લોકો ફ્લેટો પચાવી પાડે છે. આ ફ્લેટો લાંચ લઇને કાળા બજારમાં વેચવાનું કામ પણ કેટલાક એજન્ટો કરે છે. મુખ્યપ્રધાનની ઓફિસ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ આ ફ્લેટોની કાળા બજારમાં હરરાજી બોલાવે છે. મહારાષ્ટ્રના તાજેતરના મુખ્યપ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે સંસદસભ્ય હતા ત્યારે તેમને પણ આ મુખ્યપ્રધાનના ક્વોટામાંથી વડાલા ખાતે ફ્લેટની ફાળવણી કરવામાં આવી છે. જે રહેઠાણ સમાજસેવકો માટે અનામત રાખવામાં આવ્યા હોય તેના ઉપર પણ વગદાર રાજકારણીઓ કબજો જમાવી દેતા હોય છે.
ભ્રષ્ટાચાર એક રીતે પ્રજા ઉપરનો જુલમ છે. આપણે રેલવેમાં પ્રવાસ કરતા હોઇએ ત્યારે ફેરિયો આપણને ચાના નાનકડા કપ હાથમાં પકડાવી જાય છે અને પાંચ રૃપિયા પડાવી જાય છે. હકીકતમાં ફેરિયા પાસે ચાલુ ટ્રેને ચાની ફેરી કરવા માટેનું લાઇસન્સ જ નથી હોતું. રેલવે તંત્ર દ્વારા જે દુકાનોને અને ફેરિયાઓને ચાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે તેમના માટે ૧૫૦ મિલિલિટરના કપનો ભાવ ત્રણ રૃપિયા બાંધી આપવામાં આવ્યો છે. ફેરિયાઓ આપણને પાંચ રૃપિયામાં ૫૦ મિલિલિટર ચા આપે છે. તેઓ આપણી પાસેથી ચાની પાંચગણી કિંમત વસૂલે છે. છતાં તેમને ટ્રેનમાં ધંધો કરવા દેવાની છૂટ આપવામાં આવે છે, કારણ કે તેઓ રેલવે પોલીસને અને ટીસીઓને વર્ષે કરોડો રૃપિયાની લાંચ આપતા હોય છે. પ્રજા ભ્રષ્ટાચારને કારણે ડગલે ને પગલે લૂંટાય છે.
આપણા દેશમાં સરકારી તંત્રના ભ્રષ્ટાચારને અંકુશમાં રાખવા માટે જે એજન્સીઓની રચના કરવામાં આવી છે તેઓ પણ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. દરેક રાજ્યના પોલીસતંત્રમાં એન્ટી કરપ્શન બ્યૂરો હોય છે. આ એન્ટી કરપ્શન બ્યુરોને પણ ભ્રષ્ટાચારી સામે પગલાં લેવા માટે લાંચ આપવી પડે છે. પ્રજાને આ વાતની જાણ હોય છે. માટે તેઓ તેનાં પગથિયાં જ ચડતા નથી. દરેક સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારીઓને પકડવા માટે વિજીલન્સ ખાતું હોય છે. આ ખાતું જ સૌથી વધુ ભ્રષ્ટાચારી હોય છે. અદાલતમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરવામાં આવે તો તેમાં ન્યાય મળતાં વર્ષો નીકળી જાય છે. આ કારણે આપણા દેશમાં ભ્રષ્ટાચારીઓ બિનધાસ્ત બની ગયા છે. જે દેશના પ્રધાનો જ પ્રજાને લૂંટવામાંથી ઊંચા ન આવતા હોય તેના સરકારી અમલદારોને લાંચ લેવામાં ડર ન લાગે તે સ્વાભાવિક છે. હવે તો દેશમાં એવા કાયદાઓ કરવાની જરૃર છે કે ભ્રષ્ટાચારીને ફાંસીએ ચડાવી દેવામાં આવે. આ કાયદાઓ ઘડવાની સત્તા જેમની પાસે છે તેઓ પોતે જ ભ્રષ્ટ છે. હવે તો આપણા દેશને ભગવાન જ બચાવી શકે તેમ છે.

Tuesday, March 15, 2011

ભારતના એટમિક પાવર પ્લાન્ટ ટાઈમ બોમ્બ જેવા ખતરનાક છે


ઈ.સ. ૧૯૯૫ અને ૧૯૯૮ વચ્ચે ભારતના એટમિક પાવર પ્લાન્ટોમાં ૧૪૭ નાનામોટા અકસ્માતોની માહિતી સંસદને આપવામાં આવી હતી

જપાનના ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં થયેલા બે ધડાકાઓને કારણે ભારતના લોકોનો વિશ્વાસ એટમિક પાવર પ્લાન્ટની સલામતીમાંથી ઉઠી ગયો છે. અમેરિકા સાથેના ઐતિહાસિક અણુ કરાર પછી ભારત અણુ ઉર્જાના ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરવાની તૈયારી કરી રહ્યું હતું. ઈ.સ. ૨૦૩૦ની સાલ સુધીમાં ભારતે અણુ વીજળીના પ્લાન્ટો ખરીદવા પાછળ ૧૭૫ અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી લીધી હતી. ફ્રાન્સની અરેવા અને અમેરિકાની જીઈ જેવી કંપનીઓને અબજો રૃપિયાના ઓર્ડરો પણ આપી દેવામાં આવ્યા હતા. આ તબક્કે જપાનનો ફુકુશિમા પ્લાન્ટ ભૂકંપ અને સુનામીમાં જમીનદોસ્ત થઈ ગયો તેને કારણે ભારતના અણુ કાર્યક્રમને જબરદસ્ત ધક્કો લાગ્યો છે. ભારતમાં ૨૦ અણુ ભઠ્ઠીઓનું સંચાલન કરી રહેલા ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના અધ્યક્ષ શ્રેયાંસકુમાર જૈને કબૂલ કર્યું છે કે જપાનની દુર્ઘટનાને કારણે ભારતના અણુ કાર્યક્રમ બાબતમાં ફેરવિચારણા કરવાની ફરજ પડશે.
જપાનના ફુકુશિમા પાવર પ્લાન્ટમાં બે ધડાકાઓ થઈ ચૂક્યા છે અને ત્રીજા પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમ પણ કામ કરતી બંધ થઈ ગઈ છે. આ પ્લાન્ટનું સંચાલન કરતા ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (ટેપકો) કંપનીના કર્મચારીઓ અણુ ભઠ્ઠીને ઠંડી પાડવા માટે સતત દરિયાના પાણીનો મારો ચલાવી રહ્યા છે. અમેરિકાના નિષ્ણાતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે એટમિક રિએક્ટરને ઠંડું પાડવા માટે દરિયાના પાણીનો ઉપયોગ વિનાશક પુરવાર થઈ શકે છે. જો દરિયાના પાણીમાં પણ કિરણોત્સર્ગ ફેલાઈ જાય તો તેની અસર દૂરદૂરની જીવસૃષ્ટિ ઉપર થઈ શકે છે. જપાનના અમેરિકા ખાતેના રાજદૂતે ટેલિવિઝન ઉપર આપેલા ઈન્ટરવ્યૂમાં દરિયાનું પાણી વાપરવાનાં પગલાંનો બચાવ કરતા કહ્યું છે કે પૂરતાં પ્રમાણમાં સ્વચ્છ પાણી પ્રાપ્ય ન હોવાથી નછૂટકે દરિયાનાં પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતમાં ૨૦ અણુ ઉર્જા મથકો આવેલાં છે. તેમાં ૪,૫૬૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બીજા પાંચ અણુ ઉર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. તેના દ્વારા વધારાની ૨,૭૨૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું ભારતનું લક્ષ્યાંક છે. ઈ.સ. ૨૦૩૨ની સાલ સુધીમાં અણુ વીજળીનું ઉત્પાદન વધારીને ૬૪,૦૦૦ મેગાવોટ ઉપર પહોંચાડી દેવાની ભારતની યોજના છે. આ પૈકી મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં જૈતાપુર ખાતે બંધાઈ રહેલા પ્લાન્ટમાં જ ૧૦,૦૦૦ મેગાવોટ જેટલી વીજળી પેદા કરવામાં આવશે. ભારતમાં એટમિક પાવર પ્લાન્ટની સલામતી બાબતમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશનનો રેકોર્ડ કંગાળ છે. સંસદને આપવામાં આવેલી માહિતી મુજબ ઈ.સ. ૧૯૯૫ અને ૧૯૯૮ વચ્ચે ભારતના ૨૦ એટમિક પાવર પ્લાન્ટમાં નાનામોટા ૧૪૭ અકસ્માતો જોવા મળ્યા હતા.
ભારતનું જૂનામાં જૂનું અણુ ઉર્જા મથક મુંબઈ નજીક તારાપુર ખાતે આવેલું છે. અમેરિકાની સહાયથી બાંધવામાં આવેલા આ એટમિક પાવર પ્લાન્ટમાં અનેક વખત કિરણોત્સર્ગના ગળતરની સમસ્યા પેદા થઈ છે. ઈ.સ. ૧૯૮૦ની ૧૪મી માર્ચે આ પાવર પ્લાન્ટમાં કૂલિંગ માટેના પાણીનું ગળતર થતાં ૨૬ કર્મચારીઓ કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ૧૯૯૫ની સાલમાં તારાપુરના પ્લાન્ટમાંથી નીકળેલું કિરણોત્સર્ગી પાણી નજીકના ગામના પીવાના પાણીના સ્રોત સાથે ભળી ગયું હતું. તેને કારણે બાજુના ગામમાં રહેતા ૩,૦૦૦ લોકો કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ઈ.સ. ૧૯૯૬માં ફરીથી આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું.
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા કાકરાપાર એટમિક પાવર પ્લાન્ટની ડિઝાઈનમાં જ કેટલીક ખામીઓ રહી ગઈ છે. તેને કારણે આ પ્લાન્ટમાંથી વારંવાર કિરણોત્સર્ગનું ગળતર થાય છે. તેને કારણે કાકરાપાર પ્લાન્ટની આજુબાજુ વસતા લોકો નિયમિતપણે ચામડીના રોગો, આંખોની બળતરા અને ઊલટીનો ભોગ બને છે. ઈ.સ. ૧૯૯૧માં આ પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી અને ૧૯૯૪ની સાલમાં તે વિનાશક પૂરનો ભોગ બન્યો હતો. ઈ.સ. ૨૦૦૪ની ૨૩મી એપ્રિલે આ પાવર પ્લાન્ટમાં રિએક્ટરમાં ગરમી એકાએક વધી જવાથી આ પ્લાન્ટને બંધ કરવાની ફરજ પડી હતી. આ પ્લાન્ટના ઉત્પાદનમાં જે ખામી રહી ગઈ છે તે પ્રત્યે ઈજનરોએ બાંધકામ વખતે જ ધ્યાન દોર્યું હતું પણ તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. કાકરાપારમાં જો કોઈ દુર્ઘટના થાય તો સુરત શહેર તેની ઝપટમાં આવી જાય તેમ છે.
તામિલનાડુના દરિયાકિનારે કલ્પક્કમ ખાતે ૨૨૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બે અણુ ઉર્જા મથકો બાંધવામાં આવ્યા છે. આ રિએક્ટરોના બાંધકામ દરમિયાન જ કેટલીક ખામીઓ બહાર આવવાથી તેમની ક્ષમતા ઘટાડીને ૧૭૦ મેગાવોટની કરી નાંખવામાં આવી હતી. આ પ્લાન્ટની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે વારંવાર કિરણોત્સર્ગ બહાર પડી જાય છે, જેની હાનિકારક અસર કર્મચારીઓ અને દરિયાઈ જીવો ઉપર થાય છે. ઈ.સ. ૨૦૦૩ની પહેલી જૂને આ પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગના ગળતરના કારણે અનેક ટેકનિશ્યનો ઈજા પામ્યા હતા. ઈ.સ. ૧૯૯૯માં આ પ્લાન્ટમાંથી પાંચ ટન હેવી વોટરનું ગળતર થયાનું બહાર આવ્યું હતું. કલ્પક્કમનો પ્લાન્ટ શરૃ થયો તે પહેલા દરિયાના પાણીનું ઉષ્ણતામાન ૮૫ ડિગ્રી ફેરનહીટ હતું તે વધીને ૧૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. ઇ.સ. ૨૦૦૪માં સુનામી આવ્યું ત્યારે આ પ્લાન્ટ બંધ પડી ગયો હતો અને તેમાં દરિયાનું પાણી ઘૂસી ગયું હતું.
ઉત્તર પ્રદેશમાં આવેલો નરોરા એટમિક પાવર પ્લાન્ટ પણ અનેક વખત અકસ્માતોનો ભોગ બન્યો છે. ઈ.સ. ૧૯૯૩ના માર્ચમાં આ પ્લાન્ટના ટર્બાઈનની બ્લેડો તૂટી જતાં આગ લાગી હતી અને આખો પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. નરોરા પાવર પ્લાન્ટમાંથી પણ હેવી વોટર લિક થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કિરણોત્સર્ગી હેવી વોટરનો ઉપયોગ કરતા મનુષ્યો અને પ્રાણીઓ બીમારીઓનો ભોગ બને છે. રાજસ્થાનમાં આવેલા એટમિક પાવર પ્લાન્ટમાંથી હેવી વોટરનું ગળતર થતાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. કર્ણાટકમાં આવેલા કૈગા એટમિક પાવર પ્લાન્ટમાં પણ ડિઝાઈનની ખામી છે. ઈ.સ. ૧૯૯૪માં આ પ્લાન્ટનું ઉદઘાટન થવાનું હતું તેના ૨૪ કલાક પહેલા તેનો ઘુમ્મટ તૂટી પડયો હતો અને તેની નીચે આવેલાં તમામ ઉપકરણો નાશ પામ્યાં હતાં.
મુંબઈમાં ચેમ્બુરના દરિયાકિનારે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના એટમિક રિએક્ટરો આવેલા છે, જેનો ઉપયોગ સંશોધનના કામો માટે જ થાય છે. ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં આ પ્લાન્ટમાં બે લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં લિકેજ થયું હતું. તેને કારણે કિરણોત્સર્ગી પાણી જમીનમાં અને દરિયામાં પ્રવેશી ગયું હતું. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાંથી કાઢવામાં આવતા કિરણોત્સર્ગી કચરાને કારણે આજુબાજુના દરિયામાં કિરણોત્સર્ગની માત્રા પણ વધી ગઈ છે. આ પ્લાન્ટ પણ દરિયાકિનારે આવેલો છે. મુંબઈમાં જો ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતો આવે તો ભાભાનો એટમિક પાવર પ્લાન્ટ મુંબઈ માટે જોખમી સાબિત થઈ શકે છે.
દુનિયામાં જ્યારથી અણુ વીજળી મથકો બાંધવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી તેની સલામતી બાબતમાં વિવાદો ચાલ્યા કરે છે. અણુ ઉર્જા મથકોનું બાંધકામ સમૃદ્ધ દેશોની મલ્ટીનેશનલ કંપનીઓ કરતી હોવાથી તેઓ વિકાસશીલ દેશોના રાજકારણીઓને તગડી લાંચ આપીને તેમના દેશમાં એટમિક પાવરની યોજનાઓ પસાર કરાવી દે છે. આ યોજનાઓ સામે સ્થાનિક પ્રજા ગમે તેટલો વિરોધ કરે તો આ વિરોધને પોલીસ અને લશ્કરની મદદથી કચડી નાંખવામાં આવે છે. અણુ ઉર્જા મથકોની સલામતી બાબતમાં સરકાર તરફથી અનેક જૂઠાણાંઓ પણ નિયમિતપણે ફેલાવવામાં આવે છે. આ જૂઠાણાંઓનો પર્દાફાશ થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
દુનિયાભરમાં આજે આશરે ૪૫૦ એટમિક પાવર પ્લાન્ટ કાર્યરત છે. તેમાં નાનીમોટી દુર્ઘટનાઓ નિયમિત થયા કરે છે. ઈ.સ. ૧૯૭૯ની સાલમાં થ્રી માઈલ આઈલેન્ડ ખાતે આવેલા અમેરિકાના એટમિક પાવર પ્લાન્ટમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે રશિયનો માનતા હતા કે તેમના દેશમાં આવી દુર્ઘટના નહીં થાય. ઈ.સ. ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલના એટમિક પાવર પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકો થયો હતો, જેને કારણે એક લાખથી પણ વધુ લોકો વિનાશક કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ભોગ બનેલા આ કમનસીબ માનવોનાં બાળકો આજે પણ ખોડખાંપણવાળા જન્મે છે. ચેર્નોબિલની દુર્ઘટના પછી જપાન એમ માનતું હશે કે આવી દુર્ઘટના તેમના દેશમાં નહીં થાય. હવે જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં દુર્ઘટના થઈ છે ત્યારે કદાચ ભારતના લોકો પણ એવું માનતા હશે કે આપણે ત્યાં આવું બની શકે નહીં.
કુદરત જ્યારે રૃઠે છે ત્યારે કાંઈ પણ બની શકે છે. ફુકુશિમાની દુર્ઘટનાને કારણે આજુબાજુ વસતા આશરે બે લાખ લોકો બેઘર બની ગયા છે. હવે તો જપાનના સત્તાવાળાઓ પણ અણુ ઉર્જાની સલામતી બાબતમાં વિચારતા થઈ ગયા છે. આવતી કાલે ન કરે નારાયણ અને તારાપુરના પ્લાન્ટમાં ધડાકા થાય તો મુંબઈ શહેરની કેવી હાલત થાય તેની કલ્પના પણ કરતાં ચક્કર આવી જાય છે. વિજ્ઞાાનના આંધળા મોહમાં આપણે એવી ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેને કારણે માનવજાતનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ જાય. કાંઈ નહીં તો ભારતમાં નવાં એટમિક પાવર પ્લાન્ટો સ્થાપવાની યોજનાઓ તો અભરાઈ ઉપર જ ચડાવી દેવી જોઈએ, એમ નથી લાગતું ?
-સંજય વોરા