Saturday, February 19, 2011

૧૯/૦૨/૨૦૧૧ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ પછી હવે કેન્દ્રીય પ્રધાન પણ ભ્રષ્ટાચારના શકમંદ

સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ પછી હવે કેન્દ્રીય પ્રધાન પણ ભ્રષ્ટાચારના શકમંદ
કેરળના બારમાલિકોને લાઈસન્સ આપવાના કેસમાં સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન વાયલાર રવી ઉપર પણ લાંચ લેવાના આક્ષેપો
ભારતમાં ભ્રષ્ટાચારીઓ માટે ખરેખર કપરો કાળ ચાલી રહ્યો છે. ઈ.સ. ૨૦૧૦માં ભ્રષ્ટાચારનાં જેટલાં કૌભાંડો ઉજાગર થયાં એટલાં કૌભાંડો કદાચ સ્વતંત્રતાનાં ૬૩ વર્ષમાં નહીં થયાં હોય. ઈ.સ. ૨૦૧૧નું વર્ષ પણ ભ્રષ્ટાચારીઓ માટે અપશુકનિયાળ પુરવાર થઈ રહ્યું છે. દેવાસ-અંતરીક્ષ કૌભાંડમાં સરકાર સમયસર ચેતી ગઈ એટલે દેશને બે લાખ કરોડ રૃપિયાનું નુકસાન થતું બચી ગયું છે. એક બાજુ સુપ્રિમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ કે.જી. બાલકૃષ્ણની સંપત્તિની જાણકારી મેળવવા માટે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે તો બીજી બાજુ કેરળમાં કોંગ્રેસ પક્ષના એક સંસદસભ્ય કે. સુધાકરને કેરળમાં વિદેશી દારૃનું લાઈસન્સ આપવાના કેસમાં આજથી ૧૭ વર્ષ પહેલાં સુપ્રિમ કોર્ટના એક ભૂતપૂર્વ જજ સાહેબે ૩૬ લાખ રૃપિયાની લાંચ લીધી હોવાનો આક્ષેપ કરતાં કાનૂની જગતમાં હલચલ મચી ગઈ છે. હવે આ જ પ્રકરણમાં એક હોટેલમાલિકે જાહેરમાં એવો આક્ષેપ કર્યો છે કે આ જ કેસમાં ત્યારના મુખ્યપ્રધાન કે. કરૃણાકરને અને ત્યારના કેરળ કોંગ્રેસના અધ્યક્ષ વાયલર રવીએ પણ લાંચ લીધી હતી. વાયલર રવી અત્યારે કેન્દ્રમાં નાગરિક ઉડ્ડયન ખાતાનાં પ્રધાન છે.
ભારતમાં હાઈકોર્ટના અને સુપ્રિમ કોર્ટના અનેક જજ સાહેબો સામે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અને આવકથી વધુ સંપત્તિ ધરાવવા બાબતના આક્ષેપો થયા છે. પશ્ચિમ બંગાળની હાઈકોર્ટના જજ સૌમિત્ર સેન સામે ભ્રષ્ટાચાર બદલ મહાભિયોગની કાર્યવાહી ચાલી રહી છે તો કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિનકરનને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. પરંતુ કેરળના બારમાલિકોને દારૃનું લાઈસન્સ આપવાના કેસમાં સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ સાહેબ સામે જે પ્રકારના સીધા આક્ષેપો થયા છે, તેવા આક્ષેપો ભૂતકાળમાં ક્યારેય સાંભળવા મળ્યા નથી. આ આક્ષેપ કરનાર શાસક યુપીએ ગઠબંધનના સંસદસભ્ય હોવાથી તેની ગંભીરતા એકદમ વધી જાય છે. કેરળમાં કન્નૌર બેઠકનું પ્રતિનિધિત્વ ધરાવતા કોંગ્રેસી સંસદ સભ્ય કે. સુધાકરને થોડા દિવસ પહેલા એવો આક્ષેપ કર્યો હતો કે તેમણે સુપ્રિમ કોર્ટના એક જજે સાહેબને ઈ.સ. ૧૯૯૩ની સાલમાં કેરળના હોટેલમાલિકોની તરફેણમાં ચુકાદો આપવા માટે ૩૬ લાખ રૃપિયાની લાંચ લેતા જોયા હતા. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે કેરળ કોંગ્રેસ (બી)ના નેતા આર. બાલકૃષ્ણ પિલ્લાઈને સુપ્રિમ કોર્ટે ભ્રષ્ટાચાર આચરવા માટે એક વર્ષની જેલની સજા કરી તેની પ્રતિક્રિયા આપતાં કે. સુધારકને ઉપર મુજબનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.
સુપ્રિમ કોર્ટના જે કેસમાં તત્કાલીન જજ સાહેબ સામે લાંચ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો તેની વિગતો જાણવા જેવી છે. ઈ.સ. ૧૯૯૨ના ઓક્ટોબર મહિનામાં કેરળના ૨૧ હોટેલમાલિકોને ટુરિઝમનો વિકાસ કરવાનાં બહાનાં હેઠળ વિદેશી દારૃ પીરસવાનાં લાઈસન્સો આપવામાં આવ્યા હતા. એક મહિના પછી કેરળની સરકારે આ બધાં લાઈસન્સો રદ્દ કરી નાખ્યાં હતાં. તેની સામે કેરળના હોટેલમાલિકોએ કેરળની હાઈકોર્ટમાં ફરિયાદ કરી હતી. હાઈકોર્ટે ઈ.સ. ૧૯૯૩ની પહેલી ફેબુ્રઆરીએ તેમની અરજી ડિસમિસ કરી નાંખી હતી એટલે તેમણે સુપ્રિમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટીશન ફાઈલ કરી હતી. આ કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટના જજ સાહેબો રતનવેલ પાંડિયન અને આર.એમ. સહાયની બેન્ચ સમક્ષ આવી હતી. આ કેસનો ચુકાદો હોટેલમાલિકોની તરફેણમાં આપવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સંસદસભ્ય કે. સુધાકરને ૩૬ લાખ રૃપિયાની લાંચ લેવાનો આક્ષેપ કરતી વખતે કોઈ જજ સાહેબનું નામ આપ્યું નહોતું પણ તેમનો ઈશારો સ્પષ્ટ હતો. સુધાકરને જાહેરમાં આક્ષેપ કર્યો તેના બે જ દિવસમાં નિવૃત્ત જજ સાહેબ રતનવેલ પાંડિયને પોતાના બચાવ કરતાં કોઈપણ જાતની લાંચ લીધી હોવાનો ઈનકાર કર્યો હતો. આ તથાકથિત લાંચ આપનારા હોટેલમાલિકો પૈકી એક જોઝ ઇલિક્લે તો સુધાકરન ઉપર જ આક્ષેપ કર્યો હતો કે તેમણે આ લાંચના પ્રકરણમાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી. ઈલિકલે તો કેરળના તત્કાલીન મુખ્ય પ્રધાન કે.કરૃણાકરન અને કેરળ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ વાયલર રવી ઉપર પણ આ પ્રકરણમાં લાંચ લેવાનો આક્ષેપ કર્યો છે. સુપ્રિમ કોર્ટના જજ રતનવેલ પાંડિયન અગાઉ મદ્રાસ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા હતા. સુપ્રિમ કોર્ટના જજ તરીકે તેઓ ઈ.સ. ૧૯૯૪ની ૧૨મી માર્ચે નિવૃત્ત થયા હતા. હવે ૧૭ વર્ષ પછી તેઓ ભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહ્યા છે.
સુધાકરનના આક્ષેપ મુજબ સુપ્રિમ કોર્ટના તત્કાલીન જજ સાહેબને લાંચની રકમ ૨૧ લાખ અને ૧૫ લાખ રૃપિયાના બે હપ્તાઓમાં ચૂકવવામાં આવી હતી અને તેમાં ધર્મપ્રકાશ નામના શખ્સે વચેટિયાની ભૂમિકા ભજવી હતી. સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ સાહેબ પાંડિયને સુધાકરનને ઓળખતા હોવાનો પણ ઈનકાર કર્યો હતો પણ તેમણે ધર્મપ્રકાશ સાથે પરિચય હોવાનું જણાવ્યું હતું. તેમના કહેવા મુજબ તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં એક જ હોટેલ હતી અને તેનો માલિક ધર્મપ્રકાશ હતો. સુધાકરન જે વિસ્તારના સંસદસભ્ય છે તે કન્નૌરમાં જ ગીથા બાર એન્ડ રેસ્ટોરન્ટ નામની હોટેલ છે. જે ૨૧ હોટલોને કેરળની સરકાર દ્વારા વિદેશી શરાબ પીરસવાનાં લાઈસન્સો આપવામાં આવ્યાં હતાં તેમાં ગીથા બારનો પણ સમાવેશ થતો હતો. આ બારના માલિક જોઝ ઈલિકલના જણાવ્યા મુજબ જજ સાહેબને ૩૬ લાખ રૃપિયા આપવાનો સોદો સુધાકરને ધર્મપ્રકાશની મદદથી કર્યો હતો, પણ હકીકતમાં ૨૧ લાખ અને ૫ લાખના હપ્તાઓમાં ૨૬ લાખ રૃપિયા જ આપવામાં આવ્યા હતા. આ સોદામાં કેરળના તત્કાલીન મુખ્ય પ્રધાન કે.કરૃણાકરનને ૧૦ લાખ રૃપિયા, કેરળ કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ વાયલર રવીને ૧૦ લાખ રૃપિયા અને તત્કાલીન એક્સાઈઝ પ્રધાન રઘુચન્દ્રન બાલને પણ ૧૦ લાખ રૃપિયા મળ્યા હતા. રાજકારણીઓ સ્થાપિત હિતો પાસેથી કેવી રીતે ભ્રષ્ટાચાર આચરીને નાણાં પડાવે છે તેનો ખ્યાલ આ કિસ્સાની વિગતો ઉપરથી આવે છે. સુપ્રિમ કોર્ટના જજ સાહેબ ઉપર જાહેરમાં લાંચ લેવાનો આક્ષેપ કરનારા કોંગ્રેસના સંસદસભ્ય કે.સુધાકરનને આ પ્રકરણમાં તેમના પક્ષનો બિલકુલ ટેકો નથી. કેન્દ્રના કાયદા પ્રધાન વીરપ્પા મોઈલીએ તરત જ નિવેદન બહાર પાડયું છે કે સુધાકરનના આક્ષેપો વ્યક્તિગત છે; કોંગ્રેસ પક્ષને તેની સાથે કાંઈ લાગતુંવળગતું નથી. કે. સુધાકરને કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીને મળીને તેમના આક્ષેપો બાબતમાં સફાઈ આપશે. કેરળ રાજ્યના બાર એસોસિયેશને સુધાકરન સામે અદાલતનો તિરસ્કાર કરવા અંગેની ફરિયાદ કરવાની માંગણી કરી છે, પણ કેરળની પોલીસે સુધાકરન સામે ગુનાઈત પ્રવૃત્તિની જાણકારી હોવા છતાં સરકારને તેની માહિતી ન પહોંચાડવાના આરોપ હેઠળ ઈન્ડિયન પિનલ કોડની ૧૨૦ અને ૨૦૨મી કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
અંગ્રેજો દ્વારા આપણને વારસામાં ન્યાયની જે પદ્ધતિ મળી છે તેમાં એમ માની લેવામાં આવ્યું છે કે હાઈકોર્ટના અને સુપ્રિમકોર્ટના જજ સાહેબો પ્રામાણિક અને નિષ્ઠાવાન જ હશે. આ કારણે જજ સાહેબો ભ્રષ્ટાચાર આચરતા પકડાઈ જાય તો તેમની સામે કયા પ્રકારનો કેસ કરવો જોઈએ તેનો ફોડ કાયદાઓમાં પાડવામાં આવ્યો નથી. ૅૅ તાજેતરમાં આપણને હાઈકોર્ટના અને સુપ્રિમ કોર્ટના જજ સાહેબોના કથિત ભ્રષ્ટાચારના એટલા બધા કિસ્સાઓ સાંભળવા મળે છે કે આ બાબતમાં પણ હવે કડક કાયદાઓ ઘડવા પડશે. જો કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાનની ભ્રષ્ટાચારના આરોપ હેઠળ ધરપકડ કરી શકાય તો જજ સાહેબોને ભગવાન માની લેવાની કોઈ જરૃર નથી. તેઓ પણ કાળાં માથાંના માનવીઓ છે અને કલિકાળનો પ્રભાવ તેમની ઉપર પણ કામ કરી રહ્યો છે. સુપ્રિમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી પ્રશાંતભૂષણે થોડા સમય અગાઉ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસને એક સિલબંધ કવર આપ્યું હતું. આ કવરમાં તેમણે ભારતના ૧૬ પૈકી ૮ 'ભ્રષ્ટ' મુખ્ય ન્યાયમૂર્તિઓનાં નામો લખ્યાં હતાં. તેમના જણાવ્યા મુજબ બાકીના બે પૈકી છ ક્લિન હતા અને બેની તેમની પાસે માહિતી નથી. જો સુપ્રિમ કોર્ટના એક સિનિયર ધારાશાસ્ત્રી જવાબદારીપૂર્વક એવો આક્ષેપ કરી શકતા હોય તો તેની ગંભીરતા બહુ વધી જાય છે.
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણ પણ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહ્યા છે. થોડા સમય અગાઉ તેમના સગાવ્હાલાઓ દ્વારા એકઠી કરવામાં આવેલી બેહિસાબ સંપત્તિ વિવાદનો મુદ્દો બની હતી. તાજેતરમાં ભારતના એક નાગરિકે માહિતી મેળવવાના અધિકાર હેઠળ બાલકૃષ્ણના ઈન્કમ ટેક્સના રિટર્નની વિગતો જાણવાની કોશિષ કરી હતી. જસ્ટિસ બાલકૃષ્ણે આ વિગતો જાહેર કરવાની મનાઈ ફરમાવી હતી. હવે દિલ્હીના એક પત્રકારે સુપ્રિમ કોર્ટમાં બાલકૃષ્ણની સંપત્તિની વિગતો જાણવા માટે જાહેર હિતની અરજી કરી છે. સુપ્રિમ કોર્ટે આ અરજી કેન્દ્રનાં ગૃહખાતાંને તેના અભિપ્રાય માટે મોકલી આપી છે. જસ્ટિસ બાલકૃષ્ણ અત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ હોવાથી તેમની ઉપરના આક્ષેપોનું મહત્ત્વ એકદમ વધી જાય છે. અખબારોમાં આપણે દરરોજ નેતાઓના અબજો રૃપિયાના ભ્રષ્ટાચારના સમાચારો વાંચીએ છીએ. સાથે સાથે આપણે એવું પણ વાંચીએ છીએ કે ભારતની અદાલતોમાં ભ્રષ્ટાચારી નેતાઓને અપવાદરૃપ કિસ્સાઓમાં જ સજા કરવામાં આવે છે. અદાલતોના જજો જો પોતે ભ્રષ્ટાચાર આચરતા હોય તો સત્તાના ઉચ્ચ સ્થાને બેઠેલા નેતાઓને ભ્રષ્ટાચાર આચરવા બદલ જેલમાં મોકલી આપવાની નૈતિક હિમ્મત આ જજ સાહેબોમાં આવી શકે નહીં. જો ભારતનાં રાજકારણમાં પેસી ગયેલો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલા ભારતના ન્યાયતંત્રમાં જોવા મળતો ભ્રષ્ટાચાર દૂર કરવો પડશે. આ ભ્રષ્ટાચાર દૂર થશે ત્યારે જ ભારતમાં ન્યાયનો વિજય થશે.
-સંજય  વોરા

No comments:

Post a Comment