Saturday, May 14, 2011

૨૭/૦૪/૧૧ એન્ડોસલ્ફેન નામના જંતુનાશકે હજારો લોકોનો ભોગ લીધો છે


એકલાં કેરળ રાજ્યના કાસારઘોડ જિલ્લામાં જ એન્ડોસલ્ફેનના કારણે ૪,૮૦૦ લોકો વિકલાંગ થયા છે અને ૧૦૦૦ લોકોનાં મોત થયાં છે
ખેતીવાડીમાં વપરાતી ઝેરી જંતુનાશક દવાઓ આપણાં આહારમાં, પાણીમાં, અનાજમાં, શાકભાજીમાં અને માતાના દૂધમાં પણ ભળી જઇને આપણા આરોગ્યનો ખાતમો બોલાવી રહી છે એ જાણીતી બાબત છે, પરંતુ આપણા દેશમાં કોઇ જંતુનાશક દવા ઉપર પ્રતિબંધ જાહેર કરાવવા માટે એક રાજ્યના મુખ્ય પ્રધાને ઉપવાસનું આંદોલન કરવું પડે તો તે ખરેખર ગંભીર બાબત હોવી જોઇએ. કેરળના મુખ્ય પ્રધાન વી.એસ. અચ્યુતાનંદન તાજેતરમાં એન્ડોસલ્ફેન નામના ઝેરી પેસ્ટીસાઇડને ભારતમાં પ્રતિબંધત કરાવવા ઉપવાસ ઉપર ઉતર્યા હતા કારણકે આ જંતુનાશક દવાએ કેરળમાં અને ભારતનાં બીજાં અનેક રાજ્યોમાં કાળો કેર વર્તાવ્યો છે. દુનિયાના ૮૦ કરતાં વધુ દેશોએ એન્ડોસલ્ફેનના ઉત્પાદન અને વપરાશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. અત્યારે જીનિવામાં મળી રહેલી 'પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ' નામની આંતરરાષ્ટ્રીય પર્યાવરણ પરિષદના એજન્ડામાં મુખ્ય મુદ્દો પણ એન્ડોસલ્ફેન ઉપર જગતભરમાં પ્રતિબંધને લગતો છે. તેમ છતાં ભારત સરકાર એન્ડોસલ્ફેન ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર નથી. તેના વિરોધમાં કેરળના મુખ્ય પ્રધાને ઉપવાસ કરવા પડયા છે.
ભારતમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓની લોબી બહુ મજબૂત છે. આ લોબીને કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારના પૂરેપૂરા આશીર્વાદ છે. આખા વિશ્વમાં એન્ડોસલ્ફેનનું કુલ જેટલું ઉત્પાદન થાય છે તેનું અડધું ઉત્પાદન ભારતમાં થાય છે. દુનિયાના અન્ય દેશોમાં એન્ડોસલ્ફેનનો જેટલો વપરાશ થાય છે તેમાનું ૭૦ ટકા ઝેર ભારતમાંથી નિકાશ થાય છે. એન્ડોસલ્ફેનની નિકાસ કરીને ભારતની કંપનીઓ વર્ષે આશરે ૧,૩૪૦ કરોડ રૃપિયાનું હૂંડિયામણ રળી આપે છે. ભારતના આશરે ૭.૫ કરોડ ખેડૂતો ચોખા, કોફી, કાજુ વગેરેની ખેતીમાં આ ઝેરી જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે. યુરોપ અને અમેરિકા સહિતના ૮૭ દેશોએ એન્ડોસલ્ફેનના ઉત્પાદન અને વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં ભારતના વિરોધને કારણે સ્ટોકહોમમાં મળી રહેલાં આંતરરાષ્ટ્રીય સંમેલનમાં આ મુદ્દે ભારત વિશ્વના અનેક દેશોથી અલગ પડી જાય તેવી પરિસ્થિતિ પેદા થઇ છે.
ભારતના કોઇ પ્રદેશમાં જો એન્ડોસલ્ફેનના ઝેરની વધુમાં વધુ અસર જોવા મળી હોય તો તે કેરળનો કાસારઘોડ જિલ્લો છે. આ પ્રદેશમાં ૫૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલાં કાજુનાં ખેતરોમાં ઇ.સ. ૧૯૮૦ના દાયકામાં હેલિકોપ્ટર વડે વર્ષમાં ત્રણ વખત એન્ડોસલ્ફેન છાંટવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં આ વિસ્તારના કિસાનોમાં અને પ્રજામાં એન્ડોસલ્ફેનની ઝેરી અસરો દેખાવા લાગી હતી. આ ઝેરી જંતુનાશક દવાને કારણે અનેક લોકોનાં હાડકાં બરડ બની ગયાં હતાં અને બાળકો જન્મથી જ ખોડખાંપણ સાથે જન્મવા લાગ્યાં હતાં. અમુક બાળકોના જન્મ સમયે તેમનું મૂત્રાશય શરીરની બહાર હોય તેવા વિચિત્ર કિસ્સાઓ પણ જોવા મળતા હતા. એન્ડોસલ્ફેનની અસરથી ઘણા લોકો અકાળે મરવા લાગ્યા હતા. એન્ડોસલ્ફેન એક્શન કમિટી નામની સેવાભાવી સંસ્થાના અંદાજ મુજબ એકલા કાસારઘોડ જિલ્લામાં એન્ડોસલ્ફેનની હાનિકારક અસરોને કારણે ૯,૦૦૦ લોકોનું આરોગ્ય કથળ્યું છે, જેમાંના ૧,૦૦૦ થી વધુનાં મોત થયાં છે અને ૪,૮૦૦થી વધુ લોકો આજે પણ પથારીવશ જીવન જીવી રહ્યા છે. કેરળ અને કર્ણાટકમાં એન્ડોસલ્ફેનના ઉત્પાદન અને વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ વેપારીઓ આજુબાજુનાં રાજ્યોમાંથી તેની આયાત કરીને વેચે છે. આ કારણે જ કેરળના મુખ્ય પ્રધાન અચ્યુતાનંદે એન્ડોસલ્ફેનના ભારતવ્યાપી પ્રતિબંધ માટેના આંદોલનની આગેવાની લેવી પડી છે.
ભારતનાં અનેક રાજ્યોમાં એન્ડોસલ્ફેનનો વ્યાપક ઉપયોગ થાય છે. તેને કારણે કેન્સર, એલર્જી, મગજના રોગો, પ્રજનન તંત્રના રોગો અને ઇમ્યુન સિસ્ટમના રોગો પણ થાય છે. જે મજૂરો ખેતરોમાં એન્ડોસલ્ફેનનો છંટકાવ કરતા હતા તેમને શ્વાસ લેવામાં તકલીફનો અનુભવ જણાતો હતો. અમેરિકામાં જળચરોમાં પણ એન્ડોસલ્ફેનના અંશો મળી આવ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં એન્ડોસલ્ફેનનો ઉપયોગ કપાસની ખેતીમાં મોટા પાયે કરવામાં આવે છે. તેને કારણે ઓસ્ટ્રેલિયાનાં ઘેટાંઓના શરીરમાં પણ એન્ડોસલ્ફેનના અંશો મળી આવ્યા હતા. દુનિયાના અનેક દેશોમાંથી એન્ડોસલ્ફેનને કારણે થતાં મરણના હેવાલો આવ્યા હતા.
ભારતમાં એન્ડોસલ્ફેનની હાનિકારક અસરો બાબતમાં કુલ ૧૬ અભ્યાસો થયા છે. આ બધા અભ્યાસો એક અવાજે કહે છે કે એન્ડોસલ્ફેનથી મનુષ્ય જીવનને અને પર્યાવરણને પણ ખતરો છે. કેરળના જે વિસ્તારમાં એન્ડોસલ્ફેનનો નિયમિત છંટકાવ કરવામાં આવે છે ત્યાં મધમાખીઓ મરી જાય છે અથવા ફૂલમાંથી મધ એકઠું કરવાની શક્તિ ગુમાવી બેસે છે. આ વિસ્તારમાં જે બાળકોનો જન્મ થયો તેઓ દોરડી જેવા હાથપગ સાથે જન્મ્યા હતા. તેમની ચામડી ઉપર ભીંગડા વળી ગયા હતા અને તેમની જીભ મોંઢામાંથી બહાર આવી ગઇ હતી. કેટલાંક બાળકોની આંખો જન્મથી ત્રાંસી હતી તો કેટલાંક બાળકો એક વધારાના આંગળા સાથે જન્મ્યા હતા. કેરળના કાસારઘોડ જિલ્લામાં એવાં અનેક બાળકો જોવા મળે છે, જેઓ પુખ્ત વયનાં જણાય છે. એન્ડોસલ્ફેનની અસરને કારણે ઘણા પુખ્ત વયના લોકો બાળક જેવા પણ દેખાય છે. બાળક જન્મથી ખોડખાંપણ ધરાવતું હશે તેવા ભયથી અનેક સ્ત્રીઓ ગર્ભપાત પણ કરાવી નાંખે છે.
કેરળમાં એન્ડોસલ્ફેનનો ભોગ બનેલા લોકોનો કેસ જ્યારે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન પાસે લઇ જવામાં આવ્યો ત્યારે તેણે સમગ્ર કેસની તપાસ કરાવીને એવો ચુકાદો આપ્યો છે કે કારસઘોડ જિલ્લાના ભોગ બનેલા લોકોને ૩૮૭ કરોડ રૃપિયાનું વળતર કેન્દ્ર સરકારે આપવું જોઇએ. હવે કેરળની સરકાર કેન્દ્ર સરકાર પાસે આ વળતર માંગી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન વી.એસ. અચ્યુતાનંદે ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ સમક્ષ અનેક વખત એન્ડોસલ્ફેન ઉપર રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી જોઇ છે, પણ મનમોહન સિંહ એક જ મોપાટ બોલે છે કે પ્રતિબંધ મૂકતા અગાઉ હજી વધુ અભ્યાસની જરૃર છે. ભારતના વડા પ્રધાન આ બાબતમાં કેન્દ્રના કૃષિ પ્રધાન શરદ પવારની સલાહ મુજબ આગળ વધી રહ્યાં છે, જેઓ જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓના પ્રતિનિધિ છે. નવાઇની વાત એ છે કે કેન્દ્રના વન અને પર્યાવરણ ખાતાનં પ્રધાન જયરામ રમેશ પણ એન્ડોસલ્ફેન ઉપર પ્રતિબંધ મૂકવાના વિરોધી છે.
કેરળમાં એન્ડોસલ્ફેનને પ્રતિબંધિત કરવાની બાબતમાં ડાબેરી શાસક પક્ષ સાથે વિપક્ષમાં બેઠેલા ભાજપના નેતાઓ પણ એકમત થઇ ગયા છે. કેરળના તમામ રાજકીય પક્ષો એન્ડોસલ્ફેન ઉપરના પ્રતિબંધ બાબતમાં એકમત થઇ ગયાં છે. કેરળના તમામ પક્ષોનું એક પ્રતિનિધિમંડળ ૨૨મી એપ્રિલે વડા પ્રધાન મનમોહન સિંહને નવી દિલ્હીમાં મળ્યું હતું. વડા પ્રધાને તેમને એવું આશ્વાસન આપ્યું હતું કે એન્ડોસલ્ફેનની મનુષ્યના આરોગ્ય ઉપરની તપાસનું કામ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નામની સંસ્થાને સોંપવામાં આવ્યું છે. આ સંસ્થાનો હેવાલ આવ્યા પછી જ આ બાબતમાં કોઇ નિર્ણય લેવામાં આવશે.
ખેતીવાડીમાં વપરાતા જંતુનાશક ઝેરોની હાનિકારક અસરોથી માનવજાતને મુક્ત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે 'પર્સિસ્ટન્ટ ઓર્ગેનિક પોલ્યુટન્ટ્સ' બાબતમાં સ્ટોકહોમ કન્વેન્શન બોલાવવામાં આવ્યું છે. આ કન્વેન્શનની બેઠક સ્વિટ્ઝર્લેન્ડના જીનિવા શહેરમાં ૨૫મી એપ્રિલથી શરૃ થઇ છે. આ સંમેલનના પ્રથમ દિવસે જ કેરળના મુખ્ય પ્રધાન અચ્યુતાનંદના ઉપવાસની વાત નીકળી હતી. આ વખતે ૮૭ દેશોના પ્રતિનિધિઓને ખ્યાલ આવ્યો હતો કે એન્ડોસલ્ફેનઉપર પ્રતિબંધની બાબતમાં ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિગ્રહ ચાલી રહ્યો છે. સ્ટોકહોમ કન્વેન્શનમાં ભારત ઉપરાંત ચીન અને આર્જેન્ટિના એન્ડોસલ્ફેન ઉપર પ્રતિબંધ મૂકવાનો વિરોધ કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે એન્ડોસલ્ફેનનું સૌથુ વધુ ઉત્પાદન આ ત્રણ દેશોમાં જ કરવામાં આવે છે. આ દેશોની સરકારો માનવના આરોગ્ય કરતાં નફાને વધુ મહત્વ આપતી હોવાથી એન્ડોસલ્ફેનને પ્રતિબંધિત કરવાનો વિરોધ કરી રહી છે.
ભારતમાં એન્ડોસલ્ફેનનું ઉત્પાદન કરતો જે ઉદ્યોગ છે તેની દલીલ એવી છે કે આ જંતુનાશકને જો પ્રતિબંધિત કરવામાં આવશે તો આપણા ઉદ્યોગને વર્ષે ૨૭૯થી ૪૫૦ કરોડ રૃપિયાનું નુકસાન થશે. તેની સામે કેરળની સરકાર એન્ડોસલ્ફેનના ઝેરનો ઝેરનો ભોગ બનેલા ૪,૦૦૦ લોકોને વર્ષે ૨,૦૦૦ રૃપિયાનું અને અન્ય બીમાર લોકોને વર્ષે ૧,૦૦૦ રૃપિયાનું વળતર ચૂકવી રહી છે. આ રીતે વળતર ચૂકવવા પાછળ જ તેઓ પ્રથમ વર્ષે ૧૨૭ કરોડ રૃપિયાનો ખર્ચો કરશે. આટલું વળતર તો માત્ર કેરળના અસરગ્રસ્તોને જ ચૂકવવામાં આવશે. જો એન્ડોસલ્ફેનના ઝેરનો ભોગ બનેલા આખા ભારતના નાગરિકોના આરોગ્યને થયેલા નુકસાનનો હિસાબ કરવામાં આવે તો તે રકમ ઉદ્યોગપતિઓને થનારા નુકસાન કરતાં ક્યાંય વધી જાય તેમ છે. જેવું એન્ડોસલ્ફેનનું છે તેવું અન્ય હાનિકારક જંતુનાશકોનું છે. ભારતની સરકારને જો પ્રજાના આરોગ્યની જરા જેટલી પરવા હોય તો એન્ડોસલ્ફેન સહિતના તમામ જંતુનાશકોને પ્રતિબંધિત કરવા જોઇએ.

No comments:

Post a Comment