Thursday, May 12, 2011

૧૨/૦૪/૧૧ ચાંદીના રોકાણમાં કાયમ માટે ચાંદી થાય તેવું જરૃરી નથી


ભૂતકાળમાં ચાંદીના ભાવો ઔંસના ૧.૯૫ ડોલરથી વધીને ૫૪ ડોલર થયા હતા અને ત્યાંથી ગબડીને પાછા ૪.૪ ડોલર પણ થઈ ગયા હતા
ાંદીના ભાવો ૬૦,૦૦૦ રૃપિયે કિલોગ્રામનું છાપરું તોડીને પણ આગળ વધી રહ્યા છે. ચાંદી જ્યારે ૩૦,૦૦૦ રૃપિયે કિલોગ્રામ હતી ત્યારે કેટલાક જાણકારોએઆગાહી કરી હતી કે ચાંદી વધીને ૪૫,૦૦૦ રૃપિયા થશે ત્યારે આ આગાહી સાચી પડશે એવું બહુ ઓછા લોકો માનતા હતા. હવે ચાંદી ૬૨,૦૦૦ રૃપિયાનો ભાવ વટાવી ગઈ છે ત્યારે તે જ જાણકારો કહી રહ્યા છે કે બે-ત્રણ મહિનામાં ચાંદીનો ભાવ વધીને ૭૦થી ૭૫,૦૦૦ રૃપિયા થશે ત્યારે તેમની વાત માનીને ચાંદીમાં રોકાણ કરવું કે ન કરવું તેવી દ્વિધા થાયતે સ્વાભાવિક છે. જોકે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો કહે છે કે સોનાની જેમ ચાંદીના ભાવો સતત વધ્યા જ કરશે એવું માની લેવું ન જોઈએ. આ કારણે ટૂંકા ગાળાના લાભ માટે ચાંદી ખરીદનારાઓએ અત્યંત સાવચેતીપૂર્વક આ સફેદ ધાતુમાં રોકાણ કરવું જરૃરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૪૦ ડોલર ઉપર પહોંચી ગયા છે. આ પહેલા ઈ.સ. ૧૯૮૦ની સાલમાં વિદેશની બજારમાં ચાંદીના આ ભાવો જોવા મળ્યા હતા. જોકે ત્યારે ભારતમાં ડોલરના ભાવો ઓછા હોવાથી ચાંદી આજના ભાવ કરતાં ઘણી સસ્તી કિંમતે મળતી હતી. અત્યારે ભારતમાં ચાંદીનોજે ભાવ છે તે ઓલ ટાઈમ હાઈ છે. ગયા ઓગસ્ટ મહિનાથી ચાંદીના ભાવોમાં ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળામાં સોનાના ભાવોમાં ૧૧ ટકા વધારો થયો છે. અમેરિકાનો ડોલર જેમ નબળો પડતો જાય છે તેમ સોનાના અને ચાંદીના ભાવો આસમાન સાથે સ્પર્ધા કરી રહ્યા છે. પરંતુ સોનાના અને ચાંદીના ભાવોમાં જે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેમાં ભિન્નતા જોવા મળે છે. આ કારણે રોકાણકારને કઈ કીંમતી ધાતુમાં રોકાણ કરવું તેની દ્વિધા થાય તો તે સ્વાભાવિક છે. રોકાણકારે સોનામાં રોકાણ કરવું જોઈએ કે ચાંદીમાં તેની ચર્ચા કરતાં પહેલાં આપણે સોનાના અને ચાંદીના ભાવો શા કારણે વધી રહ્યા છે તેનું કારણ શોધવાની કોશિષ કરીએ. અમેરિકાનું અર્થતંત્ર કથળી રહ્યું હોવાથી ડોલર નબળો પડી રહ્યો છે. સાથે સાથે યુરોપના પાઉન્ડ અને યુરો પણ નબળા પડી રહ્યા છે. આ કારણે રોકાણકારો સલામત રોકાણની શોધમાં છે. આ શોધમાં તેમને આર્થિક ઉથલપાથલના સંયોગોમાં કીંમતી ધાતુઓમાં રોકાણ કરવું સૌથી વધુ સલામત જણાય છે. વળી આરબ જગતમાં ચાલી રહેલી ઉથલપાથલને કારણે આખા વિશ્વમાં રાજકીય મોરચે અનિશ્ચિતતા ઊભી થઈ છે. જો કોઈ મોટું યુદ્ધ ફાટી નીકળે તો તેવી પરિસ્થિતિમાં સોના અને ચાંદીમાં કરવામાં આવેલું રોકાણ સલામત રહેવાનું છે. માટે લોકો બંને કીમતી ધાતુઓ ભણી વળી રહ્યા છે.
જેઓ ચાંદીના ભાવો હજી વધવાની આગાહી કરી રહ્યા છે તેમનું લોજીક સિમ્પલ છે. જ્યારે સોના-ચાંદીની પસંદગી ચલણ તરીકે કરવામાં આવી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે ૧૬ ઓંસ ચાંદીની જેટલી ખરીદશક્તિ હોય છે એટલી એક ઔંસ સોનાની ખરીદશક્તિ ગણવી. આ રીતે સોના અનેચાંદીના ભાવો વચ્ચ ૧૬ઃ૧ નો ગુણોત્તર હતો. ઈ.સ. ૧૯૮૦માં જગતમાં ખનિજ તેલની કટોકટી પેદા થઈ ત્યારે ચાંદીના ભાવો બહુ વધતાં સોનાના અને ચાંદીના ભાવો વચ્ચે ૧૬ઃ૧નો ગુણોત્તર જોવા મળ્યો હતો. ગયાં વર્ષના ઓક્ટોબર મહિનામાં સોના અને ચાંદીના ભાવો વચ્ચે ૬૦ઃ૧ નો ગુણોત્તર જોવા મળ્યો હતો. આ વર્ષના ફેબુ્રઆરી મહિનામાં આ ગુણોત્તર ૫૦ઃ૧ ઉપર પહોંચી ગયો હતો. આજની તારીખમાં સોના-ચાંદીના ભાવોનો ગુણોત્તર ૩૮ઃ૧ સુધી પહોંચી ગયો છે.
ઈ.સ. ૧૯૮૦ની સાલમાં ચાંદીના ભાવોમાં ઐતિહાસિક ભડકો થયો હતો. જે ચાંદી એક ઔંસના પાંચ ડોલરના ભાવે મળતી હતી તેનો ભાવ વધીને ૪૮.૭૦ ડોલર ઉપર પહોંચી ગયો હતો. અમેરિકાની સરકારે મહામંદીના કાળથી પોતાની પાસે બે અબજ ઔંસ ચાંદીના જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો હતો. જ્યારે જ્યારે ચાંદીના ભાવો વધતા હતા ત્યારે અમેરિકાની સરકાર પ્રજાને ચાંદી લોન ઉપર આપતી હતી. આ લોન પેપર બોન્ડના સ્વરૃપમાં હતી. આવી બે અબજ ઔંસ ચાંદી બજારમાં ફરતી હતી. ઈ.સ. ૧૯૮૦માં આ લોનનો કોન્ટ્રેક્ટ પૂરો થતો હતો. તેને કારણે બજારમાં ચાંદીની અભૂતપૂર્વ અછત થતાં ભાવો ૪૮.૭૦ ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા. ધારો કે દુનિયામાં ચાંદીનું વાર્ષિક ઉત્પાદન ૫૫૦ મિલિયન ઔંસ જેટલું છે, પણ તેની માગ ૮૫૦ મિલિયન ઔંસ છે. આ ગણતરીએ દુનિયામાં ૩૦૦ મિલિયન ઔંસ ચાંદીની ઘટ છે. આ ઘટને કારણે ચાંદીના ભાવો વધે છે અને ભાવ વધવાને કારણે માગ ઘટીને ૫૫૦ મિલિયન ઔંસ ઉપર આવી જાય છે. જો આ ભાવોને વધતા અટકાવવા હોય તો બજારમાં ચાંદીનો પુરવઠો વધારવો જોઈએ. અમેરિકાએ ચાંદીના ભાવોને વધતા અટકાવવા પોતાની પાસેના ચાંદીના જથ્થા સામે દર વર્ષે ૩૦૦ મિલિયન ઔંસ ચાંદી લોકોને બોન્ડના રૃપમાં આપવા માંડી. આ રીતે બજારમાં પેપર ચાંદી વધતી ગઈ. અમેરિકાએ જ્યારે બે અબજ ઔંસ જેટલા ચાંદીના બોન્ડ ઈશ્યૂ કર્યા ત્યાર બાદ તેની બોન્ડ ઈશ્યૂ કરવાની ક્ષમતા ખતમ થઈ ગઈ, જેને કારણે બજારમાં કટોકટી થતાં ચાંદીના ભાવો વધી ગયા હતા.
વર્તમાનમાં ચાંદીના જે ભાવો વધી રહ્યા છે તેની પાછળ ઈ.સ. ૧૯૮૦માં હતું તેવું કોઈ ઐતિહાસિક કારણ મોજુદ નથી. અત્યારે વિશ્વમાં ચાંદીનું જેટલું ઉત્પાદન થાય છે તેના ૫૦ ટકા ચાંદી ઉદ્યોગોમાં વપરાઈ જાય છે. અગાઉ ફોટોગ્રાફિક પ્લેટમાં ચાંદી વાપરવામાં આવતી હતી પણ હવે ડિજીટલ ફોટોગ્રાફીનો જમાનો હોવાથી તેમાં ચાંદીનો વપરાશ ઘટી રહ્યો છે. તેની સામે સૌર ઉર્જાનો પ્રચાર વધી ગયો હોવાથી સોલાર પેનલમાં ચાંદીનો વપરાશ વધી રહ્યો છે. આ ઉપરાંત ચાંદીના ભાવો સતત વધી રહ્યા હોવાથી નફાકારક રોકાણના રૃપમાં પણ ચાંદીની માંગ વધી રહી છે. જોકે સોના અને ચાંદી વચ્ચે એક પાયાનો તફાવત છે. દુનિયામાં સોનાના મર્યાદિત ભંડારો ાસમે ચાંદીના ભંડારો અમર્યાદિત છે. જો ચાંદીના ભાવો હદ બહાર વધે તો તેનું ઉત્પાદન કરનારા દેશો પોતાનું ઉત્પાદન વધારી શકે છે. અત્યારે ચાંદીનો જો બજારભાવ જોવા મળે છે એ તેની ઉત્પાદન કિંમત કરતા ઘણો ઓછો છે. આ કારણે ઉત્પાદન વધતાં જ ચાંદીના ભાવો ઘટી શકે છે.
ચાંદીના ભાવો અત્યારે જે રીતે વધી રહ્યા છે તેની પાછળ વધુ વપરાશ કરતાં વધુ સંઘરાખોરીનાં પરિબળો જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ આવું બન્યું છે. ઈ.સ. ૧૯૭૩ની સાલમાં અમેરિકાના હન્ટ બંધુઓએ ફુગાવા સામે સંરક્ષણ તરીકે ચાંદી ખરીદવાનું શરૃ કર્યું. તે વખતે અમેરિકામાં નાગરિકોને સોનાનો સંગ્રહ કરવાની મનાઈ હતી. એટલે હન્ટ ભાઈઓએ જ્યારે બજારમાંથી ચાંદી ખરીદવાનું શરૃ કર્યું ત્યારે અમેરિકામાં ચાંદીનો ભાવ ઔંસના ૧.૯૫ ડોલર હતો. ઈ.સ. ૧૯૭૯માં આ ભાવ વધીને પાંચ ડોલર પર પહોંચી ગયો હતો. આ તબક્કે હન્ટ ભાઈઓએ કેટલાક માલદાર આરબો સાથે જોડાણ કર્યું. જોતજોતામાં તેમણે ૨૦ કરોડ ઔંસ ચાંદીનો સંગ્રહ કરી લીધો. ત્યારે વિશ્વમાં જેટલી ડિલિવરી કરી શકાય તેટલી ચાંદી હતી તેની ૫૦ ટકા ચાંદી હન્ટ ભાઈઓ પાસે આવી ગઈ હતી. એક તબક્કે ચાંદીના ભાવ વધીને ૫૪ ડોલર પર પહોંચી ગયા હતા. ચાંદીના વધતા ભાવો જોઈને બીજા રોકાણકારો પણ તેમાં જોડાઈ ગયા હતા.
ચાંદીના વધતા ભાવોને જોઈને અમેરિકાની સરકાર પણ ચિંતામાં પડી ગઈ હતી. તેણે ન્યુ યોર્ક મેટલ્સ માર્કેટમાં ધંધો કરવાના નિયમો બદલી કાઢ્યા હતા. ફેડરલ રિઝર્વે પણ મોટા પ્રમાણમાં ચાંદી વેચવા કાઢી હતી. આ કારણે ચાંદીના ભાવોમાં કડાકો બોલીને તે ૨૧ ડોલર ઉપર પહોંચી ગયા હતા. ઈ.સ. ૧૯૮૦ની ૨૭મી માર્ચે એક જ દિવસમાં ભાવો ૨૧.૬૨ ડોલર ઉપરથી ગબડીને ૧૦.૮૦ ડોલર થઈ ગયા હતા. આ ઉથલપાથલમાં અનેક નવાણિયા ઇનવેસ્ટરો કૂટાઈ ગયા હતા. ચાંદીમાં જબરદસ્ત સટ્ટો કરનારા હન્ટ બ્રધર્સે તો દેવાળું ફૂંક્યું હતું. તેમની ૧.૫ અબજ ડોલરની મિલકત સામે દેવું વધીને ૨.૫ અબજ ડોલર પર પહોંચી ગયું હતું. ઈ.સ. ૧૯૮૮ના ઓગસ્ટમાં હન્ટ બ્રધર્શને બજારમાં ઘાલમેલ કરવા બદલ દોષિત ઠરાવવામાં આવ્યા હતા. આ રીતે ચાંદીમાં તેજીનો પરપોટો ફૂટી ગયો હતો.
ભૂતકાળમાં ચાંદીના ભાવોમાં જે આસમાની-સુલતાની જોવા મળી છે, એવી સોનાના ભાવોમાં કદી જોવા મળી નથી. ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં ચાંદીના ભાવોમાં જે ઉછાળો જોવા મળ્યો તેની પાછળ વોરન બુફેટની ખરીદી જવાબદાર હતી. ઈ.સ. ૧૯૯૭માં બુફેટે ૪.૪ ડોલરના ભાવે ૧૩ કરોડ ઔંસ ચાંદીની વાયદામાં ખરીદી કરી હતી. ઈ.સ. ૧૯૮૮માં બુફેટે આ ચાંદીની ડિલિવરી લીધી ત્યારે ચાંદીનો ભાવ વધીને ૭.૮૧ ડોલર ઉપર પહોંચી ગયો હતો. ઈ.સ. ૨૦૦૬માં ચાંદી જ્યારે ૧૪.૬૮ ડોલરના ભાવે પહોંચી ત્યારે બુફેટે બધી ચાંદી વેચીને નફો ગાંઠે બાંધી લીધો હતો. આજે ચાંદી ૪૦ ડોલરના ભાવે પહોંચી છે ત્યારે બુફેટને તેનો કોઈ અફસોસ નથી, કારણ કે તેમણે ચાંદીમાંથી ચિક્કાર કમાણી કરી લીધી હતી. વાતનો સાર એટલો કે ચાંદીના ભાવો કાયમ વધ્યા જ કરશે એમ માનીને તેમાં રોકાણ ન કરવું. અત્યારે ચાંદીનો ભાવ ભારતની બજારમાં ભલે ૬૨,૦૦૦ રૃપિયા બોલાતો હોય. અગાઉ બન્યું હતું તેમ આ ભાવ ઘટીને પાછો ૧૦,૦૦૦ રૃપિયા ઉપર પણ આવી શકે છે. ચાંદીમાં ક્યારે પ્રવેશ કરવો અને ક્યારે વિદાય લેવી તે નક્કી કરતાં આવડે તે જ ચાંદીમાં કમાઈ શકે છે.

No comments:

Post a Comment