Tuesday, March 8, 2011

સુપ્રિમ કોર્ટનો ચુકાદો મનુષ્યની જિંદગીનું ગૌરવ કરનારો છે


અરૃણા શાનબાગના દયામૃત્યુને નકારી કાઢતા સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી 'દયામૃત્યુ'ની ચર્ચાઓનો કાયમી અંત આવવો જોઇએ

આપણા દેશની સર્વોચ્ચ અદાલત એક પછી એક અફલાતૂન ચુકાદાઓ આપીને ન્યાયતંત્રની ગરિમા વધારી રહી છે. સીવીસી થોમસની નિમણુકને રદ્ કરતો ચુકાદો આપીને સર્વોચ્ચ અદાલતે સરકારી તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારને સણસણતો તમાચો માર્યો હતો તો અરૃણા શાનબાગની 'દયામૃત્યુ'ની અરજી ફગાવી દઇને તેણે કેટલાક લોકોના માનસમાં આ વિષય અંગે પ્રવર્તમાન પ્રદૂષિત વિચારોને ઝટકો આપવાનું પુણ્યકાર્ય કર્યું છે. ભારતનાં બંધારણમાં દેશના તમામ નાગરિકોને ગૌરવપૂર્ણ રીતે પોતાની જિંદગી જીવવાના મૂળભૂત અધિકારનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કેટલાક બુઝદિલ લોકો દાયકાઓથી જીવન જીવવાના અધિકારની વ્યાખ્યામાં જીવનનો અંત આણવાના અધિકારનો પણ સમાવેશ કરવાની વૈચારિક ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ લોકોના પ્રતિનિધિના રૃપમાં પત્રકાર પિન્કી વિરાણીએ ૩૭ વર્ષથી કોમામાં રહેલી નર્સ અરૃણા શાનબાગની 'હત્યા' કરવાની પરવાનગી 'દયામૃત્યુ'ના નામે સર્વોચ્ચ અદાલત પાસે માંગી હતી. સર્વોચ્ચ અદાલતે આ અરજીને ડિસમિસ કરીને સાબિત કર્યું છે કે મનુષ્યની જિંદગીને છીનવી લેવાનો અધિકાર કોઇને આપી શકાય નહીં.
અરૃણા શાનબાગ ઈ.સ. ૧૯૬૬માં મુંબઇની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં નર્સ તરીકે જોડાઇ હતી. ઈ.સ. ૧૯૭૩ની સાલમાં એક કમનસીબ દિવસે હોસ્પિટલના વોર્ડબોય સોહનલાલ વાલ્મિકિએ અરૃણા ઉપર બળાત્કાર ગુજારવાના આશયથી હુમલો કર્યો હતો. તે વખતે અરૃણાને માસિક સ્રાવ ચાલી રહ્યો હોવાથી સોહનલાલે તેને લોખંડની ચેઇનથી બાંધીને તેની સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યું હતું. ગળામાં લોખંડની સાંકળ બાંધવાને કારણે અરૃણાના મગજને મળતો રક્તનો પુરવઠો અટકી ગયો હતો. આ ઘાતકી કૃત્યને કારણે અરૃણા આંધળી બની ગઇ હતી અને કોમામાં સરકી ગઇ હતી. સોહનલાલ વાલ્મિકિ ઉપર ખૂનના પ્રયાસ અને લૂંટફાટના આરોપ હેઠળ કામ ચલાવવામાં આવ્યું હતું પણ તેની ઉપર બળાત્કારનો કેસ જ કરવામાં નહોતો આવ્યો. સોહનલાલ સાત વર્ષની જેલની સજા ભોગવીને બહાર આવી ગયો હતો પણ અરૃણા શાનબાગ ૩૭ વર્ષથી કોમામાં છે. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલનો સ્ટાફ આજે પણ પોતાના સ્વજનની જેમ અરૃણાની લાગણીસભર સેવાસુશ્રુષા કરી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું તેમણે મિઠાઇઓ વહેંચીને સ્વાગત કર્યું છે.
૩૭ વર્ષથી કોમામાં સરકી ગયેલી ૬૦ વર્ષની અરૃણા શાનબાગની જે સેવા હોસ્પિટલનો સ્ટાફ કોઇ પણ જાતના સ્વાર્થ વગર કરી રહ્યો છે તે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દરરોજ સવારે છ વાગ્યે તેઓ અરૃણાને સ્પોન્જથી સ્નાન કરાવે છે અને પછી તેના ગળામાં ભરાવી રાખવામાં આવેલી એક નળી વાટે તેને પ્રવાહી ખોરાક આપે છે. અરૃણાને સંગીત બહુ પ્રિય છે. આ કારણે તેના રૃમમાં હંમેશા ભક્તિ સંગીતની કેસેટ વગાડવામાં આવે છે. આ સંગીત સાંભળીને અરૃણાના ચહેરા ઉપર પ્રસન્નતાના ભાવો ઉપસી આવે છે. અરૃણા ૩૭ વર્ષથી પથારીવશ છે તો પણ તેની પીઠમાં ચાંદા નથી પડયાં. તે કોઇ પણ બાહ્ય સંકેતને પ્રતિસાદ આપે છે, જેના ઉપરથી ખ્યાલ આવે છે કે અરૃણાની જિજિવિષા પ્રબળ છે અને તે પોતે મરવા માંગતી નથી. અરૃણા શાનબાગના કેસમાં સરકારી વકીલે પણ તેને દયાપ્રેરિત મૃત્યુ આપવાનો વિરોધ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં હોસ્પિટલના સ્ટાફની પણ મુક્તકંઠે પ્રસંશા કરી છે.
અરૃણા શાનબાગ ઉપર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેની સગાઇ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના જ એક ડોકટર સાથે થઇ હતી અને તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. આ ડોકટરે અરૃણાને સાજી કરવા ખૂબ પ્રયત્નો કર્યા પણ બે વર્ષ પછી તેમણે બીજે લગ્ન કરી લીધાં. અરૃણાના કુટુંબીજનો કર્ણાટકમાં રહેતા હતા. તેમણે પણ અરૃણાની જવાબદારી લેવાનો ઈનકાર કરી દીધો. પિન્કી વિરાણી ગુજરાતી મુસ્લિમ ખોજા છે અને પત્રકારત્વના એવોર્ડ જીતી ચૂકી છે. અરૃણા ઉપરના હુમલાનાં ૨૦ વર્ષ પછી તે એક લેખ લખવા હોસ્પિટલની મુલાકાતે આવી અને તેણે અરૃણા વિશે એક પુસ્તક લખી નાંખ્યું. પિન્કી વિરાણીથી અરૃણાની કફોડી પરિસ્થિતિ જોઇ શકાતી નહોતી. એટલે તેણે અરૃણા વતી તેના મિત્ર તરીકે સુપ્રિમ કોર્ટમાં 'દયામૃત્યુ'ની અરજી કરી હતી. આ અરજીમાં પિન્કી વિરાણીની માગણી એટલી જ હતી કે અરૃણાને નળી વાટે ખોરાક આપવાનું બંધ કરવામાં આવે, જેને કારણે તેના જીવનનો અંત આવી જાય.
પિન્કી વિરાણીએ અરૃણા વતી સુપ્રિમ કોર્ટમાં જે અરજી કરી તેમાં જણાવવામાં આવ્યું હતું કે ''અરૃણા જોઇ, સાંભળી કે અભિવ્યક્તિ કરી શકતી નથી. તેની હાલત હાડપિંજર જેવી છે અને તે બ્રેઇન ડેડ બની ગઇ છે. હવે તેની હાલતમાં સુધારો થાય તેવી કોઇ જ સંભાવના નથી.'' આ કેસના અનુસંધાનમાં સુપ્રિમ કોર્ટે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલને ઈ.સ. ૨૦૦૯ની ૧૬મી ડિસેમ્બરે એક નોટિસ પાઠવી હતી અને પિન્કી વિરાણી અરજીનો જવાબ આપવાનું જણાવ્યું હતું. તેના જવાબમાં હોસ્પિટલના ડો. અમર રામજી પઝારેએ કહ્યું હતું કે ''અરૃણા સામાન્ય રીતે જ ખોરાક ગ્રહણ કરે છે અને ચહેરા ઉપરના હાવભાવ દ્વારા પ્રતિભાવ પણ આપે છે. તે કોઇ પણ જાતનો પ્રતિભાવ આપવા અલગ પ્રકારના અવાજો કરે છે. તેને લઘુશંકા કે વડીશંકા થાય ત્યારે તે ખાસ પ્રકારના અવાજો કરે છે. આ અવાજો પારખીને તેની સેવા કરી રહેલો સ્ટાફ તેને બાથરૃમમાં લઇ જાય છે.''
સુપ્રિમ કોર્ટના બે ન્યાયમૂર્તિઓની બેન્ચને લાગ્યું કે અરૃણાની પરિસ્થિતિ બાબતમાં પિન્કી વિરાણીના અને હોસ્પિટલના ડોકટરોના વર્ણનમાં ફરક છે, ત્યારે તેમણે અરૃણાની તબીબી હાલતનો સાચો હેવાલ આપવા ત્રણ ડોકટરોની ટુકડીની રચના કરી હતી. આ ટુકડીમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડો. જે.વી. દિવેટિયા, જાણીતા ન્યૂરોલોજીસ્ટ રૃપ ગુરસહાની અને લોકમાન્ય તિલક મેડિકલ કોલેજના માનસશાસ્ત્ર વિભાગના વડા ડો. નીલેશ શાહનો સમાવેશ થતો હતો. આ ડોકટરોની પેનલે જે હેવાલ સુપ્રિમ કોર્ટમાં રજૂ કર્યો તેને આધારે સુપ્રિમ કોર્ટ એવાં તારણ ઉપર આવી હતી કે અરૃણાને ખોરાક આપવાનું બંધ કરવાની કોઇ જરૃર નથી.
મુંબઇની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના કર્મચારીઓએ કોમામાં સરકી ગયેલી અરૃણાની સેવા કરવા દ્વારા માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. આ કર્મચારીઓને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે અરૃણાથી છૂટકારો મેળવવા તેને મારી નાંખવી જોઇએ. તેથી વિરુદ્ધ પિન્કી વિરાણીએ અરૃણાને જીવતી રાખવા માટે કોઇ કષ્ટ ઉઠાવવું પડતું નથી. તેને તો અરૃણા વિશે પુસ્તક લખીને ચિક્કાર પ્રસિદ્ધિ અને રૃપિયા પણ મળ્યા છે. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં એ વાતની ખાસ નોંધ લીધી છે કે અરજી કરનારને અરૃણાની જિંદગી સાથે કાંઇ લાગતું વળગતું નથી. અરૃણા બાબતમાં કેસ કરીને પિન્કી વિરાણી વધારાની પ્રસિદ્ધિ ખાટી ગઇ છે.
અરૃણા ઉપર જ્યારે હુમલો થયો ત્યારે તેની સાથે કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલમાં કામ કરતી લગભગ બધી નર્સો હવે નિવૃત્ત થઇ ગઇ છે; તો પણ તેઓ અરૃણાની સતત ચિંતા કરે છે. સિસ્ટર પ્રમિલા કુશે પણ અરૃણાની સાથે કામ કરતી હતી. અરૃણા ઉપર રાતે હુમલો થયો તે પછી સિસ્ટર કુશેને જ તેની પહેલી જાણ થઇ હતી. સિસ્ટર કુશે અત્યારે ૮૦ વર્ષનાં છે. જ્યારે તેમણે સાંભળ્યું કે અરૃણાની 'હત્યા' કરવાની પરવાનગી માંગતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે ત્યારે તેમણે તેનો જાહેરમાં વિરોધ કર્યો હતો. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના એક ભૂતપૂર્વ ડીને અરૃણાને બીજી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય કર્યો ત્યારે હોસ્પિટલની બધી નર્સો હડતાળ ઉપર ઉતરી ગઇ હતી. ડીનને પોતાનો નિર્ણય બદલવાની ફરજ પડી હતી. કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની લગભગ બધી નર્સો પોતાની કારકિર્દી દરમિયાન કોઇ તબક્કે અરૃણાની સેવામાં રહી ચૂકી છે. આ કારણે ેતેમને બધાને અરૃણા માટે ખાસ લાગણી છે.
પિન્કી વિરાણીએ પોતાની અરજીમાં અરૃણા શાનબાગની પરિસ્થિતિનું જે વર્ણન કર્યું હતું એટલી કફોડી પણ તેની હાલત નથી. અરૃણાની ૨૦ વર્ષથી સારવાર કરી રહેલી મેટ્રન દુર્ગા મહેતા કહે છે કે ''હું જ્યારે અરૃણાને તેની તબિયત બાબતમાં પૂછું છું ત્યારે તે એક વિશિષ્ટ પ્રકારનો અવાજ કરીને મને જવાબ આપે છે. જ્યારે તેના હોઠ ઉપર ભોજનનો કોળિયો મૂકવામાં આવે છે ત્યારે તે મોંઢું ખોલે છે અને ચાવવાની કોશિષ પણ કરે છે. તેને સંગીત ગમે છે, પણ તે કઇ દિશામાંથી સંગીત રેલાઇ રહ્યું છે તે પારખી શકતી નથી. ત્યાં સુધી અરૃણાની સેવા કરવા હોસ્પિટલની નર્સો તૈયાર છે ત્યાં સુધી તેને મારી નાંખવાનો વિચાર પણ કરવો જોઇએ નહીં.'' કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલની નર્સોની ભાવનાને પ્રતિધ્વનિત કરતો ચુકાદો દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવ્યો છે.
આપણા દેશમાં પશ્ચિમની સ્વાર્થ આધારિત સંસ્કૃતિના પ્રભાવથી કેટલાક લોકો સમયાંતરે 'દયામૃત્યુ'નો ચિપિયો પછાડયા કરે છે. તાજેતરમાં રિલીઝ થયેલી 'ગુઝારિશ' ફિલ્મમાં પણ ખૂબ જ કલાત્મક રીતે 'દયામૃત્યુ'નું સમર્થન કરવામાં આવ્યું હતું. આ પ્રચારકો ભગવાન મહાવીરે કરેલી એ પાયાની વાત ભૂલી જાય છે કે ''દુનિયાના બધા જીવો જીવવા ઈચ્છે છે; કોઇ જીવ મરવા ઈચ્છતું નથી. માટે કોઇની જિંદગી છીનવી લેવાનો પ્રયાસ કરવો ન જોઇએ.'' ભારતની સુપ્રિમ કોર્ટે આપણા દેશની અહિંસાની ભવ્ય પરંપરાનું સમર્થન કરતો ચુકાદો આપીને 'દયામૃત્યુ'ની ઝુંબેશ ચલાવનારાઓના મોં સિવી લીધાં છે. આ ચુકાદા પછી કાંઇ નહીં તો કાયદાના ક્ષેત્રમાં 'દયામૃત્યુ'ના વિવાદ ઉપર કાયમી પડદો પડી જશે એટલું નક્કી છે.
-સંજય વોરા 

No comments:

Post a Comment