'ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન' પુસ્તકના લેખક ડો. રે સ્ટ્રેન્ડ કહે છે
તાજેતરમાં યુરોપના દેશોમાં ભારતની આયુર્વેદિક અને પરંપરાગત દવાઓ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. આયુર્વેદિક દવાઓને બદનામ કરવાની ઝુંબેશ વિદેશી દવા કંપનીઓ જ ચલાવી રહી છે. આ પ્રતિબંધનો લાભ લઇને ભારતે પણ પોતાના દેશમાં એલોપથી દવાઓને પ્રતિબંધિત કરવાની તક ઝડપી લેવા જેવી છે. આ એલોપથી દવાઓ બાબતમાં એક વિદેશી નિષ્ણાત શું કહે છે તે જાણવા જેવું છે. અમેરિકામાં ૩૧ વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરી રહેલા ડો. રે સ્ટ્રેન્ડ કહે છ કે, ડોકટરના પ્રિસ્ક્રીપ્શનને કારણે દર્દી બીમાર પડે અને મોત થાય તેવી ભારોભાર સંભાવના રહેલી છે. ડો. રે સ્ટ્રેન્ડે લખેલાં પુસ્તક 'ડેથ બાય પ્રિસ્ક્રીપ્શન' એ અમેરિકાન તબીબી જગતમાં ભારે ખળભળાટ મચાવ્યો છે, કારણે કે તેમાં દવા કંપનીઓની અને ડોકટરોની ગેરરીતિઓ ઉપર વેધક પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં ડોકટરના પ્રિસ્ક્રીપ્શન મુજબ દવા લેવાને કારણે દર વર્ષે ૨૦ લાખ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. જેમાંના ૯૦,૦૦૦નાં તો મોત થાય છે. ભારતમાં એલોપથી દવાઓને કારણે દર વર્ષે કેટલા દર્દીઓના મોત થાય છે એ બાબતમાં જો સર્વે કરાવવામાં આવે તો ભારતની વસતિ જોતાં અમેરિકા કરતા પણ સંખ્યા વધી જાય તેમ છે.
ઇ.સ. ૧૯૯૮માં ડો. રે સ્ટ્રેન્ડે અમેરિકન મેડિકલ એસોસીએશન જર્નલમાં એક લેખ વાંચ્યો કે ડોકટર દ્વારા યોગ્ય રીતે લખી આપવામાં આવેલી દવા લેવાને કારણે અમેરિકામાં એટલા બધા દર્દીઓ મરે છે કે સમગ્ર અમેરિકામાં મૃત્યુનું આ ચોથા નંબરનું કારણ છે. તેમાં જો અયોગ્ય રીતે લખી આપવામાં આવતાં પ્રિસ્ક્રિપ્શનને કારણે થતા મોતની સંખ્યા ઉમેરવામાં આવે તો તે મોતનું ત્રીજા નંબરનું સૌથી મોટું કારણ બની જાય છે. આ લેખ વાંચીને ડો. સ્ટ્રેન્ડને લાગ્યું કે આ ખૂબ ગંભીર બાબત હોવાથી તેના વિશે પુસ્તક લખવું જોઇએ. આ પુસ્તકમાં ડો. રે સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, ડોકટરો અને સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ઉપર કદી આંધળો વિશ્વાસ રાખવો જોઇએ નહીં અને છેલ્લા ઉપાય તરીકે જ એલોપથી દવાઓ લેવી જોઇએ.
'ડેથ બાય પ્રિસ્ક્રિપ્શન' નામનાં પુસ્તકમાં ડો. રે સ્ટ્રેન્ડ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની કાર્યપદ્ધતિની આકરી ટીકા કરે છે. તેમના જણાવ્યા મુજબ એફડીએ જ્યારે કોઇ નવી દવાને બજારમાં વેચવાની પરવાનગી આપે છે ત્યારે તેને વેચવાની પરવાનગી આપી દે છે. આ રીતે કોઇપણ નવી દવાના અખતરા પ્રજા ઉપર કરવામાં આવે છે. આ દવાની કોઇ હાનિકારક અસસો હોય તો તેની જાણ કરવાની જવાબદારી ડોકટરો, દવા કંપનીઓ કે હોસ્પિટલો ઉપર નાંખવામાં આવી નથી. દવાની કોઇ હાનિકારક અસર હોય તો આ બધા સ્વૈચ્છિક રીતે એફડીએને તેની જાણ કરે છે, પણ આ પ્રક્રિયામાં વર્ષો વીતી જાય છે અને નુકસાન થઇ જાય છે.
સેલ્ડેન નામની દવાનું ઉદાહરણ આપતાં ડો. સ્ટ્રેન્ડ પોતાનાં પુસ્તકમાં જણાવે છે કે આ દવાનું સંયોજન એરિથ્રોમાઇસિન નામની દવા સાથે કરવામાં આવ્યું હતું. તેને કારણે આ દવા એલર્જી, શરદી અને આ દવાને બજારમાંથી પાછી ખેંચાવતાં પૂરાં ૧૨ વર્ષ વીતી ગયાં હતાં. ત્યાં સુધી હજારો દર્દીઓ આ દવાને કારણે મોતનો શિકાર બની ગયા હતા.તેવી જ રીતે બાયકોલ નામની દવા લેવાને કારણે કિડની ફેઇલ થઇ જાય છે અને દર્દીનું અચાનક મરણ થઇ જાય છે, તેની જાણ વર્ષો પછી થઇ હતી. આ દવા બે વર્ષ અગાઉ જ બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. આજે બજારમાં વેચાતી કેટલી દવાઓ ભવિષ્યમાં હાનિકારક પુરવાર થશે, તેની આપણને ખબર નથી. આ દવાઓ આજે લેવામાં રહેલા જોખમની દર્દીઓને તો શું, ડોકટરોને પણ જાણ નથી હોતી. ઘણી વખત એવું બને છે કે અમેરિકાના એફડીએ ખાતાનાં સતર્કતાને કારણે ત્યાં હાનિકારક પુરવાર થયેલી દવા અમેરિકાની બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવે છે પણ દવા કંપનીઓ ભારત જેવા વિકાસશીલ દેશોમાં તેનું વેચાણ કરીને નફો રળ્યા કરે છે.
કોઇપણ વિદ્યાર્થી જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો હોય છે ત્યારે તેને કહેવામાં આવે છે કે જ્યારે દર્દી કોઇ બીમારીની ફરિયાદ લઇને આવે ત્યારે તેને દવા ન આપવી પણ તેને લાઇફસ્ટાઇલ બદલવાની શિખામણ આપવી. દાખલા તરીકે કોઇ દર્દી હાઇ બ્લડ પ્રેશર કે મેદની ફરિયાદ લઇને આવે ત્યારે તેને પોતાની ખાવાપીવાની આદતો બદલવાની સલાહ આપવી જોઇએ. આજના ડોકટરો પાસે સમય નથી હોતો, માટે તેઓ તરત જ દવા લખી આપે છે. ડોકટરો દવાના બિનજરૃરી પ્રિસ્ક્રીપ્શન લખી આપે છે, તેના માટે દવા કંપનીઓના દલાલો પણ જવાબદાર હોય છે, જેઓ નિયમિત ડોકટરોની મુલાકાતે આવે છે અને તેમને પ્રલોભનો આપે છે. એક અંદાજ મુજબ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાની દવાઓનું વેચાણ વધારવા માટે પ્રત્યેક ડોકટર દીઠ વર્ષે ૧૦,૦૦૦ ડોલર (આશરે ચાર લાખ રૃપિયા)નો ખર્ચ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો દવા કંપનીઓ દરેક તબીબને સરેરાશ ચાર લાખ રૃપિયાની લાંચ દર વર્ષે આપે છે.
એલોપથી દવાઓનાં ભયસ્થાનો બાબતમાં સંશોધન કરવાની પ્રેરણા ડો. સ્ટ્રેન્ડને કેવી રીતે મળી તેની પણ રસપ્રદ કહાણી છે. ડો. સ્ટ્રેન્ડની પત્ની ૨૦ વર્ષથી ક્રોનિક ફટિંગ (થકાવટ) નામની વ્યાધિથી પીડાતી હતી. તેની સારવાર અમેરિકાના નામાંકિત તબીબો પાસે કરાવવામાં આવી અને તેને નવ જેટલી દવાઓ નિયમિત આપવામાં આવી તેમ છતાં તેની હાલત દિનપ્રતિદિન બગડતી જતી હતી. આ દવાઓને કારણે ડો. સ્ટ્રેન્ડની પત્નીને ન્યુમોનિયા થઇ ગયો, જેમાંથી તેઓ માંડ સાજાં થયાં પણ તેમાં એટલી નબળાઇ આવી ગઇ કે તે પથારીમાંથી માંડ બે કલાક માટે જ ઊભી થઇ શકતી હતી. છેવટે દવાઓથી કંટાળીન ડો. સ્ટ્રેન્ડે પત્નીને માત્ર પૌષ્ટિક આહાર ઉપર રાખવાનો પ્રયોગ કરી જોયો. છ મહિનામાં તેમને ચમત્કારિક પરિણામો જોવા મળ્યાં અને પત્ની બિલકુલ સાજી થઇ ગઇ. ત્યારથી ડો. સ્ટ્રેન્ડ એલોપથી દવાઓની હાનિકારક અસરો બાબતમાં ગંભીરતાથી વિચાર કરતા થઇ ગયા હતા.
ડો. રે સ્ટ્રેન્ડ પોતાનાં પુસ્તકમાં ચોંકાવનારો આક્ષેપ કરતા કહે છે ક અમેરિકાનું એફડીએ તંત્ર ફાર્માસ્યુટિકલ કંપનીઓના હાથનું રમકડું છે. ઇ.સ. ૧૯૯૨માં અમેરિકાની સંસદે 'યુઝર ફી' નામનો કાયદો પસાર કર્યો હતો. આ કાયદા મુજબ એફડીએ કોઇ પણ દવાનું મુલ્યાંકન કરી શકે તે માટે દરેક કંપનીએ એક ચોક્કસ ફી ચૂકવવાની રહે છે. શરૃઆતમાં આ ફી નવી દવા દીઠ ૨૫ લાખ ડોલર હતી, પણ પાછળથી તેમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે અમેરિકાના એફડીએ ખાતાનું અડધું બજેટ આ યુઝર ફી વસૂલ કરીને જ કાઢવામાં આવે છે. આ પ્રલોભનને કારણે એફડીએના સત્તાવાળાઓ નવી દવાઓની પૂરતી ચકાસણી કર્યા વિના તેને ઝડપથી મંજૂરી આપી દે છે. ભારતમાં નવી દવાઓની મંજુૂરી માટે આવો કોઇ કાયદો નથી પણ દવા કંપનીઓ પોતાની નવી દવાની મંજૂરી માટે એફડીએના સત્તાવાળાઓને બે નંબરમાં આ જાતની ફી ચુકવી દેતા હોય છે. ડાયાબિટીસની સારવાર માટે વપરાતી રેઝુલિન નામની દવાનું ઉદાહરણ આપતાં ડો. સ્ટ્રેન્ડ કહે છે કે, આ દવાને કારણે લિવર ખરાબ થાય છે, તેની જાણ થવામાં બે વર્ષ પસાર થઇ ગયાં હતાં. ત્યારપછી પણ આ દવા બનાવતી કંપની પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નહોતી. જ્યારે આ દવાને કારણે થતાં મોતની સંખ્યા વધી ગઇ ત્યારે એટલું જ કબુલ કર્યું કે તેની દવાથી લાખોમાં એકનાં લિવરને નુકશાન થાય છે. તેમ છતાં આ કંપની પોતાની દવાને બજારમાંથી પાછી ખેંચવા તૈયાર નહોતી. તેણે માત્ર ડોકટરોને પત્ર લખ્યો કે તેમણે દર્દીઓને આ ભયસ્થાનની જાણ કરવી. છેવટે અમેરિકાના એફડીએ તરફથી દબાણ આવતાં આ દવા બજારમાંથી પાછી ખેંચી લેવાની કંપનીને ફરજ પડી હતી. ત્યાં સુધીમાં આ દવાને કારણે હજારો દર્દીઓના મોત થઇ ગયાં હતાં.
વિશ્વ આરોગ્ય જેવી સંસ્થાઓ પણ દવા કંપનીઓને મદદ કરવાનું કાર્ય કરે છે, એવો આક્ષેપ ડો. સ્ટ્રેન્ડ કરે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે કે જેમના શરીરમાં એલડીએલ કોલેસ્ટરોલનું લેવલ ૭૦ કરતાં વધુ હોય તેણે કોલેસ્ટરોલ ઘટાડવા માટેની દવા લેવી જોઇએ. ડો. સ્ટ્રેન્ડ કહે છે કે બહુ ઓછા દર્દીઓના શરીરમાં કોલેસ્ટરોલનું લેવલ આટલું ઓછું હોય છે, જેને કારણે દવા કંપનીઓનું વેચાણ વધી ગયું છે. ડો. સ્ટ્રેન્ડ કહે છે કે કોલેસ્ટરોલ માટેની સ્ટેટિન દવાઓ વધુ પ્રમાણમાં લેવાથી કેન્સરની સંભાવના વધી જાય છે. આ રીતે દવા કંપનીઓન બંને બાજુથી ફાયદો થાય છે પણ દર્દીઓનો ઘડો લાડવો થઇ જાય છે.
અમેરિકી સંશોધનના આ પુસ્તકને આધાર બનાવીને ભારતની સરકારે આપણા દેશમાં તમામ એલોપથી દવાઓ ઉપર પ્રતિબંધ મૂકીને તેના સ્થાને આયુર્વેદિક દવાઓનો જ ઉપયોગ કરવાની સલાહ ડોકટરોને અને દર્દીઓને આપવાની જરૃર છે.
-સંજય વોરા |
No comments:
Post a Comment