મોહાલીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની સેમી ફાઇનલની તૈયારી જોઇને લાગે છે કે આ બે દેશ વચ્ચે જાણે રીતસરના રણસંગ્રામની તૈયારીઓ ચાલી રહી છે. ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે લાગ જોઇને પાકિસ્તાન સાથે મૈત્રીનું તીર ફેંક્યું છે અને પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીએ મનમોહનના આમંત્રણનો સ્વીકાર કરીને મુત્સદ્દીગીરીનું પ્રદર્શન કર્યું છે. મોહાલીના મુકાબલાની રાતે ભારતના વડાપ્રધાન તરફથી મહેમાન વડાપ્રધાનના માનમાં ડીનરનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ડીનર વખતે ક્રિકેટ અને વર્લ્ડ કપ ઉપરાંત ત્રાસવાદ અને કાશ્મીર જેવા મુદ્દાઓની ચર્ચા પણ થઇ શકે છે. જોકે મોહાલીની આ મેચને કારણે ભારત- પાકિસ્તાન વચ્ચે નવેસરથી મૈત્રી ફાટી નીકળશે એવું કોઇ માનતું હોય તો તે મૂર્ખાઓના સ્વર્ગમાં વસે છે. ભારત- પાકિસ્તાનની મેચના બે દિવસ અગાઉ જ પાકિસ્તાનના ગૃહ પ્રધાન રહેમાન મલિકે પાકની ટીમને મેચ ફિક્સીંગ કરવા સામે ચેતવણી આપીને ટીમનો કચરો કરી નાંખ્યો છે. હવે વિવાદને શાંત કરવા મલિકે ફેરવી તોળ્યું છે કે તેમનાં વિધાનોને સંદર્ભ વગર ટાંકવામાં આવ્યાં હતાં. ભૂતકાળમાં મેચ ફિક્સીંગના આક્ષેપોનો સામનો કરી રહેલા પાકિસ્તાની ક્રિકેટરો જો આ ખરાખરીના જંગમાં પણ મેચ ફિક્સીંગ કરવાના પ્રલોભનનો શિકાર બનવાના હોય તો પાકિસ્તાને ક્રિકેટ રમવાનું જ છોડી દેવું જોઇએ. હકીકતમાં ભારત- પાકિસ્તાનની સેમી ફાઇનલમાં સૌથી વધુ કમાણી ટીવીની ચેનલો અને સટ્ટાબજારના બુકીઓને થવાની છે. આ બુકીઓ મેચનું પરિણામ પોતાના ફાયદામાં આવે તે માટે ક્રિકેટરોને ખરીદવાની પણ તાકાત ધરાવે છે.
ક્રિકેટના સટ્ટાબજારમાં ભારતની જોરદાર ડિમાન્ડ છે. મોટા ભાગના ક્રિકેટરસિકો માત્ર સેમી ફાઇનલમાં જ નહી પણ બીજી એપ્રિલે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં યોજાનારી ફાઇનલમાં પણ ભારતના વિજય ઉપર દાવ લગાવી રહ્યા છે. સટોડિયાઓના મતે ફાઇનલમાં ભારત અને શ્રીલંકા ટકરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. મોહાલીની ભારત-પાકિસ્તાનની સેમી ફાઇનલ ઉપર બુકીઓને દરરોજ હજારોની સંખ્યામાં દાવ મળી રહ્યા છે. બુકીઓના મતે ફાઇનલ મેચમાં જેટલું ટર્નઓવર નહીં થાય એટલું ટર્નઓવર આ સેમી ફાઇનલમાં થવાની વકી છે. ભારત-પાકિસ્તાનની મેચમાં કોણ જીતશે તે ઉપરાંત સચિનની ૧૦૦મી સદી, ટોસ, દરેક ખેલાડીઓના રન, વીરેન્દ્ર સહેવાગની પહેલા બોલે બાઉન્ડરી વગેરે બાબતમાં પણ દાવ લગાવવામાં આવી રહ્યા છે.
બૂકીઓના મતે ભારત જીતવા માટે હોટ ફેવરિટ છે. આ કારણે તેમણે ભારતની જીતનો ભાવ ૬૨ પૈસા અને પાકિસ્તાનની જીતનો ભાવ ૧.૫૮ રૃપિયા રાખ્યો છે. અર્થાત પાકિસ્તાન જીતે તો એક રૃપિયાનો દાવ લગાવનારને બૂકીઓ ૧.૫૮ રૃપિયા આપવા તૈયાર છે. જો ભારત જીતે તો બૂકીઓ તેમને માત્ર ૬૨ પૈસા જ આપવા તૈયાર છે. ભારતના અનેક ક્રિકેટરસિયાઓએ મોહાલીની મેચ દરમિયાન સચિનની ૧૦૦મી સદી ઉપર દાવ લગાવ્યો છે. સચિન જો સદી કરશે તો દાવ લગાવનારને એક રૃપિયા સામે ૪.૫૦ રૃપિયા મળશે. સચિન જો અડધી સદી કરશે તો દાવ લગાવનારને એક રૃપિયા સામે ૧.૫૦ રૃપિયા મળશે. સચિનની ઉપર જ આશરે ૧૦૦ કરોડ રૃપિયાનો સટ્ટો રમવામાં આવ્યો છે. મોહાલીની મેચ ઉપર આશરે ૬,૦૦૦ કરોડ રૃપિયાનો સટ્ટો રમાવાની ધારણા છે.
ટીવી ઉપર વર્લ્ડ કપનું પ્રસારણ કરવાના હક્કો ઈએસપીએન સ્ટાર સ્પોર્ટ્સ (ઈએસએસ) કંપનીએ મેળવ્યા છે. સેમી ફાઇનલમાં ભારત-પાકિસ્તાનની ટક્કર થતાં આ કંપનીને જાહેરખબરના રૃપમાં લોટરી લાગી ગઇ છે. વર્લ્ડ કપ સિવાયની વન-ડે ઈન્ટરનેશનલ મેચોમાં આ ચેનલ ઉપર ૧૦ સેકન્ડની જાહેરખબરનો ભાવ ૩.૫થી ૪ લાખ રૃપિયા હોય છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલમાં આ ભાવ વધારીને આઠથી નવ લાખ રૃપિયા કરવામાં આવ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની આ સેમી ફાઇનલ મેચ માટે ટીવી ઉપર ૧૦ સેકન્ડની જાહેરખબરનો ભાવ વધારીને ૧૭થી ૧૮ લાખ રૃપિયા કરવામાં આવ્યો છે. આટલા ઊંચા ભાવ છતાં મોટા ભાગના સ્લોટ બુક થઇ ગયા છે. જાહેરખબરો આપનારાને પણ લાગે છે કે આ મેચમાં તેમને રૃપિયાનું મહત્તમ વળતર મળવાનું છે.
ભારતમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન જે રીતે ગેરકાયદે સટ્ટાનું બજાર ધમધમે છે તે જોતાં આ કાર્યમાં પોલીસ તંત્રની સંડોવણીની શંકા ગયા વિના રહેતી નથી. વર્લ્ડ કપ દરમિયાન બૂકીઓ દ્વારા હજારોની સંખ્યામાં મોબાઇલ ફોન ઉપર બેટીંગ લેવામાં આવે છે, જેની પાકી નોંધ લેપટોપમાં રાખવામાં આવે છે. મેચો રમાતી હોય ત્યારે રોજે રોજ વલણની ચૂકવણી થઇ જતી હોય છે. આ માટે રોજના અબજો રૃપિયાની રોકડ રકમની હેરાફેરી કરવામાં આવે છે. આ કાર્યમાં હજારો કર્મચારીઓ સંકળાયેલા હોય છે. તેઓ લાખોની ચલણી નોટોના બંડલો લઇને દોડાદોડી કરતા હોય છે. આંગડિયાઓ દ્વારા પણ રોજના અબજો રૃપિયાની લેવડદેવડ ચાલતી હોય છે. તેમ છતાં આપણી પોલીસ નેટવર્કને પકડી પાડવામાં સફળ નથી થતી એ અજાયબીની વાત છે. હકીકતમાં વર્લ્ડ કપની મેચો દરમિયાન બૂકીઓ તરફથી રાજકારણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને કરોડો રૃપિયા પહોંચાડાતા હોવાની તમામ સંભાવનાઓ છે. મોહાલીમાં ભારત-પાકિસ્તાનની મેચ શરૃ થાય તે પહેલા સોશિયલ નેટવર્કીંગ સાઈટો ઉપર ભારત-પાકિસ્તાનના ક્રિકેટચાહકો વચ્ચેની મેચ શરૃ થઇ ગઇ છે. દરેક સાઇટ ઉપર લાખોની સંખ્યામાં સેમી ફાઇનલને લગતા સંદેશાઓ વહેતા મૂકવામાં આવ્યા છે. રવી રાવત નામના રમતપ્રેમીએ લખ્યું છે કે ''પહેલા રિકી પોન્ટીંગ અને તેના સાથીદારો બિસ્તરા-પોટલાં બાંધીને રવાના થઇ ગયા. હવે શાહીદ આફ્રિદીનો અને તેના સાથીદારોનો વારો છે. બાય-બાય પાકિસ્તાન! તમારો સામાન પેક કરવા લાગો!'' સ્વાતિ શર્મા નામની યુવતીએ જરા આવેશમાં આવીને લખ્યું છે કે ''મુંબઇ ટેરર એટેક કા બદલા હમ મોહાલી મેં લે લેંગે.'' આ યુદ્ધમાં પાકિસ્તાનીઓ પણ પાછળ નથી. ડેનિશ અહમદ નામના પાકિસ્તાનીએ લખ્યું છે કે ''મોહાલીમાં લીલા રંગનું તોફાન આવી રહ્યું છે.'' ભારત-પાકિસ્તાનની મેચને કારણે ટિકિટોના કાળા બજાર કરનારાઓને પણ કમાણી કરવાનો ચાન્સ મળી ગયો છે. અગાઉ સિનેમા હોલની બહાર ટિકિટોના કાળા બજાર ચાલતા હતા; પણ મલ્ટીપ્લેક્ષના જમાનામાં આ કાળા બજાર બિલકુલ બંધ થઇ ગયા હતા. હવે કાળા બજારિયાઓ કમાણી માટે ક્રિકેટ તરફ વળ્યા છે. મોહાલીની મેચની ૨૫૦ રૃપિયાની ટિકિટ અત્યારે કાળા બજારમાં ૨,૦૦૦ રૃપિયામાં વેચાઇ રહી છે. ૫૦૦ રૃપિયાની ટિકિટ ૪,૦૦૦ રૃપિયામાં વેચાઇ રહી છે તો ૧,૦૦૦ રૃપિયાવાળી ટિકિટના પૂરા ૭,૦૦૦ રૃપિયા ચૂકવવા પડે છે. મેચના દિવસે આ ભાવ હજી પણ વધી શકે છે. મોહાલીમાં ટિકિટ ખરીદવા માટે છ-છ કલાક લાઇનમાં ઊભા રહેનારાઓની ફરિયાદ છે કે તેમને ટિકિટો નહોતી મળી પણ બ્લેક કરનારાઓ એક સાથે ૧૦૦-૧૦૦ ટિકિટો ખરીદી શક્યા હતા. ક્રિકેટરસિકોનો આક્ષેપ છે એ પંજાબ ક્રિકેટ એસોસિયેશનના કેટલાક અધિકારીઓ બ્લેક કરનારાઓ સાથે ભળી ગયા છે.
ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન રસ્તાઓ ઉપર કર્ફ્યૂ જેવું વાતાવરણ હશે અને મોટા ભાગની ઓફિસોમાં રજા જેવો માહોલ હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓએ સેમી ફાઇનલ જોવા માટે ક્લાસ બન્ક કરવાની તૈયારી કરી લીધી છે. રાજધાની દિલ્હીમાં ઉચ્ચ સરકારી અધિકારીઓએ બુધવારે સિક લિવ મૂકી દીધી છે. ઓફિસોમાં એક બાજુ માર્ચ એન્ડીંગના કારણે કામનું સખત દબાણ છે અને બીજી બાજુ વર્લ્ડ કપની સેમી ફાઇનલ છે. અનેક કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને રજા લેતા અટકાવવા ઓફિસોમાં જ ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે. જે હોટેલોમાં અને ક્લબોમાં મોટા સ્કીન ઉપર ભારત-પાકિસ્તાનની મેચ જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં આ દિવસે જોરદાર વકરો થવાની ધારણા રાખવામાં આવી રહી છે. ઘણી કંપનીના કર્મચારીઓ બુધવારે બ્લુ રંગના વસ્ત્રો પહેરીને મેચ જોવા આવવાના છે. ઘણી કંપનીઓમાં બુધવારે રજા જાહેર કરીને શનિવારે કામ ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ પણ ક્રિકેટના બહાને મુત્સદ્દીગીરીની રમત રમવામાં આવી છે, પણ તેનું કોઇ હકારાત્મક પરિણામ આવ્યું નથી. ઈ.સ. ૧૯૮૭માં જયપુર ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ ભારતના ત્યારના વડાપ્રધાન રાજીવ ગાંધીએ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ઝિલા-ઉલ-હકે સાથે બેસીને જોઇ હતી. પણ તેનાથી ભારત-પાકિસ્તાનના રાજદ્વારી સંબંધોમાં કોઇ ચમત્કાર નોંધાયો નહોતો. ઈ.સ. ૨૦૦૫ની સાલમાં દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં યોજાયેલી વન-ડે મેચ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે સાથે બેસીને જોઇ હતી. તેમ છતાં ભારતના પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કોઇ પ્રગતિ થઇ નહોતી. મોહાલીમાં પણ ભારતના અને પાકિસ્તાનના વડાપ્રધાનો સાથે મળીને વાતુ કરશે અને સાથે બેસીને ક્રિકેટ નિહાળશે એટલે બે દેશ વચ્ચેની સળગતી સમસ્યાઓ હલ થઇ જવાની નથી.
No comments:
Post a Comment