Thursday, May 12, 2011

૧૧/૦૪/૧૧ તામિલનાડુમાં જયલલિતા કરૂણાનિધિના રંગમાં ભંગ પાડશે?


 
તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચ દ્વારા ૩૦ કરોડ રૂપિયાનું કાળું નાણું અત્યાર સુધી જપ્ત કરવામાં આવ્યું છે
સમગ્ર ભારતમાં ભ્રષ્ટાચારવિરોધી સુનામી આવ્યું છે.

જંતરમંતરમાં ૯૬ કલાકના ઉપવાસ પૂરા કરનારા લોકસેવક અન્ના હઝારેની બધી માંગણીઓ સરકારે સ્વીકારી લીધી ત્યારે ખુદ અન્નાએ પણ કલ્પના નહોતી કરી કે તેમના આંદોલનને ભારતભરમાંથી આટલો પ્રચંડ પ્રતિસાદ મળશે. આ ભ્રષ્ટાચારવિરોધી વાતાવરણના છાંટા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ઉડવાના જ છે.

તાજેતરમાં આખા દેશને હચમચાવતું જે ૨-જી સ્પેકટ્રમ કૌભાંડ જોવા મળ્યું તેમાં કેન્દ્રસ્થાને કરૂણાનિધિનો પક્ષ ડીએમકે હતો. આગામી ૧૩ એપ્રિલે યોજાનારી તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજા ડીએમકેને શિક્ષા કરવા થનગની રહી છે, જેનો લાભ અન્ના ડીએકેના જયલલિતાને થયા વિના રહેશે નહીં.

જો જયલલિતા વિધાનસભાની ચૂંટણીઓ જીતી જશે તો તેની સાથે ડીએમકેના વિસર્જનનો પણ પ્રારંભ થશે. ડીએમકેમાં જે વારસાયુદ્ધ ચાલ્યું છે તેમાંથી પક્ષને કરૂણાનિધિ પણ બચાવી શકે તેમ નથી.
તામિલનાડુમાં ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ એઆઇડીએમકેનાં સર્વેસર્વા જયલલિતા વઘુ આક્રમક બનીને કરૂણાનિધિના પરિવાર ઉપર જનોઇવાઢ ઘા કરી રહ્યાં છે.

તાજેતરમાં જયલલિતાએ એક ચૂંટણીસભાને સંબોધતાં કરૂણાનિધિ ઉપર અંગત હુમલો કરતાં તેમના પરિવારને એશિયાનો સૌથી શ્રીમંત પરિવાર કહ્યો હતો. આ સમાચાર મળતાં જ કરૂણાનિધિએ જયલલિતા સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. તામિલનાડુમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થયો ત્યારે મુખ્ય પ્રધાન કરૂણાનિધિના પુત્ર અલાગિરીએ એવી ડંફાસ મારી હતી કે એક વોટને ખરીદવા તેઓ ૮,૦૦૦ રૂપિયાનો ખર્ચો કરવા તૈયાર છે.

આ વિધાનને ચૂંટણી પંચે ખુબ ગંભીરતાથી લીઘું હતું અને અઝાગિરિ ઉપર પ્રચાર બાબતમાં અનેક અંકુશો નાંખી દીધા હતા. તામિલનાડુની ચૂંટણીઓમાં ચૂંટણી પંચની કડકાઇથી અકળાયેલા કરૂણાનિધિ હવે એવી ફરિયાદ કરી રહ્યા છે કે ‘‘ચૂંટણી પંચને કારણે રાજ્યમાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થઇ છે.’’ લોયોલા કોલેજના પીપલ્સ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં જયલલિતાના પક્ષને ૪૮.૬ ટકા મતો સામે કરૂણાનિધિના પક્ષને ૪૧.૭ ટકા જ મતો મળવાની આગાહી કરવામાં આવી છે. આ કારણે કરૂણાનિધિએ લગભગ પોતાના પક્ષનો પરાજય સ્વીકારી લેતું નિવેદન કર્યું છે કે ‘‘અમારો પક્ષ હારશે તો પણ લોકોની સેવા કરવાનું ચાલુ જ રાકશે.’’ વાહ ભાઇ વાહ!

આ વખતે તામિલનાડુની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો નોટ આપીને વોટ ન ખરીદે તે માટે ચૂંટણી પંચે સંખ્યાબંધ કડક પગલાંઓ જાહેર કર્યા છે. ચૂંટણી પંચે બેન્કોને આદેશ કર્યો છે કે જો કોઇ વ્યક્તિ એક લાખ રૂપિયાથી વઘુ રોકડ રકમ ઉપાડવા આવે ત્યારે તેની પાસે સંતોષકારક કારણ હોય તો જ તેને રોકડ રકમની ચૂકવણી કરવી. બીજી બાજુ બેનંબરી રૂપિયાની હેરાફેરી કરતા ઈસમોને પકડવાનો પોલીસને આદેશ આપી દેવામાં આવ્યો છે.


તેને કારણે અત્યાર સુધીમાં ૩૪ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. જયલલિતાએ પોતાના ચૂંટણી પ્રચારનું મુખ્ય ટાર્ગેટ અઝાગિરિને બનાવ્યો છે. ચૂંટણી પંચે અઝાગિરિને આપવામાં આવેલી સિક્યોરિટી પાછી ખેંચી લેવાનો વિરોધ કર્યો તેની ઠેકડી ઉડાવતા જયલલિતાએ કટાક્ષ કર્યો હતો કે મવાલીઓને સિક્યોરિટીની શી જરૂર હોય છે?


તામિલનાડુમાં કુલ ૨૩૪ બેઠકો ઉપર વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ડીએમકેએ આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને જ સાથે રાખવાનું નક્કી કર્યું છે. કરૂણાનિધિને કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી બાબતમાં પ્રથમ ગ્રાસમે મક્ષિકાનો અનુભવ થયો હતો. કરૂણાનિધિએ કચવાતા મને કોંગ્રેસને ૬૩ બેઠકો ફાળવીને સમાધાન કરવું પડ્યું છે.


બીજી ૫૨ બેઠકો અન્ય સાથીપક્ષને ફાળવવી પડી છે. આ રીતે કરૂણાનિધિના પક્ષના ફાળે રોકડી ૧૧૯ બેઠકો જ આવી છે. આ ૧૧૯ બેઠકોના જોરે સ્પષ્ટ બહુમતી મળે તે શક્ય નથી. આ કારણે કરૂણાનિધિનો મોરચો જીતે તો પણ તેણે મિશ્ર સરકારની રચના કરવી પડે.


બીજી બાજુ જયલલિતાના પક્ષે ૧૬૦ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જયલલિતાના પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળે તો જરૂર પડે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને સરકારની રચના કરવાનો વિકલ્પ પણ તેણે ખુલ્લો રાખ્યો છે. આ કારણે જયલલિતા કોંગ્રેસ ઉપર પ્રહાર કરવાનું પણ ટાળે છે.


આ વખતની ચૂંટણીઓમાં ડીએમકેના મુખ્ય પ્રતિસ્પર્ધી તરીકે એઆઇડીએમકેના બદલે ચૂંટણી પંચના નામની ચર્ચા ચાલી રહી છે. તેમાં પણ અલાગિરિએ મદુરાઇ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઈલેકશન ઓફિસર અને તેના વિડિયોગ્રાફર ઉપર હુમલો કરીને પોતાના જ પર ઉપર કુહાડો મારવાનું દુઃસાહસ કર્યું છે. સ્થાનિક પોલીસે તરત જ અલાગિરિ અને તેમના સાથીદારો સામે એફઆઇઆર નોંધી હતી.

હવે અલાગિરિના દબાણથી તહેસીલદારે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.

મદુરાઇના કલેકટર યુ. સગયમ જિલ્લાના ઈલેકશન ઓફિસર તરીકે ચૂંટણીમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારની પાછળ હાથ ધોઇને પડી ગયા છે. દેશના ઈલેકશન કમિશનર તરીકે વર્ષો અગાઉ ટી.એન. શેષને જેવો સપાટો બોલાવ્યો હતો તેવોસપાટો સગયમે મદુરાઇમાં બોલાવ્યો છે.

તેમણે મતદારોને શિક્ષિત કરવા માટે ચૂંટણીમાં નોટ સાટે વોટ નહીં આપવાની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનો વિદ્યાર્થી આલમમાં ભારે પ્રભાવ પડ્યો છે. સગયમની લોકપ્રિયતાથી અકળાઇને ડીએમકેના કેટલાક ગુંડાઓએ તેમના ઉપર હુમલો કર્યો હતો. તો પણ સગયમે ડર્યા વિના પોતાની ઝુંબેશ ચાલુ જ રાખી છે. આ ઝુંબેશનો વઘુ માર ડીએમકેને જ પડશે.


તામિલનાડુની ચૂંટણીઓમાં કાળાં નાણાંની ભારે બોલબાલા હોય છે. આ વખતની ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા આશરે એક લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું ખર્ચાવાનું હોવાનું કહેવાય છે. તેમાં ૨-જી સ્પેકટ્રમ કૌભાંડમાંથી ડીએમકેના નેતાઓને મળેલી કટકીનો પણ સમાવેશ થતો હશે.

તાજેતરમાં ચૂંટણી પંચને માહિતી મળી છે કે ત્રિચૂર જિલ્લાની એક જ દુકાનમાંથી એક સાથે ૧૧ કરોડ રૂપિયાની કંિમતના નવ લાખ ટી-શર્ટ ખરીદવામાં આવ્યાં છે. આ ટી-શર્ટ મતદારોને લોભાવવા માટે આપવામાં આવશે એવી શંકા ઉપરથી ચૂંટણી પંચે આ બાબતમાં ડીએમકેને નોટિસ પણ મોકલી છે.


તાજેતરમાં ઈલેકશન કમિશનની ફ્‌લાઈંગ સ્ક્વોડે ત્રિચીમાં એક બસનાં છાપરાં ઉપર નધણિયાતી હાલતમાં પાંચ કરોડ રૂપિયાની ચલણી નોટો પણ પકડી પાડી હતી. આ ઉપરથી ખ્યાલ આવે છે કે તામિલનાડુની ચૂંટણીઓમાં કાળાં નાણાંના કારોબારને રોકવા માટે ચૂંટણી પંચ તમામ શક્ય પગલાં લઇ રહ્યું છે.


ચૂંટણી પંચની આટલી કડકાઇ છતાં તામિલનાડુમાં કરૂણાનિધિના પક્ષ દ્વારા મતદારોને રીઝવવા માટે રોકડ રકમની વહેંચણી ચાલુ જ છે, એવી ફરિયાદ જયલિલાતના પક્ષે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી છે. જયલલિતાના પક્ષની ફરિયાદ એવી છે કે મતદારોને મતદાનની સ્લીપ વહેંચવાના બહાને ડીએમકેના કાર્યકરો તેમના હાથમાં ૫૦૦-૫૦૦ રૂપિયાનો નોટો પકડાવી રહ્યા છે.


એઆઇડીએમકેના આક્ષેપ મુજબ ડીએમકેના કાર્યકરો પાવર કટના કારણે પેદા થતાં અંધકારનો લાભ લઇ મતદારો સુધી પહોંચી જાય છે અને તેમને રોકડ રકમથી લલચાવવાની કોશિષ કરે છે. આ ફરિયાદની તપાસ ચૂંટણી પંચ કરી રહ્યું છે.


તામિલનાડુની અમુક એફએમ ચેનલો ઉપરથી પણ ‘વોટ ફોર ચેન્જ’ના સંદેશાઓ વહેતા કરવામાં આવ્યા છે. આ સિવાય મોબાઇલ ઉપર બહુ મોટા પ્રમાણમાં ‘વોટ ફોર ચેન્જ’ના એસએમએસનો મારો ચલાવવામાં આવ્યો છે. ડીએમકેને ખાતરી છે કે આ ઝુંબેશ પાછળ જયલલિતાનો હાથ છે.

આ રીતે કોઇ પક્ષના પ્રચાર માટે રેડિયો જેવા માઘ્યમનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. આ ઝુંબેશ સામે ડીએમકે દ્વારા પણ ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. તામિલનાડુમાં કરૂણાનિધિની છાપ ભ્રષ્ટાચારી તરીકેની છે તો જયલલિતાની છાપ પણ કાંઇ બહુ ઉજ્જવળ નથી.

મતદારોએ બે ભ્રષ્ટ નેતાઓ વચ્ચે પસંદગી કરવાની છે. હમણાં તેઓ એક નેતાના ભ્રષ્ટાચારથી વાજ આવી ગયા હોવાથી બીજા નેતાને ચૂંટીને મોકલશે તો પણ અંતે તો પસ્તાવાનો વારો જ આવશે.
ભારતમાં લોકશાહી પદ્ધતિ કઇ રીતે કામ કરે છે તે સમજવું હોય તો પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં કેવી રીતે સત્તાનું સંિહાસન કબજે કરવા માટેના દાવપેચો રમવામાં આવે છે તેનો બારીકાઇથી અભ્યાસ કરવા જેવો છે.


વિદ્યાર્થીઓને સ્કૂલોમાં નાગરિક શાસ્ત્રમાં લોકશાહીની જે આદર્શ વાતો ભણાવવામાં આવે છે તેની સરખામણીએ આપણી લોકશાહીનો વાસ્તવિક ચહેરો બહુ બિહામણો છે. આપણી લોકશાહીમાં માફિયાઓ, મવાલીઓ, અસામાજીક તત્ત્વો અને તકસાઘુ જ મેદાન મારી જતા હોય છે.

પ્રજાની સેવા કરવા માટે કોઇ નેતાઓ અબજો રૂપિયાનું આંધણ કરતા નથી. ચૂંટણીઓ પાછળ કરવામાં આવતો ખર્ચો તેમના માટે એક પ્રકારનું ‘ઈન્વેસ્ટમેન્ટ’ છે. સત્તા ઉપર આવીને તેઓ દેશની તિજોરીને લૂંટવા દ્વારા અનેક ગણી રકમ વસૂલ કરવાના જ છે. ચૂંટણીમાં કોઇ પક્ષ જીતે તો પણ તેમાં પ્રજાની હાર જ થાય છે.

આ ચૂંટણી પદ્ધતિમાં ધરમૂળમાંથી સુધારા નહી કરવામાં આવે ત્યાં સુધી પ્રજાનો ઉદ્ધાર થવાનો નથી. અન્ના હજારે અને તેમના સાથીદારોએ ભ્રષ્ટાચારના વિરોધની સાથે ચૂંટણીની પદ્ધતિમાં સુધારાઓ માટેનું આંદોલન પણ શરૂ કરવાની જરૂર છે.

No comments:

Post a Comment