Thursday, May 12, 2011

૧૭/૦૪/૧૧ અનશન શસ્ત્ર ગાંધીજીના સિધ્ધાંતો પર ખરું ઉતર્યુ છે


વારંવાર ઉપવાસ પર ઉતરવા માટે જાણીતા મહાત્મા ગાંધી તમામ સંજોગોમાં ભૂખ હડતાળ કરવાના પક્ષમાં નહોતા
છેલ્લા ૪૨ વર્ષથી જે નહોતું થયું તે સમાજસેવક અને ગાંધીવાદી કાર્યકર કિશન બાપટ બાબુરાવ હઝારેએ કરેલા ત્રણ દિવસના ઉપવાસ બાદ હવે થશે. ભ્રષ્ટ રાજકારણીઓ અને સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવા જન લોકપાલ ખરડો કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે એવી માગણી સાથે અણ્ણા દિલ્હીમાં અનશન પર ઉતર્યા હતા. અણ્ણાના આંદોલનને ભારતભરમાંથી સ્વયંભૂ પ્રતિસાદ મળ્યો હતો. સરકારને ઝુકાવી દેનાર અણ્ણાના આ સત્યાગ્રહ વિશે ગંભીરતાથી વિચાર કરવાની જરૃર છે. હઝારે સમ્માનીય વ્યક્તિ છે અને તેમણે જનસેવાના નોંધનીય કાર્યો કર્યા છે. તેમણે કરેલા આવા કાર્યો માટે તેમની પ્રશંસા કરવા સાથે સમ્માન પણ કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાળેગણ સિધ્ધિના વતની અણ્ણાએ પોેતાના ગામમાં કરેલા લોકસેવાના કામો અને તેને પગલે આવેલું સામાજિક પરિવર્તન ખરેખર પ્રશંસનીય છે. આજના ભૌતિકવાદી યુગમાં આદર્શોે માત્ર પુસ્તકોમાં જોવા મળે છે. પરંતુ મધ્યયમવર્ગીય અણ્ણાએ આદર્શવાદી જીવનનો ઉત્તમ દાખલો બેસાડયો છે. જ્યારે તેમના જેવી નીતિવાન વ્યક્તિ આમરણાંત ઉપવાસ પર ઉતરે ત્યારે ગંભીરતાપૂર્વક ધ્યાન આપવું જરૃરી છે.
અણ્ણા દિલ્હીમાં ઉપવાસ પર ઉતર્યા ત્યારે મુંબઈ સહિત અનેક શહેરોમાં તેમના તરફી લોકજુવાળ ઉઠયો હતો. પરંતુ આમાં મોટે ભાગે તો લાગણીનો એક ઉભરો હતો જે સમય જતાં શમી જવાની પૂરેપૂરી શક્યતા છે. અણ્ણાએ જે માગણી સાથે અનશનનો આરંભ કર્યો હતો તેને વિસ્તૃત રીતે સમજ્યા વગર જ ઘણા લોકોએ પોેતાનો ટેકો જાહેર કરી દીધો હતો. તેમ છતાં આ આંદોેલને એકવાત સ્પષ્ટ કરી દીધી કે સામાન્ય જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે.
હાલમાં ભારતમાં કોેમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ સોસાયટી કૌભાંડ, મહારાષ્ટ્રમાં થયેલું જમીન કૌભાંડ જેવા કૌભાંડોનો એક પછી એક એક પર્દાફાશ થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને લાંચિયા અધિકારીઓને પાઠ ભણાવવા અને સજા અપાવવા માટે અણ્ણાએ જન લોકપાલ બિલની માગણી કરી છે. ભારતની સંસદમાં લોકપાલનો ખરડો પહેલવહેલી વખત ૧૯૬૮માં આવ્યો હતો. અને ૧૯૬૯માં તે પસાર થઈ ગયો હતો. પરંતુ આ ખરડો કાયદો બને તે અગાઉ સંસદનું વિસર્જન થયું હતું અને ત્યારબાદ દસ વખત આ ખરડો કોઈને કોઈ કારણસર પડતો જ મૂકવામાં આવ્યો હતો. અણ્ણાએ લોકપાલના ખરડાને બનાવવામાં જનતાનો સહકાર લેવા બાબતે ભાર મૂક્યો છે. જો સરકાર લોકોના સહકાર વગર ખરડો ઘડશે તો તે લોકશાહી નહિ અમલદારશાહી ગણાશે એવું તેમણે કહ્યું હતું.
અહીં ચર્ચાનો મુખ્ય વિષય આવા ખરડાની જરૃરિયાત અને તેને તૈયાર કરવાની પ્રક્રિયા બાબતે ઉદ્ભવતાં પ્રશ્નો છે. જેમ કે શું લોકોેના સહકારથી ખરડાનો મુત્સદ્દો તૈયાર કરવામાં આવશે તોે તે લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓનું હનન ગણાશે? સશક્ત લોકપાલ વર્તમાન અમલદારોની સત્તા ઘટાડશે એવી શક્યતા ખરી? ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનો અન્ય કોઈ વિકલ્પ નથી? અને સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આટલા વરસો સુધી ખરડો શા માટે પસાર કરવા આવ્યો નહીં?
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને અત્યંત ભ્રષ્ટ દેશ માનવામાં આવે છે. ભ્રષ્ટાચાર માટેના સૂચકઆંક દર્શાવતા ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ પર ભારત ૩.૩ના સ્કોર સાથે ઘણું આગળ છે જ્યારે ડેન્માર્ક, ન્યુઝીલેન્ડ અને સિંગાપુર ૯.૩નો સ્કોર ધરાવે છે. આજે દર થોડા દિવસે બહાર પડતાં હજારો કરોડના કૌભાંડો આપણા દેશમાં ખદબદતાં ભ્રષ્ટાચાર અને જાડી ચામડીના બની ગયેલા રાજકારણીઓનું ચિત્ર વૈશ્વિકસ્તરે રજૂ કરે છે.
રાજકીય સ્તરે ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને લોકોેને હવે રાજકારણીઓમાં વિશ્વાસ રહ્યો જ નથી. આવા સમયે અણ્ણાએ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને રાષ્ટ્રીયસ્તરે ઉપાડી. લોકોેને તેમનામાં ગાંધીજી અને જે.પી. (જયપ્રકાશ નારાયણ) દેખાયા. અને આખો દેશ તેમની પડખે ઊભો થઈ ગયો. કરોડો લોકોના આક્રોશને વાચા ફૂટી અણ્ણાના આંદોલને જનસામાન્યની ચેતનાને જગાડવાનું કામ કર્યું તેમ છતાં કેટલાક લોકો એમ પૂછે છે કે તેમણે બેમુદત અનશન પર ઉતરવાનો માર્ગ અપનાવ્યો તે યોગ્ય હતો? શું આને બ્લેકમેલ અલબત્ત નૈતિક બ્લેકમેલ ન કહેવાય, કારણ કે અણ્ણા જીદ પર ઉતર્યા હતા?
અહીં અનશનના નૈતિક હેતુ વિશે પુનઃવિચાર કરવો જરૃરી છે. શું રાજકીય હેતુસર ઉપવાસ પર ઉતરવું યોેગ્ય ગણાય? વાસ્તવમાં સાચા કારણસર, ઉચિત મનસૂબાથી, યોગ્ય પગલાં દ્વારા અને ખરા ઉકેલની શક્યતા સાથે અનશન કરવામાં આવે તો તે ન્યાયી ગણાય. અને ઉપવાસ પર ઉતરવા સંબંધિત આ જ બોધપાઠ ગાંધીજી પાસેથી ભણી શકાય છે.
મહાત્મા ગાંધી અનશન પર ઉતરવા માટે જાણીતા છે. પરંતુ હકીકત એ છે કે તેઓ તમામ સંજોગોમાં ભૂખ હડતાળ કરવાના પક્ષમાં નહોતા. ૧૯૩૯માં 'હરીજન'માં તેમણે લખ્યું હતું કે, 'ભૂખ હડતાળ સકારાત્મક રીતે 'પ્લેગ' જેવી બની ગઈ છે.
સાધારણ ઘટના બનતાં પણ લોકો ભૂખ હડતાળ કરવાની ઈચ્છા ધરાવતાં થઈ ગયા છે. વર્કિંગ કમિટિની મંજૂરી વગર જાહેર અને રાજકીય હેતુસર ભૂખ હડતાળ કરવી શિસ્તનો ભંગ ગણાય અને આ બાબતનો નિયમ પસાર કરવો કે નહિ તેનો વિચાર તેમણે કરવો જોઈએ.' તેમ છતાં બાપુ ભારતમાં અંગ્રેજી શાસન વિરુધ્ધ અનેકવેળાં અનશન પર ઉતર્યાં હતા.
જાહેરમાં ઉપવાસ પર ઉતરવા બાબતના ગાંધીજીના વિચારો જાણવા માટે ૧૯૨૪ના 'યંગ ઈન્ડિયા'માં તેમણે લખેલું લખાણ વાંચવું જોઈએ. જેલમાંથી છૂટયા બાદ મુંબઈમાં યોજાયેલી બુધ્ધ જયંતિની ઉજવણીમાં આપેલા જાહેર વક્તવ્યમાં તેમણે આ જ વિચારો કહ્યા હતા.
જેલવાસ દરમિયાનના પોતાના અનુભવો અને તે સમયે કેટલાક કેદીઓએ હાથ ધરેલી ભૂખ હડતાળ પર તેમણે ટિપ્પણી કરી હતી.
જ્યારે ગાંધીજીની સાથેના અન્ય કેદીઓએ સહાનુભૂતિપૂર્ણ ભૂખ હડતાળ પર ઉતરવાનો વિચાર કરતા હતા ત્યારે બાપુને વિચાર આવ્યો હતો કે જેલના અધિકારીઓ વિરુધ્ધ 'હિંસાના એક પ્રકાર' માં સત્યાગ્રહીઓને જોડાવાનો અધિકાર છે ખરો. 'અધિકારીઓના કૃત્ય વિશે અભિપ્રાય આપવાનો આપણને હક નથી. આનાથી જેલની શિસ્તનો અંત આવી જશે. જ્યારે જીવવું અને ખાવું શરમજનક બને ત્યારે સત્યાગ્રહીએ કરેલા ઉપવાસ યોગ્ય ગણાય?' તે સમયે ગાંધીજી માટે ઉપવાસ સત્યાગ્રહનું હથિયાર હતું.
બાદમાં ૧૯૪૨માં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, 'સત્યાગ્રહ પરિવર્તનની મૂક પ્રક્રિયા છે.' તેમણે ફરીવાર કહ્યું હતું કે, જેલના નિયમોનું પાલન કરવાની ફરજ કેદીઓની છે.
અહીં ગાંધીજીએ 'હિંસક બળજબરી' અને 'મૂક પરિવર્તન' એવા બે શબ્દો ઉપવાસ માટે વાપરી તેના ભેદને સમજાવ્યો છે. મૂક પરિવર્તન અહિંસા દ્વારા જ આવે એવું તેઓ દ્રઢપણે માનતા હતા. ગાંધીજી માટે સત્યાગ્રહ એ સત્યનું સમર્થન હતું. અને આમાં પરપીડન નહિ સ્વપીડનનો આગ્રહ તેઓ રાખતા હતા. ઉપવાસને તેઓ નિષ્ક્રિય નહિ પરંતુ સક્રિય બળ માનતા હતા.
ગાંધીજીના સિધ્ધાંતોને આધારે જોેઈએ તો હઝારેએ અજમાવેલું ઉપવાસનું શસ્ત્ર યોગ્ય જ છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે તેમણે આદરેલો સંઘર્ષ અયોગ્ય તો નથી જ. કારણ કે આવી ભ્રષ્ટ સ્થિતિમાં જીવવું ભારતીયો માટે શરમજનક બાબત છે. તેમના ઉદ્દેશોે સ્પષ્ટ અને ઉઘાડાં છે. તેમાં કોઈ છેતરપીંડી નથી. સત્યાગ્રહ જેવા અહિંસક માધ્યમથી તેઓ પોતાના ઉદ્દેશો પાર પાડવા માગે છે. વળી તેમણે ભ્રષ્ટાચાર નાબૂદી માટેના પહેલા નહિ પરંતુ અંતિમ વિકલ્પ તરીકે અનશનના માધ્યમનો ઉપયોગ કર્યો છે.
પારણાં કરતી વેળા હઝારેએ બીજા સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ થઈ ગયો હોવાનું કહ્યું હતું. હજુ આગળ લાંબો સંઘર્ષ કરવાનો છે.
આપણા દેશમાં ભ્રષ્ટાચાર વિરુધ્ધ સંઘર્ષ કરતાં કાર્યકરો ઉપર રહેલી જવાબદારીની વાતો પણ તેમણે જણાવી હતી. આ આશ્વાસનીય બાબત છે. લોકપાલ ખરડાનો મુસદ્દો ઘડવા માટે જે સમિતિ નીમાઈ છે તેના સભ્યોએ સત્યાગ્રહને 'પરિવર્તન' રૃપે લઈ બંને બાજુ ન્યાયીક વર્તન કરવું પડશે. વળી ડો. બાબાસાહેબ આંબેડકર જેવી અનેક અનોખી વ્યક્તિઓના સહયોગ દ્વારા રચાયેલું દેશનું સંવિધાન નબળું ન પડે તેનો વિચાર સુધ્ધાં સામાજિક ચળવળકારોએ કરવો જોઈએ. જે રીતે ગાંધીજી માટે જેલની શિસ્ત જાળવવી મહત્ત્વની હતી તે જ રીતે હઝારે અને તેમના સાથીદારો માટે સ્વતંત્ર ભારતની લોેકતાંત્રિક સંસ્થાને સલામત રાખવી મહત્ત્વની છે. વ્યક્તિગત જીદ પોષવાને સત્ય સાથે કશું જ લાગતું વળગતું નથી તેની જાણ તેમને હોવાની જ. તે જ પ્રમાણે સરકારે પણ આ ઘટનાને માત્ર ક્ષણિક ઊભરો સમજવાની ભૂલ ન કરવી જોઈએ.
છેલ્લા ૪૨ વર્ષથી જુદા જુદા પક્ષના રાજકારણીઓ જે ન કરી શક્યા તે બીન રાજકારણથી હઝારેએ કરી બતાવ્યું છે. આજના ભૌતિકવાદી યુગમાં પણ નૈતિક મૂલ્યોે વર્ચસ ધરાવે છે તે વાત તેમણે પુરવાર કરી દીધી હતી. તે જ પ્રમાણે હિંસાની બોલબાલા ધરાવતા જગતમાં અહિંસા અકસીર કામ કરે છે તે વાત પણ તેમણે દર્શાવી દીધી છે અને આ સંદેશ માત્ર ભારતીયો માટે નહિ સમગ્ર વિશ્વ માટે છે.

No comments:

Post a Comment