Monday, March 7, 2011


સુપ્રિમે જેમની નિમણૂક રદ કરી હોય તેવા પહેલા CVC થોમસ

ચીફ વિજીલન્સ કમિશનરના હોદ્દા ઉપર જે સરકારી નોકર ન હોય તેવા ઇમાનદાર અને કાર્યક્ષમ નાગરિકની નિમણુંક કરવી જોઇએ
'ભારતની ૧૧૦ કરોડની વસતિમાંથી તમને એક ઇમાનદાર માણસ ન મળ્યો, જેને તમે દેશના ચીફ વિજીલન્સ કમિશનર બનાવી શકો?' આ સવાલ દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પૂછીને ચીફ વિજીલન્સ કમિશનર બનાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપી પી. જે. થોમસની નિમણુંકને ગેરકાયદે ઠરાવી હતી. સુપ્રિમ કોર્ટને જેમની નિમણુંક રદ્દ કરી હોય તેવા દેશના પહેલવહેલા સીવીસી પી.જે. થોમસ બન્યા છે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાને કારણે કેન્દ્ર સરકારનું નાક કપાયું છે. ૬૦ વર્ષના પી. જે. થોમસ ઉપર ૧,૫૦૦ ટન પામોલિનની ગેરકાયદે આયાત મલેશિયાથી કરવામાં ભ્રષ્ટાચાર આચરવાનો કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં થોમસ હજી નિર્દોષ જાહેર થયા નથી. સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે થોમસ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત નથી થતાં પણ તેમની નિમણુંક કરનાર સરકાર દોષિત સાબિત થાય છે.
ગયાં વર્ષના સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્ર સરકારની ત્રણ સભ્યોની સમિતિએ દેશના ૧૪મા ચીફ વિજીલન્સ કમિશનર તરીકે પી. જે. થોમસની નિમણુંક કરી ત્યારથી વિવાદો તેમની પાછળ પડયા છે. ચીફ વિજીલન્સ કમિશરની ફરજ દેશના તમામ સરકારી ખાતાંઓમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર ઉપર દેખરેખ રાખવાની અને તેને નાબુદ કરવાની છે. જે રીતે અન્ય ક્ષેત્રમાં કરવામાં આવેલાં પાપો તીર્થક્ષેત્રમાં ધોવાઇ જાય છે તેમ દેશના સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ધોઇ નાંખવાનું કામ ચીફ વિજીલન્સ કરમિશનર કરે છે. સીબીઆઇ જેવી ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ પણ તેમના જ માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે. જેમ તીર્થક્ષેત્રમાં કરવામાં આવેલાં પાપ વજ્રલેપ જેવાં બને છે તેમ જો ચીફ વિજીલન્સ કમિશનર પોતે ભ્રષ્ટાચારી હોય તો તે પ્રજાતંત્રના ભ્રષ્ટાચારને દૂર કરી શકતો નથી. જો ચીફ વિજીલન્સ કમિશનર પોતે સ્વચ્છ હોય તો તે ભ્રષ્ટાચારી સરકારી નોકરો અને પ્રધાનો માટે કાળ બની જાય છે. સરકારનાં બીજા ખાતાંઓમાં હજી ભ્રષ્ટાચારી અમલદાર ચલાવી લેવાય; પણ ચીફ વિજીલન્સ કમિશનર તો ભ્રષ્ટાચારી ન જ હોવા જોઇએ.
ચીફ વિજીલન્સ કમિશનરના હોદ્દા ઉપરથી નામોશીભરી પરિસ્થિતિમાં રાજીનામું આપનારા પી. જી. થોમસ કેરળ કેડરના ઇ.સ. ૧૯૭૩ના બેચના આઇએએસ ઓફિસર છે. ઇ.સ. ૧૯૯૨ની સાલમાં તેઓ કેરળના અન્ન અને નાગરિક પુરવઠા ખાતાના સેક્રેટરી હતા ત્યારે સરકારે મલેશિયાથી ૧,૫૦૦ ટન પામોલીન તેલની આયાત કરી હતી. આ સોદામાં આચરવામાં આવેલા ભ્રષ્ટાચારને કારણે રાજ્યની તિજોરીને ૨.૦૯ કરોડ રૃપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં કુલ આઠ આરોપીઓમાં થોમસનો પણ સમાવેશ થતો હતો. ઇ.સ. ૨૦૦૫માં કેરળની કોંગ્રેસી મોરચાની સરકારે આ કેસનો પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો પણ તેની કાનૂની વિધિ પૂરી થાય તે પહેલાં જ રાજ્યમાં ઇ.સ. ૨૦૦૬ની સાલમાં ચૂંટણીઓ આવી અને ડાબેરી મોરચાની સરકાર આવી હતી. ડાબેરી મોરચાની સરકારે થોમસને રાજ્યના ચીફ સેક્રેટરી બનાવ્યા હતા. ઇ.સ. ૨૦૦૯ના જાન્યુઆરીમાં તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર ગયા હતા. ટેલિકોમ કૌભાંડ ચાલી રહ્યું હતું એ દરમિયાન તેઓ ટેલિકોમ સેક્રેટરી બન્યા હતા. આ કારણે તેઓ ટેલિકોમ કૌભાંડમાં પણ ખરડાયેલા છે.
ભારતના ચીફ વિજીલન્સ કમિશનર તરીકે પી. જે. થોમસની નિમણુક જ વિવાદોથી ઘેરાયેલી હતી. સીવીસીની નિમણુંક કરવા માટે જે ત્રણ સભ્યોની સમિતિ હોય છે તેમાં વડાપ્રધાન અને ગૃહપ્રધાન ઉપરાંત લોકસભામાં વિપક્ષના નેતા પણ સામેલ હોય છે. પી. જે. થોમસની નિમણુંક સીવીસી તરીકે કરવાની દરખાસ્ત સમિતિ પાસે આવી હતી ત્યારે વડાપ્રધાન ડો. મનમોહનસિંહે અને ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે તેને ટેકો આપ્યો હતો પણ વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજે તેનો વિરોધ કર્યો હતો. આ સમયે સમિતિ સમક્ષ પી. જે. થોમસ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની તમામ વિગતો મૂકવામાં આવી હતી. તેની અવગણના કરીને સમિતિએ બહુમતીથી થોમસની નિમણુંક સીવીસી તરીકે કરવાનો નિર્ણય કરી લીધો ત્યારે સુષ્મા સ્વરાજે રાષ્ટ્રપતિને મળીને પોતાના વિરોધની નોંધ કરાવી હતી. સીવીસીની નિમણુંકને જ્યારે સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી ત્યારે સરકારે જૂઠું સોગંદનામુ દાખલ કર્યું હતું કે તેમને પી. જે. થોમસ સામે કેરળની હાઇ કોર્ટમાં ચાલી રહેલા પામોલીન તેલની આયાતસંબંધી ભ્રષ્ટાચારના કેસની માહિતી જ નહોતી.
ચીફ વિજીલન્સ કમિશનર તરીકે પી. જે. થોમસની નિમણુંકનો મુદ્દો યુ.પી.એ. સરકાર માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગયો હતો. પી. જે. થોમસની નિમણુંકને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી અને સુપ્રિમ કોર્ટે તેમની સામે આકરી ટિપ્પણી કરી ત્યારે જ થોમસે રાજીનામું આપી દેવાની જરૃર હતી. તેને બદલે તેઓ પોતાની ખુરશી ઉપર ચિટકી રહ્યા હતા અને પોતાનો બચાવ કરતા રહ્યા હતા. એક તબક્કે તો તેમણે સુપ્રિમ કોર્ટને ત્યાં સુધી કહ્યું હતું કે ''દેશના ૩૦ ટકા સંસદસભ્યો ઉપર ફોજદારી કેસો ચાલી રહ્યા છે, તેમને તમે કેમ રાજીનામું આપવાનું નથી કહેતાં?'' થોમસની આ દલીલ ચોર કોટવાળને દંડે એવી હતી. સુપ્રિમ કોર્ટના કેસમાં પણ કેન્દ્ર સરકારે થોસમને બચાવી લેવાની તમામ કોશિષો કરી હતી તેમ છતાં સુપ્રિમ કોર્ટે સીવીસીની નિમણુંકને રદ્દ કરીને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
આપણા લોકતંત્રમાં એવા અમુક હોદ્દાઓ છે જે ભ્રષ્ટાચારથી પર જ હોય તેમ માની લેવુ જોઇએ. આ હોદ્દાઓમાં ભારતના રાષ્ટ્રપતિ, ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, સૈન્યની ત્રણેય પાંખના વડાઓ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ, ચીફ વિજીલન્સ કમિશનર, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વગેરે આવે છે. આપણા દેશમાં ઇમાનદાર અને સક્ષમ નાગરિકોની ગમે તેટલી અછત હોય તો પણ સરકારે આ હોદ્દાઓ ઉપર જેમનું ચારિત્ર્ય નિષ્કલંક હોય તેવી વ્યક્તિઓની નિમણુંક જ કરવી જોઇએ. સીવીસી થોમસના કેસમાં સુપ્રિમ કોર્ટે બહુ સુચક ટિપ્પણ કરતાં કહ્યું છે કે ''સીવીસીના હોદ્દા ઉપર તો ઇમાનદાર વ્યક્તિ જ હોવી જોઇએ. સીવીસી સરકારી નોકરીમાંથી આવતા હોય તેવું બિલકુલ જરૃરી નથી. અન્ય ક્ષેત્રની ઇમાનદાર વ્યક્તિને પણ સીવીસી બનાવવાની બાબતમાં વિચારવું જોઇએ.''
સરકારે હવે જો ખરેખર ઇમાનદાર અને કર્તવ્યનિષ્ઠ માણસો જોઇતા હશે તો તેણે સરકારી નોકરીની બહાર જ નજર દોડાવવી પડશે. આજના મોટા ભાગના સરકારી કર્મચારીઓક્યાં તો પોતે ભ્રષ્ટાચારી હોય છે અથવા પ્રધાનોના ભ્રષ્ટાચારમાં પક્ષકાર હોય છે. સરકારમાં જે થોડા ઘણા ઇમાનદાર કર્મચારીઓ હોય છે તેઓ હતાશ થઇ જાય છે, કારણ કે સરકાર તરફથી તેમની ક્યારેય તરફેણ કરવામાં આવતી નથી. ભ્રષ્ટાચારી પ્રધાનોને એવા જ અધિકારીઓ ખપે છે, જેઓ તેમના ભ્રષ્ટાચારમાં સામેલ થવા તૈયાર હોય. સીવીસી તરીકે પણ ભ્રષ્ટ અધિકારીની નિમણુંક કરવા પાછળ પણ આ જ પ્રકારનું લોજીક કામ કરી રહ્યું છે. સીવીસી પોતે જો ભ્રષ્ટાચારી હોય તો દેશના તમામ ભ્રષ્ટાચારી પ્રધાનો અને અધિકારીઓ નિર્ભય બનીને ભ્રષ્ટાચાર આચરી શકે છે.
તાજેતરમાં ભારતમાં ભ્રષ્ટાચારના વિરોધમાં અભૂતપૂર્વ લોકજુવાળ પેદા થઇ રહ્યો છે. સ્વામી રામદેવની ભ્રષ્ટાચાર વિરોધી સભાઓમાં લાખો લોકો ઉમટી રહ્યા છે અને ભ્રષ્ટાચારી નેતાઓને સીધા કરવાના સોગંદ લઇ રહ્યા છે. સુપ્રિમ કોર્ટના વર્તમાન ચીફ જસ્ટિસ સરોશ કાપડિયા પણ ભ્રષ્ટાચારના કેસોમાં અત્યંત કડક વલણ અપનાવી રહ્યા છે. આ કારણે જ ટેલિકોમ અને કોમનવેલ્થ ગેમ્સ જેવા કૌભાંડોમાં સુપ્રિમ કોર્ટના સીધા માર્ગદર્શન હેઠળ સીબીઆઇ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. કેન્દ્ર સરકાર ઉપર જેમ સીવીસીની નિમણુંકમાં ભ્રષ્ટાચારીની તરફેણ કરવાનો આક્ષેપ કરવામાં આવતો હતો તેમ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે ભારતના ભૂતપૂર્વ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણની નિમણુંક બાબતમાં પણ વિવાદ પેદા થયો છે.કે. જી. બાલકૃષ્ણ જ્યારે ભારતના ચીફ જસ્ટીસ હતા ત્યારે તેમણે જજોની સંપત્તિ જાહેર કરવાના સૂચનનો પોતાની તમામ તાકાતથી વિરોધ કર્યો હતો. હવે તેમના સગાઓ દ્વારા કરોડો રૃપિયાનું કાળુ નાણું ભેગું કરાયું હોવાની વિગતો બહાર આવી રહી છે. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પોતે પોતાના ઇન્કમ ટેક્સના રિટર્નની વિગતો જાહેર કરવાનો પણ ઇનકાર કરી રહ્યા છે. તેમના ઉપર પણ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષપદેથી રાજીનામુ આપવા માટે દબાણ વધી રહ્યું છે. તેમના હાલ પણ સીવીસી પી. જે. થોમસ જેવા થશે તેવું મનાઇ રહ્યું છે.
ભારતનું પ્રજાતંત્ર બરાબર ચાલે અને દેશને સ્વચ્છ તેમજ કાર્યક્ષમ વહીવટ મળે તે માટે આપણા બંધારણના ઘડવૈયાઓ દ્વારા સરકારના ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ રાખવા કેટલીક શક્તિશાળી સંસ્થાઓને રચના કરી હતી. જે સરકાર સ્વયં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપતી હોય તેને આ બધી શક્તિશાળી સંસ્થાઓ આંખના કણાંની જેમ ખૂંચે તે સ્વાભાવિક છે. આ સંસ્થાઓની નબળી પાડવા જ સરકાર દ્વારા તેમાં એવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે છે જેઓ સરકારના ભ્રષ્ટાચાર પ્રત્યે આંખ આડા કાન કરવા તૈયાર હોય. સીવીસી પી. જે. થોમસને ગેરલાયક ઠરાવતા ચુકાદા દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે આ પ્રકારનો અભિગમ ચલાવી લેવામાં નહીં આવે. સુપ્રિમ કોર્ટના આ સંકેતને પારખીને સરકારે ભ્રષ્ટાચારને નાબુદ કરવા સક્રિય બનાવવાની જરૃર છે.
-sanjay vora

No comments:

Post a Comment