Saturday, May 14, 2011

૩/૦૫/૧૧ ઓસામા બિન લાદેનના મોત સાથે ત્રાસવાદનો અંત આવી જવાનો નથી


અમેરિકા ઉપર ૯/૧૧ના હુમલા પછી ઓસામાએ કહ્યું હતું કે, ''મારા મોત પછી પણ જિહાદ ચાલુ રહેશે'' આ વાત ઓબામાએ ભૂલવા જેવી નથી

ન્યુયોર્કના ટ્વીન ટાવર ઉપર હુમલાના આશરે ૧૦ વર્ષ પછી અમેરિકાએ અલ-કાયદાના મુખ્ય સૂત્રધાર ઓસામા બિન લાદેનને ખત્મ કર્યો છે. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૦૧નો દિવસ વિશ્વના ઇતિહાસમાં સૌથી ટર્નિંગ પોઇન્ટ તરીકે યાદ રહેશે. આ દિવસે અમેરિકાના ગર્વનું ખંડન કરીને ઓસામા બિન લાદેને ઇસ્લામિક ત્રાસવાદને ગ્લોબલ એજન્ડા ઉપર મૂકી દીધો હતો. આ હુમલા પછી ઓસામા બિન લાદેન વિશ્વમાં વિખ્યાત બની ગયો હતો. ઓસામા બિન લાદેનને ખતમ કરવા અમેરિકાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથમાંથી સત્તા આંચકી લઈને અમેરિકાએ પોતાની વગ ધરાવતી સરકારની સ્થાપના કરી હતી. અમેરિકા દસ વર્ષ સુધી લાદેન સુધી ન પહોંચી શક્યું તે માટે તેની ઠેકડી ઉડાડવામાં આવતી હતી. અમેરિકા ત્રાસવાદ સામેની લડાઈમાં જે પાકિસ્તાનનો સાથ લઈને તેને મજબૂત બનાવ્યું તે પાકિસ્તાનમાંથી જ ઓસામા બિન લાદેન મળી આવ્યો હતો. અમેરિકાએ પાકિસ્તાનની સરકારને પણ અંધારામાં રાખીને આદરેલાં ઓપરેશનમાં બિન લાદેનને ખતમ કર્યો છે, પણ લાદેનના મોત સાથે ઇસ્લામિક ત્રાસવાદ ખતમ થાય તેવું જરૃરી નથી.
છ ફૂટ પાંચ ઇંચની ઉંચાઈ ધરાવતા ઓસામા બિન લાદેનનો જન્મ ઇ.સ. ૧૯૫૭ની સાલમાં સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં થયો હતો. તેના પિતા અબજોપતિ હતા. લાદેને ઇ.સ. ૧૯૭૫ની સાલમાં એન્જિનિરીંગની ડિગ્રી લીધી હતી. ઇ.સ. ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો લીધો અને ઇરાનમાં ક્રાંતિ થઈ તેના પગલે બિનલાદેનનું રૃપાંતર એક ઝનુની અંતિમવાદીમાં થયું હતું. અફઘાનિસ્તાનને રશિયાના કબજામાંથી મુક્ત કરવા માટે લાદેને ઝનુની મુસ્લિમોનું જૂથ બનાવ્યું હતું અને રશિયાના લશ્કર ઉપર ગેરિલા હુમલાઓ કરવાનો પ્રારંભ કર્યો હતો. એ સમયે રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડવોર ચાલી રહી હતી. અમેરિકા રશિયા સામે લડી શકે તેવા અંતિમવાદી મુસ્લિમોને ટેકો આપીરહ્યું હતું. આ પરિસ્થિતિમાં અમેરિકાની ગુપ્તચર એજન્સીઓની નજર ઓસામા બિન લાદેન પર પડી. અમેરિકાની સીઆઇએ દ્વારા ઓસામા બિન લાદેનને રશિયા સામે લડવા માટે શસ્ત્રોની અને નાણાંની મદદ મળવા લાગી. ઇ.સ. ૧૯૮૪માં ઓસામા બિન લાદેન પોતાના સાથીઓ સાથે પાકિસ્તાનના પેશાવરમાં આવી ગયો. આ રીતે ઓસામા બિન લાદેનની પહેલી 'જિહાદ' અમેરિકાના પૂરા સાથ સહકારથી શરુ થઈ. અમેરિકાને ખબર નહોતી ક તેઓ દૂધ પાઈને સાપ ઉછેરી રહ્યા છે.
રશિયાએ અફઘાનિસ્તાનનો કબજો છોડી દેવો પડયો તેમાં અમેરિકા સાથે ઓસામા બિન લાદેનનો પણ વિજય થયો હતો અફઘાનિસ્તાનની મુક્તિ સાથે ઓસામાની ચળવળનો અંત આવતો હતો; પણ ઓસામાના સાથીદારોને ત્રાસવાદ કોઠે પડી ગયો હતો. હાથમાં પકડેલી બંદૂકો છોડવા તેઓ તૈયાર નહોતા. ઇ.સ. ૧૯૯૦માં સદ્દામ હુસૈને કુવેત ઉપર હુમલો કર્યો ત્યારે સાઉદી અરેબિયાના રાજાએ અમેરિકાના લશ્કરને પોતાના દેશમાં પ્રવેશવા દીધું ત્યારે ઓસામાનો મુસ્લિમ આત્મા ખળભળી ઉઠયો હતો, જે ભૂમિ ઉપર ઇસ્લામના મક્કા અને મદીના જેવા પવિત્ર તીર્થો આવેલા હતા તે ભૂમિ અમેરિકાને હવાલે કરનારા સાઉદી રાજા હવે ઓસામાના દુશ્મન બની ગયા. ઓસામાની સાઉદી અરેબિયામાંથી હકાલપટ્ટી કરવામાં આવી તેને પગલે તેણે પોતાની ચાર પત્નીઓ અને ૧૦ પુત્રો સાથે સુદાનમાં આશરો લીધો.
ઓસામા બિન લાદેને સુદાનમાં રહીને અલ-કાયદાની સ્થાપના કરી. સુદાનમાં રહીને તેના સાથીદારો સાઉદીમાં આવેલા અમેરિકી લશ્કરનાં થાણાઓ ઉપર હુમલા કરવા લાગ્યા. અહીં ઇજીપ્તનો ત્રાસવાદી અલ-જવાહિરી તેની સાથે જોડાયો. ઓસામાએ તેને પોતાનો ડેપ્યુટી બનાવ્યો. અલ-જવાહિરી અલ-કાયદાનો જાહેર ચહેરો બની રહ્યો. અફઘાનિસ્તાનમાંથી રશિયાની હકાલપટ્ટી પછી સત્તા ઉપર આવેલા તાલિબાન સાથે ઓસામાની ગાઢ મિત્રતા હતી. ઇ.સ. ૧૯૯૬ની સાલમાં ઓસામા બિન લાદેન સુદાન છોડીને અફઘાનિસ્તાનમાં રહેવા આવી ગયો. અફઘાનિસ્તાનના ગોલ્ડન ચતુષ્કોણમાં કેફી દ્રવ્યોનો આંતરરાષ્ટ્રીય કારોબાર ઓસામાના હાથમાં આવી ગયો. તેમાંથી જે નાણાં મળતા હતા તેના ઉપયોગથી ઓસામા શસ્ત્રો ખરીદવા લાગ્યો અને ત્રાસવાદીઓને તાલીમ આપવા લાગ્યો. પોતાના દુશ્મન નંબર એક અમેરિકા સામે લડવા માટે ઓસામાએ ૨૦,૦૦૦ શસ્ત્રસજ્જ ત્રાસવાદીઓનું લશ્કર ઉભું કર્યું હતું.
અફઘાનિસ્તાનમાં રહીને ઓસામા બિન લાદેને અમેરિકા સામે રીતસરનું ગેરિલા યુદ્ધ છેડી દીધું હતું. અમેરિકાને પરેશાન કરવાના એક પછી એક ઉપાયો લાદેન અજમાવવા લાગ્યો. ઇ.સ. ૧૯૯૮ની સાતમી ઓગસ્ટે અલ-કાયદાના ત્રાસવાદીઓ કેન્યા અને તાન્ઝાનિયામાં રહેલી અમેરિકન એમ્બેસીઓ ઉપર ત્રાટક્યા આ હુમલામાં કુલ ૨૨૪ લોકોના મોત થયા, જેમાં ૧૨ અમેરિકન હતા, બાકીના લગભગ બધા મુસ્લિમ હતા. ઓસામા બિન લાદેનની થિયરી એવી હતી કે, એક અમેરિકનને મારવા જતા ૧૦૦ મુસ્લિમો માર્યા જાય તો અલ્લાહ આ ગુનો માફ કરી દ છે. ઓસામા બિન લાદેનને ખતમ કરવા માટે ઇ.સ. ૧૯૯૮ અને ૧૯૯૯માં અમેરિકાના સરકારે ત્રણ વખત અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલો કરવાની યોજના બનાવી હતી, પણ અમેરિકન ટોચના અધિકારીઓએ તેમ ન કરવાની સલાહ આપી હતી. આ ભૂલની સજા ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના રોજ અમેરિકાના આશરે ૨,૭૦૦ નિર્દોષ નાગરિકોએ ભોગવવી પડી હતી.
ન્યુયોર્કના ટ્વીન ટાવર ઉપર ૯/૧૧ના હુમલા પછી અમેરિકાએ તાલિબાનને ઓસામા બિન લાદેનને સોંપી દેવાની તાકી કરી હતી. તાલિબાને સહકાર ન આપતાં અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર લશ્કરી આક્રમણ કર્યું હતું. અને તાલિબાનને શિકસ્ત આપી હતી. અફઘાનિસ્તાનમાં અમેરિકાની સત્તા પ્રસ્થાપિત થઈ ગઈ પણ ઓસામા બિન લાદેન અમેરિકાના હાથમાં નહોતો આવ્યો. ઓસામા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના પહાડી પ્રદેશોમાં ક્યાંક છૂપાયો હતો, જ્યાં પહોંચવું અમેરિકાના લશ્કર માટે મુશ્કેલ હતું. અમેરિકી લશ્કરના અનેક હુમલાઓમાં ઓસામા બચી ગયો હતો. અમેરિકાએ તેના માથા ઉપર ૨.૫ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું હતુંપણ ઓસામના સાથીદારો અને મદદકર્તાઓ એટલા વફાદાર હતા કે ઇનામની લાલચમાં કોઈ ઓસામાને સોંપી દેવા તૈયાર થયું નહોતું.
ઇ.સ. ૨૦૦૫માં અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે ત્રાસવાદ સામે લડવાની અમેરિકાની દાનત ઉપર પશ્ચિમના વિચારકોને પણ શંકા પેદા થવા લાગી હતી. અમેરિકાના અનેક લેખકો એવો અભિપ્રાય વ્યક્ત કરવા લાગ્યા હતા કે અમેરિકાના સામ્રાજ્યવાદી અભિગમને કારણે જ ઇસ્લામિક ત્રાસવાદને બળ મળી રહ્યું છે. અમેરિકાએ ઇરાક ઉપર બળજબરીથી કબજો જમાવ્યો તેના પગલે ઇસ્લામિક દેશોમાં અલ- કાયદા જેવા અનેક ત્રાસવાદી જૂથો ઉભા થઈ ગયા હતા. આ વર્ષો દરમિયાન ઓસામા બિન લાદેન નાસતો ફરતો હતો તોપણ ઇસ્લામના નંબર એક શત્રુ તરીકે અમેરિકાને જોવાની તેની દ્રષ્ટિ સમગ્ર ઇસ્લામિક વિશ્વમાં વ્યાપ્ત બની ગઈ હતી. ૯/૧૧ના હુમલા પછી ઓસામાએ કહ્યું હતું કે, 'મારા મોત પછી પણ જિહાદ ચાલુ રહેેેશે.' આ કથન આજે વાસ્તવિતા બની ગયું છે.
અલ-કાયદા અને ત્રાસવાદ સામેની લડાઈમાં અમેરિકાએ પાકિસ્તાનને પોતાનુ ભાગીદાર બનાવ્યું હતું અને તેને અબજો ડોલરની સહાય કરી હતી. પાકિસ્તાને એ વાતનો અનેક વખત ઇન્કાર કર્યો હતો કે તેણે ઓસામાને પોતાની જમીન ઉપર આશરો આપ્યો છે. હવે ઓસામા બિન લાદેન પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદથી માત્ર ૫૦ માઇલના અંતરે જ છૂપાયો હતો એવું બહાર આવતા ઓસામાને મદદ ન આપવા બાબતના પાકિસ્તાનના તમામ દાવાઓ પોકળ પુરવાર થયા છે. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સક્રિય સાથ- સહકાર વિના ઓસામા આટલો લાંબો સમય પાકિસ્તાનમાં સલામત રહી શક્યો હોય તે સંભવિત જ નથી. પાકિસ્તાને જે અબોત્તાબાદ જિલ્લામાં ઓસામા છૂપાયો હતો તે પાકિસ્તાની સરકારના કબજામાં છે અને ત્યાં પાકિસ્તાની લશ્કરનું થાણું પણ છે. આ ઉપરથી સાબિત થાય છે કે ઓસામાને પાકિસ્તાનના લશ્કરનું સંરક્ષણ હતું. આ પરિસ્થિતિમાં અમેરિકા હવે ત્રાસવાદ સામે લડવા માટે પાકિસ્તાનને શસ્ત્રોની અને નાણાંની સહાય ચાલુ રાખશ કે કેમ તેવો સવાલ ખડો થાય છે.
અમેરિકાના લોકો જો એમ માનતા હોય કે ઓસામા બિન લાદેનના મોત સાથે ત્રાસવાદનો અંત આવી જશે તો તેઓ ભીંત ભૂલે છે. અમેરિકા માટે જીવતો ઓસામા જેટલો ખતરનાક હતો તેના કરતા ક્યાંય વધુ ખતરનાક મરેલો ઓસમા છે. ઓસામા બિન લાદેનના સાથીદારો પોતાના સરદારના મોતનો બદલો લેવા માટે બમણા જોરથી અમેરિકા ઉપર ત્રાટકી શકે છે. તાજેતરમાં બહાર આવેલા એક સમાચાર મુજબ ઓસામા અણુ બોમ્બ બનાવીને અમેરિકા અને તેના મિત્ર દેશો ઉપર ત્રાટકવાની યોજના ઘડી રહ્યો હતો. ઓસામાના મોત પછી તેના સાથીદારો આ યોજનાને અંજામ આપી શકે તેમ છે. ઓસામાના મોત પછી અલ-કાયદાનું સુકાન અલ-જવાહિરીના હાથમાં આવશે તેમ મનાય છે. અલ- જવાહિરી ઓસામા કરતા પણ વધુ કાતિલ છે. આ કારણે જ અમેરિકા જંપીને બેસી શકે તેમ નથી. અમેરિકા જ્યાં સુધી તેની સામ્રાજ્યવાદી નીતિઓ નહીં બદલે ત્યાં સુધી ત્રાસવાદનો ઉકેલ જડવાનો નથી.

No comments:

Post a Comment