Tuesday, March 15, 2011

ભારતના એટમિક પાવર પ્લાન્ટ ટાઈમ બોમ્બ જેવા ખતરનાક છે


ઈ.સ. ૧૯૯૫ અને ૧૯૯૮ વચ્ચે ભારતના એટમિક પાવર પ્લાન્ટોમાં ૧૪૭ નાનામોટા અકસ્માતોની માહિતી સંસદને આપવામાં આવી હતી

જપાનના ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં થયેલા બે ધડાકાઓને કારણે ભારતના લોકોનો વિશ્વાસ એટમિક પાવર પ્લાન્ટની સલામતીમાંથી ઉઠી ગયો છે. અમેરિકા સાથેના ઐતિહાસિક અણુ કરાર પછી ભારત અણુ ઉર્જાના ક્ષેત્રમાં મોટી હરણફાળ ભરવાની તૈયારી કરી રહ્યું હતું. ઈ.સ. ૨૦૩૦ની સાલ સુધીમાં ભારતે અણુ વીજળીના પ્લાન્ટો ખરીદવા પાછળ ૧૭૫ અબજ ડોલરનું રોકાણ કરવાની તૈયારી કરી લીધી હતી. ફ્રાન્સની અરેવા અને અમેરિકાની જીઈ જેવી કંપનીઓને અબજો રૃપિયાના ઓર્ડરો પણ આપી દેવામાં આવ્યા હતા. આ તબક્કે જપાનનો ફુકુશિમા પ્લાન્ટ ભૂકંપ અને સુનામીમાં જમીનદોસ્ત થઈ ગયો તેને કારણે ભારતના અણુ કાર્યક્રમને જબરદસ્ત ધક્કો લાગ્યો છે. ભારતમાં ૨૦ અણુ ભઠ્ઠીઓનું સંચાલન કરી રહેલા ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના અધ્યક્ષ શ્રેયાંસકુમાર જૈને કબૂલ કર્યું છે કે જપાનની દુર્ઘટનાને કારણે ભારતના અણુ કાર્યક્રમ બાબતમાં ફેરવિચારણા કરવાની ફરજ પડશે.
જપાનના ફુકુશિમા પાવર પ્લાન્ટમાં બે ધડાકાઓ થઈ ચૂક્યા છે અને ત્રીજા પ્લાન્ટની કૂલિંગ સિસ્ટમ પણ કામ કરતી બંધ થઈ ગઈ છે. આ પ્લાન્ટનું સંચાલન કરતા ટોકિયો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (ટેપકો) કંપનીના કર્મચારીઓ અણુ ભઠ્ઠીને ઠંડી પાડવા માટે સતત દરિયાના પાણીનો મારો ચલાવી રહ્યા છે. અમેરિકાના નિષ્ણાતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે એટમિક રિએક્ટરને ઠંડું પાડવા માટે દરિયાના પાણીનો ઉપયોગ વિનાશક પુરવાર થઈ શકે છે. જો દરિયાના પાણીમાં પણ કિરણોત્સર્ગ ફેલાઈ જાય તો તેની અસર દૂરદૂરની જીવસૃષ્ટિ ઉપર થઈ શકે છે. જપાનના અમેરિકા ખાતેના રાજદૂતે ટેલિવિઝન ઉપર આપેલા ઈન્ટરવ્યૂમાં દરિયાનું પાણી વાપરવાનાં પગલાંનો બચાવ કરતા કહ્યું છે કે પૂરતાં પ્રમાણમાં સ્વચ્છ પાણી પ્રાપ્ય ન હોવાથી નછૂટકે દરિયાનાં પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે.
ભારતમાં ૨૦ અણુ ઉર્જા મથકો આવેલાં છે. તેમાં ૪,૫૬૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. બીજા પાંચ અણુ ઉર્જા મથકોનું બાંધકામ ચાલી રહ્યું છે. તેના દ્વારા વધારાની ૨,૭૨૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું ભારતનું લક્ષ્યાંક છે. ઈ.સ. ૨૦૩૨ની સાલ સુધીમાં અણુ વીજળીનું ઉત્પાદન વધારીને ૬૪,૦૦૦ મેગાવોટ ઉપર પહોંચાડી દેવાની ભારતની યોજના છે. આ પૈકી મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં જૈતાપુર ખાતે બંધાઈ રહેલા પ્લાન્ટમાં જ ૧૦,૦૦૦ મેગાવોટ જેટલી વીજળી પેદા કરવામાં આવશે. ભારતમાં એટમિક પાવર પ્લાન્ટની સલામતી બાબતમાં ન્યુક્લિયર પાવર કોર્પોરેશનનો રેકોર્ડ કંગાળ છે. સંસદને આપવામાં આવેલી માહિતી મુજબ ઈ.સ. ૧૯૯૫ અને ૧૯૯૮ વચ્ચે ભારતના ૨૦ એટમિક પાવર પ્લાન્ટમાં નાનામોટા ૧૪૭ અકસ્માતો જોવા મળ્યા હતા.
ભારતનું જૂનામાં જૂનું અણુ ઉર્જા મથક મુંબઈ નજીક તારાપુર ખાતે આવેલું છે. અમેરિકાની સહાયથી બાંધવામાં આવેલા આ એટમિક પાવર પ્લાન્ટમાં અનેક વખત કિરણોત્સર્ગના ગળતરની સમસ્યા પેદા થઈ છે. ઈ.સ. ૧૯૮૦ની ૧૪મી માર્ચે આ પાવર પ્લાન્ટમાં કૂલિંગ માટેના પાણીનું ગળતર થતાં ૨૬ કર્મચારીઓ કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ૧૯૯૫ની સાલમાં તારાપુરના પ્લાન્ટમાંથી નીકળેલું કિરણોત્સર્ગી પાણી નજીકના ગામના પીવાના પાણીના સ્રોત સાથે ભળી ગયું હતું. તેને કારણે બાજુના ગામમાં રહેતા ૩,૦૦૦ લોકો કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ઈ.સ. ૧૯૯૬માં ફરીથી આ ઘટનાનું પુનરાવર્તન થયું હતું.
ગુજરાતના તાપી જિલ્લામાં આવેલા કાકરાપાર એટમિક પાવર પ્લાન્ટની ડિઝાઈનમાં જ કેટલીક ખામીઓ રહી ગઈ છે. તેને કારણે આ પ્લાન્ટમાંથી વારંવાર કિરણોત્સર્ગનું ગળતર થાય છે. તેને કારણે કાકરાપાર પ્લાન્ટની આજુબાજુ વસતા લોકો નિયમિતપણે ચામડીના રોગો, આંખોની બળતરા અને ઊલટીનો ભોગ બને છે. ઈ.સ. ૧૯૯૧માં આ પાવર પ્લાન્ટમાં આગ લાગી હતી અને ૧૯૯૪ની સાલમાં તે વિનાશક પૂરનો ભોગ બન્યો હતો. ઈ.સ. ૨૦૦૪ની ૨૩મી એપ્રિલે આ પાવર પ્લાન્ટમાં રિએક્ટરમાં ગરમી એકાએક વધી જવાથી આ પ્લાન્ટને બંધ કરવાની ફરજ પડી હતી. આ પ્લાન્ટના ઉત્પાદનમાં જે ખામી રહી ગઈ છે તે પ્રત્યે ઈજનરોએ બાંધકામ વખતે જ ધ્યાન દોર્યું હતું પણ તેની ઉપેક્ષા કરવામાં આવી હતી. કાકરાપારમાં જો કોઈ દુર્ઘટના થાય તો સુરત શહેર તેની ઝપટમાં આવી જાય તેમ છે.
તામિલનાડુના દરિયાકિનારે કલ્પક્કમ ખાતે ૨૨૦ મેગાવોટની ક્ષમતા ધરાવતા બે અણુ ઉર્જા મથકો બાંધવામાં આવ્યા છે. આ રિએક્ટરોના બાંધકામ દરમિયાન જ કેટલીક ખામીઓ બહાર આવવાથી તેમની ક્ષમતા ઘટાડીને ૧૭૦ મેગાવોટની કરી નાંખવામાં આવી હતી. આ પ્લાન્ટની ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં રહેલી ખામીઓને કારણે વારંવાર કિરણોત્સર્ગ બહાર પડી જાય છે, જેની હાનિકારક અસર કર્મચારીઓ અને દરિયાઈ જીવો ઉપર થાય છે. ઈ.સ. ૨૦૦૩ની પહેલી જૂને આ પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગના ગળતરના કારણે અનેક ટેકનિશ્યનો ઈજા પામ્યા હતા. ઈ.સ. ૧૯૯૯માં આ પ્લાન્ટમાંથી પાંચ ટન હેવી વોટરનું ગળતર થયાનું બહાર આવ્યું હતું. કલ્પક્કમનો પ્લાન્ટ શરૃ થયો તે પહેલા દરિયાના પાણીનું ઉષ્ણતામાન ૮૫ ડિગ્રી ફેરનહીટ હતું તે વધીને ૧૪૦ ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. ઇ.સ. ૨૦૦૪માં સુનામી આવ્યું ત્યારે આ પ્લાન્ટ બંધ પડી ગયો હતો અને તેમાં દરિયાનું પાણી ઘૂસી ગયું હતું.
ઉત્તર પ્રદેશમાં આવેલો નરોરા એટમિક પાવર પ્લાન્ટ પણ અનેક વખત અકસ્માતોનો ભોગ બન્યો છે. ઈ.સ. ૧૯૯૩ના માર્ચમાં આ પ્લાન્ટના ટર્બાઈનની બ્લેડો તૂટી જતાં આગ લાગી હતી અને આખો પ્લાન્ટ બંધ થઈ ગયો હતો. નરોરા પાવર પ્લાન્ટમાંથી પણ હેવી વોટર લિક થવાની ઘટના પ્રકાશમાં આવી છે. કિરણોત્સર્ગી હેવી વોટરનો ઉપયોગ કરતા મનુષ્યો અને પ્રાણીઓ બીમારીઓનો ભોગ બને છે. રાજસ્થાનમાં આવેલા એટમિક પાવર પ્લાન્ટમાંથી હેવી વોટરનું ગળતર થતાં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો. કર્ણાટકમાં આવેલા કૈગા એટમિક પાવર પ્લાન્ટમાં પણ ડિઝાઈનની ખામી છે. ઈ.સ. ૧૯૯૪માં આ પ્લાન્ટનું ઉદઘાટન થવાનું હતું તેના ૨૪ કલાક પહેલા તેનો ઘુમ્મટ તૂટી પડયો હતો અને તેની નીચે આવેલાં તમામ ઉપકરણો નાશ પામ્યાં હતાં.
મુંબઈમાં ચેમ્બુરના દરિયાકિનારે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરના એટમિક રિએક્ટરો આવેલા છે, જેનો ઉપયોગ સંશોધનના કામો માટે જ થાય છે. ઈ.સ. ૧૯૯૦ના દાયકામાં આ પ્લાન્ટમાં બે લાખ લિટરની ક્ષમતા ધરાવતી ટાંકીમાં લિકેજ થયું હતું. તેને કારણે કિરણોત્સર્ગી પાણી જમીનમાં અને દરિયામાં પ્રવેશી ગયું હતું. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાંથી કાઢવામાં આવતા કિરણોત્સર્ગી કચરાને કારણે આજુબાજુના દરિયામાં કિરણોત્સર્ગની માત્રા પણ વધી ગઈ છે. આ પ્લાન્ટ પણ દરિયાકિનારે આવેલો છે. મુંબઈમાં જો ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આફતો આવે તો ભાભાનો એટમિક પાવર પ્લાન્ટ મુંબઈ માટે જોખમી સાબિત થઈ શકે છે.
દુનિયામાં જ્યારથી અણુ વીજળી મથકો બાંધવાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી તેની સલામતી બાબતમાં વિવાદો ચાલ્યા કરે છે. અણુ ઉર્જા મથકોનું બાંધકામ સમૃદ્ધ દેશોની મલ્ટીનેશનલ કંપનીઓ કરતી હોવાથી તેઓ વિકાસશીલ દેશોના રાજકારણીઓને તગડી લાંચ આપીને તેમના દેશમાં એટમિક પાવરની યોજનાઓ પસાર કરાવી દે છે. આ યોજનાઓ સામે સ્થાનિક પ્રજા ગમે તેટલો વિરોધ કરે તો આ વિરોધને પોલીસ અને લશ્કરની મદદથી કચડી નાંખવામાં આવે છે. અણુ ઉર્જા મથકોની સલામતી બાબતમાં સરકાર તરફથી અનેક જૂઠાણાંઓ પણ નિયમિતપણે ફેલાવવામાં આવે છે. આ જૂઠાણાંઓનો પર્દાફાશ થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.
દુનિયાભરમાં આજે આશરે ૪૫૦ એટમિક પાવર પ્લાન્ટ કાર્યરત છે. તેમાં નાનીમોટી દુર્ઘટનાઓ નિયમિત થયા કરે છે. ઈ.સ. ૧૯૭૯ની સાલમાં થ્રી માઈલ આઈલેન્ડ ખાતે આવેલા અમેરિકાના એટમિક પાવર પ્લાન્ટમાં દુર્ઘટના થઈ હતી. ત્યારે રશિયનો માનતા હતા કે તેમના દેશમાં આવી દુર્ઘટના નહીં થાય. ઈ.સ. ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલના એટમિક પાવર પ્લાન્ટમાં જબરદસ્ત ધડાકો થયો હતો, જેને કારણે એક લાખથી પણ વધુ લોકો વિનાશક કિરણોત્સર્ગનો ભોગ બન્યા હતા. ભોગ બનેલા આ કમનસીબ માનવોનાં બાળકો આજે પણ ખોડખાંપણવાળા જન્મે છે. ચેર્નોબિલની દુર્ઘટના પછી જપાન એમ માનતું હશે કે આવી દુર્ઘટના તેમના દેશમાં નહીં થાય. હવે જપાનના ફુકુશિમા પ્લાન્ટમાં દુર્ઘટના થઈ છે ત્યારે કદાચ ભારતના લોકો પણ એવું માનતા હશે કે આપણે ત્યાં આવું બની શકે નહીં.
કુદરત જ્યારે રૃઠે છે ત્યારે કાંઈ પણ બની શકે છે. ફુકુશિમાની દુર્ઘટનાને કારણે આજુબાજુ વસતા આશરે બે લાખ લોકો બેઘર બની ગયા છે. હવે તો જપાનના સત્તાવાળાઓ પણ અણુ ઉર્જાની સલામતી બાબતમાં વિચારતા થઈ ગયા છે. આવતી કાલે ન કરે નારાયણ અને તારાપુરના પ્લાન્ટમાં ધડાકા થાય તો મુંબઈ શહેરની કેવી હાલત થાય તેની કલ્પના પણ કરતાં ચક્કર આવી જાય છે. વિજ્ઞાાનના આંધળા મોહમાં આપણે એવી ટેકનોલોજીનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેને કારણે માનવજાતનું અસ્તિત્વ જ જોખમમાં મૂકાઈ જાય. કાંઈ નહીં તો ભારતમાં નવાં એટમિક પાવર પ્લાન્ટો સ્થાપવાની યોજનાઓ તો અભરાઈ ઉપર જ ચડાવી દેવી જોઈએ, એમ નથી લાગતું ?
-સંજય વોરા 

No comments:

Post a Comment