ફોર્બ્સના અબજોપતિઓની યાદીમાં વિશ્વમાં ૩૬મું સ્થાન ધરાવતા અનિલ ધીરુભાઈ અંબાણી મેરેથોનના ચાહક છે. દર વખતે મુંબઈ મેરેથોનમાં તેમની હાજરી અચૂક ધ્યાનાકર્ષક બની રહેતી હોય છે. અનિલ અંબાણી બુધવારે ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક નવી જાતની મેરેથોન રમવા પહોંચી ગયા હતા. સી.બી.આઇ.ના સત્તાવાળાઓએ ફોન કરીને
અનિલ અંબાણીને દિલ્હી બોલાવી લીધા હતા. સીબીઆઇએ તેમનો ભેટો ડાયરેક્ટ કસ્ટડીમાં રહેલા ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન એ. રાજા સાથે કરાવી દીધો હતો. અનિલ અંબાણી જૂથની કંપનીઓનો પગ પણ ટેલિકોમ કૌભાંડના કુંડાળામાં પડી ગયો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને ડયુઅલ ટેકનોલોજી પરમિટ કેવી રીતે મળી તે રહસ્યના આવરણમાં વીંટળાયેલો કોયડો છે. બીજી મોકાણ સ્વાન ટેલિકોમમાં રિલાયન્સ જૂથની ભાગીદારીની છે. આ બે વિષયો ઉપર અનિલ અંબાણીને મેરેથોન સવાલોનો સામનો કરવો પડયો હતો. જાણકારો કહે છે કે સીબીઆઇના અધિકારીઓએ એ. રાજાની અને અનિલ અંબાણીની સ્વાન ટેલિકોમની ઇક્વિટી બાબતમાં લાંબી પૂછપરછ કરી હતી પણ બેમાંથી કોઈ ટસના મસ થયા નહોતા.
સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ નામની નવીસવી કંપનીને ભારતના ૧૫ સર્કલમાં મોબાઇલ સેવાઓ આપવાનું લાઇસન્સ પાણીના ભાવે આપી દેવામાં આવ્યું હતું. આ લાઇસન્સ મળ્યું તે પહેલાં સ્વાન ટેલિકોમની ૯.૮૭ ટકા ઇક્વિટી રિલાયન્સ ટેલિકોમ કંપનીના હાથમાં હતી અને ૯૦.૧૩ ટકા ઇક્વિટી ટાઇગર ટ્રેડર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના હાથમાં હતી. ટ્રાઇના નિયમો મુજબ એક જ સર્કલમાં ઓપરેટ કરતી બે કંપનીઓ એકબીજામાં ૧૦ ટકાથી વધુ ઇક્વિટી ધરાવી શકે નહિ. સી.બી.આઇ.ને શંકા છે કે સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડની ૧૦ ટકા કરતા વધુ ઇક્વિટી હતી. સ્વાન ટેલિકોમને ૨૦૦૮ના જાન્યુઆરી મહિનામાં લાઇસન્સ મળ્યું તે પહેલા રિલાયન્સ ટેલિકોમ કંપનીએ ભેદી રીતે આ ઇક્વિટી વેચી મારી હતી. સ્વાન ટેલિકોમ કંપની ઉપર એવો આરોપ છે કે તેણે ડીએમકેના અધ્યક્ષ કરુણાનિધિના પરિવારની માલિકીના ક્લાઇગનર ટી.વી.ને ૨૧૪ કરોડ રૃપિયા લાંચના સ્વરૃપમાં ચૂકવ્યા હતા.
ભારતમાં જ્યારે મોબાઇલ ફોનની સેવાઓ શરુ કરવમાં આવી ત્યારે બે પ્રકારના લાઇસન્સો આપવામાં આવ્યા હતા. સીડીએમએ લાઇસન્સો માત્ર લિમિટેડ મોબિલીટી માટે સ્થાનિક ધોરણે ઓપરેટ કરતી કંપનીઓને આપવામાં આવ્યા હતા. જીએસએમ લાઇસન્સો ભારતભરમાં ઓપરેટ કરતી અને એસટીડીની સુવિધા આપતી કંપનીઓ માટે આપવામાં આવ્યા હતા. સીડીએમએ લાઇસન્સની ફી જીએસએમની સરખામણીમાં બહુ ઓછી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને સસ્તામાં સીડીએમએ લાઇસન્સ ખરીદીને ગેરકાયદે એસટીડીની સેવાઓ પણ આપવા માંડી હતી, જેનો જીએસએમ ઓપરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રિલાયન્સે પોતાની વગનો ઉપયોગ કરીને ડયુઅલ ટેકનોલોજી લાઇસન્સ માટે અરજી કરી ત્યારે કેન્દ્ર સરકારે હજી ડયુઅલ ટેકનોલોજી લાઇસન્સ માટેની નીતિ જાહેર પણ નહોતી કરી. રિલાયન્સની ખટપટને કારણે કેન્દ્ર સરકારે સીડીએમએ ઓપરેટરોને ડયુઅલ ટેકનોલોજી લાઇસન્સ આપવાની નીતિ જાહેર કરી હતી. આ જાહેરાતનો લાભ ચાર કંપનીઓને થયો હતો.
ટ્રાઇની ભલામણ મુજબ ટેલિકોમ ખાતાંએ ઇ.સ. ૨૦૦૭ની ૧૭મી ઓક્ટોબરે ડયુઅલ ટેકનોલોજી લાઇસન્સો આપવાની જાહેરાત કરી હતી. રિલાયન્સ કોમ્યુનિકેશને અગાઉ જ ડયુઅલ ટેકનોલોજી માટે અરજી કરી રાખી હતી.
સરકારની નીતિ જાહેર થઈ તેના માત્ર બે દિવસમાં રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની ૧,૬૪૫ કરોડની રૃપિયાના બેન્ક ડ્રાફ્ટ સાથે હાજર થઈ ગઈ હતી. નવાઈની વાત એ છે કે આ બેન્ક ડ્રાફ્ટ રિલાયન્સ કોમ્યુનિકેશનના બદલે રિલાયન્સ ઇન્ફોકોમ કંપનીના ખાતામાંથી ઉતાવળે કઢાવવામાં આવ્યો હતો. ટેલિકોમ ખાતાએ આ થર્ડ પાર્ટી ડ્રાફ્ટ પણ સ્વીકારી લીધો હતો અને રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીને ડયુઅલ ટેકનોલોજી લાઇસન્સ આપી દીધું હતું. આ કારણે રિલાયન્સ કોમ્યુનિકેશનનું સીડીએમએનું લાઇસન્સ જીએસએમની સમકક્ષ બની ગયું હતું. કેન્દ્ર સરકાર તરફથી રિલાયન્સ જૂથની કંપનીઓની આટલી મોટી તરફેણ કરવામાં આવી ત્યારે એ. રાજા કેન્દ્રમાં ટેલિકોમ પ્રધાન હતા.
સીબીઆઇએ સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ (હવે ડીબી- એટિસલાટ ટેલિકોમ)ના મેનેજીંગ ડિરેક્ટર શાહીદ બલવાની ધરપકડ કરી તે પછી શેરબજારમાં અફવા ફાટી નીકળી હતી કે હવે અનિલ અંબાણીની ધરપકડ થવાની છે. આ અફવાને કારણે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની કંપનીઓના શેરો ગગડી ગયા હતા અને તેમને એક જ સેશનમાં ૨.૫ અબજ ડોલરનું નુકસાન ગયું હતું અનિલ અંબાણીએ તો 'સેબી'માં ફરિયાદ કરી દીધી હતી કે તેમના વિરોધી દલાલોનું જૂથ અફવાઓ ફેલાવી રહ્યુ છે અને તેમની કંપનીના શેરોના ભાવો તોડી રહ્યું છે. બુધવારે અનિલ અંબાણીને સીબીઆઇનું તેડું આવ્યું તેના ઉપરથી પુરવાર થાય છે કે આ અફવા સાવ પાયાવિહોણી નહોતી. અનિલ અંબાણીને સીબીઆઇએ હકીકતમાં વિધિસર કોઈ સમન્સ મોકલ્યા નહોતાં પણ તેમને ફોન કરીને સીબીઆઇની ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આ કારણે રિલાયન્સ ઇન્ફોકોમ કંપનીએ પ્રેસ-નોટ બહાર પાડી હતી કે અનિલ અંબાણીને કોઈ સમન્સ મોકલવામાં નહોતા આવ્યા પણ તેઓ 'રૃટિન' પૂછપરછ માટે સીબીઆઇની ઓફિસમાં ગયા હતા.
અનિલ અંબાણી ધંધાની દ્રષ્ટિએ પણ અત્યારે તેમના જીવનની મોટામાં મોટી કસોટીમાંથી પસાર થઈ રહ્યા છે. ગયા મહિને અનિલ અંબાણી જૂથની બે કંપનીઓ બાબતમાં 'સેબી' સાથે તડજોડ કરવામાં આવી હતી, જેમાં અનિલ અંબાણીએ આ વર્ષના ડિસેમ્બર મહિના સુધી અમુક શેરોમાં રોકાણ કરવાનું સ્વીકાર્યું હતું. આ મુદ્દો આ બે કંપનીઓના ભંડોળના દુરૃપયોગને લગતો હતો. અનિલ અંબાણી જો સ્વેચ્છાએ પ્રતિબંધ ન સ્વીકારે તો 'સેબી' તેનાથી પણ વધુ આકરી સજા કરવાના મૂડમાં હતું. આ સમાચારને અમુક અખબારો દ્વારા જરા અલગ રીતે ચમકાવવામાં આવ્યા ત્યારે અનિલ અંબાણીએ ખાસ પ્રેસ- કોન્ફરન્સ બોલાવીને તેને રદિયો આપ્યો હતો.
અનિલ ધીરુભાઈ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન કંપની એકદમ માંદી પડી ગઈ છે. ઇ.સ. ૨૦૦૮માં શેરબજાર જ્યારે ટોચ ઉપર હતું તે પછી આ કંપનીના ભાવોમાં ૮૮ ટકાનો ઘસારો થયો છે. અત્યારે આ કંપનીના ભાવો છેક તળિયે છે.
છેલ્લા સતત છ ક્વાર્ટરમાં તેનો નફો સતત ઘટી રહ્યો છે. આ કંપનીની માર્કેટ કિંમત ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ૪.૫ અબજ ડોલર હતી પણ તેના માથે સાત અબજ ડોલરનું તો દેવું હતું. અનિલ અંબાણી આ કંપનીનો ૨૬ ટકા હિસ્સો કોઈ ખરીદદારના ગળામાં પહેરાવી દેવા માંગે છે, પણ કંપનીની બિસ્માર હાલત જોઈને કોઈ ખરીદદાર પણ તૈયાર થતો નથી.
રિલાયન્સ કોમ્યુનિકેશન કંપનીના મોબાઇલ ટાવર વિભાગને અલગ પાડીને સ્વતંત્ર કંપની તરીકે લિસ્ટીંગ કરાવવાની યોજના પણ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પડી ભાંગી છે. ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ટેલિકોમ પ્રધાન એ. રાજાને પાણીચું આપવામાં આવ્યું તે પછી શેરબજારના સેન્સેક્સમાં નવ ટકાનો ઘટાડો થયો છે પણ રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરોમાં ૪૧ ટકાનું ગાબડું પડી ગયું છે. આટલું ઓછું હોય તેમ સીબીઆઇની ઉપાધિ આવી પડી છે.
રિલાયન્સ જૂથના સ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા ધીરુભાઈ અંબાણીના અવસાન પછી મુકેશ અને અનિલ પિતાશ્રીના વારસા બાબતમાં ઝઘડયા હતા, જેને કારણે રિલાયન્સ જૂથના બે ભાગલાઓ થયા હતા. આ ભાગલાઓ પછી આજ દિન સુધી અનિલ અંબાણી મોટાભાઈ મુકેશના પડછાયામાંથી બહાર આવી શક્યા નથી. ગયા વર્ષે મુકેશ અંબાણી એક અબજ ડોલરના ખર્ચે બંધાયેલા ૨૭ માળના ટાવરમાં રહેવા ગયા તે પછી અખબારોમાં સમાચાર ચમક્યા હતા કે અનિલ અંબાણી પણ બાંદરાના પાલીહિલ વિસ્તારમાં ગગનચુંબી ટાવર બાંધી રહ્યા છે, જેનો વિરોધ બાજુના મકાનના રહેવાસીઓ કરી રહ્યા છે. તરત જ અનિલ ધીરુભાઈ અંબાણી જૂથ તરફથી ખુલાસો બહાર પાડવામાં આવ્યો હતો કે આ ટાવર અનિલ અંબાણી માટે નહીં પણ તેમની કંપનીના ઉચ્ચ અધિકારી માટે બંધાઈ રહ્યો છે.
અનિલ અંબાણી પોતાના વ્યક્તિગત જીવનમાં તેમજ ધંધામાં પણ અનેક કટોકટીઓમાંથી હેમખેમ પસાર થઈ રહ્યા છે. અનિલ અંબાણી તે સમયની મશહુર હિરોઇન ટીના મુનિમના પ્રેમમાં પડયા હતા અને સમગ્ર પરિવારની ઉપરવટ જઈને પણ તેને પરણ્યા હતા.
સમાજવાદી પક્ષના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને અમરસિંહ સાથે દોસ્તી કરીને તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે રાજકારણની હવા પણ ચાખી આવ્યા છે.
અનિલ અંબાણી તેજીલા તોખાર ગણાય છે. તેમને ઘોડાઓ બહુ પસંદ છે. તેમના ઘરમાં અને ઓફિસમાં પણ ઠેકઠેકાણે જાતજાતના ઘોડાઓની રચનાઓ જોવા મળશે. અનિલ અંબાણી બિઝનેસમાં પણ ઘોડાની જેમ છલાંગ લગાવતા હોય છે. હવે સીબીઆઇ જ્યારે તેમની પાછળ પડી છે ત્યારે કેવો કેવી છલાંગ લગાવીને તેની પકડમાંથી છટકી જાય છે તે જોવાનું રહે છે.
- સંજય વોરા
No comments:
Post a Comment