પાંચ રાજ્યોમાં મિની જનરલ ઇલેક્શન જોવા મળશે
રાજકીય પક્ષો ચૂંટણી ટાણે આપેલા વચનોનું સત્તા ઉપર આવ્યા પછી પાલન ન કરે તો તેમને સત્તાનો ત્યાગ કરવા ફરજ પાડે તેવા કાયદા ઘડવા જોઈએ
ભારતની લોકશાહીમાં જનરલ ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે પણ વચ્ચે વચ્ચે આવતી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ વખતે કેન્દ્ર સરકારે પણ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.
તાજેતરમાં ચૂંટણી પંચે ભારતનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ એપ્રિલ અને મે મહિના દરમિયાન જાહેર કરી છે. આ ચૂંટણીઓમાં ભારતના કુલ ૧૪ કરોડ મતદારો સરકારની કામગીરી બાબતમાં પોતાનો ફેંસલો ફરમાવવાના છે. રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ સામાન્ય રીતે સ્થાનિક મુદ્દાઓના આધારે લડાતી હોય છે; પણ આ વખતની ચૂંટણીમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાળું નાણું વગેરે મુદ્દાઓ પણ મહત્ત્વના બની રહેશે. આ તમામ રાજ્યોની ચૂંટણીઓમા યુપીએના સાથી પક્ષો મેદાનમાં ઉતરવાના હોવાથી એક રીતે આ ચૂંટણી મિની મધ્યસત્ર ચૂંટણીઓ જેવી બની રહેશે.
ભારતનાં જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે તેમાં આસામ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, પોંડિચેરી અને કેરળનો સમાવેશ થાય છે. આ બે રાજ્યો પૈકી ખરી રસાકસી તામિલનાડુમાં અને પશ્ચિમ બંગાળમાં થવાની છે. તામિલનાડુમાં સત્તાધારી ડીએમકેના એ. રાજાને સંડોવતા ટેલિકોમ કૌભાંડમાં સીબીઆઇએ જે કાર્યવાહી કરી તેને કારણે યુપીએના ડીએમકે સાથેના સંબંધો તણાવગ્રસ્ત થઈ ગયા હતા. આ પરિસ્થિતિમાં તામિલનાડુમાં કોંગ્રેસ સાથેનું ડીએમકેનું ગઠબંધન ચાલુ રહેશે કે કેમ તે બાબતમાં પણ શંકા સેવાઈ રહી હતી. કોંગ્રેસે તમિલનાડુમાં ડીએમકે સાથે ચૂંટણી સમજૂતી તો કરી લીધી છે પણ ૨-જી કૌભાંડના કારણે યુપીએ સરકારની ઘટી રહેલી લોકપ્રિયતાના પરિપ્રેક્ષ્યમાં આ મોરચો સ્પષ્ટ બહુમતી મેળવી શકે છે કે કેમ તે જોવાનું રહે છે. તામિલનાડુમાં જયલલિતા યુપીએ ગઠબંધનની તમામ નબળાઈઓનો લાભ લેવા અને સત્તાનું સિંહાસન કબજે કરવા ટાંપીને જ બેઠા છે. આ સંયોગોમાં જો તમિલનાડુમાં ડીએમકે સત્તા ગુમાવશે તો તેની અસર કેન્દ્રમાં પણ ડીએમકેના યુપીએ સાથેના સંબંધો પર પડશે.
પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચો ૩૪ વર્ષથી સત્તા ઉપર છે. તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ કોંગ્રેસનો સાથ લઈને ડાબેરી મોરચાને સત્તા ઉપરથી ઉતારી પાડવાના શપથ લીધા છે. મમતા બેનરજી કેન્દ્રની યુ.પી.એ. સરકારમાં રેલવે પ્રધાન છે પણ તેમનું ધ્યાન હંમેશા પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાનની ખુરશી ઉપર જ હોય છે. મમતા બેનરજીએ તાજેતરમાં રેલવેનું જે બજેટ તૈયાર કર્યું તે પણ પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું હતું અને પશ્ચિમ બંગાળને અનેક નવા પ્રોજેક્ટોની લ્હાણી કરવામાં આવી હતી.
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ અને સિંગૂરમાં જમીન સંપાદનને કારણે જે વિવાદો થયા તેમાં મમતા બેનરજીના પક્ષને જબરો ફાયદો થયો છે. પશ્ચિમ બંગાળની પ્રજાનો મિજાજ જોતાં અહીં ડાબેરી મોરચાની હાર નિશ્ચિત મનાય છે. હવે જોવાનું એ રહે છે કે મમતા બેનરજી પોતાની તાકાત ઉપર સરકાર બનાવી શકશે કે તેમને સરકાર બનાવવા માટે કોંગ્રેસની મદદ લેવી પડશે.
ડાબેરી મોરચાની હાલત પશ્ચિમ બંગાળની જેમ કેરળમાં પણ ખરાબ છે. કેરળમાં અત્યારે ડાબેરી મોરચાની સરકાર છે. કેરળની પ્રજા વારફરતી ડાબેરી મોરચાને અને કોંગ્રેસી મોરચાને જીતાડતી આવી છે. હવે કોંગ્રેસી મોરચો સત્તા પર આવવાનો છે. ડાબેરી મોરચો જો કેરળમાં અને પશ્ચિમ બંગાળમાં પણ હારી જશે તો તેના હાથમાંથી ભારતના બે મહત્ત્વના રાજ્યો છીનવાઈ જશે. તેને પરિણામે કેન્દ્રમાં સબળ વિરોધ પક્ષ તરીકે પણ ડાબેરી પક્ષોની તાકાત ઓછી થઈ જશે અને ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવશે.
અત્યારે ડાબેરી મોરચામાં સીપીએમનું મહત્ત્વ સૌથી વધુ છે. મોટા ભાગની નીતિઓ સી.પી.એમ.ની મરજી મુજબ જ નક્કી થતી હોય છે. જો ડાબેરી મોરચાના હાથમાંથી કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા બે મહત્ત્વના રાજ્યો ઝુંટવાઈ જશે તો ડાબેરી મોરચામાં સીપીએમનું મહત્ત્વ પણ ઘટી જશે. તામિલનાડુમાં જે કોઈ પરિણામો આવશે તેની અસર પોંડિચેરીમાં પડયા વિના રહેશે નહી આસામમાં હંમેશા મુસ્લિમ મતો નિર્ણાયક ભૂમિકા ભજવતા હોય છે. આસામના મુસ્લિમો પરંપરાગત રીતે કોંગ્રેસની તરફેણમાં જ મતદાન કરતા હોવાથી આસામમાં ત્રીજી વખત કોંગ્રેસને સરકાર રચવામાં કોઈ મુસીબત નહી પડે તેવું મનાઈ રહ્યું છે.
પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ તેને પગલે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની બાબતમાં ગજગ્રાહ શરુ થયો છે. પશ્ચિમ બંગાળમાં એક વખત સત્તા ઉપર રહેલો કોંગ્રેસ પક્ષ આજે તૃણમૂલ કોંગ્રેસના જુનિયર પાર્ટનર તરીકે ચૂંટણી લડી રહ્યો છે. કોંગ્રેસે રાજ્યની વિધાનસભાની ૨૯૪ બેઠકો પૈકી ૮૦ બેઠકો માટે ટિકિટ માંગી છે પણ મમતા દીદી તેને ૫૫ બેઠકો ફાળવશે એમ માનવામાં આવે છે. તામિલનાડુમાં ૨-જી કૌભાંડને કારણે ડી.એમ.કે.ના એ. રાજા સી.બી.આઇ.ની કસ્ટડીમાં હોવાથી રાજ્યમાં ચૂંટણીનો મુખ્ય મુદ્દો ભ્રષ્ટાચાર બની ગયો છે. ડી.એમ.કે.ની રાજ્યમાં ઘટી ગયેલી શાખ જોતાં કોંગ્રેસ ૨૩૪ પૈકી ૮૦ બેઠકો માંગશે તેમ મનાઈ રહ્યું છે. તામિલનાડુમાં જો ડી.એમ.કે. કોંગ્રેસ ગઠબંધન જીતશે તો પણ હવે કરૃણાનિધિ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા બહુ ઓછી છે. તેમના દીકરાઓ અલ્લાગિરિ અને સ્ટાલીન વચ્ચે કરુણાનિધિની ગાદી કબજે કરવાનું ચાલી રહેલું યુદ્ધ ચૂંટણીઓ પછી પરાકાષ્ટાએ પહોંચશે.
સામાન્ય રીતે સામાન્ય ચૂંટણીઓ નજીક હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા હળવું બજેટ આપવામાં આવે છે. આપણા દેશમાં લોકસભાની ચૂંટણીઓ તો હવે ૨૦૧૪ની સાલમાં થવાની છે. તેમ છતાં નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ બજટમાં પુષ્કળ રાહતો આપી તેનું મુખ્ય કારણ એ હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.
નાણાં પ્રધાન પ્રણવ મુકરજીએ બજેટમાં વણકરો માટે જે ૩,૦૦૦ કરોડ રૃપિયાનું પેકેજ જાહેર કર્યું તેનો મહત્તમ લાભ મુસ્લિમ વણકરોને થવાનો છે. કેરળ ના ૩૦ ટકા, પશ્ચિમ બંગાળના ૨૪ ટકા અને તામિલનાડુના ૧૮ ટકા મતદારો મુસ્લિમ છે, જેઓ પરંપરાગત રીતે કોંગ્રેસને મત આપે છે.
પશ્ચિમ બંગાળમાં છેક ઇ.સ. ૧૯૭૭ની સાલથી ડાબેરી મોરચાની સરકાર રાજ કરે છે કોમરેડ જ્યોતિ બસુની નિવૃત્તિ પછી પશ્ચિમ બંગાળની સરકારની લોકપ્રિયતા ઉત્તરોત્તર ઘટતી રહી છે. એમાં પણ ટાટાના સિંગૂર પ્લાન્ટ માટે અને ઇન્ડોનેશિયાના સલીમ જૂથના નંદિગ્રામ પ્રોજેક્ટના વિરોધમાં જે લોહિયાળ આંદોલન થયું તેમાં સરકારની ભૂંડી ભૂમિકાને કારણે પશ્ચિમ બંગાળના કિસાનો અને મજૂરો સરકારથી વિમુખ થઈ ગયા છે. આ બંને આંદોલનોમાં મમતા બેનરજીએ ગરીબ કિસાનોની પડખે રહીને તેમની ભારે સહાનુભૂતિ મેળવી છે. મમતા બેનરજીના પક્ષે ઇ.સ. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીઓમાં જેટલી બેઠકો મેળવી તેને કારણે ડાબેરી આગેવાનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ યોજાયેલી તમામ પેટા-ચૂંટણીઓમાં અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પણ મમતા બેનરજીનો પક્ષ મેદાન મારી ગયો છે. મમતા બેનરજી મતદારોને કહી રહ્યા છે કે, 'તમે ડાબેરી મોરચાને સાત ચાન્સ આપ્યા. મને એક ચાન્સ તો આપી જુઓ.' આ સૂત્ર મતદારોના માનસ માટે ભારે અસરકારક સાબિત થયું છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની સરકાર એટલી હદે લોકપ્રિયતા ગુમાવી બેઠી છે કે અમુક ડાબેરી આગેવાનો અંદરખાને પોતાનો પરાજય થશે એ વાત સ્વીકારી રહ્યા છે.
કેરળમાં ડાબેરી મોરચાની સરકાર પણ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે બદનામ થયેલી છે. કેરળના મુખ્યપ્રધાન અચ્યુતાનંદ પક્ષની સૌથી મોટી તાકાત છે અને નબળાઈ પણ છે. તેમની વ્યક્તિગત ઇમેજ સ્વચ્છ છે પણ અન્ય રાજકારણીઓની જેમ તેમના પુત્ર ઉપર પણ જે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તેનો રેલો અચ્યુતાનંદના પગ સુધી આવે તેમ છે. પક્ષની પાસે અચ્યુતાનંદ સિવાય બીજા કોઈ એવા નેતા પણ નથી કે જેમને આગળ કરીને તેઓ ચૂંટણીમાં વિજય મેળવી શકે. કેરળના ડાબેરી મોરચાના મુખ્ય પક્ષ સીપીએમ ભારે આંધાધૂંધીમાં છે. તેના નેતાઓ અંદરોઅંદર ઝધડી રહ્યા છે. કેન્દ્રીય નેતાગીરી પશ્ચિમ બંગાળમાં વ્યસ્ત છે. આ કારણે સીપીએમ આ વખતે કેરળ અને પશ્ચિમ બંગાળ બંને રાજ્યો ગુમાવીને દેશના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ જશે તેવું લાગે છે.
આપણા દેશમાં દર પાંચ વર્ષે ચૂંટણીઓ આવે છે ત્યારે પ્રજા એક યા બીજા પક્ષને ચૂંટીને સત્તામાં બેસાડે છે. રાજકીય પક્ષો ચૂંટણીઓ વખતે વચનોની લ્હાણીઓ કરતા હોય છે. પણ એક વખત ખુરશી હાથમાં આવી જાય તે પછી સત્તાનો ભોગવટો કરવામાં અને ભ્રષ્ટાચાર આચરવામાં એવા પરોવાઈ જાય છે કે પ્રજાને આપેલા વચનો તેઓ ભૂલી જાય છે. પ્રજાએ જે પક્ષને સત્તા ઉપરથી નીચે ઉતાર્યો તેમાં અને જે પક્ષ સત્તા ઉપર આવ્યો હોય તેમાં તેમને કોઈ ફરક દેખાતો નથી. પ્રજા પાસે બે જ વિકલ્પ હોય છે. આ બંને વિકલ્પ નકામા હોય છે આ કારણે રાજકારણીઓ પાંચ વર્ષ સુધી પ્રજાનું શોષણ કરે ત્યારે પ્રજા લાચાર થઈને તમાશો જોયા કરે છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીઓ દરમિયાન જે વચનો આપવામાં આવે છે તેનું જો પાલન કરવામાં ન આવે તો તેમને સત્તાનો ત્યાગ કરવાની ફરજ પડે એવા કાયદાઓ ઘડવાની જરૃર છે. જ્યાં સુધી પ્રજાને પ્રતિનિધિઓને પાછા બોલાવવાની સત્તા આપવામાં નહી આવે ત્યાં સુધી ભારતમાં સાચી લોકશાહી નહી આવે આ માટે ભારતના બંધારણમાં ઘરમૂળથી સુધારાઓ કરવા જરૃરી બની જાય છે.
-sanjay vora
No comments:
Post a Comment