સુરેશ કલમાડી માટે આનંદના સમાચાર છે. કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઇઝીંગ કમિટિના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ કલમાડી અત્યાર સુધી ફરિયાદ કરતા હતા કે આ કૌભાંડમાં તેમને એકલાને કેમ સંડોવવામાં આવી રહ્યા છે? સુરેશ કલમાડી અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત એકબીજાના કટ્ટર દુશ્મન છે. કલમાડીએ અનેક વખત શીલા દીક્ષિતનું નામ આપીને ફરિયાદ કરી છે કે તેમની સામે કેમ પગલાં લેવામાં આવતાં નથી? કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડમાં દેશની તિજોરીને જો ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું નુકશાન થયું હોય તો તેના માટે સુરેશ કલમાડી સિવાયના રાજકારણીઓ પણ જવાબદાર છે. હવે કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની તપાસ કરી રહેલી વી.કે. શુંગલુ સમિતિએ આયોજનના ખર્ચમાં થયેલા વધારા માટે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત ઉપરાંત લેફ્ટનન્ટ ગવર્નર તેજિન્દર ખન્ના અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓને પણ જવાબદાર ગણાવ્યા છે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં જેમ ઓર્ગેનાઇઝીંગ કમિટિની મુખ્ય ભૂમિકા હતી તેમ આ રમતોત્સવ માટે ગેમ્સ વિલેજ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી દિલ્હીની સરકારને અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને સોંપવામાં આવી હતી. આ તમામમાં ગેરરીતિઓ થઈ હતી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ કૌભાંડની તપાસ કરવાનું કામ ભારતના ભૂતપૂર્વ ક્મપ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વી. કે. શુંગલુને સોંપવામાં આવ્યું હતું. વી. કે. શુંગલુએ તપાસ કરીને બે અલગ હેવાલ તૈયાર કર્યા હતા. એક હેવાલ ગેમ્સ વિલેજના બાંધકામને લગતો છે તો બીજો હેવાલ માળખાકીય સુવિધાઓ બાબતમાં છે. શુંગલુ કમિટિએ આ હેવાલ વડા પ્રધાનના કાર્યાલયને સુપરત કરી દીધો છે, પણ તેના અમુક અંશો પ્રસાર માધ્યમોમાં છપાઈ ગયા છે. આ હેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ગેમ્સ વિલેજમાં બેદરકારી અને વિલંબને કારણે સરકારી તિજોરીને ૨૩૦ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. કોમનવેલ્થ ગેમ્સ માટે દિલ્હીમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી તેમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું તારણ શુંગલુ સમિતિએ કાઢ્યું છે. આ વિલંબ અને ગેરવહીવટને કારણે દેશની તિજોરીને આશરે ૯૦૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ માટે જવાબદાર નેતાઓ સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની ભલામણ પણ શુંગલુ સમિતિએ કરી છે.
શુંગલુ સમિતિના હેવાલને કારણે હવે દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત પણ સુરેશ કલમાડીની હરોળમાં આવી ગયાં છે. ભારતના વડા પ્રધાન મનમોહન સિંહની જેમ શીલા દીક્ષિત પણ અંગત રીતે ક્લિન ઈમેજ ધરાવે છે, પણ તેમના હાથ નીચેના પ્રધાનોએ અને અધિકારીઓએ કોમનવેલ્થ ગેમ્સ માટે ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઊભું કરવાના પ્રોજેક્ટોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેના માટે શીલા દીક્ષિત જ મુખ્ય જવાબદાર બને છે. શુંગલુ સમિતિનો હેવાલ કહે છે કે ઈ.સ. ૨૦૦૩ અને ૨૦૦૬ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સ માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ માટે કોન્ટ્રેક્ટ આપવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તેમાં પારદર્શકતાનો અભાવ હતો. બાંધકામના ટેન્ડર માટે બહુ ઓછી અરજીઓ આવી હતી. કોઈ ભેદી કારણોસર આ પ્રક્રિયામાંથી મોટા કોન્ટ્રેક્ટરોને દૂર રાખવામાં આવ્યા હતા અને નાના તથા નવાસવા કોન્ટ્રેક્ટરોને ૧,૦૦૦ કરોડ રૃપિયાનાં કામો સોંપવામાં આવ્યાં હતાં. આ પદ્ધતિમાં ભ્રષ્ટાચારને પૂરેપૂરો અવકાશ હતો.
કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડમાં અત્યાર સુધી સીબીઆઈએ જેટલા કેસો ફાઈલ કર્યા છે તેના કેન્દ્રમાં ઓર્ગેનાઈઝીંગ કમિટિ અને સુરેશ કલમાડી જ છે. હવે શુંગલુ સમિતિએ બીજાં મોટાં માથાંઓને પણ સાણસામાં લીધા છે. તેમાંના એક દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તેજિન્દર ખન્ના છે. તેજિન્દર ખન્ના દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પણ છે. તેજિન્દર ખન્નાએ કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં ૩૩૩ ફ્લેટો ઊંચી કિંમતે ખરીદ્યા તેને કારણે સરકારી તિજોરીને ૨૨૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હોવાનો ઘટસ્ફોટ પણ શુંગલુ સમિતિના હેવાલમાં કરવામાં આવ્યો છે. તેજિન્દર ખન્નાના કહેવાથી ગેમ્સ વિલેજ બાંધનારી કંપની એમ્માર-એમજીએફને ૬૪ કરોડ રૃપિયાનું ગેરકાયદે પેમેન્ટ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ન વેચાયેલા ફ્લેટો પેઠે વર્ષે ૩૫-૪૦ કરોડનું વર્ષાસન પણ બાંધી આપવામાં આવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સ વિલેજ બાંધવાનો કોન્ટ્રેક્ટ એમ્માર-એમજીએફ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યો હતો. આ કંપની સાથેની શરતો નક્કી કરવામાં અનેક ગેરરીતિઓ આચરવામાં આવી હતી. શરૃઆતમાં ગેમ્સ વિલેજના ૩૩૩ ફ્લેટો ૧૩૪ કરોડ રૃપિયામાં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પણ પાછળથી આ કિંમત ભેદી રીતે વધારીને ૨૨૨ કરોડ રૃપિયા કરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં લિક્વિડેશન નુકસાનની ગણતરી ન કરવાને કારણે ૮૧.૫ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન કંપનીને ૬૪ કરોડ રૃપિયા એડ-હોક ધોરણે ચૂકવવામાં આવ્યા હતા, જેની કરારમાં કોઈ જોગવાઈ ન હતી. કોમનવેલ્થ ગેમ્સ પતી જાય તે પછી કન્સ્ટ્રક્શન કંપનીએ આ બધા ફ્લેટો વેચવાની જવાબદારી સંભાળી હતી. જો આ ફ્લેટો ન વેચાય તો તેને જાળવવાના ખર્ચ તરીકે વર્ષે ૩૫ થી ૪૦ કરોડ રૃપિયા આપવાનું ઠરાવી દેશની તિજોરી ઉપર લૂંટ ચલાવવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં થયેલા ભ્રષ્ટાચાર માટે તેજિન્દર ખન્ના ઉપરાંત દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને પણ જવાબદાર ઠરાવાયા છે.
કોમનવેલ્થ ગેમ્સ વિલેજના સમગ્ર આયોજનમાં અનેક પ્રકારની ગોબાચારીઓ આચરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેનો કોન્ટ્રેક્ટ એમ્માર કંપનીને આપવામાં આવ્યો હતો. એમ્માર કંપનીએ કુલ ૧,૧૬૮ ફ્લેટો બાંધવાના હતા. તે પૈકી તેઓ ૭૭૮ ફ્લેટો બજારભાવે વેચીને બાંધકામ માટેના રૃપિયા ઊભા કરવાના હતા. બાકીના ૩૯૦ ફ્લેટો તેઓ ઓર્ગેનાઇઝીંગ કમિટિને ભાડે આપવાના હતા. આર્થિક મંદીને કારણે એમ્માર કંપની ૭૭૮ પૈકી આશરે ૪૦૦ ફ્લેટો જ વેચી શકી હતી. આ કંપનીને ઉગારવા દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી તેની વહારે આવી હતી. તેણે ૩૩૩ ફ્લેટો ૭૦૦ કરોડ રૃપિયામાં ખરીદી લીધા હતા. અગાઉ આ ફ્લેટોનો ભાવ ચોરસ ફૂટના ૭,૮૨૯ રૃપિયા નક્કી કરવામાં આવ્યા હતા પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેના ૧૧,૦૦૦ રૃપિયા મુજબ રકમ ચૂકવી હતી. તેની સામે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ એમ્મારના તમામ ફ્લેટો પોતાના કબજામાં લીધા હતા. એમ્મારે આપેલી ૧૮૩ કરોડ રૃપિયાની બેન્ક ગેરન્ટી પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ જપ્ત કરી હતી.
હવે મુશ્કેલી એ પેદા થઈ છે કે કોમનવેલ્થ ગેમ્સ વિલેજમાં જે ૪૦૦ વ્યક્તિએ ફ્લેટો ખરીદ્યા હતા તેનો કબજો પણ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના હાથમાં આવી ગયો છે. આ ફ્લેટોની કિંમત ૯૫ ટકા એમ્માર કંપનીને મળી ગયા છે, પણ ફ્લેટના માલિકોના હાથમાં કબજો આવ્યો નથી. તેઓ એમ્માર કંપનીમાં તપાસ કરે છે તો જવાબ મળે છે કે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી અમને કબજો આપે તે પછી જ કાંઈ કરી શકાય. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી આ ફ્લેટોનો કબજો ગેમ્સની પૂર્ણાહૂતિના બે મહિનામાં બિલ્ડરને સોંપવાની હતી. હવે આર્થિક તકરારને કારણે પાંચ મહિના પછી પણ કબજો એમ્માર કંપનીના હાથમાં આવ્યો નથી અને ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. આ રીતે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે અને તેના એમ્માર બિલ્ડર સાથેના વિવાદને કારણે કોમનવેલ્થ ગેમ્સમાં ૪૦૦ ફ્લેટ ખરીદનારાઓના કરોડો રૃપિયા આ ઝઘડામાં સલવાઈ ગયા છે.
કોમનવેલ્થ ગેમ્સના આયોજન દરમિયાન દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત મધર ઇન્ડિયાની જેમ ખાદીની સાડી પહેરીને બધે ફરતાં હતાં. તેઓ વારંવાર સુરેશ કલમાડી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા. હવે શુંગલુ કમિટિએ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલા અબજો રૃપિયાના ભ્રષ્ટાચાર માટે સ્પષ્ટ રીતે શીલા દીક્ષિત ભણી અંગુલિનિર્દેશ કર્યો છે. એક નાનકડું ઉદાહરણ જોઈએ તો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દિલ્હીના રસ્તાઓ ઉપર રોશની રેલાવવા માટે જે બલ્બની પસંદગી કરવામાં આવી હતી તેમાં ખોટી ડિઝાઈનના બલ્બ પસંદ કરવાને કારણે દિલ્હી રાજ્યની તિજોરીને ૬૦ કરોડ રૃપિયાનું નુકસાન ગયું હતું. આ બલ્બ માટે ટેન્ડરની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ ખામીભરેલી હતી. જો એક બલ્બમાં ૬૦ કરોડનો ભ્રષ્ટાચાર થઈ શકે તો બીજી વસ્તુઓની તો કલ્પના જ કરવી રહી.
કોમનવેલ્થ ગેમ્સ પૂરી થઈ તે પછી વડા પ્રધાને જાતે તેમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે શુંગલુ સમિતિની નિમણુક કરી હતી. શુંગલુ સમિતિનો પહેલો હેવાલ બ્રોડકાસ્ટ કૌભાંડ બાબતમાં હતો, જેમાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો છે અને ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. શુંગલુ સમિતિના બીજા બે હેવાલ વડા પ્રધાનને સુપરત કરવામાં આવ્યા હોવા છતાં હજી સુધી આ હેવાલો જાહેર કરવામાં નથી આવ્યા કારણ કે તેમાં શીલા દીક્ષિત અને તેજિન્દર ખન્ના જેવા મોટાં માથાંઓ સંડોવાયેલાં છે. કદાચ આ મહાનુભાવોને સીબીઆઈની તપાસમાંથી કેવી રીતે બચાવવા તેની મથામણ વડા પ્રધાન કરી રહ્યા છે.
No comments:
Post a Comment