Friday, February 25, 2011

ટેલિકોમ કૌભાંડના નાણાંમાંથી રાજાએ રિયલ એસ્ટેટનું કૌભાંડ આચર્યું છે

ટેલિકોમ કૌભાંડના નાણાંમાંથી રાજાએ રિયલ એસ્ટેટનું કૌભાંડ આચર્યું છે
રાજાના સાગરિતો દ્વારા રિયલ એસ્ટેટની ૧૪ કંપનીઓ ખોલવામાં આવી છે અને લાંચના નાણાં દ્વારા અબજો રૃપિયાની મિલકતો ખરીદવામાં આવી છે

ભારતનું પર્યાવરણ, બિલ્ડર લોબી અને ટેલિકોમ કૌભાંડ આમ તો ત્રણ અલગ અલગ બાબતો જણાય છે; પરંતુ આ ત્રણેયના અંકોડાઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે તેનો તાગ મેળવતાં એક મહાકૌભાંડ છતું થાય છે. યુપીએ-૧ની સરકારમાં એ. રાજા ઇ.સ. ૨૦૦૪થી ૨૦૦૭ દરમિયાન પર્યાવરણ ખાતાના પ્રધાન હતા. આ દરમિયાન મુંબઈના અનેક મોટા બિલ્ડરો પોતાના પ્રોજેક્ટને પર્યાવરણની મંજૂરી અપાવવા માટે રાજાના સંપર્કમાં આવ્યા. રાજાએ તેમની સાથે 'દોસ્તી' બાંધી. રાજા જ્યારે ઇ.સ. ૨૦૦૭માં ટેલિકોમ પ્રધાન બન્યા ત્યારે મુંબઈના બિલ્ડરોએ આ દોસ્તીનો લાભ ઉઠાવી ટેલિકોમ કંપનીઓ સ્થાપી અને રાજાએ તેમને પાણીના ભાવે સ્પેક્ટ્રમની લહાણી કરીને અબજો રૃપિયાની કમાણી કરી. આ લાંચના રૃપિયા મુંબઈના બિલ્ડરોની સહાયથી રાજાએ વળી રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં જ રોક્યા. આ સમગ્ર કૌભાંડમાં રાજાના સાથી તરીકે સાદિક બાશાનું નામ ઉભરી આવ્યું છે.
ભારતના કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ 'કેગ'ના હેવાલ મુજબ સ્પેક્ટ્રમ કૌભાંડમાં એ. રાજાએ તેમના સાથીદારો દ્વારા દેશની તિજોરીમાંથી ૧.૭૬ લાખ કરોડ રૃપિયાની તફડંચી કરવામાં આવી છે. આ તફડંચીના નાણાંને સગવગે કરવામાં એ. રાજાના મુખ્ય સાગરીત તરીકે સાદિક બાશાનું નામ બહાર આવ્યું છે. રાજા પાસે ટેલિકોમ કૌભાંડમાંથી લાંચના જેટલાં નાણાં આવતા હતા તેનો વહીવટ કરવાનું કામ સાદિક બાશાને સોંપવામાં આવ્યું હતું. ટેલિકોમ કંપનીઓના બધા માંધાતાઓ સાદિક બાશાને રાજાના માણસ તરીકે ઓળખતા હતા. ટેલિકોમ કૌભાંડના નાણાંનું રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં રોકાણ કરવા માટે બાશાએ ચેન્નાઈમાં ગ્રીન હાઉસ પ્રમોટર્સ નામની રિયલ એસ્ટેટની કંપની ખોલી હતી. આ કંપનીમાં એ. રાજાની પત્ની પરમેશ્વરીને પણ ડાયરેક્ટર બનાવવામાં આવી હતી. ઇ.સ. ૨૦૦૭માં રાજા કેન્દ્રમાં ટેલિકોમ ખાતાના પ્રધાન બન્યા તે સાથે જ ગ્રીન હાઉસ પ્રમોટર્સની સિંગાપોર શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઇ.સ. ૨૦૧૦ના ડિસેમ્બર મહિના સુધીમાં તો વિદેશની અનેક કંપનીઓ દ્વારા અબજો રૃપિયા આ કંપનીમાં ઠાલવવામાં આવ્યા હતા.
રાજાને ટેલિકોમ કૌભાંડ આચરવામાં મદદ કરનાર મુંબઈના બિલ્ડર શાહીદ ઉસ્માન બલવાએ પણ સીબીઆઇની પૂછપરછમાં કબૂલ કર્યું છે કે તેઓ ઇ.સ. ૨૦૦૬ની સાલથી સાદિક બાશાને રાજાના વિશ્વાસુ સાથીદાર તરીકે ઓળખે છે. ઇ.સ. ૨૦૦૬માં એ. રાજા કેન્દ્રમાં પર્યાવરણ ખાતાના પ્રધાન હતા ત્યારે શાહીદ બાલવા પોતાનો રિયલ એસ્ટેટનો પ્રોજેક્ટ પાસ કરાવવા માટે રાજાને મળ્યા હતા. આ માટે રાજા સાથે જે રૃપિયાની લેવડદેવડ કરવામાં આવી તે સાદિક બાશાના મારફત જ કરવામાં આવી હતી. શાહીદ બલવા તો મુંબઈના બિલ્ડર હતા. તેમ છતાં તેમની કંપનીએ બાશાની સલાહથી તામિલનાડુના શ્રી પેરૃમ્બદુર જિલ્લામાં મિલકતો ખરદી હતી. સાદિક બાશા ટેલિકોમ કૌભાંડમાં સંડોવાયેલી તમામ કંપનીઓના સંપર્કમાં હતો. આ કંપનીઓએ બાશના કહેવાથી લાંચની રકમ વિવિધ કંપનીઓના ખાતાંઓમાં ટ્રાન્સફર કરી હતી. આ તમામ કંપનીઓની વિગતો પણ સીબીઆઇના હાથમાં આવી ગઈ છે.
જૂના જમાનાના રાજકારણીઓ લાંચની રકમ માત્ર રોકડામાં જ સ્વીકારતા હતા અને ક્યારેક પકડાઈ પણ જતા હતા. આજના ભારતમાં લાંચના કારોબારનું પણ કોર્પોરેટાઇઝેશન થયું છે. આજના રાજકારણીઓ લાંચ સ્વીકારવા માટે બાકાયદા કંપનીઓ જ ખોલે છે. જે ભારતની કંપનીઓ આ રાજકારણીને લાંચ આપવા માંગતી હોય તેઓ પોતાની કંપનીની વિદેશમાં નોંધાયેલી શાખાના ખાતામાં કરોડો ડોલર જમા કરાવે છે. આ ડોલર પેલા રાજકારણીની ભારતીય કંપનીની વિદેશમાં રહેલી શાખાના ખાતામાં લોનના રૃપમાં જમા કરાવવામાં આવે છે. આ લોન કોઈ પણ જાતની સિક્યુરિટી વિના આપવામાં આવે છે; કારણ કે તે એક પ્રકારની ગિફ્ટ જ હોય છે. સાદિક બાશાની કંપની ગ્રીન હાઉસ પ્રમોટર્સની વિદેશની શાખાઓમાં પણ આ રીતે કરોડો ડોલર વિદેશી કંપનીઓના ખાતામાંથી જમા કરાવવામાં આવ્યા હતા. બાહ્ય રીતે એવું જણાય કે આ કંપનીને વિદેશી ભંડોળ મળી રહ્યું છે. હકીકતમાં તે લાંચનું જ ભંડોળ હોય છે. આ ભંડોળ રાજકારણીની કંપનીની ભારતીય શાખામાં આણવામાં આવે છે અને આપણા દેશમાં જ તેનું કાયદેસર રોકાણ કરવામાં આવે છે.
સીબીઆઇ જેમ જેમ ટેલિકોમ કૌભાંડમાં ખવાઈ ગયેલા અબજો રૃપિયાનું પગેરું કાઢવામાં જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેના હાથમાં ચોંકાવનારી વિગતો આવતી જાય છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા ગ્રીન હાઉસ પ્રમોટર્સ કંપનીના વિદેશના ખાતાઓમાં જે કરોડો ડોલર જમા કરાવવામાં આવ્યા તેનો ઉપયોગ કરીને રાજાએ તમિલનાડુમાં રિયલ એસ્ટેટની ૧૪ કંપનીઓ ખોલી કાઢી હતી. ગ્રીનહાઉસ પ્રમોટર્સ તો તેમાંની એક જ કંપની છે. આ સિવાય રાજાએ લાંચના નાણાંનો ઉપયોગ કરીને એક્વાસ એસ્ટેટ, કોવાઈ શેલ્ટર્સ પ્રમોટર્સ, શિવખમમ ટ્રેડર્સ વગેરે નામની કંપનીઓ ખોલી કાઢી છે. આ કંપનીઓનો વહીવટ રાજાના સગા મોટાભાઈ કાલિયાપેરુમલ કરી રહ્યા છે. આ કંપનીઓમાં દુબઈ, મલેશિયા અને સિંગાપોરમાં રજીસ્ટર થયેલી કંપનીઓ દ્વારા વિદેશી ભંડોળ ઠાલવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ તમામ કંપનીઓને માહિતી આપવા માટે પત્રો મોકલી આપ્યા છે.
ગ્રીન હાઉસ પ્રમોટર્સ કંપની તામિલનાડુમાં રજીસ્ટર થયેલી છે, પણ તેની દિલ્હી ઓફિસ તરીકે એ. રાજાના સત્તાવાર સરકારી બંગલાનું સરનામું જ આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે રાજાની પત્ની પરમેશ્વરી આ કંપનીની મેનેજીંગ ડિરેક્ટર છે અને તે દિલ્હીમાં રાજાની સાથે જ તેમના બંગલામાં રહેતી હતી. આ કંપનીએ ઇ.સ. ૨૦૦૭ની સાલમાં સિંગાપોરના સેરંગૂન વિસ્તારમાં પોતાની બ્રાન્ચ ખોલી હતી. આ બ્રાન્ચમાં હવાલા દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ જમા કરાવવામાં આવ્યું હતું. આ મૂડી કાયદેસરની ચેનલોનો ઉપયોગ કરીને ભારતમાં લાવવામાં આવી હતી. આ મૂડીમાંથી તામિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં મોટા પ્રમાણમાં સ્થાવર મિલકતો ખરીદવામાં આવી હતી. આ સંપત્તિઓ ખરીદવામાં એ. રાજાને ડીબી રિયલ્ટીના માલિક શાહીદ બાલવાએ સક્રિય સહાય કરી હતી. ગ્રીન હાઉસ પ્રમોટર્સની સિંગાપોરમાં શાખા ખોલવામાં વિદેશી ચલણ અંગેના કાયદાઓનો સરિયામ ભંગ કરવામાં આવ્યો હતો. એ રાજાની આ ૧૪ કંપનીઓને કઈ કઈ વિદેશી કંપનીઓ દ્વારા ભંડોળ આપવામાં આવ્યું તેનો પત્તો લાગશે ત્યારે કઈ ટેલિકોમ કંપની દ્વારા રાજાને લાંચના રૃપમાં કેટલા રૃપિયા આપવામાં આવ્યા હતા તેનો પણ ખ્યાલ આવશે.
જો એ રાજા જેવા ભ્રષ્ટાચારી પ્રધાન સાથે દોસ્તી હોય અને આ દોસ્તીનો ઉપયોગ કરતા આવડતો હોય તો એક લાખ રૃપિયાની મૂડીમાંથી કેવી રીતે અબજો રૃપિયાની કમાણી કરી શકાય તેનું ઉદાહરણ એચએફસીએલ નામની કંપનીના મેનેજીંગ ડિરેક્ટર મહેન્દ્ર નાહટા છે. તેમણે માત્ર એક લાખ રૃપિયાની મૂડીથી ડેટાકોમ સોલ્યુશન્સ નામની કંપનીની સ્થાપના કરી હતી. આ કંપનીની મૂડી ૧૫૦ કરોડ રૃપિયા છે એવો દાવો કરીને તેમણે એ. રાજાના સંબંધોનો ઉપયોગ કરીને દેશના ૨૨ સર્કલ માટે ૨-જી સ્પેક્ટ્રમની માગણી કરી હતી. તેમની માગણી અગાઉથી થયેલી ગોઠવણ મુજબ સ્વીકારી લેવામાં આવી હતી. મહેન્દ્ર નાહટાને મોબાઇલનો બિઝનેસ કરવામાં બિલકુલ રસ ન હતો. તેમણે ડેટાકોમ સોલ્યુશન્સ કંપનીના ૬૪ ટકા શેરો વિડિયોકોન કંપનીને ઉંચી કિંમતે વેચીને નફો ગાંઠે બાંધી લીધો હતો. ડેટાકોમ સોલ્યુશન્સનું નામ બદલીને વિડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સ થઈ ગયું હતું. ભારતના ટાટા, રિલાયન્સ, વિડિયોકોન, એસ્સાર બિરલા વગેરે તમામ મુખ્ય ઉદ્યોગગૃહો દ્વારા ટેલિકોમ કૌભાંડની વહેતી ગંગામાં હાથ ધોવામાં આવ્યા છે. આ કંપનીઓ દ્વારા રાજાને અબજો રૃપિયાની લાંચ આપવામાં આવી છે અને તેના બદલામાં રાજાએ તેમને લાઇસન્સોની લહાણી કરી છે. હવે આ તમામ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સીબીઆઇની કચેરીના આંટા મારી રહ્યા છે અને ધરપકડના ભય હેઠળ જીવી રહ્યા છે.
ભારતના રાજકારણીઓ કેટલી હદે ભ્રષ્ટ બની શકે છે અને કોર્પોરેટ ક્ષેત્ર આ ભ્રષ્ટાચારને પોષણ આપીને કેટલી હદે અનૈતિક કમાણી કરવા તત્પર છે, તેનો ખ્યાલ ટેલિકોમ કૌભાંડમાં સીબીઆઇની અત્યાર સુધીની તપાસનો અભ્યાસ કરતા આવે છે. ભારતના ઉદ્યોગપતિઓ વર્ષોથી આ જ પ્રકારે દેશની કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા આવ્યા છે. અને રાજકારણીઓ લાંચ લઈને લૂંટમાં ભાગીદાર બનતા આવ્યા છે. ભારતના ઉદ્યોગપતિઓ દ્વારા જે અબજો રૃપિયાનું સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું છે તેના પાયામાં અનીતિ અને ભ્રષ્ટાચાર છે. કોલેજના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટની ડિગ્રી માટે અભ્યાસ કરે છે તેમાં તેમને ક્યાંય ભણાવવામાં આવતું નથી કે ધંધામાં અનીતિ આચરવી ન જોઈએ અને ધંધાના વિકાસ માટે દેશમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવું ન જોઈએ. ઉદ્યોગપતિઓ ભ્રષ્ટાચાર આચરીને અબજોપતિ બને છે તેમની સ્તુતિ ફોર્બ્સ જેવા મેગેઝિનો કરે છે. ફોર્બ્સ મેગેઝિન દ્વારા દર વર્ષે અબજોપતિઓની યાદી પ્રગટ કરવામાં આવે છે પણ આ અબજો રૃપિયા ક્યાંથી આવ્યા તે કોઈ જાણતું નથી. સીબીઆઇની તપાસ જો તેના તાર્કિક અંત સુધી પહોંચશે તો આપણને ભારતના ઉદ્યોગપતિઓ કેવી રીતે અબજોપતિ બને છે તેનું રહસ્ય પણ જાણવા મળી જશે.
-સંજય વોરા

No comments:

Post a Comment