ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલન ચલાવી રહેલા અન્ના હજારે વચ્ચે હવે ખરાખરીની લડાઈ શરૃ થઈ છે. જંતરમંતરમાં અન્ના હજારેએ કરેલા ઉપવાસને દેશની જનતાનો જે ટેકો મળ્યો તે જોઈને શાસક પક્ષોના નેતાઓ ફફડી ઉઠયા હતા. તેમને ડર લાગ્યો હતો કે જો અન્ના હજારેનું આંદોલન લાંબું ચાલશે તો પ્રજાનો પુણ્યપ્રકોપ એવો ભભૂકી ઉઠશે કે તેમણે આવતી સામાન્ય ચૂંટણી પહેલાં જ ખુરશી છોડીને ઘરભેગા થવું પડશે. આ ગભરાટ હેઠળ વડા પ્રધાને અન્ના હજારેની જન લોકપાલ બીલની રચના માટે જોઈન્ટ કમિટિની માંગણી સ્વીકારીને એક કડવો ઘૂંટડો ગળવો પડયો હતો. હવે રાજકારણીઓને ભય લાગ્યો છે કે જો અન્ના હજારે તેમની મરજી મુજબનું જન લોકપાલ બીલ ઘડાવીને તેને સંસદમાં પસાર કરાવી દેશે તો તેમણે જેલભેગા જ થવું પડશે. આવું ન બને એ માટે તેમણે અન્ના હજારેના સાથીદારોને બદનામ કરવાની ઝુંબેશ શરૃ કરી છે. આ ઝુંબેશમાં સૌથી પહેલા ભારતના ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિભૂષણને નિશાના બનાવવામાં આવી રહ્યા છે, જેઓ જન લોકપાલ બીલની ડ્રાફ્ટિંગ કમિટીમાં અન્ના હજારેના પ્રતિનિધિ છે.
કેટલાક અંગ્રેજી અખબારોએ એક પાંચ વર્ષ જૂની સીડી ખોદી કાઢી છે, જેમાં શાંતિભૂષણ સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ મહામંત્રી અમરસિંહના નિવાસસ્થાનેથી સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમસિંહ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઉપજાવી કાઢેલી સીડીમાં શાંતિભૂષણને એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના એક જજને ચાર કરોડ રૃપિયામાં ફોડી શકે છે. આ સીડીનો મુદ્દો ઉઠાવીને રાજકારણીઓ જન લોકપાલ બીલની ડ્રાફ્ટિંગ કમિટીમાંથી શાંતિભૂષણની હકાલપટ્ટી કરાવવા માંગે છે. હકીકતમાં આ બનાવટી સીડી કેટલાક રાજકારણીઓના ઈશારા ઉપર ખુદ અમરસિંહે તરતી મુકી હોવાનું જણાય છે. આજથી પાંચ વર્ષ અગાઉ અમરસિંહના ગેરકાયદે ટેપ કરેલા ફોનની સીડી બાબતમાં વિવાદ થયો હતો. આ સીડીને જાહેર કરવા સામે અમર સિંહે સર્વોચ્ચ અદાલતમાં જઈને મનાઈહુકમ મેળવ્યો હતો. શાંતિભૂષણના પુત્ર પ્રશાંતભૂષણે આ મનાઈહુકમ ઉઠાવી લેવા માટે જાહેર હિતની અરજી કરી હતી. પ્રશાંતભૂષણે ફોરેન્સિક લેબનો રિપોર્ટ મેળવીને સાબિત કરી આપ્યું છે કે આ સીડીમાં ઘાલમેલ કરીને તેમના પિતાના અવાજને મેળવી દેવાયો છે.
અન્ના હજારેએ જન લોકપાલ બીલની રચના માટે જે આંદોલન છેડી દીધું છે તેમાં શાંતિભૂષણની અને તેમના પુત્ર પ્રશાંતભૂષણની ભૂમિકા બહુ મહત્ત્વની છે. તેઓ બંને સુપ્રિમ કોર્ટના નામાંકિત વકીલો છે. શાંતિભૂષણ તો સ્વ. ઈન્દિરા ગાંધી સામે રાજનારાયણ વતી અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ચૂંટણીના ભ્રષ્ટાચારનો કેસ લડીને જીતી ચૂક્યા છે. આ ચુકાદાના પગલે જ ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી હતી. કટોકટી પૂરી થઈ તે પછી કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી તેમાં શાંતિભૂષણ કાયદા પ્રધાન બન્યા હતા. તેમના પુત્ર પ્રશાંતભૂષણની છાપ સુપ્રિમ કોર્ટના બાહોશ વકીલ તરીકેની છે. તેઓ પર્યાવરણ, ભ્રષ્ટાચાર, માનવ અધિકારો વગેરે વિષયો ઉપર અત્યાર સુધીમાં આશરે ૫૦૦ જાહેર હિતની અરજીઓ કરી રહ્યા છે. જાહેર હિતની અરજી લડવા માટે તેઓ ફી પણ લેતા નથી. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમણે કરેલી જાહેર હિતની અરજીને પગેલ આ કૌભાંડની સીબીઆઈની તપાસને સુપ્રિમ કોર્ટે પોતાના અંકુશ હેઠળ લીધી હતી અને ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજાની ધરપકડ થઈ હતી. જન લોકપાલ બીલની રચનામાં કાયદાના કોઈ પ્રખર નિષ્ણાતોની સેવાની જરૃર હતી.
આ કારણે અન્ના હજારેએ શાંતિભૂષણ અને પ્રશાંતભૂષણ બંનેને આ બીલની ડ્રાફ્ટિંગ કમિટીમાં સામેલ કરાવ્યા હતા. ભ્રષ્ટ રાજકારણીઓને અન્ના હજારે કરતાં પણ વધુ ડર આ બે કાયદાવિદોનો છે. આ કારણે જ પહેલાં કમિટીમાં પિતા-પુત્ર બંનેની નિમણુકનો વિરોધ જગાવવામાં આવ્યો હતો. આ વિરોધની ઝાઝી અસર ન થઈ એટલે હવે મુલાયમસિંહની સીડીનું તરકટ ઉભું કરવામાં આવ્યું છે. હવે રાજકારણીઓ અન્ના હજારેને 'ભ્રષ્ટ' ગણાવીને તેમની છબીને પણ ધૂંધળી કરવાની કોશિષ કરી રહ્યા છે. જન લોકપાલ બીલ સંસદમાં પસાર ન થાય એ માટે તમામ રાજકારણીઓ સંસદમાં સંપી જાય તેવી સંભાવના પણ ઉભી છે. નવાઈની વાત એ છે કે અન્ના હજારેને અને તેમના સાથીદારોને બદનામ કરવાની ઝુંબેશમાં કેટલાંક અંગ્રેજી અખબારો પણ રાજકારણીઓને સાથ આપી રહ્યા છે.
સુપ્રિમ કોર્ટમાં પ્રશાંતભૂષણની છાપ આમ આદમીના વકીલ તરીકેની છે. તેઓ પોતાનો ૨૫ ટકા સમય જાહેર હિતની અરજીઓ પાછળ વ્યતીત કરે છે, જેના માટે તેઓ એક નવા પૈસાની ફી પણ લેતા નથી. પ્રશાંતભૂષણ જે ધંધાદારી કેસો સ્વીકારે છે તે પણ પોતાના અંતરાત્માને ન્યાયી લાગે તો જ સ્વીકારે છે અને સુપ્રિમ કોર્ટના બીજા વકીલોની સરખામણીએ પાંચ ટકા જેટલી ફી જ ચાર્જ કરે છે. જે કેસમાં તેમને એમ લાગે કે ક્લાયન્ટ ખોટો છે તેવા કેસો સ્વીકારવાનો તેઓ ઈનકાર કરી દે છે. બોફોર્સ કેસમાં સરકારે ક્વોટ્રોચીને છોડી દેવાનો નિર્ણય કર્યો તેની સામે પણ પ્રશાંતભૂષણે જાહેર હિતની અરજી કરી છે. છેલ્લાં ૧૫-૧૭ વર્ષમાં તેઓ જાહેર હિતની આશરે ૫૦૦ અરજીઓ કરી ચૂક્યા છે. નર્મદા બચાવો આંદોલનનો પ્રસિદ્ધ કેસ પણ તેઓ મફતમાં લડયા હતા. પર્યાવરણને બચાવવા માટેની જાહેર હિતની અરજીઓ બાબતમાં તેમની માસ્ટરી છે. કાનૂની વર્તુળોમાં તેમની છાપ આમ આદમીના હીરો તરીકેની છે.
પ્રશાંતભૂષણ જે મહત્ત્વની જાહેર હિતની અરજીઓ લડયા છે તેમાં સીવીસી થોમસની નિમણૂંક સામેનો કેસ તાજો છે. આપણા દેશના વડાપ્રધાન અને ગૃહ પ્રધાને મળીને ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા એક સરકારી અમલદારને દેશના ચીફ વિજીલન્સ કમિશનર બનાવ્યા હતા. આ નિમણુકને પ્રશાંતભૂષણે જાહેર હિતની અરજી દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારી હતી. સરકારે સુપ્રિમ કોર્ટમાં થોમસની નિમણુકનો જોરદાર બચાવ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે એક શકવર્તી ચુકાદામાં થોમસની નિમણુકને રદ્દબાતલ કરી હતી. આ રીતે પ્રશાંતભૂષણે ભારતના વડા પ્રધાનનું અને ગૃહપ્રધાનનું નાક કાપ્યું હતું. ૨-જી સ્પેક્ટ્રમ કેસની તપાસમાં સીબીઆઈ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજાને છાવરી રહી છે એવું લાગતા તેમણે આ તપાસનું સંચાલન સુપ્રિમ કોર્ટે પોતાના હાથમાં લેવું જોઈએ એવા મતલબની જાહેર હિતની અરજી કરી હતી. આ અરજી ફાઈલ થઈ તેનાં છ અઠવાડિયામાં રાજા જેલની હવા ખાઈ રહ્યા હતા. એક ઈમાનદાર વકીલ જો કાનૂની પ્રક્રિયાઓનો સાચી રીતે ઉપયોગ કરે તો દેશનો ઇતિહાસ બદલી શકે એ વાત પ્રશાંતભૂષણે સાબિત કરી બતાવી છે.
ન્યાયતંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવામાં પણ પ્રશાંતભૂષણ મોખરે છે. તેમણે એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં આક્ષેપ કર્યો હતો કે ભારતના ૧૬ વડા ન્યાયમૂર્તિઓ પૈકી આઠ ભ્રષ્ટ હતા. આ ઈન્ટરવ્યૂની જાણ તેમના હરિફ વકીલ હરીશ સાલવેએ સુપ્રિમ કોર્ટને કરી દેતાં સર્વોચ્ચ અદાલતે તેમની સામે અદાલતના તિરસ્કારની કાર્યવાહી શરૃ કરી છે. પ્રશાંતભૂષણ માટે તો આ કેસમાં 'ભાવતું હતું અને વૈદે કીધું' જેવો ઘાટ થયો છે. અદાલતના તિરસ્કારની કાર્યવાહીના કારણે તેમના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિઓ વિશેનાં નિવેદનને દેશભરમાં પ્રસિધ્ધિ મળી ગઈ હતી. આ કેસના સંદર્ભમાં પ્રશાંતભૂષણે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને એક બંધ કવરમાં ભારતના આઠ 'ભ્રષ્ટ' ન્યાયમૂર્તિઓનાં નામો લખીને સુપરત કર્યા હતા. આ નામો પણ મિડીયામાં જાહેર થઈ ગયાં હતાં. આ કેસ ચાલતો હતો ત્યાં જ ભારતના ભૂતપૂર્વ વડા ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણની આવકથી વધુ સંપત્તિનો વિવાદ ચગ્યો એટલે પ્રજાને ખાતરી થઈ ગઈ હતી કે પ્રશાંતભૂષણે ભારતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિઓ સામે જે આક્ષેપો કર્યા હતા તેમાં ભારોભાર તથ્ય છે.
પ્રશાંતભૂષણ એક તરંગી વ્યક્તિ છે, પરંતુ તરંગી અને ભેજાંગેપ વ્યક્તિઓ જ દુનિયાનો ઇતિહાસ બદલીને નવા ઇતિહાસનું સર્જન કરી શકે છે. પ્રશાંતભૂષણને પહેલાં મદ્રાસની પ્રતિષ્ઠિત આઈઆઈટી કોલેજમાં પ્રવેશ મળ્યો હતો, પણ એન્જિનિયરીંગનો અભ્યાસ કંટાળાજનક લાગતાં તેમણે અધવચ્ચે આઈઆઈટી કોલેજ છોડી દીધી હતી અને તેઓ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સ અને ફિલોસોફીનો અભ્યાસ કરવા ચાલ્યા ગયા હતા. તેમાં પણ મજા ન આવી એટલે કાયદાની અલ્લાહાબાદની કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવીને તેઓ સુપ્રિમ કોર્ટના વકીલ બની ગયા હતા. પ્રશાંતભૂષણનો પરિવાર ગર્ભશ્રીમંત છે, એટલે પૈસા માટે વકીલાત કરવાની તેમને જરૃર નથી. પ્રશાંતભૂષણને ભોપાળના ગેસ પીડિતોનો કેસ લડીને 'જનતાના વકીલ' તરીકેની લોકચાહના મેળવી હતી.
બાબા રામદેવ, અન્ના હજારે, શાંતિભૂષણ, પ્રશાંતભૂષણ, સ્વામી અગ્નિવેશ, સંતોષ હેગડે જેવા મહાનુભાવો પ્રજાને આજના ભ્રષ્ટ અને સ્વાર્થી રાજકારણીઓની પકડમાંથી આઝાદી અપાવવા માટેનો જંગ ખેલી રહ્યા છે. જેમ જેમ તેમનો જંગ ઉગ્ર બનતો જશે તેમ તેમ આપણા નેતાઓ તેમને બદનામ કરવાના વધુ પ્રયાસો કરશે. મુલાયમની સીડી જેવી બીજી ઘણી સીડીઓ જાહેરમાં આવશે. પ્રજાની સમર્થનથી ચાલી રહેલા આ આંદોલનને કચડી નાંખવા અને બદનામ કરવા રાજકારણીઓ સામ, દામ, દંડ, ભેદ જેવા તમામ ઉપાયો અજમાવી જોશે. આ જંગમાં કોઈની હત્યા કરી નાંખવામાં આવે અને તોફાનો ફાડી નીકળે તેવું પણ બની શકે છે. જો પ્રજા આ બીજા આઝાદી જંગના નેતાઓની પડખે મજબૂત બનીને ઊભી રહેશે તો ભ્રષ્ટાચાર સામેના જંગમાં પ્રજાની જીત નક્કી છે.
No comments:
Post a Comment