જેપીસીની તમામ વિગતો પ્રજા સમક્ષ જાહેર કરવાની માગણી
ટેલિકોમ કૌભાંડમાં સંડોવાયેલી અમુક કંપનીઓ એટલી શક્તિશાળી છે કે તેઓ જેપીસી તો શું ભારત સરકારને પણ ખરીદી શકે તેમ છે
ટેલિકોમ કૌભાંડની તપાસ જેપીસીને સોંપાવી જોઇએ કે નહીં એ બાબતમાં કેન્દ્ર સરકાર અને વિપક્ષો વચ્ચે લાંબો ગજગ્રાહ ચાલ્યો તે પછી સરકાર છેવટે જેપીસી માટે તૈયાર થઇ ગઇ એટલે સંસદના બહિષ્કારનો અંત આવ્યો છે. વિરોધ પક્ષો દ્વારા જેપીસીની જે માગણી કરવામાં આવી તેને જાહેર જનતાનું નક્કર પીઠબળ હોવાથી જ આટલો સમય સંસદનો બહિષ્કાર ચાલ્યો ત્યારે પણ પ્રજાની સહાનુભૂતિ વિપક્ષ સાથે જ હતી. હવે જ્યારે સરકાર દ્વારા જેપીસીની રચનાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વિપક્ષો ગેલમાં આવી ગયા છે પણ જનતાને આ બાબતમાં છેતરાઇ ગયા હોવાની લાગણી થઇ રહી છે. ૨-જી કૌભાંડ બહાર આવ્યું ત્યારથી પ્રજાએ અને મિડીયાએ તેની તપાસમાં ચાવીરૃપ ભૂમિકા ભજવી છે. ભ્રષ્ટાચાર બાબતમાં પ્રજામાં ઉકળી રહેલા રોષને ધ્યાનમાં લઇને સુપ્રિમ કોર્ટે આ કૌભાંડની ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરવાની સૂચના સીબીઆઇને આપી હતી. સીબીઆઇએ પણ આ બાબતમાં પ્રસંશનીય કામગીરી બજાવીને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ મળીને ૬૩ વ્યક્તિને સાણસામાં લીધી છે. હવે જેપીસી સમક્ષ આ કેસનાં રહસ્યો ખુલ્લાં થશે. પ્રજાને ભય છે કે આ મામલામાં જો વિપક્ષો અને શાસક પક્ષ સંપી જઇને કુલડીમાં ગોળ ભાંગી લેશે તો કૌભાંડ આચરનારાઓ છટકી જશે. આ કારણે જ જેપીસીની તમામ કાર્યવાહીમાં પ્રજાને પણ ભાગીદાર બનાવવા તેની તમામ વિગતો જાહેર કરવાની માગણી તીવ્ર બની રહી છે.
સંસદીય કાર્યપ્રણાલિમાં જેપીસીને કોઇ પણ કેસની તપાસ કરવા માટે જોરદાર સત્તાઓ આપવામાં આવી છે. આ સત્તાનો ઉપયોગ કરીને જેપીસી સરકારી દસ્તાવેજોમાં ભંડારાયેલી અનેક ખાનગી વિગતો જાણી શકે છે અને આ પ્રકરણ સાથે સંકળાયેલા ચમરબંધીઓના ઇન્ટરવ્યૂ લઇને તેમની ઉલટતપાસ પણ કરી શકે છે. આ કારણે ટેલિકોમ કૌભાંડ બાબતમાં જેપીસીના હાથમાં ટનબંધ ચોંકાવનારી વિગતો આવી શકે તેમ છે. જેપીસીની બધી કાર્યવાહી ખાનગીમાં ચાલતી હોય છે. પ્રજાને તેની ક્યારેય જાણ થતી નથી. પ્રજાને તો મહિનાઓ પછી માત્ર જેપીસીનો હેવાલ સંસદમાં મૂકાયા પછી વાંચવા મળે છે. આ હેવાલમાં અમુક ચોક્કસ બાબતો ગુપ્ત રાખવામાં આવી હોય છે. માહિતી અધિકાર માટે લડત ચલાવી રહેલા કેટલાક નામાંકિત નાગરિકો માગણી કરી રહ્યા છે કે જેપીસીની તપાસ દરમિયાન આ કૌભાંડ અંગે જેટલી પણ જાણકારી હાથમાં આવે તેને પ્રજાની સમક્ષ મૂકી દેવી જોઇએ.
સીબીઆઇએ તાજેતરમાં સુપ્રિમ કોર્ટમાં દાખલ કરેલા હેવાલમાં જણાવ્યું છે કે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું મનાતા ૬૩ મહાનુભાવોની હિલચાલ ઉપર તેઓ દેખરેખ રાખી રહ્યા છે. આ ૬૩ મહાનુભાવોમાં ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ.રાજા અને તેમના સાથીદારો ઉપરાંત ૧૦ ટેલિકોમ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અથવા તેના ડાયરેક્ટરો પણ છે. કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને જણાવ્યું છે કે તેઓ આ કેસના ઝડપી નિકાલ માટે વિશેષ અદાલત રચવાની તરફેણમાં છે. હકીકતમાં કાયદા પ્રમાણે દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસને એક પત્ર લખીને વિશેષ અદાલત માટે ન્યાયાધીશની ફાળવણી કરવાની પણ વિનંતી કરી છે. સ્પેક્ટ્રમ કૌભાંડમાં અનેક ચમરબંધીઓની પણ ધરપકડ થાય તેવી સંભાવના છે. આ બધી વિગતો પ્રજા સમક્ષ મૂકવાની આવશ્યકતા છે.
કોઇપણ કૌભાંડની તપાસ માટે જ્યારે જેપીસીની રચના કરવામાં આવે ત્યારે સ્થાપિત હિતો તેનો હેવાલ પોતાની તરફેણમાં આવે તે માટે અનેક ચાલાકીઓ કરતા હોય છે. મોટા ઉદ્યોગપતિઓ તો જેપીસીના સભ્યોને ફોડવા માટે તેમને લાંચ આપવાની હદે પણ જતા હોય છે. જેપીસીમાં પણ જે સંસદસભ્યોનો સમાવેશ કરવામાં આવે તેઓ ભૂતકાળમાં અથવા વર્તમાનકાળમાં એકયા બીજા ઉદ્યોગ ગૃહ સાથે સંકળાયેલા હોય તેવું પણ બની શકે છે. તાજેતરમાં કોંગ્રેસના મનુ અભિષેક સિંઘવીએ ભૂતકાળમાં ટેલિકોમ કંપનીઓના વકીલ તરીકે કામ કર્યું હોવાને કારણે જેપીસીમાં કામ કરવાની અનિચ્છા પ્રગટ કરી છે. આ ઉપરથી ખ્યાલ આવે છે કે જેપીસીમાં પણ પડદા પાછળ અનેક રમતો રમાઇ શકે છે અને ભીનું સંકેલાઇ પણ શકે છે. આવું ન બને તે માટે પણ જેપીસીની તમામ કાર્યવાહી પારદર્શક રાખવી જોઇએ. પ્રજાને દરેક તબક્કે જેપીસીની તપાસ બાબતમાં માહિતી આપવામાં આવે તો તેમાં ગોટાળાની સંભાવનાનો છેદ ઉડી જાય છે.
જેપીસી દ્વારા અમુક વિગતો જાહેર કરવી જોઇએ કે ન કરવી જોઇએ એ બાબતમાં આપણા દેશમાં કોઇ કાયદો નથી. જેપીસીની રચના સંસદ દ્વારા કરવામાં આવે છે અને સંસદના બંને ગૃહોના નેતાઓ જેપીસીની કાર્યવાહી ઉપર દેખરેખ રાખે છે. જેપીસીની કેટલીક વિગતો જાહેર કરવી જોઇએ એ બાબતનો નિર્ણય પણ સંસદના બંને ગૃહોના અધ્યક્ષો લઇ શકે છે. જેપીસીની સામાન્ય રીતે દર અઠવાડિયે એકાદ બેઠક થતી હોય છે. આ બેઠક પછી જેપીસીના અધ્યક્ષ પત્રકાર પરિષદને સંબોધન કરતા હોય છે. તેમાં તેમને જે વિગતો જાહેર કરવી હોય તે જ પ્રજાની જાણમાં આવતી હોય છે. આ સિવાય જેપીસીના સભ્યો કેટલીક વિગતો પ્રેસ સમક્ષ લિક કરતા હોય છે. તેમાં પણ તેમનો સ્વાર્થ રહેલો હોય છે. આ રીતે જેપીસીમાં હકીકતમાં શું રંધાઇ રહ્યું છે તેની ખરી વિગતો પ્રજા સમક્ષ પહોંચતી જ નથી. જો જેપીસીની તમામ વિગતો જાહેર કરવાનું નક્કી કરવામાં આવે તો તેમાં સ્થાપિત હિતો દ્વારા થતી ઘાલમેલ અટકી શકે તેમ છે.
ભાજપના અદ્યક્ષ નીતિન ગડકરીએ તાજેતરમાં આક્ષેપ કર્યો છે કે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાને બલિના બકરા બનાવામાં આવી રહ્યા છે અને સરકાર અસલી ગુનેગારોને છાવરી રહી છે. ગડકરીના આક્ષેપ મુજબ ૨-જી સ્પેક્ટ્રમની હરાજી કરવાને બદલે વહેલો તે પહેલોના ધોરણે ફાળવણી કરવાનો નિર્ણય કેન્દ્રની કેબિનેટે લીધો હતો અને તે માટે વડાપ્રધાન જવાબદાર હતા. હકીકતમાં સ્પેક્ટ્રમની ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે કરવાની નીતિ એનડીએના શાસન કાળમાં ઘડવામાં આવી હતી, જ્યારે અટલબિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા. જેપીસીને ઇ.સ. ૧૯૯૮ પછી સ્પેક્ટ્રમની ફાળવણીની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમાં એનડીએના શાસનમાં અને ખાસ કરીને સ્વ. પ્રમોદ મહાજન ટેલિકોમ પ્રધાન હતા ત્યારના કૌભાંડો પણ બહાર આવવાની સંભાવના છે. આ પરિસ્થિતિમાં રાજકીય પક્ષો સંપી જાય અને પડદા પાછળ કોઇ સોદાબાજી કરી લે તેવું બની શકે છે. આવું ન બને તે માટે જેપીસીની તપાસની રજેરજની વિગતો જાહેર કરવાની માગણી રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના કાર્યકર અરવિંદ કેજરીવાલે કરી છે.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંડોવાયેલા તમામ પક્ષો કાંઇક છૂપાવવા માંગે છે. નીરા રાડિયાની રતન ટાટા સાથેની વાતચીતની ટેપ જાહેર થઇ ગઇ ત્યારે રતન ટાટા એટલા અકળાઇ ગયા હતા કે આ ટેપને પ્રસિધ્ધ થતી અટકાવવા તેમણે સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હવે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડનો ખટલો શરૃ થવાની ઘડીઓ ગણાઇ રહી છે ત્યારે રતન ટાટાના વકીલ હરીશ સાલવેએ અદાલતને વિનંતી કરી છે કે આ ખટલો બંધબારણે ચલાવવામાં આવે. હરીશ સાલવેએ સુપ્રિમ કોર્ટને સ્પષ્ટ જણાવ્યું હતું કે અરજદારના વકીલ પ્રશાંતભૂષણ અદાલત સમક્ષ કેટલીક સંવેદનશીલ બાબતો જાહેર કરી દેશે એવો તેમને ભય છે. હરીશ સાલવેનો ઇસારો સ્વાભાવિક રીતે જ નીરા રાડિયાની ટેપ તરફ હતો. આ ટેપમાં એવી કઇ વિગતો છે કે જાહેર થવાનો રતન ટાટાને ભય છે ? આ વિગતો જેપીસી સમક્ષ પણ આવવાની છે. દેશની નૈસર્ગિક સંપત્તિના વહીવટ બાબતની તમામ બાબતો પ્રજા સમક્ષ જાહેર થવી જ જોઇએ.
સીબીઆઇએ સુપ્રિમ કોર્ટને જણાવ્યું છે કે તેઓ ૧૦ ટેલિકોમ કંપનીઓની ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંડોવણી બાબતમાં તપાસ કરી રહ્યા છે. સીબીઆઇએ અદાલતને કોઇ નામો નથી આપ્યાં પણ તેણે અત્યાર સુધીમાં સ્વાન, યુનિટેક, રિલાયન્સ કોમ્યુનિકેશન, ટાટા ટેલિસર્વિસીસ, લૂપ, ડેટાકોમ(વિડીયોકોન), એસ ટેલ, સિસ્ટેમા, શ્યામ અને એસ્સાર જેવી ધરખમ કંપનીઓની સ્પેક્ટ્રમ કૌભાંડમાં સંડોવણી બાબતમાં તપાસ કરી છે તે જગજાહેર બાબત છે. આમાંની અમુક કંપનીઓ એટલી પાવરફુલ છે કે માત્ર જેપીસીને જ નહીં પણ સમગ્ર ભારત સરકારને તેઓ ખરીદી શકે તેમ છે. હકીકતમાં ભારત સરકાર તેમના ગજવામાં હતી એટલે જ આ કંપનીઓ આટલું મોટું કૌભાંડ આચરી શકી હતી. આ કંપનીઓ પોતાની ઇજ્જત બચાવવા જેપીસીને ફોડી નહીં નાંખે તેની કોઇ ગેરન્ટી નથી. આવી ગેરન્ટી ત્યારે જ મળે જ્યારે જેપીસીની તમામ કાર્યવાહીની રજેરજની વિગતો નિયમિત ધોરણે જાહેર કરવામાં આવતી હોય. બીજા શબ્દોમાં પ્રજાના બિનરાજકીય પ્રતિનિધિ જેપીસીની કાર્યવાહીનું મોનિટરિંગ કરતા હશે તો જ જેપીસી સત્ય સુધી પહોંચી શકશે.
ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે એવો દાવો કરવામાં આવે છે. ભારતમાં જો ખરેખર પ્રજાનું શાસન ચાલતું હોય તો કોઇ વાત પ્રજાથી છૂપાવી રાખવાની જરૃર નથી. પ્રજાતંત્ર માટે લડત જાગૃત નાગરિકોના પુરુષાર્થને કારણે જ ભારતમાં નાગરિકોને સત્ય જાણવાની શક્તિ અપાવતો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નામનો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાના દાયરામાં સીબીઆઇ જેવી એજન્સીઓ અને જેપીસીને પણ આવરી લેવી જોઇએ. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ મળીને આપણા દેશને કેવી રીતે લૂંટયો છે તેની જાણ પ્રજાને થવી જોઇએ અને આ બાબતમાં પ્રજા જે ચુકાદો આપે તેને પ્રજાની સેવા કરવાનો દાવો કરતી સરકારે પણ માથે ચડાવવો જોઇએ.
-sanjay vora
No comments:
Post a Comment