Thursday, March 17, 2011

ફુકુશિમા બીજું ચેર્નોબિલ બને તેવી શક્યતા કેટલી છે ?



વધી રહેલી ગરમીને કારણે જો અણુ ભઠ્ઠીનો મધ્ય ભાગ અને તેમાં રહેલા ધાતુના પાઇપો પીગળી જાય તો બહુ મોટી દુર્ઘટના માટે તૈયાર રહેવું પડશે
જપાનના ફુકુશિમા રિએક્ટરમાં એક પછી એક ધડાકાઓ થઈ રહ્યા છે. તેને કારણે માત્ર જપાનના જ નહીં પણ દુનિયાના અનેક દેશોના નાગરિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ફુકુશિમાથી ૨૪૦ કિલોમીટરના અંતરે આવેલા ટોકિયોમાં રેડિયેશનનો ગભરાટ એટલો બધો વ્યાપી ગયો છે કે અનેક લોકો જપાન છોડવાનું વિચારી રહ્યા છે. ફુકુશિમા પ્લાન્ટની કુલિંગ સિસ્ટમમાં અને બહારના મકાનમાં થયેલા ધડાકાના કારણે જે રેડિયેશન બહાર આવ્યું તે રશિયાના બ્લડીવોસ્ટોક સુધી પહોંચી ગયું છે. ચીન, રશિયા, યુરોપ અને અમેરિકાના દેશો પણ રેડિયેશનની ચિંતા કરી રહ્યા છે. ઇ.સ. ૧૯૮૬ની સાલમાં રશિયાના ઉક્રેન પ્રાંતમાં ચેર્નોબિલની દુર્ઘટના થઈ તેમાં તો મુખ્ય રિએક્ટરમાં જ ધડાકો થયો હતો અને કિરણોત્સર્ગી વાદળ બહાર આવી ગયું હતું. જપાનની સરકાર જો સાચું બોલતી હોય તો ફુકુશિમાના મુખ્ય રીએક્ટરમાં હજી ધડાકો નથી થયો. આ કારણે હાલના તબક્કે ફુકુશિમાની સરખામણીએ ચેર્નોબિલ સાથે કરી શકાય નહીં પરંતુ ફુકુશિમામાં હજી ખતરો ટળી નથી ગયો, માટે આવતીકાલે શું બનશે તે કોઈ કહી શકે તેમ નથી.
જપાનના ફુકુશિમા દાઇચી રિએક્ટરમાં જે બની રહ્યું છે તે માનવ જાત માટે કેટલું જોખમી પુરવાર થઈ શકે છે તે સમજવા માટે પહેલા આપણે અણુ ઊર્જા મથકો કેવી રીતે કામ કરે છે તે સમજવું પડશે. અણુ ઉર્જા મથક પણ અન્ય સામાન્ય પાવર પ્લાન્ટના સિદ્ધાંત મુજબ જ કાર્ય કરે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો કે ગેસ બાળીને ગરમી પેદા કરવામાં આવે છે. આ ગરમીથી પાણી ઉકળે છે અને તેની વરાળ પેદા થાય છે. આ વરાળથી ટર્બાઇન ચાલે છે અને વીજળી પેદા કરવામાં આવે છે. આ રીતે થર્મલ પાવર પ્લાન્ટ અને એટમિક પાવર પ્લાન્ટ વચ્ચે જે તફાવત છે તે ગરમી પેદા કરવાની પદ્ધતિ બાબતમાં જ છે.
અણુ ઊર્જા મથકમાં પદાર્થના અણુઓ પત્તાના મહેલની જેમ ગોઠવાયેલા હોય છે. એક પતું ખેંચી કાઢતા જ આખો મહેલ તૂટી પડે છે. અણુભઠ્ઠીમાં જે બળતણ વાપરવામાં આવે છે તેના અણુઓ એકદમ અસ્થાયી હોય છે તેમાં એક અસ્થિર અણુનું વિભાજન થાય છે ત્યારે તેના પરમાણુઓ આજુબાજુના અણુઓ સાથે અફળાય છે અને તેને પણ તોડી નાખે છે. આ અણુઓના ટુકડાઓ બીજા લાખો અણુ પરમાણુઓનું વિભાજન કરે છે. આ પ્રક્રિયા શૃંખલાબદ્ધ રીતે ચાલ્યા કરે છે, જેના કારણે અબજો અણુઓનું વિભાજન થાય છે દરેક અણુનું વિભાજન થાય ત્યારે તેમાંથી થોડીક ગરમી બહાર પડે છે. આ રીતે અબજો અણુઓનું વિભાજન થાય ત્યારે ચિક્કાર ગરમી પેદા થાય છે. ફુકુશિમા પાવર પ્લાન્ટ ઉકળતાં પાણીના આધારે થયેલી છે. તેમાં સાદા પાણીને અણુભઠ્ઠીના મધ્ય ભાગમાંથી પસાર કરવામાં આવે છે, જ્યાં અસંખ્ય અણુઓના વિભાજનની પ્રક્રિયા સતત ચાલતી હોય છે. આ પાણી ગરમ થતા તેની વરાળ બહાર આવે છે, જેના વડે ટર્બાઇન ચલાવવામાં આવે છે અને વીજળી પેદા કરવામાં આવે છે.
અણુ બોમ્બમાં જે રિએક્શન થાય છે તે જ અણુભઠ્ઠીમાં થાય છે, પણ તેનો વેગ બહુ ઓછો હોય છે. અણુ બોમ્બમાં ક્ષણભરમાં અબજો અણુઓનું વિભાજન થવાથી અમર્યાદિત ગરમી પેદા થાય છે અને ભીષણ ધડાકો થાય છે. અણુ ભઠ્ઠીઓમાં બળતણ તરીકે યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ધાતુઓ વાપરવામાં આવે છે. અણુ ભઠ્ઠીમાંના અણુના વિભાજનની પ્રક્રિયાને અંકુશિત કરવામાં આવે છે.
આ પ્રક્રિયાને ધીમી પાડવા માટે બળતણને ધાતુના પાઇપો વચ્ચે મૂકવામાં આવે છે. આ પાઇપો સ્પીડબ્રેકરનું કામ કરે છે. ધાતુના પાઇપોને જૂથમાં ગોઠવીને તેમને ચોરસ ફ્રેમમાં મૂકવામાં આવે છે. આ પાઇપો અને તેમાંથી બનાવવામાં આવેલી ફ્રેમોને અણુભઠ્ઠીની અંદરના ભાગમાં ગોઠવવામાં આવે છે. આ મધ્ય ભાગમાંથી વીજળીથી ચાલતા પમ્પો વડે પાણી પસાર કરવામાં આવે છે. આ પાણી બળતણના સંપર્કમાં આવતું નથી પણ જે પાઇપોમાં બળતણ રાખવામાં આવ્યું હોય તેના સંપર્કમાં આવે છે અને તેની પાસેથી ગરમી ગ્રહણ કરે છે. આ પાણીના કારણે પાઇપોનું ઉષ્ણાતામાન કાબૂમાં રહે છે અને તેઓ વધુ પડતા ગરમ થઈને ફાટી જતા નથી.
અણુ ભઠ્ઠી કેવી રીતે કામ કરે છે તે સમજ્યા પછી હવે આપણે કુકુશિમા પ્લાન્ટમાં શું બન્યું તે સમજવાની કોશિષ કરીએ. જપાનમાં ભૂકંપ આવ્યો તે અગાઉ ફુકુશિમાની ક્રમાંક ૪, ૫ અને ૬ની ભઠ્ઠીઓ બંધ જ હતી. ભૂકંપની ચેતવણી મળતાં જ ૧, ૨, અને ૩ નંબરની ભઠ્ઠીઓ તેમાં બેસાડવામાં આવેલી સલામતી યંત્રણાને કારણે કામ કરતી બંધ થઈ ગઈ હતી. જો કે લાઇટની સ્વીચ ઓન અને ઓફ્ફ કરીએ એટલી સહેલાઈથી અણુ ભઠ્ઠી બંધ કરી શકાતી નથી. તેમાં વીજળીનું ઉત્પાદન બંધ કરવામાં આવે તો પણ અણુઓમાં ચાલી રહેલી વિભાજનની પ્રક્રિયા એકદમ અટકી જતી નથી. મૂળ પ્રક્રિયાના આશરે ૬ ટકા જેટલી પ્રક્રિયા તો દિવસો સુધી ચાલુ જ રહે છે, જેને કારણે ગરમીનું ઉત્પાદન પણ ચાલુ રહે છે. આ ગરમીને રોકવા માટે પ્લાન્ટમાં પાણીનું પમ્પિંગ ચાલુ જ રાખવું પડે છે.
ફુકુશિમા ભૂકંપ પછી સુનામી આવ્યું તેને પગલે વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો અને પાણીના પમ્પો બંધથઈ ગયા. આ પ્લાન્ટમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ડિઝલથી ચાલતા પમ્પો રાખવામાં આવ્યા હતા. વળી પ્લાન્ટમાંથી દરિયાનું પાણી ન પ્રવેશે તે માટે પ્રોટેક્શન વોલ પણ બનાવવામાં આવી હતી. સુનામીના મોજાઓ આ દિવાલને વટાવીને પ્લાન્ટમાં પ્રવેશી ગયા તેને કારણે ડિઝલના પમ્પો પણ કામ કરતા બંધ થઈ ગયા.
આ કારણે અણુભઠ્ઠીના મધ્ય ભાગમાં ઉષ્ણાતમાન એકદમ વધી ગયું પ્લાન્ટમાં ઉષ્ણતમાન વધી જાય ત્યારે પાઇપની ઝાર્કોનિયમ ધાતુ પાણીની વરાળ સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઝાર્કોનિયમ ઓક્સાઇડ અને હાયડ્રોજન વાયુ પેદા કરે છે. ફુકુશિમા પ્લાન્ટમાં ઉષ્ણતામાન વધી ગયું તેને કારણે આ અણુભઠ્ઠી પીગળી ન જાય તે માટે તેનું ઢાંકણું ખોલીને કેટલીક વરાળને બહાર નીકળવા દેવામાં આવી આ વરાળ સાથે પેલો હાયડ્રોજન વાયુ પણ બહાર આવી ગયો. હાયડ્રોજન વાયુ હવામાં રહેલા ઓક્સિજનના સંપર્કમાં આવતા જ ધડાકાઓ થયા, આ ધડાકાઓને કારણે કેટલોક રેડિયોએક્ટિવ પદાર્થ હવામાં ભળી ગયો.
ફુકુશિમાની અણુભઠ્ઠીઓમાં અત્યાર સુધી જે ધડાકાઓ થયા છે તે મુખ્ય કેન્દ્રની બહારના ભાગમાં જ થયા છે, જેને કારણે બળતણ તરીકે વાપરવામાં આવતો રેડિયોએક્ટિવ પદાર્થ હજી બહાર આવ્યો નથી, જેવું ચેર્નોબિલમાં બન્યું હતું. ફુકુશિમાના એટમિક પાવર પ્લાન્ટમાં મુખ્ય અણુભઠ્ઠીની સુરક્ષા માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે મુખ્ય અણુભઠ્ઠી છે તેને સંરક્ષણ આપવા માટે તેની આજુબાજુ સિમેન્ટ કોંક્રીટનું એક મકાન ચણી લેવામાં આવ્યું છે. આ મકાનની દિવાલો ત્રણથી છ ફૂટ જેટલી જાડી છે. તેની સાથે વિમાન ટકરાય તો પણ તેને વાંધો ન આવે એટલી મજબૂત આ દિવાલ બનાવવામાં આવે છે. આ મકાનની આજુબાજુ પણ ધાતુના કવચ એવો એક શેડ ઉભો કરવામાં આવે છે. ફુકુશિમાની ત્રણ અણુભઠ્ઠીઓમાં જે ધડાકાઓ થયા તેને કારણે આ મકાનો હજી હેમખેમ રહ્યા છે પણ તેની આજુબાજુ રચવામાં આવેલા ધાતુના શેડોના ફૂરચા ઉડી ગયા છે.
આ દરમિયાન અણુભઠ્ઠીના અંદરના ભાગમાં પાણીનું સર્કયુલેશન બિલકુલ બંધ હોવાથી ગરમી સતત વધી રહી છે. એકથી ત્રણ નંબરના રીએક્ટરોની અંદર શું ચાલી રહ્યું છે તેની કોઈને ય ખબર નથી. સંભવ છે કે અંદર વધી રહેલ ગરમીના કારણે જેમાં બળતણ રાખવામાં આવે છે તે ધાતુના પાઇપો ખરેખર પીગળી ગયા હોય તો અણુભઠ્ઠીઓનું બળતણ એકઠું થઈ જાય અને ગમે તે ક્ષણે અણુધડાકા જેવો ધડાકો થઈ શકે છે. આ ધડાકા સામે સિમેન્ટ કોંક્રીટનું મકાન ટકી ન શકે અને તેના પણ ફૂરચા ઉડી જાય ત્યારે રેડિયેશન સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જવાનો ખતરો રહે છે. જેટલો વિનાશ અણુબોમ્બ વેરી શકે એટલો જ વિનાશ આ રેડિયેશન પણ વેરી શકે છે.
આપણે અત્યારે તો એવી આશા રાખીએ કે ફુકુશિમા પ્લાન્ટમાં ધાતુના પાઇપો પીગળી જાય તે પહેલાં જ તેમાં ચાલી રહેલી આણ્વિક પ્રક્રિયા થંભી જાય અને પરિસ્થિતિ કાબૂમાં આવી જાય.
ફુકુશિમામાં જો ધાતુના પાઇપો અને ફ્રેમ પીગળી જાય તો ચેર્નોબિલમાં થઈ હતી તેવી ભીષણ દુર્ઘટનાને કોઈ અટકાવી શકશે નહીં. આ દુર્ઘટનામાં હજારો લોકોના મોત થઈ શકે છે અને લાખો અપંગ થઈ શકે છે.
પોતાની ૩૫ ટકા ઊર્જા અણુભઠ્ઠીઓમાંથી મેળવનારા જપાને પણ આવી દુર્ઘટનામાં હજારો લોકોના મોત થઈ શકે છે અને લાખો અપંગ થઈ શકે છે. પોતાની ૩૫ ટકા ઊર્જા અણુભઠ્ઠીઓમાંથી મેળવનારા જપાને પણ આવી દુર્ઘટનાની કલ્પના નહીં કરી હોય. એક વખત વિશ્વ આ કટોકટીમાંથી પસાર થઈ જાય તે પછી વિશ્વના વિજ્ઞાાનીઓ અને રાજકારણીઓ સાથે બેસીને સમગ્ર માનવજાતનો ખાતમો બોલાવવાની ક્ષમતા ધરાવતી અણુ ઊર્જાની ટેકનોલોજીના ભવિષ્ય બાબતમાં શાંત ચિત્તે ફેરવિચારણા કરવી જ પડશે.
-સંજય વોરા

No comments:

Post a Comment