Thursday, May 19, 2011

૧૯/૦૫/૧૧ કર્ણાટકમાં રાજ્યપાલના છબરડાનો મુખ્યપ્રધાનને લાભ મળશેમુખ્યપ્રધાન યેદિયુરપ્પાને ખુરશી ઊથલાવવા જતાં રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજની ખુરશી ભયમાં આવી પડી છે
કોઈ પણ લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરીને તેને સ્થાને રાષ્ટ્રપતિનું શાસન સ્થાપવાનું કામ લોઢાના ચણા ચાવવા કરતાં પણ વધુ કઠિન છે. તેમાં પણ જે સરકાર વિધાનસભામાં બહુમતી ધરાવતી હોય તો તેને બરતરફ કરવાનું પગલું બુમરેંગ સાબિત થઈ શકે છે. કર્ણાટકની ભાજપ સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી છે એવું સાબિત કર્યા વિના રાજ્યમાં રાષ્ટ્રપતિશાસનની સ્થાપના કરવાની ભલામણ કરીને રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે પોતાના જ પગ ઉપર કુહાડો મારવાનું કામ કર્યું છે. એક બાજુ કેન્દ્ર સરકારે રાજ્યપાલની આ બીજી વખતની ભલામણ પણ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે તો બીજી બાજુ ભાજપે રાજ્યપાલનાં રાજીનામાની માગણી વધુ ઉગ્ર બનાવી દીધી છે. આ મુદ્દે જો હંસરાજ ભારદ્વાજે રાજ્યપાલ પદેથી રાજીનામું આપવું પડશે તો તેમની ગોળા સાથે ગોફણ પણ જશે.
કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પા બિલાડીની જેમ નવ જિંદગી ધરાવે છે. જેટલી પણ વખત દેવે ગોવડા અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ મળીને યેદિયુરપ્પાને ઉથલાવવાની કોશિષ કરે છે તેમ તેઓ વધુ મજબૂત બનીને બહાર આવે છે. ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં ભાજપના ૧૧ અને અપક્ષ છ વિધાનસભ્યોએ યેદિયુરપ્પા સરકારને ટેકો પાછો ખેંચીને ભાજપની સરકારને લઘુમતીમાં મૂકી દીધી હતી. રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજે યેદિયુરપ્પાને ૧૨મી ઓક્ટોબરે વિધાનસભામાં વિશ્વાસનો મત લેવા જણાવ્યું હતું તેના બે દિવસ અગાઉ જ વિધાનસભાના સ્પીકરે ૧૬ બળવાખોર વિધાનસભ્યોને ગૃહમાંથી બરતરફ કરીને વિશ્વાસના મતનું પલ્લું યેદિયુરપ્પાની તરફેણમાં નમાવી દીધું હતું. ૧૬ બળવાખોર વિધાનસભ્યોની ગેરહાજરીનો લાભ ઉઠાવી યેદિયુરપ્પા આસાનીથી વિશ્વાસનો મત જીતી ગયા હતા.
વિધાનસભાના સ્પીકરે જે ૧૬ વિધાનસભ્યોને ગૃહમાંથી બરતરફ કર્યા તે નિર્ણયના વિરોધમાં તેમણે સુપ્રિમ કોર્ટમાં રીટ અરજી કરી હતી. આ અરજીનો જો ત્વરિત ચુકાદો આવી ગયો હોત તો કદાચ આ બળવાખોર સભ્યને ગૃહમાં મતદાન કરવાની પરવાનગી મળી ગઈ હોત અને યેદિયુરપ્પા મુશ્કેલીમાં મૂકાઈ ગયા હોત. જે કેસનો ચુકાદો છ દિવસમાં આવવો જોઈએ એ ચુકાદો છ મહિને આવ્યો છે. આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, ૧૬ બળવાખોર વિધાનસભ્યોને શૉ કોઝ નોટીસ આપ્યા વિના અને તેમનો પક્ષ સાંભળ્યા વિના ઉતાવળે તેમને બરતરફ કરવાનું પગલું ગેરબંધારણીય અને અનુચિત છે. આ કારણે સુપ્રીમ કોર્ટે ૧૬ વિધાનસભ્યોની બરતરફી રદ્દ કરીને યેદિયુરપ્પાની સરકારને સણસણતો તમાચો માર્યો છે, પણ તેનોલાભ વિપક્ષો ઉઠાવી શકે તેમ નથી.
રાજકારણના અઠંગ ખેલાડી યેદિયુરપ્પાએ વિધાનસભ્યોની બરતરફી અને સુપ્રિમ કોર્ટના ચુકાદા વચ્ચેના કાળમાં ૧૬ બળવાખોર વિધાનસભ્યોને પાછા પોતાના વશમાં કરી લીધા છે. આ વિધાનસભ્યોને સરકારની વિરુદ્ધમાં બહાર આવવાની ઉશ્કેરણી કરાવવાની બાબતમાં વિપક્ષોના કાવાદાવા નિષ્ફળ ગયા છે. આપણા વિધાનસભ્યોને અંતરાત્મા નામની કોઈ ચીજ નથી. જે વિધાનસભ્યોની બરતરફીના મુદ્દે આટલું મોટું મહાભારત ખેલાઈ ગયું અને મામલો છેક સુપ્રિમ કોર્ટમાં પહોંચી ગયો તેમને યેદિયુરપ્પાએ ફરીથી ખરીદી લીધા છે. જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે આ ૧૬ વિધાનસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને જણાવી દીધું કે તેઓ આજની તારીખમાં યેદિયુરપ્પા સરકારને જ ટેકો આપે છે. આ કારણે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અપ્રસ્તુત બની ગયો છે.
બરતરફ કરવામાં આવેલા ૧૬ વિધાનસભ્યો બાબતમાં જ્યારે સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને લાગ્યું કે યેદિયુરપ્પા સરકારને બરતરફ કરવાની વધુ એક તક તેમના હાથમાં આવી છે. યેદિયુરપ્પા સરકારે ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે એવી ખોટી પૂર્વધારણા સાથે તેમણે ઉતાવળે બંધારણની ૩૫૬ (૧)મી કલમ મુજબ કર્ણાટકમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થાપવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી હતી. હંસરાજ ભારદ્વાજે આ મામલામાં કાચું કાપ્યું હતું. તેમના આ ઉતાવળિયા પગલાંથી ભાજપના બધા નેતાઓ રાજ્યપાલ ઉપર તૂટી પડયા છે અને તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે.
ભારતની લોકશાહીમાં વિધાનસભ્યોની કિંમત બજારમાં વેચાતા પ્રાણીઓ જેટલી જ રહી ગઈ છે. આ વાતનો ખ્યાલ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી કર્ણાટકના ૧૨૧ વિધાનસભ્યોની પરેડ ઉપરથી આવતો હતો. કર્ણાટકનાં ૨૨૫ સભ્યોના ગૃહમાં ૧૨૧ સભ્યો વર્તમાન યેદિયુરપ્પા સરકારને ટેકો આપી રહ્યા છે તેવું સાબિત કરવાનો બીજો કોઈ લોકશાહી માર્ગ ન મળ્યો એટલે ભાજપના નેતાઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં ૧૨૧ કહ્યાગરા વિધાનસભ્યોને ઠાંસીને દિલ્હી લઈ આવ્યા હતા અને તેમની રાષ્ટ્રપતિ સમક્ષ પરેડ કરાવવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી સહિત ટોચના નેતાઓ પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓએ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલને મળીને રાજ્યપાલ ભારદ્વાજને બરતરફ કરવાની માગણી કરી હતી.
કર્ણાટકના રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ અગાઉ કેન્દ્રમાં કાયદા પ્રધાન હતા અને તેઓ બંધારણના નિષ્ણાત ગણાય છે તો પણ સુપ્રિમ કોર્ટના ચુકાદાને પગલે રાજ્યના રાજકારણમાં પેદા થયેલી પરિસ્થિતિનો ક્યાસ કાઢવામાં અને કેન્દ્રીય નેતાગીરીને વિશ્વાસમાં લઈને કામ કરવામાં તેઓ થાપ ખાઈ ગયા છે. સુપ્રિમ કોર્ટના ચુકાદાને પગલે ભારદ્વાજે માની લીધું હતું કે ૧૬ બળવાખોર વિધાનસભ્યો હજી પણ યેદિયુરપ્પાના વિરોધમાં જ હશે અને તેને કારણે યેદિયુરપ્પા સરકાર ફરીથી લઘુમતીમાં મુકાઈ જશે. ભાજપના નેતાઓએ જ્યારે રાષ્ટ્રપતિ સમક્ષ ૧૨૧ વિધાનસભ્યોની પરેડ કરી બતાવી ત્યારે રાજ્યપાલની આ ગણતરી ખોટી સાબિત થઈ હતી. તો પણ પોતાની તંગડી ઉંચી રાખતા રાજ્યપાલ તરફથી એવું નિવેદન બહાર પાડવામાં આવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોવાથી રાષ્ટ્રપતિશાસનની ભલામણ કરવામાં આવે છે. આ થિયરી સ્વીકારવાનો ખુદ કેન્દ્ર સરકારે પણ ઇનકાર કરી દીધો છે.
કર્ણાટકની સરકારને બરતરફ કરવા બાબતનો હેવાલ હંસરાજ ભારદ્વાજે કેન્દ્ર સરકારને મોકલી આપ્યો તે પછી કેન્દ્રના ગૃહખાતાં દ્વારા આ હેવાલને ઠંડો પ્રતિસાદ આપવામાં આવ્યો છે ગૃહપ્રધાન ચિદંબરમને હજી આ હેવાલ વાંચવાની પણ ફુરસદ મળી નથી. તેમણે ગૃહખાતાના અધિકારીઓને આ હેવાલ વાંચવા માટે મોકલી આપ્યો છે. ગૃહ ખાતાના અધિકારીઓએ આ હેવાલ ઉપર પોતાની ટિપ્પણી કરે તે પછી તેને કેબિનેટ સમક્ષ વિચારણા માટે મોકલવામાં આવશે. જો કેન્દ્ર સરકાર ખરેખર કર્ણાટકની સરકારને બંધારણની ૧૫૬ (૧)મી કલમ હેઠળ બરતરફ કરવા માગતી હોય તો તાત્કાલિક કેન્દ્રની કેબિનેટની મિટીંગ બોલાવવામાં આવે અને નિર્ણય કરવામાં આવે. કેન્દ્ર સરકારમાં આવી કોઈ ઉતાવળ જણાતી નથી તેના ઉપરથી ખ્યાલ આવે છે કે કેન્દ્ર સરકાર આ તબક્કે યેદિયુરપ્પાની સરકારને બરતરફ કરીને તેમને શહિદ બનાવવા માગતી નથી. હકીકતમા હંસરાજ ભારદ્વાજે જે હેવાલ મોકલ્યો તે પણ કેન્દ્રને વિશ્વાસમાં લીધા વગર જ મોકલ્યો હોવાનું જણાઈ રહ્યું છે. આ હેવાલને કારણે કેન્દ્ર સરકારે પણ વિમાસણમાં મૂકાઈ જવું પડયું છે.
કર્ણાટકની સરકારને બરતરફ કરવાના મામલામાં હંસરાજ ભારદ્વાજે જે કાચું કાપ્યું તેને કારણે મુખ્યપ્રધાન યેદિયુરપ્પાને જીવતદાન મળી ગયું છે એટલું જ નહિ પણ તેઓ આ કટોકટીમાંથી વધુ મજબૂત બનીને બહાર આવ્યા છે. હકીકતમાં મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ રાજ્યપાલનો આભાર માનતા કટાક્ષમાં કહ્યું છે કે, તેમને કારણે ભાજપની એકતા મજબૂત બની છે. આ ઉપકાર બદલ આભાર માનતા હોય તેમ યેદિયુરપ્પાએ રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજને તેમના જન્મદિન નિમિત્તે પુષ્પગુચ્છ પણ મોકલી આપ્યો છે. આ કટોકટી અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ પણ યેદિયુરપ્પાએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું મંતવ્ય ધરાવતા હતા. તેના બદલે તેઓ મંગળવારે યેદિયુરપ્પાને બચાવવા માટે રાષ્ટ્રપતિભવનમાં યોજાયેલી પરેડમાં જોડાઈ ગયા હતા. અગાઉ કર્ણાટકના રેડ્ડી બંધુઓ યેદિયુરપ્પા સામે કાવાદાવાઓ કરતા હતા. હવે તેઓ પણ યેદિયુરપ્પાના ટેકામાં આવી ગયા છે.
કર્ણાટકની તાજેતરની કટોકટીમાં જો કોઈને સૌથી વધુ નુકસાન થયું હોય તો તે રાજ્યપાલ હંસરાજ ભારદ્વાજ છે. તેમને કારણે કર્ણાટકમાં અને દેશના રાજકારણમાં કોંગ્રેસની છાપ ખરડાઈ છેતેની ચિંતા કોંગ્રેસની નેતાગીરીને સતાવી રહી છે. આ વાતની ગંધ ભાજપના નેતાઓને પણ આવી જતાં તેમણે હંસરાજ ભારદ્વાજને બરતરફ કરવાની માગણી ઉગ્ર બનાવી છે. હંસરાજ ભારદ્વાજના ટેકેદારોને પણ લાગ્યું છે કે આ વખતે તેમણે પોતાના કદ કરતા વધુ સાહસ કરી નાંખ્યું છે.
હંસરાજ ભારદ્વાજ હવે આક્રમક ભૂમિકામાંથી સંરક્ષણાત્મક ભૂમિકામાં આવી ગયા છે. યેદિયુરપ્પાને ખુરશી ઉપરથી ઉથલાવવા જતા તેમની પોતાની ખુરશી ભયમાં આવી પડી છે. કેન્દ્ર સરકાર રાજ્યપાલને પાછા બોલાવતા અગાઉ તેમને બીજો કોઈ હોદ્દો આપશે કે ફરજિયાત નિવૃત્તિ લેવાની ફરજ પાડશે તેની ચર્ચા ચાલી રહી છે. આ કટોકટીમાં યેદિયુરપ્પા થર્ડ ટાઇમ લકી પુરવાર થયા છે.

૧૮/૦૫/૧૧ પેટ્રોલના ભાવોમાં થયેલો વધારો સરકારનું પ્રજા સાથેનું છળ છેપેટ્રોલના ભાવમાં લિટર દીઠ જે પાંચ રૃપિયાનો વધારો થયો છે તેમાંથી ૨.૬૦ રૃપિયા તો સરકારની તિજોરીમાં જવાના છે
કેન્દ્ર સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલના ભાવમાં પાંચ રૃપિયાનો વધારો કરવાની છૂટ આપીને પ્રજા સાથે મોટું છળ કર્યું છે. લિટરે પાંચ રૃપિયાનો વધારો કરવાથી સંતોષ ન થયો હોય તેમ નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ જાહેર કર્યું છે કે આવતા મહિને પેટ્રોલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવશે. દર વખતે પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવે ત્યારે સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે ઓઇલનું માર્કેટિંગ કંપનીઓને હજી લિટરદીઠ આટલા રૃપિયાની ખોટ જાય છે. હકીકમતાં ત્યારે એ વાત સગવડપૂરવક ભૂલી જવામાં આવે છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જેટલું નુકશાન જાય છે તેના કરતાં ચાર ગણો નફો સરકારને પેટ્રોલ પેદાશો ઉપરના ટેક્સમાંથી મળે છે. સરકાર આપણને એવું સમજાવવાની કોશિષ કરે છે કે ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થયો હોવાથી પેટ્રોલના ભાવોમાં વધારો અનિવાર્ય છે. આ અર્ધસત્ય છે અને અસત્ય કરતાં વધુ ખતરનાક છે. તાજેતરમાં પેટ્રોલના ભાવોમાં જે પાંચ રૃપિાયનો વધારો થયો તે પૈકી ૨.૪૦ રૃપિયાનો વધારો ક્રૂડના ભાવવધારાને કારણે હતો, પણ બાકીના ૨.૬૦ રૃપિયા તો સરકારે ટેક્સ વધાર્યો તેને કારણે વધી ગયો છે. આ વધારાનો ટેક્સ પ્રજાના ઘા ઉપર મરચું ભભરાવવાનું કામ કરે છે.
ભારતમાં ઓઇલનું માર્કેટિંગ કરતી કંપનીઓ પ્રજા પાસેથી પેટ્રોલના જે દામ વસૂલ કરે છે તેમાં ૫૨ ટકા રૃપિયા સરકારની તિજોરીમાં ટેક્સના રૃપમાં જમા થાય છે. આ હિસાબે જે પેટ્રોલના આપણે લીટર દીઠ ૬૦ રૃપિયા ચૂકવીએ છીએ તેમાંથી ૩૪ રૃપિયા સરકારના ગજવામાં જાય છે અને ૩૩ રૃપિયા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગજવામાં જાય છે. બીજા શબ્દોમાં ૩૩ રૃપિયાના પેટ્રોલ ઉપર આપણી સરકાર ૩૪ રૃપિયાની ડયૂટી વસૂલ કરે છે. પેટ્રોલ ઉપરના ટેક્સની બાબતમાં સરકારની કુટિલ નીતિ એવી છે કે પેટ્રોલના અને ડિઝલના ભાવો જેમ વધતા જાય છે તેમ તેના ઉપરના ટેક્સ આપોઆપ વધતા જાય છે. દાખલા તરીકે પેટ્રોલના ભાવ ૫૦ રૃપિયા હતા ત્યારે સરકાર લિટર દીઠ ૨૬ રૃપિયાનો ટેક્સ વસૂલ કરતી હતી. આ સમયે પેટ્રોલની ખરેખરી કિંમત ૨૪ રૃપિયા હતી. હવે પેટ્રોલની ખરેખરી કિંમત વધીને ૩૩ રૃપિયા થઇ ગઈ ત્યારે સરકારે નક્કી કરેલી નીતિ મુજબ ટેક્સ આપોઆપ વધીને ૨૬ રૃપિયા પરથી ૩૪ રૃપિયા થઇ ગયો હતો. જો પેટ્રોલે અગાઉ મુજબ ૨૬ રૃપિયાનો ટેક્સ ઉઘરાવવાનું રાખ્યું હોય તો આજે પણ પેટ્રોલ ૬૦ રૃપિયે લિટરના ભાવે મળી શકે તેમ છે.
ભારત ભલે એક ગરીબ દેશ હોય પણ ભારતના નાગરિકો શ્રીમંત કહેવાતા અમેરિકાના નાગરિકો કરતાં ત્રણ ગણો ટેક્સ પેટ્રોલ ઉપર ચૂકવે છે. અમેરિકામાં પેટ્રોલ ઉપર માત્ર ૧૮ ટકાનો ટેક્સ છે. કેનેડામાં ૩૪ ટકા, થાઇલેન્ડમાં ૩૬ ટકા, પાકિસ્તાનમાં ૩૯ ટકા અને જપાનમાં ૪૫ ટકા ટેક્સ છે. તેની સરખામણીએ ભારતની સરકાર કસ્ટમ ડયૂટી, એકસાઇઝ ડયુટી અને સેલ્સ ટેક્સના રૃપમાં પેટ્રોલ ઉપર ૫૨ ટકાનો ટેક્સ વસૂલ કરે છે. સરકારે પેટ્રોલ ઉપરનો ટેક્સ નક્કી કરવાની બાબતમાં ભારે ચાલાકી કરી છે. પેટ્રોલ ઉપરનો ટેક્સ લિટર દીઠ નક્કી રૃપિયા વસૂલ કરવામાં નથી આવતો પણ તેની વેચાણ કિંમતના અમુક ટકાના રૃપમાં વસૂલ કરવામાં આવે છે. આ કારણે જેવી વેચાણ કિંમત વધે કે આપોઆપ સરકારની ટેક્સની આવક પણ વધી જાય છે.
તાજેતરમાં પેટ્રોલના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો તેનું કારણ ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલો વધારો છે, એવું આપણને કહેવામાં આવે છે. આ વાત પણ હમ્બગ છે. જયારે પેટ્રોલના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભવ બેરલના ૧૧૪ ડોલર હતો. આ વખતે ભારતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. ચૂંટણીઓ પતી ગઈ અને ભાવવધારો કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલરની અંદર ઉતરી ગયો હતો. અગાઉ જયારે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર હતો ત્યારે ભારતમાં પેટ્રોલ ૫૦ રૃપિયે લિટરના ભાવે વેચાતું હતું. આજે જયારે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર છે ત્યારે આપણા દેશમાં પેટ્રોલ ૬૭ થી ૬૮ રૃપિયાના ભાવે વેચવા પાછળ કયું રહસ્ય છે ?
આજની તારીખમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૦ ડોલર હોય તો ભારતમાં પેટ્રોલ કેટલા રૃપિયે લિટર પડવું જોઈએ તેનો આપણે હિસાબ કરીએ. એક ડોલરની કિંમત ૪૫ રૃપિયા ગણીએ તો એક બેરલ ક્રૂડ ઓઇલની કિંમત ૪,૫૦૦ રૃપિયા થાય. એક બેરલમાં ૧૫૮.૭૬ લિટર ક્રૂડ ઓઇલ આવે છે. આ હિસાબે એક લિટર ક્રૂડ ઓઇલની કિંમત માત્ર ૨૮ રૃપિયા થાય છે. તેના ઉપર રિફાઇનીંગ કરવાનો ખર્ચો, ટ્રાન્સપોર્ટનો ખર્ચો અને ડિલરનું માર્જીન ઉમેરવામાં આવે તો પણ એક લિટર પેટ્રોલની કિંમત ૩૩ રૃપિયા થાય છે. આ ૩૩ રૃપિયા ઉપર કેન્દ્ર અને રાજય સરકારના વેરાઓ ૩૪ રૃપિયાના છે. પ્રજાની જો કોઇ ખુલ્લી લૂંટફાટ કરવામાં આવતી હોય તો આ લિટર દીઠ ૩૪ રૃપિયાના વેરાઓ છે. પેટ્રોલની કિંમત જયારે ૧૦ રૃપિયા હતી ત્યારે સરકારને લિટર દીઠ પાંચ રૃપિયાના વેરાથી સંતોષ થઈ જતો હતો. પેટ્રોલની કિંમત ૫૦ રૃપિયા થઇ ત્યારે સરકારે વેરો વધારીને ૨૬ રૃપિયા કર્યો. હવે પેટ્રોલની કિંમત જયારે ૬૭ રૃપિયા ઉપર પહોંચી છે ત્યારે સરકારે વેરો વધારીને ૩૪ રૃપિયા કર્યો છે. શા માટે દર વખતે ક્રૂડના ભાવો વધે ત્યારે સરકાર વેરાઓ પણ વધારે છે ?
પેટ્રોલ પેદાશોના ભાવોમાં વધારો થાય છે ત્યારે પ્રજા ઉપર બે બાજુથી માર પડે છે. પહેલો માર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે પડે છે અને બીજો માર સરકારની એક વેલોરમ ડયૂટી વસૂલ કરવાની નીતિના કારણે પડે છે. રંગરાજન કમિટીએ પોતાના હેવાલમાં પેટ્રોલ પેદાશોના ભાવોને અંકુશમુક્ત કરવા ઉપરાંત એ વેલોરમ ડયૂટી વસૂલ કરવાની નીતિનો ત્યાગ કરવાની સિફારસ પણ કરી હતી. આપણી સરકારે પહેલું સૂચન માની લીધું પણ બીજું સૂચન ફગાવી દીધું હતું. રંગરાજન કમિટીનું સૂચન એ હતું કે સરકારે પેટ્રોલના ભાવના અમુક ટકાના રૃપમાં નહીં પણ લિટરદીઠ ફિકસ રૃપિયા ટેક્સ વસૂલ કરવો જોઈએ. આજની તારીખમાં પણ જો લિટર દીઠ ૧૦ થી ૧૫ રૃપિયાનો ટેક્સ નક્કી કરી દેવામાં આવે તો પેટ્રોલ ૪૦ થી ૫૦ રૃપિયાના ભાવે મળી શકે તેમ છે.
ભારતમાં પેટ્રોલના ભાવોમાં વધારો જાણે નિયમિત ઘટમાળ બની ગઈ છે. ગયાં વર્ષના જૂન મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવોને અંકુશમુકત કરવાનો નિર્ણય કર્યો તે પછી આઠમી વખત ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓ તો કહે છે કે તેઓ પેટ્રોલના ભાવોમાં ૧૦.૫૦ રૃપિયાનો વધારો કરવા માંગતી હતી. પરંતુ સરકારને પ્રજાનો રોષ ફાટી નીકળવાનો ભય હોવાથી લિટરદીઠ અત્યારે પાંચ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારે પ્રજા પચાવી જશે ત્યારે ધીમે રહીને બીજા પાંચ રૃપિયાનો પણ વધારો કરવામાં આવશે. ઓઇલ કંપનીઓ દ્વારા વારંવાર કરવામાં આવતા આ વધારા સામે પ્રજા લાચાર બની ગઈ છે.
આપણા દેશમાં દર વખતે જયારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવે ત્યારે આમ આદમીને ઝાળ લાગે છે પણ કેન્દ્ર અને રાજય સરકારોના નાણાં પ્રધાનો હરખાઈ ઉઠે છે, કારણ કે તેમની આવકમાં વૃદ્ધિ થવાની છે. તાજેતરમાં જયારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ પાંચ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો ત્યારે ભાજપ તરફથી આ વધારાના વિરોધમાં દેશવ્યાપી દેખાવો કરવામાં આવ્યા. ત્યારે આ વાત સગવડપૂર્વક ભૂલી જવામાં આવી કે આ વધારામાં રાજય સરકાર તરફથી વેટમાં કરવામાં આવેલા વધારાનો પણ ફાળો છે. ભાજપને જો એમ લાગતું હોય કે આ વધારો અન્યાયી છે તો તેણે પોતાના પક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં વેટમાં વધારો ન કરવાની જાહેરાત કરવી જોઈએ. ભાજપની રાજય સરકારો જો વેટમાં વધારો ન કરવા તૈયાર ન હોય તો તેમને ભાવવધારાનો વિરોધ કરવાનો અધિકાર નથી.
કેન્દ્ર અને રાજય સરકાર માટે પેટ્રોલના ભાવમાં થતો વધારો આશીર્વાદ જેવો પુરવાર થઇ રહ્યો છે. દર વર્ષે પેટ્રોલ પેદાશોના કરવેરામાંથી થતી સરકારની આવક કૂદકે ને ભૂસકે વધી રહી છે. આજની તારીખમાં સરકારની કરવેરાની જેટલી આવક છે તેના ૧૮ ટકા આવક માત્ર પેટ્રોલ પેદાશો ઉપર વસૂલ કરવામાં આવતાં કરવેરામાંથી થાય છે. દર વખતે પેટ્રોલના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવે તેની સાથે સરકારની આવક વધે છે. જો સરકારને પ્રજાની ચિંતા હોય તો તેણે પેટ્રોલ ઉપરના કરવેરાઓ ઘટાડવા જોઈએ. સરકાર દ્વારા પેટ્રોલ ઉપર કરવેરાઓ ઉપરાંત સેસ પણ વસૂલ કરવામાં આવે છે. આ સેસની કિંમત પણ પેટ્રોલના ભાવ સાથે વધે છે. સરકાર જો આ સેસની આવક ઓઇલનું માર્કેટિંગ કરતી કંપનીઓ વચ્ચે વહેંચી દે તો તેમની ખોટ ઘટી શકે છે.
આપણી પ્રજા પોતાની લાઇફસ્ટાઇલને કારણે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતાં દેશોની અને પેટ્રોલ પેદાશો ઉપર કમ્મરતોડ ટેક્સ વસૂલ કરતી સરકારની ગુલામ બની ગઈ છે. ઘણા લોકો એવા છે કે જેઓ ૧૦૦ રૃપિયે લિટરના ભાવે પેટ્રોલ ખરીદીને પણ પોતાનાં ખાનગી વાહનમાં ફરવાના છે. ભારતના મધ્યમ વર્ગને પણ પોતાનું ટુ વ્હિલરમાં ફરવાની આદત પડી ગઈ છે, જે તેના માટે મજબૂરી થઈ ગઈ છે. પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા પ્રજા જો પેટ્રોલ ખરીદવાનું બંધ કરે તો જ સરકારની ઉંઘ ઉડે તેમ છે. પરંતુ આપણી પ્રજા પેટ્રોલના વિકલ્પો શોધવા તૈયાર ન હોવાથી તેની પાસે લૂંટફાટનો ભોગ બનવા સિવાયનો કોઇ વિકલ્પ નથી.

Tuesday, May 17, 2011

૧૭/૦૫/૧૧ કતલખાનાંઓ સામેનું આંદોલન ઉગ્ર બની રહ્યું છેઉત્તર પ્રદેશના બાગપતમાં કતલખાનાંઓ સામે અનશન કરી રહેલા જૈન મુનિની ધરપકડ કરીને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
રાષ્ટ્રપિતા ગાંધીજીએ કહ્યું હતું કે ભારતને સ્વતંત્રતા મળશે તે સાથે દેશભરમાં ગોવંશહત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. આજે સ્વતંત્રતાનાં ૬૪ વર્ષ પછી પણ દેશમાં ગોવંશ સહિતના તમામ પશુઓની કતલ બંધ થવાને બદલે બેફામ વધી રહી છે. આઝાદી પહેલાં ભારતમાં માત્ર ૪૫૦ કતલખાનાંઓ હતાં. આઝાદી પછી કતલખાનાંઓની સંખ્યા વધીને ૩૬,૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. આ કતલખાનાંઓનું સંચાલન ખાનગી કંપનીઓ નથી કરતી પણ આપણા ટેક્સના પૈસામાંથી સરકાર પોતે કરે છે અને તેમાં પણ કરોડો રૃપિયાની ખોટ કરે છે. આટલાં કતલખાનાંઓ ઓછાં હોય તેમ સરકાર નવાં કતલખાનાંઓ ખોલીને ભારતના પશુધનને ખતમ કરીને ભારતને પાયમાલ કરવાના આંતરરાષ્ટ્રીય કાવતરાંમાં હિસ્સેદાર બની રહી છે. ઉત્તર પ્રદેશની સરકારે આઠ નવાં અદ્યતન કતલખાનાંઓ ખોલવાની પરવાનગી આપી તેની સામે જૈન મુનિએ આમરણ અનશનનું શસ્ત્ર ઉગામ્યું છે. માયાવતીની સરકારે આ જૈન મુનિની અને જીવદયાપ્રેમીઓની ધરપકડ કરી તેને પગલે ભારતભરના અહિંસા પ્રેમીઓનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો છે. આ રોષનું પ્રગટીકરણ ગયા રવિવારે દેશનાં અનેક શહેરોમાં વિરાટ અહિંસા રેલીઓ કાઢીને કરવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશની માયાવતી સરકાર યમુના એક્સપ્રેસ વેના મુદ્દે ખેડૂતોના હિંસક આંદોલનનો સામનો કરી રહી છે. હવે તેણે આઠ નવાં કતલખાનાંઓના મુદ્દે જીવદયાપ્રેમીઓના અહિંસક આંદોલનનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશમાં આઠ નવાં કતલખાનાંઓને લાઈસન્સ આપવામાં આવ્યું તેની સામે જૈન મુનિશ્રી મૈત્રીપ્રભુસાગરજી મહારાજ ૨૬મી એપ્રિલથી બાગપત જિલ્લાના બરૌત ગામમાં આમરણ અનશન ઉપર બેઠા છે. જૈન મુનિ જ્યાં અનશન આંદોલન કરી રહ્યા છે તે દિગંબર જૈન ઇન્ટર કોલેજમાં હજારો જીવદયાપ્રેમીઓ ધરણા ઉપર બેઠા છે. જૈન મુનિને તેમનું ઉપવાસ આંદોલન સમેટી લેવા સમજાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા તે પછી બાગપત જિલ્લાની પોલીસે દિગંબર જૈન ઇન્ટર કોલેજને ઘેરી લીધી હતી અને તેનાં લાઈટ તેમજ પાણીનાં કનેક્શન પણ કાપી નાંખ્યાં હતાં. અહિંસક આંદોલનને કચડી નાંખવા માટે કોલેજની બહાર રેપિડ એક્શન ફોર્સની ટુકડીઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. જીવદયાપ્રેમીઓ દ્વારા ૧૦મી મેના રોજ મેરઠ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ બંધ એટલો જડબેસલાક હતો કે પાનની દુકાનો પણ બંધ રહી હતી. જીવદયાપ્રેમીઓના બંધને જવલંત સફળતા મળતાં ૧૧મી મેની વહેલી સવારે પોલીસે જૈન મુનિ અને તેમના ૧૦૦ અનુયાયીઓની ધરપકડ કરીને બળજબરીથી તેમના ઉપવાસ તોડાવવાની કોશિષ કરી હતી.
જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીના ઉપવાસના ૧૬મા દિવસે તેમની તબિયત કથળતા પોલીસે તેમની ધરપકડ કરીને તેમને હોસ્પિટલ ભેગા કર્યા હતા અને તેમને બળજબરીથી ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવ્યા હતા. બીજે દિવસે સવારે જૈન મુનિની ધરપકડના સમાચાર ફેલાઈ જતાં તેમના અનુયાયીઓ રસ્તા ઉપર આવી ગયા હતા અને તેમણે દુકાનો બંધ કરાવી હતી. આંદોલનકારીઓએ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા હતા અને તેમણે મુખ્ય પ્રધાન માયાવતીની નનામીઓ પણ બાળી હતી. કેટલાક આંદોલનકારીઓ દિલ્હી-સરહાનપુર હાઈવે ઉપર આવી ગયા હતા અને તેમણે રસ્તા ઉપરનો ટ્રાફિક જામ કરી દીધો હતો. તોફાનીઓને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવા ઉપરાંત હવામાં ગોળીબાર પણ કરવો પડયો હતો. આ તોફાનમાં આઠ લોકો ઘાયલ થયા હતા.
બાગપત જિલ્લાના બરૌત ગામમાં ચાલી રહેલા કતલખાનાં વિરોધી આંદોલને ભારતના તમામ જીવદયાપ્રેમીઓને જાગૃત કરી દીધા છે. જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીની ધરપકડ કરવામાં આવી તે પછી તેમણે માયાવતીને પડકાર ફેંક્યો હતો કે ''તમે ધારો તો મને શૂટ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી આઠ નવાં કતલખાનાંઓને આપવામાં આવેલાં લાઈસન્સો રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારું અહિંસક આંદોલન પાછું ખેંચવાના નથી.'' જીવદયાપ્રેમીઓની માગણી સ્વીકારવાને બદલે ઉત્તર પ્રદેશની સરકારે બરૌતમાં ૧૪૪મી કલમ લાદીને સભા-સરઘસ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આંદોલનકારીઓના લાઉડ સ્પીકર પણ તેણે જપ્ત કર્યા છે. જૈન મુનિ ક્યારેય વાહનનો ઉપયોગ નથી કરતાં અને રાત્રે વિહાર પણ નથી કરતાં. તેમ છતાં ઉત્તર પ્રદેશની પોલીસે રાતના બે વાગે મુનિશ્રીની ધરપકડ કરી હતી અને તેમને જીપમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા આ આંદોલનને ભારતભરમાંથી જીવદયાપ્રેમીઓનો ટેકો મળી રહ્યો છે. રવિવારે આ આંદોલનના સમર્થનમાં મુંબઈના ઉપનગર મલાડ ખાતે વિરાટ અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશના ઇંદોર શહેરમાં પણ રવિવારે વિરાટ અહિંસા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના ગુરુઓ પણ જોડાયા હતા. જૈન મુનિના આંદોલનને મુંબઈના અમૃત મઠે અને ઉત્તર પ્રદેશની ગોરક્ષા પરિષદે પણ ટેકો જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશના નાનકડાં ગામમાંથી શરૃ થયેલું આંદોલન હવે ભારતભરમાં પ્રસરી ગયું છે.
ભારતને આઝાદી મળી તે અગાઉ ગાંધીજીએ અનેક વખત ઘોષણા કરી હતી કે સ્વતંત્ર ભારતમાં કલમના એક ઝાટકે સંપૂર્ણ ગોહત્યાબંધીનો કાયદો લાવવામાં આવશે. ભારતની બંધારણ સભા મળી તેમાં ગાંધીજીની ઇચ્છા મુજબ ગોહત્યાબંધીનો કેન્દ્રીય કાયદો લાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો પરંતુ મુસ્લિમોની લાગણી દુભવવાના ડરે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. છેવટે ગોહત્યાબંધીનો કાયદો ઘડવાનું કામ રાજ્ય સરકારોની મુનસફી ઉપર છોડી દેવામાં આવ્યું હતું અને આ બાબતનો ઉલ્લેખ બંધારણની ૪૮મી કલમમાં કરવામાં આવ્યો હતો. આ કલમ માત્ર રાજ્ય સરકારને માર્ગદર્શન આપવા માટે છે પણ બંધનકર્તા નથી. આ કલમ મુજબ મોટાભાગનાં રાજ્યોમાં પશુ સંરક્ષણ ધારાઓ ઘડવામાં આવ્યા હતા પણ તેમાં છટકબારીઓ રાખવામાં આવી હતી, જેને કારણે ગોવંશની હત્યા ઘટવાને બદલે સતત વધી રહી છે.
ઈ.સ. ૧૯૬૦ના દાયકામાં ગોવંશની હત્યા ઉપર પ્રતિબંધ લાવવા માટે જગદ્ગુરુ શંકરાચાર્ય દ્વારા અનશન આંદોલન કરવામાં આવ્યું હતું અને હજારો સાધુસંતો દ્વારા ભારતની સંસદને ઘેરાવ કરવામાં આવ્યો હતો પણ સરકારે મચક આપી નહોતી. ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં ભારતભરમાં ગોવંશની હત્યા બંધીનો કેન્દ્રીય કાનૂન લાવવા વિનોબા ભાવેના માર્ગદર્શન હેઠળ 'શાંતિસૈનિકો' દ્વારા મુંબઈનાં દેવનાર કતલખાનાંની બહાર અહિંસક સત્યાગ્રહ શરૃ કરવામાં આવ્યો હતો.
આ સત્યાગ્રહ ૩૦ વર્ષથી ચાલી રહ્યો છે. દેવનારનું કતલખાનું જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે જીવદયાપ્રેમીઓને એવું વચન આપવામાં આવ્યું હતું કે તેમાં નિકાસના હેતુથી પ્રાણીઓની કતલ કરવામાં નહીં આવે. આ વચનનો ભંગ કરીને આજે પણ દેવનારમાં નિકાસના હેતુથી પ્રાણીઓની કતલ કરવામાં આવે છે. આજથી ત્રણ વર્ષ અગાઉ જૈન સંત પંન્યાસશ્રી ચેન્દ્રશેખરવિજયજી મહારાજ દ્વારા દેવનારમાં થતી કતલ સામે આંદોલન શરૃ કરવામાં આવ્યું હતું. ત્યારે મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા સંભાળી રહેલી શિવસેનાના નેતાઓ દ્વારા નિકાસના હેતુથી કતલ બંધ કરવાનું વચન આપવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં આ મતલબનો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવનો આજદિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. હવે મહાનગરપાલિકા ૧૦૦ કરોડ રૃપિયાના ખર્ચે આ કતલખાનાંને અદ્યતન બનાવી રહી છે.
ઉત્તર પ્રદેશની સરકારે જે આઠ નવાં કતલખાનાંઓને લાઈસન્સો આપ્યાં છે તેમાં દિલ્હી શહેર નજીક આવેલા ગાઝિયાબાદનાં કતલખાનાંનો પણ સમાવેશ થાય છે. આ કતલખાનાંમાં રોજના ૧૦,૦૦૦ પ્રાણીઓની કતલ કરવાની ક્ષમતા છે. આ કતલખાનાંમાં પેદા થનારા મોટા ભાગના માંસની નિકાસ થવાની છે. આ કતલખાનાંનું બજેટ આશરે ૧૦૦ કરોડ રૃપિયાનું છે. ઉત્તર પ્રદેશમાં જે નવાં આઠ કતલખાનાંઓ ઊભાં થવાનાં છે તેમાં રોજના આશરે એક લાખ અને વર્ષે ૩.૬૫ કરોડ પશુઓની કતલ થવાની છે. ભારતમાં એકબાજુ દૂધાળા પશુઓની અને કૃષિ માટે ઉપયોગી બળદોની તીવ્ર અછત છે અને બીજી બાજુ પશુધનની કતલ વધી રહી છે. આ કારણે પાયમાલ થતાં હજારો કિસાનોને આપઘાત કરવાની ફરજ પડે છે. ભારતમાં જો સંપૂર્ણ ગોવંશહત્યાબંધી કરવામાં આવે અને પશુઓના માંસની નિકાસ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવે તો ખેડૂતોના આપઘાતને પણ અટકાવી શકાય તેમ છે.
ઉત્તર પ્રદેશનાં આઠ સંભવિત નવાં કતલખાનાંઓ સામે શરૃ થયેલું જીવદયાપ્રેમીઓનું આંદોલન હવે ભારતભરમાં પ્રસરી ગયું છે. જૈન મુનિશ્રી મૈત્રીપ્રભસાગરજીના સમર્થનમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ, સુરત, ભરૃચ, વડોદરા વગેરે શહેરોમાં પણ હસ્તાક્ષર આંદોલન શરૃ થયું છે.
આ રીતે લાખો સહીઓ એકઠી કરીને રાષ્ટ્રપતિને પહોંચાડવામાં આવી રહી છે. કતલખાનાંઓ વિરોધી આંદોલનના ટેકામાં ફેસબુક ઉપર પણ એક હોમપેજ બનાવવામાં આવ્યું છે. આ હોમપેજ ઉપર જીવદયાપ્રેમીઓ સંદેશાઓ લખી રહ્યા છે. ભારતભરના જીવદયાપ્રેમીઓ જો સંગઠિત થાય તો દેશમાં ધમધમતાં કતલખાનાંઓ બંધ થઈ શકે છે.

૧૬/૦૫/૧૧ જયલલિતા જયરામ રાખમાંથી બેઠાં થવાની ક્ષમતા ધરાવે છેતામિલનાડુની વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણ ચતુર્થાંશ બહુમતી હાંસલ કરીને જયલલિતાએ કરૃણાનિધિની રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખી છે
તામિલનાડુના રાજકારણમાં 'અમ્મા' તરીકે ઓળખાતાં જયલલિતા જયરામને ફરી વખત સાબિત કરી આપ્યું છે કે તેઓ પ્રજાની અમ્માની ભૂમિકા ભજવવા કાયમ તૈયાર હોય છે. છેલ્લે ઇ.સ. ૨૦૦૧ની સાલમાં જયલલિતા જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ જીત્યાં તે દિવસે મધર્સ ડે હતો અને જયલલિતાએ કહ્યું હતું કે, ''હું પ્રજાની માતાની ભૂમિકા ભજવવા તૈયાર છું.'' ઈ.સ. ૨૦૦૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાએ અમ્માને જાકારો આપ્યો અને કરૃણાનિધિના હાથમાં સત્તા સોંપી તો પણ જયલલિતા જરા પણ હતાશ થયાં નહોતાં. જયલલિતાએ સાબિત કરી આપ્યું છે કે તેઓ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી પણ બેઠાં થઈ શકે છે. જયલલિતા તેમની જિંદગીમાં અનેક રાજકીય કટોકટીઓમાંથી પસાર થયાં છે અને હેમખેમ બહાર આવ્યાં છે. તેમના પ્રેરણાસ્રોત એમ.જી. રામચંદ્રનના અવસાન પછી તેમના રાજકીય વારસદાર બનવા માટે એમ.જી.આર.ની વિધવા જાનકી રામચંદ્રન અને જયલલિતા વચ્ચે ભારે સંઘર્ષ ફાટી નીકળ્યો હતો. આ સંઘર્ષમાં જયલલિતા જીતી ગયા હતાં. કારણ કે તામિલનાડુની પ્રજા તેમને એમ.જી.આર.ના ખાલી પડેલા સિંહાસન ઉપર બેસાડવા આતુર હતી. તામિલનાડુના રાજકારણમાં જયલલિતાનો પ્રવેશ ધમાકેદાર રીતે થયો હતો. ઈ.સ. ૧૯૯૧માં જયલલિતા પહેલી વખત તામિલનાડુનાં મુખ્ય પ્રધાનની ગાદી ઉપર બિરાજમાન થયાં ત્યારે કોઈ દેવી સ્વર્ગમાંથી ઉતરી આવી હોય તેમ તામિલનાડુની પ્રજા તેમની પૂજા કરવા લાગી હતી. ચેન્નાઈમાં ઠેરઠેર જયલલિતાના જાયન્ટ કટ આઉટ જોવા મળતા હતા, જેને ગરીબ લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા હતા. જયલલિતા પણ સત્તાના મદમાં ડૂબી ગયાં હતાં. તેમણે ભેગી કરેલી ભેટસોગાદોની વાતો દંતકથાઓની જેમ પ્રચલિત થવા લાગી હતી. ઈ.સ. ૧૯૯૬માં વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ જયલલિતાના દત્તક પુત્રના લગ્નમાં કરોડો રૃપિયાનું આંધણ કરવામાં આવ્યું તેને કારણે તેઓ લોકોની નજરે ચડી ગયાં હતાં. આ વૈભવશાળી લગ્નનાં દ્રશ્યો વારંવાર દર્શાવીને સન ટીવીએ બળતામાં ઘી હોમ્યું હતું. આ કારણે ઈ.સ. ૧૯૯૬ની ચૂંટણીઓમાં જયલલિતની હાર થઈ હતી. આ પરાજય અત્યંત કારમો હતો. જયલલિતાની કેબિનેટના બધા પ્રધાનો ચૂંટણી હારી ગયા હતા. છ પ્રધાનોની તો ડિપોઝીટ ગઈ હતી.
તામિલનાડુમાં છેલ્લાં ૨૦ વર્ષથી સંગીત ખુરશીની જેમ દર પાંચ વર્ષે સત્તાપરિવર્તન જોવા મળે છે. પાંચ વર્ષ જયલલિતા રાજ કરે છે અને પાંચ વર્ષ કરૃણાનિધિ રાજ કરે છે. તામિલનાડુની પ્રજા આ બંને નેતાઓને પાંચ વર્ષ પ્રેમ કરે છે અને પાંચ વર્ષ તેમને ધિક્કારે છે. ઈ.સ. ૧૯૯૧ થી ૧૯૯૬નાં પાંચ વર્ષ જયલલિતાએ રાજ કર્યું તે પછી ૧૯૯૬માં કરૃણાનિધિનું રાજ આવ્યું હતું. ઈ.સ. ૨૦૦૧ની ચૂંટણીઓમાં ફરીથી જયલલિતા ચૂંટાઈ આવ્યાં અને પાંચ વર્ષ સત્તામાં રહ્યાં હતાં. ફરીથી ઈ.સ. ૨૦૦૬ની ચૂંટણીઓમાં કરૃણાનિધિ ચૂંટાી આવ્યા. હવે ૨૦૧૧માં ફરીથી જયલલિતાનું રાજ આવ્યું છે. તેઓ ઈ.સ. ૨૦૧૬ સુધી સત્તા ઉપર રહેશે. ઈ.સ. ૨૦૧૬માં તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થશે ત્યારે કરૃણાનિધિ રાજકીય સંન્યાસમાં ધકેલાઈ ગયા હોવાથી રાજ્યનું રાજકારણ કોઈ નવો જ વળાંક લેશે. ઈ.સ. ૧૯૯૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં જયલલિતાની હાર થઈ તે પછી તેમની હાલત બૂરી થઈ હતી. તેઓ લોકોની નજરમાંથી ઉતરી ગયાં હતાં. તે ઉપરાંત કરૃણાનિધિએ તેમની ઉપર વેર વાળવા તેમની ઉપર ભ્રષ્ટાચારના અનેક કેસો ઠોકી દીધા હતા. બેંગલોરમાં તેમની સામે વેલ્થ ટેક્સના કાયદા હેઠળ કેસ કરવામાં આવ્યો હતો. તેમાનાં 'તાનસી' કેસમાં તો ટ્રાયલ કોર્ટે જયલલિતાને તકસીરવાર ઠરાવીને પાંચ વર્ષની જેલની સજા પણ કરી હતી. આ દરમિયાન ઈ.સ. ૨૦૦૧ની વિધાનસભાની ચૂંટણીઓ આવી હતી, જેમાં જયલલિતાને પ્રજાની સહાનુભૂતિનો લાભ મળ્યો અને તેમનો પક્ષ બહુમતીથી ચૂંટણીઓ જીતી ગયો હતો. સુપ્રિમ કોર્ટે જયલલિતાને ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો પણ તેઓ તામિલનાડુનાં મુખ્યપ્રધાન બની ગયાં હતાં. ેછેવટે ઇ.સ. ૨૦૦૩ની સાલમાં સુપ્રિમ કોર્ટે તેમના ભ્રષ્ટાચારના કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યાં તે પછી તેઓ વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને કાયદેસરનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં. આ પ્રકરણમાં જયલલિતાની ફાઈટીંગ સ્પિરીટ પ્રગટ થઈ હતી.
જયલલિતા સત્તાના બીજા દોરમાં પીઢ અને શાણાં બન્યાં હતાં અને અગાઉની ભૂલોનું પુનરાવર્તન નહીં કરવાનો તેમણે નિર્ધાર કર્યો કર્યો હતો. ઈ.સ. ૨૦૦૧થી ૨૦૦૬ દરમિયાનના શાસનમાં તેમણે પ્રજોપયોગી અનેક કાર્યો કર્યાં હતાં. ચંદનચોર વીરપ્પનની હત્યા માટે કર્ણાટક અને કેરળની પોલીસ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને અંતે વીરપ્પનને ખતમ કરીને તેમણે રાક્ષસનો સંહાર કરનાર મહાકાલિ માતા જેવી ઈમેજ ઊભી કરી હતી. સુનામી વખતે રાહત કાર્યો સક્ષમતાથી હાથ ધરીને તેમણે પોતાની વહીવટી કુશળતા દર્શાવી આપી હતી. પોતાના રાજકીય પ્રતિદ્વંદ્ધી કરૃણાનિધિની મધરાતે ધરપકડ કરાવીને તેમણે પોતાના લોખંડી મનોબળનો પરચો આપી દીધો હતો. કાંચીના શંકરાચાર્યની હત્યાના કેસમાં ધરપકડ કરાવીને તેણે હિન્દુઓનો રોષ વહોરી લીધો હતો તો ધર્માંતરવિરોધી કાયદો પસાર કરાવીને તેણે ખ્રિસ્તીઓનો રોષ વહોરી લીધો હતો. સરકારી કર્મચારીઓએ હડતાળ પાડી તો તેમણે લાખેક કર્મચારીઓની હકાલપટ્ટી કરી નાંખી હતી. આ બધાં પગલાંઓ બૂમરેંગ થયાં હતાં અને ઈ.સ. ૨૦૦૬ની ચૂંટણીઓમાં તેમણે સત્તા ગુમાવી હતી. ઈ.સ. ૨૦૦૬માં જયલલિતાનો પક્ષ પરાજીત થયો તે પછી તેમણે વિપક્ષના નેતાનું સ્થાન પોતાના વિશ્વાસન ઓ.પાનીરસેલવમને અપાવ્યું હતું અને પોતે વિધાનસભામાં જવાનું લગભગ બંધ કરી દીધું હતું. થોડા સમય પછી તમિલનાડુની વિધાનસભાના સ્પીકરે અન્ના ડીએમકે પક્ષના તમામ વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવ્યા પછી જયલલિતા પોતે વિપક્ષના નેતા બન્યાં હતાં અને વિધાનસભામાં હાજરી પણ આપતાં હતાં. ઈ.સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં પણ જયલલિતાના પક્ષે કરૃણાનિધિના પક્ષ કરતાં ઓછી બેઠકો મેળવી ત્યારે લોકો કહેવા લાગ્યા હતા કે તમિલનાડુમાં હવે જયલલિતાના દિવસો પૂરા થયા છે, પણ જયલલિતા સહેલાઇથી હાર માને તેમ નહોતાં. તેમણે કરૃણાનિધિનો વિરોધ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. આ પ્રયાસોમાં તેમના માટે ૨-જી કૌભાંડ છૂપા આશીર્વાદ જેવું પુરવાર થયું.
તામિલનાડુના રાજકારણમાં ડીએમકેને બદનામ કરવા માટે જયલલિતાએ ૨-જી સ્પેકટ્રમ કોભાંડનો પૂરેપૂરો લાભ લીધો હતો. ભારતના રાજકારણમાં ૨-જીનું કૌભાંડ નહીં ગાજ્યું હોય તેટલું તામિલનાડુના રાજકારણમાં ગાજ્યું હતું. આ કૌભાંડનો પ્રચાર કરવા ડીએમકેની છાપ પ્રજામાં ભ્રષ્ટાચારીઓના પક્ષ તરીકે ઉપસાવવામાં જયલલિતાને સફળતા મળી હતી. કરૃણાનિધિના પરિવારમાં ચાલી રહેલા વારસાયુદ્દનો અને કરૃણાનિધિના પુત્ર અઝાગિરિની ગુંડા જેવી છાપનો જયલલિતાએ ચિક્કાર લાભ લીધો હતો. જયલલિતાને ચૂંટણીમાં છક્કડ ખવરાવવા કરૃણાનિધિ મરણિયા બન્યા હતા. તેમણે ચૂંટણીના પ્રચાર માટે સરકારી યંત્રણાનો ગેરલાભ લીધો હતો. મહિલાઓના મત મેળવવા માટે તેમણે મહિલાઓને ફ્રીમાં મિક્સર-ગ્રાઇન્ડર આપવાનું વચન આપ્યું હતું. તામિલનાડુના મતદારોએ આ પ્રલોભનોને વશ થયા વિના જયલલિતાના પક્ષને ખોબા ભરીને મતો આપ્યા હતા. જયલલિતાએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મેળવીને નવો ઈતિહાસ રચ્યો છે. જયલલિતાના આ સપાટાને કારણે કરૃણાનિધિની રાજકીય કારકિર્દીનો લગભગ અંત આવી ગયો છે.
આ ચૂંટણીઓમાં જો કરૃણાનિધિના પક્ષનો વિજય થયો હોત તો તેઓ ૮૭ વર્ષની ઉંમરે ભારતના સૌથી વયોવૃદ્ધ મુખ્યપ્રધાન બનવાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરી શક્યા હોત. હવે ઈ.સ. ૨૦૧૬ની ચૂંટણી વખતે તેઓ ૯૨ વર્ષની ઉંમરે ફરીથી મુખ્યપ્રધાન બને તેવી શક્યતા બહુ પાંખી છે. હકીકતમાં આજથી બે વર્ષ પહેલાં કરૃણાનિધિ મુખ્યપ્રધાનની ગાદી છોડીને પોતાના પુત્ર સ્ટાલિનને ગાદી ઉપર બેસાડવાના હતા. તેમાં સ્ટાલિન અને બીજા પુત્ર અઝાગિરિ વચ્ચેની હરિફાઇ વચ્ચે આવી હતી. સ્ટાલિનને નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યો હતો પણ તે લગભગ મુખ્યપ્રધાનની જેમ જ સત્તા ભોગવતો હતો. હવે વિરોધ પક્ષના નેતા તરીકે સ્ટાલિન કેવો દેખાવ કરે છે અને પ્રજામાં કેવી લોકપ્રિયતા હાંસલ કરે છે તેના ઉપર ડીએમકેના રાજકીય ભાવિનો પણ આધાર રહે છે.
તામિલનાડુની વિધાનસભાની ૨૩૪ પૈકી ૧૯૯ બેઠકો ઉપર કબજો જમાવ્યા પછી જયલલિતાએ નિર્ગેશ આપ્યો છે કે સત્તા ઉપર આવતાવેંત જ તેઓ કરૃણાનિધિ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ બદલ કેસો કરશે. કરૃણાનિધિનો પક્ષ અને પરિવાર હજી ૨-જી સ્પેકટ્રમ કૌભાંડના કેસોના ચક્કરમાંથી બહાર નથી આવ્યો. તેના નેતા એ.રાજા જેલમાં છે અને કરૃણાનિધિની પુત્રી કનિમોઝીનું નામ આ કેસમાં આરોપી તરીકે છે. આ સંયોગોમાં જયલલિતા જો કરૃણાનિધિ અને તેમના પરિવાર સામે ભ્રષ્ટાચાર બાબતના ફોજદારી કેસો કરે તો તેમના પગ તળેથી જમીન સરકી જાય તેમ છે. જયલલિતાએ કેન્દ્રની યુપીએ સરકારને ડીએમકેના બદલામાં ટેકો આપવાનું ગાજર નજીકના ભૂતકાળમાં બતાવી જ દીધું છે. કેન્દ્રમાં જો જયલલિતાનો પક્ષ યુપીએ સરકાર સાથે યુતિ કરે તો કરૃણાનિધિનો ઘડો લાડવો થઇ જાય તેમ છે. જયલલિતાની આગલી ચાલની અસર માત્ર તામિલનાડુના જ નહીં પણ દેશના રાજકારણમાં પણ જોવા મળશે.

Saturday, May 14, 2011

૧૩/૦૫/૧૧ ન્યાયની પ્રક્રિયામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છેઆપણું બંધારણ બ્રિટીશ પદ્ધતિએ ઘડાયેલું છે અને આપણી અદાલતો બંધારણની મર્યાદામાં જ કામ કરે છે
આપણા દેશની અદાલતો માટે કાયદો મહત્વનો છે કે ન્યાય ? કોઈ મહત્વના કેસમાં કાયદો એક વાત કહેતો હોય અને ન્યાય બીજી વાતમાં હોય તો દેશની અદાલત કઈ ચીજને વધુ મહત્વ આપશે ? આ સવાલનો સ્પષ્ટ જવાબ દેશની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં અયોધ્યા અને ભોપાલ બાબતના ચુકાદાઓમાં આપી દીધો છે. ભારતની તમામ અદાલતો બ્રિટીશ પદ્ધતિની અદાલતો છે. આ અદાલતોનો ધર્મ ન્યાય કરવાનો નથી પણ કાયદાઓનું અર્થઘટન કરવાનો છે. દેશના કાયદાઓ જો અન્યાય કરનારા હોય તો પણ અદાલતે તેને જ અનુસરવું પડે, એવો સ્પષ્ટ સંદેશ દેશ માટે અતિમહત્વના આ બે ચુકાદાઓમાંથી મળે છે.
પહેલી વાત આપણે ભોપાલના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા ચુકાદાની કરીએ. ભોપાળની દુર્ઘટના ઈ.સ. ૧૯૮૪માં થઈ હતી. તેમાં આશરે ૧૫,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. તેને માટે જવાબદાર યુનિયન કાર્બાઈડ કંપનીના અધિકારીઓ સામેનો ખટલો ભોપાલની ટ્રાયલ કોર્ટમાં ચાલતો હતો. આ કેસમાં આરોપીઓ સામે ઇન્ડિયન પિનલ કોડની ૩૦૪ (૨)મી કલમ બેઠળ સીબીઆઈએ કેસ કર્યો હતો. આ કલમ સદોષ મનુષ્યવધને લગતી છે અને તે મુજબ આરોપીઓ કસૂરવાર ઠરે તો તેને જન્મટીપની સજા થાય તેમ હતું. યુનિયન કાર્બાઈડના તત્કાલીન અધ્યક્ષ કેશુબ મહિન્દ્રાએ તેની સામે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી અને તેમની સામે ઇન્ડિયન પિનલ કોડની ૩૦૪ (એ) કલમ મુજબ જ કામ ચલાવવાની માંગણી કરી હતી. આ કલમ બેદરકારીથી અકસ્માત કરવાને લગતી છે અને તેમાં વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઈ છે. સુપ્રિમ કોર્ટે ઈ.સ. ૧૯૯૬માં આપેલા ચુકાદામાં કેશુબ મહિન્દ્રાને અને યુનિયન કાર્બાઈડના અન્ય અધિકારીઓની માંગણી માન્ય રાખી હતી અને તેમની સામે કલમ ૩૦૪ (એ) હેઠળ જ ખટલો ચલાવવાનો આદેશ સીબીઆઈને કર્યો હતો. સીબીઆઈએ પણ આ ચુકાદો માન્ય રાખ્યો હતો અને આ મુજબ જ ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલતો હતો.
ટ્રાયલ કોર્ટમાં આ કેસનો ચુકાદો ઇ.સ. ૨૦૧૦ની સાતમી જૂને આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે યુનિયન કાર્બાઈડના અધિકારીઓને બે વર્ષની જેલની સજા કરી હતી. ૧૫,૦૦૦ લોકોનાં મોત નિપજાવનારા આરોપીઓ માત્ર બે વર્ષની સજાથી છટકી ગયા તેની સામે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો હતો અને અખબારોમાં અનેક લેખો છપાયા હતા. લોકોના આ પ્રત્યાઘાતોને પગલે સીબીઆઈએ સુપ્રિમ કોર્ટમાં ક્યોરેટીવ પિટીશન ફાઈલ કરી હતી. સીબીઆઈની માગણી આરોપીઓ સામે ૩૦૪ (૨) કલમ હેઠળ કામ ચલાવવા માટે હતી. આ કલમ મુજબ ખટલો માંડવામાં આવે તો આરોપીઓને જન્મટીપની સજા થઈ શકે તેમ હતું. આ પિટીશન ડિસમિસ કરી નાંખતા સુપ્રિમ કોર્ટે એવી ટિપ્પણ કરી હતી કે દેશના કાયદાઓ મુજબ ૧૪ વર્ષે ક્યોરેટિવ પિટીશન કરવા માટે યોગ્ય કારણો છે નહીં. આ ચુકાદાના કારણે યુનિયન કાર્બાઈડના અધિકારીઓ ખુશખુશાલ છે પણ ભોપાલ ગેસના અસરગ્રસ્તો ગમગીન છે. આ મુજબનો ચુકાદો આપવામાં સર્વોચ્ચ અદાલતે અભૂતપૂર્વ નૈતિક હિંમતનું પ્રદર્શન કર્યું છે. સુપ્રિમ કોર્ટે પુરવાર કર્યું છે કે આપણી અદાલતો કાયદાની અદાલતો છે અને તેને પબ્લિક ઓપિનિયન સાથે કોઈ નિસ્બત નથી. કોર્ટનું કામ માત્ર કાયદાઓનું અર્થઘટન કરવાનું છે, એવું સુપ્રિમ કોર્ટે સોય ઝાટકીને કહ્યું છે.
ભોપાલના કેસમાં સુપ્રિમ કોર્ટે કાયદાનું જે અર્થઘટન કર્યું છે તે ક્ષતિરહિત છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે સીબીઆઈ પાસે જો ખટલા દરમિયાન એવા કોઈ પુરાવાઓ હાથમાં આવ્યા હોય કે જેને કારણે આરોપીઓ ઉપરના આરોપોને વધુ ગંભીર બનાવી શકાય તેમ હોય તો જ તેમની ક્યોરેટીવ પિટીશન માન્ય રાખી શકાય. આ કેસમાં સીબીઆઈએ કોઈ નવા પુરાવાઓ રજૂ કર્યા નથી, માટે તેમની ક્યોરેટિવ પિટીશન ડિસમિસ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે એમ પણ જણાવ્યું હતું કે સીબીઆઈએ એમ પણ સાબિત કર્યું હોય કે ટ્રાયલ કોર્ટે સર્વોચ્ચ અદાલતના ઇ.સ. ૧૯૯૬ના ચુકાદાનું ભૂલભર્યું અર્થઘટન કર્યું છે તો પણ તેમની ક્યોરેટિવ પિટીશન માન્ય રાખવામાં આવી હોત. સીબીઆઈ આ સાબિત કરવામાં પણ નિષ્ફળ ગઈ છે. આ રીતે પોતાના કેસની કાયદાની યોગ્ય ભૂમિકાએ માંડણી કરવામાં સીબીઆઈ નિષ્ફળ ગઈ તેનો ટેકનિકલ લાભ લઈને ભોપાલ કેસના આરોપીઓ ઓછી સજામાં છટકી ગયા છે. ભોપાલના કેસમાં જેવું બન્યું એવા જ પ્રકારનું કાંઈક અયોધ્યાના કેસમાં બન્યું છે. અલ્હાબાદની હાઈકોર્ટમાં ચાલી રહેલો અયોધ્યાનો કેસ આશરે ૫૦ વર્ષ જૂનો હતો. આ કેસનો ચુકાદો ઇ.સ. ૨૦૧૦ની ૩૦મી સપ્ટેમ્બરે આવ્યો હતા. આ ચુકાદામાં રામજન્મભૂમિની વિવાદાસ્પદ જમીનના ત્રણ ભાગ કરવાનો આદેશ આવ્યો હતો. આ ચુકાદાનો આશય ઝઘડો કરનારા ત્રણેય પક્ષે સમાધાન કરાવવાનો હતો પણ તે ભારતના પ્રવર્તમાન કાયદાઓ મુજબ નહોતો. મૂળભૂત રીતે આ કેસ ટાઈટલ સૂટ હતો, જેમાં ત્રણ પક્ષોએ વિવાદાસ્પદ જમીનની માલિકી પોતાની હોવાનો દાવો કર્યો હતો.
ન્યાયની વાત કરીએ તો આ જમીન જે તેનો સાચો માલિક હોય તેને મળવી જોઈએ. ત્રણ પક્ષો જમીન માટે ઝઘડતા હોય ત્યારે કોનો દાવો ન્યાયી છે તેની સમીક્ષા કર્યા વિના જમીન ત્રણેયને સરખા ભાગે વહેંચી દેવામાં ન્યાય નથી. વળી ત્રણ પૈકી કોઈ પણ પક્ષે જમીનના ભાગલા કરવાની માંગણી કરી નહોતી.
અલ્હાબાદની હાઈકોર્ટે દેશના કાયદાઓ મુજબ ચુકાદો નહોતો આપ્યો પણ ગામનું પંચ જે રીતે સમાધાનકારી ચુકાદો આપે તેવો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો જો ઝઘડતા ત્રણેય પક્ષો દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હોત તો વાત કંઈક અલગ હતી.
ત્રણે પક્ષોએ આ ચુકાદો સ્વીકારવાને બદલે તેને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રિમ કોર્ટે પણ આ ચુકાદો ભારતના પ્રવર્તમાન કાયદાઓ સાથે અસંગત લાગ્યો હતો માટે તેને રદ્દ કર્યો હતો. અહીં સવાલ એ થાય કે ધારોકે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદાને ત્રણેય પક્ષો દ્વારા સ્વીકારાઈ લેવામાં આવ્યો હોત અને તેને કારણે આ વિવાદ હલ થઈ ગયો હોત તો પણ સુપ્રિમ કોર્ટે આ ચુકાદો રદ્દ કરત ? સુપ્રિમ કોર્ટે ભોપાળના કેસમાં જે વલણ અખત્યાર કર્યું તે જોતાં તો પણ અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો સર્વોચ્ચ અદાલતે રદ્દ જ કર્યો હોત; કારણ કે ભારતની અદાલતોમાં માત્ર કાયદાઓ જ જોવામાં આવે છે.
સર્વોચ્ચ અદાલતના આ ચુકાદાને કારણે હાઈકોર્ટની ૫૦ વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. હવે આ કેસની નવેસરથી સુનાવણી કરવામાં આવશે અને કાયદા મુજબ તેનો ચુકાદો આપવામાં આવશે. આ પ્રક્રિયામાં બીજા ૫૦ વર્ષ નીકળી જાય તો તેમાં સુપ્રિમ કોર્ટને કોઈ વાંધો નહીં હોય; કારણ કે ચુકાદો અમુક સમયમર્યાદામાં આપવો એવો કોઈ કાયદો દેશમાં નથી.
આપણા દેશનું બંધારણ અંગ્રેજો ઘડીને ગયા હતા. ઇ.સ. ૧૯૫૦માં સ્વતંત્ર ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું તે પણ ઇ.સ. ૧૯૩૫માં અંગ્રેજો દ્વારા ઘડવામાં આવેલા 'ઇન્ડિયા એક્ટ'ના આધારે ઘડવામાં આવ્યું હતું.
ભારતની બંધારણ સભાએ જે નવું બંધારણ ઘડયું તેમાં નવા શીશામાં જૂનો દારૃ હતો. આ નવા બંધારણમાં જૂનો ઢાંકો જ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ કારણે જ ભારતનું નવું બંધારણ અમલમાં આવ્યું તે પછી પણ જુના કાયદાઓ અને તે કાયદાઓ મુજબ ચાલતી અદાલતો પણ ચાલુ રહી હતી. આ અદાલતોમાં જૂના કાયદાઓ મુજબ જે કેસો કરવામાં આવ્યા હતા તે પણ ચાલુ જ રહ્યા હતા. ટૂંકમાં કહીએ તો ભારતનું નવું બંધારણ અંગ્રેજો દ્વારા ગુલામ ભારતને ગુલામ રાખવા માટે ઘડવામાં આવેલાં બંધારણના પ્રતિબિંબ જેવું જ હતું.
અંગ્રેજો દ્વારા ભારતમાં જે કાયદાની અદાલતોની સ્થાપના કરવામાં આવી તેમાં અને પ્રાચીન ભારતમાં પ્રવર્તમાન ન્યાય પદ્ધતિ વચ્ચે મૂળભૂત અંતર એ હતું કે ભારતની પ્રણાલિમાં ઝડપી ન્યાય આપવામાં આવતો હતો અને મફતમાં ન્યાય આપવામાં આવતો હતો. ગામની પંચાયત સમક્ષ કોઈ ફરિયાદ લાવવામાં આવે ત્યારે ગામની પંચાયત તરત જ મળતી હતી અને બંને પક્ષોને સાંભળીને તરત જ ચુકાદો આપી દેવામાં આવતો હતો. બ્રિટીશરોની ન્યાય પદ્ધતિ અત્યંત જટિલ અને ખર્ચાળ છે. તેમાં કોઈ પણ ફરિયાદ દાખલ થયા પછી સાક્ષીઓ, પુરાવાઓ વગેરે લેખિત રજૂ કરવા પડે છે.
આ માટે કાયદાનું જ્ઞાાન હોવું જોઈએ. સામાન્ય માણસને કાયદાનું જ્ઞાાન ન હોય માટે બંને પક્ષે વકીલો રોકવા પડે છે. વકીલોનો ધંધો જ દલીલો કરવાનો હોવાથી બંને પક્ષોની લાંબી લાંબી દલીલો પણ અદાલતોને સાંભળવી પડે છે. આ દલીલો મહિનાઓ સુધી અને ક્યારેક વર્ષો સુધી ચાલે છે. દલીલો ચાલતી હોય તે દરમિયાન ન્યાયાધીશ બદલાઈ જાય તો બંને પક્ષોના વકીલોએ બધી દલીલો નવેસરથી કરવી પડે છે. આ રીતે કેસનો ચુકાદો આવતાં વર્ષો વીતી જાય છે. જૂના કેસનો ચુકાદો આવ્યો ન હોય ત્યાં નવા કેસો આવે એટલે અદાલતમાં કરાડો કેસોનો ભરાવો થઈ જાય છે. આ કારણે વર્ષો સુધી ચુકાદાઓ આવતા નથી.
તાજેતરમાં ખાપ પંચાયત દ્વારા આપવામાં આવતા ચુકાદાઓની ભારે ટીકા થઈ રહી છે. સુપ્રિમ કોર્ટે તો ભારતભરમાં ચાલતી ખાપ પંચાયતો ઉપર પ્રતિબંધ મૂકવાની પણ હિમાતય કરી છે.
આ ખાપ પંચાયતો દ્વારા કરવામાં આવતા કેટલાક તઘલખી ચુકાદાઓ સાથે ભલે આપણે સંમત ન થઈએ પણ ખાપ પંચાયતમાં જે ઝડપી અને મફત ન્યાય આપવામાં આવે છે તેમાંથી ભારતની કાયદાની અદાલતોએ પણ કાંઈક બોધપાઠ લેવાની જરૃર છે. 'જસ્ટિસ ડિલેઈડ ઇઝ જસ્ટિસ ડિનાઈજ' (મોડો ન્યાય એ અન્યાય છે) એ ઉક્તિમાં તો બ્રિટીશ ન્યાયપદ્ધતિના પુરસ્કર્તાઓ પણ માને છે. ભોપાળ અને અયોધ્યા કેસના ચુકાદાઓમાં જેમને કાંઈક ખોટું થયું હોવાનું લાગી રહ્યું છે તેમણે ભારતની ન્યાયપદ્ધતિને બદલવાની ઝૂંબેશ શરૃ કરવી જોઈએ.

12/05/11 પશ્ચિમ બંગાળમાં હવે મમતા બેનરજીની ખરી કસોટીનો આરંભ થશેવિપક્ષમાં રહીને નારાઓ બોલવા અને આગઝરતાં ભાષણો આપવાં એ એક બાબત છે અને પ્રજાની ગરીબી, બેકારી, ભૂખમરો દૂર કરવા એ અલગ જ બાબત છે
પશ્ચિમ બંગાળ સહિત ભારતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં જો કોઈ વ્યક્તિએ આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજી છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના ૩૪ વર્ષના શાસનનો અંત લાવવાના કસમ મમતા બેનરજીએ ખાધા હતા અને આ કસમ પૂરા કરવાની ઘડી હવે આવી ગઈ છે. મમતા બેનરજી નામનું વન મેન આર્મી ડાબેરી મોરચા ઉપર બૂલડોઝર ફેરવી દેશે એવું એક્ઝિટ પોલના પરિણામો ઉપરથી જણાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજીએ ૩૦ દિવસમાં બળબળતા તાપમાં ૧૫૦ રેલીઓ ગજાવી હતી. તેમના ટેકેદારો જયારે કહે છે કે 'હવે આપણે પરિણામોની રાહ જોવાની છે, ત્યારે મમતા જવાબ આપે છે, 'ક્યાં પરિણામો ? પરિણામો બધાં જાણે જ છે.' સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલા જ મમતા બેનરજીની જાણે તાજપોશી થઈ ગઈ છે.'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનાં પરિણામ બાબતમાં અત્યાર સુધીમાં જેટલાં પણ એક્ઝિટ પોલ થયાં છે એ તમામમાં કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધનને જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. સ્ટાર આનંદ ચેનલે એ.સી. નેલ્સનના સહયોગમાં કરેલા એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ૨૯૪ સભ્યોના ગૃહમાં કોંગ્રેસ-તૃણમૂલ ગઠબંધનને ૨૧૧ બેઠકો મળશે અને ડાબેરી મોરચાને રોકડી ૬૨ બેઠકો મળશે. આ સર્વે રિપોર્ટમાં એવી આગાહી કરવામાં આવી છે કે તૃણમૂલ કોંગ્રેસ પોતાની તાકાત ઉપર સરકારની રચના કરી શકશે. તેને ૧૮૧ બેઠકો મળશે અને કોંગ્રેસને ૩૦ બેઠકો મળશે. ઈ.સ. ૨૦૦૬માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઇ ત્યારે ડાબેરી મોરચાને ૨૩૫ બેઠકો સાથે જંગી સરસાઈ મળી હતી. ડાબેરી મોરચાએ નંદિગ્રામ અને સિંગૂર જેવા ઔદ્યોગિક સંકુલોમાં ગરીબોની જમીન બળજબરીથી હડપ કરવાની નીતિ અપનાવી તેનો મમતાએ સજ્જડ પ્રતિકાર કર્યો હતો અને ગરીબોના મસીહા તરીકેની પોતાની છબી ઊભી કરી હતી. હવે મમતા બેનરજી સત્તા ઉપર આવ્યા પછી ઉદ્યોગો પ્રત્યે કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહે છે.
૫૫ વર્ષમાં મમતા બેનરજી ભારતના લુચ્ચા અને લાલચુ રાજકારણીઓ કરતાં તદ્દન નોખા છે. મમતા બેનરજીની ગણતરી કદાચ આપણે ભારતનાં સૌથી વધુ 'ગરીબ' રાજકારણી તરીકે કરી શકીએ. ઈ.સ. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીઓ વખતે મમતાએ પોતાની કુલ સંપત્તિ માત્ર ૪.૭૩ લાખ રૃપિયાની હોવાની જાહેરાત કરી હતી. મમતા બેનરજી કોલકાતામાં ભાડાના ફલેટમાં રહે છે. તેમની પાસે પોતાની માલિકીનું મકાન નથી અને પોતાની કહી શકાય તેવી મોટર કાર પણ નથી. મમતાની આવકનું મુખ્ય સાધન તેમનો સંસદસભ્ય તરીકેનો પગાર હતો. આ સિવાય તેમને પુસ્તકોની રોયલ્ટીમાંથી અને પેઇન્ટીંગ્સના વેચાણમાંથી પણ આવક થાય છે. મમતાએ ભારતની કોઈ પણ કંપનીના શેરોમાં એક પણ રૃપિયાનું રોકાણ કર્યું નથી. તેમની પાસે જે થોડી મૂડી છે તેનું તેમણે બેન્કની ફિકસ્ડ ડિપોઝીટમાં અને ભારત સરકારના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓની રેલીનો દોર પૂરો થયો તે પછી મમતા બેનરજી બે દિવસ સુધી પોતાના ઘરમાં પૂરાઈ રહ્યાં હતાં અને ટાગોરના ચિત્રો દોર્યા કરતાં હતાં.
મમતા બેનરજીએ ૨૧ વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૯ વર્ષની ઉંમરે તેઓ કોંગ્રેસની ટિકીટ ઉપર ચૂંટાઈને લોકસભાનાં સભ્ય બની ગયાં હતાં. ૩૬ વર્ષની ઉંમરે તેઓ નરસિંહ રાવની સરકારમાં મહિલા, બાળ વિકાસ અને રમતગમત ખાતાંનાં પ્રધાન બની ગયાં હતાં. આ પ્રધાનપદું તેમને માફક આવ્યું નહોતું. નરસિંહ રાવની સરકાર રમતવીરોની ઉપેક્ષા કરી રહી છે એવી ફરિયાદ સાથે તેમણે પ્રધાનપદનો ત્યાગ કર્યો હતો. મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના પિઠ્ઠુની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈ.સ. ૧૯૯૬માં તેઓ કોંગ્રેસના સંસદસભ્ય હતાં તો પણ તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટસના ભાવવધારા સામે લોકસભાના કૂવામાં બેસીને દેખાવો કરવા લાગ્યા હતાં. છેવટે ઈ.સ. ૧૯૯૭માં તેમણે કોંગ્રેસને અલવિદા કરીને તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના શાસન સામે શિંગડાં ભરાવવા માંડયાં હતાં.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનરજી ઘણા ચઢાવ-ઉતાર જોયા છે અને પછડાટો પણ ખાધી છે. ઈ.સ. ૨૦૦૪મં લોકસભાની ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી સિવાયના તમામ ઉમેદવારો હારી ગયા હતા. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં મમતાએ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પોતાની સત્તા ગુમાવી હતી. તેમના પક્ષનો મેયર પણ પક્ષપલટો કરીને ડાબેરી મોરચામાં જોડાઈ ગયો હતો. ઈ.સ. ૨૦૦૬માં મમતા બેનરજીના પક્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં જબરી પછડાટ ખાધી હતી. તેમના પક્ષના અડધા ઉપરાંત વિધાનસભ્યો ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં હિમ્મત હાર્યા વિના મમતા બેનરજીએ ડાબેરી મોરચાના એકહથ્થુ શાસન સામેની પોતાની લડત એકલે હાથે જ ચાલુ રાખી હતી.
પશ્ચિમ બંગાળની સરકારે જમીનોની ફાળવણી બાબતમાં ગરીબ કિસાનો ઉપર બળજબરી કરીને ઉદ્યોગપતિઓનો પક્ષ લીધો તેનો ઉગ્ર વિરોધ મમતા બેનરજીને ફળ્યો હતો. સિંગૂરમાં ટાટા જૂથના અને નંદિગ્રામમાં ઇન્ડોનેશિયાના સલીમ જૂથના પ્રોજેક્ટ સામે ગરીબ કિસાનોમાં ભારે રોષ હતો અને તેઓ ઘૂંઘવાઈ રહ્યા હતા. આ ગરીબ કિસાનોની આગેવાની મમતા બેનરજીએ લીધી હતી અને તેમના વિરોધને દેશના ખૂણે ખૂણે પહોંચાડયો હતો. આ લડત દરમિયાન મમતા બેનરજી વાઘણની જેમ ડાબેરી મોરચાની સરકાર ઉપર તૂટી પડયાં હતાં. તેમના આંદોલનને પગલે ટાટાને પોતાનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળમાંથી ખસેડી ગુજરાતમાં લઈ જવાની ફરજ પડી હતી અને સલીમ જૂથને પોતાનો પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરવી પડી હતી. આ બે મહાસંગ્રામને કારણે મમતાની છાપ ગરીબોના મસીહા તરીકે ઉપસી આવી હતી. મમતા બેનરજીની આ લોકપ્રિયતાનો પરચો ઈ.સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં મળી ગયો હતો. આ ચૂંટણીમાં તૃણમૂલ-કોંગ્રેસના ગઠબંધનને ૨૬ બેઠકો મળી હતી અને ત્યારથી ડાબેરી મોરચાનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું હતું. ઈ.સ. ૨૦૦૯ની ચૂંટણીઓ પછી મમતા બેનરજી કે કેન્દ્રમાં રેલવે પ્રધાન બન્યાં પણ તેમની નજર પશ્ચિમ બંગાળનાં રાજકારણ ઉપર જ હતી. હવે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન બનતાવેંત તેઓ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપી દેશે તેવું મનાય છે.
મમતા બેનરજી રાઇટર્સ બિલ્ડીંગમાં સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થશે ત્યાર પછી તેમની ખરી કસોટી શરૃ થશે. અત્યાર સુધી મમતા બેનરજીની છાપ પશ્ચિમ બંગાળમાં ફાયરબ્રાન્ડ વિપક્ષી નેતા તરીકેની છે. હવે તેમણે એક ઠરેલ અને કુશળ વહીવટદારની ભૂમિકા અદા કરવી પડશે, જેની તેમને બહુફાવટ નથી. મમતા બેનરજીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ડાબેરી મોરચાના નેતાઓ અને ખાસ કરીને તેના તોફાની કાર્યકરો સામે જે લોકમત જાગૃત કર્યો છે તેનું પરિણામ મમતાના પક્ષના વિજય સાથે હિંસામાં ન આવે તે પણ જોવાનું રહે છે. મમતાના પક્ષના કાર્યકરોએ છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસોના અને ખાસ કરીને ડાબેરી મોરચાના કાર્યકરોના ઘણા અત્યાચારો સહન કર્યા છે. હવે સત્તાનો દોર તેમના હાથમાં આવતાં તેઓ મદોન્મત્ત બનીને ડાબેરી કેડર ઉપર તૂટી પડશે તો બંગાળમાં હિંસાની હોળી સળગશે. પોતાના પક્ષના કાર્યકરોને વિજય પછી સંયમમાં રાખવાની જવાબદારી મમતા બેનરજીની છે.
ભારતના અન્ય રાજ્યોમાં ઉદ્યોગોનો જેટલો વિકાસ થયો છે તેટલો વિકાસ પશ્ચિમ બંગાળમાં થયો નથી. પરંતુ પશ્ચિમ બંગાળની પ્રજાના પ્રાચીન હુન્નર-ધંધામાં તૂટી ગયા હોવાથી પ્રજા ગરીબી, બેકારી અને ભૂખમરાનો સામનો કરી રહી છે. ડાબેરી મોરચાની સરકારે પોતાની સત્તાના અંતિમ કાળમાં ઉદ્યોગોની આભડછેટ છોડીને વિરાટ ઉદ્યોગોને પશ્ચિમ બંગાળમાં આમંત્રવાની અને તેના થકી લોકોની ગરીબી દૂર કરવાની ધારણા રાખી હતી. જોકે સરકારની આ નીતિ ઉદ્યોગપતિઓની તરફેણ કરનારી અને ગરીબોને તેમની જમીનથી વંચિત કરી મૂકનારી હોવાથી પ્રજાનો ઉગ્ર વિરોધ આ નીતિ સામે ફાટી નીકળ્યો હતો. મમતાએ પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રજાને સમૃદ્ધિનું અને વિકાસનું વચન આપ્યું છે. વિરાટ ઉદ્યોગોને આમંત્રણ આપ્યા વિના મમતા રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી બે લાખ કરોડ રૃપિયાની લોન લીધી છે.
પશ્ચિમ બંગાળનું અર્થતંત્ર અત્યારે વેરણછેરણ હાલતમાં છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી બે લાખ કરોડ રૃપિયાની લોન લીધી છે. સરકારની મોટા ભાગની આવક કર્મચારીઓનો પગાર ચૂકવવામાં જ વપરાઈ જાય છે. પોલીસ તંત્ર ડાબેરી મોરચાના કહ્યાગરા સેવકની જેમ વર્તી રહ્યું છે. રાજ્યમાં ગરીબી, બેકારી અને ભૂખમરો માઝા મૂકી રહ્યા છે. આ બધી સમસ્યાઓ નારાઓ પોકારવાથી અને આગ ઝરતાં ભાષણો આપવાથી હલ થઈ જાય તેમ નથી. તે માટે અર્થતંત્રની સમસ્યાઓની ઊંડી સૂઝ અને સમજની જરૃર રહે છે. મમતા બેનરજી પોતાની છાપ મુજબ પશ્ચિમ બંગાળને જો સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટ આપી શકશે તો જ પ્રજાનો ઉદ્ધાર થશે. અન્યથા પ્રજાને ઉલમાંથી ચૂલમાં પડવા જેવું લાગશે. મમતા બેનરજીએ પ્રજાને જે ઐતિહાસિક તક આપી છે તે વેડફાઈ ન જવી જોઈએ.

૧૧/૦૫/૧૧ માયાવતી ઉત્તર પ્રદેશમાં આઠ એક્સપ્રેસ વે બનાવવા માંગે છે


ઉત્તર પ્રદેશના ખેડૂતોનો રોષ જે રીતે હિંસામાં ફેરવાઈ ગયો છે તે જોતાં આ વિસ્તારની પ્રજા નકસલવાદીઓને શરણે જાશે તેવો ભય રહે છે
ઉત્તર પ્રદેશના કિસાનો માયાવતીની સરકારના યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સામે જીવ ઉપર આવીને લડી રહ્યા છે તેનું કારણ એ છે કે જો તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ નહીં કરે તો આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં આ કદના આઠ એક્સપ્રેસ વે આવી રહ્યા છે. આ યોજનાનું જે નામ છે તે ગેરમાર્ગે દોરે એવું છે. આ પ્રોજેક્ટમાં માત્ર રસ્તો જ નથી બનાવવાનો પણ રસ્તાની બંને બાજુ કરોડો લોકો વસી શકે એવાં આધુનિક શહેરો ગાંમડાંની જમીન ઉપર બનાવવાના છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે માયાવતીના બહુજન પક્ષની સરકાર છે. તેના મુખ્ય વિરોધીઓ મુલાયમસિંહ યાદવનો સમાજવાદી પક્ષ અને ભાજપ છે. આ બંને વિપક્ષોએ કિસાનોના આંદોલનને સમર્થન આપ્યું હોવાથી માયાવતીની મુસીબતમાં ઓર વધારો થયો છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ અગાઉ 'તાજ કોરીડોર' તરીકે ઓળખાતો હતો. આ પ્રોજેક્ટમાં માયાવતીએ કરોડો રૃપિયાની ઘાલમેલ કરી છે એવા આક્ષેપો સામે તેની સામે ભારે ઉહાપોહ થયો હતો. હવે માયાવતીએ આ પ્રોજેક્ટનું નામ બદલી નાંખ્યું છે. જો યમુના એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ સફળ થાય તો માયાવતી ઉત્તર પ્રદેશમાં ગંગા એક્સપ્રેસ વે, અપર ગંગા કેનાલ, ઝાંસી-કાનપુર-લખનૌ-ગોરખપુર એક્સપ્રેસ વે, બિજનૌર-મુરાદાબાદ એક્સપ્રેસ વે, લખનૌ-બારાબાંકી-નાનપરા એક્સપ્રેસ વે અને નરોરાથી લઈને ઉત્તરાખંડની સરહદ સુધીના એક્સપ્રેસ વેની યોજનાઓને અમલમાં મૂકવાની તૈયારીઓ કરી રહી છે.
માયાવતીની આ તમામ યોજનાઓનો હેતુ ગામડાંઓને ખતમ કરીને શહેરો ઊભાં કરવાનો છે. આ કારણે લાખો કિસાનો જમીનવિહોણા બની જવાની અને કૃષિ ઉત્પાદનોને પણ ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ આઠ એક્સપ્રેસ વેમાં ઉત્તર પ્રદેશનાં કુલ ૧.૦૮ ગામડાંઓ પૈકી ૨૩,૫૧૨ ગામડાંઓને અસર થવાની છે. બીજા શબ્દોમાં ઉત્તર પ્રદેશના એક ચતુર્થાંશ ગામડાંઓ માયાવતીની ઝપટમાં આવી જવાનાં છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગંગા એક્સપ્રેસ વેમાં ૨,૧૬૦ ગામડાંઓ અસરગ્રસ્ત બનવાનાં છે તો ઝાંસી-કાનપુર-લખનૌ-ગોરખપુરમાં સૌથી વધુ ૫,૬૦૦ ગામડાંઓને અસર થવાની છે. આ બધા પ્રોજેક્ટો હકીકતમાં રસ્તાના પ્રોજેક્ટો નથી પણ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટો છે. આ બધામાં સરકારી યંત્રણાઓનો ઉપયોગ કરીને ખાનગી કંપનીઓ કિસાનોની લાખો એકર જમીન સસ્તામાં પડાવી લઈને ત્યાં આધુનિક શહેરો ઊભાં કરવા માંગે છે. આ પ્રોજેક્ટોમાં માયાવતીનો ઉપયોગ મહોરા તરીકે કરીને દેશી-વિદેશી કંપનીઓ અબજો રૃપિયાની કમાણી કરી રહી છે.
ઉત્તર પ્રદેશના કિસાનો એક બાજુ તેમની જમીન બળજબરીથી કબજે કરવાનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કબજે કરેલી જમીનમાં પ્લોટો પાડીને વેચવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો અમલ કરતી ઓથોરિટીએ અત્યાર સુધીમાં ૮૩૫ હેક્ટર જમીન ૧૨ ખાનગી ડેવલપરોને ૧,૮૦૦ કરોડ રૃપિયામાં વેચી છે. ખાનગી ડેવલપરો આ જમીન ઉપર માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેને ૧૫,૦૦૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે વેચીને નફો રળી રહ્યા છે. ઉત્તર પ્રદેશની સરકારે એકલા ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ૨૨૪૪ હેક્ટર જમીન કિસાનો પાસેથી સંપાદિત કરી હતી. તેમાંથી ૮૩૫ હેક્ટર જમીન રહેઠાણો માટે ફાળવીને બાકીની જમીનો રસ્તાઓ વગેરે માટે અલગ રાખવામાં આવી છે.
નોઈડાથી આગ્રા વચ્ચેનો ૧૬૫ કિલોમીટરનો એક્સપ્રેસ વે છ લાઈનનો બનવાનો છે પણ ભવિષ્યમાં તેને આઠ લાઈનનો બનાવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો અમલ કરનારી જેપી ઇન્ફ્રાટેક કંપનીને ઉત્તર પ્રદેશની સરકારને કુલ ૩૦૦૦ હેક્ટર જમીન 'ભેટ' તરીકે આપવામાં આવશે. આ જમીન સરકાર ઇ.સ. ૧૮૯૪ના જમીન સંપાદન ધારાનો ઉપયોગ કરીને કિસાનો પાસેથી ખરીદશે અને તેને ડેવલપ કરીને વેચશે. આ માટે સરકાર કિસાનોને તેમની જમીન પેટે ૪૫૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે વળતર ચૂકવી રહી છે પણ આ જમીન બંગલાઓ બાંધવા માટે ૧૫,૦૦૦ રૃપિયાના ભાવે વેચાઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વેના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમાચાર અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ ચમક્યા છે. તેનું કારણ એ છે કે આ પ્રોજેક્ટના અમલમાં અમેરિકાની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પણ આડકતરી રીતે સંકળાયેલી છે. ન્યુયોર્ક ટાઈમ્સના સંવાદદાતાએ આંદોલન કરી રહેલા કિસાનોની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે અમુક ખેડૂતો પોતાની જમીનો વેચીને માલદાર બની ગયા છે પણ અચાનક હાથમાં આવેલા રૃપિયા વેડફીને તેઓ પાછા ગરીબ બની જાય છે.
ઉત્તર પ્રદેશના કિસાનોના આંદોલનને કારણે આ પ્રોજેક્ટનો અમલ કરનારી જેપી ઇન્ફ્રાટેક કંપનીના નફામાં પણ કાપ આવવાની સંભાવના ઊભી થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી આ કંપનીએ પોતાના હેવાલમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ૨૦૧૧ના ઓક્ટોબરને બદલે હવે ૨૦૧૨ના જુલાઈ મહિનામાં જ પૂરો થશે. આ પ્રોજેક્ટમાં રસ્તાના બાંધકામ પાછળ જ ૯,૮૫૪ કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કિસાનોના આંદોલનને કારણે આ ખર્ચમાં હજી ૧,૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થશે. ઉત્તર પ્રદેશની સરકારે હજી કંપનીને કરાર મુજબ ૬,૦૦૦ એકર જમીન ખરીદીને આપી નથી. તેના ખર્ચમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટમા જે કિસાનોની જમીન જવાની છે તેમાંના કેટલાક વળતર સ્વીકારી લીધું છે તો કેટલાકે તેની સામે કાનૂની યુદ્ધ લડવાનું પસંદ કર્યું છે. આ પ્રોજેક્ટથી અસર પામનારા ૧૨,૨૮૨ કિસાનો પૈકી ૧૧,૩૯૭ ખેડૂતોએ સરકારે નક્કી કરેલું વળતર સ્વીકારી લીધું હતું. બાકીના કિસાનો વળતર વધારી આપવા માટે અલગ અલગ પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે આંદોલન ચલાવી રહેલા અમુક કિસાનોની માંગણીઓ સામે ઝૂકી જઈને વળતર વધારી આપ્યું તેને કારણે પણ જે કિસાનોને અગાઉ ઓછું વળતર મળ્યું હતું તેઓ રોષે ભરાયા છે. ૩૬ અસંતુષ્ટ કિસાનોએ આ પ્રોજેક્ટ સામે પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી. અલ્હાબાદની હાઈકોર્ટે તેમની અરજી કાઢી નાંખતાં તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે એવી દલીલ કરી હતી કે જમીન સંપાદન ધારાની ચોથી અને છઠ્ઠી કલમ મુજબ તેમની જમીન સંપાદિત કરતાં પહેલાં તેમને સાંભળવામાં આવ્યા નહોતા. સુપ્રિમ કોર્ટે આ તમામ ૩૬ અરજીઓ કાઢી નાંખતા એવી દલીલ કરી હતી કે જે યોજનાનો લાખો લોકોને લાભ થવાનો હોય તે માટે કોઈકે ભોગ આપવો જોઈએ.
યમુના એક્સપ્રેસ વે સામેના આંદોલનમાં અત્યાર સુધી કિસાનો અહિંસક પદ્ધતિએ જ આંદોલન ચલાવી રહ્યા હતા. એમના આંદોલનની નેતાગીરી મહેન્દ્રસિંહ ટિકાયત અને અજીતસિંહ જેવા નેતાઓના હાથમાં હતી. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં શાંત સત્યાગ્રહ કરી રહેલા કિસાનો ઉપર પોલીસે ગોળીબાર કર્યો તેમાં ચાર લાશો પડી ગઈ હતી. આ હત્યાકાંડના પગલે આંદોલન ચલાવી રહેલા કિસાનો અકળાયા હતા. આ વખતે પહેલી વખત કિસાનો પોતે હિંસા ઉપર ઉતરી આવ્યા છે. તેમણે જે રીતે બે સરકારી પરિવહન નિગમના કર્મચારીઓનું અપહરણ કર્યું અને તેમની હત્યા કરી નાંખી તે રીત નકસલવાદીઓની યાદ અપાવે તેવી છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે નકસલવાદનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી પણ સરકાર જો કિસાનોની વાજબી માંગણીઓ નહીં સ્વીકારે તો પ્રજા નકસલવાદીઓને શરણે જશે.
ભારતમાં જ્યારે બ્રિટીશરોનું રાજ હતું ત્યારે તેમણે પ્રજાની સ્વતંત્રતાને કચડી નાંખનારા અનેક કાયદાઓ ઘડયા હતા. ઇ.સ. ૧૮૯૪ની સાલમાં ઘડાયેલો જમીન સંપાદન ધારો પણ તેમાંનો એક છે. આ કાયદાની મદદ લઈને બ્રિટીશ સરકાર માત્ર જાહેર હેતુઓ માટે જ જમીન સંપાદિત કરતી હતી. સ્વતંત્રતા પછી ભારતમાં દેશી અંગ્રેજોની જે સરકારો આવી તેઓ અંગ્રેજોને પણ સારા કહેવડાવે તેવી છે. આ સરકારે સેઝના નામે ગરીબ કિસાનોની લાખો એકર જમીન પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદ લઈને ઝૂંટવી લીધી છે અને ભારે કટકી લઈને ખાનગી કંપનીઓને સસ્તામાં વેચી મારી છે. આ જમીનો બજાર ભાવે વેચીને ખાનગી કંપનીઓ તગડો નફો રળી રહી છે. ભારતભરમાં ચાલી રહેલા આવા જમીન કૌભાંડોની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતાં ક્યાંય વધુ મોટાં કૌભાંડો બહાર આવે તેમ છે.
દિલ્હી અને આગ્રા વચ્ચેનો જૂનો હાઈવે અત્યારે બિસ્માર હાલતમાં છે. આ હાઈવે ઉપર દિલ્હીથી આગ્રા વચ્ચેનું ૧૬૦ કિલોમીટરનું અંતર કાપતા અત્યારે ચાર થી પાંચ કલાકનો સમય લાગે છે. આ રસ્તા ઉપર વિદેશી સહેલાણીઓ સહિત ભારતના લાખો સહેલાણીઓ અવરજવર કરતા હોય છે. આ સંયોગોમાં આ રસ્તાને બે લાઈનમાંથી ચાર કે છ લાઈનનો કરવામાં આવે તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. એ માટે કિસાનો પોતાની જમીન આપવા પણ તૈયાર હતા. પરંતુ હાઈવેની યોજનાને શહેરીકરણની યોજનામાં ફેરવી નાંખવામાં આવતા કિસાનો રોષે ભરાયા છે. કિસાનોનો આરોષ ભારતભરમાં ફેલાઈ રહ્યો છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે અંગ્રેજોએ ઘડેલા જમીન સંપાદન ઘારામાં એવી રીતે સુધારા કરવામાં આવે કે કિસાનોની જમીન બળજબરીથી ખરીદી ન શકાય અને એમને યોગ્ય વળતર પણ મળે.

૧૦/૦૫/૧૧ ખેડૂતોની જમીનો બળજબરીથી આંચકી લેવાનો જમાનો પૂરો થયો છેયમુના એક્સપ્રેસ વે માટે ૫૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે કિસાનો પાસેથી પડાવી લીધેલી જમીનો આજે ખાનગી કંપની ૧૫,૦૦૦ના ભાવે વેચી રહી છે
ભારતમાં કિસાનોની જમીનો બળજબરીથી ખૂંચવી લેવામાં આવે તે કોઈ નવી વાત નથી. સાથે સાથે આ જમીન સંપાદનના વિરોધમાં કિસાનોને આંદોલન કરવાની ફરજ પડે એ પણ નવી વાત નથી. ઉત્તર પ્રદેશના કિસાનોના આંદોલનમાં નવી વાત તેમનું ઝનૂન છે. નોઈડાના કિસાનો જે ઝનૂનથી પોતાની જમીનો બચાવવા માટે સરકારી કર્મચારીઓ અને સરકારી યંત્રણા ઉપર ત્રાટક્યા છે તે ઝનૂન આજ દિન સુધી ભારતમાં ક્યાંય જોવા નથી મળ્યું. ઉત્તર પ્રદેશના કિસાનો વિકાસનાં પ્રોજેક્ટો માટે પોતાની જમીન વેચવાના વિરોધી નથી. તેમનો વિરોધ જમીનો બળજબરીથી આંચકી લેવા સામે અને સસ્તામાં આંચકી લેવા સામે છે. કિસાનો પોતાની જમીનો બળજબરીથી આંચકી લેવાનો વિરોધ કરી રહ્યા છે અને જમીનનું બજાર ભાવ મુજબ વળતર માંગી રહ્યા છે. કિસાનો પોતાના બાપદાદાના કાળની જમીનો બળજબરીથી આંચકી લેવાનો વિરોધ કરતા હોય અને તેનું યોગ્ય વળતર માંગતા હોય તો તેમાં કાંઈ જ ખોટું નથી.
ઉત્તર પ્રદેશમાં કિસાનોનું જે હિંસક આંદોલન જોવા મળી રહ્યું છે તેના મૂળમાં માયાવતીની સરકારે શરૃ કરેલો ૨,૧૦૦ કરોડ રૃપિયાનો યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મુજબ યમુના નદીના કિનારે નોઈડાથી આગ્રાનો ૧૬૫ કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઈવે બનાવવાનો કોન્ટ્રાક્ટ જેપી ઈન્ફ્રાટેક નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં યમુના નદીને સમાંતર એક્સપ્રેસ વે જ નથી બાંધવાનો પણ આ રસ્તાની બંને બાજુએ દિલ્હી શહેર કરતાં પણ વધુ વસતિ ધરાવતી ટાઉનશીપ ઊભી કરવાનો છે. આ રસ્તાની ડાબી બાજુએ ૧૦ થી ૧૫ કિલોમીટર સુધીની અને જમણી બાજુએ યમુના નદી સુધીની જમીનો કિસાનો પાસેથી બળજબરીથી ઝૂંટવીને ત્યાં અદ્યતન શહેરી વસાહતો બાંધવામાં આવી રહી છે. આ માટે છ જિલ્લાના ૧,૧૮૭ ગામોની ૨.૩૬ લાખ હેક્ટર જમીન બળજબરીથી પડાવી લેવા માટે યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની સ્વતંત્ર ઓથોરિટીની રચના કરવામાં આવી છે.
યમુના એક્સપ્રેસ વેને સમાંતર પાંચ નવાં શહેરો વિકસાવવામાં આવી રહ્યાં છે. આ શહેરોનાં નામો પણ ગૌતમ બુદ્ધ નગર, મહામાયા નગર જેવાં રાખવામાં આવ્યાં છે. ગૌતમ બુદ્ધ નગરમાં ૧૩૧ ગામોનો સમાવેશ કરવામાં આવશે તો મહામાયા નગરમાં ૪૨૦ ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અલીગઢ, આગ્રા અને મથુરામાં પણ યમુનાને સમાંતર નવા શહેરો ઊભાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વર્તમાન નોઈડાના પ્રોજેક્ટ કરતાં દસ ગણો મોટો છે અને તેની કુલ વસતિ દિલ્હીની વસતિ કરતાં પણ વધુ હશે. ખેડૂતોનો મૂળ વાંધો આ પ્રોજેક્ટ સામે નથી પણ જે રીતે એક ખાનગી કંપનીને આ પ્રોજેક્ટ સોંપી દેવામાં આવ્યો તેની સામે છે.
૧૬૫ કિલોમીટર લાંબો યમુના એક્સપ્રેસ વે બાંધવાનો કોન્ટ્રેક્ટ જેપી ઇન્ફ્રાટેક નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની આ પ્રોજેક્ટમાં આશરે ૨૧૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરશે તેના બદલામાં તેને આ એક્સપ્રેસ વેની બંને બાજુ આવેલી ૬,૦૦૦ એકર સોનાની લગડી જેવી જમીન કિસાનો પાસેથી સસ્તામાં ખરીદવાની અને મોંઘામાં વેચવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હજી તો આ પ્રોજેક્ટ માટે કિસાનોએ પોતાની જમીનો વેચી પણ નથી ત્યાં જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા આ જમીનોના પ્લોટો પાડીને તેમાં એપાર્ટમેન્ટ તેમ જ બંગલાઓ ઊંચી કિંમતે વેચવાની જાહેરાતો શરૃ થઈ ગઈ છે. પોતાની જમીનોના આ ઊંચા ભાવો જોઈને ખેડૂતોને ચક્કર આવી રહ્યા છે. જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે તેઓ ખેડૂતોને બજાર ભાવ મુજબ જ વળતર ચૂકવી રહ્યા છે. આ વળતર હકીકતમાં ખેતીની જમીનના બજાર ભાવ મુજબનું છે. ખેતીની જમીનનું રૃપાંતર જ્યારે રહેઠાણની અને ઉદ્યોગોની જમીનમાં કરવામાં આવે છે ત્યારે એક લાખ રૃપિયાની જમીનની કિંમત વધીને એક કરોડ રૃપિયા થઈ જાય છે. વચ્ચેની મલાઈ કંપની ખાઈ જાય છે. ખેડૂતોનો જે વાંધો છે તે આ નફાખોરી સામે છે. કંપની જો જમીનો વેચીને નફો કરતી હોય તો ખેડૂતોને તેમાં ભાગ જોઈએ છે.
આજથી નવ વર્ષ અગાઉ યમુના એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે કિસાનોને એક ચોરસ મીટરના ૩૦૦ રૃપિયાના ભાવે વળતર ચૂકવવામાં આવ્યું હતું. આજે આ પ્રોજેક્ટ ડેવલપ કરતી કંપની ચોરસ મીટરના ૧૫,૦૦૦ રૃપિયાના ભાવે પ્લોટો વેચી રહી છે. આ રીતે ખેડૂતો પાસેથી જે કિંમતે જમીન ખરીદવામાં આવી તેની ૫૦ ગણી કિંમત આ કંપની વસૂલ કરી રહી છે. આ કંપનીની યોજના આ વર્ષની ૩૦મી ઓક્ટોબર સુધીમાં આખો પ્રોજેક્ટ પૂરો કરવાની છે. આ પ્રોજેક્ટમાં ૨,૫૦૦ એકર વિસ્તારમાં પથરાયેલું રમતગમત નગર પણ હશે, જેમાં ફોર્મ્યુલા વન રેસ માટેનો ટ્રેક પણ હશે. હકીકતમાં આ વર્ષની ફોર્મ્યુલા-વન રેસ પણ આ નવાં સ્પોર્ટસ સિટીમાં રમાવાની છે, એવી જાહેરાત જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા કરી દેવામાં આવી છે.
કિસાન જગતનો તાત ગણાય છે. ખેડૂત ખેતી કરીને અનાજ પકવે છે તેને કારણે આપણે જીવી શકીએ છીએ. જો આપણા દેશમાં માત્ર ઉદ્યોગો હોય અને ખેતીવાડી ન હોય તો મનુષ્યો ભૂખે મરે અને ઉદ્યોગો માટે કાચો માલ પણ નહીં મળે. સ્વતંત્રતા પછી ભારતની દરેક સરકારોની નીતિ કૃષિના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની રહી છે. આ કારણે દેશમાં હજારો કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે અને ફોર્બ્સ મેગેઝિનના અબજોપતિઓના લીસ્ટમાં ભારતના ઉદ્યોગપતિઓની સંખ્યા વધી રહી છે.
અંગ્રેજોએ છેક ઈ.સ. ૧૮૯૪ની સાલમાં 'લેન્ડ એક્વિઝીશન એક્ટ' નામનો રાક્ષસી કાયદો ઘડયો હતો, જેમાં સરકારને કોઈપણ ખેડૂતની જમીન 'જાહેર હેતુ' માટે બળજબરીથી આંચકી લેવાની જાલિમ સત્તાઓ આપવામાં આવી હતી. અંગ્રેજોના રાજમાં આ કાયદાનો ઉપયોગ રેલ્વે, રસ્તાઓ, બંધો, વીજળી મથકો વગેરેના બાંધકામ માટે જ કરવામાં આવતો હતો. છેલ્લા બે દસકાથી આપણી સરકારો ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવા ખાનગી પ્રોજેક્ટો માટે જમીન સંપાદન કરવા માટે પણ આ જરીપુરાણા કાયદાનો ઉપયોગ કરી રહી છે. આ કાયદાના દુરુપયોગને કારણે દેશમાં કરોડો કિસાનો બેઘર અને બેરોજગાર બન્યા છે. જોકે હવે દેશભરના ખેડૂતોમાં જમીન ઉપરના પોતાના અધિકારો બાબતમાં સભાનતા આવતી જાય છે. પશ્ચિમ બંગાળના નંદિગ્રામ અને સિંગૂરમાં ખેડૂતોએ હિંસક આંદોલન કરીને ઉદ્યોગપતિઓને તેમના અબજો રૃપિયાના પ્રોજેક્ટો રદ્દ કરવાની અથવા તેને અન્ય રાજ્યમાં ખસેડવાની ફરજ પાડી હતી. નંદિગ્રામમાં જે બન્યું હતું તે હવે ઉત્તર પ્રદેશમાં પણ બની રહ્યું છે. માયાવતીની સરકાર યમુના એક્સપ્રેસ વે માટે કિસાનો પાસેથી પાણીના ભાવે જમીનો આંચકીને તેને ઉદ્યોગપતિઓને નફો રળવા સસ્તામાં વેચી રહી છે. સરકારની આ અન્યાયી નીતિનો વિરોધ કરવા પહેલા નોઈડાના ખેડૂતોએ હિંસક આંદોલન શરૃ કર્યું પણ તેમાં હવે આગ્રાના અને અલીગઢના લોકો પણ જોડાઈ રહ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં કિસાનોના આંદોલનનો પ્રારંભ ભારતની રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા નોઈડાથી થયો હતો. નોઈડાના ખેડૂતો તાજેતરનાં વર્ષોમાં પોતાની જમીનો બંગલાઓ અને ફાર્મ હાઉસો માટે વેચીને અત્યંત શ્રીમંત અને શક્તિશાળી બન્યા છે. તેમને ખ્યાલ આવ્યો છે કે તેમની જમીનો કરોડો રૃપિયે વીઘાના ભાવે વેચાઈ શકે છે. માયાવતીની સરકાર યમુના એક્સપ્રેસ વેના બહાને કેટલાક હજાર રૃપિયાના ભાવે તેમની જમીનો બળજબરીથી પડાવીને ઉદ્યોગપતિઓને સ્વાધીન કરી દે એ તેમને મંજૂર નથી. આ માટે અહિંસક આંદોલન કામ ન આવ્યું ત્યારે તેઓ હિંસા ઉપર ઉતરી આવ્યા ત્યારે દેશભરના પ્રસાર માધ્યમોને ખેડૂતોના આંદોલનની નોંધ લેવાની ફરજ પડી હતી. નોઈડાના કિસાનો દ્વારા આચરવામાં આવેલી હિંસાની કોઈ સંયોગોમાં તરફેણ ન કરવી જોઈએ, પણ આપણા દેશની સરકાર એટલી બહેરી બની ગઈ છે કે વર્ષોથી ચાલતાં અહિંસક આંદોલનની નોંધ લેવા પણ કેટલીક સરકારો તૈયાર થતી નથી. નોઈડાના કિસાનોએ શરૃ કરેલા આંદોલનની તસવીરો ટીવી ઉપર જોઈને અલીગઢ અને આગ્રાના કિસાનોનો રોષ પણ ભભૂકી ઉઠયો છે. પ્રસાર માધ્યમોના આ જમાનામાં આંદોલનનો સંદેશો જંગલની આગની જેમ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગયો છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો ત્યારે કિસાનોને ચોરસ મીટરદીઠ ૫૦ રૃપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વળતર ગયાં વર્ષે વધારીને ૩૦૦ રૃપિયા કરી આપવામાં આવ્યું હતું. આ વર્ષે આ વળતર વધારીને ૪૫૦ રૃપિયા કરી આપવામાં આવ્યું છે. હવે કિસાનો ચોરસ મીટરદીઠ ૧,૫૦૦ રૃપિયાનું વળતર માંગી રહ્યા છે. જોકે કેટલાક ખેડૂતો એવા પણ છે, જેઓ પોતાના બાપદાદાની જમીન કોઈ પણ કિંમતે વેચવા તૈયાર નથી. આવા સંખ્યાબંધ ખેડૂતો દ્વારા બળજબરીથી થતાં જમીન સંપાદન સામે સુપ્રિમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ તમામ અરજીઓ ખારિજ કરી ત્યારે હતાશામાં આવેલા ખેડૂતોએ આંદોલન છેડી દીધું હતું. માયાવતીને એકબાજુ આ પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાની ઉતાવળ છે તો કિસાનો જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધવા દેવાની બાબતમાં મક્કમ છે. આપણી સરકાર ઉદ્યોગપતિઓ સાથે મળીને ગરીબ પ્રજાનું શોષણ કરે અને દેશની અદાલતો જ્યારે ગરીબ નાગરિકોને ન્યાય નથી અપાવી શકતી ત્યારે પ્રજા પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો બાકી રહેતો નથી.

૯/૦૫/૧૧ વ્યાજદર અને વિકાસદર વચ્ચે બિચારો આમઆદમી લૂંટાઇ રહ્યો છેઆપણી સરકાર જો ખરેખર આમઆદમીની સરકાર હોય તો સેવિંગ્સ બેંકમાં ૧૦ ટકા અને ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર ૧૫ થી ૨૦ ટકા વ્યાજ મળવું જોઇએ
રિઝર્વ બેન્કે તાજેતરમાં રેપોરેટમાં અને સેવિંગ્સ બેન્કના વ્યાજદરમાં ૦.૫ ટકાનો વધારો કર્યો. રિઝર્વ બેન્ક દ્વારા જ્યારે પણ રેપો રેટમાં અથવા રિવર્સ રેપો રેટમાં વધઘટ કરવામાં આવે ત્યારે આમઆદમીને સમજણ નથી પડતી કે તેનાથી તેની જિંદગીમાં શું ફરક પડશે. તાજેતરમાં રિઝર્વ બેન્કે રેપો રેટ ૦.૫ ટકા વધારીને ૭.૨૫ ટકા કર્યો તેને કારણે અર્થતંત્રનો વિકાસદર ૯ ટકા પરથી ઘટીને ૮ ટકા થઇ જશે, એવું પણ રિઝર્વ બેન્કે જાહેર કર્યું છે. રેપો રેટ વધવાને કારણે વિકાસદરમાં શા કારણે ઘટાડો થાય તેની સમજણ આમઆદમીને નથી પડતી. આ વધઘટના ચક્કરમાં ઊંડા ઉતરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ભારતની બેન્કો દ્વારા આમઆદમી સાથે ભારે છળ ચાલી રહ્યું છે. પહેલા આપણે વાત કરીએ સેવિંગ્ઝ બેન્કના વ્યાજમાં કરવામાં આવેલા વધારાની. ભારતની બહુમતી પ્રજા પોતાની બચત સેવિંગ્સ બેન્કમાં જમા કરાવે છે. આપણે જાણીએ છીએ કે ભારતની તમામ બેન્કો દ્વારા છેલ્લાં આઠ વર્ષથી સેવિંગ્સ ખાતાં દ્વારા વાર્ષિક ૩.૫ ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. એટલે કે જો આપણે આપણી પસીનાની કમાણીના એક લાખ રૃપિયા સેવિંગ્સ એકાઉન્ટમાં જમા કરાવ્યા હોય તો વર્ષના અંતે આપણને તેના ઉપર ફક્ત ૩,૫૦૦ રૃપિયા વ્યાજ પેટે મળે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતમાં ફુગાવાનો દર નવથી દસ ટકા જેટલો ભારે છે. અર્થાત એક વર્ષ અગાઉ આપણે એક લાખ રૃપિયામાં જેટલી વસ્તુ ખરીદતા હતા તેટલી વસ્તુ ખરીદવા આજની તારીખમાં ૧.૧૦ લાખ રૃપિયાની જરૃર પડે છે. બીજા શબ્દોમાં આપણે એક વર્ષ અગાઉ બેન્કમાં એક લાખ રૃપિયા મૂક્યા હોય તો તેની કિંમત લગભગ ૯૦ હજાર રૃપિયા જેટલી જ રહી જાય છે. તેમાં ૩,૫૦૦ રૃપિયાનું વ્યાજ ઉમેરીએ ત્યારે આપણા એક લાખ રૃપિયાની કિંમત ૯૩,૫૦૦ રૃપિયા થાય છે. એટલે કે આપણને સેવિંગ્સ બેન્કમાં એક લાખ રૃપિયા મૂકવાથી વર્ષે ૬,૫૦૦ રૃપિયાનું નુકસાન જાય છે. હકીકતમાં સેવિંગ્સ બેન્કમાં મિનિમમ વ્યાજદર દેશમાં પ્રવર્તમાન ફુગાવાના દર જેટલો હોવો જોઇએ.
સેવિંગ્સ બેન્કમાં વ્યાજનો દર ઓછો રાખવા દ્વારા કોને ફાયદો અને કોને નુકસાન થાય છે તે સમજવા જેવું છે. ભારતની બધી બેન્કોમાં રોકાણકારોના આશરે ૫૦ લાખ કરોડ રૃપિયા ડિપોઝીટના રૃપમાં પડેલા છે. આ પૈકી આશરે ૨૦ ટકા એટલે કે ૧૦ લાખ કરોડ રૃપિયા સેવિંગ્સ બેન્કમાં પડેલા છે. આ રકમ સમાજના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી આવે છે. ૩.૫ ટકાના વ્યાજ દર મુજબ આજની તારીખમાં બેન્કો સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૩૫,૦૦૦ કરોડ રૃપિયાનું વ્યાજ ચૂકવે છે. હવે વ્યાજમાં ૦.૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાથી બેન્કોએ સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૪૦,૦૦૦ કરોડ રૃપિયાનું વ્યાજ ચૂકવવું પડશે. હકીકતમાં બેન્કોએ સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને ૧૦ ટકા વ્યાજ ચૂકવવું જોઇએ. બેન્કો જો ૧૦ ટકાના દરે વ્યાજ ચૂકવે તો વર્ષે આશરે એક લાખ કરોડ રૃપિયા સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને વ્યાજ તરીકે ચૂકવવા જોઇએ. ફુગાવાના દર કરતાં વ્યાજનો દર વધુ હોવો જોઇએ એ અર્થશાસ્ત્રનો સર્વમાન્ય સિધ્ધાંત છે. આપણી બેન્કો આ નિયમનો ભંગ કરીને ગરીબોને હકીકતમાં લૂંટી રહી છે.
આપણે જોયું કે બેન્કો દ્વારા સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને વર્ષે આશરે એક લાખ કરોડ રૃપિયાની ચૂકવણી થવી જોઇએ. તેને બદલે બેન્કો અત્યાર સુધી વર્ષે ૩૫,૦૦૦ કરોડ રૃપિયાની ચૂકવણી જ કરતી હતી. સામાન્ય માનવીને જે ૬૫,૦૦૦ કરોડ રૃપિયાનું નુકસાન થઇ રહ્યું છે તેનો લાભ કોને થઇ રહ્યો છે ? આ લાભ મોટા ભાગે શ્રીમંતોને અને ઉદ્યોગપતિઓને તથા અમુક અંશે બેન્કોને પણ થઇ રહ્યો છે. બેન્કો સેવિંગ્સ બેન્કના ખાતાધારકોને માત્ર ૩.૫ ટકાનું વ્યાજ આપે છે તેને કારણે તે શ્રીમંતોને મોટર કાર ખરીદવા માટે અને ઉદ્યોગપતિઓને ફેક્ટરી નાંખવા માટે નવથી દસ ટકાના વ્યાજે લોન આપી શકે છે. બીજા શબ્દોમાં ગરીબ અને મધ્યમ વર્ગની પસીનાની કમાણી બેન્કોની લીલા થકી શ્રીમંતો ઓછા વ્યાજમાં પડાવી લે છે અને વધુ શ્રીમંત બને છે. આ રીતે દેશમાં એક બાજુ ગરીબોના રૃપિયાથી ઉદ્યોગોનો વિકાસ થઇ રહ્યો છે અને બીજી બાજુ ગરીબોનું શોષણ થઇ રહ્યું છે. રિઝર્વ બેન્કની આર્થીક નીતિ જો ન્યાયના પાયા ઉપર હોય તો તેણે ગરીબોનેઓછામાં ઓછું ૧૦ ટકા વ્યાજ આપવું જોઇએ અને શ્રીમંતો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરવું જોઇએ. રિઝર્વ બેન્કના ગવર્નરે રેપોરેટમાં ૦.૫ ટકાનો વધારો જાહેર કર્યો ત્યારે તેમણે એવી જાહેરાત પણ કરી કે વ્યાજ દરમાં વધારાને કારણે ભારતના અર્થતંત્રના વિકાસનો દર નવ ટકાથી ઘટીને આઠ ટકા ઉપર આવી જશે. રિઝર્વ બેન્ક દ્વારા બેન્કોને વ્યાજના જે દરે લોન આપવામાં આવે છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. આજની તારીખમાં આ રેપો રેટ ૬.૭૫ ટકા છે, જેને વધારીને ૭.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આપણી બેન્કો લોકોને જે લોન આપે છે તે રેપો રેટમાં પોતાનો નફો ઉમેરીને આપતી હોય છે. ધારો કે કોઇ બેન્ક રેપો રેટ ઉપર ત્રણ ટકાનું માર્જીન ચડાવતી હોય તો તેનો લોનનો બેઝિક દર અત્યારે ૯.૭૫ ટકા છે, જે હવે વધીને ૧૦.૨૫ ટકા થઇ જશે. રેપો રેટમાં વધારો થવાથી ફુગાવાના દરમાં અને વિકાસના દરમાં કેવી રીતે ઘટાડો થાય એ પણ સમજવાની જરૃર છે.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે ત્યારે બેન્કો દ્વારા આપવામાં આવતાં ધિરાણના દરમાં પણ અનિવાર્ય રીતે વૃધ્ધિ થાય છે. રેપો રેટમાં ૦.૫ ટકાનો વધારો કરવામાં આવે ત્યારે બેન્કો દ્વારા આપવામાં આવતી લોનના દરમાં ૦.૫ થી ૧ ટકા જેટલી વૃધ્ધિ થતી હોય છે. વ્યાજના દરમાં એક ટકાની વૃધ્ધિ થવાથી શું ફરક પડે ? એવો સવાલ પણ કેટલાકને થતો હશે. આપણે અગાઉ જોયું કે ભારતની બેન્કો પાસે કુલ આશરે ૫૦ લાખ કરોડ રૃપિયાની ડિપોઝીટો છે, જેને શ્રીમંતોને અને ઉદ્યોગપતિઓને તેમના ધંધાના વિકાસ માટે અથવા મોજશોખ માટે વ્યાજે આપવામાં આવી છે. આ ડિપોઝીટ ઉપર ૧૦ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય તો વાર્ષિક વ્યાજ આશરે પાંચ લાખ કરોડ રૃપિયા જેટલું થાય છે. જો વ્યાજના દરમાં એક ટકાનો વધારો થાય તો ઉદ્યોગપતિઓને અને શ્રીમંતોને મૂડી વાપરવા માટે વર્ષે ૫૦,૦૦૦ કરોડ રૃપિયા વધુ ચૂકવવા પડે. ઇ.સ. ૨૦૧૦ના માર્ચ મહિનામાં રેપો રેટ પાંચ ટકાનો જ હતો. તેમાં છેલ્લા ૧૪ મહિનામાં આઠ વખત વધારો કરીને રેપો રેટ હવે ૭.૨૫ ટકા કરવામાં આવ્યો છે. આ કારણે બેન્કોમાંથી લોન લેનારા લોકો ઉપરના વ્યાજના બોજોમાં આશરે ૨.૨૫ લાખ કરોડ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વ્યાજનો દર વધે એટલે ઉદ્યોગપતિઓ સ્વાભાવિક રીતે જ બેન્કમાંથી લોન લઇને નવા ઉદ્યોગોનો વિકાસ કરવામાં ધીમા પડી જાય છે એટલે વિકાસના દરમાં પણ ઘટાડો થાય છે.
રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધઘટ કરવાની અસર આમઆદમી ઉપર અને શ્રીમંતો ઉપર કેવી થાય છે તે પણ સમજવા જેવું છે. રેપો રેટમાં વધારો થાય ત્યારે બેન્કોના ફિકસ્ડ ડિપોઝીટના દરોમાં તે પ્રમાણમાં વધારો કરવો અનિવાર્ય બની રહે છે. આજથી ૧૪ મહિના અગાઉ રેપો રેટ જ્યારે પાંચ ટકાનો હતો ત્યારે બેન્કોમાં ફિકસ્ડ ડિપોઝીટના વ્યાજનો દર આશરે છ ટકા આસપાસ હતો. હવે રેપો રેટ વધીને ૭.૨૫ ટકા ઉપર પહોંચી ગયો છે ત્યારે ફિકસ્ડ ડિપોઝીટના વ્યાજનો દર પણ વધીને નવથી દસ ટકા ઉપર પહોંચી ગયો છે. આ રીતે એક બાજુ શ્રીમંતો માટે લોન મોંઘી થઇ છે તો બીજી બાજુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેમની ડિપોઝીટ ઉપર વધુ વ્યાજ મળે છે. બેન્કોની ફિકસ્ડ ડિપોઝીટમાં રૃપિયા રોકનારા મોટા ભાગે નોકરિયાતો, પેન્શનરો અને વિધવાઓ હોય છે, જેમનું ઘર વ્યાજની આવક ઉપર ચાલતું હોય છે. આ લોકો દ્વારા આશરે ૪૦ લાખ કરોડ રૃપિયા બેન્કની ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવ્યા છે. બેન્કો તેમને માત્ર નવથી દસ ટકાના દરે વ્યાજ આપે છે. દેશમાં એટલો ફુગાવાનો દર હોવાથી હકીકતમાં વ્યાજ ઝીરો ટકા થઇ જાય છે.
બેન્કોમાં જે લોકો પોતાની બચત ફિકસ્ડ ડિપોઝીટના રૃપમાં જમા કરાવે છે તેમના હિસાબે અને જોખમે શ્રીમંતોને કાર ખરીદવા માટે અને ઉદ્યોગપતિઓને નવાં કારખાનાંઓ નાંખવા માટે હળવા વ્યાજે લોન આપવામાં આવે છે, જેને કારણે એમ કહેવામાં આવે છે કે દેશનો ઝડપી વિકાસ થાય છે. આ રીતે જે વિકાસ થાય છે તેમાં આમઆદમીને ભારે નુકસાન જાય છે અને શ્રીમંતોને ચિક્કાર લાભ થાય છે. આ બધામાં કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક દલાલની ભૂમિકા ભજવે છે. બહુ સરળ ભાષામાં વાત કરીએ તો કેન્દ્ર સરકાર, રિઝર્વ બેન્ક અને દેશની બેન્કો રેપો રેટના પ્રપંચ દ્વારા આમઆદમીની પસીનાની કમાણી સસ્તામાં પડાવી લે છે અને તેને ઉદ્યોગપતિઓને તેમના ધંધાના વિકાસ માટે મફતના ભાવે વાપરવા આપી દે છે.
આ મૂડીમાંથી શ્રીમંતો જે કમાણી કરે તેને દેશનો વિકાસ કહેવામાં આવે છે. વળી શ્રીમંતોને ઓછા વ્યાજે મૂડી વાપરવા મળતી હોવાથી તેઓ છૂટથી ખર્ચાઓ કરે છે, જેને કારણે ફુગાવો વધે છે, જેનો સૌથી વધુ માર આમઆદમીને લાગે છે. જ્યારે ફુગાવો કાબુ બહાર જતો રહે ત્યારે પ્રજાના રોષની આગને ઠારવા વ્યાજના દરમાં પા કે અડધા ટકાનો વધારો કરી આપવામાં આવે છે. આજે આપણને સેવિંગ્સ બેન્કમાં ચાર ટકા અને ફિકસ્ડ ડિપોઝીટ ઉપર જે નવથી દસ ટકા વ્યાજ મળે છે તે હળાહળ અન્યાય છે.

૭/૦૫/૧૧ કનિમોઝીએ પોતાના હાથ કોલસાની દલાલીમાં કાળા કર્યા છેતિહાર જેલમાં કનિમોઝીના સ્વાગતની તૈયારીઓ થઈ ચૂકી છે ઃ કનિમોઝી ક્યાં સુધી સીબીઆઇની કસ્ટડી ટાળ્યા કરશે ?
તામિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિની લાડકી દીકરી કનિમોઝીની જામીન અરજીની સુનાવણી અધૂરી રહી છે. કનિમોઝી માટે કસ્ટડીનો અનુભવ કદાચ એક દિવસ પાછો ઠેલાયો છે. કોઈ માણસ કોલસાનો ધંધો કરે અને તેના હાથ કાળા ન થાય તે સંભવિત નથી. તમિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિની ત્રીજી પત્નીની પુત્રી કનિમોઝી કવયિત્રી હતી, પત્રકાર હતી અને સમાજસેવક પણ હતી. પરંતુ તેણે રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો ત્યારથી જ તેના પતનનો પ્રારંભ થયો હતો. કનિમોઝી પર આરોપે છે કે તેણે ૨-જી કૌભાંડમાં ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ લીધી છે. ભારતના ઘણા રાજકારણીઓ આના કરતા પણ વધુ મોટા કૌભાંડો આચરીને આરામથી છટકી જતા હોય છે. કનિમોઝીની હાલત છીંડે ચડી ગયેલા ચોર જેવી છે.
ભારતના રાજકારણમાં વંશપરંપરાગત શાસનની કોઈ નવાઈ નથી. કેન્દ્રના અને રાજ્યના રાજકારણમાં અનેક પરિવારો એવા છે કે જેમના નબીરાઓને સત્તા વારસામાં મળી છે. કનિમોઝી પણ કરૃણાનિધિના અનેક રાજકીય વારસદારોમાંની એક ગણાતી હતી. કનિમોઝીનું દુર્ભાગ્ય એ છે કે તેને પોતાના પિતાની સત્તા વારસામાં મળે તે પહેલાં પિતાના પાપોની સજા ભોગવવી પડશે. કનિમોઝીએ 'રાજકારણમાં સ્વચ્છતા' બાબતમાં પુસ્તક લખ્યું ત્યારે તેણે કદાચ કલ્પના નહીં કરી હોય કે તેને પણ રાજકારણમાં આવવાની ફરજ પડશે. કનિમોઝી રાજકારણમાં આવી તેની પાછળ કરૃણાનિધિ પરિવાર અને મારન પરિવાર વચ્ચેનો સંઘર્ષ કારણભૂત હતો. કરૃણાનિધિના ભત્રીજા મુરાસોલી મારન ડી.એમ.કે.ના ક્વોટામાંથી કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન બન્યા હતા. તેમના મૃત્યુ પછી તેમનું સ્થાન તેમના પુત્ર દયાનિધિ મારનને આપવામાં આવ્યું હતું. ઇ.સ. ૨૦૦૪ની સાલમાં દયાનિધિ મારન કેન્દ્રના ટેલિકોમ ખાતાના પ્રધાન બન્યા હતા.
ઇ.સ. ૨૦૦૭ના મે મહિનામાં 'દિનકરન' નામના તમિલ અખબારમાં સર્વે છપાયો હતો કે તામિલનાડુની ૭૦ ટકા પ્રજા દયાનિધિને કરૃણાનિધિના વારસ તરીકે જુએ છે, જ્યારે માત્ર બે ટકા પ્રજા કરૃણાનિધિના પુત્ર અઝાગિરીને વારસ તરીકે જૂએ છે. આ 'દિનકરન' દૈનિકની માલિકી દયાનિધિના ભાઈ કલાનિધિ મારનની છે. આ સમાચારથી અકળાયેલા અઝાગિરીના સમર્થકોએ તોફાન મચાવ્યું. તેમણે 'દિનકરન'ની ઓફિસને આગ ચાંપી હતી, જેમાં ત્રણ કર્મચારીઓ બળી મર્યા હતા. આ ઘટના પછી કરૃણાનિધિના પરિવાર અને મારનના પરિવાર વચ્ચે ઊંડી ખાઈ પડી ગઈ હતી. દયાનિધિના ભાઈ કલાનિધિ મારન તામિલનાડુના સૌથી મોટા ખાનગી ટીવી સન ટીવી નેટવર્કના પણ માલિક હતા. કરૃણાનિધિના પરિવારે દયાનિધિના પરિવારને મહાત કરવા પોતાનું ટીવી નેટવર્ક ઉભું કરવાનો નિર્ણય કર્યો હતો. દયાનિધિ મારનને રાજકીય જંગમાં શિકસ્ત આપવાની જવાબદારી કનિમોઝીએ પોતાના શિરે લઈ લીધી હતી. આ કારણ તેને ડીએમકેના ક્વોટામાંથી રાજ્યસભામાં ચૂંટીને દિલ્હી મોકલવામાં આવી હતી અને ક્લાઇગ્નર ટીવીની જવાબદારી પણ તેણે સંભાળી હતી.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં કનિમોઝીની સામેલગીરીની હકીકત નીરા રાડિયાની ટેપથી પ્રકાશમાં આવી હતી. નીરા રાડિયાની કનિમોઝી અને અન્ય વીઆઇપીઓ સાથેની વાતચીત ઉપરથી ખ્યાલ આવતો હતો કે કનિમોઝીને એ. રાજા પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ હતી અન તેની જીદ્દને કારણે જ રાજાને ટેલિકોમ ખાતાના પ્રધાન બનાવવાની બાબતમાં કરૃણાનિધિએ સંમતિ આપી હતી. સીબઆઇએ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં બીજી ફેબુ્રઆરીએ રાજાની ધરપકડ કરી ત્યારથી કનિમોઝી ફરતો ગાળિયો મજબૂત બનતો ગયો હતો.
કનિમોઝીને સન ટીવી નેટવર્ક સામે ક્લાઇગ્નર ટીવીને મજબૂત બનાવવા ભંડોળની સખત જરૃર હતી. તેમણે સન ટીવીના શ્રેષ્ઠ કર્મચારીઓને વધુ ઉંચા પગારની ઓફર આપીને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ જે કમણી કરી હતી તેમાં કરૃણાનિધિ પોતાનો ભાગ માંગે એ સ્વાભાવિક હતું. આ ભાગ ક્લાઇગ્નર ટીવીને ૨૧૪ કરોડ રૃપિયાની લાંચના રૃપમાં ચેકથી આપવામાં આવ્યો હતો. ક્લાઇગ્નર ટીવીમાં કરૃણાનિધિની બીજી પત્ની દયાલુ અમ્માનો ૬૦ ટકા હિસ્સો છે પણ કનિમોઝીનો હિસ્સો માત્ર ૨૦ ટકા છે તેમ છતાં સીબીઆઇએ દયાલુ અમ્માને છોડીને કનિમોઝીને આરોપી બનાવી છે.
સીબીઆઇએ ક્લાઇગ્નર ટીવીમાં ૬૦ ટકા હિસ્સો ધરાવતા દયાલુ અમ્માને ૨-જી કૌભાંડમાં આરોપી નથી બનાવી તેનું કારણ છે. સીબીઆઇ કહે છે કે ક્લાઇગ્નર ટીવીના બધા દસ્તાવેજો અંગ્રેજીમાં છે અને દયાલુઅમ્મા તામિલ સિવાય કોઈ ભાષા જાણતી નથી. વળી ક્લાઇગ્નર ટીવીને શાહીદ બાલવાની કંપની દ્વારા જે રૃા. ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ આપવામાં આવી તેને લગતા કોઈ દસ્તાવેજોમાં દયાલુ અમ્માની સહી નથી આ કારણે સીબીઆઇ એવું માને છે કે દયાલુ અમ્મા આ કૌભાંડમાં સામેલ નથી. નવાઈની વાત એ છ કે સીબીઆઇએ દયાલુ અમ્માને ૨-જી કૌભાંડમાં આરોપી બનાવવાને બદલે સાક્ષી બનાવી છે એટલ તેઓ કનિમોઝી સામે સાક્ષી તરીકે તેની સાવકી માતાનો ઉપયોગ કરવા માગે છે દયાલુ અમ્મા અને કનિમોઝી વચ્ચે કથળેલા સંબંધો જોતાં સીબીઆઇએ આબાદ તીર તાક્યું છે.
ક્લાઇગ્નર ટી.વી.એ ડી.બી. ગુ્રપના મેનેજીંગ ડાયરેક્ટર શાહીદ બલવાની કંપની પાસેથી કેવી રીતે ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ ચેકથી લીધી તેનો ચક્રવ્યૂહ પણ જાણવા જેવો છે. સીબીઆઈએ જ્યારે ક્લાઇગ્નર ટી.વી.ની ઓફિસ ઉપર દરોડાઓ પાડીને તેની બેલેન્સશીટ ચેક કરી ત્યારે તેને જોવા મળ્યું હતું કે ૨૧૪ કરોડ રૃપિયાનીલોન કોઈ પણ જાતની સિક્યોરિટી વિના મળી હતી. કોઈ કંપની બીજી કંપનીને જામીનગીરી વગર આટલી મોટી રકમની લોન આપી શકે નહી. ક્લાઇગ્નર ટીવીને આ લોન સિનેયુગ મિડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તરફથી આપવામાં આવી હગતી. આ કંપનીની માલિકી મોરાની બ્રધર્સની છે, પણ શાહીદ બલવાનો પરિવાર તેમાં ભાગીદાર છે. આ રીતે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ફિલ્મ નિર્માતા મોરાની બ્રધર્સ પણ સંડોવાઈ ગયા હતા.
સીબીઆઇના અધિકારીઓ દ્વારા જ્યારે સિનેયુગ મિડિયા એન્ડ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બેલેન્સશીટ તપાસવામાં આવી ત્યારે તેમાં તને કુસેગાંવ ફ્રૂટસ એન્ડ વેજીટેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની તરફથી ૨૧૨ કરોડ રૃપિયાની લોન કોઈ પણ જાતની જામીનગીરી વગર મળી હોવાનું ખ્યાલમાં આવ્યું હતું. આ કંપનીમાં આસિફ બાલવા અને રાજીવ અગ્રવાલ ભાગીદાર છે. કુસેગાંવ ફ્રુટસ એન્ડ વેજીટેબલ્સ કંપનીને આ લોન શાહીદ બલવાની કંપની ડી.બી. રિયાલ્ટી દ્વારા આપવામાં આવી હતી, જેની સ્વાન ટેલિકોમ કંપનીએ એ. રાજાએ પાણીના ભાવે ૨-જી સ્પેક્ટ્રમની ફાળવણી કરી હતી. આ રીતે સ્વાન ટેલિકોમે ૨૧૪ કરોડ રૃપિયાની લાંચ ચાર કંપનીઓના માધ્યમથી કરૃણાનિધિના પરિવાર સુધી પહોંચાડી હતી. ફેબુ્રઆરી મહિનામાં રાજાની ધરપકડ કરવામાં આવી ત્યારે ક્લાઇગ્નર ટીવીએ પોતાના હાથ ચોખ્ખા દેખાડવા માટે આ લોન સિનેયુગ કંપનીને પાછી આપી દીધી હતી. પરંતુ ભ્રષ્ટાચાર વિરોધી કાયદા મુજબ લીધેલી લાંચ પાછી આપી દેવાથી કાયદાની ચુંગાલમાંથી બચી શકાતું નથી.
કનિમોઝી ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં અન્ય એક રીતે સંડોવાયેલી છે. કનિમોઝીએ તામિલ સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે 'તામિલ મૈય્યમ' નામની એક સેવાભાવી સંસ્થાની પણ સ્થાપના કરી છે. આ સંસ્થાનો ઉપયોગ તેણે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડની લાંચના નાણાં સ્વીકારવા માટે કર્યો હતો. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં જેટલી કંપનીઓને લાભ થયો હતો તેમાંની અનેક કંપનીઓ દ્વારા આ સંસ્થાને માતબર દાન આ સંસ્થાને આપ્યું હતું. એમટીએસ કંપનીએ ૧૦ લાખ રૃપિયાનું અને રિલાયન્સ કેપિટલ કંપનીએ ૨૫ લાખ રૃપિયાનું દાન આ સંસ્થાને આપ્યું હતું. આ બધી કંપનીઓને ઇ.સ. ૨૦૦૮ની ૧૦મી જાન્યુઆરીએ ૨-જી સ્પેક્ટ્રમના લાઇસન્સ આપવામાં આવ્યા તેના પાંચ જ દિવસ અગાઉ આ દાન આપવામાં આવયા હતા. મુંબઈમાં ઓફિસો ધાવતી આ કંપનીઓને તામિલ સાહિત્યના વિકાસમાં કેમ આટલો રસ પેદા થયો એ સમજી શકાય તેવી વાત છે.
કનિમોઝી શુક્રવારે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં હાજર થઈ તે પહેલાં તેણે એવું નિવેદન કર્યું હતું કે તે જામીન નહિ માગે અને કાયદાની પ્રક્રિયાનો સામનો કરશે. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, તે મહિલા તરીકે અદાલતની સહાનુભૂતિ નહી માગે અખબારોમાં મહિલાઓના ગૌરવ બાબતમાં લેખો લખવા એક બાબત છે અને વાસ્તવિક જીવનમાં મહિલા હોવાનો લાભ લેવો એ બીજી બાબત છે. કનિમોઝીના વકીલ રામ જેઠમલાણીની સલાહથી તેણે અદાલતમાં જામીન માટેની અરજી કરી અને મહિલા કાર્ડનો ઉપયોગ પણ કર્યો શુક્રવારે જામીન અરજીની સુનાવણી મોકૂફ રહી છે. જે શનિવારે આગળ ચાલશે. આ બાજુ તિહાર જેલમાં કનીમોઝીનું સ્વાગત કરવાની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. કનિમોઝી ક્યાં સુધી સીબીઆઇની કસ્ટડી ટાળ્યા કરશે ?

૬/૦૫/૧૧ ઓસામાના મૃત્યુનું ઘેરું બનતું રહસ્યઃ તે સીઆઈએનો એજન્ટ હતો ?

એવો દાવો કરવામાં આવે છે કે ઓસામાનું મૃત્યુ ઈ.સ. ૨૦૦૧માં કિડની ફેઈલ થવાથી થયું હતું પણ અમેરિકાએ આ વાત છૂપાવી રાખી હતી
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા કર્યાની જાહેરાત કરી તેના પછી તરત જ અમેરિકાની થિયરીમાં રહેલા ગંભીર વિરોધાભાસો બહાર આવવા લાગ્યા છે. અમેરિકન કમાન્ડો દ્વારા ઓસામા બિન લાદેનને ઠાર મરાયો હોવાની જાહેરાત થઈ તે પછી ઈન્ટરનેટ ઉપર હજારોની સંખ્યામાં વેબ્સાઈટો ફૂટી નીકળી છે, જેમાં અમેરિકાના તથાકથિત જૂઠાણાંનો પર્દાફાશ કરવા માટેના તર્કો આપવામાં આવ્યા છે. ઓસામાની હત્યા પછી ઇન્ટરનેટ ઉપર મૃત ઓસામાની જે તસવીર ફરતી થઈ હતી તે નકલી સાબિત થઈ ચૂકી છે. હવે બરાક ઓબામા કહે છે કે અથડામણમાં ઠાર મરાયેલા ઓસામાની તસવીર એટલી હદે વિકૃત છે કે તેને પ્રદર્શિત કરી શકાય તેમ નથી. અમેરિકા જો ખરેખર ઓસામા બિન લાદેનને ઠાર માર્યો હોય તો તેના મૃતદેહને સાબિતી તરીકે રાખવો જોઈએ. અમેરિકાના દાવા મુજબ તેમણે મૃતદેહનું અરબી સમુદ્રમાં દફન કરી દીધું હોય તો કંઈ નહીં તો છેવટે તેની તસવીર બહાર પાડવી જોઈએ. તાજેતરમાં પ્રતિષ્ઠિત વોલ સ્ટ્રીટ જર્નલે ઓસામાના મૃત્યુ બાબતમાં પાંચ મહત્ત્વની શંકાઓ પ્રગટ કરી છે.
વોલ સ્ટ્રીટ જર્નલ અખબારે ઓસામા બિન લાદેન ખરેખર મર્યો છે કે નહીં તે જાણવા માટે અફઘાનિસ્તાનમાં તાલિબાનના એક કમાન્ડરનો સંપર્ક કર્યો. આ કમાન્ડરે અત્યંત સૂચક જવાબ આપતાં કહ્યું કે, ''અમે 'શેખ ઓસામા'ના મૃત્યુનું સમર્થન નથી કરતા અને ખંડન પણ નથી કરતા. જ્યારે અમેરિકાના દળોએ તાલિબાનના મુખ્ય લશ્કરી કમાન્ડર મુલ્લા દાદુલ્લાને ઠાર કર્યો ત્યારે તેમણે તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું હતું અને તેની ફિલ્મ દુનિયાભરમાં દર્શાવી હતી. શા માટે તેઓ ઓસામાની ફિલ્મ પણ બહાર નથી પાડતા ?''
વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકારે પાકિસ્તાનના અબોટાબાદની મુલાકાત લીધી અને ત્યાંના લોકો સાથે પણ વાતચીત કરી. અબોટાબાદના લોકોએ રવિવારની રાતે કોઈ અથડામણ અને ગોળીબાર થયા હોવાની વાત સ્વીકારી પણ તેમાંના બધાએ કહ્યું કે તેમણે ઓસામાના કે કોઈના મૃતદેહને મકાનની બહાર લઈ જવાતા જોયા નથી. અબોટાબાદના લોકોને તો લાગે છે કે આ પાકિસ્તાનને બદનામ કરવાનું અમેરિકી કાવતરું છે. અબોટાબાદનો હાજી લિયાકત નામનો દુકાનદાર કહે છે કે ''પાકિસ્તાન ઓસામાને સંરક્ષણ આપતું હતું એવું પુરવાર કરવા માટેનું આ માત્ર નાટક જ છે.'' અબોટાબાદમાં રહેતો વકીલ ઓવૈસ ખાન કહે છે કે ''આ બધી ઉપજાવી કાઢવામાં આવેલી વાતો છે. અમારા ગામમાં કોઇએ ઓસામાના મૃતદેહને જોયો નથી.'' જે ગામમાં અમેરિકાના કમાન્ડોએ ઓસામાને ઠાર મારવાનો દાવો કર્યો છે તે ગામના લોકો પણ અમેરિકાની વાત માનવા તૈયાર નથી થતા.
ઇજિપ્તના બેન્ક મેનેજર મોહમ્મદ અલીએ વોલ સ્ટ્રીટ જર્નલના પ્રતિનિધિને જણાવ્યું હતું કે, ''ઓસામાનું મોત પાંચ વર્ષ અગાઉ થઇ ચૂક્યું છે. અમેરિકા આ સમાચારને છૂપાવતું રહ્યું છે, જેથી તે આરબ દેશો પાસેથી ધન પડાવી શકે અને બધાને ભયભીત રાખી શકે.'' કેરોમાં રહેતા સુલેમાન નામના રહેવાસીએ વોલ સ્ટ્રીટ જર્નલના સંવાદદાતાને કહ્યું હતું કે ''ઓસામાના મોત બાબતમાં અનેક શંકાઓ છે. તેમણે ઓસામાને અત્યારે શા માટે માર્યો ?'' ઓસામા બિન લાદેનનો જ્યાં જન્મ થયો હતો તે સાઉદી અરેબિયાના ઘણા લોકો પણ ઓસામા પાકિસ્તાનમાં ઠાર મરાયો હતો એ વાત માનવા તૈયાર નથી. સાઉદીના પાટનગર રિયાધના એક બેન્કરે તો ત્યાં સુધી કહ્યું હતું કે ''મને તો અલ-કાયદા જેવા ત્રાસવાદી સંગઠનના અસ્તિત્વ બાબતમાં જ શંકા છે. તો તેના વડા ઓસામાની વાત જ ક્યાં આવે છે ?''
ઓસામા બિન લાદેનની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી ત્યારના સંયોગો બાબતમાં ખુદ અમેરિકાનાં નિવેદનો પણ બદલાતાં રહ્યાં છે. વ્હાઈટ હાઉસે પહેલા જણાવ્યું હતું કે સામસામા ગોળીબારમાં ઓસામાને ઠાર મારવામાં આવ્યો છે. હવે તેઓ કહે છે કે ઓસામાને જ્યારે ઠાર કરવામાં આવ્યો ત્યારે તેની પાસે કોઈ હથિયાર નહોતું. જો ઓસામા પાસે કોઇ શસ્ત્ર નહોતાં તો તેને જીવતો શા માટે પકડવામાં ન આવ્યો ? મૃત ઓસામાની તસવીર પ્રગટ કરવા બાબતમાં પણ વ્હાઈટ હાઉસ નિવેદનો બદલી રહ્યું છે. અગાઉ તેણે કહ્યું હતું કે લોકોની શંકાઓ દૂર કરવા આ તસવીર પ્રગટ કરવામાં આવશે. હવે પ્રમુખ ઓબામાએ તેનો સાફ ઇનકાર કર્યો છે. તેને કારણે શંકા વધુ ઘેરી બને છે.
અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા ઓસામા બિન લાદેનને જીવતો પકડવાને બદલે તેને ઠાર કરવામાં આવ્યો તેને પણ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. સીઆઈએ સંસ્થાએ પહેલા જાહેર કર્યું છે કે તેમને ઓસામાને ઠાર મારવાનો આદેશ જ આપવામાં આવ્યો હતો. પછીથી તેમણે ઉમેર્યું હતું કે અમને ઓસામાને જીવતો પકડવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. જો ઓસામા પાસે શસ્ત્રો નહોતાં અને તેણે અમેરિકન દળોનો સામનો નહોતો કર્યો તો તેને શા માટે ઇરાકના પ્રમુખ સદ્દામ હુસૈનની જેમ જીવતો પકડવામાં ન આવ્યો ? શું અમેરિકાના કાયદાઓ અથવા આંતરરાષ્ટ્રીય કાયદાઓ નિઃશસ્ત્ર આરોપી ઉપર ગોળીબાર કરીને તેને ઠાર મારવાની છૂટ આપે છે ? જો ઓસામાને જીવતો પકડવામાં આવ્યો હોત તો તેની પૂછપરછમાં અલ-કાયદાના વિશ્વભરના નેટવર્ક અને આગામી યોજનાઓ બાબતમાં મહત્ત્વની માહિતી મળી શકી હોત. અમેરિકાએ આ તક કેમ જતી કરી ? અમેરિકાએ જ્યારે સદ્દામ હુસૈનના પુત્રોને ઠાર કર્યા ત્યારે તેમના મૃતદેહોની જાહેરમાં પરેડ કરી હતી. તેમણે સદ્દામ હુસૈનને જીવતો પકડયો હતો અને તેની ઉપર ખટલો ચલાવી તેને ફાંસીની સજા કરી હતી. ઓસામા ઉપર ખટલો ચલાવ્યા વિના તેને ઠાર કરવાની અમેરિકાને કોણે છૂટ આપી હતી ? સંભવ છે કે ઓસામાને જીવતો પકડવાથી અમેરિકાનો ભાંડો ફૂટી જાય તેમ હોવાથી જ તેને ઠાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઓસામા બિન લાદેનને ઠાર માર્યા પછી તેના મૃતદેહને રાખી મૂકવાને બદલે અમેરિકાએ જે ઝડપથી અરબી સમુદ્રમાં તેને પધરાવી દીધો હોવાની જાહેરાત કરી તે પણ શંકા પ્રેરે તેવી હરકત છે. અમેરિકાએ એવી જાહેરાત કરી હતી કે ઓસામાના મૃતદેહને અરબી સમુદ્રમાં 'દફનાવતા' પહેલા તેની ડીએનએ ટેસ્ટ કરવામાં આવી હતી, જે ૯૯ ટકા ખરી પડી હતી. જોકે હજી સુધી અમેરિકા ડીએનએ પરીક્ષણનું પરિણામ પણ જાહેર કરી શક્યું નથી. અમેરિકાએ એવી જાહેરાત પણ કરી હતી કે ઓસામાના મૃતદેહને ઇસ્લામિક વિધિ મુજબ દફનાવવામાં આવ્યો હતો. ઇસ્લામમાં મૃતદેહને જમીનમાં દફનાવવાનું કહેવામાં આવ્યું છે. તેને સમુદ્રમાં દફનાવવાની વાત ઇસ્લામમાં ક્યાંય લખવામાં આવી નથી. અમેરિકાને કદાચ ડર હતો કે ઓસામાના મૃતદેહને જમીનમાં દફનાવવામાં આવે તો તેને ખોદી કાઢીને તેની ડીએનએ ટેસ્ટ કરવાની માંગણી થઈ શકે છે. જે અમેરિકા પુરાવા તરીકે મૃતદેહની તસવીર પણ પ્રગટ કરવાની સ્થિતિમાં નથી તે કેવી રીતે નકલી મૃતદેહને અસલી પુરવાર કરી શકે ? આ કારણે જ તેને સમુદ્રમાં પધરાવી દેવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઇન્ટરનેટની એક વેબ્સાઈટ ઉપર ઓસામા બિન લાદેનનું સિલસિલાબંધ જીવનચરિત્ર મૂકવામાં આવ્યું છે, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે ઈ.સ. ૧૯૭૯થી ૧૯૯૭ દરમિયાન ઓસામા બિન લાદેને સીઆઈએના એજન્ટ તરીકે કામ કર્યું હતું અને તેનું સાંકેતિક નામ ''ટીમ ઓસ્માન'' રાખવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં રહેલા રશિયન સૈન્ય સામે લડવા માટે સીઆઈએ દ્વારા ઓસામાને અને તેના સાગરીતોને લશ્કરી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન ઓસામાએ અમેરિકાના લશ્કરી થાણાંઓની પણ મુલાકાત લીધી હતી અને તેને વ્હાઈટ હાઉસની મુલાકાતે પણ લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાના લશ્કરે કુવૈતની લડાઈ માટે સાઉદી અરેબિયામાં ઘૂસણખોરી કરી ત્યારથી ઓસામા અમેરિકાનો દુશ્મન બની ગયો હતો.
ઓસામા બિન લાદેનનો પરિવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશના પરિવાર સાથે સાઉદી અરેબિયામાં ધંધાદારી ભાગીદારી ધરાવતો હતો એવો ચોંકાવનારો ઘટસ્ફોટ અમેરિકન લેખક પિટર બુ્રટને ''ધ માફિયા, સીઆઈએ એન્ડ જ્યોર્જ બુશ'' નામના પુસ્તકમાં કર્યો છે. ઓસામા બિન લાદેનના ભાઈ સાલેમે અમેરિકામાં પોતાના પ્રતિનિધિ તરીકે હ્યુસ્ટનના ઇન્વેસ્ટમેન્ટ બ્રોકર જેમ્સ બાથની નિમણૂંક કરી હતી. આ જેમ્સ બાથે જુનિયર બુશને ઈ.સ. ૧૯૭૭ની સાલમાં પોતાની પહેલી કંપની 'આરબસ્ટો એનર્જી'ની સ્થાપના કરવા માટે ૫૦,૦૦૦ ડોલરની મદદ કરી હતી. તે વખતે જ્યોર્જ બુશના પિતાશ્રી સીઆઈએના ડીરેક્ટર હતા. તેમણે પોતાના પુત્રના ભાગીદાર બનેલા સાલેમ બિન લાદેનના ભાઈ ઓસામાની ભરતી સીઆઈએના જાસૂસ તરીકે કરી હતી.
અમેરિકાના પ્રોફેસર ડેવિડ ગ્રિફિને 'ઓસામા બિન લાદેન ઃ ડેડ ઓર અલાઈવ ?' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઓસામાનું મૃત્યુ ઈ.સ. ૨૦૦૧ની ૧૩મી ડિસેમ્બરે અફઘાનિસ્તાનમાં કિડનીની બીમારીને કારણે થયું હતું પણ પોતાની 'આતંકવાદ સામેની લડાઈ' ચાલુ રાખવા અમેરિકાએ આ હકીકત છૂપાવી રાખી હતી. ત્યાર બાદ ઓસામા બિન લાદેનની જેટલી પણ ટેપો બહાર પાડવામાં આવી એ તમામ બનાવટી હતી. હવે જ્યારે અમેરિકા અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ સમેટી લેવા માંગે છે ત્યારે પ્રમુખ ઓબામા માટે ઓસામાને મારવો જરૃરી હતો, માટે તેને 'મારી' નાંખવામાં આવ્યો છે. એટલું નક્કી છે કે આ પ્રકરણમાં જે કાંઈ જાહેર કરવામાં આવ્યું છે એ બધું સાચું હોય તેવું લાગતું નથી. સાચું શું છે તેની જાણ કદાચ દુનિયાને ક્યારેય નહીં થાય.
- સુપાર્શ્વ મહેતા

૫/૦૫/૧૧ કનિમોઝીની ધરપકડ સમયે કરુણાનિધિના પુત્રીપ્રેમની કસોટી થઈ જશેકરુણાનિધિની અંદર રહેલો રાજકારણી તેમને ટેકો ચાલુ રાખવાની સલાહ આપી રહ્યો છે તો બાપનું દિલ કોંગ્રેસ સાથે છેડો ફાડવા ઉશ્કેરી રહ્યું છે
જે દીકરીની લગ્ન કરવાની ઉંમર હોય તેને પરણાવીને સાસરે વળાવવાને બદલે જેલમાં વળાવવાની નોબત આવે ત્યારે એક પિતાના હૃદયમાં શું થતું હશે ? તમિલનાડુના મુખ્યપ્રધાન કરુણાનિધિ પોતાની જતી જિંદગીએ લાગણીઓના જબરદસ્ત વાવાઝોડા વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. કરુણાનિધિની પુત્રી કનિમોઝીની કંપની ક્લાઇગ્નર ટીવીએ ૨-જી સ્પેક્ટ્રમ કેસમાં શાહીદ બાલવાની કંપની ડી. બી. રિયાલ્ટી પાસેથી ૨૦૦ કરોડ રૃપિયાની લાંચ લીધી હતી, એવો ગંભીર આરોપ તેના ઉપર છે. સીબીઆઇની બીજી ચાર્જશીટમાં આરોપી તરીકે કનિમોઝીનું નામ છે. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટ સમક્ષ કનિમોઝીને છઠ્ઠી મેના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તમામ સંભાવનાઓ એવી છે કે આ દિવસે સીબીઆઇ કનિમોઝીની ધરપકડ કરીને તેને કસ્ટડીમાં મોકલી આપશે. આ દિવસે કનિમોઝીને વળાવવા કરૃણાનિધિ ખુદ સીબીઆઇની અદાલતમાં હાજર રહેશે એવું કહેવાય છે. જો કે તેમને એ વાતનો અફસોસ હશે કે તેઓ કનિમોઝી સાથે જેલમાં જઈ શકશે નહીં. એક રાજકારણી અને એક પિતા વચ્ચેનો તુમુલ સંઘર્ષ આ પ્રસંગે આપણને જોવા મળશે.
કહેવાય છે કે પ્રેમમાં અને લડાઈમાં બધું ચાલે છે હવે તેમાં રાજકારણનું નામ ઉમેરવું પડશે. તમિલનાડુના રાજકારણના ભીષ્મપિતામહ ગણાતા કરૃણાનિધિની હાલત મહાભારતના યુદ્ધમાં બાણશૈયા ઉપર સૂતેલા ભીષ્મ પિતામહ જેવી છે. કેન્દ્રની યુપીએ સરકારમાં કરુણાનિધિનો પક્ષ ડીએમકે ભાગીદાર છે. કોંગ્રેસને સત્તા ટકાવી રાખવા ડીએમકેના ટેકા વિના ચાલે તેમ નથી એ હકીકતનો જેટલો લેવાય તેટલો લાભ કરૃણાનિધિએ લીધો છે. ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા ડીએમકેના પ્રતિનિધિ હતા અને કરુણાનિધિના ચાર હાથ તેમના ઉપર હતા કોંગ્રેસના ગઠબંધન ધર્મની લાચારીનો લાભ લઈને એ. રાજા અને કરૃણાનિધિના પરિવારે દેશની તિજોરીના અબજો રૃપિયા ઉપર બાદશાહી લૂંટ ચલાવી હતી. સુપ્રીમ કોર્ટના દબાણને કારણે યુપીએ સરકારને આ કૌભાંડની તળિયાઝાટક તપાસ સીબીઆઇ પાસે કરાવવી પડી હતી, જેમાં ડીએમકેના નેતાઓ પણ ભીંસમાં આવી ગયા છે.
આ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં સીબીઆઇએ કરૃણાનિધિના પ્રીતિપાત્ર એ. રાજાની ધરપકડ કરી ત્યારે કરુણાનિધિ કેન્દ્રની યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની ગંભીર વિચારણા કરી હતી. તે વખતે તેમને સલાહકારોએ કહ્યું હતું કે કેન્દ્રમાં જેમ કોંગ્રેસને ડીએમકેની જરૃર છે તેમ ડીએમકેને તમિલનાડુમાં જયલલિતા સામે લડવા માટે કોંગ્રેસના ટેકાની જરૃર છે. આ કારણે કરૃણાનિધિ કડવો ઘૂંટડો ગળી ગયા હતા. જ્યારે સીબીઆઇએ ચાર્જશીટમાં કનીમોઝીનું નામ દાખલ કર્યું ત્યારે કરૃણાનિધિનું પથ્થર જેવું દિલ પીગળી ગયું હતું. આ તબક્કે જ્યારે એક મહિલા પત્રકારે કરૃણાનિધિને પૂછ્યું કે, ''શું તમે કોંગ્રેસ સાથેે છેડો ફાડી કાઢશો ?''ત્યારે કરૃણાનિધિ લાગણીના આવેશમાં જવાબ આપ્યો હતો કે, ''એક મહિલા તરીકે તમારે આવો દયાહીન સવાલ પૂછવો ન જોઈએ.'' રાજકારણીઓ પણ આખરે માનવ હોય છે અને તેમને પણ માનવસહજ સંવેદનાઓ થતી હોય છે, તેનો જવાબ કરૃણાનિધિના જવાબ પરથી આવતો હતો.
કરૃણાનિધિના પક્ષે યુપીએ-૧ અને યુપીએ-૨ સરકારને ટેકો આપીને તેને બ્લેકમેઇલ કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. કેન્દ્ર સરકારમાં જ્યારે પ્રધાન મંડળની રચના થવાની હોય અને ખાતાઓની વહેંચણી થવાની હોય ત્યારે કરૃણાનિધિ ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપીને પોતાનું ધાર્યું કરાવી જતા. આજેે જ્યારે કરુણાનિધિની સગી પુત્રી જેલના સળિયા પાછળ ધકેલાઈ જવાની છે ત્યારે જ કરૃણાનિધિ કેન્દ્ર સરકારને બ્લેક મેઇલ કરવાની સ્થિતિમાં નથી. કનિમોઝીના મુદ્દે કોંગ્રેસ સાથે છેડો ન ફાડી નાખવાની સલાહ કરૃણાનિધિને ડીએમકેના ટોચના નેતાઓ આપી રહ્યા છે, જેમાં કરૃણાનિધિના પુત્રો સ્ટાલિન અને અઝાગિરિનો પણ સમાવેશ થાય છે. તેમનું માનવું છે કે જો કનિમોઝીના મુદ્દે કરૃણાનિધિ યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે તો તેમને કોઈ ફાયદો નથી પણ નુકસાન જ નુકસાન છે. આ સલાહ સ્વીકારીને કરૃણાનિધિ પોતાના દિલ ઉપર પથ્થર મૂકીને કનિમોઝીની ધરપકડ માટે મનોમન તૈયારી કરી લીધી છે. અત્યારે તો એવું દેખાઈ રહ્યું છે કે કરુણાનિધિની અંદર રહેલા રાજકારણીની જીત થઈ છે અને પિતાની હાર થઈ છે.
૪૩ વર્ષની ઉંમર સુધી કાચીકુંવારી રહેલી કનિમોઝી કરૃણાનિધિની પુત્રી હોવા ઉપરાંત તેમના રાજકીય વારસદારોમાંની એક છે. કનિમોઝી ઇ.સ. ૨૦૦૭ની સાલમાં રાજકારણમાં આવી તે પહેલાં તે કવિતાઓ અને નિબંધો લખતી હતી. કરૃણાનિધિએ એક વખત કનિમોઝીને પોતાની સાહિત્યિક વારસદાર ગણાવી હતી. ઇ.સ. ૨૦૦૭માં કનિમોઝીના લેખોનો એક સંગ્રહ પ્રસિદ્ધ થયો હતો, જેમાં સ્વચ્છ રાજકારણ કેવું હોવું જોઈએ તેની ચર્ચા કરવામાં આવી હતી. હજી બે વર્ષ અગાઉ કનિમોઝીનો કાવ્ય સંગ્રહ બહાર પડયો હતો. આજે કનિમોઝી પોતે રાજકારણની ગંદકીનો શિકાર બની ગઈ છે.
કનિમોઝીનો રાજકારણમાં અને જાહેર જીવનમાં પ્રવેશ ડીએમકેમાં નિર્માણ પામેલી તાકીદની પરિસ્થિતિના જવાબના રૃપમાં થયો હતો. કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન દયાનિધિ મારનના પિતાશ્રી મુરાસોલી મારન કરૃણાનિધિના ભત્રીજા હતા. દયાનિધિ કેન્દ્રમાં ડીએમકેના ક્વોટામાંથી પ્રધાન બન્યા હતા. દયાનિધિ મારન તમિલનાડુમાં નંબર વન ગણાતું સન ટીવી નેટવર્ક ચલાવે છે. ઇ.સ. ૨૦૦૭ની સાલમાં દયનાધિ મારન અને કરૃણાનિધિના પરિવાર વચ્ચે વિખવાદ થતા દયાનિધિ મારનને કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. કનિમોઝી પહેલેથી જ એ. રાજા પ્રત્યે કૂણી લાગણી ધરાવતી હતી. કનિમોઝીની જીદના કારણે એ. રાજાને કેન્દ્રમાં ટેલિકોમ પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે સાથે કનિમોઝી રાજ્યસભાની ટિકિટ આપીને સંસદમાં મોકલવામાં આવી હતી.
દયાનિધિ મારનની વિદાયથી દિલ્હીમાં પડેલો રાજકીય શૂન્યવાકાશ પુરવા ઉપરાંત કનિમોઝીએ દયાનિધિના સન ટી.વી. નેટવર્કને પડકારવા માટે કલાઇગ્નર ટી.વી.ની સ્થાપના કરી હતી અને તેનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. સન ટી.વી.ના ટોચના કર્મચારીઓને ઊંચા પગારની ઓફરો આપીને ક્લાઇગ્નર ટીવીમાં ખેંચી લાવવામાં આવ્યા હતા. કલાઇગ્નર ટી.વી.માં કરૃણાનિધિની બીજી પત્ની દયાલુ અમ્માનો ૬૦ ટકા હિસ્સો છે તો કનિમોઝીનો ૨૦ ટકા હિસ્સો છે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ ડી.બી. ગુ્રપની સ્વાન ટેલિકોમની તરફેણ કરી તેના બદલામાં ડી.બી. ગુ્રપે અન્ય કંપની મારફતે ૨૦૦ કરોડ રૃપિયા લાંચના રૃપમાં ક્લાઇગ્નર ટી.વી.ના ખાતામાં જમા કરાવ્યા હતા. એ. રાજાની ધરપકડ થઈ ત્યારે ક્લાઇગ્નર ટી.વી.એ આ રકમ વ્યાજ સાથે પરત કરી દીધી હતી. તો પણ કનિમોઝી સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કેસ થયો છે અને ચાર્જશીટમાં તેનું નામ ૧૭મા નંબરના આરોપી તરીકે લખવામાં આવ્યું છે. કનિમોઝીનું ચાર્જશીટમાં નામ આવ્યું તેનો સૌથી વધુ આનંદ દયાનિધિ મારનને થયો હશેેે. તેમણ કલાઇગ્નર ટીવીને પ્રતિબંધિત કરવાની માગણીને ટેકો આપ્યો છે.
તમિલનાડુના મુખ્યપ્રધાન કરૃણાનિધિનો પરિવાર એક સરકસ જેવો છે. કરૃણાનિધિએ ત્રણ વખત લગ્ન કર્યા છે. તેમની પહેલી પત્ની પદ્માવતી સ્વર્ગવાસીછે. તેનો પુત્ર એમ. કે. મુથુ રાજકારણમાં થી. પદ્માવતીના મૃત્યુ પછી કરૃણાનિધિએ દયાલુઅમ્મા સાથે લગ્ન કર્યા હતા. દયાલુ અમ્માને ચાર સંતાનો થયા, જેમાં ત્રણ પુત્રો અને એક પુત્રી હતી તે પૈકી સ્ટાલિન આજે તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન છે અને અઝાગિરિ કેન્દ્રમાં પ્રધાન છે. દયાલુઅમ્માની પુત્રી સેલ્વી છે. કરઋણાનિધિએ તેમની બીજી પત્ની દયાલુઅમ્માની હયાતીમાં ત્રીજી પત્ની રજથીઅમ્માલ સાથે લગ્ન કર્યા તેને કારણે તેમના કુટુંબીજનો પણ તેમની વિરૃદ્ધમાં થઈ ગયા હતા. કનિમોઝી આ ત્રીજી પત્ની રજથીઅમ્માલની એકમાત્ર પુત્રી છે અને કરૃણાનિધિના છ સંતાનોમાં સૌથી નાની છે. કારણે કરૃણાનિધિને કનિમોઝી પ્રત્યે વિશેષ સ્નેહ હોય તે સ્વાભાવિક છે. આ સ્નેહની કસોટી હવે આવનારા દિવસોમાં થવાની છે. કનિમોઝીની ધરપકડને પગલે કરૃણાનિધિની કેન્દ્રની યુ.પી.એ. સરકાર સાથે છેડો નહિ જ ફાડી નાંખે એવું હજી સુધી ડીએમકેના કોઈ નેતા છાતી ઠોકીને કહી શકે તેમ નથી. તમિલનાડુમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીઓ થઈ છે. તેનું પરિણામ ૧૩મી મેના રોજ જાહેર થવાનું છે. આ ચૂંટણીમાં જો જયલલિતાનો પક્ષ જીતી જશે તો કરૃણાનિધિ ઉપર તેઓ રાજકીય વેર વાળ્યા વગર રહેશે નહીં. આ સંયોગોમાં કરૃણાનિધિને કેન્દ્રની ઢાલની જરૃર રહેશે. જો તમિલનાડુમાં ડીએમકેને સૌથી વધુ બેઠકો મળે તો પણ કરૃણાનિધિને સરકાર રચવા કોંગ્રેસના ટેકાની જરૃર પડશે. આ સંયોગોમાં કોંગ્રેસ સાથે છેડો ફાડવાનો નિર્ણય કરૃણાનિધિ માટે રાજકીય આપઘાત જેવો પુરવાર થશે. કરૃણાનિધિના પુત્રો સ્ટાલિન અને અઝાગિરિએ તો સલાહ આપી જ દીધી છે કે કનિમોઝીના મુદ્દે યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેવાની જરૃર નથી. કરૃણાનિધિમાં રહેલો રાજકારણી તેમને કોંગ્રેસનો સાથ નિભાવવાની સલાહ આપે છે તો તેમની અંદર બેઠેલો બાપ તેમને કોંગ્રેસ સાથ છેડો ફાડી નાંખવા માટે ઉશ્કેરી રહ્યો છે. કરૃણાનિધિ કયા અવાજને મહત્ત્વ આપે છે તે જોવાનું રહે છે.

૪/૦૫/૧૧ ઓસામા બિન લાદેનનું મોત અમેરિકાનું વધુ એક જૂઠાણું છે?


ઈન્ટરનેટ ઉપર એવી 'કોન્સ્પિરસી થિયરી'' વહેતી થઈ છે કે ઓસામા બિન લાદેનનું મૃત્યુ વર્ષો અગાઉ થઈ ગયું હતું અથવા તે હજી જીવિત છે
અમેરિકા દ્વારા ઓસામા બિન લાદેનને હણી નાંખવાની જાહેરાત કરવામાં આવી તેના ગણતરીના કલાકોમાં ઈન્ટરનેટની હજારો વેબ્સાઈટ ઉપર એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ આ જાહેરાત કરીને દુનિયાભરની પ્રજા સાથે એક મોટી ઠગાઈ કરી છે. આ પ્રચાર કરનારાઓ કહે છે કે ઓસામા બિન લાદેન કદાચ વર્ષો અગાઉ મૃત્યુ પામ્યો હતો અને કદાચ હજી પણ દુનિયાના કોઈ અજ્ઞાાત ખૂણામાં જીવી રહ્યો છે. તેમના આક્ષેપ મુજબ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમની ઘટી રહેલી લોકપ્રિયતાને ટકાવી રાખવા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકાનું લશ્કર પાછું ખેંચી લેવા પાકિસ્તાનના અબોટાબાદમાં ઓસામાની હત્યાનું નાટક ભજવ્યું છે. ઓસામાનું મોત નકલી હતું એવું સૂચવતું એક જૂથ પણ ફેસબુક ઉપર ‘‘Osama bin Laden NOT DEAD'' ના નામે શરૃ થયું છે.
ઓસામા બિન લાદેનના મૃત્યુની જાહેરાત સાથે જ ઓસામાના લોહી નીતરતા ચહેરા સાથેની એક તસવીર કેટલીક વેબ્સાઇટો ઉપર તરતી મૂકવામાં આવી હતી. આ તસવીર ઓસામાના મૃતદેહની છે, એવું માનીને કેટલાક અખબારોએ તેને પહેલે પાને પ્રગટ કરી હતી. હવે એવું બહાર આવ્યું છે કે આ તસવીર નકલી હતી અને તેને અમેરિકાના સત્તાવાળાઓ દ્વારા પ્રગટ જ કરવામાં નહોતી આવી. ફેસબુક ઉપર એક સભ્યે સવાલ કર્યો હતો કે ''જો ઓસામા મરી ગયો હોય તો મને તેનો મૃતદેહ બતાડો અથવા તેની તસવીર બતાવો. જો અમેરિકનો એવો દાવો કરતા હોય કે તેમણે ઓસામાને મારી નાંખ્યો છે તો તેમને મૃત ઓસામાની તસવીર બતાવીને લાભ જ થવો જોઈએ.''
ફેસબુક ઉપર એલેક્સ નામનો અમેરિકન રેડિયો જોકી કહે છે કે ''ઓસામા વર્ષો અગાઉ મરી ગયો હતો પણ અમેરિકા ત્રાસવાદ સામેની લડાઈને વાજબી ઠરાવવા તેના બનાવટી વિડીયો બહાર પાડયા કરતું હતું. હવે તેણે ઓસામા મરી ગયો હોવાની ખોટી જાહેરાત કરીને આ જૂઠાણાં ઉપર પડદો પાડયો છે.'' માઈકલ વોકર નામના અમેરિકન બ્લોગરે જણાવ્યું છે કે ''જો ઓસામા ખરેખર મરાયો હોય તો અમેરિકાની સરકારે તેનો મૃતદેહ મેનહટનમાં ગ્રાઉન્ડ ઝીરો પાસે જાહેર પ્રદર્શન માટે મૂકવો જોઈએ.'' ઓસામાના મૃતદેહની એકપણ તસ્વીર બહાર પાડયા વિના તેને જમીન ઉપર દફનાવવાને બદલે દરિયામાં પધરાવી દેવામાં આવ્યો તેને કારણે પણ શંકા બળવત્તર બની છે.
અમેરિકાના કેટલાક નાગરિકો એવું પણ માને છે કે પ્રમુખ ઓબામાએ હજી બે દિવસ પહેલાં જ ઈ.સ. ૨૦૧૨માં આવનારી પ્રમુખપદની ચૂંટણીની ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશને સફળ બનાવવા અને બીજી મુદ્દત માટે પ્રમુખ બનવા ઓબામાએ આ જૂઠાણું વહેતું મૂક્યું છે. અમેરિકાની સીન્ડી શીહાન નામની મહિલાનો પુત્ર ઈરાકના યુદ્ધમાં માર્યો ગયો હતો. સીન્ડીએ ફેસબુક ઉપર લખ્યું છે, ''આઈ એમ સોરી! જો તમે માનતા હો કે ઓસામા બિન લાદેન માર્યો ગયો છે, તો તમે મૂર્ખ છો. જ્યારે અમેરિકાએ સદ્દામના દીકરાઓને મારી નાંખ્યા ત્યારે તેમણે તેમના મૃતદેહોની પરેડ કરાવી હતી. તો શા માટે લાદેનના મૃતદેહને તેમણે દરિયામાં પધરાવી દીધો?''
ઓસામાના મૃત્યુ પછી વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત ઓસામાની તસવીર પ્રગટ કરવી કે નહીં એ બાબતમાં તેમણે હજી સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેને કારણે મુસ્લિમ જગતમાં વિક્ષોભ પેદા થઈ શકે છે. ઓસામાના મૃતદેહનું દરિયામાં દફન કરવા બાબતમાં સત્તાવાળાઓ કહે છે કે તેમણે તેનું ઈસ્લામિક વિધિ મુજબ દફન કર્યું છે. મુસ્લિમ મૌલવીઓ કહે છે કે ઈસ્લામમાં મૃતદેહનું દરિયામાં દફન કરવાની વિધિ ક્યાંય જણાવવામાં આવી નથી. વ્હાઈટ હાઉસ કહે છે કે ઓસામાની કબર ભવિષ્યમાં ત્રાસવાદીઓ માટે સ્મારક ન બની જાય તે માટે તેના મૃતદેહને દરિયામાં દફનાવી દેવામાં આવ્યો છે. વ્હાઈટ હાઉસના સત્તાવાળાઓ કહે છે કે ઓસામા બિન લાદેનના મૃતદેહની ઓળખ કરવા માટે તેના ઉપર ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમેરિકાના દાવા મુજબ ઓસામાની બહેન થોડા સમય અગાઉ બોસ્ટનની મેસેચ્યુસેટ્સ જનરલ હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી. તેનું ડીએનએ સાચવી રાખવામાં આવ્યું હતું અને ઓસામાના ડીએનએ સાથે તેની સરખામણી કરવામાં આવી હતી. ન્યુયોર્ક ટાઈમ્સ અખબારે આ હોસ્પિટલના સત્તાવાળાઓનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે આ હેવાલને સમર્થન આપવાનો ઈનકાર કરી દીધો હતો.
અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેન માર્યો ગયો નથી એવું માનનારાઓ તેનાં પાંચ કારણ રજૂ કરે છે, જે આ મુજબ છે.
(૧) જે શખ્સ માર્યો ગયો તે ઓસામા બિન લાદેન નહોતો. તેઓ કહે છે કે તેમણે ડીએનએ ટેસ્ટ કર્યો છે, પણ તમે કે હું ક્યાં જોવા ગયા છીએ? કદાચ ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં ક્યાંક માર્યો ગયો હતો અથવા અમેરિકાએ માની લીધું હતું કે તે માર્યો ગયો છે. તેમણે ઓસામાના મૃતદેહને દરિયામાં પધરાવી દેવાનો દાવો કર્યો તેને કારણે જ આ શંકા વધુ ને વધુ મજબૂત બનતી રહેવાની છે.
(૨) અમેરિકાના સત્તાવાળાઓ કહે છે કે તેમણે આઠ મહિના પહેલા ઓસામાને શોધી કાઢ્યો હતો. તો પછી તેમને ઓસામાને ખતમ કરવામાં આઠ મહિનાનો વિલંબ કેમ થયો? સંભવ છે કે તેમણે થોડાક મહિના પહેલા ઓસામાને મારી નાંખ્યો હોય અને તેની જાહેરાત રાજકીય પરિસ્થિતિની સાનુકૂળતા જોઈને કરી હોય.
(૩) ઓસામા બિન લાદેન શરણે આવવા તૈયાર હોય, પરંતુ અમેરિકાના સત્તાવાળાઓને ભય હતો કે તેની ઉપર જો ખટલો માંડવામાં આવશે તો તે અમેરિકાનાં ઘણાં રહસ્યો બહાર પાડી દે તેમ હોય. વળી ખટલો લાંબો ચાલે અને ઉશ્કેરણીનું કારણ બને. આ બધાનો રસ્તો કાઢવા અમેરિકાના પ્રમુખે ઓસામાને જીવતો પકડવાને બદલે તેને મારી નાંખવાનો આદેશ આપ્યો હોય. વળી જો અમેરિકાએ ઓસામા સાથે અથડામણનું સ્ટન્ટ જ કર્યું હોય તો તેને જીવતો પકડવાથી અથવા તેનો મૃતદેહ સાચવી રાખવાથી ભાંડો ફૂટી જાય. આ કારણે ઓસામાને હણી નાંખવાની જાહેરાત કરવા સાથે અમેરિકાએ તેના મૃતદેહનું સમુદ્રમાં દફન કરવાની જાહેરાત પણ કરી દીધી હતી.
(૪) અબોટાબાદમાં ઓસામાને જ્યાં રાખવામાં આવ્યો હતો તે મકાનથી પાકિસ્તાનની મિલિટરી એકેડેમીનું થાણું માત્ર એક જ કિલોમીટરના અંતરે હતું. ઓસામા આટલો નજીક હોય અને પાકિસ્તાનની સરકારને તેની જાણ ન હોય તે સંભવિત નથી. આ ઉપરથી કહી શકાય કે પાકિસ્તાનના સત્તાવાળાઓને અંધારામાં રાખીને જ આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. અથવા એમ પણ કહી શકાય કે ઓસામા પાકિસ્તાનમાં હતો જ નહીં પણ પાકિસ્તાનના અણુ શસ્ત્રો ઉપર કબજો મેળવવા માટે પાકિસ્તાનને વાંકમાં લાવવા ઓસામા પાકિસ્તાનમાં મરાયો હોવાના હેવાલો અમેરિકા દ્વારા વહેતા મૂકવામાં આવ્યા હતા.
(૫) ઓસામાને પાકિસ્તાનમાં ઠાર મારીને અથવા તેવી જાહેરાત કરીને અમેરિકાએ પાકિસ્તાનનું નાક કાપ્યું છે. જો ઓસામા ખરેખર પાકિસ્તાનમાં હોય અને તેની જાણ પાકના સત્તાવાળાઓને ન હોય તો તેમના માટે એ નામોશી કહેવાય. જો ઓસામા પાકિસ્તાનમાં હોય તેની પાકના સત્તાવાળાઓને જાણ હોય અને તેમણે અમેરિકાના સત્તાવાળાઓને જાણ ન કરી હોય તો તે અમેરિકાનો દ્રોહ કહેવાય. પાકિસ્તાને જો ઓસામાને પકડવાના મિશનમાં સાથ આપ્યો હોય તો પાકિસ્તાનની સરકાર આતંકવાદીઓના ખોફનો ભોગ બની શકે છે. જો અમેરિકાએ પાકિસ્તાનની જાણ વિના તેની ભૂમિ ઉપર લશ્કર ઉતાર્યું હોય તો તે પાકિસ્તાનના સાર્વભૌમનો ભંગ કહેવાય. ઓસામા પાકિસ્તાનમાં મરાયો જ ન હોય અને અમેરિકાએ તેવી જાહેરાત કરી હોય તો તે પાકિસ્તાનની નાહકની બદનક્ષી ગણાય. આ રીતે ઓસામાના તથાકથિક એન્કાઉન્ટરનાં પગલે અમેરિકાના પાકિસ્તાન સાથેના સંબંધો કથળશે તે નક્કી છે.
અમેરિકાના ઘણા લોકો આજે પણ એવું માને છે કે ૯/૧૧ના ટ્વીન ટાવરના હુમલાની યોજના ઓસામા બિન લાદેને નહીં પણ ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદે અમેરિકન ગુપ્તચર સંસ્થા સીઆઈએ સાથે મળીને ઘડી કાઢી હતી. ટ્વીન ટાવર સાથે હાઈજેક કરવામાં આવેલાં વિમાનો ટકરાયા ત્યારે અંદરથી પણ અગાઉના પ્લાન મુજબ વિસ્ફોટો થયા હતા, જેને કારણે ટ્વીન ટાવરની લોખંડની ફ્રેમ પિગળી ગઈ હતી અને ટાવરો જમીનદોસ્ત થઈ ગયા હતા. આ કાવતરાંની ગંધ ન આવે તે માટે ટ્વીન ટાવર જમીનદોસ્ત થયા તેના ગણતરીના કલાકોમાં ગ્રાઉન્ડ ઝીરોની જમીન સાફ કરી દેવામાં આવી હતી અને તેના અંશો ફોરેન્સિક ટેસ્ટ માટે પણ મોકલવામાં નહોતા આવ્યા. અમેરિકાના ત્યારના પ્રમુખ જ્યોર્જ બુશ ઓસામાના પરિવાર સાથે ધંધાદારી સંબંધો ધરાવતા હતા.
અમેરિકામાં આ કાવતરું કોન્સ્પિરસી થિયરી તરીકે વિખ્યાત છે. આ થિયરી મુજબ ૯/૧૧ની ઘટના વખતે ઓસામાનો પરિવાર અમેરિકામાં જ હતો. તત્કાલીન પ્રમુખ બુશે તેમને છટકી જવા માટે પ્રાઈવેટ જેટ વિમાનની વ્યવસ્થા કરી આપી હતી. અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશે ૯/૧૧ની ઘટનાને બહાનું બનાવીને ત્રાસવાદ સામેના યુદ્ધના નામે અફઘાનિસ્તાન સામે યુદ્ધ છેડી દીધું હતું અને પછી ઈરાક ઉપર પણ કબજો જમાવ્યો હતો.
જો ઓસામા બિન લાદેન જીવતો પકડાય તો તે આ બધી વાતોનો દુનિયાની સામે ઢંઢેરો પિટયા વિના રહે નહીં. આ કારણે તેને મારીને તેના મૃતદેહનું દરિયામાં વિસર્જન કરી નાંખવામાં આવ્યું હતું. ઓસામાના મૃત્યુ સાથે કોન્સ્પિરસી થિયરીના પ્રચારકો જાતજાતની થિયરીઓ ઈન્ટરનેટ ઉપર મૂકી રહ્યા છે. આ બધામાંથી સત્ય તારવવું અત્યંત ઔમુશ્કેલ છે.