Thursday, May 19, 2011

૧૮/૦૫/૧૧ પેટ્રોલના ભાવોમાં થયેલો વધારો સરકારનું પ્રજા સાથેનું છળ છે



પેટ્રોલના ભાવમાં લિટર દીઠ જે પાંચ રૃપિયાનો વધારો થયો છે તેમાંથી ૨.૬૦ રૃપિયા તો સરકારની તિજોરીમાં જવાના છે
કેન્દ્ર સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલના ભાવમાં પાંચ રૃપિયાનો વધારો કરવાની છૂટ આપીને પ્રજા સાથે મોટું છળ કર્યું છે. લિટરે પાંચ રૃપિયાનો વધારો કરવાથી સંતોષ ન થયો હોય તેમ નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ જાહેર કર્યું છે કે આવતા મહિને પેટ્રોલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવશે. દર વખતે પેટ્રોલના ભાવોમાં વધારો કરવામાં આવે ત્યારે સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે ઓઇલનું માર્કેટિંગ કંપનીઓને હજી લિટરદીઠ આટલા રૃપિયાની ખોટ જાય છે. હકીકમતાં ત્યારે એ વાત સગવડપૂરવક ભૂલી જવામાં આવે છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જેટલું નુકશાન જાય છે તેના કરતાં ચાર ગણો નફો સરકારને પેટ્રોલ પેદાશો ઉપરના ટેક્સમાંથી મળે છે. સરકાર આપણને એવું સમજાવવાની કોશિષ કરે છે કે ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં વધારો થયો હોવાથી પેટ્રોલના ભાવોમાં વધારો અનિવાર્ય છે. આ અર્ધસત્ય છે અને અસત્ય કરતાં વધુ ખતરનાક છે. તાજેતરમાં પેટ્રોલના ભાવોમાં જે પાંચ રૃપિાયનો વધારો થયો તે પૈકી ૨.૪૦ રૃપિયાનો વધારો ક્રૂડના ભાવવધારાને કારણે હતો, પણ બાકીના ૨.૬૦ રૃપિયા તો સરકારે ટેક્સ વધાર્યો તેને કારણે વધી ગયો છે. આ વધારાનો ટેક્સ પ્રજાના ઘા ઉપર મરચું ભભરાવવાનું કામ કરે છે.
ભારતમાં ઓઇલનું માર્કેટિંગ કરતી કંપનીઓ પ્રજા પાસેથી પેટ્રોલના જે દામ વસૂલ કરે છે તેમાં ૫૨ ટકા રૃપિયા સરકારની તિજોરીમાં ટેક્સના રૃપમાં જમા થાય છે. આ હિસાબે જે પેટ્રોલના આપણે લીટર દીઠ ૬૦ રૃપિયા ચૂકવીએ છીએ તેમાંથી ૩૪ રૃપિયા સરકારના ગજવામાં જાય છે અને ૩૩ રૃપિયા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ગજવામાં જાય છે. બીજા શબ્દોમાં ૩૩ રૃપિયાના પેટ્રોલ ઉપર આપણી સરકાર ૩૪ રૃપિયાની ડયૂટી વસૂલ કરે છે. પેટ્રોલ ઉપરના ટેક્સની બાબતમાં સરકારની કુટિલ નીતિ એવી છે કે પેટ્રોલના અને ડિઝલના ભાવો જેમ વધતા જાય છે તેમ તેના ઉપરના ટેક્સ આપોઆપ વધતા જાય છે. દાખલા તરીકે પેટ્રોલના ભાવ ૫૦ રૃપિયા હતા ત્યારે સરકાર લિટર દીઠ ૨૬ રૃપિયાનો ટેક્સ વસૂલ કરતી હતી. આ સમયે પેટ્રોલની ખરેખરી કિંમત ૨૪ રૃપિયા હતી. હવે પેટ્રોલની ખરેખરી કિંમત વધીને ૩૩ રૃપિયા થઇ ગઈ ત્યારે સરકારે નક્કી કરેલી નીતિ મુજબ ટેક્સ આપોઆપ વધીને ૨૬ રૃપિયા પરથી ૩૪ રૃપિયા થઇ ગયો હતો. જો પેટ્રોલે અગાઉ મુજબ ૨૬ રૃપિયાનો ટેક્સ ઉઘરાવવાનું રાખ્યું હોય તો આજે પણ પેટ્રોલ ૬૦ રૃપિયે લિટરના ભાવે મળી શકે તેમ છે.
ભારત ભલે એક ગરીબ દેશ હોય પણ ભારતના નાગરિકો શ્રીમંત કહેવાતા અમેરિકાના નાગરિકો કરતાં ત્રણ ગણો ટેક્સ પેટ્રોલ ઉપર ચૂકવે છે. અમેરિકામાં પેટ્રોલ ઉપર માત્ર ૧૮ ટકાનો ટેક્સ છે. કેનેડામાં ૩૪ ટકા, થાઇલેન્ડમાં ૩૬ ટકા, પાકિસ્તાનમાં ૩૯ ટકા અને જપાનમાં ૪૫ ટકા ટેક્સ છે. તેની સરખામણીએ ભારતની સરકાર કસ્ટમ ડયૂટી, એકસાઇઝ ડયુટી અને સેલ્સ ટેક્સના રૃપમાં પેટ્રોલ ઉપર ૫૨ ટકાનો ટેક્સ વસૂલ કરે છે. સરકારે પેટ્રોલ ઉપરનો ટેક્સ નક્કી કરવાની બાબતમાં ભારે ચાલાકી કરી છે. પેટ્રોલ ઉપરનો ટેક્સ લિટર દીઠ નક્કી રૃપિયા વસૂલ કરવામાં નથી આવતો પણ તેની વેચાણ કિંમતના અમુક ટકાના રૃપમાં વસૂલ કરવામાં આવે છે. આ કારણે જેવી વેચાણ કિંમત વધે કે આપોઆપ સરકારની ટેક્સની આવક પણ વધી જાય છે.
તાજેતરમાં પેટ્રોલના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો તેનું કારણ ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલો વધારો છે, એવું આપણને કહેવામાં આવે છે. આ વાત પણ હમ્બગ છે. જયારે પેટ્રોલના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલનો ભવ બેરલના ૧૧૪ ડોલર હતો. આ વખતે ભારતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી. ચૂંટણીઓ પતી ગઈ અને ભાવવધારો કરવામાં આવ્યો ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલરની અંદર ઉતરી ગયો હતો. અગાઉ જયારે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર હતો ત્યારે ભારતમાં પેટ્રોલ ૫૦ રૃપિયે લિટરના ભાવે વેચાતું હતું. આજે જયારે ક્રૂડનો ભાવ ૧૦૦ ડોલર છે ત્યારે આપણા દેશમાં પેટ્રોલ ૬૭ થી ૬૮ રૃપિયાના ભાવે વેચવા પાછળ કયું રહસ્ય છે ?
આજની તારીખમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ૧૦૦ ડોલર હોય તો ભારતમાં પેટ્રોલ કેટલા રૃપિયે લિટર પડવું જોઈએ તેનો આપણે હિસાબ કરીએ. એક ડોલરની કિંમત ૪૫ રૃપિયા ગણીએ તો એક બેરલ ક્રૂડ ઓઇલની કિંમત ૪,૫૦૦ રૃપિયા થાય. એક બેરલમાં ૧૫૮.૭૬ લિટર ક્રૂડ ઓઇલ આવે છે. આ હિસાબે એક લિટર ક્રૂડ ઓઇલની કિંમત માત્ર ૨૮ રૃપિયા થાય છે. તેના ઉપર રિફાઇનીંગ કરવાનો ખર્ચો, ટ્રાન્સપોર્ટનો ખર્ચો અને ડિલરનું માર્જીન ઉમેરવામાં આવે તો પણ એક લિટર પેટ્રોલની કિંમત ૩૩ રૃપિયા થાય છે. આ ૩૩ રૃપિયા ઉપર કેન્દ્ર અને રાજય સરકારના વેરાઓ ૩૪ રૃપિયાના છે. પ્રજાની જો કોઇ ખુલ્લી લૂંટફાટ કરવામાં આવતી હોય તો આ લિટર દીઠ ૩૪ રૃપિયાના વેરાઓ છે. પેટ્રોલની કિંમત જયારે ૧૦ રૃપિયા હતી ત્યારે સરકારને લિટર દીઠ પાંચ રૃપિયાના વેરાથી સંતોષ થઈ જતો હતો. પેટ્રોલની કિંમત ૫૦ રૃપિયા થઇ ત્યારે સરકારે વેરો વધારીને ૨૬ રૃપિયા કર્યો. હવે પેટ્રોલની કિંમત જયારે ૬૭ રૃપિયા ઉપર પહોંચી છે ત્યારે સરકારે વેરો વધારીને ૩૪ રૃપિયા કર્યો છે. શા માટે દર વખતે ક્રૂડના ભાવો વધે ત્યારે સરકાર વેરાઓ પણ વધારે છે ?
પેટ્રોલ પેદાશોના ભાવોમાં વધારો થાય છે ત્યારે પ્રજા ઉપર બે બાજુથી માર પડે છે. પહેલો માર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવના કારણે પડે છે અને બીજો માર સરકારની એક વેલોરમ ડયૂટી વસૂલ કરવાની નીતિના કારણે પડે છે. રંગરાજન કમિટીએ પોતાના હેવાલમાં પેટ્રોલ પેદાશોના ભાવોને અંકુશમુક્ત કરવા ઉપરાંત એ વેલોરમ ડયૂટી વસૂલ કરવાની નીતિનો ત્યાગ કરવાની સિફારસ પણ કરી હતી. આપણી સરકારે પહેલું સૂચન માની લીધું પણ બીજું સૂચન ફગાવી દીધું હતું. રંગરાજન કમિટીનું સૂચન એ હતું કે સરકારે પેટ્રોલના ભાવના અમુક ટકાના રૃપમાં નહીં પણ લિટરદીઠ ફિકસ રૃપિયા ટેક્સ વસૂલ કરવો જોઈએ. આજની તારીખમાં પણ જો લિટર દીઠ ૧૦ થી ૧૫ રૃપિયાનો ટેક્સ નક્કી કરી દેવામાં આવે તો પેટ્રોલ ૪૦ થી ૫૦ રૃપિયાના ભાવે મળી શકે તેમ છે.
ભારતમાં પેટ્રોલના ભાવોમાં વધારો જાણે નિયમિત ઘટમાળ બની ગઈ છે. ગયાં વર્ષના જૂન મહિનામાં કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવોને અંકુશમુકત કરવાનો નિર્ણય કર્યો તે પછી આઠમી વખત ભાવોમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓ તો કહે છે કે તેઓ પેટ્રોલના ભાવોમાં ૧૦.૫૦ રૃપિયાનો વધારો કરવા માંગતી હતી. પરંતુ સરકારને પ્રજાનો રોષ ફાટી નીકળવાનો ભય હોવાથી લિટરદીઠ અત્યારે પાંચ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારે પ્રજા પચાવી જશે ત્યારે ધીમે રહીને બીજા પાંચ રૃપિયાનો પણ વધારો કરવામાં આવશે. ઓઇલ કંપનીઓ દ્વારા વારંવાર કરવામાં આવતા આ વધારા સામે પ્રજા લાચાર બની ગઈ છે.
આપણા દેશમાં દર વખતે જયારે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવે ત્યારે આમ આદમીને ઝાળ લાગે છે પણ કેન્દ્ર અને રાજય સરકારોના નાણાં પ્રધાનો હરખાઈ ઉઠે છે, કારણ કે તેમની આવકમાં વૃદ્ધિ થવાની છે. તાજેતરમાં જયારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ પાંચ રૃપિયાનો વધારો કરવામાં આવ્યો ત્યારે ભાજપ તરફથી આ વધારાના વિરોધમાં દેશવ્યાપી દેખાવો કરવામાં આવ્યા. ત્યારે આ વાત સગવડપૂર્વક ભૂલી જવામાં આવી કે આ વધારામાં રાજય સરકાર તરફથી વેટમાં કરવામાં આવેલા વધારાનો પણ ફાળો છે. ભાજપને જો એમ લાગતું હોય કે આ વધારો અન્યાયી છે તો તેણે પોતાના પક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં વેટમાં વધારો ન કરવાની જાહેરાત કરવી જોઈએ. ભાજપની રાજય સરકારો જો વેટમાં વધારો ન કરવા તૈયાર ન હોય તો તેમને ભાવવધારાનો વિરોધ કરવાનો અધિકાર નથી.
કેન્દ્ર અને રાજય સરકાર માટે પેટ્રોલના ભાવમાં થતો વધારો આશીર્વાદ જેવો પુરવાર થઇ રહ્યો છે. દર વર્ષે પેટ્રોલ પેદાશોના કરવેરામાંથી થતી સરકારની આવક કૂદકે ને ભૂસકે વધી રહી છે. આજની તારીખમાં સરકારની કરવેરાની જેટલી આવક છે તેના ૧૮ ટકા આવક માત્ર પેટ્રોલ પેદાશો ઉપર વસૂલ કરવામાં આવતાં કરવેરામાંથી થાય છે. દર વખતે પેટ્રોલના ભાવમાં વૃદ્ધિ કરવામાં આવે તેની સાથે સરકારની આવક વધે છે. જો સરકારને પ્રજાની ચિંતા હોય તો તેણે પેટ્રોલ ઉપરના કરવેરાઓ ઘટાડવા જોઈએ. સરકાર દ્વારા પેટ્રોલ ઉપર કરવેરાઓ ઉપરાંત સેસ પણ વસૂલ કરવામાં આવે છે. આ સેસની કિંમત પણ પેટ્રોલના ભાવ સાથે વધે છે. સરકાર જો આ સેસની આવક ઓઇલનું માર્કેટિંગ કરતી કંપનીઓ વચ્ચે વહેંચી દે તો તેમની ખોટ ઘટી શકે છે.
આપણી પ્રજા પોતાની લાઇફસ્ટાઇલને કારણે ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરતાં દેશોની અને પેટ્રોલ પેદાશો ઉપર કમ્મરતોડ ટેક્સ વસૂલ કરતી સરકારની ગુલામ બની ગઈ છે. ઘણા લોકો એવા છે કે જેઓ ૧૦૦ રૃપિયે લિટરના ભાવે પેટ્રોલ ખરીદીને પણ પોતાનાં ખાનગી વાહનમાં ફરવાના છે. ભારતના મધ્યમ વર્ગને પણ પોતાનું ટુ વ્હિલરમાં ફરવાની આદત પડી ગઈ છે, જે તેના માટે મજબૂરી થઈ ગઈ છે. પેટ્રોલના ભાવવધારાનો વિરોધ કરવા પ્રજા જો પેટ્રોલ ખરીદવાનું બંધ કરે તો જ સરકારની ઉંઘ ઉડે તેમ છે. પરંતુ આપણી પ્રજા પેટ્રોલના વિકલ્પો શોધવા તૈયાર ન હોવાથી તેની પાસે લૂંટફાટનો ભોગ બનવા સિવાયનો કોઇ વિકલ્પ નથી.

No comments:

Post a Comment