Friday, February 18, 2011

આરુષિ જેવી કરોડો કન્યાઓ છતે માબાપે અનાથ બની ગઇ છે

આરુષિ જેવી કરોડો કન્યાઓ છતે માબાપે અનાથ બની ગઇ છે
આજની મોટા ભાગની મધ્યમ વર્ગીય કન્યાઓ ઉપર તેમનાં માબાપનો કોઇ અકુંશ નથી રહ્યો અને તેઓ પોતાની જિંદગી પોતાના તરંગ મુજબ જીવે છે
નવી દિલ્હીમાં ૧૪ વર્ષની કન્યા આરુષિની જે પ્રકારે અને જે કારણે હત્યા થઇ તે પ્રકરણમાં સીબીઆઇએ ફાઇલ કરેલી ચાર્જશીટના કારણે આજનાં માબાપોની મનોવૃત્તિ અને બાળકોની જિંદગી બાબતમાં અનેક સવાલો પેદા થાય છે. આરુષિનાં મમ્મી-પપ્પા બંને ડેન્ટિસ્ટ છે અને તેમને પોતાની દીકરીની સારસંભાળ કરવાની ફુરસદ ભાગ્યે જ મળતી હતી. આ કારણે આરુષિ પોતાનો સ્કૂલ સિવાયનો સમય નોકરોની સાથે વિતાવતી હતી. ૧૪ વર્ષની આરુષિને તેના મમ્મી-પપ્પાએ મોબાઇલ આપી રાખ્યો હતો અને તેના ઘરે ઇન્ટરનેટનું કનેકશન પણ હતું. આરુષિનો મોટા ભાગનો સમય મિત્રો સાથે મોબાઇલ ઉપર વાતો કરવામાં, એમને એસએમએસ કરવામાં, ઇન્ટરનેટ ઉપર સર્ફિંગ કરવામાં, ફેસબુક અને ઓર્કુટ જેવી વેબસાઇટો ઉપર મિત્રો બનાવવામાં અને ઓનલાઇન ગેમો રમવામાં પસાર કરતી હતી.
આરુષિનાં મમ્મી-પપ્પા પોતાની જિંદગી પોતાની રીતે જીવતાં હતાં અને તેમની અને આરુષિ વચ્ચે ભાગ્યે જ સંવાદનો કોઇ સેતુ હતો. આરુષિના પપ્પા રાજેશ તલવાર તેમની સાથે કામ કરતાં એક મહિલા ડોકટરના પ્રેમમાં હતા અને તેમની સાથે લગ્નબાહ્ય સંબંધો ધરાવતા હતા, એવી આરુષિને શંકા હતી. આ બાબતની ચકાસણી કરવા તે હેમરાજ નામના પોતાના નોકરની મદદ લઇને પોતાના પપ્પાની જાસૂસી કરતી હતી. આ વાતની જાણ તેના પપ્પાને થતાં તેઓ ગુસ્સે ભરાયા હતા અને આ ગુસ્સામાં આવીને તેમણે આરુષિની અને પોતાના ઘરનોકરની હત્યા કરી નાંખી હોવાનું કહેવાય છે. પોલિસની એક બીજી થિયરી મુજબ આરુષિને ઘરનોકર સાથે કઢંગી હાલતમાં જોઇ જવાને કારણે ગુસ્સે ભરાયેલા રાજેશ તલવારે પોતાની પુત્રીની અને ઘરનોકરની હત્યા કરી નાંખી હતી. આ બંને પરિસ્થિતિ અત્યંત વિચિત્ર છે.
આજનાં મમ્મી-પપ્પાઓ પોતે ખૂબ જ સંયમિત વાતાવરણમાં અને શિસ્તપૂર્વક મોટાં થયાં હશે, પણ તેઓ પોતાના સંતાનોને તમામ પ્રકારની આઝાદી આપવામા માને છે. તેનું કારણ એ છે કે આ બાળકોના માધ્યમથી માબાપો પોતાની અધૂરી ઇચ્છાઓ પૂરી કરવા માંગે છે અને પોતાનો અહંકાર સંતોષવા માંગે છે. આજે પ્રત્યેક માબાપો એવું ઇચ્છે છે કે તેમનું બાળક સ્કૂલમાં ટોપ ઉપર આવે અને ઘરમાં પણ ઓલરાઉન્ડર બને. આ માટે તેઓ બાળકોની વધુ પડતી આળપંપાળ કરે છે અને તેમની દરેક માંગણીઓ પૂરી કરે છે. બાળક ૧૦ વર્ષનું થાય ત્યારે તેને મોબાઇલ આપી દેવામાં આવે છે અને ૧૨ વર્ષની ઉંમરનું બાળક ટુ વ્હીલર ચલાવવા લાગે ત્યારે માબાપ ગર્વ અનુભવે છે. તે ૧૪ વર્ષનું થાય ત્યારે તેના હાથમાં સ્કોડા કારની ચાવી આપી દેવામાં આવે છે. આજકાલ દિલ્હીમાં તો સ્કૂલમાં ભણતાં બાળકો પોતાની બર્થ ડે પાર્ટીમાં વ્હિસ્કી રાખે છે અને માબાપો તેની સગવડ પણ કરી આપે છે. ૧૬ વર્ષની ઉંમરના બાળકો સ્મોકિંગ કરતા, ફાસ્ટ ડ્રાઇવિંગ કરતા, સેક્સનો અનુભવ કરતાં અને ડ્રગ્સ લેતા થઇ ગયા હોય તેવા કિસ્સાઓ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
આજનાં બાળકો છતે માબાપે અનાથ બની ગયાં છે, તેનું કારણ આપણી તૂટી રહેલી કુટુંબ સંસ્થા છે. હવે સંયુક્ત પરિવારો ભાગ્યે જ જોવા મળે છે, જેને કારણે બાળકોને દાદા-દાદી, કાકા-કાકી, નાના-નાની વગેરેનું સાનિધ્ય મળતું નથી. આજે અનેક માતાઓ નોકરી કરતી થઇ છે, જેને કારણે બાળકોને આયાઓના કે બેબી-સીટરોના ભરોસે છોડી દેવામાં આવે છે. મમ્મીઓ નોકરી કરતી હોય ત્યારે પપ્પાઓ ઉપર પણ બાળઉછેરની આંશિક જવાબદારીઓ આવી પડે છે, જે નિભાવવાની તેમની તૈયારી નથી હોતી. પપ્પાઓ એવું માને છે કે બાળકોને સમય ન આપી શકાય તો જેટલા જોઇએ એટલા રૃપિયા આપી દેવા, જેનાથી સમયની કમી ભરપાઇ કરી શકાય છે.
સગીર બાળકોના હાથમાં ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ પકડાવી દેવામાં આવે છે, જેનો ઉપયોગ કરીને બાળકો મન ફાવ ત્યારે ખરીદી કરી શકે છે કે બેન્કમાંથી રૃપિયા કઢાવી શકે છે. આ રૃપિયાનો ઉપયોગ તેઓ ક્યાં કરે છે, તેની પરવા માબાપો કરતા નથી. અમુક શ્રીમંતોના બાળકોના પોકેટ મનીનો આંકડો ૧૦,૦૦૦ રૃપિયા ઉપર પહોંચી જાય છે. આ રૃપિયાથી બાળકો પબમાં જાય છે અને પાર્ટીઓ કરે છે. તેઓ મોડી રાતે ઘરે પાછાં ફરે છે, જેની જાણ પણ માબાપને નથી હોતી. આ મમ્મી-પપ્પાઓ પોતે દારૃ પીતા હોય, પાર્ટીઓમાં રખડતા હોય અને સેક્સનાં લફરાંઓ કરતા હોય એટલે બાળકોને કાંઇ કહેવાની નૈતિક હિંમત તેમનામાં નથી હોતી.
આજનાં બાળકો ટેકનોલોજીની બાબતમાં પોતાના માતાપિતાઓ કરતાં એક કદમ આગળ હોય છે. પપ્પા પાસે નવો મોબાઇલ આવે ત્યારે આ મોબાઇલનાં ફંકશનો બાબતમાં તેમણે પોતાનાં બાળકનું ગાઇડન્સ લેવું પડે છે. ઇન્ટરનેટની કઇ વેબસાઇટ ઉપરથી કઇ માહિતી ડાઉનલોડ કરી શકાય, તેની જાણ પપ્પાને બાળકો આપે છે. બજારમાં કઇ કારનું નવું મોડેલ સૌથી વધુ વેચાય છે, તેની અપ-ટુ-ડેટ ઇન્ફો બાળકો પાસે હોય છે. ઘરમાં કયુ ટીવી કે ફ્રીજ ખરીદવું તેની સલાહ પણ બાળકો પાસે લેવામાં આવે છે અને ઘણી વખત બાળકોના અભિપ્રાય મુજબ જ નિર્ણયો પણ લેવામાં આવે છે. આ કારણે બાળકો પોતાને માબાપો કરતાં ચડિયાતા સમજવા લાગ્યા છે. તેઓ ઘણી વખત અભિમાનમાં આવીને પોતાનાં માબાપો સાથે તોછડાઇથી વર્તે છે અને માબાપો તે ચલાવી પણ લે છે. જે બાળક પોતાના માબાપની આમાન્ય રાખવાનું છોડી દે છે, તેને સુધારવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર બની જાય છે.
દિલ્હીનાં ફેમિલી કાઉન્સેલર વિમલા લાલ પાસે એક શ્રીમંત પરિવારની ૧૪ વર્ષની પુત્રીને લાવવામાં આવી હતી, જેનો કિસ્સો આંખ ઉઘાડનારો છે. આ છોકરીને તેની અલગ રૃમ બેઝમેન્ટમાં આપવામાં આવી હતી, જેમાં ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે તમામ સવલતો હતી. છોકરી કેટલા કલાક ટીવી જુએ છે કે નેટ ઉપર કોની સાથે ચેટ કરે છે, તેની તેના માબાપને કોઇ ચિંતા નહોતી. તેને પોસ્ટ પેઇડ મોબાઇલ આપવામાં આવ્યો હતો, જેનું બિલ તેના મમ્મી-પપ્પા ભરતા હતા. ઘણી વખત તે પોતાના મિત્રો સાથે પાર્ટીમાં જતી. તેને પાર્ટીમાંથી પાછા ફરવા માટેે રાતના ૧૦ વાગ્યાની ડેડલાઇન આપવામાં આવી હતી, પણ તે મોડી પડતી ત્યારે બંગલાના વોચમેનને લંચ આપીને બંગલામાં પ્રવેશતી અને પોતાના રૃમમાં જઇને સૂઇ જતી. આ કન્યા જ્યારે સ્કૂલની પરીક્ષામાં ફેઇલ થઇ ત્યારે માબાપને તેનાં પરાક્રમોનો ખ્યાલ આવ્યો અને તેઓ તેને કાઉન્સેલર પાસે લઇ આવ્યા.
ભારતનાં બાળકો એક બાજુથી શિક્ષણના બોજા હેઠળ કચડાઇ રહ્યાં છે અને બીજી બાજુ ઉપભોક્તાવાદની હરિફાઇમાં ખેંચાઇ રહ્યાં છે. તેમની તૃષ્ણાઓ ખૂબ વધી રહી છે અને માબાપો સામેની ફરિયાદોનો કોઇ અંત નથી. આ કારણે હજારો બાળકો નાની ઉંમરે ડિપ્રેશનનો ભોગ બનવા લાગ્યાં છે. ૧૦ વર્ષ અગાઉ સાઇકિયાટ્રિસ્ટો પાસે ડિપ્રેશનની ફરિયાદ લઇને જે દર્દીઓ આવતા હતા એમાં બાળકોનું પ્રમાણ ૨-૩ ટકા જેટલું જ હતું. આજે આ પ્રમાણ વધીને ૮-૧૦ ટકા ઉપર પહોંચી ગયું છે. ભારતનાં બાળકોમાં આપઘાતનું પ્રમાણ વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં જેટલી મહિલાઓ આપઘાત કરે છે, તેમાંથી ૫૦ ટકા ૧૫-૧૯ની વયજૂથમાં હોય છે અને પુરૃષોના આપઘાતમાં ૨૫ ટકા હિસ્સો ૧૦-૧૯ વર્ષના છોકરાઓનો હોય છે.
આજના બાળકોને સ્કૂલમાં કે કોલેજમાં ક્યાંય વડીલોનો વિનય કરવાના અને માબાપની સેવા કરવાના પાઠો ભણાવવામાં નથી આવતા, જેને કારણે તેઓ વડીલોનો અનાદર કરતા અને માબાપો સાથે તોછડાઇથી વર્તતા થઇ ગયા છે. માબાપને કદાચ અંગ્રેજી ન આવડતું હોય અને બાળકો ઇંગ્લીશ મિડિયમમાં ભણે ત્યારે તેઓ પોતાનાં માબાપને ઉતરતાં ગણવા લાગે છે અને વાતવાતમાં તેમનું અપમાન કરી નાંખે છે. ઘણાં માબાપોને લાગે છે કે તેમના બાળકો બહુ સ્માર્ટ બની ગયાં છે, એટલે તેમને માથે ચડાવે છે. આ બાળકો સ્કૂલમાં સહાધ્યાયીઓ સાથે પણ ઝઘડે છે. તેમના મગજમાં તેમનાં માબાપના ધનનું અભિમાન સવાર થઇ ગયું હોય છે. શ્રીમંતોના નબીરાઓ પોતાના શિક્ષકોને ગાંઠતા પણ નથી. તેની અસર તેમની કેળવણી ઉપર પણ પડે છે. આ બધો વાંક માબાપોનો છે.
ઘણાં માબાપો શરૃઆતમાં બાળકને તમામ પ્રકારની સ્વતંત્રતા આપે છે અને બાળક વંઠી જાય છે ત્યારે તેની ઉપર ગુસ્સાનું સ્ટીમરોલર ચલાવી દે છે. આ રીતે ગુસ્સો કરવાથી કોઇ બાળક સુધરતું નથી, પણ વિદ્રોહી બને છે અને માબાપને ભારે પડે છે. હાથમાંથી જાય ત્યારે જાગવાને બદલે બાળકના જીવન ઉપર નાનપણથી જ માબાપનો અંકુશ હોવો જોઇએ. માબાપે બાળકના ઉપદેશક ન બનવું જોઇએ, પણ તેના રોલ-મોડેલ બનવાની કોશિષ કરવી જોઇએ. માબાપના આચારો જ બાળક માટે પ્રેરણારૃપ હોવા જોઇએ. જે માતાપિતા પોતે દુરાચારી હોય તેઓ પોતાના સંતાનો પાસેથી સદાચારની અપેક્ષા રાખી શકે નહીં.
આપણી કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે, તેના સૌથી વધુ ભોગ બાળકો બન્યા છે. આજના બાળકો પરિવારના સંરક્ષણમાંથી લગભગ બહાર ફેંકાઇ ગયાં છે. સ્ત્રીઓ નોકરી કરતી થઇ, તેનું સૌથી વધુ નુકસાન બાળકોને થયું છે. આધુનિક સાધનોનો સૌથી વધુ ગેરલાભ બાળકોને થઇ રહ્યો છે.
બાળક શિક્ષણમાં ટોપ પર પહોંચે અને ઓલરાઉન્ડર બને તેનું જેટલું મહત્વ છે, તેનાં કરતાં પણ વધુ મહત્વ એ વાતનું છે કે તે વડીલોનો વિનય કરે અને માબાપની સેવા કરતાં શીખે. જો માબાપો આજથી જ નહીં જાગે તો આવતી કાલે આરુષિ હત્યાકાંડ જેવી ઘટના કોઇ પણ ઉચ્ચ મધ્યમ વર્ગીય પરિવારમાં બની શકે છે.
-સંજય વોરા 

No comments:

Post a Comment