યમુના એક્સપ્રેસ વે માટે ૫૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે કિસાનો પાસેથી પડાવી લીધેલી જમીનો આજે ખાનગી કંપની ૧૫,૦૦૦ના ભાવે વેચી રહી છે
ભારતમાં કિસાનોની જમીનો બળજબરીથી ખૂંચવી લેવામાં આવે તે કોઈ નવી વાત નથી. સાથે સાથે આ જમીન સંપાદનના વિરોધમાં કિસાનોને આંદોલન કરવાની ફરજ પડે એ પણ નવી વાત નથી. ઉત્તર પ્રદેશના કિસાનોના આંદોલનમાં નવી વાત તેમનું ઝનૂન છે. નોઈડાના કિસાનો જે ઝનૂનથી પોતાની જમીનો બચાવવા માટે સરકારી કર્મચારીઓ અને સરકારી યંત્રણા ઉપર ત્રાટક્યા છે તે ઝનૂન આજ દિન સુધી ભારતમાં ક્યાંય જોવા નથી મળ્યું. ઉત્તર પ્રદેશના કિસાનો વિકાસનાં પ્રોજેક્ટો માટે પોતાની જમીન વેચવાના વિરોધી નથી. તેમનો વિરોધ જમીનો બળજબરીથી આંચકી લેવા સામે અને સસ્તામાં આંચકી લેવા સામે છે. કિસાનો પોતાની જમીનો બળજબરીથી આંચકી લેવાનો વિરોધ કરી રહ્યા છે અને જમીનનું બજાર ભાવ મુજબ વળતર માંગી રહ્યા છે. કિસાનો પોતાના બાપદાદાના કાળની જમીનો બળજબરીથી આંચકી લેવાનો વિરોધ કરતા હોય અને તેનું યોગ્ય વળતર માંગતા હોય તો તેમાં કાંઈ જ ખોટું નથી.
ઉત્તર પ્રદેશમાં કિસાનોનું જે હિંસક આંદોલન જોવા મળી રહ્યું છે તેના મૂળમાં માયાવતીની સરકારે શરૃ કરેલો ૨,૧૦૦ કરોડ રૃપિયાનો યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મુજબ યમુના નદીના કિનારે નોઈડાથી આગ્રાનો ૧૬૫ કિલોમીટર લાંબો એક્સપ્રેસ હાઈવે બનાવવાનો કોન્ટ્રાક્ટ જેપી ઈન્ફ્રાટેક નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં યમુના નદીને સમાંતર એક્સપ્રેસ વે જ નથી બાંધવાનો પણ આ રસ્તાની બંને બાજુએ દિલ્હી શહેર કરતાં પણ વધુ વસતિ ધરાવતી ટાઉનશીપ ઊભી કરવાનો છે. આ રસ્તાની ડાબી બાજુએ ૧૦ થી ૧૫ કિલોમીટર સુધીની અને જમણી બાજુએ યમુના નદી સુધીની જમીનો કિસાનો પાસેથી બળજબરીથી ઝૂંટવીને ત્યાં અદ્યતન શહેરી વસાહતો બાંધવામાં આવી રહી છે. આ માટે છ જિલ્લાના ૧,૧૮૭ ગામોની ૨.૩૬ લાખ હેક્ટર જમીન બળજબરીથી પડાવી લેવા માટે યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની સ્વતંત્ર ઓથોરિટીની રચના કરવામાં આવી છે.
યમુના એક્સપ્રેસ વેને સમાંતર પાંચ નવાં શહેરો વિકસાવવામાં આવી રહ્યાં છે. આ શહેરોનાં નામો પણ ગૌતમ બુદ્ધ નગર, મહામાયા નગર જેવાં રાખવામાં આવ્યાં છે. ગૌતમ બુદ્ધ નગરમાં ૧૩૧ ગામોનો સમાવેશ કરવામાં આવશે તો મહામાયા નગરમાં ૪૨૦ ગામોનો સમાવેશ કરવામાં આવશે. આ સિવાય અલીગઢ, આગ્રા અને મથુરામાં પણ યમુનાને સમાંતર નવા શહેરો ઊભાં કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વર્તમાન નોઈડાના પ્રોજેક્ટ કરતાં દસ ગણો મોટો છે અને તેની કુલ વસતિ દિલ્હીની વસતિ કરતાં પણ વધુ હશે. ખેડૂતોનો મૂળ વાંધો આ પ્રોજેક્ટ સામે નથી પણ જે રીતે એક ખાનગી કંપનીને આ પ્રોજેક્ટ સોંપી દેવામાં આવ્યો તેની સામે છે.
૧૬૫ કિલોમીટર લાંબો યમુના એક્સપ્રેસ વે બાંધવાનો કોન્ટ્રેક્ટ જેપી ઇન્ફ્રાટેક નામની કંપનીને આપવામાં આવ્યો છે. આ કંપની આ પ્રોજેક્ટમાં આશરે ૨૧૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરશે તેના બદલામાં તેને આ એક્સપ્રેસ વેની બંને બાજુ આવેલી ૬,૦૦૦ એકર સોનાની લગડી જેવી જમીન કિસાનો પાસેથી સસ્તામાં ખરીદવાની અને મોંઘામાં વેચવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હજી તો આ પ્રોજેક્ટ માટે કિસાનોએ પોતાની જમીનો વેચી પણ નથી ત્યાં જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા આ જમીનોના પ્લોટો પાડીને તેમાં એપાર્ટમેન્ટ તેમ જ બંગલાઓ ઊંચી કિંમતે વેચવાની જાહેરાતો શરૃ થઈ ગઈ છે. પોતાની જમીનોના આ ઊંચા ભાવો જોઈને ખેડૂતોને ચક્કર આવી રહ્યા છે. જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે તેઓ ખેડૂતોને બજાર ભાવ મુજબ જ વળતર ચૂકવી રહ્યા છે. આ વળતર હકીકતમાં ખેતીની જમીનના બજાર ભાવ મુજબનું છે. ખેતીની જમીનનું રૃપાંતર જ્યારે રહેઠાણની અને ઉદ્યોગોની જમીનમાં કરવામાં આવે છે ત્યારે એક લાખ રૃપિયાની જમીનની કિંમત વધીને એક કરોડ રૃપિયા થઈ જાય છે. વચ્ચેની મલાઈ કંપની ખાઈ જાય છે. ખેડૂતોનો જે વાંધો છે તે આ નફાખોરી સામે છે. કંપની જો જમીનો વેચીને નફો કરતી હોય તો ખેડૂતોને તેમાં ભાગ જોઈએ છે.
આજથી નવ વર્ષ અગાઉ યમુના એક્સપ્રેસ વે માટે જમીન સંપાદન કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે કિસાનોને એક ચોરસ મીટરના ૩૦૦ રૃપિયાના ભાવે વળતર ચૂકવવામાં આવ્યું હતું. આજે આ પ્રોજેક્ટ ડેવલપ કરતી કંપની ચોરસ મીટરના ૧૫,૦૦૦ રૃપિયાના ભાવે પ્લોટો વેચી રહી છે. આ રીતે ખેડૂતો પાસેથી જે કિંમતે જમીન ખરીદવામાં આવી તેની ૫૦ ગણી કિંમત આ કંપની વસૂલ કરી રહી છે. આ કંપનીની યોજના આ વર્ષની ૩૦મી ઓક્ટોબર સુધીમાં આખો પ્રોજેક્ટ પૂરો કરવાની છે. આ પ્રોજેક્ટમાં ૨,૫૦૦ એકર વિસ્તારમાં પથરાયેલું રમતગમત નગર પણ હશે, જેમાં ફોર્મ્યુલા વન રેસ માટેનો ટ્રેક પણ હશે. હકીકતમાં આ વર્ષની ફોર્મ્યુલા-વન રેસ પણ આ નવાં સ્પોર્ટસ સિટીમાં રમાવાની છે, એવી જાહેરાત જેપી ઈન્ફ્રાટેક કંપની દ્વારા કરી દેવામાં આવી છે.
કિસાન જગતનો તાત ગણાય છે. ખેડૂત ખેતી કરીને અનાજ પકવે છે તેને કારણે આપણે જીવી શકીએ છીએ. જો આપણા દેશમાં માત્ર ઉદ્યોગો હોય અને ખેતીવાડી ન હોય તો મનુષ્યો ભૂખે મરે અને ઉદ્યોગો માટે કાચો માલ પણ નહીં મળે. સ્વતંત્રતા પછી ભારતની દરેક સરકારોની નીતિ કૃષિના ભોગે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની રહી છે. આ કારણે દેશમાં હજારો કિસાનો આત્મહત્યા કરી રહ્યા છે અને ફોર્બ્સ મેગેઝિનના અબજોપતિઓના લીસ્ટમાં ભારતના ઉદ્યોગપતિઓની સંખ્યા વધી રહી છે.
અંગ્રેજોએ છેક ઈ.સ. ૧૮૯૪ની સાલમાં 'લેન્ડ એક્વિઝીશન એક્ટ' નામનો રાક્ષસી કાયદો ઘડયો હતો, જેમાં સરકારને કોઈપણ ખેડૂતની જમીન 'જાહેર હેતુ' માટે બળજબરીથી આંચકી લેવાની જાલિમ સત્તાઓ આપવામાં આવી હતી. અંગ્રેજોના રાજમાં આ કાયદાનો ઉપયોગ રેલ્વે, રસ્તાઓ, બંધો, વીજળી મથકો વગેરેના બાંધકામ માટે જ કરવામાં આવતો હતો. છેલ્લા બે દસકાથી આપણી સરકારો ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવા ખાનગી પ્રોજેક્ટો માટે જમીન સંપાદન કરવા માટે પણ આ જરીપુરાણા કાયદાનો ઉપયોગ કરી રહી છે. આ કાયદાના દુરુપયોગને કારણે દેશમાં કરોડો કિસાનો બેઘર અને બેરોજગાર બન્યા છે. જોકે હવે દેશભરના ખેડૂતોમાં જમીન ઉપરના પોતાના અધિકારો બાબતમાં સભાનતા આવતી જાય છે. પશ્ચિમ બંગાળના નંદિગ્રામ અને સિંગૂરમાં ખેડૂતોએ હિંસક આંદોલન કરીને ઉદ્યોગપતિઓને તેમના અબજો રૃપિયાના પ્રોજેક્ટો રદ્દ કરવાની અથવા તેને અન્ય રાજ્યમાં ખસેડવાની ફરજ પાડી હતી. નંદિગ્રામમાં જે બન્યું હતું તે હવે ઉત્તર પ્રદેશમાં પણ બની રહ્યું છે. માયાવતીની સરકાર યમુના એક્સપ્રેસ વે માટે કિસાનો પાસેથી પાણીના ભાવે જમીનો આંચકીને તેને ઉદ્યોગપતિઓને નફો રળવા સસ્તામાં વેચી રહી છે. સરકારની આ અન્યાયી નીતિનો વિરોધ કરવા પહેલા નોઈડાના ખેડૂતોએ હિંસક આંદોલન શરૃ કર્યું પણ તેમાં હવે આગ્રાના અને અલીગઢના લોકો પણ જોડાઈ રહ્યાં છે.
ઉત્તર પ્રદેશમાં કિસાનોના આંદોલનનો પ્રારંભ ભારતની રાજધાની નવી દિલ્હીને અડીને આવેલા નોઈડાથી થયો હતો. નોઈડાના ખેડૂતો તાજેતરનાં વર્ષોમાં પોતાની જમીનો બંગલાઓ અને ફાર્મ હાઉસો માટે વેચીને અત્યંત શ્રીમંત અને શક્તિશાળી બન્યા છે. તેમને ખ્યાલ આવ્યો છે કે તેમની જમીનો કરોડો રૃપિયે વીઘાના ભાવે વેચાઈ શકે છે. માયાવતીની સરકાર યમુના એક્સપ્રેસ વેના બહાને કેટલાક હજાર રૃપિયાના ભાવે તેમની જમીનો બળજબરીથી પડાવીને ઉદ્યોગપતિઓને સ્વાધીન કરી દે એ તેમને મંજૂર નથી. આ માટે અહિંસક આંદોલન કામ ન આવ્યું ત્યારે તેઓ હિંસા ઉપર ઉતરી આવ્યા ત્યારે દેશભરના પ્રસાર માધ્યમોને ખેડૂતોના આંદોલનની નોંધ લેવાની ફરજ પડી હતી. નોઈડાના કિસાનો દ્વારા આચરવામાં આવેલી હિંસાની કોઈ સંયોગોમાં તરફેણ ન કરવી જોઈએ, પણ આપણા દેશની સરકાર એટલી બહેરી બની ગઈ છે કે વર્ષોથી ચાલતાં અહિંસક આંદોલનની નોંધ લેવા પણ કેટલીક સરકારો તૈયાર થતી નથી. નોઈડાના કિસાનોએ શરૃ કરેલા આંદોલનની તસવીરો ટીવી ઉપર જોઈને અલીગઢ અને આગ્રાના કિસાનોનો રોષ પણ ભભૂકી ઉઠયો છે. પ્રસાર માધ્યમોના આ જમાનામાં આંદોલનનો સંદેશો જંગલની આગની જેમ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ફેલાઈ ગયો છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ શરૃ કરવામાં આવ્યો ત્યારે કિસાનોને ચોરસ મીટરદીઠ ૫૦ રૃપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આ વળતર ગયાં વર્ષે વધારીને ૩૦૦ રૃપિયા કરી આપવામાં આવ્યું હતું. આ વર્ષે આ વળતર વધારીને ૪૫૦ રૃપિયા કરી આપવામાં આવ્યું છે. હવે કિસાનો ચોરસ મીટરદીઠ ૧,૫૦૦ રૃપિયાનું વળતર માંગી રહ્યા છે. જોકે કેટલાક ખેડૂતો એવા પણ છે, જેઓ પોતાના બાપદાદાની જમીન કોઈ પણ કિંમતે વેચવા તૈયાર નથી. આવા સંખ્યાબંધ ખેડૂતો દ્વારા બળજબરીથી થતાં જમીન સંપાદન સામે સુપ્રિમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ તમામ અરજીઓ ખારિજ કરી ત્યારે હતાશામાં આવેલા ખેડૂતોએ આંદોલન છેડી દીધું હતું. માયાવતીને એકબાજુ આ પ્રોજેક્ટ સમયસર પૂરો કરવાની ઉતાવળ છે તો કિસાનો જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી પ્રોજેક્ટનું કામ આગળ ન વધવા દેવાની બાબતમાં મક્કમ છે. આપણી સરકાર ઉદ્યોગપતિઓ સાથે મળીને ગરીબ પ્રજાનું શોષણ કરે અને દેશની અદાલતો જ્યારે ગરીબ નાગરિકોને ન્યાય નથી અપાવી શકતી ત્યારે પ્રજા પાસે આંદોલન સિવાય કોઈ રસ્તો બાકી રહેતો નથી.
No comments:
Post a Comment