Thursday, March 24, 2011

ભારતના વર્તમાન નેતાઓએ દેશને વેચી માર્યો છે



વિકિલિક્સના કેબલ અનુસાર અમેરિકાના ઈશારે મણિશંકર ઐયરને પાણીચું આપીને મુંબઈના સાંસદ મુરલી દેવરાને પેટ્રોલિયમ પ્રધાન બનાવાયા હતા
જૂના જમાનાના રાજાઓ ખેપિયા સાથે કે કબૂતરો સાથે સંદેશાઓ મોકલતા હતા તે જાહેર થઈ જવાની શક્યતા બહુ ઓછી હતી. આધુનિક યુગમાં ઝડપથી સંદેશાઓ મોકલવા માટે જે ઈન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે તે તદ્દન બિનસલામત છે.
વિકિલિક્સ તરફથી અમેરિકાના વિદેશ ખાતાંના ગુપ્ત સંદેશાઓ પ્રગટ કરવાનું જે તોફાન ચાલી રહ્યું છે તે ઇન્ટરનેટની કમાલ છે. વિકિલિક્સ તરફથી અમેરિકાના ભારતીય રાજદૂતો દ્વારા મોકલવામાં આવેલા સંદેશાઓનો જે જથ્થો લિક કરવામાં આવ્યો છે તેને કારણે ભારતના રાજકારણીઓ કેટલી હદે અમેરિકાના ગુલામ છે અને તેમણે અંગત સ્વાર્થમાં દેશને કેવો અમેરિકાને વેચી માર્યો છે તેનો ખ્યાલ આવે છે. આ કેબલોનું પૃથ્થકરણ કરતાં સમજાય છે કે ભારતના રાજકારણીઓ અમેરિકાની લાંચ ખાઈને ભારતની પ્રજાનો અને દેશનો પણ દ્રોહ કરી રહ્યા છે. આવા તમામ માટીપગા રાજકારણીઓને પ્રજાએ સત્તાત્યાગ કરવાની ફરજ પાડવી જોઈએ.
તાજેતરમાં આરબ વિશ્વમાં જે ઉથલપાથલો ચાલી રહી છે તેનું વિશ્લેષણ વાંચતા આપણને કહેવામાં આવે છે કે ઈજિપ્તના ભૂતપૂર્વ પ્રમુખ હોશ્ની મુબારક અને બહેરીનના વર્તમાન પ્રમુખ શેખ અલ ખલીફા અમેરિકાની કઠપૂતળી જેવા છે અને તેમણે અમેરિકાના ઈશારે પોતાના દેશને ગિરવે મૂકી દીધો છે. આ વાત ભારતના વર્તમાન રાજકારણીઓને પણ એટલી જ લાગુ પડે છે. ભારતની ટ્રેજેડી એ છે કે ભારતના શાસક પક્ષના નેતાઓની જેમ મુખ્ય વિરોધ પક્ષ ભાજપના નેતાઓ પણ અમેરિકાના ગુલામ છે. આ કારણે જ સંસદમાં જ્યારે અમેરિકા સાથેના અણુ કરારનો વિરોધ કરવાની નોબત આવી ત્યારે ભાજપના દિગ્ગજ નેતાએ અમેરિકાના રાજદૂત સમક્ષ એવા લાળા ચાવવા પડયા હતા કે ''અમે આ વિરોધ માત્ર રાજકીય કારણોસર કરી રહ્યા છીએ, હકીકતમાં ભાજપ અણુ કરારની તરફેણમાં જ છે.''
ભારતના બંધારણમાં લખવામાં આવ્યું છે કે ''ભારત એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર છે'' ભારતના વેંતિયા રાજકારણીઓ જે રીતે અમેરિકાના ઈશારા ઉપર નાચી રહેલા છે તે જોઈને લાગ્યા વિના રહેતું નથી કે તેમણે ભારતના સાર્વભૌમત્વને વેચીને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓને ભારતની પ્રજાને લૂંટવાની છૂટ આપીને પોતાના વિદેશી બેન્કોનાં ખાતાંઓ તરબતર કર્યાં છે. ભારતના રાજકારણીઓ અમેરિકાની કઠપૂતળી છે એ વાત તો આપણને વિકિલિક્સ કહે છે. આ રાજકારણીઓ કયા અંગત સ્વાર્થ અથવા ભયના કારણે અમેરિકાની કઠપૂતળીની જેમ વર્તવા તૈયાર થયા છે તેનું સંશોધન હવે ભારતનાં પ્રસાર માધ્યમોએ કરવાનું રહે છે.
વિકિલિક્સે એવો ધડાકો કર્યો છે કે અણુ કરારને સમર્થન આપવાના મુદ્દે સંસદમાં વિશ્વાસનો મત મેળવવા માટે મનમોહન સિંહની સરકારે છ સાંસદોને ૧૦-૧૦ કરોડ રૃપિયા આપ્યા હતા. અહીં સુજ્ઞા વાચકોએ એ વિચારવાનું રહે છે કે સરકાર અણુ કરારને બચાવવા માટે જે ૬૦ કરોડ રૃપિયા વેરવા તૈયાર થઈ ગઈ હોય તે ૬૦ કરોડ રૃપિયા સતિષ શર્માના કે સોનિયા ગાંધીનાં ગજવામાંથી નહોતા આવ્યા. ભારત સાથે અણુ કરાર કરવા માટે મનમોહન સિંહની સરકારને અમેરિકાની અણુભઠ્ઠીઓ બનાવતી મલ્ટીનેશનલ કંપનીઓ તરફથી ૬૦૦ કરોડ કે ૬,૦૦૦ કરોડ કે ૬૦,૦૦૦ કરોડ રૃપિયાની લાંચ મળી હશે તેમાંથી આ રૃપિયા ફાળવવામાં આવ્યા હશે.
અમેરિકા સાથે અણુ કરાર કરવા માટે મનમોહન સિંહ પોતાની સરકારને અને ઈજ્જતને પણ દાવ ઉપર લગાવી દીધી હતી. આ અણુ કરારને સમેતસૂતર પાર ઉતારવા જતાં યુપીએ-૧ સરકારનું પતન પણ થઈ જાય તેવો માહોલ પેદા થયો હતો. આ વાત આખી દુનિયા જાણે છે.
અહીં એ વાત વિચારવાની રહે છે કે અમેરિકા દ્વારા ભારતના રાજકારણીઓને એવી કઈ લાલચ આપવામાં આવી હતી કે જેના કારણે તેઓ સમગ્ર સરકારના અસ્તિત્વને દાવ ઉપર લગાવી દેવા તૈયાર થઈ ગયા હતા? કોઈ કહેશે કે ભારતની વિદેશ નીતિ અમેરિકા તરફ ઝૂકેલી છે, માટે તેણે આવું કર્યું હતું. રાજકારણમાં કોઈ લાલો સ્વાર્થ વગર લોટતો નથી. ભારતના નેતાઓ આ અણુ કરાર કરવા માટે પોતાની જાતને હોડમાં મૂકી દેવા તૈયાર થઈ ગયા હોય તો તેમને જરૃર અમેરિકા તરફથી કોઈ નક્કર ફાયદો થયો જ હશે. પોતાના તુચ્છ અંગત ફાયદા માટે આખા દેશને વેચી મારનારા રાજકારણીઓને પ્રજાએ સિંહાસન ઉપરથી ઉતારી મૂકવા જોઈએ અને આ કરારને રદ્દ કરવો જોઈએ.
ભારતના રાજકારણીઓએ આપણા દેશને એટલી હદે અમેરિકાને વેચી માર્યો છે કે ભારત સરકારના પ્રધાન મંડળમાં કોને રાખવા અને કોને કાઢવા તેનો નિર્ણય પણ ભારતના વડા પ્રધાન અમેરિકાના કહ્યાગરા કંથની જેમ કરતા હતા. યુપીએ-૧ના પ્રારંભમાં પેટ્રોલિયમ મંત્રાલય મણિશંકર ઐયરને સોંપવામાં આવ્યું હતું. મણિશંકરની છાપ ઈમાનદાર નેતાની હતી. તેઓ દેશના હિતોના ભોગે અમેરિકાની તરફેણ કરવા તૈયાર નહોતા. આ કારણે જ તેમણે ઈરાન સાથેની ગેસ પાઈપલાઈનની વાતને આગળ ચલાવી હતી. અમેરિકા ઈરાનનું દુશ્મન હોવાથી તેની ઇચ્છા ભારત-ઇરાન વચ્ચે ગેસની પાઈપલાઈન અટકાવવાની હતી. મણિશંકર ઐય્યર આ માટે તૈયાર નહોતા એટલે અમેરિકાએ વડાપ્રધાન મનમોહન સિંહને આદેશ આપ્યો હતો કે તેમને પડતા મૂકવામાં આવે. અમેરિકાના ગુલામ જેવા આપણા વડાપ્રધાને મણિશંકર ઐય્યરને બદલે મુંબઈના સંસદસભ્ય મુરલી દેવરાને પેટ્રોલિયમ પ્રધાન બનાવ્યા હતા, જેમની છાપ અમેરિકાના તરફદાર તરીકેની હતી. મુરલી દેવરા પેટ્રોલિયમ ખાતાના પ્રધાન બન્યા તે પછી ઈરાન સાથેની પાઈપલાઈનની વાત જમીનમાં ભંડારી દેવામાં આવી હતી.
આપણી સંસદ ઉપર હુમલો કરનારા ત્રાસવાદી અફઝલ ગુરુને હજી સુધી કેમ ફાંસી આપવામાં નથી આવતી તેનું રહસ્ય પણ વિકિલિક્સના કેબલમાંથી જાણવા મળે છે. જો અફઝલ ગુરુની દયાની અરજી તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ઉપર મોકલવામાં આવી હોત તો તેઓ તરત જ આ અરજીને નકારી કાઢીને અફઝલ ગુરુની ફાંસીને ઝડપી બનાવવાની તૈયારી કરી ચૂક્યા હતા. આ વાત સરકારના ધ્યાનમાં આવતાં તેમણે દયાની અરજી રાષ્ટ્રપતિ સુધી પહોંચવા જ દીધી નહોતી, એટલું જ નહીં પણ અબ્દુલ કલામને બીજી મુદ્દત માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવાની વિચારણા પણ બંધ કરી દેવામાં આવી હતી. ઈ.સ. ૨૦૦૭માં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ થવાની હતી. આ વખતે કેટલાક કોંગ્રેસ નેતાઓને ડર હતો કે જો અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવશે તો કોંગ્રેસને માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પણ દેશભરમાં મુસ્લિમ મતો ગુમાવવા પડશે. આ કારણે જ અફઝલ ગુરુને આજદિન સુધી ફાંસી આપવામાં આવી નથી. ભારતની સરકાર અબ્દુલ કલામ કરતાં અફઝલ ગુરુનું મહત્ત્વ વધુ આંકે છે. આ સરકાર ત્રાસવાદનો કેવી રીતે મુકાબલો કરી શકે?
પાકિસ્તાને મોકલેલા ત્રાસવાદીઓ દ્વારા મુંબઈમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો ત્યારે ભારતની પ્રજાની ભાવના પાકિસ્તાનને પાઠ ભણાવવાની હતી. એ વખતે ભારતના સંરક્ષણ સલાહકાર કેરળના એમ.કે. નારાયણન હતા. નારાયણન તેમના કટ્ટર પાકિસ્તાન વિરોધી વલણ માટે જાણીતા હતા. તેઓ સોનિયા ગાંધીની નજીક હોવાથી શક્તિશાળી પણ હતા. અમેરિકાની ઇચ્છા ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણા કરાવવાની અને મૈત્રી કરવાની હતી. અમેરિકાએ વડા પ્રધાન મનમોહન સિંહ ઉપર દબાણ કરીને તેમને શર્મ-અલ-શેખમાં પાકિસ્તાનના વડા પ્રધાન ગિલાની સાથે મંત્રણા કરવાની ફરજ પાડી હતી. આ મંત્રણા પછી મનમોહન સિંહે એવું સંયુક્ત નિવેદન બહાર પાડયું હતું કે ''આતંકવાદ સામેનાં પગલાંઓ અને મંત્રણાઓ અલગ રાખવા જોઈએ''. આ નિવેદનની ભારે ટીકા કરવામાં આવી હતી. આ વાતનો ઘટસ્ફોટ પણ વિકિલિક્સમાં કરવામાં આવ્યો છે. પાછળથી નારાયણને સંરક્ષણ સલાહકાર પદેથી દૂર કરવામાં આવ્યા હતા. ટૂંકમાં કહીએ તો અમેરિકાના ઈશારે ભારતના વડાપ્રધાન પાકિસ્તાનને માફી આપવા પણ તૈયાર થઈ ગયા હતા.
અમેરિકા ઈરાનને પાઠ ભણાવવા માંગતું હતું અને તે માટે યુનોની સલામતી સમિતિમાં ઈરાનની વિરુદ્ધમાં ઠરાવ પસાર કરાવવા માંગતું હતું. ભારતની ઈચ્છા ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરવાની નહોતી, કારણ કે ભારત પરંપરાગત રીતે ઈરાનનું મિત્રરાષ્ટ્ર છે. તેમ છતાં અમેરિકાના આદેશને માથે ચડાવીને મનમોહન સિંહે યુનોના ભારતના પ્રતિનિધિને એક વખત નહીં પણ બે વખત ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરવાનો આદેશ આપ્યો હતો. તે વખતે અમેરિકાએ ભારતને એવું ગાજર દેખાડયું હતું કે તેઓ જો ઈરાનની વિરુદ્ધમાં મતદાન કરશે તો અમેરિકા અણુ કરારના અમલને ઝડપી બનાવશે. ભારતના રાજકારણીઓ અણુ કરારનો અમલ કરાવવા એટલા બધા ુઉતાવળા થઈ ગયા હતા કે અમેરિકાના ઈશારે તેઓ ઈરાનની પીઠમાં ખંજર ભોંકવા તૈયાર થઈ ગયા હતા.
વિકિલિક્સના કેબલોએ હવે નિઃશંકપણે સાબિત કરી આપ્યું છે કે આપણા નેતાઓ ભારતનાં હિતોની પરવા કર્યા વિના અમેરિકાને ફાયદો કરાવી આપવા માટે દેશનાં હિતોનો ભોગ લેવા માટે પણ તૈયાર થઈ જાય છે. આજની તારીખમાં આપણો દેશ જો અમેરિકાની કોલોની જેવો બની ગયો હોય તો તેના માટે આપણા કરોડરજ્જુ વગરના નેતાઓ જવાબદાર છે. જે ભારત દેશને વિદેશી ધૂંસરીમાંથી છોડાવવા માટે ભગતસિંહ અને ખુદીરામ બોઝ જેવા શહીદોએ પોતાના જાનની પણ બાજી લગાવી દીધી તે દેશને આપણા નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ માટે અમેરિકાનો ગુલામ બનાવી દીધો છે. હવે ભારતને વિદેશી ગુલામીમાંથી મુક્ત કરવા માટે સૌથી પહેલા તો પ્રજાએ દેશને આ સ્વાર્થી નેતાઓની નાગચૂડમાંથી મુક્ત કરવા માટે સ્વતંત્રતાનું નવું આંદોલન શરૃ કરવું પડશે.

No comments:

Post a Comment