Monday, February 28, 2011

કલમાડી પોતાની સાથે બીજા રાજકારણીઓને પણ ડૂબાડવા માંગે છે


સ્વીસ ટાઈમીંગ લિમિટેડ કંપનીને આપવામાં આવેલા ૧૦૭ કરોડ રૃપિયાના કૌભાંડના પ્રકરણમાં સુરેશ કલમાડીની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે

કોમનવેલ્થ ગેમ્સના ૮૦,૦૦૦ કરોડ રૃપિયાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુરેશ કલમાડીને ગંધ આવી ગઈ છે કે હવે ટૂંક સમયમાં તેમની ધરપકડ થવાની છે અને ૨-જી કૌભાંડના સૂત્રધાર એ.રાજાની જેમ તેમને પણ સીબીઆઈની કસ્ટડીની હવા ખાવી પડશે. જોકે એ.રાજામાં અને સુરેશ કલમાડીમાં ઘણો ફરક છે. એ.રાજાએ સીબીઆઈની કસ્ટડીમાં ગયા પછી પણ તેમની સાથે કૌભાંડમાં સામેલ સાથીદાર રાજકારણીઓનાં નામો હજી સુધી જાહેર કર્યા નથી. સુરેશ કલમાડીનું સર્જન કોઈ જુદી જ માટીમાંથી થયું છે. સુરેશ કલમાડીના નજીકના સાથીદારો લલિત ભાણોતની અને વી.કે. વર્માની સીબીઆઈએ સ્વીસ કંપની સાથેના ૧૦૭ કરોડ રૃપિયાના સોદામાં ધરપકડ કરી તે પછી હવે સુરેશ કલમાડીની ધરપકડની ઘડીઓ પણ ગણાઈ રહી છે. આ સંયોગોમાં કલમાડીએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સીધો આક્ષેપ કર્યો છે કે કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડમાં જેટલા તેઓ જવાબદાર છે એટલાં જ જવાબદાર દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત, ભૂતપૂર્વ રમતગમત પ્રધાન એમ.એસ. ગીલ અને શહેરી વિકાસ ખાતાંના પ્રધાન જયપાલ રેડ્ડી પણ છે. અગાઉ સુરેશ કલમાડી એવી મોપાટ જપ્યા કરતા હતા કે, ''હું નિર્દોષ છું.'' હવે તેમણે પાઠ બદલ્યો છે. હવે તેઓ કહી રહ્યા છે કે ''જો હું ગુનેગાર છું તો શીલા દીક્ષિત, એમ.એસ.ગીલ અને જયપાલ રેડ્ડી પણ ગુનેગાર છે.'' આ વલણ ઘણા રાજકારણીઓને ભારે પડી શકે તેમ છે.
કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડ બાબતમાં સુરેશ કલમાડી ઘણાં રહસ્યો જાણે છે. આ કૌભાંડ માટે તેઓ એકલા જવાબદાર નથી. ઘણા રાજકારણીઓ અને પ્રધાનો પણ તેમાં સંડોવાયેલા છે. સુરેશ કલમાડી આ બધાની પોલ જાણે છે. કોમનવેલ્થ કૌભાંડ બહાર આવ્યું તેના મહિનાઓ સુધી કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઈઝીંગ સમિતિના અધ્યક્ષપદેથી સુરેશ કલમાડીનું રાજીનામું માંગવામાં ન આવ્યું તેનું રહસ્ય પણ એ હતું કે તેઓ સુરેશ કલમાડીને ફસાવી શકાય તેવા દસ્તાવેજી પુરાવાઓ ભેગા કરતા હતા. સુરેશ કલમાડીને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી તે પછી પણ સીબીઆઈએ તેમની ધરપકડ નહોતી કરી, કારણ કે તેમને ડર હતો કે કલમાડીની ધરપકડ કરવામાં આવશે તો તેઓ અન્ય નેતાઓને પણ આ કૌભાંડમાં સંડોવતા પુરાવાઓ નાટયાત્મક રીતે બહાર પાડશે. સીબીઆઈએ આ બાબતમાં પણ પાણી પહેલા પાળ બાંધીને કલમાડીની ધરપકડ કરવાની તૈયારી કરી લીધી એટલે કલમાડી ભૂરાટા થયા છે. તેમને જો જેલમાં જવું પડશે તો તેઓ એવો દારૃગોળો તૈયાર રાખશે કે જેથી અન્ય રાજકારણીઓ બદનામ થયા વિના રહે નહીં.
સુરેશ કલમાડીને કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઈઝીંગ સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી પણ તેઓ હજી સુધી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશનના અધ્યક્ષના હોદ્દા ઉપર કાયમ છે. આ હોદ્દાની રૃએ તેમને રાંચીમાં રમાઈ રહેલી નેશનલ ગેમ્સના સમાપન સમારોહમાં હાજર રહેવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ રાંચી પહોંચી પણ ગયા છે. સુરેશ કલમાડી હવે દેશના ટોચના રાજકારણીઓ માટે અછૂત બની ગયા છે. કલમાડી સમાપન સમારોહમાં આવવાના છે તે જાણીને વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ આ કાર્યક્રમમાં હાજરી પૂરાવવાનો પોતાનો નિર્ણય બદલી કાઢ્યો હતો. નવા રમતગમત પ્રધાન અજય માકેને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવાનો પોતાનો નિર્ણય છેલ્લી ઘડીએ બદલી નાંખ્યો છે.
સીબીઆઈ દ્વારા કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડમાં અત્યાર સુધી જે પ્રકારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે તેમાં સુરેશ કલમાડીને અને તેમના સાથીદારોને કેન્દ્રમાં રાખીને જ તેમના ગળા ફરતો ગાળિયો ટાઈટ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સ્વીસ કંપનીને ૧૦૭ કરોડ રૃપિયાનાં ઉપકરણો આપવાના કોન્ટ્રેક્ટમાં ગેરરીતિઓ બદલ કલમાડીના વિશ્વાસુ સાથીઓ લલિત ભાણોતની અને વી.કે. વર્માની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈને તેમની પાંચ દિવસની કસ્ટડી મળી છે. આ પાંચ દિવસની પૂછપરછ દરમિયાન સીબીઆઈને જે કોઈ વિગતો જાણવા મળે તેના આધારે સુરેશ કલમાડીની ધરપકડ કરવાનો તખતો ગોઠવાઈ રહ્યો છે.
કોમનવેલ્થ ગેમ્સમાં દેશની તિજોરીના જે ૮૦,૦૦૦ કરોડ રૃપિયા ચવાઈ ગયા તેની એક પછી એક વિગતો બહાર આવી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સ્કોર બોર્ડ, ટાઈમીંગ અને રિઝલ્ટનાં યંત્રો પૂરા પાડવાનો ૧૦૭ કરોડ રૃપિયાનો કોન્ટ્રેક્ટ સ્વીસ ટાઇમીંગ લિમિટેડ નામની કંપનીની ખોટી રીતે તરફેણ કરીને આપવામાં આવ્યો હતો. આ માટે નિયમો બદલવામાં આવ્યા હતા. કોમનવેલ્થ ગેમ્સની ઓર્ગેનાઈઝીંગ કમિટિના મહામંત્રી લલિત ભાણોતનો દાવો છે કે તેમણે માત્ર સ્વીસ કંપનીનાં નામનું જ સૂચન કર્યું હતું. તેને અનુમોદન આપવાનું કામ ઓર્ગેનાઈઝીંગ કમિટિના મુખ્ય વહીવટી અધિકારી વિજય કુમાર ગૌતમે કર્યું હતું. આ વિજયકુમાર સુરેશ કલમાડીના વિશ્વાસુ અધિકારી ગણાય છે અને તેમની સામે આર્થિક ગેરરીતિના આ૭ેપો થતાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. હવે સીબીઆઈ તેમને પણ પૂછપરછ માટે બોલાવશે અને તેમની પાસેથી સુરેશ કલમાડીની વિરુદ્ધમાં પુરાવાઓ પ્રાપ્ત કરશે.
સુરેશ કલમાડીના સાથીદાર લલિત ભાણોતે ૧૦૭ કરોડના સ્વીસ કંપનીના કૌભાંડમાં દિલ્હીની સરકારના અને રમતમગત ખાતાંના અધિકારીઓને પણ ઘસડયા છે. લલિત ભાણોતે એવો દાવો કર્યો છે કે સ્વીસ કંપનીને ઊંચી કિંમતે કોન્ટ્રેક્ટ આપવાનો નિર્ણય એક સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં દિલ્હી સરકારના અને રમતગમત ખાતાંના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. સ્વીસ કંપનીને જ્યારે ૧૦૭ કરોડ રૃપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો ત્યારે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફેડરેશનના એક અધિકારીએ આ બાબતમાં આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમણે સ્વીસ ટાઈમીંગ લિમિટેડ નામની કંપનીનું નામ પણ સાંભળ્યું નથી. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન આ કોન્ટ્રેક્ટ ઓમેગા કંપનીને મળે તેમ ઇચ્છતું હતું.
સ્વીસ કંપનીને ૧૦૭ કરોડ રૃપિયાનો કોન્ટ્રેક્ટ આપવામાં થયેલી ગેરરીતિઓ બાબતમાં ઓર્ગેનાઈઝીંગ કમિટિના એક ભૂતપૂર્વ ઓફિસરે વટાણા વેરી દેતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. જ્યારે સ્વીસ કંપનીને આ કોન્ટ્રેક્ટ આપવાની તજવીજ સુરેશ કલમાડી અને તેમના સાથીદારો કરી રહ્યા હતા ત્યારે ઓર્ગેનાઈઝીંગ કમિટિના ત્યારના સભ્ય સુજિત પાણીગ્રહીએ આ કંપનીને કોન્ટ્રેક્ટ આપવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેને આ પ્રકારના પ્રોજેક્ટો બાબતમાં કોઈ અનુભવ નથી. સુરેશ કલમાડીના સાથીદારો લલિત ભાણોત અને વી.કે. વર્માએ આ વિરોધની અવગણના કરી હતી અને સ્વીસ ટાઇમીંગ લિમિટેડ સિવાયની બાકીની બધી કંપનીઓને પ્રારંભિક ચકાસણીમાં જ અપાત્ર ઠરાવી દીધી હતી. છેવટે મેદાનમાં એકમાત્ર સ્વીસ કંપની રહી ગઈ હતી, જેને કોન્ટ્રેક્ટ આપી દેવામાં આવ્યો હતો. સુજિત પાણીગ્રહીએ તેના વિરોધમાં પોતાનું રાજીનામું ધરી દીધું હતું અને સીબીઆઈને આપેલાં નિવેદનમાં આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો. સ્વીસ કંપનીને આપવામાં આવેલા આ કોન્ટ્રેક્ટના કૌભાંડમાં જે સુરેશ કલમાડીની ધરપકડ થવાની સંભાવના છે.
સુરેશ કલમાડીને સૌથી વધુ ખાર દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત ઉપર છે. કોમનવેલ્થ ગેમ્સનું કૌભાંડ બહાર આવ્યું ત્યારથી શીલા દીક્ષિત સુરેશ કલમાડીની હકાલપટ્ટીની માગણી કરતાં આવ્યાં છે. હવે સ્વીસ કંપનીને આપેલા કોન્ટ્રેક્ટ બાબતમાં સુરેશ કલમાડીની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સુરેશ કલમાડી આ વિવાદમાં શીલા દિક્ષીત ઉપર પણ તીર તાકી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન પાછળ જે ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનો ખર્ચો કરવામાં આવ્યો તેના ૭૫ ટકા જેટલી રકમ તો દિલ્હી સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા વાપરવામાં આવી હતી. આ ખર્ચમાં થયેલી ગેરરીતિઓની સીબીઆઈ દ્વારા હજી સુધી તપાસ કરવામાં આવી હતી. દિલ્હીની સરકાર દ્વારા બાંધવામાં આવેલો એક ફૂટ ઓવર બ્રિજ પણ ગેમ્સના આયોજન પહેલા તૂટી પડયો હતો. આ ઘટનાની કોઈ તપાસ કરવામાં આવી નથી. આ સંયોગોમાં સીબીઆઈ શીલા દીક્ષિતને છાવરી રહી છે એવા કલમાડીના આક્ષેપોમાં ભારોભાર તથ્ય દેખાઈ રહ્યું છે.
કોઈ નાનું બાળક પણ કહી શકશે કે ૮૦,૦૦૦ કરોડ રૃપિયાનું કૌભાંડ એકલા હાથે આચરવાની ક્ષમતા સુરેશ કલમાડીમાં નથી. આ કૌભાંડમાં બીજા અનેક રાજકારણીઓને પણ મલાઈ મળી છે અને ઘણા સરકારી ઓફિસરો સંડોવાયેલા છે. અત્યારે સીબીઆઈની કવાયત સુરેશ કલમાડીને અલગ તારવીને બાકીના બધા ભ્રષ્ટાચારીઓને બચાવી લેવા માટેની છે. સુરેશ કલમાડી જો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તમામ રાજકારણીઓની પોલ ખોલવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે. સીબીઆઈએ તેમને તાજના સાક્ષી બનાવી દેવા જોઈએ અને આ કૌભાંડમાં જે કોઈ રાજકારણીઓને મલાઈ મળી હોય તેમની સામે કેસો દાખલ કરવા જોઈએ. આ બાબતમાં કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડ બાબતમાં પણ જેપીસીની રચના કરવાનું સુરેશ કલમાડીનું સૂચન તોફાની પણ વિચારવાલાયક છે.
-સંજય વોરા

No comments:

Post a Comment