Saturday, May 14, 2011

૧૧/૦૫/૧૧ માયાવતી ઉત્તર પ્રદેશમાં આઠ એક્સપ્રેસ વે બનાવવા માંગે છે


ઉત્તર પ્રદેશના ખેડૂતોનો રોષ જે રીતે હિંસામાં ફેરવાઈ ગયો છે તે જોતાં આ વિસ્તારની પ્રજા નકસલવાદીઓને શરણે જાશે તેવો ભય રહે છે
ઉત્તર પ્રદેશના કિસાનો માયાવતીની સરકારના યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ સામે જીવ ઉપર આવીને લડી રહ્યા છે તેનું કારણ એ છે કે જો તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ નહીં કરે તો આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં આ કદના આઠ એક્સપ્રેસ વે આવી રહ્યા છે. આ યોજનાનું જે નામ છે તે ગેરમાર્ગે દોરે એવું છે. આ પ્રોજેક્ટમાં માત્ર રસ્તો જ નથી બનાવવાનો પણ રસ્તાની બંને બાજુ કરોડો લોકો વસી શકે એવાં આધુનિક શહેરો ગાંમડાંની જમીન ઉપર બનાવવાના છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે માયાવતીના બહુજન પક્ષની સરકાર છે. તેના મુખ્ય વિરોધીઓ મુલાયમસિંહ યાદવનો સમાજવાદી પક્ષ અને ભાજપ છે. આ બંને વિપક્ષોએ કિસાનોના આંદોલનને સમર્થન આપ્યું હોવાથી માયાવતીની મુસીબતમાં ઓર વધારો થયો છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટ અગાઉ 'તાજ કોરીડોર' તરીકે ઓળખાતો હતો. આ પ્રોજેક્ટમાં માયાવતીએ કરોડો રૃપિયાની ઘાલમેલ કરી છે એવા આક્ષેપો સામે તેની સામે ભારે ઉહાપોહ થયો હતો. હવે માયાવતીએ આ પ્રોજેક્ટનું નામ બદલી નાંખ્યું છે. જો યમુના એક્સપ્રેસ વેનો પ્રોજેક્ટ સફળ થાય તો માયાવતી ઉત્તર પ્રદેશમાં ગંગા એક્સપ્રેસ વે, અપર ગંગા કેનાલ, ઝાંસી-કાનપુર-લખનૌ-ગોરખપુર એક્સપ્રેસ વે, બિજનૌર-મુરાદાબાદ એક્સપ્રેસ વે, લખનૌ-બારાબાંકી-નાનપરા એક્સપ્રેસ વે અને નરોરાથી લઈને ઉત્તરાખંડની સરહદ સુધીના એક્સપ્રેસ વેની યોજનાઓને અમલમાં મૂકવાની તૈયારીઓ કરી રહી છે.
માયાવતીની આ તમામ યોજનાઓનો હેતુ ગામડાંઓને ખતમ કરીને શહેરો ઊભાં કરવાનો છે. આ કારણે લાખો કિસાનો જમીનવિહોણા બની જવાની અને કૃષિ ઉત્પાદનોને પણ ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ આઠ એક્સપ્રેસ વેમાં ઉત્તર પ્રદેશનાં કુલ ૧.૦૮ ગામડાંઓ પૈકી ૨૩,૫૧૨ ગામડાંઓને અસર થવાની છે. બીજા શબ્દોમાં ઉત્તર પ્રદેશના એક ચતુર્થાંશ ગામડાંઓ માયાવતીની ઝપટમાં આવી જવાનાં છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ ગંગા એક્સપ્રેસ વેમાં ૨,૧૬૦ ગામડાંઓ અસરગ્રસ્ત બનવાનાં છે તો ઝાંસી-કાનપુર-લખનૌ-ગોરખપુરમાં સૌથી વધુ ૫,૬૦૦ ગામડાંઓને અસર થવાની છે. આ બધા પ્રોજેક્ટો હકીકતમાં રસ્તાના પ્રોજેક્ટો નથી પણ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટો છે. આ બધામાં સરકારી યંત્રણાઓનો ઉપયોગ કરીને ખાનગી કંપનીઓ કિસાનોની લાખો એકર જમીન સસ્તામાં પડાવી લઈને ત્યાં આધુનિક શહેરો ઊભાં કરવા માંગે છે. આ પ્રોજેક્ટોમાં માયાવતીનો ઉપયોગ મહોરા તરીકે કરીને દેશી-વિદેશી કંપનીઓ અબજો રૃપિયાની કમાણી કરી રહી છે.
ઉત્તર પ્રદેશના કિસાનો એક બાજુ તેમની જમીન બળજબરીથી કબજે કરવાનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ યમુના એક્સપ્રેસ વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કબજે કરેલી જમીનમાં પ્લોટો પાડીને વેચવાનો પ્રારંભ કર્યો છે. આ પ્રોજેક્ટનો અમલ કરતી ઓથોરિટીએ અત્યાર સુધીમાં ૮૩૫ હેક્ટર જમીન ૧૨ ખાનગી ડેવલપરોને ૧,૮૦૦ કરોડ રૃપિયામાં વેચી છે. ખાનગી ડેવલપરો આ જમીન ઉપર માળખાકીય સુવિધાઓ ઊભી કરીને તેને ૧૫,૦૦૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે વેચીને નફો રળી રહ્યા છે. ઉત્તર પ્રદેશની સરકારે એકલા ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ૨૨૪૪ હેક્ટર જમીન કિસાનો પાસેથી સંપાદિત કરી હતી. તેમાંથી ૮૩૫ હેક્ટર જમીન રહેઠાણો માટે ફાળવીને બાકીની જમીનો રસ્તાઓ વગેરે માટે અલગ રાખવામાં આવી છે.
નોઈડાથી આગ્રા વચ્ચેનો ૧૬૫ કિલોમીટરનો એક્સપ્રેસ વે છ લાઈનનો બનવાનો છે પણ ભવિષ્યમાં તેને આઠ લાઈનનો બનાવી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો અમલ કરનારી જેપી ઇન્ફ્રાટેક કંપનીને ઉત્તર પ્રદેશની સરકારને કુલ ૩૦૦૦ હેક્ટર જમીન 'ભેટ' તરીકે આપવામાં આવશે. આ જમીન સરકાર ઇ.સ. ૧૮૯૪ના જમીન સંપાદન ધારાનો ઉપયોગ કરીને કિસાનો પાસેથી ખરીદશે અને તેને ડેવલપ કરીને વેચશે. આ માટે સરકાર કિસાનોને તેમની જમીન પેટે ૪૫૦ રૃપિયે ચોરસ મીટરના ભાવે વળતર ચૂકવી રહી છે પણ આ જમીન બંગલાઓ બાંધવા માટે ૧૫,૦૦૦ રૃપિયાના ભાવે વેચાઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં યમુના એક્સપ્રેસ વેના મુદ્દે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનના સમાચાર અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ ચમક્યા છે. તેનું કારણ એ છે કે આ પ્રોજેક્ટના અમલમાં અમેરિકાની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ પણ આડકતરી રીતે સંકળાયેલી છે. ન્યુયોર્ક ટાઈમ્સના સંવાદદાતાએ આંદોલન કરી રહેલા કિસાનોની મુલાકાત લીધી ત્યારે તેમણે જોયું કે અમુક ખેડૂતો પોતાની જમીનો વેચીને માલદાર બની ગયા છે પણ અચાનક હાથમાં આવેલા રૃપિયા વેડફીને તેઓ પાછા ગરીબ બની જાય છે.
ઉત્તર પ્રદેશના કિસાનોના આંદોલનને કારણે આ પ્રોજેક્ટનો અમલ કરનારી જેપી ઇન્ફ્રાટેક કંપનીના નફામાં પણ કાપ આવવાની સંભાવના ઊભી થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી આ કંપનીએ પોતાના હેવાલમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ ૨૦૧૧ના ઓક્ટોબરને બદલે હવે ૨૦૧૨ના જુલાઈ મહિનામાં જ પૂરો થશે. આ પ્રોજેક્ટમાં રસ્તાના બાંધકામ પાછળ જ ૯,૮૫૪ કરોડ રૃપિયાનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કિસાનોના આંદોલનને કારણે આ ખર્ચમાં હજી ૧,૦૦૦ કરોડ રૃપિયાનો વધારો થશે. ઉત્તર પ્રદેશની સરકારે હજી કંપનીને કરાર મુજબ ૬,૦૦૦ એકર જમીન ખરીદીને આપી નથી. તેના ખર્ચમાં પણ વૃદ્ધિ થવાની સંભાવના છે.
યમુના એક્સપ્રેસ વે પ્રોજેક્ટમા જે કિસાનોની જમીન જવાની છે તેમાંના કેટલાક વળતર સ્વીકારી લીધું છે તો કેટલાકે તેની સામે કાનૂની યુદ્ધ લડવાનું પસંદ કર્યું છે. આ પ્રોજેક્ટથી અસર પામનારા ૧૨,૨૮૨ કિસાનો પૈકી ૧૧,૩૯૭ ખેડૂતોએ સરકારે નક્કી કરેલું વળતર સ્વીકારી લીધું હતું. બાકીના કિસાનો વળતર વધારી આપવા માટે અલગ અલગ પ્રકારે આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે આંદોલન ચલાવી રહેલા અમુક કિસાનોની માંગણીઓ સામે ઝૂકી જઈને વળતર વધારી આપ્યું તેને કારણે પણ જે કિસાનોને અગાઉ ઓછું વળતર મળ્યું હતું તેઓ રોષે ભરાયા છે. ૩૬ અસંતુષ્ટ કિસાનોએ આ પ્રોજેક્ટ સામે પહેલાં અલ્હાબાદ હાઈકોર્ટમાં રીટ અરજી કરી હતી. અલ્હાબાદની હાઈકોર્ટે તેમની અરજી કાઢી નાંખતાં તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે એવી દલીલ કરી હતી કે જમીન સંપાદન ધારાની ચોથી અને છઠ્ઠી કલમ મુજબ તેમની જમીન સંપાદિત કરતાં પહેલાં તેમને સાંભળવામાં આવ્યા નહોતા. સુપ્રિમ કોર્ટે આ તમામ ૩૬ અરજીઓ કાઢી નાંખતા એવી દલીલ કરી હતી કે જે યોજનાનો લાખો લોકોને લાભ થવાનો હોય તે માટે કોઈકે ભોગ આપવો જોઈએ.
યમુના એક્સપ્રેસ વે સામેના આંદોલનમાં અત્યાર સુધી કિસાનો અહિંસક પદ્ધતિએ જ આંદોલન ચલાવી રહ્યા હતા. એમના આંદોલનની નેતાગીરી મહેન્દ્રસિંહ ટિકાયત અને અજીતસિંહ જેવા નેતાઓના હાથમાં હતી. ગયા વર્ષના ઓગસ્ટ મહિનામાં શાંત સત્યાગ્રહ કરી રહેલા કિસાનો ઉપર પોલીસે ગોળીબાર કર્યો તેમાં ચાર લાશો પડી ગઈ હતી. આ હત્યાકાંડના પગલે આંદોલન ચલાવી રહેલા કિસાનો અકળાયા હતા. આ વખતે પહેલી વખત કિસાનો પોતે હિંસા ઉપર ઉતરી આવ્યા છે. તેમણે જે રીતે બે સરકારી પરિવહન નિગમના કર્મચારીઓનું અપહરણ કર્યું અને તેમની હત્યા કરી નાંખી તે રીત નકસલવાદીઓની યાદ અપાવે તેવી છે. ઉત્તર પ્રદેશમાં અત્યારે નકસલવાદનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી પણ સરકાર જો કિસાનોની વાજબી માંગણીઓ નહીં સ્વીકારે તો પ્રજા નકસલવાદીઓને શરણે જશે.
ભારતમાં જ્યારે બ્રિટીશરોનું રાજ હતું ત્યારે તેમણે પ્રજાની સ્વતંત્રતાને કચડી નાંખનારા અનેક કાયદાઓ ઘડયા હતા. ઇ.સ. ૧૮૯૪ની સાલમાં ઘડાયેલો જમીન સંપાદન ધારો પણ તેમાંનો એક છે. આ કાયદાની મદદ લઈને બ્રિટીશ સરકાર માત્ર જાહેર હેતુઓ માટે જ જમીન સંપાદિત કરતી હતી. સ્વતંત્રતા પછી ભારતમાં દેશી અંગ્રેજોની જે સરકારો આવી તેઓ અંગ્રેજોને પણ સારા કહેવડાવે તેવી છે. આ સરકારે સેઝના નામે ગરીબ કિસાનોની લાખો એકર જમીન પોલીસ અને અર્ધલશ્કરી દળોની મદદ લઈને ઝૂંટવી લીધી છે અને ભારે કટકી લઈને ખાનગી કંપનીઓને સસ્તામાં વેચી મારી છે. આ જમીનો બજાર ભાવે વેચીને ખાનગી કંપનીઓ તગડો નફો રળી રહી છે. ભારતભરમાં ચાલી રહેલા આવા જમીન કૌભાંડોની તપાસ કરવામાં આવે તો ૨-જી કરતાં ક્યાંય વધુ મોટાં કૌભાંડો બહાર આવે તેમ છે.
દિલ્હી અને આગ્રા વચ્ચેનો જૂનો હાઈવે અત્યારે બિસ્માર હાલતમાં છે. આ હાઈવે ઉપર દિલ્હીથી આગ્રા વચ્ચેનું ૧૬૦ કિલોમીટરનું અંતર કાપતા અત્યારે ચાર થી પાંચ કલાકનો સમય લાગે છે. આ રસ્તા ઉપર વિદેશી સહેલાણીઓ સહિત ભારતના લાખો સહેલાણીઓ અવરજવર કરતા હોય છે. આ સંયોગોમાં આ રસ્તાને બે લાઈનમાંથી ચાર કે છ લાઈનનો કરવામાં આવે તેની સામે કોઈને વાંધો હોઈ શકે નહીં. એ માટે કિસાનો પોતાની જમીન આપવા પણ તૈયાર હતા. પરંતુ હાઈવેની યોજનાને શહેરીકરણની યોજનામાં ફેરવી નાંખવામાં આવતા કિસાનો રોષે ભરાયા છે. કિસાનોનો આરોષ ભારતભરમાં ફેલાઈ રહ્યો છે. આ સમસ્યાનો એક જ ઉકેલ છે કે અંગ્રેજોએ ઘડેલા જમીન સંપાદન ઘારામાં એવી રીતે સુધારા કરવામાં આવે કે કિસાનોની જમીન બળજબરીથી ખરીદી ન શકાય અને એમને યોગ્ય વળતર પણ મળે.

No comments:

Post a Comment