Thursday, May 12, 2011

૧૪/૦૪/૧૧ દિલ્હીની બે બહેનો સ્વાર્થી સમાજનો ભોગ બની છે


દિલ્હીના પોશ નોઇડા વિસ્તારમાં રહેતી બે કુંવારી બહેનો છ મહિનાથી એકલતાનો ભોગ બનીને પોતાના જ ઘરમાં પુરાઈ રહી હતી
આપણો સમાજ એકદમ સ્વાર્થી અને સંવેદનશીલ બની ગયો છે. શહેરોમાં રહેતો પ્રત્યેક માનવી એક ટાપુ બની ગયો છે. તેના જીવનમાં સાથે હસનારું કોઈ મળતું નથી તો દુઃખમાં કોઈ ખભે હાથ મૂકીને સાંત્વન આપનારું મળતું નથી. શહેરના માનવીઓ 'દોઢિયા પાછળ દોડતા જીવતા પ્રેત જેવા છે,' એવું એક કવિએ કહ્યું છે. 'સિને મેં તુફાન, આંખો મેં દર્દ સા ક્યૂં હૈ, ઇસ શહર મેં હર શખ્સ પરેસાન સા ક્યૂં હૈ ?' એવો સવાલ પણ એક કવિએ પૂછ્યો છે, જેનો કોઈ જવાબ મળતો નથી. આવા સ્વાર્થી સમાજને જોઈને કવિએ ગાયું છે, 'સ્વાસ્થ્યની આ દુનિયા કેવી, સુખમાં ભાગ પડાવે; કોઈખ દુઃખમાં દૂર થાય તો કોઈક વધુ રીબાવે.' આ સ્વાર્થી સમાજનો અનુભવ દિલ્હીના પોશ નોઇડા વિસ્તારમાં રહેતી બે સગી બહેનોને થઈ ગયો. પિતાશ્રીના અવસાનના આઘાતમાં દિગ્મૂઢ બનેલી આ બહેનો સાત મહિના સુધી પોતાના ઘરમાં પૂરાઈ રહી હતી પણ કોઈ પડોશી કે સ્વજનો તેમની ખબર પૂછવા આવ્યા નહીં. છેવટે એક સેવાભાવી સંસ્થાની મદદથી પોલીસે આ બે બહેનોને સ્વૈચ્છિક કારાવાસમાંથી બહાર કાઢી ત્યારે તેમાંની એક બહેનનું કરૃણ મોત થયું છે.
દિલ્હીના ધનાઢ્ય ગણાતા નોઇડા વિસ્તારના એક ફ્લેટમાં અનુરાધા બહલ અને સોનાલી બહલ નામની બે બહેનો પોતાના પિતાશ્રી સાથે રહેતી હતી. અત્યારે અનુરાધાની ઉંમર ૪૨ વર્ષની છે અને સોનાલી ૩૮ વર્ષની છે. આપણે ત્યાં કહેવત હતી કે 'ડોસો કુંવારો મરે, પણ ડોસી કુંવારી ન મરે.' હવે આ કહેવતને ખોટી સાબિત કરે તેવી સામાજિક પરિસ્થિતિ પેદા થઈ છે. યુવતીઓ ઉચ્ચ શિક્ષણ લઈને ઉંચા પગારની નોકરી કરે છે અને સ્વતંત્ર જિંદગી જીવે છે. તેમને લગ્નના બંધનો ગમતા નથી એટલે કુંવારા રહેવાનું જ પસંદ કરે છે. અનુરાધા અને સોનાલીની મમ્મી ગુજરી ગઈ હતી અને ભાઈઓ અલગ રહેવા જતા રહ્યા બે બહેનો પોતાના પિતાશ્રી સાથે રહેતી હતી. છ મહિના અગાઉ પિતાશ્રીનું અવસાન થયું ત્યારથી આ બહેનો ડિપ્રેશનમાં સરકી પડી હતી. તેમને દુનિયાની બીક લાગતી હતી એટલે ઘરની બહાર નીકળવાનું જ બંધ કરી દીધું હતું. તેમના પડોશીઓ તો ઠીક પણ સગાભાઈઓએ પણ તેમની ઉપેક્ષા કરી હતી.
કોઈ વ્યક્તિને જીવતા રહેવા માટે આહાર, પાણી અને કપડા ઉપરાંત માનવીની હૂંફ પણ જોઈએ છે. આજની ફાસ્ટ લાઇફમાં લોકો પાસે બીજાની ચિંતા કરવા જેટલો સમય નથી પણ તેઓ વર્લ્ડ કપ અને આઇપીએલની મેચો જોવા પાછળ કલાકો વેડફી શકે છે. અનુરાધા અને સોનાલીના પિતા મિલિટરીના નિવૃત્ત કર્નલ હતા. તેમનું અવસાન કાર અકસ્માતમાં થયું હતું. ત્યારબાદ એક વર્ષ ેમાતાનું પણ અવસાન થયું. પિતાશ્રીના અવસાનના પગલે એવી ઘટનાઓ બની કે આ બંને પુત્રીઓ એકાંતવાસમાં ચાલી ગઈ. તેઓ ઘરમાં જાતે રસોઈ બનાવીે ખાઈ શકે તેવી તેમની માનસિક પરિસ્થિતિ નહોતી. થોડા સમય સુધી તેઓ નજીકની કેન્ટીનમાંથી રસોઈ મગાવીને ખાતી હતી. ત્યારબાદ એ પણ બંધ થઈ ગયું એટલે બંને બહેનો ભૂખમરાનો ભોગ બની હતી.
દિલ્હીમાં કામ કરી રહેલી એક સેવાભાવી સંસ્થાના કાર્યકરોને જ્યારે આ બે બહેનોની વાત જાણવા મળી ત્યારે તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ફ્લેટના બારણા ખટખટાવ્યાં પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહોતો. છેવટે પોલીસે બારણા તોડી નાંખ્યાં ત્યારે બંને બહેનો અત્યંત દયનીય હાલતમાં મળી આવી હતી. તેમણે પોતાના શરીર ઉપર સ્વેટર પહેરી રાખ્યા હતાં. એનો અર્થ એવો થતો હતો કે શિયાળાથી તેમણે વસ્ત્રો પણ બદલ્યા નહોતાં. વળી તેમના ઘરમાં વીજળી નહોતી અને નળમાં પાણી નહોતું આવતું. વીજળીનું બીલ ન ભરવાને કારણે લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને સોસાયટીનું મેઇન્ટેનન્સ ન ભરવાને કારણે પાણીનું જોડાણ પણ કાપી નાખવામાં આવ્યું હતું.
આ બંને યુવતીઓને તાત્કાલીક તબીબી સારવા માટે કૈલાસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. તેઓ ભૂખમરો, ડિહાયડ્રેશન અને મલ્ટિપલ ઓર્ગન ફેઇલ્યોરનો ભોગ બની હતી. ડોક્ટરોના તમામ પ્રયાસો છતાં મોટી બહેન અનુરાધાને બચાવી શકાઈ ન હતી. તેનું હોસ્પિટલના બિછાના પર જ મોત થયું હતું. પડોશીઓ પાસેથી એટલું જાણવા મળ્યું હતું કે આ બહેનો પાસે એક પાળેલો કૂતરો હતો, જેનું પણ થોડા સમય પહેલા મોત થયું હતું.
આપણા સમાજમાં માનસિક દર્દોથી પીડાતા લોકો પ્રત્યે બિલકુલ સહાનુભૂતિ દર્શાવતા નથી અને તેમને તિરસ્કારની નજરે જુએ છે. શહેરોમાં ડિપ્રેશન વગેરે જેટલા પણ માનસિક દર્દો જોવા મળે છે તેના મૂળમાં સ્વાર્થી સજ્જનો અને એકલતા છે. એકલતાને કારણે માણસને ક્યારેક આપઘાતના વિચારો આવે છે તો ક્યારેક સ્પ્લિટ પર્સનાલિટીનો ભોગ બને છે. નોઇડાના સેક્ટર-૯માં રહેતા ઓ.પી. બહલના પરિવારમાં કુલ પાંચ સભ્યો હતા. માતાપિતા ઉપરાંત તેમનો નાનો ભાઈ પણ તેમની સાથે રહેતો હતો. ઇ.સ. ૧૯૯૨માં તેમના પિતાનું અકસ્માતમાં મોત થયું. એક વર્ષ પછી તેમની મમ્મીનું પણ અવસાન થયું. નાનાભાઈના લગ્ન થયા પણ ભાભીને બહેનો સાથે ફાવતું નહોતું એટલે તેઓ અલગ રહેવા ચાલ્યા ગયા હતા. બે બહેનોને એકલતા સાલતી હતી એટલે તેમણે એક કૂતરો પાળ્યો હતો. બે વર્ષ અગાઉ આ કૂતરાનું મોત થઈ જતા બે બહેનો એકદમ ડિપ્રેશનમાં સરકી ગઈ હતી. તેમના મનમાં એવી માન્યતા ઘર કરી ગઈ હતી કે આ ઘરમાં કોઈ અતૃપ્ત આત્મા ભટકી રહ્યો છે, જે બધાને હેરાન કરે છે તેમણે પોતાના પાડોશીઓ સમક્ષ અનેક વખત આ વાત કરી હતી, પણ તેઓ યુવતીઓને પાગલ માનીને તેમની વાત હસી કાઢતા હતા. આ કારણે બંને બહેનોએ પડોશીઓ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.
અનુરાધા અને સોનાલીએ ઉચ્ચ શિક્ષણ હાંસલ કર્યું હતું. અનુરાધા સી.એ. થઈ હતી અને તો પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતી હતી. નાની બહેન સોનાલી ગાર્મેન્ટની નિકાસ કરતી એક કંપનીના એચ. આર. ખાતામાં ઊંચા પગારની નોકરી કરતી હતી. બે વર્ષ અગાઉ આ યુવતીઓનો ભાઈ તેમને છોડીને અલગ રહેવા જતો રહ્યો તેનો તેમને બહુ આઘાત લાગ્યો હતો.
આ આઘાતમાં તેમણે પોતાની નોકરીઓ પણ છોડી દીધી હતી. આઘાતમાંથી બહાર આવા તેમણે કંપની માટે એક કૂતરો પાળ્યો હતો. આ કૂતરાને ફરાવવા માટે તેઓ સાંજના સમયે બહાર આવતી હતી અને પાર્કમાં આંટા મારતી હતી. બે વર્ષ પહેલાં તેમના કૂતરાનું મોત થયું તે પછી બંને બહેનોએ ઘરની બહાર નીકળવાનું તદ્દન બંધ કરી દીધું હતું. શરૃઆતમાં તો તેઓ હોટેલમાંથી ખાવાનું મંગાવીને ખાતા હતા, પણ છેલ્લા બે મહિનાથી તેમણે તે પણ બંધ કરી દીધું હતું. પડોશીઓ ઘણી વખત તેમના ઘરના દરવાજા ખટખટાવીન તેમની સાથે વાત કરવાની કોશિષ કરતા હતા, પણ તેઓ દરવાજો ખોલ્યા વિના જ જવાબ આપી દેતી હતી કે તેઓ મજામાં છે. ઉષા ઠાકુર નામની સમાજસેવિકાને આ વાતની જાણ થઈ ત્યારે તેણે સ્થાનિક પોલીસની મદદ લઈને આ બહેનોને બહાર લાવવાની કોશિષ કરી હતી. બહેનો દરવાજો પણ ખોલી શકે તેવી હાલતમાં ન હોવાથી મેજીસ્ટ્રેટ પાસેથી આદેશ મેળવીને પોલીસે સુથાર પાસે દરવાજો તોડાવી કાઢ્યો હતો. ઉષા ઠાકુર અને પોલીસો અંદર પ્રવેશ્યા ત્યારે મોટી બહેન અનુરાધા તો બેભાન હતી પણ નાની બહેન સોનાલી થોડી વાત કરી શકે તેવી હાલતમાં હતી.
બે બહેનોના ઘરમાં પૂરાઈ રહેવાના સમાચાર સાંભળીને તેમનો ભાઈ વિપિન બેંગ્લોરથી તેમને મળવા આવી પહોંચ્યો હતો. વિપિનના કહેવા મુજબ તેનો બહેનો સાથે કોઈ ઝઘડો નહોતો, પણ તેની પત્નીને તેમની સાથે ફાવતું ન હોવાથી તેઓ અલગ રહેવા ચાલ્યા ગયા હતા. વિપિનના કહેવા મુજબ તેણે પોતાના માતાતિાનું ઘર અને તેમની મૂડી પણ બહેનોને આપી દીધી હતી. ભાઈ- ભાભી અલગ થઈ ગયા પછી પણ આ બહેનોના તેની સાથે ફોન ઉપર ઝઘડાઓ ચાલતા હતા. આ કારણે વિપિને એક વર્ષ પહેલા બહેનો સાથેના સંબંધો સંપૂર્ણપણે કાપી નાખ્યા હતા. અને તેમની સાથે ફોન ઉપર વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. દિલ્હી આવ્યા પછી તેણે બે પૈકી એક બહેનની અંતિમક્રિયા કરવી પડશે એવી સ્વપ્ને ય કલ્પના વિપિને કરી નહોતી.
દિલ્હીના મનોવિજ્ઞાાનના પ્રોફેસર સંદીપ વોરાના જણાવ્યા મુજબ આ બહેનો 'એકસ્ટ્રીમ ઇમોશનલ વિથડ્રોવલ' નામની બીમારીનો ભોગ બની હોય તેવી સંભાવના છે. તેઓ પોતાના પિતાજીને ખૂબ પ્રેમ કરતી હશે. પિતાજીના અને માતુશ્રીના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો હશે. ભાઈ-ભાભીના ચાલ્યા જવાથી આઘાતમાં વૃદ્ધિ થઈ હશે અને તેમણે લોકોને મળવાનું બંધ કરી દીધું હશે. આ બંને બહેનો જિંદગીના નિર્ણયો લેવાની બાબતમાં માતા-પિતા ઉપર નિર્ભર હતી. ડોક્ટર સંદીપ વોરા કહે છે કે જેઓ અત્યંત અંતર્મુખ હોય તેમને જો પરિવારનો સપોર્ટ ન મળે તો તેમની સાથે પણ આવી ઘટના બની ઔશકે છે.
જૂના જમાનામાં ગામડાંમાં રહેતા લોકો એકબીજાને ઓળખતા હતા અને તેમની ચિંતા પણ કરતા હતા. શહેરોમાં ચાલીઓના કલ્ચરમાં પણ પડોશીઓની ચિંતા કરવાની આ પરંપરા જળવાઈ રહી હતી.
શહેરોમાં જ્યારથી ફ્લેટની સિસ્ટમ શરુ થઈ છે. ત્યારથી માનસિક બીમારીઓ વધી રહી છે. ફ્લેટમાં રહેતા માનવીને પોતાની પ્રાઇવસી એટલી બધી વહાલી હોય છે કે તેઓ ઇરાદાપૂર્વક કોઈની સાથે ભળતા નથી અને પોતાના ઘરમાં જ પૂરાઈ રહેવાનું પસંદ કરે છે. પછી તેઓ ફરિયાદ કરે છે કે તેમને એકલતા કોરી ખાય છે. જ્યારે આવા લોકોના જીવનમાં કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે તેઓ કોઈની મદદ કરવાની વિનંતી પણ કરી શકતા નથી. પડોશીઓ પણ તેમને પોતાના નસીબ ઉપર છોડી દે છેે. આ મનોવૃત્તિ નહી બદલાય ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓને બનતી કોઈ અટકાવી નહીં શકે.

No comments:

Post a Comment