ભારતની પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની લોકપ્રિયતા દુનિયાભરમાં વધી રહી છે. તેને કારણે એલોપથી દવાઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ કંપનીઓના પાયાઓ હચમચી ગયા છે. હોલિવૂડના અનેક સિતારાઓ આયુર્વેદની ચિકિત્સા ઉપર ફિદ્દા છે. આ સિતારાઓમાં મેડોના, સિન્ડી ક્રાફર્ડ, ગોલ્ડી હોન અને ડેમી મૂર જેવાં મોટાં નામોનો પણ સમાવેશ થાય છે. આયુર્વેદની ચમત્કારિક ચિકિત્સાથી આકર્ષાયેલા વિદેશીઓ ભારતમાં સારવાર કરાવવા મોટી સંખ્યામાં આવી રહ્યા છે તો બીજી બાજુ વિદેશોમાં પણ આયુર્વેદની સારવાર આપતી અનેક ક્લિનિકો ખૂલી રહી છે. વિદેશમાં આયુર્વેદની દવાઓની ભારે ડિમાન્ડ નીકળી હોવાથી તેની નિકાસ વધીને ૧,૫૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ છે. આયુર્વેદની દવાઓના આ વધતા વેપારને ખાળવા માટે બીજો કોઈ ઉપાય ન સૂઝ્યો ત્યારે યુરોપિયન યુનિયને તમામ આયુર્વેદિક દવાઓ ઉપર પ્રતિબંધનો પહેલી મેથી અમલ શરૃ દીધો છે. હકીકતમાં લોકશાહીનો ચિપિયો પછાડતી યુરોપના દેશોની સરકારોનું આ સૌથી મોટું બિનલોકશાહી પગલું છે. યુરોપની પ્રજાનો જો આયુર્વેદિક દવાઓના વપરાશ બાબતમાં જનમત લેવામાં આવે તો આજે પણ યુરોપની બહુમતી પ્રજા આયુર્વેદની તરફેણમાં પોતાનો મત આપે તેમ છે.
આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ દુનિયાની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાાનિક પદ્ધતિ છે. હજારો વર્ષો અગાઉ ઋષિમુનિઓ દ્વારા મંત્રશક્તિથી જડીબુટ્ટીઓના ચમત્કારિક ગુણધર્મો શોધી કાઢવામાં આવ્યા હતા, જે આજે વૈજ્ઞાાનિક પરીક્ષણો ઉપર પણ ખરા ઉતરે છે. છેલ્લા થોડા દાયકાઓમાં યુરોપ અને અમેરિકાના લાખો લોકોને આયુર્વેદિક ચિકિત્સાથી અસાધ્ય ગણાતા રોગોમાં લાભ થયો છે. યુરોપની પ્રજામાં આયુર્વેદની દવાઓ માટે જે પ્રેમ પેદા થયો છે તેને કારણે એલોપથી દવાઓનું વેચાણ ઘટી રહ્યું છે અને આ દવાઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓના નફામાં ધરખમ ઘટાડો થયો છે. આ મલ્ટીનેશનલ કંપનીઓના દબાણમાં યુરોપિયન યુનિયને તમામ આયુર્વેદિક દવાઓને પ્રતિબંધિત ઘોષિત કરી દીધી છે. આ કારણે પોતાના આરોગ્યને ફાયદો થાય તેવી ચિકિત્સા પસંદ કરવાના યુરોપિયન પ્રજાના અધિકાર ઉપર તરાપ આવી છે. હવે તો યુરોપની પ્રજાએ જ પોતાના આરોગ્યના અધિકારની રક્ષા માટે આ પ્રતિબંધનો વિરોધ કરવો જોઈએ.
કોઇ પણ કૂતરાને ઠાર કરવો હોય તો તેને હડકાયો જાહેર કરવો જરૃરી બની રહી છે. તેવી જ રીતે યુરોપ અને અમેરિકામાં આયુર્વેદિક દવાઓને પ્રતિબંધિત કરવા આયુર્વેદને બદનામ કરવાની પદ્ધતિસરની ઝુંબેશ છેલ્લાં સાત-આઠ વર્ષથી ચાલી રહી છે. ઈ.સ. ૨૦૦૩ની સાલમાં અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે ત્રણ આયુર્વેદિક દવાઓના નમૂનાઓ લીધા હતા. આ દવાઓમાં મહાસુદર્શન ચૂર્ણ, જાંબુલીન અને લક્ષ્મીવિલાસ રસનો સમાવેશ થતો હતો. આ દવાઓને અમેરિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી અને વૈજ્ઞાાનિક પરીક્ષણ પછી એવું જાહેર કરવામાં આવ્યું હતું કે તેમાં સીસું અને પારા જેવી ધાતુઓ વધુ પ્રમાણમાં હાજર છે. આયુર્વેદના જાણકારો કહે છે કે આયુર્વેદની અનેક દવાઓ બનાવવા માટે ધાતુઓની ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. આ ધાતુઓમાં સોનું, ચાંદી, જસત, પારો અને સીસાં જેવી ધાતુઓનો સમાવેશ થાય છે. આ ધાતુઓને એવી રીતે શુદ્ધ કરવામાં આવી હોય છે કે તેઓ માનવ આરોગ્યને બિલકુલ હાનિ કરતી નથી. આ હકીકતની ઉપેક્ષા કરીએ અમેરિકાની સરકારે ઉપરોક્ત ત્રણ દવાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
યુરોપિયન સંઘે ભારતની આયુર્વેદિક દવાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો તેનો વિરોધ ભારત સરકારના આરોગ્ય અને વાણિજ્ય ખાતાં તરફથી પણ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારના આયુર્વેદ ખાતાંનું એક પ્રતિનિધિમંડળ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બુ્રસેલ્સની મુલાકાતે ગયું હતું અને યુરોપિયન યુનિનના અધિકારીઓને મળીને તેમને આ પ્રતિબંધ બાબતમાં ફેરવિચારણા કરવા સમજાવ્યું હતું. યુરોપિયન યુનિયનના ઠરાવ મુજબ જે કોઈ કંપની યુરોપમાં પરંપરાગત દવાઓ વેચવા માંગતી હોય તેમણે આ દવાઓની યુરોપમાં ક્લિનિકલ ટ્રાયલ્સનાં ૧૫ વર્ષનાં અથવા યુરોપની બહારનાં ૩૦ વર્ષનાં પરિણામો રજૂ કરવા પડશે. આ પરિણામો જો સંતોષજનક હશે તો જ તે દવાઓને યુરોપિયન સંઘમાં વેચવાની પરવાનગી આપવામાં આવશે.
આયુર્વેદની દવાઓ ભારતમાં સેંકડો-હજારો વર્ષોથી ઉપયોગમાં છે. ભારતની સરકાર દ્વારા પણ વિવિધ આયુર્વેદિક દવાઓની સલામતી અને અસરકારકતા બાબતમાં છેલ્લા અનેક દાયકાઓથી હકીકતોનો સંગ્રહ કરવામાં આવે છે. ભારત સરકારના આયુર્વેદ ખાતાંએ યુરોપિયન યુનિયન સમક્ષ રજૂઆત કરી છે કે આયુર્વેદની દવાઓની યુરોપમાં ક્લિનિકલ ટ્રાયલ્સ માટે ૧૫ વર્ષની મર્યાદાની કલમ પડતી મૂકે અને વિશ્વના કોઈ પણ ભાગમાં ૩૦ વર્ષનાં પરિણામોને માન્ય રાખે તો આ વિગતો ભારત સરકાર પાસે ઉપલબ્ધ છે. વળી યુરોપિયન યુનિયન આયુર્વેદિક દવાઓમાં માત્ર વનસ્પતિજન્ય દવાઓને જ માન્ય રાખે છે. આયુર્વેદમાં વનસ્પતિઓ ઉપરાંત ધાતુઓની ભસ્મો અને પંચગવ્ય તેમ જ મધ જેવા પદાર્થોનો પણ ઉપયોગ થાય છે. આ દવાઓનો સમાવેશ પણ પરંપરાગત દવાઓની યાદીમાં કરવો જોઈએ.
યુરોપમાં પરંપરાગત દવાઓના વેચાણ પર અંકુશો મૂકતો કાયદો યુરોપિયન યુનિયને ઈ.સ. ૨૦૦૪ની સાલમાં ઘડયો હતો પણ તેના અમલ માટે ઈ.સ. ૨૦૧૧ની ૩૦મી એપ્રિલ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ સમયમર્યાદા સુધીમાં તમામ પરંપરાગત દવાઓના ઉત્પાદકોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું કહેવામાં આવ્યું હતું. આ રજીસ્ટ્રેશન માટે ૧૫ વર્ષની ક્લિનિકલ ટ્રાયલની જે શરત મૂકવામાં આવી છે તે એટલી આકરી છે કે મોટા ભાગની આયુર્વેદિક દવાઓનું વેચાણ પહેલી મેથી બંધ થઇ જશે. ઈ.સ. ૨૦૦૬માં ભારતના આયુર્વેદ ખાતાંનું એક પ્રતિનિધિમંડળ લંડનની મુલાકાતે ગયું હતું અને ત્યાંના સત્તાવાળાઓને મળીને ઔષધિઓના કાયદા બાબતમાં ફેરવિચારણા કરવાની રજૂઆત કરી હતી. તેના અનુસંધાનમાં યુરોપિયન યુનિયનના ત્રણ સભ્યોનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું અને ભારતમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ફાર્મસીઓની તેમણે મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળે તેમના હેવાલમાં જણાવ્યું હતું કે ભારતમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન બાબતમાં સુગ્રથિત નેટવર્ક છે. આ હેવાલ છતાં પણ યુરોપિયન સંઘના સત્તાવાળાઓના વલણમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું અને તેમણે ઈ.સ. ૨૦૧૧ની પહેલી મેથી પ્રતિબંધનો અમલ શરૃ કરી દીધો હતો.
અમેરિકા અને યુરોપમાં આયુર્વેદને બદનામ કરવાનું જે કાવતરું અમલમાં છે તેમાં તથાકથિત મેડિકલ જર્નલો પણ મલ્ટીનેશનલ કંપનીઓના દલાલની ભૂમિકા ભજવી રહ્યાં છે. આ જર્નલો મલ્ટીનેશનલ કંપનીઓ પાસેથી લાખો ડોલરની મદદ લઈને આયુર્વેદિક દવાઓ બાબતમાં સંશોધન કરે છે, જેનાં પરિણામો અગાઉથી નક્કી હોય છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશન નામના મેગેઝિને થોડા સમય પહેલા અમેરિકાના બજારમાં મળતી ૧૪ લોકપ્રિય આયુર્વેદિક દવાઓના નમૂનાઓ એકઠા કરીને તેમનું 'તબીબી પરીક્ષણ' કરાવ્યું હતું. આ પરીક્ષણમાં તેમણે શોધી કાઢ્યું હતું કે આ દવાઓમાં સીસાનું અને પારાનું ઊંચું પ્રમાણ છે. આ દવાઓમાં ઝંડુ કંપનીનું મહાસુદર્શન ચૂર્ણ અને યોગરાજ ગુગળ, ડાબર કંપનીનું મહાસુદર્શન ચૂર્ણ અને શિલાજીતની કેપ્સ્યુલ્સ, હિમાલય કંપનીની કારેલાની ટેબ્લેટ્સ અને સાફી કંપનીના હમદર્દ ટોનિકનો સમાવેશ થતો હતો. આ જર્નલના હેવાલના આધારે કેનેડાની સરકારે ઉપરની તમામ આયુર્વેદિક દવાઓનાં વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ દવાઓના ઉત્પાદકો કહે છે કે આયુર્વેદની પરંપરા મુજબ કેટલીક દવાઓમાં ધાતુઓની ભસ્મોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ તેઓ મનુષ્યના આરોગ્ય માટે જરાય હાનિકારક નથી. આ દલીલ કેનેડાની સરકારે ફગાવી દીધી હતી.
યુરોપિયન યુનિયન પછી હવે અમેરિકામાં પણ તમામ આયુર્વેદિક દવાઓને પ્રતિબંધિત કરવાની હિલચાલ વેગ પકડી રહી છે. અમેરિકાનું ફેડરલ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) તો એલોપથી દવાઓનું ઉત્પાદન કરતી મલ્ટીનેશનલ ડ્રગ્સ કંપનીઓનું પ્યાદું ગણાય છે. એલોપથીની જે દવાઓ દ્વારા કરોડો લોકોને નુકસાન થાય તેના વેચાણની પરવાનગી આપવા માટે આ ખાતું નામચીન છે. હાર્ટ ટ્રબલ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનો ઈલાજ કરવા માટેની અનેક એલોપથી દવાઓને કારણે હૃદય રોગ અને કિડનીની બીમારીઓ થતી હોવાનું સાબિત થયા પછી પણ અમેરિકાનું એફડીએ આ દવાઓને પ્રતિબંધિત કરતું નથી. પરિણામે આ દવાઓનો ભોગ બનનારા દર્દીઓ કરોડો ડોલરના નુકસાનીના દાવાઓ આ દવાઓનું ઉત્પાદન કરતી કંપનીઓ સામે કરે છે. આ એફડીએ ખાતું આયુર્વેદિક દવાઓમાં ધાતુઓ છે એવા હેવાલને પગલે આ દવાઓને પ્રતિબંધિત કરવામાં પળનો પણ વિલંબ કરતું નથી.
ભારતમાં હજારો વર્ષોથી ચ્યવનપ્રાશ, અશ્વગંધા, શિલાજીત, મહાસુદર્શન ચૂર્ણ વગેરે દવાઓ વપરાતી આવી છે, તેમ છતાં તેની કોઈ હાનિકારક અસરો અત્યાર સુધી દર્દીઓમાં જોવા મળી નથી. આ દવાઓ અચાનક યુરોપના અને અમેરિકાના દેશોને હાનિકારક જણાઈ રહી છે. એક બાજુ તેઓ આયુર્વેદિક દવાઓને પ્રતિબંધિત કરી રહ્યા છે તો હજારો લોકોનો ભોગ લેનારી એલોપથી દવાઓ આજે પણ તેમના બજારમાં છૂટથી વેચાઈ રહી છે. યુરોપિયન યુનિયન જો આપણી આયુર્વેદિક દવાઓ ઉપરના પ્રતિબંધ બાબતમાં ફેરવિચારણા કરવા તૈયાર ન હોય તો આપણી સરકારે તમામ એલોપથી દવાઓને પ્રતિબંધિત કરવાની વિચારણા શરૃ કરી દેવી જોઈએ.
No comments:
Post a Comment