Monday, March 21, 2011

લિબિયા સામેની લડાઈનો હેતુ તેલના કૂવાઓ ઉપર કબજો જમાવવાનો છે



લિબિયામાં મુઅમ્મર ગડાફી નામની કીડી ઉપર મિત્રદેશોનું કટક ધસી આવ્યું છે. યુનોની સલામતી સમિતિ યુરોપ અને અમેરિકાના સામ્રાજયવાદી દેશોની કઠપૂતળી છે તે સાબિત થઈ ગયું છે. બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓને અચાનક 'લિબિયાની બિચારી પ્રજા'ની દયા આવી ગઈ છે, એટલે ગડાફીના શાસનનો અંત આણવા તેમણે ટ્રિપોલી ઉપર હવાઈ હુમલાઓ શરૃ કર્યા છે. આ હુમલો માનવ અધિકારોના જતન માટે છે, એવી દલીલ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ હવાઈ હુમલામાં લિબિયાના જે નિર્દોષ નાગરિકોની કતલ થશે તેને કારણે લિબિયાની જનતાના માનવ અધિકારો જ જોખમમાં આવી જશે. આ હુમલાઓનો જાહેર હેતુ લિબિયામાં લોકશાહીની સ્થાપના કરવાનો છે, પણ અસલ હેતુ મુઅમ્મર ગડાફીના હાથમાંથી લિબિયાના શાસનનો કબજો ઝૂંટવીને પશ્ચિમી દેશોના ઇશારા ઉપર નાચે તેવી કઠપૂતળી સરકારની સ્થાપના કરવાનો અને તેલના કૂવાઓ ઉપર કબજો જમાવવાનો છે.
કોઈ પણ યુદ્ધનો હેતુ અહિંસાની સ્થાપના કરવાનો હોઈ શકે નહીં. અમેરિકા એવો દાવો કરે છે કે લિબિયાની પ્રજાને સરમુખત્યારી શાસનના પંજામાંથી છોડાવવા તેની ઉપર બોમ્બમારો કરવો જરૃરી હતો. શું લિબિયાની પ્રજાએ અમેરિકાને આમંત્રણ આપ્યું હતું કે અમારે ત્યાં પધારો અને અમારી જમીન ઉપર બોમ્બમારો કરો? અમેરિકાને જો સરમુખત્યારશાહીથી કચડાતી પ્રજા માટે આટલી બધી સહાનુભૂતિ હોય તો તેણે સૌથી પહેલા તો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલાઓ કરવા જોઈએ અને ત્યાંના સરમુખત્યારોને સત્તા છોડવાની ફરજ પાડવી જોઈએ. તેને બદલે આ સરમુખત્યારોને અમેરિકા પોતાના જ દેશવાસીઓને કચડવા માટે અબજો ડોલરની લશ્કરી સહાય આપે છે. તેનું કારણ એ છે કે આ દેશોના સરમુખત્યારો અમેરિકાના ઈશારા ઉપર નાચવા તૈયાર છે. ગડાફીનો ગુનો એ છે કે એક તબક્કે તેમણે યુરોપ અને અમેરિકાના ઈશારા ઉપર નાચવાનું બંધ કરી દીધું હતું.
આજે લગભગ તમામ આરબ દેશોમાં સરમુખત્યારો સામે લોકઆંદોલનો ચાલી રહ્યા છે. આ બાબતમાં અલગ અલગ દેશોમાં યુરોપ અને અમેરિકાની ભૂમિકા અલગ અલગ છે. બહેરીનમાં પણ ત્યાંના રાજા શેખ અલ ખલીફાની વિરુદ્ધમાં જબરદસ્ત દેખાવો ચાલી રહ્યા છે. અહીં અમેરિકા શાંત ચિત્તે તમાશો જોઈ રહ્યું છે અને પડદા પાછળ રહીને શેખ અલ ખલીફાને પીઠબળ પણ આપી રહ્યું છે. બહેરીનના સરમુખત્યારે સાઉદી અરેબિયાના સૈન્યની મદદથી અનેક વિરોધીઓને શૂટ કરી નાંખ્યા છે. તેમ છતાં મિત્રદેશો તેમને સત્તા છોડવાનો આદેશ આપતા નથી. તેનું કારણ એ છે કે બહેરીને અમેરિકાના પાંચમા કાફલાને આશરો આપ્યો છે. ગાઝાપટ્ટીની પ્રજા ઈઝરાયલનું નહીં પણ પોતાનું શાસન ચાહે છે. ઈઝરાયલનું લશ્કર તેમના ઉપર અત્યાચારો ગુજારી રહ્યું છે. ત્યાં અમેરિકાને પ્રજાના માનવ અધિકારો નથી દેખાતા. યમનમાં પશ્ચિમી મહાસત્તાઓનો ટેકો ધરાવતા પ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહે શુક્રવારે જ વિરોધ કરી રહેલા ૫૦ પ્રજાજનોને ગોળીથી શૂટ કરાવી નાંખ્યા તેમની સામે કેમ અમેરિકા પગલાં ભરવાની તસદી નથી લેતું ?
લિબિયાના પ્રમુખ મુઅમ્મર ગડાફી એક સમયે અમેરિકાના પ્રખર વિરોધી તરીકે જાણીતા હતા. પછીથી યુરોપના દેશોની સરકારો દ્વારા ગડાફીને લલચાવીને તેમની સાથે તેલના કૂવાઓના સોદા યુરોપની તેલનો ધંધો કરતી કંપનીઓના લાભાર્થે કરી લેવામાં આવ્યા હતા. આજથી ચાર વર્ષ પહેલાં મુઅમ્મર ગડાફીએ ફ્રાન્સની મુલાકાત લીધી ત્યારે પ્રમુખ સાર્કોઝીએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું અને તેમની સાથે ખનિજ તેલના વેચાણ બાબતમાં અબજો ડોલરના સોદાઓ કરવામાં આવ્યા હતા. લિબિયામાં પ્રજાનો બળવો પ્રારંભ થયો ત્યારે પણ યુરોપના દેશોએ ગડાફીને ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું અને તેમની સામે કડક પગલાં ભરવામાં બિલકુલ રસ દાખવ્યો નહોતો. પરંતુ જ્યારે કર્નલ ગડાફીનું સ્થાન લેવા જૂના પ્રધાનોની બનેલી વચગાળાની કાઉન્સિલ તૈયાર થઈ ગઈ અને તેણે પશ્ચિમી મહાસત્તાઓને તેલના કૂવાઓની માલિકી બાબતમાં 'સહકાર' આપવાનું વચન આપ્યું ત્યારે આ કાઉન્સિલના હાથમાં લિબિયાનું શાસન આવે તે માટે મિત્રદેશો લિબિયા સામે હવાઈ હુમલાઓ પણ કરવા માટે તૈયાર થઈ ગયા છે.
આરબ દેશોમાં અળખામણા થઈ રહેલા સરમુખત્યારો સામે જે પ્રચંડ લોકઆંદોલનો ચાલી રહ્યા છે તેને કારણે આ વિસ્તારમાં યુરોપના અને અમેરિકાના વેપારી હિતો જોખમમાં આવી ગયા છે. આવતી કાલે આ દેશોમાં એવા કોઈ માથાફરેલા શાસકો આવી ચડે તો યુરોપ અને અમેરિકાની તમામ મલ્ટીનેશનલ કંપનીઓને આ દેશોમાંથી ઉચાળા ભરવા પડે એવી પ્રવાહી પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં લિબિયાનું ભૌગોલિક સ્થાન મિત્રદેશો માટે બહુ મહત્ત્વનું બની રહે છે. લિબિયાની પૂર્વ દિશામાં ઈજિપ્ત છે અને પશ્ચિમે ટયૂનિશિયા છે. વળી લિબિયા ભૂમધ્ય સમુદ્રમાં યુરોપની બરાબર દક્ષિણે છે. આ જગ્યાએ જો મિત્રદેશોને લશ્કરી ઠાણું સ્થાપવાની તક મળી જાય તો મિત્રદેશો તેના જોર ઉપર આરબ દેશોની ગતિવિધિઓ ઉપર અંકુશ રાખી શકે છે અને ક્યાંય પણ જરૃર પડે લશ્કર મોકલી શકે છે.
લિબિયા સામે મિત્રદેશો દ્વારા યુદ્ધ જાહેર કરી દેવામાં આવ્યું છે. આવું જ યુદ્ધ અમેરિકાએ ૯/૧૧ના હુમલા પછી અલ-કાયદાને નેસ્તનાબુદ કરવાના ઉદ્દેશથી અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે પણ ઘોષિત કર્યું હતું. આજે પણ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું લશ્કર પોતાનો અડ્ડો જમાવીને બેઠું છે. ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈન પાસે સમૂહસંહારના શસ્ત્રો છે તેવો હડહડતો જૂઠો આક્ષેપ કરીને અમેરિકાએ ઈરાક સામે યુદ્ધ છેડી દીધું હતું. સદ્દામ પાસે સમૂહસંહારના શસ્ત્રો ન મળ્યા તો પણ તેમને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યા અને ઈરાકમાં લોકશાહીની સ્થાપના કરવાના બહાને અમેરિકાએ ત્યાં પોતાની પૂતળાં સરકાર બેસાડીને ઈરાકના તેલના કૂવાઓ ઉપર પોતાનો અધિકાર પ્રસ્થાપિત કરી દીધો. હવે આ ઘટનાનું પુનરાવર્તન લિબિયામાં થઈ રહ્યું છે. આ સામ્રાજયવાદી આક્રમણને 'લોકશાહીની સ્થાપના કરવા માટેની ચળવળ' ગણાવીને અમેરિકા દુનિયાની આંખોમાં ધૂળ નાંખવા માંગે છે.
મિત્રદેશોએ લિબિયા ઉપર લશ્કરી હુમલાઓ કરીને કેટલાક આરબ દેશોને પણ આ બાબતમાં પોતાની પડખે લીધા છે. અમેરિકાના ઇશારા ઉપર નાચી રહેલા સાઉદી અરેબિયા અને બહેરીનના શાસકો દ્વારા લિબિયામાં 'લોકશાહીની સ્થાપના કરવાના' અમેરિકી પ્રયાસોની સરાહના કરવામાં આવી છે. જે આરબ દેશો પોતાના ઘર આંગણે લોકશાહીની સ્થાપના માટેની ઝુંબેશને કચડી નાંખવા માટે હિંસા આચરતા અચકાતા નથી તેઓ લિબિયામાં 'લોકશાહીની સ્થાપના કરવાના' અમેરિકી પ્રયાસોને બિરદાવી રહ્યા છે. ભૂમધ્ય સમુદ્રના કાંઠે આવેલા લિબિયા સામે લાંબા ગાળાનું યુદ્ધ લડવાને કારણે સામા કાંઠે આવેલા યુરોપના દેશો ઉપર કેવા પ્રકારના રાજકીય પ્રત્યાઘાતો પડશે તેનો વિચાર પણ યુરોપના દેશોએ કર્યો હોય તેવું લાગતું નથી. તેઓ કદાચ એવી ધારણામાં છે કે ગડાફી શરણે આવશે એટલે આ યુદ્ધનો અંત આવશે. પરંતુ ગડાફી જો લાંબું ટકી ગયા અને યુદ્ધનો અંત ન આવ્યો તો શું થશે? આવતી કાલે લિબિયાના શરણાર્થીઓનો પ્રવાહ ભૂમધ્ય સમુદ્ર ઓળંગીને યુરોપના દેશોમાં પ્રવેશવા લાગશે ત્યારે શું થશે?
લિબિયાની લડાઈમાં અમેરિકાને સાથ આપવાના ફ્રાન્સ અને બ્રિટન પાસે પોતપોતાનાં કારણો છે. બ્રિટનમાં વડા પ્રધાન ડેવિડ કેમેરોને તાજેતરમાં જે ખર્ચાઓમાં કાપ મુકવા માટેનાં પગલાંઓ લીધાં છે તેને કારણે તેમની લોકપ્રિયતા ઓસરી ગઈ છે. ફ્રાન્સમાં એક વર્ષ પછી ચૂંટણીઓ યોજાવાની છે. પ્રમુખ સાર્કોઝીની લોકપ્રિયતાનો ગ્રાફ પણ નીચે આવી રહ્યો છે. આ સંયોગોમાં લિબિયા સાથે યુદ્ધ કરીને આ બંને વડાઓ પોતાના દેશમાં પોતાની લોકપ્રિયતા વધારવા મથી રહ્યા છે. બ્રિટનનું લશ્કર તો ઈરાક અને અફઘાનિસ્તાન સામેના યુદ્ધમાં થાકેલું છે. લિબિયાનું યુદ્ધ એકલે હાથે લડવાની તેનામાં હામ નહોતી. આ કારણે કેમેરોને બરાક ઓબામાને સમજાવીને યુદ્ધમાં અમેરિકાનો પણ સાથ લીધો છે. અમેરિકાને તો આ યુદ્ધમાં દોડવું હતું ને ઢાળ મળ્યો છે.
મિત્રદેશોના લિબિયા ઉપરના આક્રમણને કારણે યુરોપિય સંઘની ફાટફૂટ પણ સપાટી ઉપર આવી ગઈ છે. લિબિયા ઉપર હવાઈ હુમલા કરવાના સલામતી સમિતિના ઠરાવનો જર્મનીએ બહિષ્કાર કર્યો હતો. જર્મનીનું વલણ પહેલેથી ગડાફીને પાઠ ભણાવવા માટે લિબિયા ઉપર આર્થિક પ્રતિબંધો લાદવાનું હતું અને તે લશ્કરી પગલાંનો વિરોધ કરતું હતું. આ રીતે લિબિયા ઉપરના આક્રમણનો વિરોધ કરવાની બાબતમાં જર્મની રશિયા, ચીન, ભારત અને બ્રાઝિલ સાથે જોડાઈ ગયું છે. બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત જર્મની યુદ્ધની બાબતમાં બ્રિટન અને ફ્રાન્સની સામે ગોઠવાઈ ગયું છે. એ ન ભૂલવું જોઈએ કે બ્રિટન અને જર્મની વચ્ચે જ્યારે પણ યુદ્ધો થયાં છે ત્યારે તેમાંના અનેક યુદ્ધો ઉત્તર આફ્રિકાની ભૂમિ ઉપર જ થયા છે. લિબિયા સામેના મિત્રદેશોના હુમલાઓ ત્રીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ છે, એમ માનવું કદાચ વધારે પડતું હોય તો પણ આ હુમલાઓની લાંબા ગાળાની અસરોનો ઈનકાર કરી શકાય તેમ નથી.

No comments:

Post a Comment