Saturday, March 12, 2011

૧૨/૩/૧૧ વિદ્યાર્થીઓનો સ્ટ્રેસ ઘટાડવા માટે પરીક્ષાપદ્ધતિ બદલવી જોઈએ


બોર્ડની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ઘટાડવાની ટિપ્સ આપવાને બદલે બોર્ડના અધિકારીઓને સ્ટ્રેસરહિત પરીક્ષાઓ યોજવાની તાલીમ આપવી જોઈએ
એક હેવાલ મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)ની પરીક્ષામાં દર વર્ષે ૬ લાખ વિદ્યાર્થીઓ બેસે છે. તેમાંથી નપાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી ૪,૦૦૦ દર વર્ષે આપઘાત કરે છે. આ કારણે સીબીએસઈ બોર્ડે આ વર્ષથી એસએસસીની પરીક્ષા મરજીયાત બનાવી છે. સીબીએસઈના વિદ્યાર્થીઓ જો બોર્ડની પરીક્ષા આપવા ન માગતા હોય તો પોતાની સ્કૂલની ૧૦મા ધોરણથી પરીક્ષા આપીને ૧૧મા ધોરણમાં પ્રવેશ મેળવી શકે છે. એક હેવાલ મુજબ સીબીએસઈ બોર્ડમાં ભણતા આશરે ૬૦ ટકા વિદ્યાર્થીઓએ આ વિકલ્પનો લાભ લીધો છે અને તેઓ બોર્ડની એક્ઝામના સ્ટ્રેસમાંથી મુક્ત થયા છે. આ પ્રયોગ રાજ્યના બોર્ડે પણ કરવા જેવો છે. તાજેતરમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓ શરૃ થઈ છે. દર વખતે પરીક્ષાઓ શરૃ થાય ત્યારે વિદ્યાર્થીઓને સલાહ આપવા માટેના સેમિનારો શરૃ થઈ જાય છે કે સ્ટ્રેસને કેવી રીતે ઘટાડવો. આ સેમિનારો શિક્ષણ ખાતાંના સરકારી અધિકારીઓ માટે યોજવાની જરૃર છે કે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ ન વધે તે માટે પરીક્ષા પદ્ધતિઓમાં કેવા સુધારાઓ કરવા જોઈએ. એક બાજુથી આપણે સ્ટ્રેસ જ વધારે એવી શિક્ષણ પધ્ધતિ ચાલુ રાખીએ છીએ અને બીજી બાજુ આપણે વિદ્યાર્થીઓને સ્ટ્રેસ ઘટાડવાની ટિપ્સ આપીએ છીએ.
કોઈ પણ રાજ્યમાં એસ.એસ.સી. બોર્ડની પરીક્ષા જે રીતે લેવામાં આવતી હોય તેના આધારે જ વિદ્યાર્થીઓના શિક્ષણનું ચક્ર ગોઠવાતું હોય છે. એટલે કે એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ જ્ઞાાનની પ્રાપ્તિ માટે કે કૌશલ્ય હાંસલ કરવા માટે ભણતા નથી, પણ બોર્ડની પરીક્ષામાં વધુ માર્કસ હાંસલ કરવા માટે જ ભણતા હોય છે. હવે બોર્ડની પરીક્ષામાં લેખિત પ્રશ્નોની જે પદ્ધતિ હોય છે તેમાં પણ વિદ્યાર્થીની વિશ્લેષણ કરવાની, પ્રયોગો કરવાની, ટિપ્પણ કરવાની, અભિવ્યક્ત કરવાની વગેરે ક્ષમતાઓની કોઈ કિંમત નથી અંકાતી પણ ગોખણપટ્ટીની ક્ષમતાની જ કસોટી થાય છે. આ પરીક્ષામાં જે વિદ્યાર્થીની ગોખણશક્તિ વધુ હોય તે જ વધુ સ્કોર કરી શકે છે. આ કારણે એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ કોઈપણ વિષયને સમજીને ભણવા કરતાં સવાલજવાબો ગોખી કાઢવા માટે જે વધુ મહેનત કરે છે. અને આ દૂષણ માત્ર એસ.એસ.સી.ની પરીક્ષા પૂરતું મર્યાદિત નથી રહ્યું. હવે તો પહેલા ધોરણથી લઈ નવમા ધોરણ સુધીની બધી જ પરીક્ષાઓનો ઢાંચો બોર્ડ એક્ઝામના ઢાંચાને આધારે ઘડાય છે. આ કારણે સ્કૂલમાં ભણતા બધાં જ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં વધુ સ્કોર કરવા માટે જ ભણે છે. આ કારણે જ ગાઈડો, કોચિંગ ક્લાસો, પ્રાઈવેટ ટયુશન્સ, કૉપી વગેરે દૂષણો માઝા મૂકી રહ્યા છે.
ભારતમાં મેકૉલેની શિક્ષણ પદ્ધતિનો પ્રારંભ થયો તે અગાઉ આજે જોવા મળે છે તેવી ખોફનાક લેખિત પરીક્ષાનું અસ્તિત્ત્વ જ નહોતું. વિદ્યાર્થીઓની જે પરીક્ષા લેવામાં આવતી એ મૌખિક સ્વરૃપની જ હતી અને તે પણ તેના પોતાના શિક્ષક દ્વારા જ લેવાતી. આ પરીક્ષા લેવાનો હેતુ વિદ્યાર્થી કયા વિષયમાં કેટલો પાકો છે કે કાચો છે તે જાણવા પૂરતો મર્યાદિત હતો. પરીક્ષા વખતે વિદ્યાર્થી કોઈ વિષયમાં નબળો માલૂમ પડે તો તે શિક્ષકની ખામી ગણાતી અને વિદ્યાર્થીને તે વિષયમાં હોંશિયાર બનાવી દેવાની નૈતિક જવાબદારી પણ શિક્ષકની જ ગણાતી. આ કારણે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો કોઈ ભય રહેતો નહીં. તેઓ હસતારમતા પરીક્ષા આપતા અને પાસ થતા. ભારતમાં ૧૯મી સદીમાં હોરેસ મેન નામના બ્રિટિશરે લેખિત પરીક્ષાઓની પ્રણાલિ શરૃ કરી હતી, જે આજે પણ ચાલુ છે. આપણે ત્યાં પરીક્ષાઓની જે પદ્ધતિ પ્રચલિત છે તે તદ્દન અવૈજ્ઞાાનિક અને વાહિયાત છે. દાખલા તરીકે એક વિદ્યાર્થીને ગણિતમાં ૯૧ માર્કસ આવ્યા છે તો બીજાને ૯૨ ગુણ આવ્યા છે. શું તેનો અર્થ એવો થાય ખરો કે ૯૧ ગુણ મેળવનાર વિદ્યાર્થી ૯૨ ગુણ મેળવનાર વિદ્યાર્થી કરતા ઠોઠ છે? વિદ્યાર્થીઓના કોઈ વિષયના કૌશલ્યની રજૂઆત અથવા સરખામણી આ રીતે આંકડાઓથી કરી શકાય ખરી?
ઈ.સ. ૧૯૦૨ની સાલમાં ત્યારની બ્રિટિશ સરકારે ઇન્ડિયન યુનિવર્સિટી કમિશન નામના પંચની રચના શિક્ષણ પ્રથામાં સુધારા સૂચવવા માટે કરી હતી. આ પંચે કહ્યું હતું કે, ''ભારતમાં વિશ્વવિદ્યાલયોનું શિક્ષણ જે રીતે સૌથી મોટા રાક્ષસનો સામનો કરી રહ્યું છે તે પરીક્ષાની પદ્ધતિ છે.'' ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી તે પછી ડૉ. રાધાકૃષ્ણનની આગેવાની નીચે એક પંચની રચના કરવામાં આવી હતી. ૅૅ ઈ.સ. ૧૯૪૮-૪૯માં આ પંચે પોતાનો જે હેવાલ આપ્યો તેમાં શૈક્ષણિક સુધારાઓ અને ખાસ કરીને પરીક્ષા પદ્ધતિમાં સુધારાઓ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. ત્યારબાદ શિક્ષણમાં સુધારા માટેના કોઠારી કમિશને પણ સૌથી પહેલા પરીક્ષાઓમાં સુધારા કરવાની વાત ઉપર વિશેષ ભાર મૂક્યો હતો. ઈ.સ. ૧૯૬૪-૬૬ના અરસામાં રચાયેલા કોઠારી કમિશનના અધ્યક્ષ ડૉ. ડી.આસ. કોઠારીએ એક સેમિનારમાં પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, ''વિદ્યાર્થીઓના જ્ઞાાનનો ક્યાસ ક્યારેય તેમના માર્કસ ઉપરથી આવી શકે નહીં.''
આપણી પરીક્ષા પદ્ધતિની સૌથી મોટી ખામી એ છે કે અહીં વિદ્યાર્થી પરીક્ષાર્થીની ભૂમિકામાં હોય છે અને શિક્ષક ન્યાયાધીશની ભૂમિકામાં હોય છે. હકીકતમાં શિક્ષણ એક એવી પ્રક્રિયા છે, જેમાં શિક્ષકની અને વિદ્યાર્થીની બરાબરની ભાગીદારી હોય છે. કોઈ વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં નપાસ થાય છે ત્યારે હકીકતમાં તો તેને ભણાવનાર શિક્ષક જ નપાસ થાય છે. અત્યારે શિક્ષણની જે પ્રથા છે, તેમાં તો પરીક્ષાનાં પરિણામો જાહેર થાય તે સાથે જ શિક્ષણની પ્રક્રિયાનો અંત જાહેર કરાય છે. હકીકતમાં શિક્ષણની પ્રક્રિયા પરીક્ષા પછી જ શરૃ થવી જોઈએ. પરીક્ષામાં વિદ્યાર્થીના દેખાવને આધારે તેને વધુ શિક્ષણ આપવું જોઈએ. આજે તો પરીક્ષા પદ્ધતિનો ઉપયોગ વિદ્યાર્થીના માથે પાસ કે નાપાસનો સ્ટેમ્પ મારવા માટે જ થઈ રહ્યો છે.
આજની પરીક્ષાનો મકસદ હવે માત્ર પાસ થવા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પણ વધુ માર્કસ મેળવવા માટેની આ રેસ બની ગઈ છે. હવે એવું નથી રહ્યું કે પરીક્ષામાં નપાસ થનાર વિદ્યાર્થી જ હતાશ થઈને આપઘાતની કોશિષ કરે. હવે બારમા ધોરણમાં ૯૦ ટકા મેળવનાર વિદ્યાર્થી પણ આત્મહત્યા કરે છે, કારણ કે તેને ૯૨ ટકા ન આવ્યા અને તબીબી કોલેજમાં પ્રવેશ ન મળી શક્યો. એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓ ઓછા ટકા આવશે તો સારી કોલેજમાં એડમિશન નહીં મળે એવી તાણમાં જીવનનો અંત આણે છે.
આજે વિદ્યાર્થી જે બોર્ડની પરીક્ષામાં વધુ માર્કસ મેળવવા માટે દિવસરાત એક કરે છે અને લોહીના પાણી કરે છે તેના પરીક્ષકો વિદ્યાર્થીઓને માર્કસ આપવાની બાબતમાં કેવા છબરડાઓ કરે છે, એ પણ જાણવા જેવું છે. આ શિક્ષકોને શું ખ્યાલ નથી હોતો કે તેઓ કલમના એક ગોદા વડે જે માર્કસ ઉતાવળમાં મૂકી દે છે, તેના ઉપર એક વિદ્યાર્થીની જિંદગી નિર્ભર હોય છે? કોલકાતામાં ભણતી પિન્કી પાત્રા નામની વિદ્યાર્થીનીને એસ.એસ.સી.ની પરીક્ષામાં ઇતિહાસના પેપરમાં માત્ર ૧૧ જ માર્કસ મળ્યા. પિન્કીના વાલીઓએ બોર્ડને પુનર્મૂલ્યાંકન માટે અરજી કરી તો જવાબ મળ્યો કે જે માર્કસ આપવામાં આવ્યા તે બરાબર છે. પિન્કી ખૂબ તેજસ્વી સ્ટુડન્ટ હતી એટલે તેના વાલીઓને આ જવાબથી સંતોષ ન થયો. તેમણે એસ.એસ.સી. બોર્ડના ચુકાદા સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી. હાઈકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિ બારીન ઘોષે પિન્કીનું પેપર સ્વતંત્ર રીતે ચેક કરાવ્યું. તેમને જણાવવામાં આવ્યું કે પિન્કીને ઇતિહાસમાં ૭૦ માર્કસ મળે એટલું સારું તેણે લખ્યું હતું, પણ શિક્ષકે તેને ૧૧ માર્કસ જ આપ્યા હતા. પિન્કીના કેસમાં આ છબરડો બહાર આવ્યો એટલે હાઈકોર્ટમાં બોર્ડના વિદ્યાર્થીઓની ફરિયાદોનો ઢગલો થયો. તેને પરિણામે ફિરોઝ હુસૈન નામના વિદ્યાર્થીને ભૂગોળમાં ૧૬ માર્કસ હતા તે વધીને ૬૫ થયા. એક વિદ્યાર્થીને તો બંગાળી ભાષામાં ૦ માર્કસ આપવામાં આવ્યા હતા, તે વધીને ૪૭ થઈ ગયા હતા.
ખરા શિક્ષણશાસ્ત્રીઓનો મૂળ વિરોધ વિદ્યાર્થીઓનું હોંશિયાર કે ઠોઠમાં વર્ગીકરણ કરતી પદ્ધતિ સામે જ છે. આજની વિદ્યમાન કોઈ પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓની સર્વાંગીણ ક્ષમતાઓનું અણિશુદ્ધ મૂલ્યાંકન કરી શકતી નથી. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી ગણિત અને અંગ્રેજી જેવા વિષયોમાં નબળો હોય, પણ તે સંગીત, વ્યાયામ, ખેલકૂદ, સ્વિમિંગ, કરાટે જેવી કળાઓમાં પાવરધો હોય તો તેને ઠોઠ ગણવો કે હોંશિયાર? શું એસ.એસ.સી. બોર્ડની વર્તમાન પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની આવી ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા છે ખરી? વિદ્યાર્થીઓમાં વિનય, વિવેક, જીવદયા, પ્રામાણિકતા, મહેનતપણું, પરાર્થરસિકતા વગેરે સદ્ગુણો હોય, તેનું કોઈ મૂલ્યાંકન આજની પરીક્ષાઓ કરીને તેના માર્કસ આપી શકે ખરી? શું આ સદ્ગુણોની આજની શિક્ષણપદ્ધતિમાં કોઈ કિંમત નથી?
આપણા દેશમાં જે નૈતિકતાનો દુકાળ જીવનના તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે તેનું કારણ એ છે કે શિક્ષણમાં ક્યાંય નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવતું નથી પણ અનીતિના જ પાઠો ભણાવવામાં આવે છે. આજના વિદ્યાર્થીઓ શાળામાં ભણતા હોય ત્યારથી એવા સંસ્કાર મેળવે છે કે ચોરી કરીને પરીક્ષામાં પાસ થવામાં કાંઈ ખોટું નથી. સી.એ.નો અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ એવું ભણે છે કે કાયદેસરની કરચોરી કરવામાં કાંઈ ખોટું નથી. મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ એવું ભણે છે કે ગ્રાહકને છેતરીને ધંધો વધારવામાં સફળતા છે. આ સંયોગોમાં દેશના નેતાઓ ભ્રષ્ટાચારી અને ઉદ્યોગપતિઓ રૃશ્વત આપનારા પેદા થાય તો તેમાં કોઈ આશ્ચર્ય નથી. દેશને જો શતમુખ વિનિપાતમાંથી બચાવવો હશે તો શાળામાં નૈતિક શિક્ષણ આપ્યા વિના કોઈ છૂટકો જ નથી.
-સંજય વોરા.

No comments:

Post a Comment