Thursday, May 12, 2011

૧૫/૦૪/૧૧ નીરા રાડિયાએ સીબીઆઇ સમક્ષ ઘણા બોમ્બ ધડાકાઓ કર્યા છે


કોર્પોરેટ લોબીસ્ટ નીરા રાડિયાએ જણાવ્યું છે કે શરદ પવારે ડીબી જૂથ અને રિલાયન્સ વતી સ્પેક્ટ્રમની ફાળવણી માટે એ. રાજાનો સંપર્ક કર્યો હતો
ટાટા કંપનીના સર્વેસર્વા રતન ટાટાને હવે નીરા રાડિયા નામની બલા સાથે નાતો રાખવા બદલ પસ્તાવો થતો હશે. કોર્પોરેટ લોબીસ્ટના રૃપકડા નામે ઓળખાતી નીરા રાડિયાને રતન ટાટાએ તેમની કંપનીઓ માટે લોબીંગ કરવા તગડા પગારે રોકી હતી. નીરા રાડિયાએ ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજાને પોતાના વશમાં કરી લીધા હતા અને તેમની પાસે ટાટા જૂથની કંપનીઓ માટે ઉદાર શરતોથી સ્પેક્ટ્રમની ફાળવણી કરાવી હતી. આ ઉપરાંત નીરા રાડિયાએ અન્ય કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ, સરકારી અમલદારો, પત્રકારો અને છાપાંઓના તંત્રીઓ સાથે પણ ઘનિષ્ઠ મિત્રતા બાંધીને તેમની પાસે ધાર્યાં કામો કરાવ્યા હતા. નીરા રાડિયાએ સીબીઆઇને આપેલા વિસ્તૃત નિવેદનમાં આ બધી કંપનીઓના વડાઓ, કેન્દ્રના પ્રધાનો અને સરકારી અમલદારોનો પણ ભાંડો ફોડયો છે. નીરા રાડિયાએ કેન્દ્રના કૃષિપ્રધાન શરદ પવાર માટે બોમ્બ બ્લાસ્ટ જેવું નિવેદન કરતા કહ્યું છે કે, શાહીદ બાલવાની અને વિનોદ ગોયેન્કાની કંપની ડીબી રિયાલ્ટીમાં પણ શરદ પવારનો ભાગ હોવાની સંભાવના છે. નીરા રાડિયાએ એક ડગલું આગળ વધીને શરદ પવાર ઉપર એવો આક્ષેપ કર્યો છે કે, ડીબી રિયાલ્ટી જૂથ કંપની સ્વાન ટેલિકોમને સ્પેક્ટ્રમ મળે તે માટે શરદ પવારે રાજા સમક્ષ સિફારસ પણ કરી હતી. જો કે શરદ પવારે આ આક્ષેપને હંમેશાની જેમ ફગાવી દીધો છે, પણ શરદ પવારનો આ રદિયો હંમેશાની જેમ ભારતની પ્રજાના ગળે ઉતરે તેવો નથી.
ટેલિકોમ કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઇએ નીરા રાડિયાનું આ નિવેદન ૨૫ પાનામાં નોંધ્યું છે. આ નિવેદનમાં દેશના જાહેર જીવનમાં સ્થાન ધરાવતા ચમરબંધીઓની પણ પોલ ખોલવામાં આવી છે. નીરા રાડિયાને એવી શંકા હતી કે શરદ પવાર અથવા તેમના કોઈ સ્વજનો ડીબી રિયાલ્ટીમાં અને સ્વાન ટેલિકોમ કંપનીમાં પણ ભાગીદાર છે. આવી શંકા થવાનું કારણ એ હતું કે સ્વાન ટેલિકોમ ઉપરાંત અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને યુનિફાઇડ એક્સેસ સર્વિસનું લાઇસન્સ મળે તે માટે શરદ પવારે તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ. રાજાનો સંપર્ક કર્યો હતો એવી માહિતી નીરા રાડિયાને મળી હતી. શરદ પવારે નીરા રાડિયાના આક્ષેપોનો રદિયો આપતો જે ખુલાસો કર્યો છે તે પણ ખૂબ રસપ્રદ છે. શરદ પવારે કહ્યું છે કે તેઓ ડીબી રિયાલ્ટીના માલિક વિનોદ ગોયેન્કાના પિતાશ્રીને છેલ્લા ૨૦ વર્ષથી ઓળખે છે, કારણ કે તેમણે શરદ પવારના મતવિસ્તાર બારામતીમાં આજથી ૨૦ વર્ષ પહેલાં ડાયનામિક્સ નામની ડેરી નાખી હતી. શરદ પવાર કહે છે કે તેમના જેવા બારામતીના અનેક ખેડૂતો ડાયનામિક્સ ડેરીમાં પોતાનું દૂધ વેચવા જતા હતા. શરદ પવાર કટાક્ષમાં કહે છે કે, તેઓ દેશની ખેતીવાડીનું ધ્યાન રાખે છે, ટેલિકોમનું નહિ.
સીબીઆઇ સમક્ષ આપેલા નિવેદનમાં ટાટા જૂથની કંપનીઓ, એ. રાજા અને તામિલનાડુના મુખ્યપ્રધાન કરુણાનિધિના પરિવાર વચ્ચે નીરા રાડિયાએ કેવી રીતે કડી બનવાનું કાર્ય કર્યું હતું. તેની પણ વિગતો છે. નીરા રાડિયાના જણાવ્યા મુજબ એ. રાજા પહેલા ટેલિકોમ ખાતાનો હવાલો સંભાળતા દયાનિધિ મારન ટાટા જૂથ પ્રત્યે નારાજ હતા. તેઓ ટાટા જૂથની માંગણીઓ માટે જરાય હકારાત્મક પ્રતિસાદ આપતા નહોતા. આ કારણે જ રતન ટાટાએ નીરા રાડિયાની સેવાઓ લેવાનું નક્કી કર્યું હતું. દયાનિધિ મારનના સ્થાને ટેલિકોમ પ્રધાન બનેલા એ. રાજાને નીરા રાડિયાએ શરુઆતથી જ પોતાના વશમાં કરી લીધા હતા.
કરુણાનિધિના પરિવારની માલિકીની ટી.વી. ચેનલ કલાઇગનાર ટી.વી.ના સંચાલકોની ઇચ્છા એવી હતી કે તેમની ચેનલ ટાટા સ્કાયના પ્લેટફોર્મ પર તરતી મૂકવામાં આવે. આ માટે તેમણે એ. રાજાના માધ્યમથી નીરા રાડિયાનો સંપર્ક કર્યો હતો. નીરા રાડિયાએ ક્લાઇગનાર ટી.વી.ને ટાટા સ્કાય સાથે જોડવા બહુ મહેનત કરી હતી, પણ ટાટા સ્કાય પાસે વધારાની સ્પેસ ન હોવાથી તેઓ કલાઇગનાર ટીવીનો સમાવેશ કરી શક્યા નહોતા. નીરા રાડિયાએ સીબીઆઇને આપેલી માહિતી મુજબ કલાઇગનાર ટીવીને ટાટા સ્કાય ઉપર મૂકાવવા માટે આ ચેનલનો વહીવટ સંભાળતી કરુણાનિધિની પુત્રી કનીમોઝીએ પણ એ. રાજા સાથે વાત કરી હતી. આ નિવેદન ઉપરથી ખ્યાલ આવે છે કે નીરા રાડિયાનો ઉપયોગ કરીને રતન ટાટાએ કેવી રીતે એ. રાજા પાસે પોતાના કામ કઢાવી લીધાં હતા.
૧.૭૬ લાખ કરોડ રૃપિયાના ટેલિકોમ કૌભાંડમાં સીબીઆઇ તેના મુખ્ય સાક્ષીઓ પૈકી એક તરીકે નીરા રાડિયાનો ઉપયોગ કરી રહી છે. નીરા રાડિયા પત્રકારો અને સરકારી અમલદારોને કેવી રીતે પટાવતી હતી તેનો ઘટસ્ફોટ પણ સીબીઆઇ સમક્ષ નીરા રાડિયાએ કરેલા નિવેદનમાં કરવામાં આવ્યો છે. નીરા રાડિયાએ તત્કાલીન ટેલિકોમ પ્રધાન એ. રાજાના ખાનગી સચિવ આર. કે. ચંડોલિયાને પણ પોતાના વશમાં કરી લીધા હતા. ચંડોલિયાને પટાવવા માટે નીરાએ તેમને ટાટા જૂથની જગુઆર કારની એજન્સી અપાવવાની લાલચ આપી હતી. નીરા રાડિયા સાથેની વાતચીતની એક ટેપમાં સંડોલિયા આ ડિલરશીપ બાબતમાં પૂછપરછ કરી રહ્યા હતા.
નીરા રાડિયા પોતાના અણમાનીતા પત્રકારોને હેરાન કરવા કેવા તિકડમ લડાવતી હતી તેનો પણ ખ્યાલ તેણે સીબીઆઇ સમક્ષ આપેલા નિવેદન પરથી આવે છે. એક દિવસ તેણે રાજાને ફોન કરીને કહ્યું કે, 'પાયોનિયર' નામના અંગ્રેજી દૈનિકમાં તમારી બાબતમાં બહુ ખરાબ લેખ છપાયો છે. 'પાયોનિયર' દૈનિકના તંત્રી ચંદન મિત્રા ભાજપના સંસદસભ્ય પણ છે. તેમનો દૈનિકમાં રાજા પરિવારની ભાગીદારી ધરાવતી ગ્રીન હાઉસ પ્રમોટર્સ નામની કંપની અને ડીબી રિયાલ્ટી વચ્ચેના ભેદી સંબંધો બાબતમાં લેખ છાપવામાં આવ્યો હતો. નીરા રાડિયાએ ફોન ઉપર રાજાને સલાહ આપી હતી કે તેમણે ફોન કરીને ચંદન મિત્રા સાથે આ બાબતમાં વાત કરવી જોઈએ. થોડા સમય પછી રાજાએ ફોન કરીને ચંદન મિત્રાને ઠપકો આપ્યો હતો. નીરા રાડિયાએ થોડી મિનિટો પછી ચંડોલિયાને ફોન કર્યો ત્યારે તેને બેકગ્રાઉન્ડમાં રાજા અને ચંદન મિત્રા વચ્ચે ચાલી રહેલી ચણભણના અવાજો સંભળાતા હતા.
આપણા દેશમાં મોટા સરકારી પ્રોજેક્ટોનો લાભ લેવામાં પાછળ રહેવાને કારણે ટાટા જૂથ કેવું હતાશ થઈ ગયું હતું તેનો ખ્યાલ પણ નીરા રાડિયાની વિવિધ પત્રકારો સાથેની વાતચીત ઉપરથી આવે છે. એક અંગ્રેજી અખબારના તંત્રી સાથેની વાતચીતમાં નીરા રાડિયા ઝારખંડના કિસ્સાનું વર્ણન કરે છે. ઝારખંડમાં અંકુઆ ખાતે આવેલી લોખંડની ખાણની લીઝ મેળવવા ટાટા જૂથ વર્ષોથી મહેનત કરી રહ્યું હતું પણ તેમાં તેમને સફળતા મળી નહોતી. ઝારખંડમાં મધુ કોડા મુખ્યપ્રધાન બન્યા તે પછી નીરા રાડિયા ટાટા જૂથ વતી તેમને મળી હતી. મધુ કોડાએ નીરા રાડિયા પાસે ૧૫૦ કરોડ રૃપિયા માગ્યા હતા. આટલા રૃપિયા મધુ કોડાને આપવા ટાટા જૂથ તૈયાર નહોતું. આ લીઝ બીજી એક કંપનીને આપી દેવામાં આવ્યું હતું. પાછળથી સીબીઆઇએ ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડાની આ કંપની પાસેથી ૧૩.૫ કરોડ રૃપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરી હતી. મધુ કોડા અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં એક થર્મલ પાવર પ્લાન્ટના કોન્ટ્રેક્ટ બાબતમાં પણ ટાટા જૂથ અને અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપની રિલાયન્સ પાવર વચ્ચે ઘણો ગજગ્રાહ ચાલતો હતો. આ માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. છેવટે ઇ.સ. ૨૦૦૭માં આ પ્લાન્ટનો કોન્ટ્રેક્ટ રિલાયન્સ પાવર કંપનીને આપવામાં આવ્યો હતો. નીરા રાડિયાના આક્ષેપ મુજબ રિલાયન્સ પાવરને આ કોન્ટ્રેક્ટ મળ્યો તે પછી સરકારે નિયમોમાં એ રીતે ફેરફાર કર્યો હતો કે, તેનો લાભ રિલાયન્સ જૂથને થયો હતો. મધ્યપ્રદેશની સરકારે આ પાવર પ્લાન્ટ માટે ખાણમાંથી કાઢવામાં આવેલો કોલસો અન્ય પ્લાન્ટમાં પણ વાપરવાની રિલાયન્સ જૂથને છૂટ આપી હતી, જેને કારણે અનિલ અંબાણી જૂથની કંપનીને મોટો લાભ થયો હતો. ટાટા જૂથને લાગ્યું કે આ છૂટની તેમને જાણ હોત તો તેમણે વધુ રકમનું ટેન્ડર ભર્યું હોત. ટાટા જૂથે મધ્યપ્રદેશની સરકારની આ નીતિ સામે સર્વોચ્ચ અદાલતમાં કેસ કર્યો છે, જેનો ચુકાદો આવવાનો બાકી છે. આ પ્રકરણ ઉપરથી ખ્યાલ આવે છે કે, દેશની કુદરતી સંપત્તિઓ ઉદ્યોગ ગૃહોને લૂંટવાની કેવી રીતે છૂટ આપી દેવામાં આવે છે.
ભારતના રાજકારણમાં અને અર્થકારણમાં દલાલો અને પાવર બ્રોકરો કેવી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેનો ખ્યાલ નીરા રાડિયાની ટેપો ઉપરથી આવે છે. સીબીઆઇએ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં જે ૧૨૫ સાક્ષીઓ બનાવ્યા છે, તેમાંની એક નીરા રાડિયા છે, પણ તાજેતરમાં ઇન્કમટેક્સ ખાતાએ સીબીઆઇને સુપરત કરેલી વધુ ૧૫,૦૦૦ ટેપો કદાચ નીરા રાડિયાને આરોપી પણ બનાવી શકે છે. નીરા રાડિયા ટાટા જૂથની કંપનીઓ ઉપરાંત ૨-જી કૌભાંડમાં સંડોવાયેલી કંપની યુનિટેક માટે પણ કામ કરતી હતી. આ કંપની વતી હવાલાની ચેનલ દ્વારા વિદેશમાં પૈસા મોકલવા બાબતમાં નીરા રાડિયાની સંડોવણી બાબતમાં નિર્દેશો મળે છે. જો આ બાબતમાં સીબાઇના હાથમાં કોઈ નક્કર પુરાવાઓ મળશે તો નીરા રાડિયા સાક્ષીમાંથી આરોપી બની જશે. નીરા રાડિયા નામની કોઠીને જેટલી ધોવામાં આવે છે એટલો તેમાંથી વધુ કાદવ બહાર આવે છે અને આ કાદવમાં વધુ માંધાતાઓ ખરડાયા કરે છે.

No comments:

Post a Comment