હસન અલી ખાને જેલમાં જતાં પહેલા મિડીયા સમક્ષ એવી ધમકી ઉચ્ચારી છે કે તે જેલમાંથી બહાર આવતાં જ તેના ગોડફાધરોનાં નામો જાહેર કરી દેશે
જે સરકાર ઈમાનદાર લોકોની બનેલી હોય છે તેમને ભ્રષ્ટાચાર પકડી પાડવા માટે પુરૃષાર્થ કરવો પડતો હોય છે. જે સરકાર બેઇમાન લોકોની બનેલી હોય છે તેમને અકસ્માત બહાર આવી ગયેલા ભ્રષ્ટાચારને છાવરવા માટે પુરૃષાર્થ કરવો પડતો હોય છે. ઈ.સ. ૨૦૦૭ની સાલમાં હસન અલી ખાને સ્વીસ બેન્કમાં સંઘરેલા આઠ અબજ ડોલરની વિગતો બહાર પડી ગઇ તે એક અકસ્માત હતો. ઈન્કમ ટેક્સના જે ઓફિસરોએ ૨૦૦૭ની સાલમાં હસન અલી ખાનના પુણે ખાતે આવેલાં ઘર અને ઓફિસ ઉપર છાપાઓ માર્યા તેમને સ્વપ્નેય કલ્પના નહોતી કે તેમની જાળમાં આવડો મોટો મગરમચ્છ ફસાઇ જવાનો છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ તો મામૂલી રકમની કરચોરીની તપાસમાં હસન અલી ખાનને ત્યાં રૃટિન દરોડાઓ પાડયા હતા. તેમાં સ્વીસ બેન્કના એકાઉન્ટની વાત આવી ત્યારે તે તપાસ એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટને સોંપવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટના હાથમાં આ કેસ આવ્યો ત્યારે તેના ત્રણ બાહોશ અધિકારીઓએ ફટાફટ આ કેસની કડીઓ ઉકેલવા માંડી હતી. જ્યાં સુધી રાજકારણીઓ દખલ ન કરે ત્યાં સુધી ભારતની તપાસ સંસ્થાના અધિકારીઓ બાહોશ અને કાર્યક્ષમ જ હોય છે. તેઓ ટૂંક સમયમાં એવા સંવેદનશીલ તબક્કે પહોંચી ગયા હતા કે તેમની તપાસની વિગતો જો બહાર પાડવામાં આવત તો ભારતમાં રાજકીય તોફાન મચી જાય. ત્યાર પછી જે પુરૃષાર્થ શરૃ થયો તે હસન અલી ખાન સાથે સંકળાયેલા ટોચના રાજકારણીઓને પકડવા માટેનો નહીં પણ છાવરવા માટેનો પુરૃષાર્થ હતો. આ રાજકારણીઓ એટલા શક્તિશાળી હતા કે તેમના ઈશારા ઉપર હસન અલી ખાનના કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટના ચાર ઈમાનદાર અધિકારીઓની બદલી કરી નાંખવામાં આવી હતી.
ઈ.સ. ૨૦૦૭માં હસન અલી ખાનને ત્યાં દરોડાઓ પાડવામાં આવ્યા ત્યારે જ તેના સ્વીસ બેન્કનાં ખાતાંઓની વિગતો પ્રેસમાં લીક થઇ ગઇ હતી. બાહોશ અને ઈમાનદાર પોલીસ ઓફિસરો પોતે કરેલી તપાસમાં ભીનું સંકેલાઇ ન જાય તે માટે વર્ષોથી આ રીતે અખબારોનો ઉપયોગ કરતા આવ્યા છે. હસન અલી ખાનના બ્લેક મનીની વાતો પ્રેસમાં આવી ગઇ એટલે તેની સામે કામ ચલાવવામાં આવી રહ્યું છે એવું નાટક કરવું જરૃરી બની ગયું હતું. આ માટે હસન અલી ખાન સામે ખોટા પાસપોર્ટ ધરાવવાનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. આ વખતે હસન અલી ખાન મુંબઇમાં મઢ આઇલેન્ડ ખાતે આવેલા બિલ્ડર યુસુફ લાકડાવાલાના બંગલામાં સંતાયો હતો. ત્યાંથી મુંબઇના ત્રણ નંબરના ઝોનના ડેપ્યુટી પોલીસ કમિશનર અશોક દેશબ્રતારે તેની ધરપકડ કરી હતી અને તેની આકરી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં હસન અલી ખાને તેના ગોડફાધર એવા રાજકારણીઓનાં નામો આપી દીધાં હતાં. ઝોન ત્રણના એક પોલીસ ઓફિસરે આ કબૂલાતનામું પોતાના મોબાઇલ ફોનમાં ટેપ કરી દીધું હતું. પાછળથી આ ટેપ મિડીયામાં લિક થઇ હતી.
મુંબઇ પોલીસના ઈમાનદાર અને કાર્યદક્ષ ઓફિસર દેશબ્રતારને હસન અલીની પૂછપરછ કરવા માટે કોઇ શાબાશી તો ન મળી પણ ટેપ લિક થવા બદલ સજા જરૃર મળી હતી. સીઆઇડી દ્વારા ટેપના લિકેજ બદલ તેમની સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેનો હેવાલ ન આવે ત્યાં સુધી તેમનું પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું હતું. તેમની ટ્રાન્સફર રેલવેમાં કરી નાંખવામાં આવી હતી. અત્યારે દેશબ્રતાર આ અન્યાય સામે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં પોતાનો કેસ લડી રહ્યા છે. હસન અલી ખાનના કેસમાં સત્ય બહાર લાવવાની કોશિષ કરનારા ઈમાનદાર પોલીસ ઓફિસરના મહારાષ્ટ્રની સરકાર દ્વારા આવા હાલહવાલ કોના ઇશારે કરવામાં આવ્યા છે? સુપ્રિમ કોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી ચાલી રહી હતી ત્યારે સોલિસિટર જનરલે અશોક દેશબ્રતારનું નામ લઇને કહ્યું હતું કે તેઓ હસન અલીના કેસમાં બહુ જાણકારી ધરાવે છે. સોલિસિટર જનરલે એવું બચાવનામું રજૂ કર્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે તેમને ડેપ્યુટેશન ઉપર બોલાવ્યા હતા અને તેમની મુદ્દત પૂરી થતાં તેઓ પોતાના મૂળ ખાતાંમાં પાછા જતા રહ્યા હતા. દેવબ્રતાર સામે હસન અલીની ટેપ લિક કરવાની બાબતમાં કેસ ચાલી રહ્યો છે તે વાતની માહિતી સુપ્રિમ કોર્ટને આપવામાં જ આવી નથી.
હસન અલીના કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ખાતાનાં જે ચાર અધિકારીઓની બદલી કરી નાંખવામાં આવી તેમાંના એક એ.કે. સિંહ પણ હતા. એ.કે. સિંહનું એક નિવેદન તાજેતરમાં મિડીયામાં લિક થયું છે, જેમાં તેમણે હસન અલી સાથેના સંબંધો બાબતમાં શસ્ત્રોના સોદાગર અદનાન ખાશોગ્ગીની પૂછપરછ કરવાની માગણી કરી હતી પણ તે માગણી નકારી કાઢવામાં આવી હતી. એ.કે. સિંહે હસન અલીના સ્વીસ બેન્કનાં ખાતાંઓની તપાસ કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડ જવાની પરવાનગી માંગી હતી પણ તે નકારી કાઢવામાં આવી હતી. એ.કે. સિંહના લિક થયેલાં નિવેદન ઉપરથી ખ્યાલ આવે છે કે એન્ફોર્સમેન્ટ ખાતાંએ આ કેસમાં તપાસ આગળ વધારવાને બદલે ભીનું સંકેલી લેવામાં જ પોતાની તમામ શક્તિઓ કેન્દ્રિત કરી હતી. નવાઇની વાત એ છે કે અત્યાર સુધી હસન અલી ખાનનો પાસપોર્ટ પણ જપ્ત કરવામાં નહોતો આવ્યો. આ બધા પરથી પુરવાર થાય છે કે હસન અલીના ગોડફાધર સર્વશક્તિમાન છે.
સ્વીસ બેન્કમાં હસન અલીનાં ગુપ્ત ખાતાંઓની વિગતો મેળવવા માટે ભારતના એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ દ્વારા ઈ.સ. ૨૦૦૮ની સાલમાં સ્વિટઝર્લેન્ડની સરકારને એક વિનંતીપત્ર (લેટર રોગેટરી) મોકલવામાં આવ્યો હતો. આ પત્રમાં ભારતની અદાલતમાં હસન અલી ખાન સામે દાખલ કરવામાં આવેલા કોઇ ફોજદારી કેસની વિગતો નહોતી પણ માત્ર તેમના દ્વારા ઈન્કમ ટેક્સનું રિટર્ન ફાઇલ કરવામાં દેખાડવામાં આવેલી ગફલતની જ વિગતો હતી. સ્વીસ કાયદાઓ મુજબ ઈન્કમ ટેક્સનું રિટર્ન ન ભરવું એ કોઇ ગુનો ગણાતો નથી. સ્વીસ સરકાર તરફથી ભારતની સરકારને ત્રણ વર્ષ અગાઉ લખીને જણાવવામાં આવ્યું હતું કે હસન અલી સામેના ફોજદારી કેસની વિગતો સાથે નવો વિનંતીપત્ર મોકલી આપો. ભારતની સરકારે આજ દિન સુધી આ વિનંતીપત્ર મોકલ્યો નથી. સરકાર એવું ઈચ્છતી જ નથી કે હસન અલી ખાનના સ્વીસ બેન્કનાં ખાતાંમાં થયેલી લેવડદેવડની વાતો ભારતની પ્રજાની જાણમાં આવે.
હસન અલી ખાનનાં સ્વીસ બેન્કનાં ખાતાંઓમાં જે આઠ અબજ ડોલરનું કાળું ધન સંઘરવામાં આવ્યું હતું તે હવાલા દ્વારા અથવા શસ્ત્રોના સોદામાં કમિશનના રૃપમાં જમા કરાવવામાં આવ્યું હોય તેવી તમામ શક્યતાઓ છે. આ ધનની માલિકી હસન અલીની નથી પણ તે કોઇ શક્તિશાળી રાજકારણીના ડમી તરીકે જ કામ કરી રહ્યો છે. આ કેસ ચાર વર્ષથી ચાલી રહ્યો છે. આ ચાર વર્ષ દરમિયાન હસન અલીના કબજામાં રહેલું કાળું ધન સ્વીસ બેન્કનાં ખાતાંમાં પડી રહ્યું હોય તે પણ સંભવિત નથી. તાજેતરમાં નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ પત્રકારો સાથે વાતચીત કરતાં ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે સ્વીસ બેન્કનાં ખાતાંમાંથી આઠ અબજ ડોલર ઉપાડી લેવામાં આવ્યા છે. પણવ બાબુ પાસે હસન અલી ખાનનાં સ્વીસ બેન્કનાં ખાતાંની વિગતો કયા સ્રોતમાંથી આવે છે તેની પણ તપાસ કરવાની જરૃર છે. બોફોર્સની કટકીનાં નાણાં જેમ ક્વોટ્રોચીના ખાતાંમાંથી પગ કરી ગયાં તેવું હસન અલીનાં નાણાં બાબતમાં પણ બન્યું હશે.
હૈદરાબાદમાં અને પુણેમાં હસન અલી ખાનનો ભૂતકાળ તપાસતાં ખ્યાલ આવે છે કે તે એક નંબરનો ચિટર છે. હૈદરાબાદની અનેક બેન્કો અને બીજા અનેક વેપારીઓ સાથે તેણે છેતરપિંડી કરી છે. તેણે દુબઇમાં અને કેનેડામાં પણ ધંધાઓ કર્યા છે, પણ ફાવ્યો નથી. તેમ છતાં હસન અલી ખાનની ઓળખાણ દાઉદ ઈબ્રાહિમ જેવા આતંકવાદી સાથે અને અદનાન ખાશોગ્ગી જેવા કુખ્યાત શસ્ત્રોના સોદાગરો સાથે કોણે કરાવી તે રહસ્યના આવરણમાં વિંટાળેલો કોયડો છે. આ કોયડો ઉકેલવામાં આવે તો જ હસન અલીના ગોડફાધર સુધી પહોંચી શકાય તેમ છે. હસન અલીના કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટના ચાર અધિકારીઓ આ સત્ય સુધી પહોંચી ગયા હતા. હવે તેમને સુપ્રિમ કોર્ટમાં બોલાવવાની અને તેમની જુબાની લેવાની જરૃર ઊભી થઇ છે.
તાજેતરમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટના અધિકારીઓ દ્વારા સુપ્રિમ કોર્ટના નિર્દેશ ઉપર હસન અલી ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારે કસ્ટડીમાં જતા પહેલાં હસન અલી ખાને મિડીયા સમક્ષ એવું નિવેદન કર્યું હતું કે તેને રાજકીય કાવતરાંના ભાગરૃપે ફસાવવામાં આવી રહ્યો છે. હસન અલી ખાનનું આ નિવેદન બહુ સૂચક છે. કયા રાજકારણીઓ તેને ફસાવી રહ્યા છે? તેમાં કયું કાવતરું છે? આ બધા સવાલોના જવાબો હસન અલી જ આપી શકે તેમ છે. હસન અલીએ મિડીયા સમક્ષ એવું નિવેદન પણ કર્યું છે કે તે જેલમાંથી બહાર આવીને પોતાના ગોડફાધરોનાં નામો જાહેર કરી દેશે. શું હસન અલીને જેલમાંથી બહાર આવવા દેવાશે? સુપ્રિમ કોર્ટને પણ લાગ્યું છે કે હસન અલીના જીવને ખતરો છે. તેણે હસન અલીને પર્યાપ્ત સુવિધા આપવાની તાકીદ કરી છે. આપણે બધા પણ હસન અલીના આરોગ્યની અને દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરીએ જેથી આપણા દેશને કોણ લૂંટી રહ્યું છે તેનું આપણને જ્ઞાાન પ્રાપ્ત થાય.
No comments:
Post a Comment