હસનઅલીના પણ 'બોસ' તરીકે કોલકાતાનો બિઝનેસમેન કાશીનાથ તાપુરિયા બહાર આવે છે ઃ તાપુરિયાએ હસનઅલીને ધમકી આપી છે
પુણેના ઘોડાના તબેલાના માલિક હસનઅલીનો કેસ દિવસે દિવસે વધુ ખતરનાક બની રહ્યો છે. અગાઉ હસન અલીએ એવી કબૂલાત કરી હોવાના હેવાલો આપ્યા હતા કે ઇ.સ.૧૯૦૦થી ૨૦૦૦ દરમ્યાન મહારાષ્ટ્રની ગાદી ઉપર આવી ગયેલા ત્રણ મુખ્ય પ્રધાનોના બે નંબરના રૃપિયાને એક નંબરના કરવાનું તંત્ર તેઓ ચલાવતા હતા. હવે હસનઅલીએ એવો ધડાકો કર્યો છે કે આંધ્રપ્રદેશના એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાનના અને દક્ષિણ ભારતના ફિલ્મ સ્ટારોનાં કાળા નાણાંની ધુલાઈ કરવાનું કાર્ય પણ તેઓ કરતા હતા. હવે હસનઅલીના કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ખાતાની ટુકડીએ સુપ્રિમ કોર્ટમાં પોતાનો હેવાલ રજૂ કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ આ કેસના મૂળ સુધી પહોંચવાની તૈયારીમાં છે. આ હેવાલમાં એવી ભલામણ કરવામાં આવી છે કે હસનઅલીને અને તેમના કેસની તપાસ કરી રહેલી ટુકડીને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. આ હેવાલ ઉપરથી ખ્યાલ આવે છે કે માત્ર હસનઅલીના જ નહીં પણ તેમના કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ખાતાંના અધિકારીઓના માથે પણ મોત ભમી રહ્યું છે.
આપણા ટોચના રાજકારણીઓ અને કેન્દ્ર સરકારે ત્રણ- ત્રણ વર્ષ સુધી હસનઅલીના કેસ ઉપર જે રહસ્યનો પડદો નાંખી દીધો હતો તે હવે ઉઠવાની તૈયારીમાં છે. આ પડદો ઉઠશે ત્યારે દેશના અનેક નેતાઓની અને ઉદ્યોગપતિઓની અસલિયત છતી થઈ જશે. તાજેતરમાં હસનઅલીએ તપાસકર્તાઓને આપેલી માહિતી મુજબ રાજકારણીઓના કાળાં નાણાંને ધોળાં કરવાની પોતાની કારકિર્દીનો પ્રારંભ તેમણે પુણેમાં નહીં પણ પોતાના મૂળ વતન હૈદરાબાદમાં કર્યો હતો. તે વખતે આંધ્રપ્રદેશના જે મુખ્ય પ્રધાન હતા તેના કાળા નાણાં હવાલાની ચેનલ દ્વારા વિદેશ મોકલવામાં અને વિદેશી બેન્કમાં જમા કરાવવામાં હસનઅલીએ મદદ કરી હતી. આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને ચૂંટણીમાં ખર્ચવા માટે જ્યારે કાળા નાણાંની જરૃર પડે ત્યારે તેઓ હસનઅલીને યાદ કરતા હતા. હસનઅલી વિદેશથી હવાલાની ચેનલ દ્વારા આ નાણાં પાછા ભારતમાં મગાવી આપતા હતા. આશ્ચર્યની વાત એ છે કે તે સમયે આંધ્રપ્રદેશમાં વિપક્ષના જે નેતા હતા તેનાં કાળાં નાણાંનો વહીવટ કરવાનું કામ પણ હસનઅલીને જ સોંપવામાં આવ્યું હતું. જે રાજકારણીઓ જાહેરમાં એકબીજાનો વિરોધ કરતા હોય છે તેઓ લૂંટના માલની વહેંચણીની બાબતમં કેવા સંપી જાય છે તેનો ખ્યાલ આ વાત ઉપરથી આવે છે.
હસનઅલીએ અગાઉ મહારાષ્ટ્રના ત્રણ મુખ્યપ્રધાનોના કાળા નાણાંનો વહીવટ કરતા હોવાની પણ કબૂલાત કરી હતી. ઇ.સ. ૧૯૯૦ અને ૨૦૦૦ વચ્ચે મહારાષ્ટ્રમાં શરદ પવાર, સુશીલકુમાર શિંદે, મનોહર જોશી, નારાયણ રાણે અને વિલાસરાવ દેશમુખ મુખ્યપ્રધાનની ગાદી પર આવ્યા હતા. આ પાંચમાંથી કયા ત્રણ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો હસનઅલી સાથે સંબંધ ધરાવતા હતા તે અટકળનો વિષય છે. આ ત્રણ પૈકી એક મુખ્યપ્રધાનના જમાઈ માટે પણ હસનઅલીએ કામ કર્યું હતું. આ ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના નામો જ્યારે પણ જાહેર કરવામાં આવશે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ થશે.
ભારતના રાજકારણીઓ ઉપરાંત ફિલ્મસ્ટારો પણ પણ કાળા નાણાંને ધોળાં કરવાના કૌભાંડમાં સંડોવાયેલા છે, એવી કબૂલાત હસનઅલીએ પહેલી વખત કરી છે. હસનઅલી ખાસ કરીને દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટારોના આડતિયા તરીકે કામ કરે છે. હસનઅલીની કબૂલાત મુજબ તેલુગુ ફિલ્મના એક હીરોએ તો હવે રાજકારણમાં પણ ઝંપલાવી દીધું છે. હસનઅલીનો ઇશારો તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવી તરફ હોવાનું જણાઈ રહ્યું છે. હસનઅલીએ માત્ર આંધ્રપ્રદેશના જ નહી પણ તમિલનાડુના અને કેરળના રાજકારણીઓને પણ પોતાની 'સેવા' આપી હતી. કેન્દ્રના અનેક પ્રધાનોએ પણ હસનઅલીની 'સેવા' લીધી હતી. ઇ.સ. ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓ દરમિયાન વિદેશની બેન્કોમાં મૂકેલા કાળાં નાણાં પાછા માઁગવાનું કામ પણ રાજકીય પક્ષોએ હસનઅલીને જ સોંપ્યું હતું. ઇ.સ. ૨૦૦૯ની ચૂંટણીઓ દરમિયાન તેમણે એક રાજકીય પક્ષના ૨૦૦ કરોડ રૃપિયા વિદેશથી મંગાવી આપ્યા હોવાની કબૂલાત પણ કરી છે. ભારતના રાજકારણની ખરી તાસીર આ કેસમાં બહાર આવી છે.
એન્ફોર્સમેન્ટ ખાતાંએ ગયા અઠવાડિયે હસનઅલીના ભાગીદાર હોવાનું મનાતા કોલકાતાના બિઝનેસમેન કાશીનાથ તાપુરિયાની ધરપકડ કરી હતી. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે તાપુરિયા હસનઅલીનો સાગરીત છે, પણ હવે એવું જણાઈ રહ્યું છે કે તાપુરિયા હકીકતમાં હસનઅલીનો બોસ છે. જ્યારે હસનઅલીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસકર્તા અધિકારી ઉપર જેટલું દબાણ નહોતું લાદવામાં આવ્યું એટલું દબાણ તેઓ તાપુરિયાની ધરપકડ પછી અનુભવી રહ્યા છે. હસનઅલીની બીજી પત્ની રીમા પણ પતિના ધંધામાં પૂરેપૂરી સંડોવાયેલી હોવાનું જણાઈ રહ્યું છે. રીમાના નામે પણ વિદેશી બેન્કોમાં અનેક ખાતાઓ છે, જેમાંથી કરોડો ડોલરની લેવડદેવડ થયાની માહિતી તપાસ કરનારા અધિકારીઓને મળી છે. રીમાની પણ ટૂંક સમયમાં ધરપકડ થવાની સંભાવના છે.
અગાઉ હસનઅલીએ મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોના નામો આપ્યા હતા હવે તેણે મહારાષ્ટ્રના અનેક સરકારી અધિકારીઓ અને બિલ્ડરોના કાળા નાણાંને પણ ધોળાં કરી આપ્યા હોવાની કબૂલાત કરી છે. હસનઅલીના જણાવ્યા મુજબ રાજકારણીઓ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા બિલ્ડરો પણ કાળાં નાણાંને ધોળા કરવા માટે તેની 'સેવા'નો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના ત્રણ ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીએ પણ હસનઅલીની 'સેવા' લીધી હતી. જે ભૂતપૂર્વ અને વર્તમાન સરકારી અમલદારોનું કાળું ધન હસનલઅલીએ ધોળું કરી આપ્યું તેમાંના અનેક તો 'આદર્શ' કૌભાંડમાં પણ સંડોવાયેલા છે. રાજકારણીઓ, સરકારી અમલદારો, ઉદ્યોગપતિઓ અને બિલ્ડરો મળીને આપણા દેશને કેવી રીતે લૂંટી રહ્યા છે, તેના વટાણા હસનઅલી વેરી રહ્યો છે. દેશને લૂંટનારા આ વગદાર લોકોને સજા કરવામાં ભારતની સર્વોચ્ચ અદાલતની પણ આકરી કસોટી થવાની સંભાવના છે.
એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા જ્યારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો ત્યારે જજ સાહેબે વેધક સવાલ પૂછ્યો હતો કે, 'તમે અત્યાર સુધી હસનઅલી સામે શા માટે પગલાં ન લીધા ?' આ સવાલનો જો સાચો ઉત્તર એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ આપે તો આ કેસમાં કયા નેતાઓ આટલો બધો રસ લઈ રહ્યા છે અને હસનઅલીના કૌભાંડ ઉપર ઢાંકપિછોડો કરવાની કોશિષ કરી રહ્યા છે, તેનો પણ પ્રજાને ખ્યાલ આવી શકે. આ રીતે તપાસકર્તા એજન્સીના કામમાં હસ્તક્ષેપ કરવા બદલ ટોચના આ રાજકારણીઓ સામે પણ સર્વોચ્ચ અદાલતે ખટલો દાખલ કરવો જોઈએ.
હસનઅલી ખાને મુંબઈની કોર્ટ બહાર પત્રકોરોને ચોંકાવનારી વાત કરવામાં આવી છે કે કાશીનાથ તાપુરિયા દ્વારા તેને ફસાવવામાં આવ્યો છે. હસનઅલીએ એવો આક્ષેપ પણ કર્યો છે કે, કોલકાતાના અગ્રણી ઉદ્યોગપતિ આર. પી. ગોયેન્કા અને કાશીનાથ તાપુરિયા તેમને ધમકીઓ આપી રહ્યા છે. આ પ્રકરણમાં પહેલીવાર ગોયેન્કાનું નામ આવ્યું છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા આ કૌભાંડનો સૂત્રધાર કાશીનાથ તાપુરિયા હોવાની જે વાત કરવામાં આવતી હતી તેની સાથે પણ આ વાતનો મેળ બેસે છે. શક્ય છે કે હસનઅલી કાશીનાથ તાપુરિયાના એજન્ટ તરીકે કામ કરતો હોય, તેને રાજકારણીઓ સાથે ડાયરેક્ટ સંબંધો ન હોય અને તાપુરિયા હસનઅલીનો ઉપયોગ ડમી તરીકે પણ કરતો હોય. ગમે તે હોય, આ કેસ દિવસે દિવસે વધુ ભેદી બની રહ્યો છે.
એન્ફોર્સમેન્ટ ખાતા દ્વારા સુપ્રિમ કોર્ટમાં જે હેવાલ સુપરત કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે, આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે કાશીનાથ તાપુરિયા ઉભરી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ખાતાના અધિકારીઓ દ્વારા તાપુરિયાની ધરપકડ કરવામાં આવી તે પહેલા સતત સાત દિવસ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. એન્ફોર્સમેન્ટ ખાતાએ જ્યારે પૂણેમાં હસનઅલીના ઘર ઉપર દરોડો પાડયો ત્યારે તેમના સેક્રેટરી તરીકે કામ કરતા ફિલિપ આનંદરાજની પણ પૂછપરછ કરી હતી. આનંદરાજ હસનઅલી અને તાપુરિયા વચ્ચેની કડી હોવાનું જાણમાં આવ્યું છે. આનંદરાજ સ્વીટઝર્લેન્ડમાં ચેઇન હોટલોના સીઇઓ તરીકે કામ કરી રહ્યો હતો. આનંદરાજ સાથે હસનઅલીની મુલાકાત ૨૦૦૧ની સાલમાં થઈ હતી. હસનઅલીએ સ્વિટ્ઝર્લેન્ડની હોટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં રસ બતાવ્યો હતો. આનંદરાજે પોતાને હોટલના સીઇઓ બનાવવાની શરત રાખી હતી. હસનઅલી વતી સ્વીસ બેન્કના ખાતાઓનો વહીવટ આનંદરાજ કરતો હોવાનું જણાઈ રહ્યું છે. હસનઅલી, તાપુરિયા અને આનંદરાજ પાછળ ભારતના કયા ટોચના રાજકારણીઓ, સરકારી અમલદારો, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને ફિલ્મસ્ટારો છે તે જાણવા આખો દેશ આતુર છે. આ નામો પ્રજાને ક્યારેય જાણવા મળશે કે તેનું ભીનું સંકેલી લેવામાં આવશે, તેનો આધાર સુપ્રીમ કોર્ટની તાકાત ઉપર છે. આપણા દેશમાં ન્યાયતંત્ર વધુ પાવરફૂલ છે કે દેશને લૂંટી રહેલા રાજકારણીઓની તાકાત વધી જાય છે, તેના પારખા આગામી દિવસોમાં થવાના છે. |
No comments:
Post a Comment