વસતિગણતરીનો અનુભવ બેઘર નાગરિકો માટે દુઃખદ હતો
વસતિ ગણતરી જો દેશના વિકાસ માટે થતી હોય તો તેનાં ફળરૃપે દેશના તમામ બેઘર નાગરિકોને રહેવા માટે પાકું મકાન મળવું જોઈએ
દેશભરમાં અત્યારે વસતિ ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. સરકાર દ્વારા પ્રસાર માધ્યમોમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે કે દેશના વિકાસ માટે વસતિ ગણતરીના કાર્યમાં સહકાર આપો. આપણા ઘરના દરવાજા ઉપર વસતિગણતરી કરનાર કર્મચારી ટકોરા મારે ત્યારે આપણે તેમને પ્રેમથી આવકારીએ છીએ અને તેને આપણા પરિવાર વિશેની બધી વિગતો હોંશે હોંશે લખાવીએ છીએ. સ્વતંત્રતાનાં ૬૩ વર્ષ પછી પણ આપણી સરકાર એવા અર્થતંત્રનું નિર્માણ નથી કરી શકી કે જેમાં દેશનો કોઈ નાગરિક ભૂખ્યો સૂતો ન હોય અને દરેક નાગરિકના માથે છાપરું હોય. આપણા દેશમાં કરોડો નાગરિકો એવા છે કે જેમને રહેવા માટે ઘર જ નથી. તેમ છતાં તેઓ દેશના નાગરિક હોવાથી તેમની વસતિગણતરી કરવી પણ જરૃરી બની જાય છે. ઘરબારવિહોણા આવા કરોડો નાગરિકોની વસતિગણતરી કેવી રીતે કરવી એ સરકારી અધિકારીઓ માટે પણ મોટો પડકાર હતો. વસતિગણતરી કરતા અધિકારીઓએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યા કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવાં શહેરોમાં ફૂટપાથ ઉપર વસતા લાખો કમનસીબ નાગરિકોની ઉંઘ હરામ થઈ ગઈ હતી. વસતિગણતરીથી જો દેશનો વિકાસ થતો હોય તો સૌથી પહેલા આ બેઘર નાગરિકોને રહેવા માટે ઘર મળવું જોઈએ. વસતિગણતરી કરનારા સરકારી અધિકારીઓ કે સરકાર પણ આ બેઘર નાગરિકોને તેમને રહેવા માટે ઘર મળશે તેવું કોરું આશ્વાસન પણ આપવાની સ્થિતિમાં નથી.
વસતિગણતરી કરનારા અધિકારીઓ માટે ૨૮મી ફેબુ્રઆરીનો દિવસ તેમનું કાર્ય આટોપી લેવા માટેનો છેલ્લો દિવસ હતો. ૨૮મી ફેબુ્રઆરીની રાતે વસતિગણતરી કરનારા અધિકારીઓની આખી ફોજ મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવાં શહેરોની ફૂટપાથો ઉપર ઉતરી આવી હતી. મુંબઈ શહેર માટે વર્ષોથી કહેવત છે કે અહીં રોટલો મળે પણ ઓટલો ન મળે. આખા ભારતમાં સૌથી વધુ બેઘર લોકો મુંબઈ શહેરમાં વસે છે. મુંબઈના ઉદ્યોગપતિ અને રાજકારણીઓ એકબાજુ અબજો રૃપિયાના આલિશાન બંગલાઓમાં રહે છે તો બીજી બાજુ લાખો નાગરિકો ફૂટપાથ ઉપર ઝૂંપડાઓ બાંધીને પોતાના પરિવાર સાથે ત્યાં વસવાટ કરે છે. આ કમનસીબ નાગરિકોની વસતિગણતરી કરવા ગયા સોમવારની રાતે વસતિગણતરી કરતા આશરે ૧,૦૦૦ પુરૃષ કર્મચારીઓનો કાફલો અડધી રાતે શહેરની ફૂટપાથો ઉપર આશરે ૭૦૦ સ્થળોએ પહોંચી ગયો હતો. આખો દિવસની મહેનતમજૂરી કરીેને થાકેલા શ્રમજીવીઓને તેમણે ઉંઘમાંથી ઉઠાડયા હતા અને તેમના પરિવાર બાબતમાં સવાલો પૂછવા લાગ્યા હતા. હાથમાં ટોર્ચ, પેન અને વસતિગણતરીનું ફોર્મ લઈને આવેલા આ સરકારી કર્મચારીઓને જોઈને ફૂટપાથ ઉપર રહેતા લોકોને ડર લાગ્યો હતો કે હવે તેમને અહીંથી પણ ખદેડવામાં આવશે.
આ ગરીબો ફૂટપાથો ઉપરાંત કાર પાર્કિંગ વિસ્તાર, દરિયાકિનારા અને બગીચાઓની આજુબાજુ પોતાનાં ઝૂંપડાં બનાવીને રહે છે. આ નાગરિકો સુધી ક્યારેય કોઈ સરકારી કર્મચારી મદદ આપવા પહોંચ્યો હોય તેવું તેમને યાદ નથી. વસતિગણતરીના અધિકારીઓનું અર્ધી રાતે આગમન થયેલું જોઈ તેમને પહેલી વખત એવો અહેસાસ થયો હતો કે તેઓ પણ આ દેશના નાગરિક છે અને તેમના અસ્તિત્વની પણ સરકાર નોંધ લઈ રહી છે. કેટલાક મજૂરો તો દુઃખ ભૂલવા દારૃ પીને સૂઈ ગયા હતા તેમને વસતિ ગણતરી અધિકારીઓ અટપટા સવાલો પૂછવા લાગ્યા હતા. મોટાભાગના લોકોએ વસતિ ગણતરી કરનારા અધિકારીને સામા સવાલો કર્યા હતા કે આ નોંધણી પછી સરકાર અમને ઘર આપશે ખરી? આ સવાલનો કોઈ જવાબ આપવાની સ્થિતિમાં વસતિગણતરી કરનારા અધિકારીઓ નહોતા.
મુંબઈ શહેરમાં આશરે ૧.૭૫ લાખ નાગરિકો અથવા ૪૦,૦૦૦ પરિવારો બેઘર હોવાનું માનવામાં આવે છે. તેની સામે ઈ.સ. ૨૦૦૧ની વસતિગણતરીમાં આશરે ૪૦,૦૦૦ નાગરિકોને જ આવરી લેવાયા હતા. આ બેઘર નાગરિકોનું કોઈ કાયમી ઠેકાણું ન હોવાથી તેમની વિગતો મેળવવામાં બહુ મુશ્કેલી પડે છે. નવાઈની વાત એ છે કે વર્તમાન વસતિ ગણતરીમાં મુંબઈના માત્ર ૩૦,૦૦૦ બેઘર નાગરિકોની જ વિગતો પ્રાપ્ત કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. બાકીના આશરે ૧.૫૦ લાખ બેઘર નાગરિકો વસતિગણતરીની પ્રક્રિયામાંથી બાકાત જ રાખવામાં રહી જશે. આ પરિસ્થિતિમાં વસતિગણતરીના આંકડા કેટલા વિશ્વસનીય ગણવા?
મુંબઈની સરખામણીએ દિલ્હી શહેરમાં બેઘરોની સંખ્યા ઓછી છે. ઈ.સ. ૨૦૧૦ની વસતિગણતરીમાં દિલ્હી શહેરમાં ૨૫,૦૦૦ નાગરિકો ઘરબારવિહોણા હોવાનું જણાયું હતું. દિલ્હીની જામા મસ્જિદ નામના વિસ્તારમાં જ ૨,૫૦૦ બેઘર નાગરિકો વસતા હોવાનો અંદાજ છે. દિલ્હીમાં બીજા એવા ૩૦૦ સ્થળો છે જ્યાં બેઘર નાગરિકો મોટી સંખ્યામાં વસે છે. દિલ્હી શહેર તો ભારતની રાજધાનીનું શહેર છે. દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન એકરો જમીન ઉપર પથરાયેલું છે અને તેમાં કમરાઓ છે. જે દેશના રાષ્ટ્રપતિ આવા ભવ્ય મહાલયમાં વસવાટ કરે છે તે દેશના લાખો નાગરિકોને રહેવા માટે નાનકડું ઘર પણ ન હોય તે રાષ્ટ્રીય શરમ ગણાવી જોઈએ. દિલ્હીના બેઘરોની વસતિ ગણવા માટે આશરે ૧,૫૦૦ સરકારી કર્મચારીઓને કામે લગાવવામાં આવ્યા હતા.
વસતિગણતરી કરનારા કર્મચારીઓ કેવા અટપટા સવાલો પૂછે છે અને તેને કારણે બેઘર લોકો કેવા પરેશાન થાય છે તેનું એક ઉદાહરણ જાણવા જેવું છે. જામા મસ્જિદ વિસ્તારમાં વસતિગણતરી કરનારા અધિકારીઓ યાસ્મીન નામની સ્ત્રીને મળ્યા. યાસ્મીને આપેલી માહિતી મુજબ તેના બે પતિ છે અને ચાર સંતાનો છે. એક પતિ મરી ગયો છે અને બીજો ભાગેડુ જાહેર થયો છે. યાસ્મીનના કહેવા મુજબ તેની પોતાની ઉંમર ૩૨ વર્ષની છે અને તેની સૌથી મોટી પુત્રીની ઉંમર ૧૭ વર્ષની છે. ''શું તમને પહેલું સંતાન થયું ત્યારે તમારી ઉંમર ૧૫ વર્ષની હતી?'' યાસ્મીન કહે છે કે તેનો સાવકો બાપ ભાગી ગયો છે અને તેના માટે તે મરી ગયો છે. વસતિગણતરી કરનારા સરકારી અધિકારીઓને યાસ્મીનની દુઃખદ કથા સાંભળવામાં બિલકુલ રસ નથી. તેમનો તો ફોર્મનાં ખાનાં પૂરવામાં જ રસ છે. ૩૦ મિનિટમાં તેઓ પોતાનું કાર્ય પૂર્ણ કરે છે અને ચાલતી પકડે છે. વસતિગણતરીનાં જ્યારે પરિણામો બહાર આવશે ત્યારે આપણને અટપટા આંકડાઓ જાણવા મળશે પણ આ આંકડાઓ પાછળ છૂપાયેલી કરોડો વેદનાની કથાઓ સાંભળવા નહીં મળે. જે સરકારને માત્ર આંકડાઓ સાથે જ નિસબત છે અને પ્રજાની પીડાની જરાય ચિંતા નથી તે પ્રજાનું કલ્યાણ કેવી રીતે કરી શકશે?
કોલકાતા શહેર 'સિટી ઓફ જોય' તરીકે અથવા 'સિટી ઓફ પેલેસીસ' તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજો દ્વારા આ શહેરમાં કેટલીક ભવ્ય ઈમારતો બાંધવામાં આવી હતી, જેને કારણે તેને 'સિટી ઓફ પેલેસીસ'નું બિરુદ મળ્યું હતું. આ ભવ્ય ઈમારતોમાં અત્યારે સરકારી કચેરીઓ જે સંગ્રહાલયો આવેલાં છે. કોલકાતાની મોટાભાગની પ્રજા આજે ઝૂંપડાઓમાં અને ચાલીઓમાં વસવાટ કરે છે. ઈ.સ. ૨૦૦૧ની વસતિ ગણતરી વખતે કોલકાતામાં આશરે ૬૭,૦૦૦ બેઘર નાગરિકોનો પત્તો મળ્યો હતો. આ વખતે વસતિગણતરીમાં આશરે ૭૩,૦૦૦ બેઘર નાગરિકોને આવરી લેવાની ધારણા છે. આ માટે ૧,૦૦૦ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા હતા. જેટલા નાગરિકોની ગણતરી થવાની છે તેના કરતાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાંથી બાકાત રહી જવાના છે.
કોલકાતા શહેરમાં બેઘરોની વસતિ ગણતરી કરનારા અધિકારીઓ દ્વારા ૨૮મી ફેબુ્રઆરીની રાતે બેઘરોની શોધનું જાણે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેઓ દરેક ફૂટપાથ ઉપર, રેલવેના પ્લેટફોર્મ ઉપર, ફ્લાયઓવરની નીચે અને નદીના કિનારા ઉપર પણ ફરી વળ્યા હતા. રસ્તા ઉપર કોઈ ગટરના પાઈપ પડયા હોય તો તેની અંદર પણ ડોકિયું કરીને તેઓ કોઈ પરિવારને શોધી કાઢતા હતા અને તેમની ગણતરી કરી લેતા હતા. હૂગલી નદીના કિનારે એક ફૂટપાથ ઉપર રહેતી ૫૧ વર્ષની રમા દેવીનો જન્મ પણ આ ફૂટપાથ ઉપર જ થયો હતો. રમા દેવીને આ ફૂટપાથ ઉપરથી હટાવવાની પોલીસે ઘણી વખત કોશિષ કરી જોઈ પણ રમા દેવી પોલીસથી બચવામાં સફળ રહી છે. આ માટે તેણે ઝૂંપડપટ્ટીના દાદાને નિયમિત હપ્તો ચૂકવવો પડે છે, જે પોલીસને સંભાળી લે છે. રમા દેવીની જિંદગીમાં પહેલી વખત વસતિગણતરી કરતા અધિકારીઓ તેના આંગણે આવ્યા અને તેની ઉંમર, શૈક્ષણિક લાયકાત, જન્મસ્થળ અને આવકનું સાધન વગેરે વિગતો પૂછવા લાગ્યા. રમા દેવીને હવે ડર પેસી ગયો છે કે આ વસતિગણતરી કરનારા અધિકારીઓની તેની ફૂટપાથ પણ ઝૂંટવી લેશે.
મુંબઈ શહેરમાં વસતિગણતરી કરનારા અધિકારીઓ મોટા ભાગના બેઘરોની વિગતો મેળવવા તેમની સાથે કામ કરતી સેવાભાવી સંસ્થાઓના કાર્યકરોને તેમની સાથે લઈને ગયા હતા. બાંદરા બ્રિજની નીચે એક જગ્યાએ બુરખા પહેરેલી આશરે ૮૦ મહિલાઓ એકઠી થઈ ગઈ હતી અને પોતાના પરિવારોની વિગતો લખાવવા વિનવણી કરી હતી. કોઈએ તેમને કહ્યું હતું કે આ સરકારી કર્મચારીઓને તમારી વિગતો આપવાથી સરકાર તમને ઘર આપશે. વસતિગણતરી કરનારા કર્મચારીઓએ આ મહિલાઓને નારાજ કરવી પડી હતી. જો આ વસતિગણતરીથી તેમનું જીવનધોરણ ઊંચું આવવાનું ન હોય તો તેનો શું ફાયદો? એવો સવાલ આ બેઘર નાગરિકો પૂછી રહ્યા છે.
-sanjay vora
No comments:
Post a Comment