જાપાનમાં ભૂકંપ અને સુનામી આવ્યાના બરાબર એક મહિના પછી જાપાનના સત્તાવાળાઓએ જાહેર કર્યું છે કે હવે કુકુશિમાના અણુ ઉર્જા મથકમાં થયેલા ધડાકાઓની તીવ્રતા રશિયાના યુક્રેન પ્રાંતમાં ઈ.સ. ૧૯૮૬ની સાલમાં થયેલી ચેર્નોબિલ દુર્ઘટના જેટલી થઈ ગઈ છે. અણુદુર્ઘટનાની ગંભીરતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એકથી સાતનો આંક વાપરવામાં આવે છે. આ આંક ઉપર ચેર્નોબીલની ગંભીરતા સાત જેટલી આંકવામાં આવી હતી, જ્યારે અમેરિકાના થ્રી માઈલ આઈલેન્ડના અણુ ઊર્જા મથકમાં થયેલી દુર્ઘટનાની તીવ્રતા પાંચની ગણવામાં આવી હતી. જાપાનના કુકુશિમા પ્લાન્ટમાંથી રેડિયેશનનું ગળતર થવાની શરૃઆત થઈ ત્યારે જાપાનના સત્તાવાળાઓ દ્વારા આ દુર્ઘટનાને ચારનો આંક આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ પ્લાન્ટમાં ધડાકાઓ થયા ત્યારે તેની તીવ્રતા વધારીને પાંચની આંકવામાં આવી હતી. હવે જ્યારે જાપાનના સત્તાવાળાઓ દ્વારા આ તીવ્રતા વધારીને સાતની કરવામાં આવી છે ત્યારે ખરેખર કુકુશિમાના પ્લાન્ટમાં શું ચાલી રહ્યું છે અને તેની માનવજાત ઉપર કેવી હાનિકારક અસર થશે એ બાબતમાં જગતવ્યાપી ચિંતા પેદા થઈ રહી છે.
ભૂકંપ અને સુનામીના એક મહિના પછી કુકુશિમા પ્લાન્ટમાંથી થયેલી દુર્ઘટના હજી કાબુમાં આવી નથી. આ પ્લાન્ટનું સંચાલન કરતી કંપની ટેપકો અંદર શું બની રહ્યું છે એ બાબતમાં જેટલી વાતો જાહેર કરે છે, તેના કરતાં વધુ વાતો છૂપાવે છે. જાપાનની ઇન્ડસ્ટ્રી એન્ડ ન્યુક્લિઅર સેફટી એજન્સીએ ૧૧મી એપ્રિલે જાહેર કર્યું છે કે કુકુશિમા પ્લાન્ટમાંથી પ્રતિકલાકે ૧૦,૦૦૦ ટેરાબેકવેરેલ જેટલું રેડિયેશન બહાર આવી રહ્યું છે. ઈ.સ. ૧૯૮૬માં ચેર્નોબિલની દુર્ઘટના થઈ ત્યારે એટમિક પાવર પ્લાન્ટનું મુખ્ય રિએકટર જ તૂટી ગયું હતું અને તેમાંથી લાખો ટેરાબેકવેરેલ રેડિયેશન હવામાં ભળી ગયું હતું. જોકે જાપાનની ઇન્ડસ્ટ્રી એન્ડ ન્યુક્લિઅર સેફટી એજન્સી આપણને કહે છે કે કુકુશિમાના પ્લાન્ટમાંથી હજી ચેર્નોબિલની સરખામણીએ ૧૦ ટકા જેટલું જ રેડિયેશન બહાર આવી રહ્યું છે. જો કુકુશિમાની માત્ર કૂલિંગ સિસ્ટમમાં જ ગરબડ હોય તો આટલું બધું રેડિયેશન બહાર આવે એ સંભવિત નથી. તેનો અર્થ કદાચ એવો થઈ શકે કે અત્યારે જે રેડિયેશન બહાર આવી રહ્યું છે તે મુખ્ય રિએકટરમાંથી જ બહાર આવી રહ્યું છે, જે વાતનો ફોડ પાડવા જાપાનની સરકાર તૈયાર નથી.
જાપાનના સત્તાવાળાઓએ કુકુશિમાની દુર્ઘટનાની તીવ્રતા વધારીને સાત કરવા માટે એવું કારણ આપ્યું છે કે તેમાંથી બહાર આવતું રેડિયેશન હવે પીવાનાં પાણીમાં, શાકભાજીમાં, દૂધમાં, માછલીઓમાં, હવામાં અને દરિયાનાં પાણીમાં પણ પ્રસરી રહ્યું છે. જાપાનની સરકારે અગાઉ કુકુશિમા પ્લાન્ટની ૨૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા બે લાખ લોકોને પોતાનાં ઘરો ખાલી કરાવીને સલામત સ્થળે ચાલ્યા જવાનો આદેશ આપ્યો હતો. આ લોકોને હજી સારી રીતે વસાવવામાં સરકારને સફળતા મળી નથી. આ લોકો નિર્વાસિત છાવણીઓમાં નર્કની યાતના ભોગવી રહ્યા છે. હવે જાપાનની સરકારે ૨૦ને બદલે ૩૦ કિલોમીટરની ત્રિજયામાં રહેતા લોકોને પોતાનાં ઘરો છોડીને ચાલ્યા જવાની તાકીદ કરી છે. આ વિસ્તારમાં રહેતા લોકોને એક મહિનામાં તેમનાં ઘરો ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જો જાપાન જેવો આધુનિક અને પ્રગતિશીલ દેશ પણ કુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં પેદા થયેલી કટોકટીને નાથી ન શકતો હોય તો ભારતમાં આ પ્રકારની દુર્ઘટના થાય તો હજારો લોકો મૃત્યુનાં મુખમાં ધકેલાઈ જાય તેમ છે. કોઈ પણ એટમિક પાવર પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓ વર્ષે ૩૦ મિલિસિવેરેટ રેડિયેશનના સંપર્કમાં આવે ત્યાં સુધી તેમને વાંધો આવતો નથી. અત્યારે કુકુશિમા પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર કલાકના ૧,૦૦૦ મિલિસિવેરેટ ઉપર પહોંચી ગયું છે. આટલાં રેડિયેશન વચ્ચે પણ આ પ્લાન્ટમાં કામ કરતા ૫૦ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. હમણા ટેપકો કંપનીએ જાહેરાત કરી છે કે તેમાંના બે કર્મચારીઓનાં મોત થયાં છે અને ત્રણની હાલત ગંભીર છે. આ તમામ કર્મચારીઓ દાઝી જવાના કારણે થયેલી ઈજાઓનો ભોગ બન્યા છે. તેથી પણ વધુ ગંભીર બાબત એ છે કે અમેરિકાના પશ્ચિમ દરિયાકિનારે, યુરોપમાં અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પણ આ રેડિયેશન દરિયાના પાણી વાટે ફેલાઈ રહ્યું છે. આ રીતે પ્રસરી રહેલા રેડિયેશનને કારણે ભવિષ્યમાં હજારો લોકોનાં મોત થવાની સંભાવના છે.
ચેર્નોબિલમાં જે દુર્ઘટના થઈ ત્યારે માત્ર ૩૨ લોકોના જીવ ગયા હતા, જેમાંના મોટા ભાગના આગ બૂઝાવવા આવેલા બંબાવાળાઓ હતા. પરંતુ આ દુર્ઘટનામાં ૨૫ વર્ષમાં રેડિયેશનની અસર પામેલા આશરે ૭૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. તેમાંના મોટા ભાગના લોકો ચામડીના કેન્સરને કારણે મર્યા છે. આજે પણ ચેર્નોબિલના રેડિયેશનનો ભોગ બનેલી સ્ત્રીઓને મૃત અથવા જન્મથી જ ખોડખાંપણ ધરાવતાં બાળકો અવતરે છે. તેનું કારણ એ છે કે રેડિયેશનની વિઘાતક અસરો તરત દ્રષ્ટિગોચર નથી થતી પણ સમય જતાં દેખાય છે. કુકુશિમા પ્લાન્ટમાંથી જે રેડિયોએક્ટિવ પદાર્થોનું ગળતર થયું છે તેની અસરો પણ ભવિષ્યમાં જોવા મળશે.
કુકુશિમાના પ્લાન્ટમાં જે રેડિયોએક્ટિવ પદાર્થો છે તેનો જથ્થો હિરોશીમા ઉપર ફેંકવામાં આવેલા અણુબોમ્બની સરખામણીએ ૪૮,૦૦૦ ગણો છે. ચેર્નોબિલમાં જેટલો રેડિયોએક્ટિવ પદાર્થ હતો તેના કરતાં ૪૦૦ ગણો રેડિયોએક્ટિવ પદાર્થ કુકુશિમામાં છે. આ કારણે કુકુશિમામાં રહેલું ૧૦ ટકા રેડિયોએક્ટિવ સેસિયમ-૧૩૭ હવામાં ભળી જાય તો તેની અસર ચેર્નોબિલ કરતાં ચાર ગણી થઈ જાય તેમ છે. અત્યારના અંદાજ મુજબ કુકુશિમાંથી ચેર્નોબિલની સરખામણીએ ૨૦ ટકા જેટલું રેડિયોએક્ટિવ આયોડન-૧૩૧ અને ૧૦ ટકા જેટલું સેસિટમ-૧૩૭ હવામાં ભળી રહ્યું છે. આ રેડિયેશનનું ગળતર કયારે બંધ થશે તે કોઈ કહી શકે તેમ નથી.
જાપાનમાં જે દુર્ઘટના થઈ તેના પાયામાં ભૂકંપ અને સુનામી નહોતા પણ રિએક્ટરની ખામી ભરેલી ડિઝાઈન હતી. આ રિએક્ટરમાં વીજળી જાય તો રિએકટરને ઠંડાં પાડવા માટે ડિઝલના જનરેટરો ગોઠવવામાં આવ્યાં હતાં. આ જનરેટરો પૂરને કારણે બંધ થઈ ગયા હતા. આ રિએક્ટરોમાં જે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી તે રિએક્ટરથી નીચેના લેવલે બનાવવામાં આવી હતી. આ કારણે પાણી ઉપર ચડાવવા તેનું પમ્પિંગ કરવું જરૃરી હોય છે. આધુનિક કાળમાં બનતાં રિએક્ટરોમાં પાણીની ટાંકીઓ રિએક્ટરો કરતાં ઊંચી સપાટીએ બનાવવામાં આવે છે, જેને કારણે ગુરૃત્વાકર્ષણ બળથી પાણી છાંટી શકાય છે.
કુકુશિમાના રિએક્ટરમાં વપરાયેલાં બળતણની સુરક્ષા માટે સિમેન્ટનાં મકાનો બાંધવામાં આવ્યાં નહોતાં. આ કારણે વપરાયેલાં બળતણમાં રહેલો રેડિયોએક્ટિવ પદાર્થ ઝડપથી દરિયાના પાણીમાં વહી ગયો હતો. મુંબઈની નજીક જે તારાપુરનું રિએક્ટર બનાવવામાં આવ્યું છે તેની ડિઝાઈનમાં પણ આ બધી ખામીઓ છે. આપણી સરકારે એવું માનીને જ આ રિએક્ટરો બનાવ્યાં છે કે ભારતમાં ભૂકંપ અને સુનામી આવવાનાં જ નથી. પરંતુ કુદરતની લીલા અકળ હોય છે. ન કરે નારાયણ અને ભારતમાં સુનામી આવ્યું તો દરિયાકાંઠે બનાવેલાં એટમિક રિએક્ટરો આપણા મોતનો સામાન બની જાય તેવાં છે.
જાપાનના કુકુશિમા પ્લાન્ટમાં જે કટોકટી પેદા થઈ હતી તેનો હજી અંત આવ્યો નથી. કુકુશિમામાં કુલ છ રિએકટરો હતાં. તેમાંના ત્રણમાં આંશિક મેલ્ટડાઉન જોવા મળ્યું છે. તેમાં પણ એક નંબરના રિએક્ટરમાં ૭૦ ટકા અને બે નંબરના રિએક્ટરમાં ૩૩ ટકા મેલ્ટડાઉન થયું છે. અર્થાત્ આ રિએક્ટરોનો આટલો ભાગ પીગળી ગયો છે અને તેમાંથી રેડિયેશન બહાર આવી રહ્યું છે. આ કારણે જ જાપાનના સત્તાવાળાઓને આ કટોકટી સાતની તીવ્રતાની હોવાની જાહેરાત કરવી પડી છે. કુકુશિમાના છ પૈકી ચાર રિએક્ટરો દરિયાનાં ખારાં પાણીના પમ્પિંગના કારણે તદ્દન નકામાં થઈ ગયાં છે. આ રિએક્ટરો હવે ભંગારમાં કાઢવા પડશે. પરંતુ એટમિક રિએક્ટરને ભંગારમાં કાઢવાનું કામ જરાય આસાન નથી. તેમાં રહેલા રેડિયોએક્ટિવ પદાર્થને સંપૂર્ણપણે નિષ્ક્રિય થતાં હજારો વર્ષ લાગે છે. ત્યાં સુધી તેને કોઈ વેરાન સ્થળે જમીનમાં દાટી રાખવો પડે છે. આ પદાર્થ ભૂગર્ભજળને પ્રદૂષિત કરે તેવો ભય પણ રહે છે. આ દરમિયાન જો આ પ્રદેશમાં ભૂકંપ આવ્યો અને રેડિયોએક્ટિવ પદાર્થ જમીનમાંથી બહાર આવી જાય તો તે વિનાશ વેરી શકે છે. આપણી સરકારો દ્વારા જ્યારે અણુ ઉર્જા મથકો ઊભાં કરવામાં આવે છે ત્યારે ભવિષ્યમાં તેનું વિસર્જન કરવાની કોઈ યોજના તૈયાર કરવામાં આવતી નથી.
ટેપકો કંપની હવે કુકુશિમાનાં નકામાં બની ગયેલાં ચાર રિએક્ટરો ઉપર આકાશમાંથી સિમેન્ટ કોંક્રિટનો વરસાદ કરીને તેની જીવતી કબર બનાવવાની યોજના તૈયાર કરી રહી છે. આ રીતને કબર બનતાં બીજાં ૨૦ વર્ષ લાગશે. ત્યાં સુધી અણુભઠ્ઠીમાં રહેલાં બળતણને ઠંડું પાડતાં રહેવું પડશે.
ત્યાર બાદ જો પ્લાન્ટમાં ધડાકો થાય તો કોંક્રિટની કબરમાં ગાબડાં પડે અને રેડિયેશન બહાર આવે તેવું બની શકે છે. અત્યારે જાપાનમાં કુકુશિમા પ્લાન્ટની આજુબાજુના દરિયામાં રેડિયેશનનું જે સ્તર છે તે માન્ય સ્તરના દસ લાખ ગણું વધુ છે. કલ્પના કરો કે તારાપુર પ્લાન્ટમાં કોઈ દુર્ઘટના થાય અને તેનું રેડિયેશન મુંબઈના દરિયામાં ફેલાઈ જાય તો મુંબઈગરાઓની શી હાલત થાય ? જો આપણી સરકાર પાસે આ બધી કટોકટીઓને પહોંચી વળવાની યંત્રણા ન હોય તો કમ સે કમ નવાં અણુ ઉર્જા મથકો બાંધવાનું તો બંધ કરવું જોઈએ.
No comments:
Post a Comment