Thursday, March 10, 2011

હસન અલી ખાન સામે પગલાં ભરતાં સરકાર કેમ ગભરાય છે ?


સ્વીસ બેન્કમાં હસન અલીના ખાતામાં જમા કરાવવામાં આવેલા આઠ અબજ ડોલરનું રહસ્ય જ્યારે પણ છતું થશે ત્યારે આપણા દેશમાં રાજકીય ભૂકંપ થશે
આપણી સરકાર પોતે ભ્રષ્ટાચારમાં એટલી ડૂબી ગઈ છે કે દેશના દુશ્મનો સામે કડક હાથે કામ લેવાની નૈતિક હિંમત તેનામાં રહી નથી. પુણેમાં રહેતા ઘોડાના તબેલાના માલિક હસન અલી ખાન પાસે સ્વીસ બેન્કનાં ગુપ્ત ખાતાંમાં આઠ અબજ ડોલર જેવી જંગી રકમ મળી આવી તે પછી પણ આપણી સરકારે કોઈ ભેદી કારણોસર હસન અલી ખાનની ધરપકડ કરી નહોતી. સુપ્રિમ કોર્ટે આ બાબતમાં કેન્દ્ર સરકારનો વારંવાર ઉધડો લીધો અને હસન અલી ખાનની ધરપકડ કરવાનું અલ્ટીમેટમ આપ્યું તે પછી કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે સોમવારે હસન અલી ખાનની ધરપકડ કરી છે. હલન અલી ખાન પાસે આઠ અબજ ડોલર તબેલાના ધંધામાંથી નથી આવ્યા એ સમજી શકાય તેવી બાબત છે. તે શસ્ત્રોના સોદાગરો અને હવાલાના વેપારીઓ સાથે પણ સંડોવાયેલો છે. તેમ છતાં કેન્દ્ર સરકારે તેની સામે અત્યાર સુધી માત્ર ઇન્કમ ટેક્સની ચોરીનો જ કેસ દાખલ કર્યો હતો. હવે સુપ્રિમ કોર્ટની દરમિયાનગીરીના પ્રતાપે હસન અલી ખાન સામે શસ્ત્રોની દલાલી, ત્રાસવાદીઓને નાણાં પહોંચાડવા અને કાળાં નાણાંને ધોળા કરવા બાબતના કેસો દાખલ કરવામાં આવશે.
સત્તાવાર રીતે ઘોડાઓ ખરીદીને વેચવાનો ધંધો કરતાં હસન અલી ખાન પાસે સ્વીસ બેન્કમાં જમા કરાવવામાં આવેલા આઠ અબજ ડોલર (આશરે ૩૬,૦૦૦ કરોડ રૃપિયા) કેવી રીતે આવ્યા તે એક ભેદી કોયડો છે. ઈન્કમ ટેક્સ વિભાગે તેની પાસે આવકવેરા પેટે ૫૦,૦૦૦ કરોડ રૃપિયાની ઉઘરાણી કરી છે. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં હસન અલી ખાન મોટામાં મોટો ટેક્સ ડિફોલ્ટર બન્યો છે. હલન અલી ખાન એવો દાવો કરે છે કે તે માત્ર ભંગારનો વેપારી છે અને તેની વાર્ષિક આવક ૩૦ લાખ રૃપિયા છે. હસન અલી ખાન જે રીતે પુણેમાં અને મુંબઈમાં આલિશાન પાર્ટીઓ આપે છે, લક્ઝરી કારો ધરાવે છે અને ભારતનાં લગભગ તમામ મુખ્ય શહેરોમાં સ્થાવર મિલકતો ધરાવે છે તે જોતાં તેની આવકનો કોઈ ભેદી સ્ત્રોત હોવો જ જોઈએ.
હસન અલી ખાન મૂળ હૈદરાબાદનો છે. તેના પિતા એક્સાઈઝ ખાતામાં ઓફિસર હતા. હૈદરાબાદમાં રહીને હસન અલી ખાન એવો દાવો કરતો હતો કે તે નિઝામનો વારસદાર છે. આમ કહીને તેણે અનેક સાથે છેતરપિંડી કરી હતી. હૈદરાબાદમાં તે એન્ટીકની દાણચોરીનો ધંધો પણ કરતો હતો. તેણે પોતાની ફાઈનાન્સ કંપની પણ શરૃ કરી હતી. પુણેમાં રહેવા આવ્યા પછી તેણે ઘોડાઓની રેસના જુગારમાં ઝંપલાવી દીધું હતું. હસન અલી ખાનની પ્રથમ પત્નીનું નામ મહેબૂબનીસા હતું. ઈ.સ. ૧૯૯૯માં તેણે પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા પછી વર્તમાન પત્ની રીમા સાથે નિકાહ કર્યા હતાં. મહેબૂબનીસા અત્યારે હસન અલીના બે પુત્રો સાથે હૈદરાબાદના પોસ બનઝારા હિલ્સ વિસ્તારમાં રહે છે. હસન અલી ખાને હૈદરાબાદ છોડયું તેના માટે તેના ઉપર થયેલા પોલીસ કેસો જવાબદાર છે.
ઈ.સ. ૨૦૦૭ના માર્ચ મહિનામાં હૈદરાબાદના પોલીસ કમિશનર બલવિંદર સિંહે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને જાહેર કર્યું હતું કે હસન અલી ખાન સામે બેન્ક ઠગાઇ કરવાના બે કેસો, છેતરપિંડીના ચાર કેસો અને એક ડૉક્ટર ઉપર એસિડ વડે હુમલો કરવાનો કેસ પેન્ડીંગ છે. ઈ.સ. ૧૯૯૦ની સાલમાં સ્ટેટ બેન્કની ચારમિનાર બ્રાન્ચના મેનેજરે ફરિયાદ કરી હતી કે હસન અલીએ બેન્કમાંથી ૨૬ લાખ રૃપિયા ખોટી રીતે ઉપાડી લીધા છે. હલન અલી ખાને ત્રણ વખતમાં આ રૃપિયા પોતાના ખાતામાંથી ઉપાડયા હતા. તેની સામે હસન અલીએ બેન્કમાં જે ચેકો જમા કરાવ્યા હતા તે બાઉન્સ થયા હતા. હસન અલીએ ગ્રિન્ડલેઝ બેન્ક સાથે પણ આ જ પ્રકારે ઠગાઇ કરી હતી. ઈ.સ. ૧૯૯૧માં કેન્દ્ર સરકારે વિદેશી હૂંડિયામણ ભારતમાં મંગાવવા માટે માફી યોજના જાહેર કરી હતી. ભારતના ચાર નાગરિકોએ હસન અલી ખાનનો સંપર્ક કર્યો હતો. હસન અલી ખાને તેમને રૃપિયાના બદલામાં ડોલરના મની ઓર્ડર અપાવવાનું વચન આપીને ઠગાઇ કરી હતી. હસન અલી ખાને તેમની પાસેથી આશરે ૬૦ લાખ રૃપિયા એકઠા કરીને તેના બદલામાં ડોલરના નકલી ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યા હતા. હૈદરાબાદની પોલીસે હસન અલી ખાનની ઈ.સ. ૧૯૯૧માં અને ૧૯૯૨માં બે વખત ઠગાઈના કેસોમાં ધરપકડ કરી હતી. ઈ.સ. ૧૯૯૧માં તે ટોરન્ટો નાસી ગયો ત્યારે હૈદરાબાદની પોલીસે ઇન્ટરપોલની મદદથી હસન અલીની ધરપકડ કરી હતી.
હસન અલી ખાનનો સંબંધ શસ્ત્રોના આંતરરાષ્ટ્રીય સોદાગર અદનાન ખાશોગ્ગી સાથે પણ છે. અદનાન ખાશોગ્ગી ત્રાસવાદીઓને શસ્ત્રો વેચવા માટે કુખ્યાત છે. અદનાન ખાશોગ્ગીએ પોતાના ન્યુ યોર્કની ચેઝ મેનહનટન બેન્કનાં ખાતાંમાંથી ૩૦ કરોડ ડોલર (આશરે ૧,૪૦૦ કરોડ રૃપિયા) હસન અલીના ઝ્યુરિચની યુબીએસ બેન્કનાં ખાતાંમાં ટ્રાન્સફર કર્યા હતા. સ્વીસ બેન્કના સત્તાવાળાઓને કોઈએ ફરિયાદ કરી હતી કે આ નાણાં ત્રાસવાદીઓને શસ્ત્રો વેચવા દ્વારા મેળવવામાં આવ્યા છે. સ્વિટ્ઝર્લેન્ડના કાયદાઓ મુજબ આવાં નાણાં બેન્કમાં જમા કરાવી શકાતા નથી. સ્વીસ બેન્કે હસન અલી ખાનનાં ખાતાંમાં રહેલા ૩૦ કરોડ ડોલર ફ્રીઝ કરી દીધા હતા.
જોકે હસન અલી ખાનનાં યુબીએસ બેન્કનાં ખાતાંમાં ઈ.સ. ૨૦૦૭ની સાલમાં બીજા આઠ અબજ ડોલર મળી આવ્યા હતા. ઈન્કમ ટેક્સ ખાતાંઓ હસન અલી ખાનના પુણેના ઘર ઉપર દરોડો પાડયો ત્યારે એક લેપટોપમાંથી તેમને આ ખાતાંની વિગતો મળી આવી હતી. કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ખાતાંએ આ સનસનાટીભર્યા કેસની તપાસ હાથ ધરી હતી. તેમ છતાં હસન અલી ખાન સામે કોઈ પગલાં લેવામાં નહોતા આવ્યાં. આ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ખાતાંના બે અધિકારીઓની બદલી કરી નાંખવામાં આવી હતી અને તેની સામેની તપાસને ઢીલી પાડી દેવામાં આવી હતી. આ ઘટનાક્રમ ઉપરથી પાકી શંકા જાય છે કે હસન અલી ખાન પાસે જે નાણાં છે તેના પોતાનાં નથી પણ કોઇ વગદાર રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ પોતાની બે નંબરની કમાણી હવાલા દ્વારા વિદેશ મોકલવા માટે હસન અલી ખાનનો ઉપયોગ કરી રહ્યા છે. આ રાજકારણીઓ જ અત્યાર સુધી હસન અલી ખાનને બચાવતા આવ્યા છે.
હસન અલી ખાનના શસ્ત્રોના સોદાગર અદનાન ખાશોગ્ગી સાથેના ધંધાદારી સંબંધોની વાત બહાર આવ્યા પછી પણ ભારતના એન્ફોર્સમેન્ટ ખાતાંએ હસન અલી ખાનની સામે કોઈ કેસ દાખલ કરવાનું કે તેની ધરપકડ કરવાનું ટાળ્યું હતું. અદનાન ખાશોગ્ગી વિવાદાસ્પદ તાંત્રિક ચંદ્રાસ્વામી સાથે પણ સંકળાયેલો છે. ચંદ્રાસ્વામીએ ખાશોગ્ગીની ઓળખાણ ભારતના કેટલાક રાજકારણીઓ સાથે પણ કરાવી આપી હતી. ઈ.સ. ૨૦૦૮ની ૩૧મી ડિસેમ્બરે હસન અલી ખાનને એક નોટિસ મોકલીને તેની પાસે ૫૦,૦૦૦ કરોડ રૃપિયાના આવકવેરાની માગણી કરી હતી. દેખીતી રીતે જ આ માંગણી સ્વીસ બેન્કમાં પડેલા આઠ અબજ ડોલરના સંદર્ભે કરવામાં આવી હતી.
આ ખાતાંની વધુ વિગતો મેળવવા સ્વીસ સત્તાવાળાઓને લેટર રોગેટરી મોકલવામાં આવ્યો હતો. સ્વીસ સત્તાવાળાઓએ માહિતી આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે તેમના દેશમાં ઇન્કમ ટેક્સની ચોરીને ફોજદારી ગુનો માનવામાં આવતો ન હોવાથી તેઓ માહિતી આપી શકે તેમ નથી.
સુપ્રિમ કોર્ટ સમક્ષ જ્યારે હસન અલી ખાનના કેસની સુનાવણી આવી ત્યારે તેણે આઠમી માર્ચ સુધીમાં કેન્દ્ર સરકારને તે હસન અલી ખાન સામે શું પગલાં લેવા ધારે છે તે જણાવવાનું કહ્યું હતું. આ ડેડલાઈન પૂરી થવાની પૂર્વસંધ્યાએ જ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હસન અલી ખાનની ધરપકડ કરવામાં આવી હતી. હસન અલી ખાનની ધરપકડ પછી પણ તે જે કોઈ રાજકારણીઓ સાથે સંડોવાયો હોય તેમને બચાવવાની જ ચાલાકી કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે શોધી કાઢ્યું છે કે હસન અલી ખાન ભૂતકાળમાં કોલકાતાના કાશીનાથ ટાપોરિયા સાથે ભાગીદારીમાં ધંધો કરતો હતો. આ જાણકારીના આધારે ટાપોરિયાના ઘર તેમ જ ઓફિસ ઉપર દરોડાઓ પાડવામાં આવ્યા છે. જોકે ટાપોરિયાએ હસન અલી સાથે કોઈ ભાગીદારી હોવાનો ઈનકાર કર્યો છે. દિલ્હીના હોટેલ માલિક ફિલીપ આનંદ રાજ સાથે પણ હસન અલી ખાનના સંબંધો હોવાનું કહેવાય છે. તેમની પણ પૂછપરછ ચાલી રહી છે.
આઠ અબજ ડોલરનો માલિક બની બેઠેલા હસન અલી ખાન પાસે આટલી સંપત્તિ કેવી રીતે આવી તેની જાણ ભારતની જાસૂસી સંસ્થાઓને અને તપાસ સંસ્થાઓને ન હોય તે શક્ય જ નથી. હસન અલી આ જાણકારી સરકારને આપી જ ચૂક્યો હશે. આ જાણકારી એટલી વિસ્ફોટક છે કે તેને પ્રજા સમક્ષ જાહેર કરવામાં આવે તો અનેક મોટા નેતાઓની પોલ ખૂલી જાય તેમ છે.
આપણા રાજકારણીઓ શસ્ત્રોની ખરીદીમાં અબજો રૃપિયાની કટકી કરતા આવ્યા છે તે જાણીતી હકીકત છે. આવી જ કટકીની રકમ રાજકારણીને આપવા માટે હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતામાં જમા કરાવવામાં આવી હશે. આ રાજકારણી સ્વાભાવિક રીતે જ સત્તાધારી પક્ષનો અથવા તેના સહયોગી પક્ષનો હશે.
અત્યારે એન્ફોર્સમેન્ટ ખાતાં દ્વારા જે કવાયત ચાલી રહી છે તે આ કેસમાં સત્ય શોધી કાઢવાની નહીં પણ સત્યને ભોંયમાં ભંડારી દેવાની કવાયત છે. કદાચ આ બાબતમાં રાજકીય પક્ષો વચ્ચે બંધબારણે સોદાબાજીઓ પણ ચાલી રહી છે.
સુપ્રિમ કોર્ટને સરકારની આ ચાલબાજીની ગંધ આવી ગઈ છે, એટલે જ તે અંગત રસ લઈને આ કેસની પાછળ પડી છે. આ કેસમાં જ્યારે પણ સત્ય બહાર આવશે ત્યારે દેશમાં રાજકીય ભૂકંપ થશે. સુપ્રિમ કોર્ટની આ દરમિયાનગીરી આપણને હસન અલી કેસમાં સત્ય સુધી લઈ જશે એવી આશા રાખીએ.
-સંજય વોરા

No comments:

Post a Comment