Friday, March 18, 2011

૨-જી કૌભાંડમાં પહેલું કમોત ઃ સાદિક બાચ્ચા પછી હવે કોનો વારો છે ?


૨-જી કૌભાંડમાં લાંચનાં નાણાં હવાલાની ચેનલ દ્વારા વિદેશી બેન્કોમાં જમા કરાવવામાં આવ્યા હતા અને તે માટે માફિયાઓની મદદ પણ લેવામાં આવી હતી

૨-જી કૌભાંડનો પ્લોટ વધુ ને વધુ ભેદી બની રહ્યો છે. જ્યાં અબજો રૃપિયાની મોકાણ હોય ત્યાં હત્યા અને આત્મહત્યા જેવા ભેદભરમો પણ શરુ થઈ જાય છે. ૨-જી કૌભાંડમાં રાજકારણીઓ, સરકારી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ મળીને દેશના અબજો રૃપિયાના સંશાધનોની જે રીતે ઉજાણી કરી રહ્યા તેની તપાસ એક ડિટેક્ટીવ નવલકથાની ઢબે આગળ વધી રહી છે. આ નવલકથામાં લવ છે, સેક્સ છે, ધોખા છે અને મોત પણ છે. ૨-જી કૌભાંડમાં એ. રાજાને જે રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા તે રીતે કરુણાનિધિની પુત્રી કનીમોઝી ઉપર પણ હજી કોઈ આકરાં પગલાં લેવામાં નથી આવ્યા. લેવાશે ત્યારે એક ક્રિમિનલ લવસ્ટોરી પણ બહાર આવશે. આ કથામાં જેઓ વધુ જાણે છે તેમના માથે મોત મંડરાઈ રહ્યું છે. આ યાદીમાં પ્રથમ ભોગ એ. રાજાના વિશ્વાસુ સાથીદાર અને ભાગીદાર સાદિક બાચ્ચાનો લેવાઈ ગયો છે. હવે કોનો વારો આવશે તે તો અત્યારે માત્ર અટકળનો વિષય છે.
સાદિક બાચ્ચા ગ્રીનહાઉસ પ્રમોટર્સ નામની કંપનીનો મેનેજીંગ ડાયરેક્ટર હતો. આ કંપનીમાં એ રાજાની પત્ની એક સમયે ડાયરેક્ટર હતી અને તેમના ભાઈઓ આજે પણ ડાયરેક્ટર છે. ગ્રીનહાઉસ પ્રમોટર્સ કંપની એ. રાજા માટે ૨-જી કૌભાંડની મલાઈ ખાવાની બકનળી હતી. ઇ.સ. ૨૦૦૪માં આ કંપની ફોર્મ કરવામાં આવી ત્યારે તેની પાસે માત્ર એક લાખની મૂડી હતી. પાંચ વર્ષમાં તેની અસ્કયામતો વધીને ૬૦૦ કરોડ રૃપિયા ઉપર પહોંચી ગઈ હતી. સીબીઆઇને શંકા હતી કે એ. રાજાએ ૨-જી કૌભાંડમા જે અબજો રૃપિયાની લાંચ લીધી છે તેને સગેવગે કરવામાં તેમણે સાદિક બાચ્ચાની સેવાઓનો છૂટથી ઉપયોગ કર્યો હતો. સીબીઆઇએ બાચ્ચાની ઓફિસમાં ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં દરોડો પાડયો હતો અને ત્યાંથી વિદેશમાં મૂડીરોકાણના મહત્ત્વના દસ્તાવેજો મળ્યા હતા. સીબીઆઇને શંકા હતી કે ૨-જી કૌભાંડના નાણાં હવાલાની ચેનલથી વિદેશ મોકલવામાં આવ્યા હતા. સીબીઆઇ કદાચ બાચ્ચાને તાજનો સાક્ષી બનાવીને એ. રાજાના તમામ કૌભાંડોના પુરાવાઓ મેળવવા માંગતી હતી. હવે બાચ્ચા આ જગતમાં રહ્યો જ નથી.
શર્ટના સેલ્સમેનમાંથી અબજોપતિ બનેલા સાદિક બાચ્ચાની કથા બોલિવૂડની ફિલ્મના પ્લોટ જેવી છે. સાદિક બાચ્ચાએ એક સમયે તામિલનાડુના કરૃર જિલ્લાના પાલિપટ્ટી ગામે સાઇકલ ઉપર ફરીને ઘરે શર્ટ, પેન્ટ અને સાડીઓ વેચતો હતો તેમાંથી તેણે રૃપિયાને ડબલ કરી આપતો ચીટ ફંડનો ધંધો શરુ કર્યો પણ તેમાં તેને બહુ સફળતા ન મળી. ત્યારપછી તે જમીનની દલાલીના ધંધા તરફ વળ્યો. જમીનો ખરીદવા માટે તે બેન્કો અને શરાફો પાસેથી મોટી લોનો લેતો હતો. ઇ.સ. ૧૯૯૦ના દાયકામાં તે ડીએમકેના નેતા એ. રાજાના સંપર્કમાં આવ્યો. એ. રાજા ત્યારે વકીલાત કરી રહ્યા હતા. એક સોદામાં બાચ્ચા ફસાઈ ગયો ત્યારે રાજાએ તેને મદદ કરી હતી. આ રીતે તેમની દોસ્તી વધુ ને વધુ ઘનિષ્ટ બનતી ગઈ.
ઇ.સ. ૨૦૦૪માં એ. રાજા જ્યારે કેન્દ્રમાં વન અને પર્યાવરણ ખાતાના પ્રધાન બન્યા ત્યારે બાચ્ચાના નસીબ ઉઘડી ગયા. મોટા મોટા બિલ્ડરો તેમના પ્રોજેક્ટને પર્યાવરણ ખાતાની મંજૂરી અપાવવા માટે બાચ્ચાના દરવાજા ઉપર ટકોરા મારવા લાગ્યા. એ. રાજાને લાંચ આપવા માટેની મુખ્ય ચેનલ બાચ્ચા બની ગયો. મુંબઈના ડી.બી. રિયાલ્ટીના મેનેજીંગ ડિરેક્ટર શાહિદ બાલવા ઇ.સ. ૨૦૦૬ની સાલથી બાચ્ચાના સંપર્કમાં હતા. સાદિક બાચ્ચાએ ઇ.સ. ૨૦૦૪ની સાલમાં પોતાની ગ્રીનહાઉસ પ્રમોટર્સ નામની કંપની લોન્ચ કરી. આ કંપનીમાં એ. રાજાની પત્ની પરમેશ્વરી પણ ભાગીદાર હતી. ૨-જી કૌભાંડ બહાર આવ્યું તે પછી પરમેશ્વરીએ રાજીનામું આપી દીધું છે પણ એ. રાજાનો મોટોભાઈ કાલિયાપેરુમલ, ભત્રીજો આર. રામગણેશ અને ભાણિયો પ્રમેશકુમાર આજે પણ ડાયરેક્ટર છે. સાદિક બાચ્ચાએ ગ્રીનહાઉસ પ્રમોટર્સ ઉપરાંત બીજી અનેક કંપનીઓ પણ સ્થાપી હતી. તેમણે ચેન્નાઈ ઉપરાંત તામિલનાડુના અન્ય શહેરોમાં અને ભારતના અન્ય રાજ્યોમાં પણ મોટા પાયે જમીનો ખરીદવા અને વેચવા માંડી. ૨-જી કૌભાંડમાં સીબીઆઇના અધિકારીઓ દ્વારા બાચ્ચાની પૂછપરછ કરવામાં આવી તે પછી તેઓ તેના હવાલાના સોદાઓની તપાસ માટે દુબઈ પણ જવાના હતા.
સીબીઆઇની ટીમે ઇ.સ. ૨૦૧૦ના ડિસેમ્બરની આઠમી તારીખે સવારે આઠ કલાકે આવેલા સાદિક બાચ્ચાના નિવાસસ્થાને દરોડો પાડયો હતો, જે સાંજે ૫-૩૦ કલાક સુધી ચાલ્યો હતો. ૨-જી કૌભાંડમાં પાડવામાં આવેલો આ લાંબામાં લાંબો દરોડો પૂરા સાડા નવ કલાક ચાલ્યો હતો. તેની સરખામણીએ સીબીઆઇએ રાજાના ઘરે દરોડો પાડયો તે ત્રણ જ કલાક ચાલ્યો હતો. વચ્ચે થોડા સમય માટે સાદિક બાચ્ચા અને એ. રાજા વચ્ચે મતભેદો પડતા તેઓ જુદા પડી ગયા હતા પણ ૨-જી કૌભાંડમાં તપાસ શરુ થઈ તે પછી રાજાએ બાચ્ચા સાથે સમાધાન કરી લીધું હતું.
સાદિક બાચ્ચાની ચાર વખત પૂછપરછ કરનારા સીબીઆઇના અધિકારીઓ કહે છે કે તે અત્યંત ભયભીત હતો અને તેને મૃત્યુનો ડર લાગતો હતો. એ. રાજાએ જે વિદેશી કંપનીઓમાં ૨-જી કૌભાંડના નાણાનું રોકાણ કર્યું હતું તેની રજેરજની વિગતો બાચ્ચા જાણતો હતો અને તે સીબીઆઇની તપાસમાં પૂરો સહકાર પણ આપી રહ્યો હતો.
એકાએક બાચ્ચાનું અપમૃત્યુ થતા એ. રાજાના વિદેશી મૂડીરોકાણો બાબતમાં સીબીઆઇની તપાસમાં અવરોધ આવવાની સંભાવના છે.
અબજો રૃપિયાના ૨-જી કૌભાંડમાં ટેલિકોમ કંપનીઓએ હવાલાના રૃટ દ્વારા એ. રાજાને લાંચની ચુકવણી વિદેશી બેન્કોના ખાતાઓમાં કરી હોવાની માહિતી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે આવી છે. તેમાં એક વ્યક્તિના મોરેશિયસના ખાતામાં ૧૦૦ કરોડ રૃપિયા જમા કરાવવામાં આવ્યા હોવાની પણ માહિતી છે.
બીજી એક વ્યક્તિના ખાતામાં ૨.૫ કરોડ રૃપિયા રહસ્યમય રીતે જમા કરાવવામાં આવ્યા હતા. મહેશ અને બોબી જૈન નામના બંધુઓ પણ આ હવાલા કૌભાંડમાં સંકળાયેલા છે. સીબીઆઇએ સુપ્રિમ કોર્ટમાં જે સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ચાર્જશીટ ૩૧મી માર્ચ પહેલા દાખલ કરવામાં આવશે, જેમાં એ. રાજા ઉપરાંત બે ટેલિકોમ કંપનીઓના માલિકોને પણ આરોપી બનાવવામાં આવશે. આ કંપનીઓ તેના માલિકો કોણ હશે તે અટકળનો વિષય છે. આ પૈકી ઘણી સંવેદનશીલ માહિતી સીબીઆઇએ સાદિક બાચ્ચા પાસેથી મેળવી હોવાની સંભાવના છે.
સાદિક બાચ્ચાનું અપમૃત્યુ થતા તેની પત્નીએ એવો દાવો કર્યો છે કે સીબીઆઇની તપાસનું ટેન્શન સહન ન થવાથી તેણે આપઘાત કરીને પોતાની જિંદગીનો અંત આણ્યો છે. સાદિક બાચ્ચાના મૃતદેહનું હજી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નથી. તેણે આપઘાત કર્યો છે કે કોઈએ તેની હત્યા કરીને તેના મૃતદેહને લટકાવી દીધો હોય તેવી સંભાવના પણ રહે છે. સંભવ છે કે કોઈએ તેને ધમકી આપી હોય તેને પગલે તેણે આપઘાત કરવાનું પગલું ભર્યું હોય. સુપ્રિમ કોર્ટમાં ૨-જી કૌભાંડમાં જાહેર હિતની અરજીમાં દલીલો કરી રહેલા વકીલ પ્રશાંત ભૂષણે સાદિક બાચ્ચાના અપમૃત્યુની તપાસ પણ સીબીઆઇ દ્વારા જ કરવાની માગણી કરી છે.
૨-જી કૌભાંડની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટે સુપ્રીમ કોર્ટમાં ૫૬ પાનાનો જે વચગાળાનો હેવાલ ફાઇલ કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આ કૌભાંડમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા લાંચના રૃપમાં એ. રાજાને જે નાણાં ચુકવવામાં આવ્યા તે મોરેશિયસથી હવાલાના રૃટ દ્વારા ભારતમાં આણવામાં આવ્યા હતા અને પાંચ દેશોની બેન્કોમાં જમા કરાવવમાં આવ્યા હતા. આ દેશોમાં સિંગાપોર અને સાયપ્રસ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. સાદિક બાચ્ચાની ગ્રીન હાઉસ પ્રમોટર્સ કંપનીએ થોડા સમય અગાઉ સિંગાપોરમાં પણ પોતાની શાખા શરુ કરી હતી. આ શાખામાં ૨-જી કૌભાંડની લાંચના નાણાં જમા કરાવવામાં આવ્યા હોવાની સીબીઆઇને શંકા છે. આ પાંચેક દેશોની સરકારને સીબીઆઇ દ્વારા લેટર રોગેટરી મોકલી દેવામાં આવ્યા છે અને તેના જવાબની રાહ જોવાઈ રહી છે. ડિટેક્ટિવ નવલકથાઓમાં બને છ તેમ એક ખૂનને છાવરવા માટે રીઢો ગુનેગાર અનેક ખૂનો કરે છે અને પોલીસની જાળમાં વધુ ને વધુ ફસાતો જાય છે. ટેલિકોમ કૌભાંડમાં અબજો રૃપિયા હજમ કરી જનારા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓએ બે નંબરના નાણાંની હવાલા દ્વારા હેરાફેરી માટે અન્ડરવર્લ્ડના માફિયાઓ સાથે પણ સંબંધો બાંધ્યા હતા, કારણ કે હવાલાનો ધંધો તેમના જ હાથમા છે. આ ગુનેગાર તત્ત્વોની મદદ લઈને તેઓ કૌભાંડના મુખ્ય સાક્ષીઓને ધમકાવતા હોય તેવું પણ બની શકે છે. જો કોઈ સાક્ષી ધમકાવવાથી પણ નહીં માને તો તેના માટે સુપારી આપતા પણ આ નેતાઓ અચકાય તેવા નથી. જ્યાં અબજો રૃપિયાનો સવાલ હોય છે ત્યાં અપરાધી તત્ત્વોનું આલંબન પણ લેવું જ પડે છે.
ભારતના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની અસલિયત આ પ્રકરણમાં છતી થઈ રહી છે. ૨-જી કૌભાંડમાં સત્યને છાવરવા માટે હજી કેટલા લોકોનો ભોગ લેવામાં આવશે તેની ખબર પડતી નથી.
-સંજય  વોરા

No comments:

Post a Comment