Monday, March 14, 2011

અણુભઠ્ઠીઓ ગમે ત્યારે અણુબોમ્બ જેવી વિનાશક બની શકે છે


ભારતમાં કામ કરી રહેલી ઔ૨૦ અણુભઠ્ઠીઓ પૈકી એક પણ રિક્ટર સ્કેલ ઉપર ૯ના ભૂકંપ અને સુનામી સામે ટકી શકે તેમ નથી
મહારાષ્ટ્રના રત્નિગિરિ જિલ્લામાં જૈતાપુર ખાતે સંભવિત અણુ વીજળી મથક સામે આંદોલન ચાલી રહ્યું છે. થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણે તેજાપુરની જાતમુલાકાત લઇને અણુ વીજળીના મથકના વિરોધીઓને આશ્વાસન આપ્યું હતું કે આ અણુભઠ્ઠી એકદમ સલામત હશે; તેની સાથે વિમાન ટકરાશે તો પણ તેમાંથી કિરણોત્સર્ગ બહાર નહીં પડે. પૃથ્વીરાજ ચૌહાણની આ મુલાકાતના એક જ સપ્તાહમાં જપાનમાં આવેલી ભૂકંપ અને સુનામીને કારણે ફુકુશિમા અણુ વીજળી મથકમાં પ્રચંડ ધડાકો થયો છે અને તેમાંથી હાનિકારક કિરણોત્સર્ગ બહાર ફેલાઇ રહ્યો છે. આજની કોઇ પણ અણુભઠ્ઠીઓની ડિઝાઇન ભૂકંપ અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સામે ટકી શકે તેમ નથી એ પુરવાર થઇ ગયું છે. ફુકુશિમાની આ અણુદુર્ઘટનાને પગલે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં નવા બંધાઇ રહેલા અણુ વીજળી મથકોની સલામતી બાબતમાં મોટા સવાલ પેદા થયો છે.
જપાનમાં જેમ હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ અણુ બોમ્બ ફેંક્યા તેને કારણે મહાવિનાશ થયો હતો તેમ હવે ફુકુશિમા અણુ પ્લાન્ટમાં ઉપરાછાપરી થઇ રહેલા વિસ્ફોટોને કારણે આખા દેશમાં ન્યુક્લિયર ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. જપાનમાં ભૂકંપ અને સુનામીના પગલે ફુકુશિમા પાવર પ્લાન્ટને મળતો વીજળીનો પુરવઠો ખોરવાઇ ગયો હતો. વીજળી ન મળતાં પાવર પ્લાન્ટને ઠંડુ રાખવાના યંત્રો કામ કરતા બંધ થઇ ગયાં હતાં અને તેમાં ઉષ્ણતા વધી જતાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જે રીતે અણુ બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે આકાશમાં સફેદ વાદળું ઉપર ચડતું જોવા મળે તેવું વાદળું પ્લાન્ટમાંથી બહાર નીકળતું જોવા મળ્યું હતું. જે વિસ્તારમાં આ એટમિક પાવર પ્લાન્ટ આવેલો છે ત્યાં આશરે ૮૦,૦૦૦ મનુષ્યોની વસતિ છે. આ સમગ્ર વસતિને ખાલી કરાવવાની પ્રક્રિયા પૂરી થાય તે પહેલા તેમાંના અનેક લોકો જીવલેણ કિરણોત્સર્ગનો શિકાર બની રહ્યા છે. જપાનની સરકારે અત્યાર સુધીમાં ૨૩ નાગરિકોને કિરણોત્સર્ગની અસર થઇ હોવાની જાહેરાત કરી છે. આ એટમિક પાવર પ્લાન્ટનો સલામતીનાં કારણે અગાઉથી વિરોધ કરી રહેલી જપાનની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે જપાનની સરકાર આ દુર્ઘટના બાબતમાં તથ્યોને છૂપાવી રહી છે.
જપાનમાં કોલસો અને જળઉર્જા જેવાં પરંપરાગત સાધનોની અછત હોવાને કારણે જપાનની ત્રીજા ભાગની વીજળી અણુભઠ્ઠીઓ દ્વારા પેદા કરવામાં આવે છે. તેમ છતાં જપાનમાં અણુ વીજળી મથકોની સલામતી બાબતમાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યા છે. દુનિયાનું મોટામાં મોટું અણુ વીજળી મથક જપાનના કાશીવાઝાકી કૈરવા નામના પ્રદેશમાં આવેલું છે. ઈ.સ. ૨૦૦૭ની સાલમાં આ પ્રદેશમાં રિકટર સ્કેલ ઉપર ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના પગલે પ્લાન્ટમાંથી કિરણોત્સર્ગી પદાર્થ બહાર ફેલાઇ ગયો હતો. ત્યારે એવું બહાર આવ્યું હતું કે આ અણુ વીજળી મથકની ડિઝાઇન ૬ની તીવ્રતાના ભૂકંપનો મુકાબલો કરી શકે તેવી નહોતી. આ વાત સરકારે લોકોથી છૂપાવી રાખી હતી. ભૂકંપને પગલે થયેલી દુર્ઘટનાને કારણે આ પ્લાન્ટ ૨૧ મહિના સુધી બંધ રાખવો પડયો હતો. હાલના ભૂકંપમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલો ફુકુશિમા પ્લાન્ટ આખા ટોકિયો શહેરને વીજળી પૂરી પાડતો હોવાથી ટોકિોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે. ફુકુશિમા પાવર પ્લાન્ટના એક નંબરના રિએક્ટરમાં વિસ્ફોટ થવાને પગલે જે કિરણોત્સર્ગ બહાર આવ્યો છે તે સલામત મર્યાદા કરતાં ક્યાંય વધુ છે. પહેલા સરકારે જાહેર કર્યું કે આ કિરણોત્સર્ગની અસરથી બચવા પ્લાન્ટની ૧૦ કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર ખારી કરાવવામાં આવશે. પછી સરકારે જાહેર કર્યું કે હવે ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી વસતિને ખાલી કરાવવામાં આવશે. સરકારની આ વિરોધાભાસી જાહેરાતોને કારણે પણ પ્રજામાં આતંક ફેલાઇ રહ્યો છે. આ જાહેરાતને પગલે આશરે ૧.૭૦ લાખ લોકો પોતાના ઘરબાર છોડીને ભાગી ગયા છે. સત્તાવાળાઓને ભય છે કે જે લોકો કિરણોત્સવર્ગનો ભોગ બન્યા છે તેઓ થાયરોઇડના કેન્સરનો ભોગ બનશે. જો આ વિસ્ફોટના પગલે રશિયાના ચેર્નોબિલમાં બન્યું હતું તેમ અણુભઠ્ઠીનો અંદરનો ભાગ પીગળી જશે તો વધુ મોટા પ્રમાણમાં કિરણોત્સર્ગ બહાર પડી શકે છે. આ દુર્ઘટનાની તો લાખો લોકો ઉપર અસર થઇ શકે છે.
શનિવારે ફુકુશિમાની એક નંબરની અણુભઠ્ઠીની કૂલિંગ સિસ્ટમમાં ધડાકો થયો તેને પગલે આ રિએક્ટરનું આખું મકાન નાશ પામ્યું હતું પણ રિએક્ટરનું ઢાંકણું આપોઆપ બંધ થઇ જવાથી રિએક્ટર બચી જવા પામ્યું હતું. હવે સત્તાવાળાઓને ડર છે કે એક નંબરના રિએક્ટરની કૂલિંગ સિસ્ટમ પણ ખોરવાઇ ગઇ હોવાથી તેમાં પણ ધડાકો થઇ શકે છે. અત્યારે આ રિએક્ટરને ઠંડું પાડવા માટે સ્ટીમરમાંથી દરિયાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં કિરણોત્સર્ગની માત્રા વધીને ૧૫૫૭ માઇક્રો સિવેરેટ ઉપર પહોંચી ગઇ છે. વિજ્ઞાાનીઓ કહે છે કે, ૧,૦૧૫ માઇક્રો સિવેરેટથી વધુ માત્રા માનવીના આરોગ્ય માટે હાનિકારક છે.
અમેરિકાએ લગભગ ત્રણ દાયકાથી અણુભઠ્ઠીઓ બાંધવાનું બંધ કરી દીધું હતું. બરાક ઓબામા પ્રમુખ બન્યા તે પછી તેમણે પ્રદૂષણમુક્ત ઉર્જા તરીકે અણુ વીજળી મથકોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી હતી. અમેરિકાની કંપનીઓ અણુભઠ્ઠીઓ બાંધી શકે તે માટે ઓબામાએ આઠ અબજ ડોલરની લોન આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત ભારત સાથેના અણુ કરારનો અમલ શરૃ થતાં અમેરિકાની કંપનીઓને ભારતમાં અણુભઠ્ઠીઓ બાંધીને અબજો ડોલરની કમાણી કરવાની તક પેદા થઇ હતી. હવે જપાનના ફુકુશિમા અણુ વીજળી મથક દુર્ઘટનાનો ભોગ બનતાં અમેરિકામાં અણુભઠ્ઠીઓનાં બાંધકામ સાથે વિરોધ વધી જશે તે નક્કી છે. આ ઉપરાંત ભારત જેવા દેશો તરફથી જે અમેરિકન કંપનીઓને અણુભઠ્ઠીઓ બાંધવાના ઓર્ડરો મળ્યા છે તે બાબતમાં પણ ફેરવિચારણા થશે.
જપાનના ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં શું ચાલી રહ્યું છે તેની જપાનની સરકારને કે આ પ્લાન્ટનું સંચાલન કરી રહેલી ટોકિયો ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન કંપની (ટેપકો)ને પણ ખબર નથી. ટેપકોના સત્તાવાળાઓને લાગે છે કે તીવ્ર ગરમીને કારણે એક અને ત્રણ નંબરના રિએકટરો પીગળી ગયાં છે. ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં કુલ છ રિએકટરો આવેલા છે. તેની ક્ષમતા ૪.૭ ગિગાવોટ વીજળી પેદા કરવાની છે. આ અણુવીજળી મથકની સ્થાપના ઈ.સ. ૧૯૭૧ની સાલમાં કરવામાં આવી હતી. અમેરિકાની જનરલ ઈલેક્ટ્રિક કંપનીએ તેનું બાંધકામ કરી આપ્યું હતું. તેનું આયુષ્ય ૪૦ વર્ષનું હતું. ફુકુશિમામાં જ્યારે ધડાકો થયો ત્યારે તેનું આયુષ્ય લગભગ પૂરું જ થયું હતું.
ફુકુશિમા એટમિક પાવર પ્લાન્ટમાં યુરેનિયમના સળિયાને ઠંડા કરવા માટે 'લાઇટ વોટર'નો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં જે અણુભઠ્ઠીઓ બાંધવામાં આવી છે તેમાં 'હેવી વોટર' વાપરવામાં આવે છે. રિએકટરમાં થતી અણુ પ્રક્રિયાને કારણે ચિક્કાર ગરમી પેદા થાય છે. આ ગરમીને કારણ પાણીની વરાળ થાય છે. આ વરાળથી ટર્બાઇન ચલાવવામાં આવે છે અને વીજળી પેદા કરવામાં આવે છે. જો રિએકટરને ઠંડાં પાણીનો પુરવઠો મળતો બંધ થઇ જાય તો ઈમર્જન્સી કૂલિંગ સિસ્ટમ ચાલુ થઇ જાય છે, જેમાં બોરોન ધરાવતું પાણી રિએકટરમાં છોડવામાં આવે છે. જપાનમાં સુનામી આવ્યું તેને પગલે એટમિક પાવર પ્લાન્ટમાં સંઘરવામાં આવેલું બેરોનયુક્ત પાણી દરિયામાં વહી ગયું હોવાથી ઈમર્જન્સી કૂલિંગ સિસ્ટમ પણ નકામી બની ગઇ હતી. ભૂકંપને કારણે વીજળી બંધ થવાથી પાણીના પમ્પો પણ કામ કરતાં બંધ થઇ ગયા હોવાથી રિએકટરમાં ગરમીનું પ્રમાણ એકદમ વધી ગયું હતું. ઈ.સ. ૧૯૬૦ના દાયકામાં આ અણુભઠ્ઠીની રચના કરનારી અમેરિકન કંપનીએ ભૂકંપ અને સુનામી જેવી સંયુક્ત આફતોની કલ્પના જ કરી નહોતી.
ભારતમાં પણ અમેરિકન કંપનીઓની સહાયથી ૨૦ એટમિક પાવર પ્લાન્ટ બાંધવામાં આવ્યા છે. ભારતનું પ્રથમ અણુ ઉર્જામથક મુંબઇ નજીક તારાપુર ખાતે બાંધવામાં આવ્યું હતું. ગુજરાતના કાકરાપારમાં પણ અણુ વીજળી મથક બાંધવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં જો સુનામી આવે તો તારાપુરના પ્લાન્ટની હાલત પણ ફુકુશિમા જેવી થાય અને મુંબઇના નાગરિકો કિરણોત્સર્ગનો ભોગ બની શકે છે. ભારતના દક્ષિણ તટે જ્યારે સુનામી આવ્યું ત્યારે ચેન્નાઇ નજીક આવેલા કલ્પક્કમ એટમિક પાવર પ્લાન્ટમાં પણ દરિયાનાં પાણી ભરાઇ ગયાં હતાં પણ સદ્ભાગ્યે કોઇ દુર્ઘટના થઇ નહોતી. ભારતમાં જો જપાન જેવો ભૂકંપ આવે તો ભારતના દરેક અણુ વીજળી મથકો ચેર્નોબિલ જેવા વિનાશક પૂરવાર થઇ શકે છે. જપાનના સુનામી પછી સમગ્ર અણુ ઉર્જાની સલામતી સામે જ પ્રશ્નાર્થ પેદા થયો છે.
કાળા માથાનો માનવી પ્રગતિની અને વિકાસની ગમે તેટલી ડંફાસો મારે તો પણ પ્રકૃતિના તાંડવસામે તેની તમામ વૈજ્ઞાાનિક શોધો વામણી જ પુરવાર થાય છે. અત્યારે આપણે જે પ્રકારનું શહેરીકરણ કરી રહ્યા છીએ અને સમુદ્રતટે જે ગગનચુંબી ઈમારતો બાંધી રહ્યા છીએ તેની ભૂકંપ અને સુનામીમાં કેવી હાલત થશે તેની વિચારણા કરવાની દૂરંદેશી પણ આપણામાં હોવી જોઇએ. આપણે એમ ન માની લેવું જોઇએ કે જપાનમાં જે બન્યું છે તે ભારતમાં કદાપિ નહીં બને. જપાનમાં જે બન્યું છે તે આવતી કાલે ભારતમાં પણ બની શકે છે એમ માનીને આપણે આપણી જીવવાની પદ્ધતિમાં ફેરફારો કરવાની શરૃઆત કરવી જોઇએ.
-સંજય વોરા

No comments:

Post a Comment