કૌભાંડો અને વિવાદોથી ઘેરાયેલી કેન્દ્ર સરકારને ગરીબોનાં પેટ ભરવાની
બિલકુલ ચિંતા નથી. આ વર્ષે આપણા દેશમાં ઘઉંનો અને ચોખાનો બમ્પર પાક થયો છે. ગુજરાતમાં અને મધ્ય પ્રદેશમાં તો ગયાં વર્ષની સરખામણીએ લગભગ બમણું ઉત્પાદન થયું છે. મંડીઓમાં ઢગલાબંધ અનાજ ખડકાવા લાગ્યું છે. સામાન્ય રીતે દેશમાં જ્યારે અનાજનો વિપુલ પાક થાય ત્યારે બજારમાં અનાજના ભાવો ઘટે છે અને જે ગરીબો પહેલા એક ટંક ખાવાભેગા થતા હતા તેઓ બે ટંક પેટ ભરીને જમી શકે છે. પરંતુ આપણી સરકારની વિચિત્ર અન્નનીતિના પાપે આ વર્ષે બમ્પર પાક છતાં પણ ગરીબોના પેટમાં અનાજ જવાને બદલે સરકારી ગોદામોમાં સડી જશે.
કેન્દ્ર સરકારના કૃષિ ખાતાંએ ગયા એપ્રિલ મહિનામાં અંદાજ બાંધ્યો હતો કે ઈ.સ. ૨૦૧૦-૧૧ની સાલમાં અનાજનું કુલ ઉત્પાદન ૨,૩૨૧ લાખ ટન થશે. આ પૈકી ૯૪૦ લાખ ટન ચોખા અને ૮૨૦ લાખ ટન ઘઉં આ વર્ષે પાકશે. કૃષિ ખાતાંનાં સાધનો કહે છે કે અનાજના ઉત્પાદનના આંકડામાં હજી વૃદ્ધિ થશે, કારણ કે મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદને કારણે ઘઉંના પાકને ધાર્યા કરતાં ઓછું નુકસાન થયું છે. ગયાં વર્ષે ભારતમાં ૮૯૧ લાખ ટન ચોખાનું અને ૮૦૭ લાખ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું. ગયાં વર્ષે અનાજનું કુલ ઉત્પાદન ૨,૧૮૧ લાખ ટન થયું હતું. આ વર્ષે તેના કરતાં ૧૪૦ લાખ ટન જેટલું અનાજ વધુ પેદા થયું છે. ગુજરાતની અને સૌરાષ્ટ્રની મંડીઓમાં ઘઉંના ખડકલાઓ થઈ રહ્યા છે. રાજકોટથી આશરે ૭૫,૦૦૦ ગુણી ઘઉં ત્રણ સ્પેશિયલ ટ્રેનો દ્વારા દક્ષિણ ભારતમાં મોકલવામાં આવ્યા છે. તેમ છતાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ખરીદવાની સરકારની નીતિના કારણે ઘઉંના ભાવમાં થવો જોઈએ તેવો ઘટાડો નહીં થાય.
એકબાજુથી પ્રજા મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહી છે. ખાદ્ય પદાર્થોના ફુગાવાનો દર ૧૭ ટકા સુધી પહોંચી ગયો છે. મોંધવારીના કારણે લોકો અનાજ અને કઠોળ પણ ખરીદી શકતા નથી. ઘઉં અને ચોખાના ભાવોમાં પાંચ વર્ષમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. સરકાર કહે છે કે તેની પાસે મોંધવારીને કાબુમાં લેવાની કોઈ જાદુઈ છડી નથી. પરંતુ આ વર્ષે અનાજનું વિક્રમી ઉત્પાદન થવાને કારણે ઘઉં અને ચોખાના વધી ગયેલા ભાવો તેની મૂળ સપાટીએ આવે તેવી ઉજળી સંભાવનાઓ પેદા થઈ છે. આપણી સરકારને કદાચ મોંઘવારી ઘટે એ ગમતું નથી. ગરીબો અને મધ્યમ વર્ગના લોકો ખુલ્લા બજારમાંથી સસ્તા ભાવે સારું અનાજ ખરીદીને પોતાનું પેટ ભરે એ સરકારને મંજૂર નથી. સરકાર ખેડૂતોને ટેકાના ભાવો આપીને અનાજ ખરીદે અને આ અનાજ ગરીબોને સસ્તા ભાવે વેચે તેની સામે પણ કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ આપણી સરકાર તો કિસાનો પાસેથી સસ્તા ભાવે અનાજ ખરીદીને તેને ખુલ્લામાં રાખે છે અને સડાવી મારે છે. સરકાર પાસે ટેકાના ભાવે ખરીદેલું અનાજ સંઘરવા માટેની વ્યવસ્થા નથી છતાં તે અનાજ ખરીદવાનું ચાલુ જ રાખે છે. આ રીતે સડી ગયેલું અનાજ ખુલ્લામાં સંઘરવાને બદલે ગરીબોને મફતમાં આપી દેવાના સુપ્રિમ કોર્ટના આદેશને પણ આપણી સરકાર ઘોળીને પી ગઈ છે.
અનાજના ભાવોમાં વધારો થવાનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લાં પાંચ વર્ષથી ટેકાના ભાવોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ઈ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં ઘઉંના ટેકાના ખરીદભાવો ૬૪૦ રૃપિયા પ્રતિ ક્વિન્ટલ હતા. આ ભાવો ઈ.સ. ૨૦૦૫-૦૬માં વધારીને ૭૦૦ રૃપિયા અને ૨૦૦૬-૦૭માં વધારીને સીધા ૮૫૦ રૃપિયા કરી નાંખવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૭-૦૮ની સાલમાં ટેકાના ભાવો ક્વિન્ટલદીઠ વધારીને ૮૫૦ રૃપિયા કરી નાંખવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૮-૦૯ની સાલમાં ભાવો ફરીથી વધારીને ૧,૦૮૦ રૃપિયા કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૯-૧૦ની સાલમાં આ ભાવો વધારીને ૧,૧૦૦ રૃપિયા અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભાવો વધારીને ૧,૧૨૦ રૃપિયા કરવામાં આવતા છે. આ રીતે ઈ.સ. ૨૦૦૫ની સાલમાં સરકાર જે ઘઉં કિસાનો પાસેથી ૬૪૦ રૃપિયાના ભાવે ખરીદતી હતી તેના આજે ૧,૧૨૦ રૃપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી ઘઉંની ખરીદીના ટેકાના ભાવો વધારી આપવામાં આવે તેની સીધી અસર ખુલ્લા બજારના ભાવો ઉપર પડે છે. પાંચ વર્ષ અગાઉ જે ઘઉં ખુલ્લા બજારમાં ૧૨ થી ૧૪ રૃપિયે કિલોગ્રામના ભાવે મળતા હતા તેના ભાવો આજે ૨૪ થી ૨૬ રૃપિયા પર પહોંચી ગયા તેના માટે સરકારની નીતિ જવાબદાર છે.
કેન્દ્ર સરકાર પાસે અનાજનો સંગ્રહ કરવા માટેના ગોદામોની ભારે અછત છે. સરકાર પાસે કુલ ૩૦૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરી શકાય એટલા જ ગોદામની ક્ષમતા છે. તેમાંથી ૭૫ ટકા કરતાં વધુ ગોદામો અત્યારે પણ અનાજથી ભરેલાં છે. આ વર્ષે સરકાર કુલ ૨૬૩ લાખ ટન અનાજની ખરીદી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અત્યારે કેન્દ્ર સરકાર પાસે ૨૧૫ લાખ ટન ઘઉં અને ૨૫૬ ટન ચોખાનો સ્ટોક છે. સરકારનો લક્ષ્યાંક બફર સ્ટોક તરીકે ૮૨ લાખ ટન ઘઉં અને ૧૧૮ લાખ ટન ચોખાનો જ છે. રેશનિંગની દુકાનોમાં ગરીબોને સસ્તા ભાવે અનાજ આપવા માટે સરકારને આટલા જ ઘઉં-ચોખાની આવશ્યકતા છે. સરકાર પાસે જેટલા હોવા જોઈએ તેના કરતાં બમણા ચોખા અને લગભગ ત્રણ ગણા ઘઉં સ્ટોકમાં છે. તેમ છતાં આપણી સરકાર કિસાનોને ઊંચા ભાવો આપીને શા માટે અનાજ ખરીદી રહી છે, તેનું રહસ્ય સમજાતું નથી. જો સરકાર કિસાનો પાસેથી પોતાની સંઘરવાની ક્ષમતા જેટલું જ અનાજ ખરીદે તો બાકીનું અનાજ બજારમાં આવે અને અનાજના ભાવોમાં ઘટાડો થતાં પ્રજાને મોંઘવારીમાં રાહત થાય. પરંતુ આપણી સરકાર કોઈ પણ સંયોગોમાં અનાજના ભાવો ઘટે તેવું ઈચ્છતી નથી. પ્રજા સસ્તું અનાજ ન ખાય અને આ અનાજ સડી જાય તેવી તેની નીતિ છે.
કેન્દ્ર સરકાર પાસે અત્યારે જે ૩૦૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરવાની ક્ષમતા છે તેમાંની આશરે ૫૦ ટકા જગ્યા તો ખાનગી ગોદામોના માલિકો પાસેથી ભાડે લેવામાં આવી છે. આ રીતે ગોદામો ભાડે રાખવામાં પણ મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ખાનગી કંપનીઓ પાસેથી ગોદામો ભાડે લેવામાં કૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભ્રષ્ટ અફસરો તગડું કમિશન લઈ રહ્યા છે. ઈ.સ. ૨૦૦૭ અને ૨૦૧૦ વચ્ચે કૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પોતાની ગોદામક્ષમતામાં ૨૮,૦૦૦ ટનનો જ ઉમેરો કરવામાં આવ્યો છે. કુલ ક્ષમતાનો આ એક ટકા જેટલો પણ હિસ્સો નથી. બીજી બાજુ ખાનગી કંપનીઓને ૧૫૦ લાખ ટન અનાજનો સંગ્રહ કરી શકે એટલાં ગોદામ જ બાંધવામાં આવ્યાં છે. આ સંયોગોમાં આ વર્ષે સરકાર દ્વારા જે ૨૬૩ લાખ ટન અનાજની ખરીદી કરવામાં આવશે તે ક્યાં રાખવામાં આવશે તે મોટી સમસ્યા છે.
ગયાં વર્ષના ઓગસ્ટ મહિનામાં સમાચારો ચમક્યા હતા કે પંજાબ અને હરિયાણા જેવાં રાજ્યોમાં ખુલ્લામાં રાખવામાં આવેલા હજારો ટન ઘઉં અને ચોખા સડી રહ્યા છે. સરકારના જ આંકડાઓ કહે છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં આશરે ૧૦ લાખ ટન જેટલું અનાજ સરકારી ગોદામોમાં સડી ગયું છે. આ હકીકત સુપ્રિમ કોર્ટના ધ્યાનમાં લાવવામાં આવી ત્યારે સરકારે વિચિત્ર દલીલ કરી હતી કે આ સડી રહેલું અનાજ જો ગરીબોને મફતમાં આપવામાં આવશે તો તેઓ ખુલ્લા બજારમાંથી અનાજ ખરીદવાનું બંધ કરશે અને કિસાનોને યોગ્ય ભાવો ન મળતાં તેઓ અનાજ ઉગાડવાનું જ બંધ કરી દેશે. આપણી સરકારને ગરીબો ભૂખ્યા રહે તે મંજૂર છે, પણ કિસાનોને અનાજના ઓછા ભાવો મળે અને તેના પરિણામે બજારમાં અનાજના ભાવોમાં ઘટાડો થાય તે મંજૂર નથી.
સરકારની દલીલ સાંભળીને એવું લાગે કે આપણી સરકાર કિસાનોની હમદર્દ છે, માટે ગરીબ અને મધ્યમ વર્ગના ભોગે પણ તેઓ કિસાનોને ફાયદો કરાવવા માંગે છે, માટે અનાજના ભાવો ઘટવા દેવામાં આવતા નથી. આ વાત પણ ખોટી છે. આપણી સરકાર કિસાનોને અનાજના ઊંચા ભાવો અપાવવા માંગે છે તેમાં પણ ઉદ્યોગપતિઓનું હિત જોવામાં આવે છે. આજે મોટા ભાગના કિસાનો દેવું કરીને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને સંકર બિયારણ ખરીદે છે. આ ચીજો મોટી કંપનીઓ જ બનાવતી હોય છે. જો કિસાનોને અનાજના ઊંચા દામ ન મળે તો તેઓ આ ચીજો ખરીદી શકે નહીં અને ઉદ્યોગોના નફામાં કાપ આવી જાય. આવું ન બને તે માટે કિસાનોને અનાજના ઊંચા ભાવો આપવામાં આવે છે. આ કારણે ફર્ટિલાઈઝર કંપનીઓનો નફો કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે.
દેશમાં અનાજનું ઉત્પાદન વધી ગયું છે પણ ગરીબો હજી ભૂખે જ મરી રહ્યા છે. આ ગરીબો સુધી અનાજ પહોંચાડવાને બદલે કેન્દ્ર સરકાર અનાજની નિકાસ કરીને નફો રળવાની યોજનાઓ બનાવી રહી છે. ઈ.સ. ૨૦૦૪-૦૫ની સાલમાં કેન્દ્ર સરકારે આશરે ૨૦ લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ૨૦૦૬-૦૭ની સાલમાં અનાજનું ઉત્પાદન ઓછું હતું તો પણ ૪૭,૦૦૦ ટન ઘઉંની નિકાસ કરવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૭માં તો સરકારને ૭૩ લાખ ટનની આયાત કરવાની ફરજ પડી હતી. ઈ.સ. ૨૦૦૭માં કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પ્રતિબંધ આ વર્ષે ઉઠાવી લેવાની વિચારણા કેન્દ્રના પ્રધાનોનું એક જૂથ કરી રહ્યું છે. આ માટે એવી દલીલ આગળ કરવામાં આવી રહી છે કે, ''અનાજ ગોદામોમાં સડી જાય તે કરતાં તેની નિકાસ કરવામાં શું ખોટું છે ?'' આ બાબતમાં એવું કેમ કોઈ નથી વિચારતું કે ''અનાજ ગોદામોમાં સડી જાય તેના કરતાં લોકોના પેટમાં જાય તેવું આયોજન કરવું ન જોઈએ ?''
No comments:
Post a Comment