ભારતની રાજધાની નવી દિલ્હી ગુનાઓની પણ રાજધાની બની ગઈ છે. દિલ્હીના પોશ નોઇડા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કન્યા આરુષિ તલવારની હત્યાનો ભેદ સીબીઆઇ ત્રણ વર્ષ પછી પણ ઉકેલી શકી નથી. દિલ્હીની અનેક સેલિબ્રિટીઓની હાજરીમાં મહિલા પત્રકાર જેસિકાલાલની હત્યા થઈ હતી, છતાં કોઈ સાક્ષી આપવા આગળ નહોતું આવ્યું. જેસિકા લાલની હત્યા ઉપરથી ફિલ્મ બની ગઈ પણ રાજધાની દિલ્હીની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો હોવાનું જણાતું નથી. દિલ્હીમાં દરરોજ સરેરાશ એક મહિલાની છેડતીની ફરિયાદ પોલીસના ચોપડે નોંધાય છે. ઇ.સ. ૨૦૧૧ની સાલમાં દિલ્હીમાં બળાત્કારની ૪૨ અને છેડતીની ૭૨ ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. રાજધાની દિલ્હીમાં વર્ષે આશરે ૫૦૦ હત્યાઓ થાય છે તેમાં ૨૫ ટકા મહિલાઓ હત્યાનો શિકાર બનતી હોય છે. જે રાજ્યના મુખ્યપ્રધાન પોતે મહિલા હોય ત્યાં મહિલાઓની આવી કફોડી હાલત માટે આપણા સમાજની રૃગ્ણ માનસિકતા જ વધુ જવાબદાર છે.
આખી દુનિયામાં જ્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ચાલી રહી હતી ત્યારે દિલ્હીના ધોલા કૂવા વિસ્તારમાં ધોળા દહાડે ૨૦ વર્ષની કોલેજિયન કન્યા રાધિકા તંવરની છાતીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા તેની કોલેજની સામે આવેલા ઓવરબ્રિજ ઉપર અનેક કોલેજિયનોની હાજરીમાં કરવામાં આવી હતી; તો પણ કોઈ વિદ્યાર્થી રાધિકાને બચાવવા મદદે આવ્યો નહોતો. ઘાયલ થયેલી રાધિકા અડધો કલાક સુધી બ્રિજ ઉપર પડી રહી હતી; તો પણ કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની હિંમત કરી નહોતી. એક પોલીસ કોન્સ્ટેબલ ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે કોઈ રીક્ષાવાળા રાધિકાને લઈ જવા માટે રીક્ષા ઉભી રાખવા પણ તૈયાર નહોતા. કોન્સ્ટેબલે એક રીક્ષાવાળા ઉપર જબરદસ્તી કરીને તેની રીક્ષામાં રાધિકાને મૂકી દીધી હતી. રાધિકા હોસ્પિટલ પહોંચી ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસની જાહેરાત છતાં હજી સુધી કોઈ સાક્ષી આપવા પણ આગળ આવ્યું નથી.
નવી દિલ્હીમાં ભદ્ર સમાજનો એક બોલકો વર્ગ છે, જે નૈતિકતાની બાબતમાં શૂન્ય છે, પણ આવી ઘટના બને ત્યારે જાહેરમાં નૈતિકતાનો ચિપિયો પછાડવાની તક જતી કરતો નથી. આરુષિ તલવારની હત્યા પછી નોઇડાની પોલીસે શકમંદ તરીકે આરુષિના પિતા રાજેષ તલવારની ધરપકડ કરી ત્યારે આ ટીનેજરોએ વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી હતી અને રાજેષ તલવારને છોડી દેવા પોલીસ ઉપર નૈતિક દબાણ લાવ્યા હતા. રાધિકા તંવરની જ્યારે હત્યા થઈ રહી હતી ત્યારે ચૂપચાપ તમાશો જોનારા દિલ્હીના બે કોલેજિયનો બે દિવસથી પાટનગરમાં મોરચાઓ કાઢી રહ્યા છે અને પોલીસના માથે માછલાઓ ધોઈ રહ્યા છે. રાધિકાની હત્યાના બીજા દિવસે આશરે ૨૫૦ વિદ્યાર્થીઓ દિલ્હી યુનિવર્સિટીના દક્ષિણ કેમ્પસમાં ભેગા થયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.
રાધિકાની હત્યા પછી દિલ્હીની પોલીસ તરત જ કામે લાગી ગઈ હતી. તેણે અનેક ટુકડીઓ બનાવીને રાધિકાના હત્યારાની શોધ ચાલુ કરી છે. પોલીસની થિયરી એવી છે કે હત્યારા પાસે સાધિકાની રજેરજની વિગતો હતી. રાધિકા ક્યારે ઘરેથી નીકળે છે, ક્યારે બસમાં બેસે છે, ક્યારે બસમાંથી ઉતરે છે, ક્યારે બ્રિજ ક્રોસ કરે છે અને ક્યારે કોલેજમાં પ્રવેશ કરે છે તેની હત્યારાને બરાબર માહિતી હતી. તે ઘણા સમયથી રાધિકાનો પીછો કરતો હતો. તેણે ૩૧૫ બોરની પિસ્તોલ વડે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી રાધિકાને ગોળી મારી હતી. રાધિકાની હત્યા થઈ ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ફૂટ ઓવરબ્રિજ પર હાજર હતા. ગોળી છૂટતાં જ તેઓ ગભરાઈને ભાગી ગયા હતા. રાધિકા લોહીના ખાબોચિયામાં પડી પડી તરફડતી હતી ત્યારે પણ તેને બચાવવા કોઈ આગળ આવ્યું નહોતું. હત્યારાને પકડવાની પણ કોઈએ કોશિષ કરી નહોતી. રાધિકાની હત્યા કોઈ ચોરી કે લૂંટફાટના ઇરાદાથી કરવામાં આવી નથી. હત્યારાને રાધિકા સાથે અંગત વેર હતું જેની વસૂલાત કરવા તેણે રાધિકાની હત્યા કરી હતી. આ માટે તેણે રાધિકાની કોલેજ સામેના સ્થળને જ પસંદ કર્યું હતું. હત્યારો ક્યાં તો અત્યંત બહાદુર હતો, ક્યાં પ્રેમના નશામાં ભાન ભૂલી ગયો હતો. આ કારણે જ તેણે હત્યા કરવા માટે લોકોની અવરજવરથી ધમધમતા સ્થળને પસંદ કર્યું હતું. કોલેજના યુવક- યુવતીઓ એટલા કાયર હતા કેે કોઈ હત્યારાને પકડવાની હિંમત દર્શાવી શક્યું નહી.
આજકાલ કોલેજમાં ભણતી યુવતીઓના માથે કયા પ્રકારનું જોખમ ઝળુંબી રહ્યું છે તેનો ખ્યાલ પણ રાધિકા તંવરની હત્યા ઉપરથી આવે છે. રાધિકાના મિત્રો કહે છે કે, એક યુવક છેલ્લાં બે-ત્રણ વર્ષથી રાધિકાને તેની સાથે લગ્ન કરવા માટેનું દબાણ કરીને તેને હેરાન કરી રહ્યો હતો. આ યુવક રાધિકાની કોલેજનો વર્તમાન કે ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય તેવું પણ બની શકે છે. કોલેજમાં ભણતી યુવતીઓ ક્યારેક કોઈને દિલ દઈ બેસે છે અને પછી પ્રેમીની અસલિયત છતીં થતાં તેનાથી છૂટકારો મેળવાની કોશિષ કરે ત્યારે કપરી પરિસ્થિતિ પેદા થતી હોય છે. શ્રીમંતોના નબીરાઓ જે યુવતી પાછળ પાગલ બને તેને મેળવીને જ ઝંપવાની કસમ ખાતા હોય છે. આવા યુવકોથી કોલેજમાં ભણતી પોતાની દિકરીને બચાવવાનો મોટો પડકાર તેના માતાપિતા સમક્ષ ઉભો થતો હોય છે.
દિલ્હીની પોલીસે પોતાની પ્રાથમિક તપાસમાં એવું તારણ કાઢ્યું કે, રાધિકાનો ખૂની તેને ઓળખતો હતો અને ઘણા લાંબા અરસાથી તેનો પીછો કરી રહ્યો હતો તે પણ રાધિકાના માતાપિતાને પસંદ પડયું નહોતું. રાધિકાના મિત્રોએ પોલીસને પૂછપરછ દરમિયાન એવું પણ કહ્યું હતું કે રાધિકાના માતાપિતા આ યુવકને ઓળખે છે અને તેની પિટાઈ પણ કરી ચૂક્યા છે. આ નિવેદન અખબારોમાં છપાયું ત્યારે રાધિકાના માતાપિતાએ પોલીસ ઉપર એવો આક્ષેપ કર્યો કે તેઓ રાધિકાનું ચારિત્રહનન કરી રહ્યા છે. પોલીસે આ ઘટના નજરે જોનારા બે શખ્સોની મદદથી હત્યારાનો સ્કેચ બહાર પાડયો તેને કારણે આ કેસ ઉકેલાઈ જવાના સંયોગો ઉજળા બન્યા છે. આ સ્કેચ જોયા પછી રાધિકાના માતાપિતાએ ફેરવી તોળ્યું છે કે તેઓ આ યુવકને ઓળખે છે અને તે ખરેખર રાધિકાનો પીછો કરતો હતો. આ સ્કેચના આધારે રાધિકાના હત્યારાની ટૂંક સમયમાં ધરપકડ કરવાનો પોલીસને વિશ્વાસ છે.
આજની કોલેજો પણ સરસ્વતીના મંદિર જેવી મટીને ફિલ્મોના સેટ જેવી બની ગઈ છે. કોલેજોમાં જતા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભણવા માટે કોલેજમાં જતા નથી પણ મોજમજા કરવા માટે અને પોતાના શ્રીમંત માબાપની લક્ષ્મીનું પ્રદર્શન કરવા માટે જાય છે. પોતાનો મોટા ભાગનો સમય તેઓ ક્લાસ રૃમમાં વીતાવાને બદલે કોલેજના ગેટ ઉપર અને કેન્ટીનમાં વીતાવે છે. આ નવરાધૂપ કોલેજિયનોની ગેન્ગમાં કેટલીક યુવતીઓ પણ હોય છે, જેનો ઉપયોગ બીજી ભોળી યુવતીઓને ફસાવવા માટે કરવામાં આવે છે. મધ્યમવર્ગની યુવતીઓ આ નબીરાઓની ધનદોલતના મોહમાં ફસાઈ જાય છે અને તેમનો શિકાર બની જાય છે. આ યુવતીઓને સેક્સ રેકેટમાં ફસાવી તેમની બિભત્સ ક્લિપો પણ ઉતારી લેવામાં આવે છે. મા-બાપને આ વાતની જાણ થાય છે ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.રાધિકા તંવરની હત્યા કરનારો યુવક પણ કોઈ શ્રીમંત ઘરનો નબીરો જ હોવો જોઈએ. મધ્યમવર્ગના યુવાનોના હાથમાં સહેલાઈથી ૩૧૫ બોરની પિસ્તોલ આવતી નથી અને તેમને તેનો ઉપયોગ કરતા પણ આવડતું નથી. આ યુવકના પિતા કદાચ કોઈ પોલીસ ઓફિસર હોઈ શકે અથવા વગદાર હોવાને કારણે લાઇસન્સવાળી પિસ્તોલ ધરાવતા હોય તેવું પણ બની શકે છે. દિલ્હી પોલીસ આ હત્યારા યુવકને તો પકડી પાડશે, પણ તેની વિરુદ્ધમાં સાક્ષી આપવા કોઈ આગળ નહીં આવે તો ગુનો પુરવાર કરવાનું બહુ મુશ્કેલ થઈ જશે. રાધિકાના કેસમાં પણ જેસિકા લાલના કેસમાં જે ઘટના બની હતી તેનું પુનરાવર્તન થઈ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે.
ભારતની રાજધાની દિલ્હીમાં સ્ત્રીઓ બિલકુલ સલામત નથી એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. બિહારના ગામડાઓ કરતાં પણ છેડતી, બળાત્કાર અને હત્યાની વધુ ઘટનાઓ દિલ્હીમાં બની રહી છે. તેનું કારણ એ છે કે નવી દિલ્હી સત્તાનું અને સંપત્તિનું કેન્દ્ર છે. જે લોકોના હાથમાં સંપત્તિ અને સત્તા આવી જાય પણ સંસ્કારો ન હોય તેઓ વ્યભિચારી અને હિંસક બની જાય છે. દિલ્હીના વગદારો અને માલેતૂજારો આ કારણે જ ગુનાખોરી તરફ વળ્યા છે. આજની શાળાઓ અને કોલેજોમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાાન વગેરે વિષયો ભણાવવામાં આવે છે પણ નૈતિક કેળવણી જ આપવામાં નથી આવતી તેનું આ પરિણામ છે. તેને માટે સરકારને દોષ દેવાનો કોઈ મતલબ નથી. જે શહેરની પ્રજા વિલાસી અને કાયર હોય તેને શહેરની પોલીસ પણ સંરક્ષણ આપી શકે નહીં.
રાધિકાની હત્યાનો કિસ્સો કોલેજમાં ભણતી તમામ કન્યાઓના માતાપિતા માટે લાલબત્તી સમાન છે. આ કન્યાઓને શક્ય હોય ત્યાં સુધી મહિલાઓ માટેની કોલેજમાં ભણાવવામાં જ સલામતી છે. જે કન્યાઓ ખરેખર કોલેજમાં જઈને ભણવા માગતી હોય તેઓ કદી મહિલા કોલેજમાં જવાનો ઇનકાર નહીં કરે. જે કન્યા કો-એડ્યુકેશન આપતી કોલેજમાં ભણતી હોય તેના મા-બાપોએ એક્સ્ટ્રા સાવચેત રહેવું જોઈએ. અગાઉ અમદાવાદ અને મુંબઈ જેવા શહેરોમાં પણ કોલેજ કન્યાઓની છેડતી, બળાત્કાર અને હત્યાના કિસ્સાઓ બન્યા છે. હવે દિલ્હીનો કિસ્સો કોલેજ કન્યાઓના મા-બાપની આંખ ઉઘાડનાર બની રહેવો જોઈએ.
-સંજય વોરા
No comments:
Post a Comment