Saturday, May 14, 2011

12/05/11 પશ્ચિમ બંગાળમાં હવે મમતા બેનરજીની ખરી કસોટીનો આરંભ થશેવિપક્ષમાં રહીને નારાઓ બોલવા અને આગઝરતાં ભાષણો આપવાં એ એક બાબત છે અને પ્રજાની ગરીબી, બેકારી, ભૂખમરો દૂર કરવા એ અલગ જ બાબત છે
પશ્ચિમ બંગાળ સહિત ભારતનાં પાંચ રાજ્યોમાં ચૂંટણીનાં પરિણામો આવવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીઓમાં જો કોઈ વ્યક્તિએ આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હોય તો તૃણમૂલ કોંગ્રેસનાં વડાં મમતા બેનરજી છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના ૩૪ વર્ષના શાસનનો અંત લાવવાના કસમ મમતા બેનરજીએ ખાધા હતા અને આ કસમ પૂરા કરવાની ઘડી હવે આવી ગઈ છે. મમતા બેનરજી નામનું વન મેન આર્મી ડાબેરી મોરચા ઉપર બૂલડોઝર ફેરવી દેશે એવું એક્ઝિટ પોલના પરિણામો ઉપરથી જણાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજીએ ૩૦ દિવસમાં બળબળતા તાપમાં ૧૫૦ રેલીઓ ગજાવી હતી. તેમના ટેકેદારો જયારે કહે છે કે 'હવે આપણે પરિણામોની રાહ જોવાની છે, ત્યારે મમતા જવાબ આપે છે, 'ક્યાં પરિણામો ? પરિણામો બધાં જાણે જ છે.' સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલા જ મમતા બેનરજીની જાણે તાજપોશી થઈ ગઈ છે.'
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનાં પરિણામ બાબતમાં અત્યાર સુધીમાં જેટલાં પણ એક્ઝિટ પોલ થયાં છે એ તમામમાં કોંગ્રેસ-તૃણમૂલ કોંગ્રેસના ગઠબંધનને જંગી બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. સ્ટાર આનંદ ચેનલે એ.સી. નેલ્સનના સહયોગમાં કરેલા એક્ઝિટ પોલમાં એવી આગાહી કરવામાં આવી છે કે ૨૯૪ સભ્યોના ગૃહમાં કોંગ્રેસ-તૃણમૂલ ગઠબંધનને ૨૧૧ બેઠકો મળશે અને ડાબેરી મોરચાને રોકડી ૬૨ બેઠકો મળશે. આ સર્વે રિપોર્ટમાં એવી આગાહી કરવામાં આવી છે કે તૃણમૂલ કોંગ્રેસ પોતાની તાકાત ઉપર સરકારની રચના કરી શકશે. તેને ૧૮૧ બેઠકો મળશે અને કોંગ્રેસને ૩૦ બેઠકો મળશે. ઈ.સ. ૨૦૦૬માં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ થઇ ત્યારે ડાબેરી મોરચાને ૨૩૫ બેઠકો સાથે જંગી સરસાઈ મળી હતી. ડાબેરી મોરચાએ નંદિગ્રામ અને સિંગૂર જેવા ઔદ્યોગિક સંકુલોમાં ગરીબોની જમીન બળજબરીથી હડપ કરવાની નીતિ અપનાવી તેનો મમતાએ સજ્જડ પ્રતિકાર કર્યો હતો અને ગરીબોના મસીહા તરીકેની પોતાની છબી ઊભી કરી હતી. હવે મમતા બેનરજી સત્તા ઉપર આવ્યા પછી ઉદ્યોગો પ્રત્યે કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહે છે.
૫૫ વર્ષમાં મમતા બેનરજી ભારતના લુચ્ચા અને લાલચુ રાજકારણીઓ કરતાં તદ્દન નોખા છે. મમતા બેનરજીની ગણતરી કદાચ આપણે ભારતનાં સૌથી વધુ 'ગરીબ' રાજકારણી તરીકે કરી શકીએ. ઈ.સ. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીઓ વખતે મમતાએ પોતાની કુલ સંપત્તિ માત્ર ૪.૭૩ લાખ રૃપિયાની હોવાની જાહેરાત કરી હતી. મમતા બેનરજી કોલકાતામાં ભાડાના ફલેટમાં રહે છે. તેમની પાસે પોતાની માલિકીનું મકાન નથી અને પોતાની કહી શકાય તેવી મોટર કાર પણ નથી. મમતાની આવકનું મુખ્ય સાધન તેમનો સંસદસભ્ય તરીકેનો પગાર હતો. આ સિવાય તેમને પુસ્તકોની રોયલ્ટીમાંથી અને પેઇન્ટીંગ્સના વેચાણમાંથી પણ આવક થાય છે. મમતાએ ભારતની કોઈ પણ કંપનીના શેરોમાં એક પણ રૃપિયાનું રોકાણ કર્યું નથી. તેમની પાસે જે થોડી મૂડી છે તેનું તેમણે બેન્કની ફિકસ્ડ ડિપોઝીટમાં અને ભારત સરકારના નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં રોકાણ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓની રેલીનો દોર પૂરો થયો તે પછી મમતા બેનરજી બે દિવસ સુધી પોતાના ઘરમાં પૂરાઈ રહ્યાં હતાં અને ટાગોરના ચિત્રો દોર્યા કરતાં હતાં.
મમતા બેનરજીએ ૨૧ વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ૨૯ વર્ષની ઉંમરે તેઓ કોંગ્રેસની ટિકીટ ઉપર ચૂંટાઈને લોકસભાનાં સભ્ય બની ગયાં હતાં. ૩૬ વર્ષની ઉંમરે તેઓ નરસિંહ રાવની સરકારમાં મહિલા, બાળ વિકાસ અને રમતગમત ખાતાંનાં પ્રધાન બની ગયાં હતાં. આ પ્રધાનપદું તેમને માફક આવ્યું નહોતું. નરસિંહ રાવની સરકાર રમતવીરોની ઉપેક્ષા કરી રહી છે એવી ફરિયાદ સાથે તેમણે પ્રધાનપદનો ત્યાગ કર્યો હતો. મમતા બેનરજીએ કોંગ્રેસના નેતાઓ ઉપર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના પિઠ્ઠુની ભૂમિકા ભજવી રહ્યા છે. ઈ.સ. ૧૯૯૬માં તેઓ કોંગ્રેસના સંસદસભ્ય હતાં તો પણ તેઓ પેટ્રોલિયમ પ્રોડક્ટસના ભાવવધારા સામે લોકસભાના કૂવામાં બેસીને દેખાવો કરવા લાગ્યા હતાં. છેવટે ઈ.સ. ૧૯૯૭માં તેમણે કોંગ્રેસને અલવિદા કરીને તૃણમૂલ કોંગ્રેસની રચના કરી હતી અને પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના શાસન સામે શિંગડાં ભરાવવા માંડયાં હતાં.
પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનરજી ઘણા ચઢાવ-ઉતાર જોયા છે અને પછડાટો પણ ખાધી છે. ઈ.સ. ૨૦૦૪મં લોકસભાની ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનરજી સિવાયના તમામ ઉમેદવારો હારી ગયા હતા. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં મમતાએ કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ પોતાની સત્તા ગુમાવી હતી. તેમના પક્ષનો મેયર પણ પક્ષપલટો કરીને ડાબેરી મોરચામાં જોડાઈ ગયો હતો. ઈ.સ. ૨૦૦૬માં મમતા બેનરજીના પક્ષે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં જબરી પછડાટ ખાધી હતી. તેમના પક્ષના અડધા ઉપરાંત વિધાનસભ્યો ચૂંટણી હારી ગયા હતા. તેમ છતાં હિમ્મત હાર્યા વિના મમતા બેનરજીએ ડાબેરી મોરચાના એકહથ્થુ શાસન સામેની પોતાની લડત એકલે હાથે જ ચાલુ રાખી હતી.
પશ્ચિમ બંગાળની સરકારે જમીનોની ફાળવણી બાબતમાં ગરીબ કિસાનો ઉપર બળજબરી કરીને ઉદ્યોગપતિઓનો પક્ષ લીધો તેનો ઉગ્ર વિરોધ મમતા બેનરજીને ફળ્યો હતો. સિંગૂરમાં ટાટા જૂથના અને નંદિગ્રામમાં ઇન્ડોનેશિયાના સલીમ જૂથના પ્રોજેક્ટ સામે ગરીબ કિસાનોમાં ભારે રોષ હતો અને તેઓ ઘૂંઘવાઈ રહ્યા હતા. આ ગરીબ કિસાનોની આગેવાની મમતા બેનરજીએ લીધી હતી અને તેમના વિરોધને દેશના ખૂણે ખૂણે પહોંચાડયો હતો. આ લડત દરમિયાન મમતા બેનરજી વાઘણની જેમ ડાબેરી મોરચાની સરકાર ઉપર તૂટી પડયાં હતાં. તેમના આંદોલનને પગલે ટાટાને પોતાનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળમાંથી ખસેડી ગુજરાતમાં લઈ જવાની ફરજ પડી હતી અને સલીમ જૂથને પોતાનો પ્રોજેક્ટ રદ્દ કરવાની જાહેરાત કરવી પડી હતી. આ બે મહાસંગ્રામને કારણે મમતાની છાપ ગરીબોના મસીહા તરીકે ઉપસી આવી હતી. મમતા બેનરજીની આ લોકપ્રિયતાનો પરચો ઈ.સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં મળી ગયો હતો. આ ચૂંટણીમાં તૃણમૂલ-કોંગ્રેસના ગઠબંધનને ૨૬ બેઠકો મળી હતી અને ત્યારથી ડાબેરી મોરચાનું કાઉન્ટડાઉન શરૃ થઈ ગયું હતું. ઈ.સ. ૨૦૦૯ની ચૂંટણીઓ પછી મમતા બેનરજી કે કેન્દ્રમાં રેલવે પ્રધાન બન્યાં પણ તેમની નજર પશ્ચિમ બંગાળનાં રાજકારણ ઉપર જ હતી. હવે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન બનતાવેંત તેઓ રેલવે પ્રધાન તરીકે રાજીનામું આપી દેશે તેવું મનાય છે.
મમતા બેનરજી રાઇટર્સ બિલ્ડીંગમાં સત્તાના સિંહાસન ઉપર બિરાજમાન થશે ત્યાર પછી તેમની ખરી કસોટી શરૃ થશે. અત્યાર સુધી મમતા બેનરજીની છાપ પશ્ચિમ બંગાળમાં ફાયરબ્રાન્ડ વિપક્ષી નેતા તરીકેની છે. હવે તેમણે એક ઠરેલ અને કુશળ વહીવટદારની ભૂમિકા અદા કરવી પડશે, જેની તેમને બહુફાવટ નથી. મમતા બેનરજીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ડાબેરી મોરચાના નેતાઓ અને ખાસ કરીને તેના તોફાની કાર્યકરો સામે જે લોકમત જાગૃત કર્યો છે તેનું પરિણામ મમતાના પક્ષના વિજય સાથે હિંસામાં ન આવે તે પણ જોવાનું રહે છે. મમતાના પક્ષના કાર્યકરોએ છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસોના અને ખાસ કરીને ડાબેરી મોરચાના કાર્યકરોના ઘણા અત્યાચારો સહન કર્યા છે. હવે સત્તાનો દોર તેમના હાથમાં આવતાં તેઓ મદોન્મત્ત બનીને ડાબેરી કેડર ઉપર તૂટી પડશે તો બંગાળમાં હિંસાની હોળી સળગશે. પોતાના પક્ષના કાર્યકરોને વિજય પછી સંયમમાં રાખવાની જવાબદારી મમતા બેનરજીની છે.
ભારતના અન્ય રાજ્યોમાં ઉદ્યોગોનો જેટલો વિકાસ થયો છે તેટલો વિકાસ પશ્ચિમ બંગાળમાં થયો નથી. પરંતુ પશ્ચિમ બંગાળની પ્રજાના પ્રાચીન હુન્નર-ધંધામાં તૂટી ગયા હોવાથી પ્રજા ગરીબી, બેકારી અને ભૂખમરાનો સામનો કરી રહી છે. ડાબેરી મોરચાની સરકારે પોતાની સત્તાના અંતિમ કાળમાં ઉદ્યોગોની આભડછેટ છોડીને વિરાટ ઉદ્યોગોને પશ્ચિમ બંગાળમાં આમંત્રવાની અને તેના થકી લોકોની ગરીબી દૂર કરવાની ધારણા રાખી હતી. જોકે સરકારની આ નીતિ ઉદ્યોગપતિઓની તરફેણ કરનારી અને ગરીબોને તેમની જમીનથી વંચિત કરી મૂકનારી હોવાથી પ્રજાનો ઉગ્ર વિરોધ આ નીતિ સામે ફાટી નીકળ્યો હતો. મમતાએ પોતાના ચૂંટણી પ્રચારમાં પ્રજાને સમૃદ્ધિનું અને વિકાસનું વચન આપ્યું છે. વિરાટ ઉદ્યોગોને આમંત્રણ આપ્યા વિના મમતા રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી બે લાખ કરોડ રૃપિયાની લોન લીધી છે.
પશ્ચિમ બંગાળનું અર્થતંત્ર અત્યારે વેરણછેરણ હાલતમાં છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી બે લાખ કરોડ રૃપિયાની લોન લીધી છે. સરકારની મોટા ભાગની આવક કર્મચારીઓનો પગાર ચૂકવવામાં જ વપરાઈ જાય છે. પોલીસ તંત્ર ડાબેરી મોરચાના કહ્યાગરા સેવકની જેમ વર્તી રહ્યું છે. રાજ્યમાં ગરીબી, બેકારી અને ભૂખમરો માઝા મૂકી રહ્યા છે. આ બધી સમસ્યાઓ નારાઓ પોકારવાથી અને આગ ઝરતાં ભાષણો આપવાથી હલ થઈ જાય તેમ નથી. તે માટે અર્થતંત્રની સમસ્યાઓની ઊંડી સૂઝ અને સમજની જરૃર રહે છે. મમતા બેનરજી પોતાની છાપ મુજબ પશ્ચિમ બંગાળને જો સ્વચ્છ અને કાર્યક્ષમ વહીવટ આપી શકશે તો જ પ્રજાનો ઉદ્ધાર થશે. અન્યથા પ્રજાને ઉલમાંથી ચૂલમાં પડવા જેવું લાગશે. મમતા બેનરજીએ પ્રજાને જે ઐતિહાસિક તક આપી છે તે વેડફાઈ ન જવી જોઈએ.

No comments:

Post a Comment