નીરા રાડિયાએ સીબીઆઈ સમક્ષ આપેલાં નિવેદનમાં જણાવ્યું છે કે મહેશ જૈન નામના હવાલા ઓપરેટરને તેણે ટેલિકોમ કૌભાંડના મુખ્ય આરોપી એ.રાજાની ઓફિસમાં જોયો હતો. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ.રાજાને અને તેમના સાથીદારોને ટેલિકોમ કંપનીઓ વતી જે અબજો રૃપિયાની લાંચ ચૂકવવામાં આવી તે તેમના વિદેશી બેન્કોનાં ખાતાંઓમાં જમા કરવામાં આવી હતી. આ રકમને પાછી ભારતમાં લાવવા અને મુખ્યત્વે રિયલ એસ્ટેટમાં રોકવા માટે તેમણે હવાલા ઓપરેટરોની મદદ લીધી હતી. એ.રાજાએ હવાલા ઓપરેટરોની મદદ લીધી હતી તેની સીબીઆઈને મહિનાઓથી જાણ છે. આ કારણે જ તેણે દિલ્હીમાં આવેલી મહેશ જૈનની ઓફિસમાં દરોડાઓ પાડયા હતા અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. હકીકતમાં વિદેશ રૃપિયા મોકલવા માટે અથવા વિદેશી નાણાં મંગાવવા માટે રાજકારણીઓને અને ઉદ્યોગપતિઓને હવાલા ઓપરેટરોની કાયમ જરૃર પડે છે. ત્રાસવાદીઓ પણ શસ્ત્રો ખરીદવા હવાલા ઓપરેટરોની સેવાઓ લે છે. મુંબઈના બોમ્બ ધડાકાઓમાં વપરાયેલું આરડીએક્સ ખરીદવા માટે દાઉદ ઇબ્રાહીમે મૂળચંદ જૈન નામના હવાલા ઓપરેટરની મદદ લીધી હતી. લાલ કૃષ્ણ અડવાણી વગેરે રાજકારણીઓ જે જૈન બંધુઓની ડાયરીમાં ચમક્યા હતા તેઓ પણ હવાલા ઓપરેટરો હતાં.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વિદેશમાં નાણાંની લેવડદેવડ કરવા માટે એ.રાજાએ જે મહેશ જૈનની મદદ લીધી હતી તે મહેશ જૈનને બે બીજા ભાઈઓ પણ છે. આ ભાઈઓ દૌલત અને આલોક જૈન છે. તેમાં દૌલત જૈન સૌથી મોટા છે. તેઓ ચેન્નાઈમાં રહે છે. વચેટ મહેશ જૈન દિલ્હીમાં રહીને હવાલાનો ધંધો સંભાળે છે અને નાનો ભાઈ રાજેશ ઉર્ફે બોબી જૈન દુબઈમાં હવાલાનું નેટવર્ક સંભાળે છે. હવાલાનો ધંધો કરતાં કોઈ પણ ઓપરેટરો માટે દુબઈ બહુ મહત્ત્વનું મથક છે. મહેશ જૈન એ.રાજાના દિલ્હી ખાતેના બંગલામાં નિયમિત જતો હતો. મહેશ જૈનને રાજાના અંગત મદદનીશ આર.કે. ચંડોલિયા સાથે પણ ઘનિષ્ટ સંબંધો હતા. એ.રાજા જ્યારે ચેન્નાઈની મુલાકાતે આવતા ત્યારે ચેપોક સ્ટેડિયમ નજીક આવેલાં રાજ્ય સરકારના ગેસ્ટ હાઉસમાં ઉતરતા હતા. ચેન્નાઈમાં રહેતા દૌલત જૈન ચેપોકના ગેસ્ટ હાઉસમાં નિયમિત રીતે રાજાને મળવા આવતા હતા. દૌલત અને મહેશ જૈનને સીબીઆઈએ પોતાના સાક્ષી બનાવ્યા છે.
હવાલાનો ધંધો આજકાલનો નથી પણ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. પ્રાચીન કાળમાં હવાલાને ભારતમાં 'હૂંડી' તરીકે ઓળખવામાં આવતું હતું. આજે હવાલાને પ્રોમિસરી નોટના રૃપમાં ઓળખવામાં આવે છે. આધુનિક બેન્કીંગ સિસ્ટમનો અને રિઝર્વ બેન્કનો જન્મ નહોતો થયો ત્યારે મોટા શાહસોદાગરો દેશવિદેશમાં નાણાંની લેવડદેવડ માટે હૂંડીનો જ ઉપયોગ કરતા હતા. વિદેશી ચલણોની હેરાફેરી ઉપર નિયંત્રણ મૂકતા કાયદાઓ આવ્યા તે પછી હવાલાની ચેનલનો ઉપયોગ કાળાં નાણાંની હેરાફેરી માટે જ કરવામાં આવે છે. ધોળાં નાણાંની લેવડદેવડ હવે રિઝર્વ બેન્કના માધ્યમથી જ કરવામાં આવે છે. કેફી દ્રવ્યોના દાણચોરો, માફિયાઓ અને ગેરકાયદે શસ્ત્રોના વેપારીઓ દેશવિદેશમાં નાણાંની હેરાફેરી માટે હવાલાના નેટવર્કનો જ ઉપયોગ કરે છે. નવાઈની વાત એ છે કે 'રો' અને 'આઈબી' જેવી જાસૂસી સંસ્થાઓને પણ વિદેશમાં ભાંગફોડ કરાવવા માટે હવાલા ઓપરેટરોની 'સેવા'ઓની જરૃર પડે છે.
હવાલાના ધંધાની ખૂબી એ છે કે તેમાં નાણાંની ખરેખરી હેરાફેરી કર્યા વિના નાણાં એક દેશમાંથી બીજા દેશમાં મોકલી શકાય છે. હવાલા ઓપરેટરો કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે એક નાનકડું ઉદાહરણ જોઈએ. જસબીર નામનો પંજાબી ન્યુ યોર્કમાં ટેક્સી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જસબીરે ૫,૦૦૦ ડોલર બચાવ્યા છે અને તે પંજાબમાં રહેતા પોતાના ભાઈને મોકલવા માંગે છે. જસબીર જો બેન્કમાં જાય તો બેન્ક તેને એક ડોલરના સત્તાવાર દર (આશરે ૪૫ રૃપિયા)નો ડિમાન્ડ ડ્રાફટ કાઢી આપે છે. વળી બેન્ક ૨૫ ડોલરનો ચાર્જ કરે છે. આ રીતે બેન્કમાં ૫,૦૦૦ ડોલર જમા કરાવતાં તેને ૨,૨૩,૮૭૫ રૃપિયાનો જ ડ્રાફટ મળે છે. આ ડ્રાફટને કુરિયરથી પંજાબ મોકલવાનો ખર્ચ પણ આશરે ૫૦ ડોલર આવે છે. જસબીર જો હવાલા ઓપરેટર પાસે જાય તો તેને એક ડોલર સામે ૫૦ રૃપિયા મળે છે. તેની સામે હવાલા ઓપરેટર પાંચ ટકા કમિશન લે છે. તો પણ જસબીરના ભાઈને પંજાબમાં ૨,૩૭,૫૦૦ રૃપિયા મળે છે.
હવે સવાલ એ થાય કે જસબીરે ન્યુ યોર્કના હવાલા ઓપરેટરને જે ડોલર આપ્યા તેની સામે તેને પંજાબના લુધિયાણા શહેરમાં રૃપિયા કોણે આપ્યા અને ક્યાંથી આપ્યા ? તેનો જવાબ પણ સિમ્પલ છે. બેન્કોની શાખાઓ જેમ ગામે ગામ હોય છે તેમ ભારતનાં તમામ મુખ્ય શહેરોમાં હવાલા ઓપરેટરોનું નેટવર્ક હોય છે. ન્યુુ યોર્કના હવાલા ઓપરેટરનો એક એજન્ટ લુધિયાણામાં પણ કામ કરતો હોય છે. જસબીર ન્યુ યોર્કના હવાલા એજન્ટને ત્યાં ૫,૦૦૦ ડોલર જમા કરાવે એટલે આ એજન્ટ તાત્કાલિક ફોન દ્વારા તેની માહિતી પોતાના લુધિયાણાના એજન્ટને આપી દે છે. લુધિયાણાના એજન્ટને તે જસબીરના ભાઈનું નામ અને તેનો મોબાઈલ નંબર અથવા બીજો કોઈ કોડવર્ડ પણ આપી દે છે. જસબીરનો ભાઈ લુધિયાણાના એજન્ટને મળે એટલે તેનો મોબાઈલ નંબર અથવા કોડવર્ડ ચેક કરીને તાત્કાલિક તેને રોકડા રૃપિયાની ચૂકવણી કરી દેવામાં આવે છે. આ રીતે હવાલા દ્વારા નાણાંની ઝડપી હેરાફેરી કરી શકાય છે.
અહીં કોઈને પણ પ્રશ્ન થશે કે ન્યુ યોર્કના હવાલા ઓપરેટરે તેને ત્યાં જસબીરે આપેલા ડોલરનું શું કર્યું ? અને લુધિયાણાના હવાલા એજન્ટે જસબીરના ભાઈને જે રૃપિયા આપ્યા તે તેની પાસે ક્યાંથી આવ્યા ? આ સવાલના જવાબમાં જ હવાલાના ધંધાની ખૂબી છે. જસબીર જેમ અમેરિકામાં ડોલર આપીને ભારતમાં તેની સામે રૃપિયા મોકલવા માંગે છે તેમ ભારતનો કોઈ રાજકારણી અથવા ઉદ્યોગપતિ હવાલા ઓપરેટરને ભારતમાં રૃપિયા આપીને તેની સામે વિદેશમાં ડોલર ખરીદવા માંગે છે અને વિદેશી બેન્કનાં ગુપ્ત ખાતામાં જમા કરાવવા માંગે છે. જસબીર જેવા એક હજાર નોકરિયાતો ન્યુ યોર્કમાં હવાલા ઓપરેટર પાસે ૫-૫ હજાર ડોલર જમા કરાવે ત્યારે તેના હાથમાં ૫૦ લાખ ડોલર આવી જાય છે. ભારતનો કોઈ રાજકારણી પોતાની પાસે રહેલા રૃપિયા વિદેશમાં ડોલરમાં બદલવા માંગતા હોય તો હવાલા ઓપરેટર તેને ૬૦ રૃપિયામાં એક ડોલર વિદેશમાં પહોંચાડવાની ઓફર કરે છે. રાજકારણી પાસે બેનંબરના રૃપિયા હોય છે, માટે તેઓ બેન્કની ચેનલનો ઉપયોગ કરીને ૪૫ રૃપિયામાં ડોલર ખરીદી શકતા નથી. આ રીતે તેઓ ભારતના હવાલા ઓપરેટરને ૩૦ કરોડ રૃપિયા આપે ત્યારે તેમને ન્યુ યોર્કમાં ૫૦ લાખ ડોલર મળી જાય છે. ન્યુ યોર્કના હવાલા ઓપરેટરે જસબીર જેવા ભારતીયો પાસેથી આ ડોલર એકઠા કર્યા હોય છે. લુધિયાણાના એજન્ટ પાસે જે રૃપિયા આવે છે તે કોઈ રાજકારણી અથવા ઉદ્યોગપતિઓ જમા કરાવ્યા હોય છે. આ રીતે ડોલર કે રૃપિયા એક દેશમાંથી બીજા દેશમાં મોકલ્યા વગર હવાલાનો આંતરરાષ્ટ્રીય કારોબાર ચાલ્યા કરે છે.
હવાલાના ધંધામાં વિશ્વાસનું બહુ મહત્ત્વ હોય છે, કારણ કે તેમાં થયેલી નાણાંકીય લેવડદેવડ બાબતમાં કોઈ લેખિત પુરાવા હોતા નથી. જસબીરે ન્યુ યોર્કના હવાલા ઓપરેટરને ત્યાં ડોલર જમા કરાવ્યા હોય તેની કોઈ રસીદ તેને મળતી નથી. લુધિયાણામાં જસબીરના ભાઈને કોઈ પણ જાતના લેખિત ચેક કે ડ્રાફટ વિના રોકડા રૃપિયા મળી જાય છે. જસબીર ન્યુ યોર્કમાં ડોલર જમા કરાવે અને તેની સામે લુધિયાણાનો એજન્ટ જસબીરના ભાઈને રૃપિયા આપવાનો ઈનકાર કરી દે તો જસબીરના ડોલર ડૂબી જાય, પણ હવાલાના ધંધામાં આવું ક્યારેય બનતું નથી. હવાલાનો અબજો રૃપિયાનો કારોબાર કેવળ વિશ્વાસ અને ઈમાનદારી ઉપર જ ચાલે છે. હવાલા દ્વારા નાણાંની લેવડદેવડ કરવાનો ફાયદો એ છે કે લેવડદેવડ ઝડપી બને છે, ગુપ્ત રહે છે અને તેના ઉપર ટેક્સ ભરવો પડતો નથી. હવાલાની ચેનલનો ઉપયોગ કરવામાં જોખમ એ છે કે આ ચેનલ ગેરકાયદે છે, માટે પકડાઈ જવાય તો જેલમાં જવું પડે છે.
માફિયાઓને અને ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય સોદાગરોને હવાલાની ચેનલની નિયમિત જરૃર પડે છે. દાઉદ ઈબ્રાહીમ અમેરિકામાં ડ્રગ્સ વેચીને જે કરોડો ડોલર કમાયો હોય તે ભારતમાં કામ કરતાં પોતાના ગુંડાઓને પહોંચાડવા માટે દાઉદ પણ હવાલા ઓપરેટરોની જ મદદ લે છે. દાઉદને મુંબઈમાં બોમ્બ ધડાકાઓ કરાવવા વિદેશથી આરડીએક્સ ખરીદવા માટે જે ડોલરની જરૃર હતી એ ડોલર તેણે ભારતમાં હવાલા ઓપરેટરને ત્યાં રૃપિયા જમા કરાવીને જ વિદેશમાં તેની ચૂકવણી કરી હતી. ત્રાસવાદીઓ વિદેશમાંથી શસ્ત્રોની ખરીદી કરવા માટે પણ હવાલા ઓપરેટરોની મદદ લેતા હોય છે. આ રીતે હવાલા ઓપરેટરો એક બાજુ વિદેશમાં રહેતા ભારતીયો સાથે તો બીજી બાજુ ભારતના ભ્રષ્ટ રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ ઉપરાંત માફિયાઓ સાથે પણ નાણાંની લેવડદેવડ કરતા હોય છે.
ભારતને લૂંટીને આપણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ જે અબજો રૃપિયા વિદેશી બેન્કોમાં જમા કરાવે છે તે હવાલા ઓપરેટરોની સહાય વિના શક્ય જ નથી. સ્વાભાવિક છે કે ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજાએ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડના અબજો રૃપિયા પણ ત્રણ જૈન બંધુઓની સહાયથી જ વિદેશની બેન્કોમાં જમા કરાવ્યા હશે. સીબીઆઈ અને આઈડી જેવી એજન્સીઓ જો દેશના નામચીન હવાલા ઓપરેટરોની તળિયાઝાટક તપાસ કરે તો રાજકારણીઓનાં અનેક કૌભાંડો બહાર આવે તેમ છે.
No comments:
Post a Comment