Monday, February 28, 2011

યુરોપના દેશોને લિબિયાની પ્રજા કરતાં વધુ ચિંતા તેના ઓઈલની છે



અમેરિકાના પ્રમુખ ઓબામાએ યુરોપના દેશોના હિતોની રક્ષા કરવાનું વચન આપ્યું હોવાથી તેઓ ગદાફી સામે હળવા હાથે કામ લઈ રહ્યા છે
લિબિયાની પ્રજા તેના સરમુખત્યાર મુઅમ્મર ગદાફીના લશ્કરની ગોળીઓનો ભોગ બની રહી છે પણ અમેરિકા તીરે ઊભા ઊભા તમાશો જોઈ રહ્યું છે. મુઅમ્મર ગદાફી લિબિયામાં ૪૦ વર્ષથી પ્રજા ઉપર અત્યાચારો ગુજારી રહ્યા છે અને માનવ અધિકારોને કચડી રહ્યો છે. પડોશના ઈજિપ્તમાં પ્રજાએ બળવો કર્યો અને હોસ્ની મુબારકે સત્તા છોડવી પડી તે જોઈને લિબિયાની પ્રજામાં પણ હિંમત આવી ગઈ અને તેણે ગદાફીના કુશાસન સામે 'કરો યા મરો'નો જંગ છેડી દીધો છે. લિબિયાની પ્રજાએ માન્યું હતું કે ઇજિપ્તની પ્રજાના જંગને જે રીતે દુનિયાના દેશોનો ટેકો મળી રહ્યો તેવી રીતે તેમને પણ ટેકો મળી રહેશે; પણ લિબિયાની બાબતમાં અલગ જ બની રહ્યું છે. અમેરિકા જેવી મહાસત્તાએ પણ ગદાફીના હિંસાચાર સામે લાલ આંખ કરવાને બદલે નિવેદનો કરીને જ સંતોષ માન્યો છે. તેનું કારણ એ છે કે લિબિયાની જમીનમાં જે ખનિજ તેલ છે તેનો યુરોપના દેશોને ખપ છે. આ તેલના પુરવઠાને આંચ ન આવે તે ખાતર યુરોપ ગદાફીને નારાજ કરવા માંગતું નથી અને યુરોપના દેશોના હિતોની રક્ષાનો ઠેકો લઈને બેઠેલા અમેરિકી પ્રમુખ ઓબામા પણ તમાશો જોઈ રહ્યા છે.
ઇજિપ્ત અને લિબિયા વચ્ચે પાયાનો તફાવત છે. ઈજિપ્ત પાસે ખનિજ તેલના એવા મોટા ભંડારો નથી કે જેની યુરોપના દેશોને ગરજ હોય. ઈજિપ્તના સરમુખત્યાર હોસ્ની મુબારકમાંથી યુરોપના દેશોને કોઈ પેટ્રો ડોલર મળવાના નહોતા એટલે હોસ્ની મુબારકનો વિરોધ કરવામાં તેમને કોઈની શરમ નડતી નહોતી. આ વાત ઇજિપ્તની પ્રજાના લાભમાં હતી. તેથી વિરુદ્ધ લિબિયા અને ઈરાન ખનિજ તેલનું ઉત્પાદન કરતા દેશો છે. યુરોપની ઘણી ઓઈલ કંપનીઓએ લિબિયા અને ઈરાનની સરકારો સાથે ખનિજ તેલ બાબતમાં ૩૦ વર્ષના કરારો કર્યા છે. મુઅમ્મર ગદાફીએ એટલા સસ્તા ભાવે લિબિયાના તેલના ભંડારો યુરોપની કંપનીઓને વેચ્યા છે કે કોઈ દેશપ્રેમી શાસક આટલા સસ્તા ભાવે પોતાના દેશની કુદરતી સંપત્તિ વેચી શકે નહીં. આ લહાણીના બદલામાં ગદાફીને કરોડો ડોલર લાંચના રૃપમાં મળ્યા છે. આ રીતે યુરોપિયન ઓઈલ કંપનીઓ અને ગદાફી એક રીતે ધંધાદારી ભાગીદારો છે. જો લિબિયામાં ગદાફીના શાસનનો અંત આવે તો યુરોપિયન કંપનીઓ સાથેના ખનિજ તેલ અંગેના કરારોનો પણ અંત આવે તેમ છે. જો નવા શાસકો નવા કરાર કરે તો યુરોપિયન કંપનીઓને ઓઈલના ઊંચા દામ ચૂકવવા પડે તેમ છે. આ કારણે તેઓ ગદાફી સત્તાત્યાગ કરે તેવું ઇચ્છતા નથી.
અમેરિકાના ડેમોક્રેટિક પક્ષના લોકશાહી અંગેના કાટલાં અલગ અલગ છે. અમેરિકામાં તેઓ લોકશાહીનું સમર્થન કરે છે જ્યારે ત્રીજા વિશ્વના ગરીબ દેશોના સરમુખત્યારોને તેઓ સંરક્ષણ આપે છે. અહીં તેઓ માનવ અધિકારોને ભૂલી જાય છે. અમેરિકાને ત્રીજા વિશ્વમાં સરમુખત્યારો સાથે કામ કરવાનું વધુ ફાવે છે, કારણ કે સરમુખત્યારોને લાંચ આપીને તેમની સાથે ધાર્યા વેપારી કરારો કરી શકાય છે. ત્રીજા વિશ્વના સરમુખત્યારો બાબતમાં અમેરિકાની નીતિ એવી છે કે તમારે તમારા દેશમાં જેટલી હત્યાઓ કરવી હોય તે કરો, પણ અમને સસ્તામાં તમારી કુદરતી સંપત્તિ આપી દો. આ નીતિ ઈરાનમાં અને લિબિયામાં પણ જોવા મળે છે.
યુરોપના દેશો અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને પોતાના વેપારી હિતોના રક્ષણહાર ગણી રહ્યા છે. બરાક ઓબામા જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે યુરોપના દેશોને વચન આપ્યું હતું કે અમેરિકાની વિદેશ નીતિ યુરોપના દેશોના હિતોનું રક્ષણ કરનારી હશે. આ કારણે જે યુરોપના દેશોએ ઓબામા સત્તા ઉપર આવ્યા કે તરત જ તેમને નોબેલ પારિતોષિકથી નવાજ્યા હતા. તેની સામે ઓબામાએ તેમને વચન આપ્યું હતું કે તેઓ ત્રીજા વિશ્વના દેશોમાં માનવ અધિકારોની ચિંતા નહીં કરે પણ યુરોપના વેપારી હિતોની જ ચિંતા કરશે. આ કારણે જ લિબિયામાં જ્યારે પ્રજાએ બળવો કર્યો ત્યારે અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન મિત્ર યુરોપિયન દેશોના પ્રધાનો સાથે ચર્ચા કરવા માટે જીનિવા પહોંચી ગયાં છે. લિબિયાની કટોકટી બાબતમાં શું કરવું એ બાબતમાં યુરોપના દેશો માર્ગદર્શન આપશે તે પછી જ અમેરિકા પોતાનું વલણ સ્પષ્ટ કરશે. આ વલણ લિબિયાની પ્રજાની નહીં પણ યુરોપિયન કંપનીઓની તરફેણમાં જ હશે.
લિબિયાનો બળવો ૧૦મા દિવસમાં પ્રવેશી ચૂક્યો છે. અત્યાર સુધી ગદાફીના સૈનિકો એક હજારથી વધુ નિર્દોષ નાગરિકોની કતલ કરી ચૂક્યા છે. તેમ છતાં યુરોપના દેશોને લિબિયાની પ્રજાની નહીં પણ પોતાની સલામતીની ચિંતા છે. થોડા દિવસ પહેલાં યુરોપના ૨૭ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક લિબિયાની પરિસ્થિતિની ચર્ચા કરવા મળી હતી. તેમણે એક જ મુદ્દાની ચર્ચા કરી હતી કે જો લિબિયામાં આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો અત્યાચારોથી બચવા માટે લિબિયાના લાખો નાગરિકો દેશ છોડીને ભાગી જશે અને યુરોપના દેશોમાં આશરો માંગશે. આ કારણે જ યુરોપના દેશો આ કટોકટીનો ઝડપથી ઉકેલ આવે તેવું ઈચ્છે છે. લિબિયાના નાગરિકોનું શું થાય છે તેની તેમને બિલકુલ ફિકર નથી. આ કારણે ગદાફીના વિરોધમાં નિવેદન આપ્યા વિના તેઓ છૂટા પડી ગયા હતા.
લિબિયા પાસે આફ્રિકાના સૌથી મોટા ખનિજ તેલના ભંડારો છે, જે વિશ્વમાં આઠમા ક્રમાંકે આવે છે. આ ભંડારો લૂંટવાની પરવાનગી ગદાફીએ યુરોપની ઓઈલ કંપનીઓને આપી દીધી છે. યુરોપના દેશોને ગદાફી વહાલા છે, કારણ કે તેઓ ઈસ્લામિક કટ્ટરતામાં માનતા નથી. લિબિયામાં વર્તમાનમાં જે બળવો જોવા મળી રહ્યો છે તેમને કટ્ટરપંથીઓનું પીઠબળ હોવાનું જણાઈ રહ્યું છે. આ બળવા પાછળ અલ-કાયદાનો હાથ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. યુરોપના દેશોને ડર છે કે લિબિયામાં જો ગદાફીના શાસનનો અંત આવશે તો ઈસ્લામિક કટ્ટરપંથીઓનું શાસન આવશે. વળી લિબિયા યુરોપ અને આફ્રિકાની સરહદ ઉપર આવેલો દેશ છે. આફ્રિકાના દેશોમાં ઉથલપાથલ થાય અને પ્રજા જો સરમુખત્યારોની ગોળીથી બચવા માટે યુરોપમાં આશરો લેવા માંગતી હોય તો તેણે લિબિયામાંથી પસાર થવું પડે. આ શરણાર્થીઓ સામે યુરોપનું રક્ષણ કરવાનું કામ પણ ગદાફી કરી રહ્યા છે. આ કારણે ગદાફી યુરોપના દેશોના વહાલા છે.
ઈ.સ. ૧૯૯૮માં મુઅમ્મર ગદાફીના સૈનિકોએ સ્કોટલેન્ડ ઉપર ઉડતા એક અમેરિકી લડાયક વિમાનને મિઝાઈલ વડે ઉડાવી મૂક્યું ત્યારે આખી દુનિયામાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને ગદાફીની છાપ અમેરિકાના દુશ્મન તરીકે ફેલાઈ ગઈ હતી. ઈ.સ. ૧૯૯૮ના ગદાફીમાં અને ઈ.સ. ૨૦૧૧ના ગદાફીમાં બહુ તફાવત છે. ત્યારબાદ યુરોપના દેશોએ લિબિયા સાથે ગાઢ વેપારી અને રાજકીય સંબંધો પ્રસ્થાપિત કર્યા છે. મુઅમ્મર ગદાફીને લાંચ આપીને યુરોપના દેશોએ તેમને ફોડી કાઢ્યા છે. યુરોપના દેશોએ તેમના બધા ગુનાઓ માફ કરી દીધા છે. ઈટાલીએ તો ગદાફી સાથે એટલી મિત્રતા કેળવી લીધી છે કે સ્વીસ સત્તાવાળાઓ દ્વારા ગદાફીના પુત્રની ધરપકડ કરવામાં આવી તેની પણ ઈટાલીના વડા પ્રધાને ટીકા કરી હતી. તેમાં પણ યુરોપના જે દેશો ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલા છે તેઓ ગદાફી પ્રત્ય કુણી લાગણી ધરાવે છે, કારણ કે ભૂમધ્ય સમુદ્રને સામે કાંઠે લિબિયા આવેલું છે. યુરોપના જે દેશો ભૂમધ્ય સમુદ્રથી દૂર આવેલા છે તેઓ અત્યારે માનવ અધિકારોની ચિંતા કરી રહ્યા છે. આ દેશોએ જ ગદાફીના અત્યાચારોને વેડફી કાઢવાની પહેલ કરી છે.
યુરોપના દેશોને જે ખનિજ તેલની જરૃર પડે છે તેના ૫૦ ટકાની તેમણે વિદેશોમાંથી આયાત કરવી પડે છે. ઈટાલી પોતાનું ૨૫ ટકા તેલ અને ૧૦ ટકા ગેસ લિબિયાથી આયાત કરે છે. ઈ.સ. ૨૦૦૯ની સાલમાં લિબિયાએ પોતાના દેશમાં જેટલું ખનિજ તેલ પેદા કર્યું તેના ૪૯ ટકા ઈટાલીએ ખરીદી લીધું હતું અને તેની નિકાસ ૨૭ યુરોપના દેશોમાં કરી હતી. આ કારણે લિબિયામાં ગદાફી ટકી જાય તેમાં ઈટાલીને સૌથી વધુ રસ છે. ગદાફીના બદલે કોઈ કટ્ટર ઈસ્લામિક શાસક સત્તા ઉપર આવ્યો તો તે ઈટાલી સાથેના ખનિજ તેલની નિકાસ બાબતમાં કરાર રદ્દ પણ કરી શકે છે. જો ગદાફીને સત્તા છોડવી પડે તો થોડા સમય માટે લિબિયાથી આવતો તેલનો પુરવઠો બંધ થઈ જાય અને તેનાં પરિણામે વિશ્વબજારમાં તેલના ભાવોમાં વધુ ઉછાળો પણ આવી શકે છે. યુરોપના દેશોને વધુ ચિંતા લિબિયામાં ચાલી રહેલી કત્લેઆમની નહીં પણ તેની તેલમાં ભાવો ઉપર પડનારી અસરની છે.
આફ્રિકાની પ્રજા વર્ષોથી ચાલી રહેલા દમન અને અત્યાચારો સામે જાગૃત થઈ છે. આ વાતનો પરચો ઈજિપ્ત, ટયૂનિશિયા અને લિબિયા જેવા દેશોની પ્રજાએ આપી દીધો છે. આફ્રિકા અત્યાર સુધી અંધારો ખંડ ગણાતો હતો. હવે ત્યાંની પ્રજા પણ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થઈ ચૂકી છે. ઈજિપ્તમાં જે રીતે હોસ્ની મુબારકે સત્તાત્યાગ કરવો પડયો તે રીતે લિબિયામાં મુઅમ્મર ગદાફીએ પણ એક દિવસ જવું પડશે તે નક્કી છે. યુરોપ અને અમેરિકાના દેશો એવી વ્યક્તિની શોધમાં છે કે જેને ગદ્દાફીની ગાદી ઉપર બેસાડીને આ દેશની કુદરતી સંપત્તિઓની લૂંટફાટ અત્યારની જેમ ચાલુ રાખી શકાય. આ મિશનમાં યુરોપ અને અમેરિકાના દેશો સફળ થાય છે કે કેમ તે જોવાનું રહે છે. લિબિયાની પ્રજા ઉલમાંથી ચૂલમાં ન પડે તે જોવાની જવાબદારી વર્તમાન બળવાના આગેવાનોની છે.

No comments:

Post a Comment